ભગુભાઈ ફતેહચંદ કારભારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કારભારી ભગુભાઈ ફતેહચંદ, ‘એક યુવક’ (૧૮૭૧, ૧૦-૯-૧૯૧૪) : નવલકથાકાર, નિબંધકાર, કોશકાર, અનુવાદક. જન્મ અને પ્રાથમિક શિક્ષણ સાદરા-માણસા-માં. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદ-વડોદરામાં. અમદાવાદમાં કાગળનો વ્યવસાય. ‘પ્રજાબંધુ', ‘જૈન', ‘જૈનપતાકા’, ‘સમાલોચક’ જેવાં ગુજરાતી તથા ‘પેટ્રીએટ’ જેવાં અંગ્રેજી પત્રોનું પ્રકાશન. યુરોપ-પ્રવાસ દરમિયાન પૅરિસ પાસેના બર્કમાં અવસાન. એમણે ‘સદ્ગુણી સુશીલા’ (૧૯૦૯), ‘પંચબાલિકા', ‘રાજભાષા', ‘કુમુદા’, ‘લંડનરાજરહસ્ય : ભા. ૧-૨’, ‘વિવેકવિલાસ', ‘શત્રુંજયમાહાત્મ્ય’, ‘શ્રાદ્ધવિધિ’, ‘શ્રીપાલચરિત’, ‘ધર્મબિંદુ, ‘જૈનતીર્થયાત્રાવર્ણન’ (૧૯૧૧) અને ‘દિલ્હી દરબાર’ (૧૯૧૨) જેવાં પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત એમણે ‘ગુજરાતી પ્રોવર્બ્સ વિથ ધેર ઈંગ્લિશ ઇક્વિવેલન્ટ’ (૧૮૯૯), ‘સેલ્ફ ઇંગ્લિશ ઇન્સ્ટ્રક્ટર’, ‘સ્ટુડન્ટ્સ અંગ્રેજી-ગુજરાતી ડિકશનરી’ (૧૮૯૫), ‘સ્ટ્રેડર્સ ગુજરાતી-અંગ્રેજી ડિક્શનરી’ તેમ જ ‘સ્ટાર ઇંગ્રેજી-ગુજરાતી ડિક્શનરી’ જેવા કોશ રચેલા છે. પ્રસિદ્ધ ઇતિહાસવિદ ટોડના ‘રાજસ્થાન’નો તથા વિવેકાનંદના પત્રો અને તેમના ‘ભક્તિયોગ’ નામના પુસ્તકને ગુજરાતી અનુવાદ પણ એમણે કરેલો છે.