બોલે ઝીણા મોર/બ્રાઉઝિંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બ્રાઉઝિંગ

ભોળાભાઈ પટેલ

કાલે સાંજે દક્ષિણ દિશાની બાલ્કનીમાં બેસી આકાશ ભણી જોતો હતો, કેટલાય દિવસથી વાદળ ઝળૂંબે છે પણ વરસતાં નથી. લસલસ પાકાં જાંબુ જેવાં એ વાદળને જરા જો અડીએ તો રસરસ થઈ જાય એમ છે. અષાઢનો એ પ્રથમ દિવસ એટલે છેલ્લો દિવસ હતો. આ બાજુએ તો અષાઢ લગભગ કોરો ગયો છે. મને થયું, એકાએક આ પવન ઠંડો થયો છે અને હવે આ આથમણી દિશામાં જરા ઊંચે ઝળૂંબતાં વાદળનો રંગ મેદૂર થઈ ઊઠ્યો છે તો કદાચ વરસી પડશે. મારું મન જાણે ખાલી ખાલી છે, મનના પાત્રને શેનાથી ભરું? જો આ વરસે…

ત્યાં ખબર ના પડી ક્યાંથી આવ્યાં ચાર પંખી. એ પંખી કાળા ડિબાંગ બનેલાં વાદળોના કૅન્વાસ પર ઊડતાં ઊડતાં આવી રહ્યાં હતાં. અહો, કેટલી મોકળાશમાં એ ઊડી રહ્યાં હતાં! ચાર એટલે કે બબ્બેનાં યુગલ હોવાં જોઈએ. પાછાં ક્યાંક ઊડી ગયાં. ફરી પાછાં બીજાં ચાર. એ જ હતાં કે બીજાં? હું એમના મસ્તીભર્યા સ્વૈર-ઉડ્ડયનને જોતાં જોતાં વાદળ વરસવાની વાતને વીસરી ગયો. વળી પાછાં એ પણ દૃષ્ટિ મર્યાદાની બહાર ક્યાં વહી ગયાં.

એમની સ્વૈરગતિ મારા ખાલી મનના પાત્રમાં ભરાઈ ગઈ હોય તેમ તે ઉત્સાહિત થયું હોય એમ લાગ્યું. લાવ કશુંક વાંચું, એમ થયું. જેમ નિરુદ્દેશ ભટકવાનો એક આનંદ હોય છે, નિરુદ્દેશે વાંચવાનો પણ એક આનંદ હોય છે. અધ્યાપક હોઈએ એટલે વાંચવાની કાંઈ નવાઈ ન હોય; પણ ઘણા ભાગે એ વાચન પોતાના વિષયને લગતું, વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવવાની તૈયારી રૂપે, અથવા કોઈ અભ્યાસલેખ લખવા માટે કે પ્રવચનના મુદ્દા ઉપસાવવા માટે હોય. ‘અભ્યાસી’ને કામ વગરનું આડુંઅવળું વાંચવાનું ન પાલવે. એવું બધું વાંચવું તે તો ‘લક્ઝરી’ કહેવાય.

પણ આવી લક્ઝરી ઘણા અભ્યાસીઓ ભોગવતા હોય છે. ક્યાંક કોઈ જૂનું પુસ્તક, ‘કુમાર’ કે ‘સંસ્કૃતિ’નો જૂનો વંચાઈ ગયેલો અંક, ‘રીડર્સ ડાયજેસ્ટ’નાં આગળપાછળ ફાટી ગયેલાં પાનાંવાળો અંક ગુજરીમાં ચાર-આઠ આનામાં ખરીદી લાવેલાં અને પછી પડી રહેલા વિદેશી સામયિકના અંક હાથમાં આવી જાય, અને પછી વંચાઈને રહે. આ નિરુદ્દેશ વાચનમાં એક મોકળાશ હોય છે. હાથમાં પેન્સિલ કે મુદ્દા ટપકાવવા રફપૅડ રાખવાની જરૂર નહિ. બસ, મુક્ત મને વાંચતાં જાઓ. અર્થાન્વેષી કે તત્ત્વાન્વેષી બન્યા વિના વાંચવાનો સામાન્ય વાચકનો આનંદ વ્યવસાયી વાચકોને નસીબે બહુ હોતો નથી, તેમ છતાં એવો આનંદ સ્વૈરી સ્વભાવને કારણે મળી જાય છે.

મારા ઘરમાં ગ્રંથાલયવિજ્ઞાનમાં પારંગત ચાર ચાર સભ્યો હોવા છતાં મારા અંગત પુસ્તકસંગ્રહની એમની વ્યવસ્થા જળવાતી નથી, એમાં આડાઅવળા વાચનનો મારો સ્વભાવ છે. એક વખત લાંબી રજાઓ બહાર ગાળ્યા પછી ઘેર આવીને જોઉં છું તો મારા અભ્યાસખંડમાં ઘોડાઓમાં પુસ્તકો વિષયવાર વ્યવસ્થિત ગોઠવાયેલાં! પત્રપત્રિકાઓ-સામયિકોનો વિભાગ અલગ. પુત્રવધૂ શર્મિએ કાપલીઓ ચોઢેલી – ‘પુસ્તક જ્યાંથી લો, ત્યાં પાછું મૂકો.’ આ સૂચના મારે માટે જ હતી. થોડા દિવસ તો એ ચાલ્યું, પણ પછી અવ્યવસ્થા. પુસ્તકોના ઢગલા થઈ જાય. આનંદે તો એક પાકું નાનકડું માળિયું પણ કરી આપ્યું તેય ભરાઈ ગયું. ખંડમાં એક નાનું ટેબલ બીજું મૂક્યું, તે ઢગલાથી છલકાવા લાગ્યું. આથમણી બારી તો ઉઘાડી ન શકાય એટલી પાછી જૂના અંકો, નવી ચોપડીઓથી ભરાતી ગઈ. હવે એ લોકો થાકી ગયાં છે.

પણ દેખાતી અવ્યવસ્થામાંથી મારી વ્યવસ્થા ગોઠવી લઉં છું. એમાં મઝા એ છે કે જોઈતી ચોપડી શોધવા જાઓ એટલે કોઈ ન જોઈતી ચોપડી કે અંક હાથમાં આવી જાય. ચોપડી શોધવાનું બાજુ રહે, અને પેલી ચોપડી કે અંક લઈ વાંચવા બેસી જવાય! પડ્યો રહે લેખ લખવાનો કે આઘી રહે પ્રવચનની તૈયારી. ઉતરાણને દિવસે અગાશીમાં થોડી વાર જઈએ અને છોકરાંના હાથમાં ઠમકી ખાવા પતંગ લઈએ અને પછી તો પેચંપેચમાં પડી જઈએ – કંઈક એવું.

આ લાંબીલસ વાત થઈ ગઈ. પંખીઓને ઊડતાં જોયાં પછી વાંચવાનું મન કરી ખંડમાં આવ્યો એ વાત કરતાં કરતાં આમતેમ જોવા લાગ્યો. ટેબલ પર ઘણી ચોપડીઓ રાહ જોતી હતી, પણ એ તરફ ન જોયું. થોડા દિવસ પહેલાં કેટલાક ઘોડા ફરીથી ગોઠવ્યા ત્યારે જે એ વિષય કે વિભાગમાં ન આવે એવાં કેટલાંક પુસ્તકો કે અંક તોરલના હાથમાંથી લઈ બારીમાં ઢગલો કરી રાખેલાં. કેટલાંક તો પોટકાં બાંધી માળિયે ચઢાવી દેવાના હેતુથી. ત્યાં રામચંદ્ર જાગુષ્ટેને ત્યાંથી ત્રણ દરવાજેથી લીધેલી ફાટી ગયેલી ‘ગજરા મારુની વાત’, પણ હતી; ‘કુમાર’, ‘સંસ્કૃતિ’ના છૂટા અંક હતા. એક-બે ‘નેશનલ જોગ્રોફિક મૅગેઝિન’ હતાં. ‘સેતુ’ અને ‘ગદ્યપર્વ’ના અંક હતા. બંગાળી ‘કથાસાહિત્ય’ અને મરાઠી ‘સત્યકથા’ના જૂના અંક. ‘ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટે’ ૧૯૭૦માં બહાર પાડેલા અનુવાદ વિષેના ‘ક્લોઝિંગ ધ ગૅપ’ નામે બે જર્જરિત વિશેષાંકો (જે અનુવાદની કાર્યશિબિર વખતે બહુ શોધેલા) પણ હતા, અને ‘નકામી’ પત્રિકાઓ પણ – મારી સંઘરી રાખવાની ટેવને લીધે.

મારે ભારે કશું વાંચવું નહોતું. અંગ્રેજીમાં જેને ‘બ્રાઉઝિંગ’ કહે છે કંઈક એવું. જરા મોજ ખાતર પાનાં ઉથલાવવાં હતાં. આ બ્રાઉઝિંગની ખરી મઝા તો અવનવી ભરચક ચોપડીઓથી ખીચોખીચ ગ્રંથભંડારમાં આવતી હોય છે. ઘણી વાર તો ગ્રંથભંડારનો માલિક નારાજ નજરે આપણા તરફ જોતો તો નથી ને – એમ ચોપડીઓનાં પાનાં ફેંદતાં ફેંદતાં એના તરફ જોઈ લેવું પડે. એને થતું હોય કે આ માણસ ચોપડી લેતો નથી ને આમતેમ ફરી ચોપડીઓમાંથી વાંચતો ફરે છે. પણ થાય શું? ચોપડીઓ એટલી બધી મોંઘી થઈ ગઈ છે અને ખાસ તો વિદેશની કે લેવાને ગમી જાય તોય એની કિંમત જોઈ ખિસ્સામાં હાથ જાય અને પાછા આવે.

પણ વિદેશયાત્રા દરમ્યાન મને આવા પુસ્તક ભંડારોમાં બ્રાઉઝિંગનો સુખદ અનુભવ થયો. ન્યૂયૉર્કના એક દીવાલની લગોલગ ઘોડામાં ગોઠવાયેલાં પુસ્તકો અને સામયિકોના નાનકડા સ્ટૉલ આગળ તો પાટિયું જ મૂકેલું – ‘બ્રાઉઝર્સ આર વેલકમ.’ અને વળી ઘણા બ્રાઉઝર્સ હોય પણ. મોટા મોટા પુસ્તકોના સ્ટોર્સમાં પણ આ અનુભવ સલમાન રશદીની પાકા પૂઠાવાળી ‘સેતાનિક વર્સિસ’ ચોપડીનાં આરંભનાં કેટલાંય પાનાં શિકાગોના એક ભોંયતળિયેના ભંડારમાં ઊભાં ઊભાં વાંચી નાખેલાં. આપણે આવા વાચક તરીકે કશો સંકોચ નહિ કરવાનો.

પૅરિસમાં સીન નદીને કાંઠે તો આ બ્રાઉઝિંગની ઓર મઝા છે. જાતજાતની ચોપડીઓ જ ચોપડીઓ! પણ એ બધી વાત ક્યાં કરું? ઘરઆંગણે કલકત્તામાં કૉલેજ સ્ટ્રીટ વિસ્તારમાં ફૂટપાથ પર જે સેકન્ડ હૅન્ડ પુસ્તકો પથરાયેલાં હોય છે, તે ફેંદવાનો પણ રોમાંચક અનુભવ લેવા જેવો છે.

પણ અત્યારે તો મારે ઘરમાં જ બ્રાઉઝિંગ કરવાનું હતું. એટલે બારીમાંની પત્રપત્રિકાઓ જરા ઊંચનીચે કરતાં ‘ચાઇનીઝ લિટરેચર’ એ ત્રૈમાસિકનો જૂનો અંક હાથમાં આવ્યો. ૧૯૮૬નો અંક હતો. યાદ આવ્યું, ઉમાશંકરભાઈએ આપેલો. એમને ત્યાં ઘણી પત્રિકાઓ અને પુસ્તકો આવે. ઘણી વાર આપણા હાથમાં આપતાં કહેશે – ‘વાંચજો’.

હજી આગલે દિવસે જ ૨૧મી જુલાઈએ કવિનો જન્મદિવસ હતો, એટલે મન એમની સ્મૃતિથી વેગળુંય નહોતું, ત્યાં આ એમણે આપેલો અંક. હાથમાં લઈ બહાર ફરી બાલ્કનીમાં આવ્યો. ચીની વાર્તા, કવિતા અને કળાનું આ ત્રૈમાસિક હતું. થોડાંક ચિત્રો જોયાં, એક-બે કવિતાઓ વાંચી. છેલ્લે જતાં જતાં ‘ફેબલ્સ’ – બોધ-બોધકથાઓ, પશુકથાઓ (પંચતંત્ર-હિતોપદેશ જેવી) શીર્ષક આવ્યું. નાની નાની સચિત્ર બોધકથાઓ. એકસાથે બધી વાંચી ગયો. મઝા પડી.

આ બોધકથાઓનું એવું હોય છે કે એ કદી જૂની થતી નથી અને કોઈ દેશની સીમામાં બંધાઈ રહેતી નથી. એમાં એક ધરબાયેલું ડહાપણ હોય છે, અને આ તો પાછું ચીનનું કહેવતરૂપ બની ગયેલું ડહાપણ — વિઝડમ. એટલે એ બોધકથાઓ ગમે ત્યારે વાંચીએ, આપણા સમયમાં એ એટલી જ પ્રસંગાનુરૂપ લાગવાની. સુજ્ઞ વાચકોને તો તરત એમાં આજની રાજકીય ઘટનાઓને લાગુ પાડવા જેવા અર્થ દેખાશે.

વાઘની પ્રેસ્ટિજ

એક વાઘની બોડમાં માંસનો મોટો જથ્થો હતો. કેટલાક ઉંદર એ માંસમાંથી ચોરી કરવા અંદર ઘૂસી ગયા. વાઘે એમને પકડવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ઉંદર છટકી જાય અને પાછા આવે. થાકીને વાઘે છેવટે વાંદરાભાઈની સલાહ માગી. વાંદરાભાઈએ કહ્યું. ‘એક બિલાડી રાખો.’ પણ વાઘે તો નકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું :

‘એ કેવી રીતે મારાથી થાય? બિલાડી રાખું એનો અર્થ એવો થાય કે હું જંગલનાં પ્રાણીઓનો રાજા છું છતાં બિલાડી જેટલોય શક્તિમાન નથી – એથી તો બીજાં પ્રાણીઓમાં મારી પ્રેસ્ટિજ-પ્રતિષ્ઠા બગડે. ના, બિલાડીને તો કદી ના રાખું.’

તે દિવસથી વાઘે ઉંદરો તરફ આંખ આડા કાન કરી લીધા અને એમને જેમ ફાવે તેમ કરવા દીધું.

બીજી એક કથા ‘જાદુઈ ચરુ’ પ્રમાણમાં જરા લાંબી છે, પણ ઘણી વેધક છે.

ખેતર ખેડતાં ખેડતાં એક ખેડૂતને અંદરથી ચરુ મળી આવ્યો. એ ચરુ જાદુઈ હતો. તમે એમાં એક બદામ નાખો તો ફટાફટ એમાંથી એક્યાશી બદામ બહાર આવે, એવું જ રૂપિયા નાખો તો થાય. જે કંઈ નાખીએ તે એક્યાશીની સંખ્યામાં બહાર આવે. ખેડૂત તો રાજી રાજી થઈ ગયો. હવે એને જીવનનો આધાર મળી ગયો.

ખેતરના માલિકને એ વાતની ખબર પડી. એણે ગર્જના કરીને કહ્યું, ‘જાદુઈ ચરુ મારા ખેતરમાંથી નીકળ્યો છે. એના પર મારી માલિકી છે.’ એણે ચરુ ખેડૂત પાસેથી પડાવી લીધો.

થોડા સમયમાં જ એ જિલ્લાના સૂબાને એ વિષે સાંભળવા મળ્યું. એણે કહ્યું કે જાદુઈ ચરુ મારી હકૂમતના વિસ્તારમાંથી મળ્યો છે એટલે એ મારા તાબામાં હોવો જોઈએ. એણે તરત પોતાના માણસો મોકલ્યા અને ખેતર-માલિકને ત્યાંથી ચરુ કબજે કરી લીધો.

સમાચાર રાજાને પહોંચ્યા. એણે ઘોષણા કરી : ‘મારા રાજ્યની તસુએ તસુ જમીન મારી છે. એટલે કહેવાની જરૂર પણ નથી કે જાદુઈ ચરુ મારો છે.’ એણે સૂબાને ચરુ સોંપી દેવાનો આદેશ કર્યો.

જાદુઈ ચરુ રાજા પાસે આવ્યો. રાજાને ત્યાં તો ધનના ઢગલા થવા લાગ્યા. એનાં બધાં હીરામાણેક એક વાર ચરુમાં નાખતામાં તો એક્યાસી ગણાં થઈને મળવા લાગ્યાં.

પછી રાજાને બીક લાગી કે કદાચ આ જાદુઈ ચરુ ચોરાઈ જશે! એટલે ચરુનું રહસ્ય જાણી લીધું હોય તો સારું એવું એને લાગ્યું. રાજા પોતે ચરુમાં પેઠો અને અંદર પેસી બધે ફંફોસ્યું, પણ અંદરથી તો ચરુ ખાલીખમ હતો.

એટલે રાજા ચરુમાંથી બહાર નીકળ્યો, એ સાથે વિચિત્ર વાત બની. એક બીજો રાજા એની પાછળ બહાર નીકળ્યો. પછી ત્રીજો, પછી ચોથો અને એમ એક પછી એક એક્યાશી રાજા નીકળ્યા, બધા અદ્દલ મૂળ રાજા જેવા જ. દરેક રાજા કહેવા લાગ્યો કે હું જ ખરો અને અસલ રાજા છું. પછી તો દરેક જણ રાજસિંહાસન લેવા દોડ્યા, રાણીને પોતાની કરવા દોડ્યા, દરબારની બીજી સ્ત્રીઓ પર હક્ક કરવા ધસ્યા. અને દરેક જણ. પ્રજાને આદેશો આપવા લાગ્યા — એક્યાશીએ એક્યાશી જણ.

હવે બે લડતા ઉંદરો પણ જો એક દરમાં સાથે ન રહી શકતા હોય તો એક રાજમાં આટલા બધા રાજાઓ કેવી રીતે રહી શકે? એટલે તેઓ હવે માંહેમાંહે લડવા લાગ્યા. દરેકે પોતાનું લશ્કર રાખ્યું અને એક પછી એક નગર કે પ્રદેશ જીતવા લાગ્યા. આખું રાજ્ય લડાલડી અને કાપાકાપીમાં ફેરવાઈ ગયું. રાજમાં અંધાધુંધી ફેલાઈ ગઈ

એક રાજા બીજાને સાંખી જ શકતો નહિ, કેમ કે બધા એક જ સરખા સમર્થ હતા. મૂળે તો એક જ હતા.

પેલા ખેડૂતે આ જોયું. એણે કહ્યું : ‘અરેરે! મેં આ જાદુઈ ચરુ બહાર ના કાઢ્યો હોત તો ઠીક થાત. સત્તા માટેની એક રાજાની લાલસા બીજા રાજાને સહન કરી શકતી જ નથી, એ પોતાના પડછાયા સાથે પણ જીવસટોસટ લઢી રહેવાનો.’

મને થયું, આપણા દેશના તખ્તા પર પણ કંઈક આવું જ નાટક ભજવાઈ રહ્યું છે. એક્યાશી રાજા… મૂળે લોકશાહીના જાદુઈ ચરુમાંથી નીકળેલા એ જ એક સત્તાપ્રિય રાજારૂપ!

મૅગેઝિનમાં વાર્તા સચિત્ર આપી છે. ઉંદરોની દોડાદોડી અને આંખો બંધ કરીને બેઠેલો (પ્રેસ્ટિજને સાચવતો!) વાઘ કે ચરુમાંથી એક પછી એક નીકળીને આપસમાં લઢતા રાજા અને વિમાસી રહેલો પેલો ખેડૂત.

બીજી પણ નાની કથાઓ વંચાઈ ગઈ. બાલ્કનીમાં પણ હવે અંધારું ઊતરવા લાગ્યું હતું. આકાશ ભણી જોતાં બધાં વાદળ હવે એકાકાર બની જતાં લાગ્યાં. લાગે છે કે એ આજે પણ વરસવાનાં નથી.

છેવટે તો અધ્યાપક ને! નિજાનંદે વાંચેલી એ કથાઓ સૌની આગળ રજૂ કર્યા વિના રહી ના શક્યો. ૨૯-૭-૯૦