ભજનરસ/નિગમ વેદનો નાદ


નિગમ વેદનો નાદ

નિગમ વેદનો નાદ સાંભળી
મારા ચિત્તમાં લાગ્યો ચટકો રે
જાગીને જોતાં મિથ્યા માયા
માંડ કર્યો છે મટકો રે-

જીવ જગત બેઉ અણછતાં છે,
ઘટપટાદિક ઘટકો રે,
નિષેધ-પદ તો નિશ્ચે ગયું છે,
હવે નહીં ખટપટનો ખટકો રે-

નર નાટકમાં, નાટક નરમાં,
નાચ નિરંતર નટકો રે,
મૂળદાસ સોં બ્રહ્મ સનાતન
વ્યાપક બીજ વટકો રે-
નિગમ વેદનો નાદ સાંભળી.

નરસિંહના પ્રભાતિયાંની જેમ મૂળદાસનાં પ્રભાતિયાં પણ બ્રહ્મ અને લીલાનો અભેદ-ઓચ્છવ સુંદર વાણીમાં ઊજવતાં જાય છે. પ્રભાતિયાં એટલે જ નિદ્રાભંગ માટે બજી ઊઠતાં ચોઘડિયાં. અહીં વેદનાદ કૃષ્ણનો વેણુનાદ બની માનવ-પ્રાણને જગાડે છે.

નિગમ વેદનો... મટકો રે

ભાગવતને નિગમ કલ્પતનું રસથી દ્રવી પડતું ફળ કહેવામાં આવે છે. રસરાજની બંસીમાંથી આ અમૃત-૨સ ઝરે છે. એને જરાક ચાખતાં જ ચિત્તનું સ્વરૂપ પલટી જાય છે. એકવાર ચિત્તને આ રસનો ચટકો લાગે પછી તેને બીજે ક્યાંયે ચેન પડતું નથી. આપણી ભાષામાં આ ‘ચટકો’ શબ્દ ગજબનો ચોટડુક છે. એ ઝીણો ડંખ બની મારે છે ને ઊંડો સ્વાદ બની જિવાડે છે. રસનો તો ચટકો હોય, કૂંડાં ન હોય’ એ કહેવતમાં પણ જરા જેટલી માત્રામાં રુંવાડાં પલટી નાખતી ચટકાની અસર વ્યક્ત થઈ છે. ‘ચટકો’ લાગે ત્યારે વિરહની વેદના વધે છે ને સાથે સ્મરણનો સ્વાદ પણ વધતો જાય છે. સૂફી એને કહે છે : ‘લતીફ ખલિશ‘-મજેદાર ખટકો. મૂળદાસે એક રાસમાં આ વેદના-માધુરીને કિલ્લોલતી કરી છે :

હરિ વેણ વાય છે રે હો વનમાં
તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.

ચિત્તડામાં ચટપટી રે હો લાગી,
જીવણ જોવાને હું જાગી,

ત્રિભુવન નીરખ્યા રે હો તમને
મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં-
હરિવેણ વાય છે રે હો વનમાં.’

ચિત્તની બહિવૃત્તિ એટલે જગતની ઉત્પત્તિ, ચિત્તની અંતવૃત્તિ એટલે જગતનો નાશ અને જગદીશની ઝાંખી. ચિત્તનો આત્યંતિક પ્રલય એ જ બ્રહ્મજ્ઞાન જે કોઈ જાગ્યા તેમણે આ ભેદ-વિભેદનું જગત જોયું નથી, જોયું છે એક અવિનાશી તત્ત્વને સભર સચરાચરે. નરસિંહની સાખે :

જાગીને જોઉં તો જગત દીસે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

ઇન્દ્રિયો જાગે ત્યાં સુધી માયાનો નાટારંભ, આત્મા જાગે એટલે માયા મિથ્યા. અવસ્તુની જેમ ઊડી ગયેલી ભ્રમણા. પણ માયા કેવી રીતે મિથ્યા બને? દુર્ગાપાઠમાં વૈષ્ણવી માયા વિશે કહ્યું છે કે :

ત્વ વૈષ્ણવી શક્તિરનન્તવીર્ય,
વિશ્વસ્ય બીજું પરમાસિ માયા,
સમ્મોહિતં દેવિ, સમસ્તમેતત્
ત્યું થૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ

‘તું વૈષ્ણવી શક્તિ મહાબલિષ્ઠા
તું વિશ્વની કારણભૂત માયા,
રાખ્યું કરી મૌષ્તિ સર્વ, દેવી,
રાજી તું થા તો ભવમુક્તિ આપે.’

આ વૈષ્ણવી માયાને કારણ-માયા પણ કહે છે. અનંત કાળથી અવિઘાના પાશમાં પડેલો જીવ આ વિશ્વના બીજરૂપી મહામાયાનો કૃપાકટાક્ષ પામે તો જ મુક્ત થઈ શકે. માંડ કર્યો છે મટકો’ — અનેક જન્મોના પુણ્યોદય પછી એ પરમાત્મ-શક્તિએ ‘ચેતન-ચેષ્ટા’ કરી અને જડતાના પડદા હટાવી દીધા. મૂળદાસે એક પ્રભાતિયામાં આ માયાબીજ વિશે કહ્યું . છે :

સો બીજકા સફ્ળ પસારા, સરવે ઉનકી માયા રે,
મૂળદાસ કહે સો અવિનાશી, ગુરુ પ્રતાપે પાયા રે.

સર્વત્ર એક પરમાત્માના જ્યોતિતરંગો વિલસી રહે, પછી જીવ બુદબુદમાં બંધાતો નથી.

જીવ જગત... ખટપટનો ખટકો રે

જીવના અજ્ઞાનને કારણે દેખાતો જગતનો તમાશો વિરમી ગયો. ન રહ્યો જીવ, ન રહ્યું જગત. બંને અણછતાં થઈ ગયાં. તિરોધાન પામ્યાં. ઘટને મૂળમાં જોવા જઈએ તો બધાય ઘટમાં કેવળ માટી જોવા મળે, અને દરેક પટને ઉકેલી જોતાં તંતુઓ જ મળે, એવું એક જ તત્ત્વનું દર્શન થયું. બહારના રંગ, રૂપ, આકારના વિરોધાભાસો શમી ગયા. આવો અનુભવ થતાં ‘નિષેધ-પદ’ એટલે કે વાસના તૃષ્ણા દ્વારા ઊપજતા નિષિદ્ધ કર્મનો પ્રદેશ તો ક્યાંયે નીચે રહી ગયો. કાદવમાંથી કમળ બહાર આવી ગયું. નિષેધ-પદ’ની જેમ મૂળદાસે ‘તત્ત્વપદ’ની વાત કરી છે. એક બીજા પ્રભાતિયામાં તે કહે છે :

લક્ષારથનો લક્ષ થયો છે,
જગત વાસના જાણી રે,
તત્ત્વપદ તો નિશ્ચે થયું છે,
મહા વાયકની વાણી રે.

ઉપનિષદના રૂપક દ્વારા ભજનને સમજીએ તો બ્રહ્મના લક્ષ્યમાં આત્માનું તીર ખેંચી જાય તો પછી તે બહાર નીકળતું નથી. લક્ષ્યાર્થ થાય, તત્ત્વપદની પ્રાપ્તિ થાય પછી ખટપટનો ખટકો’ રહેતો નથી. ખટપટ અથવા ષડ્રપુઓના પંજામાં ફરી તો નહીં પડી જવાય એવો અંદેશો ઓસરી જાય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની ખટપટ તો શું, એનો ભય કે ઉદ્વેગ પણ અહીં ફરકતો નથી. હવે ક્યાંયે તરાતા વાંસ જેવી ખટરાગની વાણી નહીં, સઘળે અનુરાગની મધુમય બંસી.

નર નાટકમાં... બીજ વટકો

જે જાગતા નર છે, ચેતેલા આદમી છે તે મનુષ્યોના વહેવારને કઈ દૃષ્ટિએ જુએ છે? મનુષ્યો તો માને કે પોતે કાંઈક છે, પોતે કાંઈક કરે છે પણ પેલો સૂક્ષ્મદર્શી જુએ છે કે આ તો બધા પ્રકૃતિની રંગભૂમિ પર ખેલતાં પરવશ પાત્રો છે. પૂર્વના સંકલ્પો, સંસ્કારો, ઋણાનુબંધના માર્યા તેઓ વેશ ભજવે છે. ‘ન૨ નાટકમાં’ અંદર બેઠેલા સૂત્રધારના દોરીસંચાર મુજબ સહુ કોઈ પોતાનો પાઠ પૂરો કરે છે. એટલું જ નહીં, પણ ‘નાટક નરમાં’ — નવા નાટકની તૈયારી કરે છે. જે પ્રતિભાવો ને પ્રત્યાઘાતો ચિત્તમાં એકત્ર થયા કરે છે તેમાં નવા ખેલનાં મંડાણ રહ્યાં છે. આમ બહારનું અને અંદરનું નાટક ભજવાય છે. પણ આત્મદર્શી શું એટલું જ જુએ છે? એથી આગળ વધી તે તમામ વેશભૂષા ને મુખવટાને ભેદી પરખી લે છે કે અરે, આ તો પેલો એક જ મહાનટ વિવિધ સ્વાંગ ધરીને નિરંતર ખેલી રહ્યો છે. એનાં નાચ-ગાન ચાલે છે અવિરામ, અનંત વિશ્વોના રંગમંચ ૫૨, નિરવધિ કાળનાં તેજ-તિમિર વચ્ચે, જીવન-મૃત્યુના પડદાથી ૫૨. મૂળદાસ કહે છે, આ જે નટનાગર, એ જ તો સનાતન બ્રહ્મ. એને તમે બીજે ક્યાં ગોતશો? આ સંસારનું મૂળ એ, અને મહાવ્યાપક વિસ્તાર પણ એ જ. વડના બીજમાં આખો વડલો અને વડલાના ટેટામાં વળી અસંખ્ય વડલા. મૂળદાસ એક બીજા પ્રભાતિયામાં ગાય છે :

‘વિચિત્ર રૂપ તે રૂપ નાનાં રમે,
ભાત દેખી બહુ જાત ભૂલે,
બીજમાં વટ ને વટમાં બીજ તે
સાબધો વટ તે તોલે.

પોતાની એકાંત કુંજમાં જે કાન માંડી બેસે છે તેને આ નિગમ વૈદનો નાદ’ – બ્રહ્મની બંસી સંભળાય છે.