બોલે ઝીણા મોર/રે આજ આષાઢ આવ્યો
ભોળાભાઈ પટેલ
આકાશમાંથી ઝરઝર વારિ ઝરે છે. સર્વત્ર ભીનાશ વ્યાપી ગઈ છે. અંબર, અંતરિક્ષ અને ધરતીની સાથે મન પણ ભીનું ભીનું બની ગયું છે. ન સમજાય એવી કશી વ્યાકુળતા ઘેરી વળી છે. એ વ્યાકુળતા વિરહજન્ય છે, પણ કોનો વિરહ છે તે કળાતું નથી. મેઘદર્શનથી સુખીજનનું એટલે કે જેનું પ્રિયજન પાસે છે એની ચિત્તવૃત્તિ પણ અન્યથા બની જાય છે, કશુંક અસુખ એ અનુભવે છે એમ કવિ કાલિદાસ કહી ગયા છે.
ખરેખર તો અષાઢના આ ભીના દિવસોના મેઘ સાથે આ કવિ કાલિદાસ જોડાઈ ગયા છે. આદિ કવિ વાલ્મીકિ અને આ યુગના કવિ રવિ ઠાકુર પણ છે. આ કવિઓએ વર્ષાને વિરહની ઋતુ જાહેર કરી દીધી છે. વર્ષા એ ભારતવર્ષની પ્રધાન ઋતુ છે અને એ ઋતુ વિરહની? પ્રેમમાં જેણે વિરહ અનુભવ્યો નથી, એ પ્રેમપદારથ તે શું એ કેવી રીતે જાણે? વિરહ તો પ્રેમીઓના જીવનમાં ડગલે ને પગલે આવે. અરે વચ્ચે કમળના પાંદડા જેટલું અંતર હોય તોય ચક્રવાક અને ચક્રવાકી વિરહથી ઝૂરી મરે છે. પણ આ અષાઢના દિવસોમાં વિરહ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. વર્ષામાં વિરહ સહન કરવો દોહ્યલો છે, એમ કવિઓ કહી ગયા છે.
આ કવિઓએ આપણને પ્રેમ કરતાં શીખવ્યું છે, એવું ઘણી વાર લાગે છે. કવિઓ-કલાકારોએ પ્રેમનાં તીવ્રતમ ઊંડાણોનો સ્પર્શ કરાવ્યો છે. નહીંતર કદાચ આપણે જેને આજે ‘પ્રેમ’ નામે ઓળખીએ છીએ, તે ભાવ માત્ર કામવાસનાથી વિશેષ ન હોત, જે પશુપંખીઓમાં પણ જોવા મળે છે. આ પાછો ક્યાં હું પ્રેમી-મીમાંસામાં સરી ગયો? પણ આ ભીની ઋતુ છે જ એવી.
રવિ ઠાકુર એક ગીતમાં કહે છે :
એમન દિને તારે બલા જાય
એમન ઘનઘોર બરસાય
એમન દિને મન ખોલા જાય…
આવે દિવસે તેને કહી શકાય.
આવી ઘનઘોર વર્ષામાં.
આ દિવસે મન ખોલી શકાય.
મેઘની આછી ગર્જના હોય,
વાદળ ઝરમરતાં હોય,
સૂરજ વિનાનો અંધકાર વ્યાપેલો હોય
અને ચારેબાજુ એકાન્ત હોય
ત્યારે બે જણ એકબીજાની
મોઢામોઢ બેસીને
ગંભીર દુઃખની વાત એકબીજાને કહી શકે.
કોઈ એ સાંભળવાનું નથી,
જાણે જગતમાં બીજું કોઈ નથી.
સમાજસંસાર જીવનનો કોલાહલ
બહુ મિથ્યા લાગે છે.
માત્ર બે જણ આંખમાં આંખ પરોવી,
હૃદયમાં હૃદયનો અનુભવ કરે છે.
બાકી સૌ
અંધકારમાં ઓગળી ગયું છે…
વરસાદના દિવસો એકાંતમાં પ્રિયજન સમક્ષ મન ખોલવાના દિવસો છે; પરંતુ આ દિવસે પ્રિયજન જ પાસે ન હોય ત્યારે? કવિ વાલ્મીકિએ રામ જેવા રામનું પણ વિરહવ્યાકુળ મન સીતાના અભાવે લક્ષ્મણ સામે ખોલતા બતાવ્યા છે. સીતાનું હરણ થયું છે. સીતાને શોધતા રામ-લક્ષ્મણ બંને ભાઈ કિષ્કિંધા આવ્યા છે. સુગ્રીવની મૈત્રી કરી વાલિનો વધ કર્યો છે. હવે સુગ્રીવ ક્યારે સીતાને શોધવામાં મદદ કરે તેની રામ રાહ જુએ છે અને ત્યાં માલ્યવાન પર્વત પર વાદળ ઘેરાય છે. માંડ માંડ ધીરજ ધારણ કરતા વિરહી રામ વ્યગ્ર બનીને લક્ષ્મણ આગળ મન ખોલે છે. જાનકી તો છે નહિ. જાનકીની જેમ રામ પણ આરણ્યકચેતના ધરાવે છે, પ્રકૃતિપ્રિય છે. વિરહની અવસ્થામાં પણ વર્ષાની સુંદરતા એમને પ્રભાવિત કરે છે, પણ એમાં ભળે છે જાનકીની વિરહવ્યથા. આ એક અદ્ભુત ભાવસ્થિતિ છે, જે સંવેદનપટુ ચિત્ત જ અનુભવી શકે. વર્ષાની સુંદરતાનું વર્ણન કરતાં કરતાં રામ મેઘમાં ચમકતી વીજળીની વાત કરતાં કેવી ઉપમા પ્રયોજે છે?
હે લક્ષ્મણ! આ નીલ મેઘનો આશ્રય લઈને ઝબકતી વીજળી
મને રાવણના ખોળામાં તરફડતી તપસ્વિની સીતા જેવી દેખાય છે.
અરે, રામને મર્યાદાપુરુષોત્તમ ચીતરતા સંત તુલસીદાસે પણ આ દિવસે વિરહી રામને મુખે કહેવડાવ્યું છે :
ઘનઘમંડ ઘન ગરજત ઘોરા
પિયાહીન ડરપત મન મોરા…
આકાશમાં વાદળ ગર્જનાઓ કરે છે, પ્રિયા વિના મારું મન વ્યાકુળ છે. આ બધું મોટો ભાઈ નાના ભાઈ આગળ બોલી રહ્યો છે. વાદળ- વીંટી વર્ષાનો પ્રભાવ છે. સીતા માટેનો પ્રેમ એટલે શું રામ તીવ્રતમ રૂપે અનુભવતા હશે? કવિએ રામની વાત કરીને વિરહીજનમાત્રની મનોવેદના વ્યક્ત કરી છે, વિરહવેદનાને શબ્દોમાં બાંધી આપી છે. વિરહીમાત્ર વેદનાથી ગૂંગળાતો હોય, પણ શબ્દ તો કવિઓને જડે અને એ શબ્દોમાં પ્રત્યેક વિરહી પોતાનો ભાવ વ્યક્ત થતો પામે.
એટલે તો અષાઢ આવે એટલે સહૃદયજનોનાં ચિત્ત પર કાલિદાસ આરૂઢ થાય. કંઈ નહિ તો ‘આષાઢસ્ય પ્રથમ દિવસે…’ એટલો પંક્તિખંડ તો એ બોલી બેસે. અષાઢનો પહેલો દિવસ આવે ને કાલિદાસનું, એના ‘મેઘદૂત’નું સ્મરણ થાય થાય ને થાય. આ કવિએ આપણને અષાઢનું સ્વાગત કરતાં શીખવ્યું છે. એમાં માત્ર પ્રેમલા-પ્રેમલીની વાત છે, એટલું જ નથી પરંતુ ભારત-વર્ષની જીવાદોરી સમા મેઘના સ્વાગત અને મહિમાનું ગાન અનુસ્યૂત છે.
કાલિદાસ તો સાચે જ મન પર કબજો જમાવીને બેસી ગયા છે. મેઘદૂતના મંદાક્રાન્તા છંદની પંક્તિઓ – પંક્તિખંડો ઊબડુબ કરે છે. રવીન્દ્રનાથ કહે છે તેમ આ મેઘમંદ્ર મંદાક્રાન્તાની પંક્તિઓના સ્તરેસ્તરમાં જગતના જે સૌ વિરહીઓ છે, એ તમામનો શોક ઠસોઠસ ભરેલો છે. એટલે આપણને પણ આજે બે હજાર વર્ષ પછી રવીન્દ્રના શબ્દોમાં કવિ કાલિદાસે પૂછવાનું મન થાય છે કે ‘હે કવિવર! ક્યારે કયા વિસ્મૃત વર્ષમાં કયા પુણ્ય આષાઢના પ્રથમ દિવસે તમે મેઘદૂત લખ્યું હતું?…. તે દિવસે એ ઉજ્જયિનીના મહેલના શિખરે ન જાને કેટલી ઘનઘટા હતી, એ દિવસે કાળનું બંધન છેદીને ચિર સમયનું રૂંધાયેલું અશ્રુજલ તમારા વિપુલ શ્લોકરાશિને ભીંજવીને જાણે કે અઢળક ઝરી પડ્યું હતું!’
અને આપણા કવિ નિરંજનની કલમેથી ગીત ઝરી પડ્યુંઃ ‘રે આજ આષાઢ આયો.’
હજાર હજાર વર્ષથી અષાઢનો એ પહેલો દિવસ આવે છે અને વીતે છે. આજ અષાઢનો દિવસ છે અને આકાશમાંથી ઝરમર વારિ ઝરે છે. અવશ્ય એનો પ્રથમ દિવસ આવીને ચાલ્યો ગયો છે, પણ અષાઢના આ પ્રથમ દિવસની આગલી સાંજે જોગાનુજોગ હું કવિ કાલિદાસની એ પ્રસિદ્ધ ઉજ્જયિની નગરીમાં બે કાંઠે વહેતી શિપ્રાના ઘાટે ઊભો હતો, વિચારતો હતો આ કેવો સંયોગ છે! બે હજાર વરસ પહેલાંના એક અષાઢના પહેલે દિવસે કવિ કાલિદાસે ઉજ્જયિનીના આકાશમાં મેઘને જોયો હશે, આજે આસન્ન આષાઢની આગલી સાંજે શિપ્રા પર ઝૂકી આવેલા કાળા ડિબાંગ મેઘને હું જોઉં છું. બે હજાર વરસ ઓગળી જાય છે ને મારાં માનસચક્ષુ સમક્ષ વિક્રમની ઉજ્જયિનીનું ચિત્ર ઊપસવા લાગે છે. ઓછામાં પૂરું મહાકાલેશ્વરના મંદિરનું ઊંચું શિખર સાક્ષી પૂરતું હતું કે આ પૂરા કાલની એ જ ઉજ્જયિની છે. શિપ્રાના રામઘાટ પર અને પછી જરા ઉપરવાસ ભણી નરસિંહ ઘાટ પર ઊભા રહી ઉજ્જયિનીના આકાશમાં મેઘની લીલા મને કાલિદાસનો સમકાલીન બનાવી દેતી હતી. મારી સાથે ફાધર રાજુ હતા. વયથી અને મનથી તરુણ. કાલિદાસની કવિતાના ‘જ્ઞાત આસ્વાદ’ – જ્ઞાતાસ્વાદઃ હતા. (‘મેઘદૂત’ના રસિકો અલબત્ત આ સમાસ એકદમ બીજા અર્થમાં જાણે છે.)
કાલિદાસના વિરહી યક્ષે રામગિરિ પર્વત પરથી દૂર હિમાલયમાં કૈલાસની ગોદમાં વસેલી અલકાનગરીમાં રહેતી પોતાની પ્રિયાને મેઘ સાથે સંદેશો મોકલવા ઇચ્છ્યું, પણ મેઘ ઝટપટ દોડીને એકદમ અલકા પહોંચી જાય, તે તેને ઇષ્ટ નહોતું. કવિએ આ બહાને તક લીધી. વર્ષાઋતુ અને એ ઋતુ દરમ્યાન ભારતવર્ષની પ્રકૃતિ-સંસ્કૃતિની વાત કરવાની. ભારતવર્ષનાં ગ્રામ-નગર, નદ-નદી, પહાડ-પર્વત, પુષ્પ-વૃક્ષ, પશુ-પંખી, નર-નારી એમાં શું નથી આવતું? ગ્રામીણ સરલ ભોળાં નેત્રોથી મેઘને પીતી જનપદ વધૂઓ છે, તો આંખના વીજળી જેવા ચંચલ કટાક્ષો કરતી ઉજ્જયિનીની પૌરાંગનાઓ પણ છે. મેઘદૂત એટલે મનુષ્ય અને પ્રકૃતિની સંગતિનું ગાન. આજની પરિભાષા વાપરીને કહીએ તો, પર્યાવરણની સમતુલાનો આટલો મહિમા ભાગ્યે જ કોઈ અન્ય કવિની રચનામાં ‘મેઘદૂત’માં છે, એટલો હશે.
શિપ્રાના નરસિંહ ઘાટને કાંઠેથી દૂર મહાકાલનું શિખર જોતો હતો. કાલિદાસે આવી સાંજને ટાણે ત્યાં જે મેઘ જોયો હતો, તે તાજા ખીલેલા જબાકુસુમ (જાસૂદ) જેવો લાલ હશે એટલે એણે મેઘને કહ્યું હતું કે પહેલાં તો તું શૂલપાણિ શિવની સંધ્યા-આરતી વખતે પોતાના ગર્જનથી નગારું બનાવવાનું કામ કરજે, એના ફળ રૂપે તું ત્યાં નૃત્ય કરતી સુંદરીઓના ભમરાઓની હાર જાણે એવા દીર્ઘ કટાક્ષ પામીશ, અને પછી નૃત્ય કરવા ઇચ્છતા શિવની રક્તાર્દ્ર ગજચર્મની ઇચ્છા જબાકુસમ જેવા તારા લાલ રંગે કરીને પૂરી કરીશ જેથી ભવાની તને ભાવભરી નજરે જોશે. રક્તનીંગળતા ગજચર્મને ઓઢી નૃત્ય કરતા શિવનાં શિલ્પો, દક્ષિણનાં મંદિરોમાં જોતાં વર્ષો પછી કાલિદાસનો એ શ્લોક પૂરો પમાયો હતો.
જોકે રામગિરિથી અલકાને માર્ગે જતા મેઘને વચ્ચે ઉજ્જયિની તો ના આવે, પણ કાલિદાસ પોતે ઉજ્જયિનીના એટલે પક્ષપાત કરીને પણ કહે છે કે મેઘ! ભલે તારો પથ વંકાય, પણ તારે જરા આથમણી દિશામાં જઈ ઉજ્જયિની તો જવું જ પડશે. ઉજ્જયિનીની સુંદરીઓની આંખના કટાક્ષ તેં ન જોયા તો તારી આંખો શા કામની?
પણ અત્યારે તો આ ઘાટ ઉપર કોઈ સુંદરીઓ નહોતી. કેટલાંક પ્રાચીન વૃક્ષો હતાં, અને મેઘ ઝરમરવામાં હતો. મેં ફાધર રાજુને શિપ્રાની ઉપરથી વાતી પવનલહરીની કાલિદાસકથિત વાત કહી કે શિપ્રાનો પવન કોઈ પ્રેમી જેવો ખુશામતખોર છે. ‘શિપ્રાવાતઃ પ્રિયતમ ઇવ પ્રાર્થના ચાટૂકરઃ’ – કાલિદાસે સવારના પવનની વાત કરી હતી, આ મેઘભીનો સાન્ધ્ય વાયુ હતો, એ ફેર.
શિપ્રાના તટેથી પાછા આવતાં અષાઢની આગલી સાંજના મેઘે અમને ઉજ્જયિનીની સડકો પર પૂરેપૂરા ભીંજવી દીધા. કાલિદાસની ઉજ્જયિનીમાં ભીંજાવાનું મળ્યું એ કેવું સદ્ભાગ્ય! મારું મન મેઘદૂતમય બની ગયું હતું. આષાઢને પહેલે દિવસે મેઘને ઉજ્જયિનીની દિશામાં મોકલ્યો હતો. હું આષાઢને પહેલે દિવસે ઉજ્જયિનીથી સાબરમતી એક્સપ્રેસમાં બેસી અમદાવાદ ઊતર્યો. કેવો વિપર્યય!
હજી આષાઢ છે, આકાશમાંથી ઝરઝર વારિ ઝરે છે. ૨૪-૭-૮૮