બોલે ઝીણા મોર/મુસકુરાઇયે કિ આપ લખનઊ મેં હૈં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુસકુરાઇયે કિ આપ લખનઊ મેં હૈં

ભોળાભાઈ પટેલ

લખનઊનો પોતાનો એક આગવો ચહેરો છે, આગવો મિજાજ છે. એક ઠુમરીનુમા નગર છે લખનઊ. ભગવાન રામચંદ્રની જન્મભૂમિ અયોધ્યાની પાસે હોવાથી કે કેમ લખનઊનો સંબંધ એમના લઘુભ્રાતા લક્ષ્મણ અર્થાત્ ‘લખન’ સાથે જોડવામાં આવે છે. આ નગરમાં લક્ષ્મણ રાજ્ય કરતા – પણ લખનવી મિજાજ સાથે લક્ષ્મણનો મિજાજ બેસાડવાનું અઘરું છે. આપણે મન લખનઊ એટલે રહેણીકરણી-બોલચાલની હર અંદાઝમાં એક નફાસત, એ રિફાઈનમેન્ટ, એક મુલાયમતા, જેનું એના આજના મુખ્યમંત્રી મુલાયમસિંહ સાથે માત્ર નામ સિવાય ભાગ્યે જ કશું સામ્ય હોય.

લખનઊ એટલે આપણે મન ઠૂમરીના ઉન્નાયક નવાબ વાજીદઅલી શાહનું નગર – સંગીતનું નગર, કબૂતરબાજી અને કુક્કુટયુદ્ધનું નગર, પતંગના પેચનું નગર; તબિયત ખુશ થઈ જાય સાંભળતાં એવી નજાકતભરી ઉર્દૂ ભાષા અને ઉર્દૂ શાયરીનું નગર, નર્તકીઓ અને તવાયફોનું નગર; પેલી ઉમરાવજાન અદા (ફિલ્મ જોઈ જ હશે)નું નગર, ‘તશરીફ લાઇયે ઔર તશરીફ લે જાઇયે’નું નગર, ‘પહલે આપ, અજી પહલે આપ’નું નગર, ‘શતરંજ કે ખિલાડી’નું નગર, મસ્જિદો અને મકરબાઓ અને બેગમબાગોનું નગર; તે પછી સન સત્તાવનના ખૂંખાર વિપ્લવનું નગર, અંગ્રેજી હકૂમતનું નગર – અને આજે ઉત્તર પ્રદેશ નામના ભારતના સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યનું પાટનગર.

હજી એવું લાગે કે લખનઊમાં જૂની-નવી બંને સંસ્કૃતિઓનો પ્રવાહ એ નગરની વચ્ચેથી વહી જતી ગોમતી નદીની જેમ વહી રહ્યો છે. વાતાનુકૂલિત સરકારી ભવનો ઊભાં થતાં ગયાં છે, તો હજી ગુંબજનુમા સ્ટેશન કે મેડિકલ કૉલેજ જેવી કૉલેજ કે લખનઊ યુનિવર્સિટી લખનઊના પરંપરાગત સ્થાપત્યને જાળવી રાખતાં જણાય છે. બડા ઇમામવાડાની આકાશને પણ ફ્રેમિંગ કરતી ઇમારત કે એની ભુલભુલૈયા અને છોટા ઇમામવાડાની કાચની ઝુમ્મરો, રૂમી દરવાજો, કેશરબાગ, લખનઊ ચૉક અને એ વિસ્તાર, કાળા બુરખા નીચે ઢંકાયેલું સૌંદર્ય (!) લખનઊના અસલી મિજાજનો સંસ્પર્શ કરાવે છે; તો અનામત વિરોધી આંદોલનમાં ભણતરનો બહિષ્કાર પોકારી, માર્ગ પરનો ટ્રાફિક રોકી દઈ, પોલીસની ધરપકડ વહોરી લેતી કૉલેજકન્યાઓ તેના આધુનિક મિજાજનો. રેસિડેન્સીનાં ચૂપચાપ ઊભેલાં ખંડેરો અંગ્રેજી શાસનની સ્મૃતિ જાળવી રહ્યાં છે. ખરેખર તો લખનઊને સજાવ્યું-શણગાર્યું છે નવાબોએ અને પછી અંગ્રેજોએ. લખનઊ સંગીત શાયરી-સંસ્કૃતિનું નગર રહ્યું છે, તો એ સાથે પતનશીલ સામન્તીય માનસનું પણ. પતંગબાજી, કબૂતરબાજી કે કૂકડાબાજીમાં એક વેળા ડૂબી ગયું હતું આ નગર; જ્યારે અંગ્રેજો એક પછી એક વિસ્તારને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભેળવતા જતા હતા. વાજીદઅલી શાહ કૃષ્ણ કનૈયો બની ‘ગોપીઓ’ સાથે હોળી ખેલતા હતા. શ્યામ બેનેગલના ‘ઝનૂન’માં એક દૃશ્ય આવે છે, જ્યારે એક પાત્ર કબૂતરબાજી માટે કબૂતરખાનામાં પાળી રાખેલાં કબૂતરનાં ખાનાં તોડી ફોડી કબૂતરોને ઉડાડી મૂકે છે. કોઈ એને રોકે છે, તો કહે છેઃ દિલ્હી ગયા અંગ્રેજો કે પાસ, ઇન કબૂતરોં કે કારણ તો – સન સત્તાવનનું દૃશ્ય.

લખનઊ જઈએ એટલે આ નગરનો આવો વણદેખ્યો ભૂતકાળ સાથે આવે. આશ્ચર્યની વાત હતી કે લખનઊ જવાનો અવસર જ નહોતો આવતો – અને આવ્યો ત્યારે છ મહિનાના ગાળામાં બે વખત આવ્યો. એપ્રિલમાં જવાનું થયું ત્યારે તો માત્ર એનો ફૅશનેબલ હઝરતગંજ વિસ્તાર જોયેલો અને હિન્દી કવિ અજ્ઞેયજીએ એમની પ્રસિદ્ધ નવલકથા ‘નદી કે દ્વીપ’માં જે ‘કૉફી હાઉસ’ને અમર કરી દીધું છે, એ ‘કૉફી હાઉસ’માં હિન્દી લેખક રવીન્દ્ર કૉફી પિવડાવવા લઈ ગયેલા ખાસ. પણ એટલું, ગોમતીને માત્ર પુલ પરથી પસાર થતાં જોયેલી – અને અલબત્ત, નગરના ભીડભર્યા માર્ગ. ત્યારે તાપ પણ એવો સખત.

પણ આ વખતે હજી આકાશમાં વરસાદી વાદળ હતાં અને વચ્ચે વચ્ચે વરસી જતાં, પણ મુખ્યત્વે દિવસ ખુલ્લો, લખનઊના કલ્પિત સ્વભાવ જેવો, નફાસતભર્યો – જોકે અમે ઊતર્યા હતા નગરમાં મધરાતે બાર વાગ્યે. ગાડીનું નામ ગોમતી એક્સપ્રેસ. લખનઊની નદી ગોમતી. હું અને રઘુવીર ચૌધરી સાથે હતા. અહીં આવવાનું એક પ્રયોજન હતું. અમને બંનેને, દેશના જુદી જુદી ભાષાના બિનહિન્દીભાષી લેખકો સાથે, હિન્દી ભાષા અને સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાન કરવા માટે, હિન્દી અને બીજી ભારતીય ભાષા વચ્ચે સૌહાર્દ સ્થાપવા માટે ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન તરફથી સૌહાર્દ પુરસ્કારથી ‘અલંકૃત’ કરવામાં આવ્યા હતા. ૧૪મી સપ્ટેમ્બર હિંદી દિવસ તરીકે ઊજવાય છે. એ દિવસે આ સમ્માન સમર્પિત કરવાનો પ્રસંગ લખનઊમાં રાખવામાં આવ્યો હતો. અમે મુલાયમસિંહની સરકારના મહેમાન હતા એટલે સ્વાગત-સરભરામાં કશી મણા નહોતી.

૧૩મીએ રાત્રે પહોંચ્યા અને ૧૪મીએ સાંજે સમારંભ હતો. એટલે અમને આખો દિવસ લખનઊમાં ઘૂમવાનો મળી ગયો; તેમાં વળી સરકારી ગાડીની વ્યવસ્થા. એક રીતે અમને બધા સાહિત્યકારોને લખનવી શૈલીનો અનુભવ થતો હતો. ઇમ્ફાલની મણિપુર યુનિવર્સિટીના અસમિયાભાષી અધ્યાપક માગધ, પુણેના મરાઠીભાષી શ્રી મુરલીધર, રઘુવીર અને હું સાથે નીકળી પડ્યા.

ભાલમાં તિલકથી શોભતા અમારા નેપાળી ડ્રાઇવર કિશનચંદે કહ્યું કે ‘સા’બ કહાં લે ચલૂં?’ ત્યારે અમે કહ્યું કે ‘બસ, ઘૂમના હૈ.’ ‘ઠીક હૈ સા’બ.’ એની રનિંગ કૉમેન્ટ્રી ચાલતી રહે; પણ અમને થયું કે કોઈ ઉર્દૂભાષી ડ્રાઇવર હોત તો લખનવી ઉર્દૂની મુલાયમતાનો અનુભવ થાત. યુરોપમાં જેમ ફ્રેંચ તેમ આપણે ત્યાં ઉર્દૂ ભાષા સાંભળવાનો મહિમા છે – અને જ્યારે તમે લખનઊમાં હો ત્યારે તો ખાસ. ઉર્દૂ શાયરીનું તો આ નગર કહેવાય. ત્યાં કિશનચંદે કહ્યું, ‘સા’બ યે હાથીબાગ હૈ.’ મારી નજર પ્રવેશદ્વાર પર વળોટદાર ઉર્દૂ લિપિમાં લખેલા અને નીચે દેવનાગરીમાં લિપ્યંતર કરેલા વાક્ય પર ગઈ…

મુસ્કરાઇયે કિ આપ લખનઊમેં હૈં.

જાણે એક આ વાક્યમાં લખનઊનો પરિચય થઈ જતો હતો – પણ ખરી વાત એ હતી કે આ મુસકુરાહટ લાવવી ક્યાંથી? લખનઊ તો તંગ છે, અનામત આંદોલનથી. શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આજના અખબારમાં તસવીરો છપાઈ છે, ધરપકડ વહોરતી ગુસ્સામાં સૂત્રો પોકારતી લખનઊની છાત્રાઓની! અમે શોધવા નીકળ્યા હતા લખનઊ, જે ઇતિહાસ હતું; જ્યારે અત્યારે નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે. અવધની આ રાજધાનીના બાજુના નગર અયોધ્યામાં સરયૂના ભાઠામાં હજારો સાધુઓની સેના ઊતરી પડી છે. રામજન્મભૂમિ—બાબરી મસ્જિદ. આ દેશનો છેલ્લાં હજાર વર્ષોનો તો આ જ ઇતિહાસ છે. વળી પાછા ભડકો થવાના દિવસો નજીકમાં હોય એમ લાગે છે ત્યાં પુરાણા લખનઊને કેમ પામવું? ગોમતીને સમાંતર સડક જતી હતી, પણ ઊંચી પાળોને લીધે ગોમતી દેખાતી નહોતી. યુરોપનું નગર લખનઊ હોત તો નદીનો પ્રવાહ જોતા જવાય એમ રસ્તાની રચના થઈ હોત. પૂર આવે તો શું? – એ પ્રશ્ન ખરો ને?

અમે જૂના લખનઊમાં પ્રવેશ કરતા હતા. નવાબોના સમયની ઇમારતો, દીવાલો, દૂરથી બડા ઇમામવાડાની મસ્જિદના ગુંબજો અને મિનારા સ્કાયલાઇન રચી રહ્યા હતા. વિશાળ વિરાટ સ્થાન. અંદર દાખલ થતાં પુરાણીનવાબી વાસ આવવા લાગે. આકાશના એક ખંડને જાણે નીચેથી ફ્રેમમાં મઢી લેવામાં આવ્યો હોય એવો આભાસ થતો હતો. એ ફ્રેમમાં હતી મોકળાશ, ખુલ્લાશ. શિયા મુસલમાનો માટે ઇબાદતનું આ સ્થાન છે. મને અગાઉ રવીન્દ્ર વર્માએ કહેલું કે લખનઊમાં હિન્દુ-મુસલમાન સંઘર્ષ એટલો નથી, જેટલો કદાચ થાય તો શિયાસુન્ની વચ્ચે છે.

નવાબ આસફ-ઉદ્દૌલાએ આ ઇમામવાડાનું નિર્માણ કરાવેલું છે, પણ દુષ્કાળ-રાહતના એક ભાગ રૂપે. એના વખતમાં ઈ.સ. ૧૭૮૪માં દુકાળ પડેલો. ગરીબોને રોજીરોટી આપવા આ કામ ઉપાડેલું પણ પૈસાદારોની સ્થિતિ પણ એવી હતી કે તેઓ પણ મજૂરીમાં જોડાયેલા. માત્ર પોતાની આબરૂ જાળવવા તેઓને રાત્રે જ્યારે બધા જતા રહે, ત્યારે મજૂરીની રોજી ચૂકવવામાં આવતી. હિંદનાં વિશાળ સ્થાપત્યોમાં આ ઇમામવાડાની ગણના અમસ્તી જ નથી.

ઇમામવાડામાં એક બાજુએ આસફ સૌન્દર્ય સિદ્ધ કરવામાં આવે છે. માત્ર અહીં નહીં, આવી બધી ઇમારતોમાં વાંચી તો ન શકીએ, પણ લિપિવળાંકોને જોયા જ કરીએ. કોઈ અમૂર્ત સંગીત સાંભળીને કાનને જેવું થાય છે, આ કેલિગ્રાફી જોતાં આંખને એવું લાગે. અર્થ સમજાતો નથી અને છતાં ભીતરનો ભાવ કંઈક અનુભવાય છે.

આસફ-ઉદ્દૌલાને જેવું કળાઓનું ઘેલું હતું. એવું કામિનીઓનું પણ. એના હરમમાં અનેક સુંદરીઓ. આ વખતે ઉર્દૂ ભાષા અને શાયરીની નફાસત સોળે કળાએ હતી. ઉર્દૂને ખાસ લહેજામાં જ બોલવામાં સંસ્કારિતાનું માપ ગણાતું, બોલતાં ન આવડે તો તમે અસલી ગણાઈ જાઓ.

પહેલા માળથી ત્રીજા માળ જવા માટે ભુલભુલૈયાવાળો માર્ગ છે પણ અમે પ્રવેશ ન કર્યો. આ ઇમામવાડાના તાજિયા આખા દેશમાં જાણીતા છે. ઊંચાઈ પર લાંબાં પગથિયાંવાળી મસ્જિદમાં માત્ર મુસલમાનોને જ પ્રવેશ છે. બહારથી પણ દેખાય છે બહુ સરસ, વિશાળ; એની વિશાળતા જ અડકી જાય.

નાના ઇમામવાડાની અંદરનાં ઝુમ્મરોની શોભા ઘણી. રઘુવીર કહે કે ‘ઝુમ્મર’ ગુજરાતી શબ્દ એને બરાબર યોગ્ય છે, હિન્દી ‘ઝાડફાનુસ’ બંધબેસતો નથી. મુરલીધરે કહ્યું કે અમે મરાઠીમાં ફાનુસ જ કહીએ છીએ. અહીં બધે જે ઇમારતોનો સંકુલ છે, તેની માત્ર ભૌમિતિક સિમેટ્રી-પ્રમાણ પણ આપમેળે સૌન્દર્યબોધ પ્રકટાવે છે.

પરંતુ ચિકનકારીથી સાડીઓમાં, ઝબ્બામાં સૌન્દર્ય સિદ્ધ કરે છે અહીંના કારીગરો, અહીંની મહેનતકશ સ્ત્રીઓ. લખનવી સાડીઓ, લખનવી ઝબ્બામાં થતી ગૂંથણી, છિદ્રાત્મક ભાતની પ્રક્રિયા જુઓ તો જોતા જ રહો. લખનઊની આ વિશેષતા અમને એટલી ગમી ગયેલી કે આજે સવારે જ અમારા ખિસ્સામાંથી ઘણો ભાર હળવો થઈ ગયેલો.

શામે-અવધ કહેવાય છે, શબે-માલવા અને સુબહે-બનારસની જેમ. સવાર બનારસની, રાત માળવાની તો સાંજ અવધ કહેતાં લખનઊની. સાંજ તો પડતી હતી; પણ નવાબ વાજીદઅલી શાહના લખનઊની એ સાંજો ક્યાંથી લાવવી? ‘તેરે લિયે લાખોં કે બોલ સહે મૈને…’ ઠૂમરીની એ ગાયકી અત્યારે ક્યાં સાંભળવી? છે ને કદાચ હજી ચોક બજારના કોઈ મેડા ઉપર સાંભળવા મળે; પણ ત્યાં અમારી ગતિ નહોતી. એ ઠૂમરીની ગાયકીમાં, કથક નાચમાં અને તવાયફોની સલામોમાં અને રાસલીલાઓમાં વાજીદઅલી શાહ પાસેથી લખનઊ ગયું અંગ્રેજો પાસે, સત્તાવનના વિપ્લવ પહેલાં જ.

બળવાના સ્મૃતિચિહ્ન રૂપ રેસિડન્સીનાં ખંડિયેરોમાં સાંજે જ્યારે અમે પ્રવેશ કર્યો ત્યારે અદ્ભુત શાંતિ હતી. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે રેસિડેન્સીમાં અંગ્રેજોના પરિવારો રહેતા. ચારેબાજુએ વિપ્લવીઓએ ઘેરો ઘાલેલો, જે સત્તાશી દિવસ ચાલેલો. મોતના ભયમાં અંગ્રેજ પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને કેટલાક ભારતીયોએ જે રીતે સામનો કરેલો, તેનો અંગ્રેજ ઇતિહાસકારો તો મહિમા કરવાના જ. સન સત્તાવનના વિપ્લવનો આખો ઇતિહાસ અંગ્રેજ ઇતિહાસકારોએ કદાચ સાચો લખ્યો નથી. વીર સાવરકરનું પુસ્તક ‘સ્વાતંત્ર્યસંગ્રામ’ વાંચીએ કે પંડિત સુંદરલાલનું ‘ભારતમેં અંગ્રેજી રાજ’ વાંચીએ ત્યારે ભારતીય તરીકે આપણાં રૂંવાડાં ખડાં થઈ જાય. પણ એક વાત છે; અંગ્રેજી પ્રજાએ એ વખતે જે ઝીંક લીધેલી તેનાં કેટલાંક ઉજ્જ્વળ ઉદાહરણો પણ છે. તટસ્થતાથી એક પ્રજાનો ઇતિહાસ જોયો પણ છેવટે તો તેઓ આક્રમણકારીઓ જ ગણાય, હિન્દુસ્તાનને હડપ કરનાર. પરંતુ આપણેય પસંદગી કરવાની હતી, વાજીદઅલી શાહ અને અંગ્રેજી શાસન વચ્ચે – જેમાં દલપતરામની ‘બકરીનાં પણ કોઈ ન પકડે કાન’ લીટીનું સ્મરણ કરવું પડે.

સત્તાવનના વિપ્લવ પછી અંગ્રેજોએ રેસિડેન્સી વિસ્તારને બરાબર જેમને તેમ ખંડેર થયેલી હાલતમાં, ઇતિહાસના પ્રકરણ એક તરીકે જાળવી રાખ્યો છે પણ ડૉ. માગધે કહ્યું કે ‘યે હમારી ગુલામી કા સ્મૃતિચિહ્ન હૈ, ઉસકો નષ્ટ કર દેના ચાહિયે. ઉસકી સ્મૃતિ કી રક્ષા ક્યોં?’ વાત ખરી છે, પણ ઇતિહાસનો બોધપાઠ ભણવા એ સ્મૃતિની પણ જરૂર છે – પણ આપણે એક પ્રજા તરીકે કંઈ બોધપાઠ લઈએ છીએ?

રઘુવીરે કહ્યું, જૂના લખનઊનો સ્પર્શ અહીં થાય છે. ઠેર ઠેર ક્રૉસનાં પ્રતીકો તો હોય જ. નાની નાની ઈટો તરફ એમણે ધ્યાન ખેંચ્યું. પાતળી સાબુની ગોટીઓ જેવી ઈંટોનું ચણતર છિન્ન થઈ રહ્યું છે. ઉપરની છતો નથી, બારણાં નથી. દીવાલો ક્યાંક પડી ગઈ છે. માગધે કહ્યું, સામે ગોમતી છે, એ ગોમતીની પેલે પાર વિપ્લવીઓની સેનાની તોપોમાંથી ગોળા છૂટતા. એ બધા ગોળા અંગ્રેજોએ સાચવી રાખ્યા છે. એમાંના ઘણા ગોળાઓએ અંગ્રેજોના પ્રાણ હર્યા છે. એ ઢગલો જોયો. કાટ ખાઈ ગયેલી તોપો જોઈ. એનું સંગ્રહસ્થાન છે. એક ઇમારતમાં ભોંયરું છે. અંધારું લાગવા છતાં અમે એની અંદર ઊતર્યા. આ ભોંયરામાં મોતના ભયના ઓથાર નીચે વિપ્લવીઓના તોપગોળાથી બચવા સ્ત્રીઓ, બાળકો, પુરુષો ભરાઈ રહેલાં. ત્યાં એક ખંડમાં જઈ ઊભો. કેવું તો લાગતું હતું! એક સ્થળે પ્લેટમાં લખ્યું હતું?

“Susan Palmer killed in this room by a canon ball on the First July 1857 in her 19th year.”

‘સુઝાન પામર આ ઓરડામાં ૧૮૫૭ની પહેલી જુલાઈએ ૧૯ વર્ષની વયે તોપના ગોળાથી મૃત્યુ પામી.’

હું થંભી ગયો. કોણ હતી તું સુઝાન પામર? ૧૯ વર્ષની વયે તું મૃત્યુ પામી, તોપના ગોળાથી? સુઝાન પામર? એમ તો તારે અને મારે શું? કેટલાં બધાં હણાયાં હતાં એ વિપ્લવમાં બન્ને પક્ષે? – બાળકો, કિશોર-કિશોરીઓ, સ્ત્રીઓ-પુરુષો નિર્દય રીતે.

પણ તું કોણ હતી સુઝાન પામર? એ સ્થળે જ્યાં તારો દેહ ક્ષતવિક્ષત થઈ ગયો, ત્યાં તારી ઓગણીસ વર્ષની વયને શ્રદ્ધાંજલિ આપું છું. થોડી વાર ત્યાં ચૂપ ઊભો રહ્યો.

અમે ભોંયરામાંથી બહાર આવ્યા. હરિયાળી પર લખનઊની સાંજ ઢળી હતી. સ્તબ્ધતા હતી. રેસીડેન્સીની આ હરિયાળી પર અનેક પ્રેમી યુગલો છે; પણ સુઝાન પામરનો પ્રેમ પણ અચરિતાર્થ રહી ગયો શું?

રેસીડેન્સીની બહાર નીકળી એકદમ આજના લખનઊની સડકોની ભીડમાં આવ્યા. એ સંધ્યાએ સમ્માન-સમારોહમાં અનેક લેખકોનું સમ્માન થયું. સારું લાગ્યું. અમે પણ એમાં હતા. અંતમાં મુખ્યમંત્રી શ્રી મુલાયમસિંહ યાદવે અંગ્રેજી હટાવો વિષે જોરદાર પ્રવચન કર્યું. ભારતીય ભાષાઓનું બહુમાન કરવા પર આવેશથી ભાર મૂક્યો. પણ એમની ભાષામાં લખનવી અંદાઝનો એક છાંટો પણ નહોતો. ભાષાને બદલે ‘ભાસા’, આશાને બદલે ‘આસા’ના એમના દેહાતી સંસ્પર્શવાળા ઉચ્ચારોથી અસલ લખનઊનો પ્રાણ હણાતો જતો હતો.

‘મુસકરાઇયે કિ આપ લખનઊમેં હૈં’ એ સૂત્ર યાદ આવતું હતું, પણ મુલાયમસિંહના ધોધમાર પ્રવચનના દેહાતી માહૌલમાં કેવી રીતે મુસકુરાવું – કે પછી એટલા માટે જ મુસકુરાવું જોઈએ? ૧૪-૧૦-૯૦