ભજનરસ/અણબોટ્યા પવનની લેરખી
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.
નંદિગ્રામ
ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ
(જિ. વલસાડ) ૩૯૬૦૦૭
મકરન્દ દવે