બોલે ઝીણા મોર/બસ્તી મેં ચાર ચાઁદ સે ચેહરે થે ક્યા હુએ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બસ્તી મેં ચાર ચાઁદ સે ચેહરે થે ક્યા હુએ?

ભોળાભાઈ પટેલ

વો ગુનગુનાતે રાસ્તે
ખ્વાબોં કે ક્યા હુએ
વીરાને ક્યૂં હૈં બસ્તિયાઁ
બાશિંદે ક્યા હુએ

કેટલીક વાર એવાં આશ્ચર્યો બને છે કે બન્યા પછી પણ પ્રશ્ન કરીએ – ખરેખર? આવું એક આશ્ચર્ય હમણાં થયું. વાત માંડીને કરું? એક વાર એક પત્રિકામાં એક ઉર્દૂ કવિતાની એક લીટી વાંચી થંભી ગયો હતો. એ આખો દિવસ એ લીટી હોઠ પરથી ખસે નહિ – ‘વીરાન ક્યૂં હૈં બસ્તિયાઁ બાશિંદે ક્યા હુએ?’ એક ઘર, એક ગામ, એના રહેવાસીઓ જતાં ઉજ્જડ થઈ ગયું હોય એવો ભાવ છે. ક્યાં ગયા રહેનાર? જૂની જીવંત વસ્તીનું શું થયું? અંગ્રેજીમાં જેને કહે છે — loss – લૉસ, એક મર્મ-વિદારક ‘લૉસ’નો કવિનો અનુભવ બની જાય છે. આમાં માત્ર ઘર, ગામ ઊજડી જવાની વાત નથી, ઉપરાંત ઘણીબધી વાત છે, પણ મને તો મળી હતી એક લીટી, આખી ગઝલ મળી જાય તો પૂરેપૂરા રંગો સાથેનું ચિત્ર ઊભરે. કવિ શીન કાફ નિઝામની એ રચના હતી.

ઘણી વાર ચિત્તમાં એ લીટી ઝબકી જતી. આખી ગઝલ ક્યાંથી મેળવવી? પણ આશ્ચર્ય, એ કવિ શીન કાફ નિઝામનો પત્તો જ નહિ, સ્વયં કવિ શિન કાફ નિઝામ જ મળી ગયા, ‘અજ્ઞેય પ્રસંગ’ વખતે ભોપાલમાં ‘પલાશ’ હોટલમાં. અમારી રૂમો પાસપાસે હતી!

એક સાંજે મેં કહ્યું ‘વીરાન ક્યૂં હૈં બસ્તિયાં’ ગઝલ મારે તમારે સ્વમુખે સાંભળવી છે. આશ્ચર્યથી મારી સામે જોઈ કહે, ‘તમને એ ગઝલની ક્યાંથી ખબર? અમદાવાદના એક મુશાયરામાં હું આવ્યો હતો, પણ મેં એ ગઝલ રજૂ કરી ન હતી.’ મેં કહ્યું, ‘મને તો માત્ર એક લીટી જ મળી છે, પણ બહુ પ્રભાવિત કરી ગઈ છે. તમે આમ મળશો, એ તો કલ્પના પણ નહિ, હવે તો સંભળાવો…’ કશી આનાકાની નહિ. થોડી ગુનગુનાહટ પછી એમણે ગાવાનું શરૂ કર્યું.

વે ગુનગુનાતે રાસ્તે
ખ્વાબોં કે ક્યા હુએ
વીરાન ક્યૂં હૈં બસ્તિયાઁ
બાશિંદે ક્યા હુએ

એક શેર ગાતાં તો વાતાવરણ રચાઈ ગયું. ‘ગુનગુનાતે ખ્વાબોં કે રાસ્તે’ ગીત ગાતા સ્વપ્નોભર્યા માર્ગોનું શું થયું? અને પછી જે બીજો શેર આવ્યો તે તો જાણે અજવાળું પાથરી રહ્યો :

જિનસે અંધેરી રાતોં મેં
જલ જાતે થે દીયે
કૈસે હસીન લોગ થે
ક્યા જાને ક્યા હુએ

એવાં સુંદર લોકો હતાં (કવિનો ઇશારો કદાચ પોતાની એક સુંદર પ્રિય વ્યક્તિ માટે પણ હોય) કે તેમના હોવાથી અંધારી રાતમાં દીવા પ્રકટી ઊઠતા. પણ આજે એ ક્યાં છે? સુંદર નારીદેહને ‘દીપશિખા’ કે ‘Flame’ ફ્લેમ – સહસા પ્રકટી ઊઠતી જ્યોત સાથે કવિઓ સરખાવતા આવ્યા છે. આ કવિ કહે છે કે એ સૌન્દર્યની હાજરીમાં દીવા પ્રકટી ઊઠતા. અંધારામાં દીવા પ્રકટવાની વાત વાચ્યાર્થમાં ઓછી લેવાની હોય? પણ એ સૌન્દર્યોનું શું થયું?

ખામોશ ક્યૂં હો કોઈ તો
બોલો જવાબ દો
બસ્તી મેં ચાર ચાંદ સે
ચેહરે થે ક્યા હુએ

ઉજ્જડ નગરની શેરીઓમાં ફરતાં કવિને જાણે કોઈ જવાબ મળતો નથી. જે થોડાક લોકો હશે તે ખામોશ છે. કદાચ એમને પણ વ્યથા હશે ‘ચાઁદ સે ચેહરે’ હવે નથી એની. પણ કવિની સ્મૃતિમાં તો આખો ભૂતકાળ જીવતો થાય છે. કવિ શીન કાફ નિઝામનું ગળું પૂરું ખીલ્યું હતું, અને આખા ઓરડામાં એમનો અવાજ ગુંજતો હતોઃ

મુમકિન હૈ કટ ગયે હોં
વો મૌસમ કી ધાર સે
ઉન પર ફુદકતે શોખ
પરિન્દે થે ક્યા હુએ

‘મૌસમ કી ધાર’થી ‘મુમકિન હૈ કટ ગયે હોં’ કહીને કવિએ એ સુંદર ચહેરાઓની કિસ્મતનો સંકેત કર્યો, પણ પછી પૂછે છે કે એ ચહેરાઓ તો ગયા, પણ તેમની આસપાસ ફુદકતા રહેલ ચંચલ પરિન્દાઓનું-પંખીઓનું શું થયું? એ સૌન્દર્યોને ચાહનારા ક્યાં ગયા?

કવિને વસ્તીના સર્વસાધારણ મનુષ્યો પણ યાદ આવે છે. એ પણ ક્યાં ગયા બધા?

પૂરે થે અપને આપમેં
આધે અધૂરે લોગ
જો સબ્રકી સલીબ
ઉઠાતે થે ક્યા હુએ

અહીં રહેતા લોકોના જીવનમાં ઘણી અધૂરપો હોવા છતાં પોતાની રીતે પૂરી જિંદગી જીવતા હતા. અપાર ધીરજનો ક્રૉસ ઉપાડીને એ ચાલતા હતા. કવિને પોતાની બેફિકર જિંદગીના દિવસો યાદ આવે છે, જ્યારે રાત્રિઓ ઉજાગરામાં વીતતી :

હમસે વો રતજગોંકી
અદા કૌન લે ગયા
ક્યૂં બુઝ ગયે અલાવ
ઔર વે કિસ્સે ક્યા હુએ

‘ઉજાગરાઓની અદા’ – કેવી નજાકતભરી અભિવ્યક્તિ છે! એ સમયે ઉજાગરાઓની પણ અદા હતી. અલાવ-તાપણા આગળ ડાયરા જામતા અને જાતજાતના કિસ્સા કહેવાતા. કદાચ કિસ્સા બનતા, પણ એ તાપણાં, એ કિસ્સા, એ બધાંનું શું થયું? નગરમાં નવાં લોકો કદાચ આવીને વસ્યાં હશે, નવી ઇમારતો પણ રચાઈ હશે; પણ કવિની આંખ તો પુરાણા નગરની પુરાણી પરિચિત, ભલે ગરીબ વસ્તી જોવા ઝંખે છે :

ઊંચી ઇમારતેં તો બડી
શાનદાર હૈં
પર ઇસ જગહ જો રૈન
બસરે થે ક્યા હુએ.

એટલે કે નગર ઉજ્જડ તો નથી થઈ ગયું, નવું નગર વસતું ગયું છે; પણ કવિને એ જે જૂનું નગર કે ગામ-વસ્તી હતાં, જે લોકો હતાં, જે કેટલાક ચાહવા લાયક ચહેરા હતા, તે ન રહેતાં ભરેલું નગર પણ ઉજ્જડ ભાસે છે. ખાલીપો અનુભવતી કવિચેતના ગઝલના છેલ્લા શેરમાં ચરમસીમાએ પહોંચે છે :

વો જાગતી જબીનેં
કહાં જાકે સો ગઈ
વો બોલતે બદન
જો સિમટતે થે ક્યા હુએ

છેલ્લી પંક્તિ — ‘વો બોલતે બદન’માં કેવું ઐન્દ્રિક અને અર્થપૂર્ણ ચિત્ર છે! શરીરની વાત છે. બોલતાં શરીર-સિમટતાં શરીર એ શબ્દો દ્વારા પ્રેમસ્પર્શની માંસલ અનુભૂતિનો સંકેત છે. પણ ક્યાં છે એ શરીર? ક્યા હુએ?

પણ છેલ્લા શેરની પહેલી લીટી મને ન સમજાઈ. મેં પૂછ્યું, ‘જબીનેં?’ કવિ શીન કાફે નિઝામે કપાળે હાથ મૂકતાં કહ્યું, ‘જબીનેં!’ લલાટ, ભાગ્ય. એ અર્થ તો ખરો, ઉપરાંત એક બીજો સંદર્ભ પણ છે. નમાજ પઢતાં પઢતાં જે કપાળમાં દાગ પડી ગયા છે, એ. એટલે એ લીટીમાં એકસાથે અનેક અર્થ આવી ગયા. ભાગ્યશાળી લોકો ક્યાં ગયા? ધાર્મિક લોકો ક્યાં ગયા? કે પછી શારીરિક સુંદરતાના પક્ષે સુંદર ભાલપ્રદેશ ધરાવતી હસ્તીઓ ક્યાં જઈ હવે સૂઈ ગઈ છે? એક હંમેશની loss – લૉસનો ભાવ, પણ જે સઘન ઇન્દ્રિયાનુભૂતિના ચિત્રણથી સહ્ય બની જાય છે. લાગે કે આખી ગઝલમાં પ્રેમની વસ્તી ઊજડી જવાનો ભાવ કેન્દ્રમાં છે.

કવિએ ફરી એ શેર ગાયો અને પછી એકદમ ઊતરતા જતા સૂરમાં પહેલો શેર ફરી ગાયોઃ

વો ગુનગુનાતે રાસ્તે
ખ્વાબોં કે ક્યા હુએ
વીરાન ક્યૂં હૈં બસ્તિયાં
બાશિન્દે ક્યા હુએ.

કવિના સૂર શમી ગયા. થોડી વાર ઓરડામાં મૌન વ્યાપી ગયું. ‘ક્યા હુએ, ક્યા હુએ’ – શબ્દો જાણે આકાર લઈ એ ખામોશીમાં તરતા ન હોય! ૯-૪-૮૯