ભજનરસ/કૃતિ-પરિચય
ભજનરસ
આપણા મૂર્ધન્ય કવિ મકરન્દ દવે એક પામેલા અધ્યાત્મ પુરુષ પણ હતા. એમના સમકાલીન અગ્રગણ્ય કવિ ઉશનસે એમની વિદાય પછી કહ્યું હતું કે ગુજરાતમાં નરસિંહ મહેતા પછી પોતાની સીધી આધ્યાત્મિક અનુભૂતિને આધારે પદ્ય રચના કરનાર તેઓ કદાચ પ્રથમ કવિ હતા. એટલે જ સ્વામી આનંદે એમને ‘સાંઈ’ તરીકે નવાજ્યા હતા. ભજન સાહિત્યમાં તેમને ઊંડો રસ હતો એટલું જ નહીં પરંતુ આપણા પ્રાચીન ભજનોના સૂક્ષ્મ ગૂઢાર્થમાં એમનો સહજ પ્રવેશ હતો. એમના ગોંડલના ઘરના ફળિયામાં નીવડેલા ભજનિકોની નિયમિત બેઠકો યોજાતી અને રાતોરાત ચાલતી. આ પુસ્તકમાં ગોરખ, કબીર અને નરસિંહ મહેતાના ચૂનંદા ભજનોમાં છૂપાયેલા સૂક્ષ્મ અધ્યાત્મ રસને મકરન્દભાઇ ઉજાગર કરે છે. તેઓ પોતે જ કહે છે તેમ ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રુપે જ નથી, પરંતુ ભજનની સાથે હ્રદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે તેને રજૂ કરવાનો અહીં પ્રયાસ છે. અહીં જે ભજનો આપ્યાં છે તે આપણી ભજન મંડળીમાં ગવાતા ભજનો છે, અને એટલે ભજનની વહેતી વાણી સાથે આપણો પરિચય જોડી આપે છે.
– વિમલ દવે