ભજનરસ/મુગત સે પરમાણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મુગત સે પરમાણ

 જુગતસે નર જીવે જોગી
મુગત સે પરમાણ રે
દયા કફની પેર બાવા, નામ છે નિર્વાણ જી,
ખમા ખલકો પેર અવધૂત, નામ છે આલેક જી—

એવા એવા ગુરુ મારા, ગગન સુધી જાય રે,
કોણ સીંચે, કોણ પીએ, કોણમાં સમાય જી?—

એવા ગુરુ મારા ચક્કર ભેદી, ગગન સુધી જાય રે,
નૂરતા સીંચે, સુરતા પીએ, સૂનમાં સમાય જી –

શૂરા માથે પૂરા આવ્યા, આવ્યા લડાઈ માંહ્ય રે,
જ્ઞાન હૂંદા ગોળા વરસે, રતનિયાં વેરાય જી —

તીન શોધો, પાંચ બાંધો, આઠ માંહ્યલો ઠાઠ રે,
આવો હંસા, પીઓ પાણી, ત્રિવેણીના ઘાટ જી —

મેલ માયા, મેલ મમતા, મેલ ડારો દોય રે,
મછંદરનો ચેલો બોલ્યા, જોગ એસા હોય જી —
જુગતસે નર જીવે જોગી૦

જુગતસે નર

ભજનવાણી એકીસાથે બે કામ કરે છે. શબ્દના પ્રહારથી તે આપણા અહમ્નું કોચલું ભાંગી નાખે છે અને આત્મદર્શનનું અમૃતજળ પાય છે. ગોરખનાથ કહે છે તેમ ‘સબકૈં મારી, સબહૈં જિલાઈ’ — શબ્દથી મારવાની અને શબ્દથી જીવતા કરવાની આ ક્રિયા છે. ગોરખનાથના આ ભજનમાં એ કળાની ઝાંખી થાય છે. પહેલો પ્રશ્ન તો એ કે યોગી પુરુષ કેવી રીતે જીવે? અને એ જીવવાની કળા તેને કેવી રીતે પ્રાપ્ત થાય? આ ભજનમાં તેનું ચોટદાર વર્ણન છે. ભજન કહે છે કે યોગીનર જીવે ‘જુગતસે,’ યુક્તપણે. ગીતામાં કહ્યું છે :

‘युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु
युक्तस्वप्राववोधस्य योगो भवति दुःखहा.

યુક્ત આહાર-વિહાર, યુક્ત પ્રવૃત્તિ, યુક્ત નિદ્રા અને જાગૃતિ રાખનારને દુઃખોનો નાશ કરનારો યોગ સિદ્ધ થાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં યથાયોગ્ય રીતે વર્તે તે યોગી. પણ આ યોગ સિદ્ધ થયો છે તેનું પ્રમાણ શું? ભજન કહે છે : ‘મુગતસે ૫૨માણ’ — યોગી કેટલો મુક્ત બન્યો એ તેનું પ્રમાણ. આપણાં કાર્યો તો ક્રિયા-પ્રતિક્રિયા અને આઘાત-પ્રત્યાઘાતના વિષચક્રમાંથી નીપજતાં હોય છે. પણ યોગીનાં વિચાર, વાણી અને કર્મ તો સ્વેચ્છાપૂર્વક સ્વ-નિર્ણયમાંથી પાંગરે. તે યુક્તપણે વર્તે છે કારણ કે બહારના પ્રભાવથી તે મુક્ત છે. મુક્તિનો આ માપદંડ જ યોગી કેટલો યોગારૂઢ થયો તેનું પ્રમાણ છે. સર્વ સાથે યુક્ત થવાના પ્રદેશમાં આ મુક્તિનું ઝરા વહે ત્યારે તેની ગતિ કેવી હોય?

દયા કફની... ખમા ખલકો

સર્વ પ્રત્યે દયા-કરુણા એ પહેલો ભાવ અને બીજાઓ તરફથી અવરોધ કે આઘાત આવે ત્યારે ક્ષમા એ બીજો ભાવ. માણસ કેવો વહેતો રહે છે અને વિરોધને સમાવતો જાય છે તેમાં તેનું સામર્થ્ય છે. પણ પોતાની જાતનાં બંધનો તોડ્યા વિના એ જ બનતું. ભજન કહે છે : સાધુ, કોઈ નામ-રૂપના અને વેશભૂષાના ઓળામાં તું બંધાઈ જા એ કેમ ચાલે? દયાની કફની પહેર, ક્ષમાનો આલખલો ધારણ કર, કારણ કે તારું સાચું નામ તો નિર્વાણ છે, જ્યાં ઇચ્છા માત્રનું વિસર્જન થઈ જાય છે. તારું સાચું સ્વરૂપ તો અલખ છે, જ્યાં આંગળી ચીંધી શકાય એવા ઓળખ-પારખના સર્વ બિલ્લા સરી પડે છે. દયાની કફની અને ક્ષમાના ખલકાની વાત ભજન કરે છે ત્યારે કિર્કગાર્ડનાં વચનો યાદ આવે છે. તેણે વર્ક્સ ઑફ લવ’માં કહ્યું છે કે આપણે આપણાં નામ-રૂપનાં વસ્ત્રો બહુ ચુસ્ત રીતે પહેરીએ છીએ. પછી એ વસ્ત્રો ઉતારવાનો વારો આવે છે ત્યારે બહુ તકલીફ પડે છે. એટલે સમજીને આ વસ્ત્રો ઢીલાં પહેરીએ, ગાંઠ ઓછી વાળીએ તો આપણો પાઠ ભજવ્યા પછી આ વસ્રો ઉતારતાં તકલીફ ઓછી પડે. પણ જેણે વસ્ત્રો તો ઢીલાં પહેર્યાં ને એ વળી દયા-ક્ષમાના તાણા-વાણાથી વણ્યાં એ તો આ વસ્ત્રો સાથે જ મુક્ત ગગનમાં વિહરી શકે છે.

એવા એવા ગુરુ મારા ગગન સુધી જાય રે

આ ગગન સુધી જવાની વાત શી છે? પંચમહાભૂતના શરીર સાથે ચિત્તની જે એકતા વણાઈ ગઈ છે એ જ મૂળ ગ્રંથિ છે. અને આ ગ્રંથિભેદ થતો આવે તેને યૌગિક સાહિત્યમાં ચક્રભેદનના નામે ઓળખવામાં આવે છે. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુતત્ત્વ સુધી વિકારોનો સંભવ રહે છે. પણ આકાશતત્ત્વ સુધી પહોંચ્યા પછી ચિત્તની વિકૃતિ થતી નથી. એટલે જ એ ચક્રને વિશુદ્ધચક્ર નામ આપવામાં આવ્યું છે. પણ આ વિશુદ્ધિ એ છેલ્લો મુકામ નથી, ‘નિત્ય સત્ત્વસ્થ’ની ભૂમિકા છે. ત્યાર પછી ભજન કહે છે તેમ ‘સૂનમાં સમાય’ અંતે અહંનો સર્વથા લય થઈ જાય છે.

નૂરતા સીંચે

આવા નિર્મલ ચિત્તના નિર્માણ અને અહંને નામશેષ કરવા માટે કઈ વસ્તુઓ જરૂરની? ભજન કહે છે : નૂરતા અને સુરતા. નૂરતા એ નિઃરતિ, વૈરાગ્યની સૂચક છે. સુરતા એ પ્રભુપ્રેમ અને તલ્લીનતા બતાવે છે. વાસનાની નિવૃત્તિ અને પરમાત્મ-પ્રેમની પ્રવૃત્તિ એ એકબીજાનાં પૂરક છે. આ બંને પાંખો દ્વારા જ માણસ આંતરિક મુક્તિના આકાશમાં ઊંચે ચડે છે. પણ આ મુક્તિ સહેલાઈથી નથી મળતી. તીવ્ર ઝંખનાની આગથી ઇન્દ્રિય-મનનું પિંજર જલાવ્યા વિના કોઈ ગગનમાં ઘર કરી શકતું નથી. ત્રિગુણમયી પ્રકૃતિનાં સર્વ અવલંબનોને દૂર કર્યા પછી જ નિરાલંબ સ્થિતિ પ્રાપ્ત થાય છે.

શૂરા માથે પૂરા આવ્યા

ઇન્દ્રિયો અને મન મહા બળવાન છે. પણ આ ‘શૂરવીર’ ઇન્દ્રિયોને વશ કરી શકે એવો ‘પૂરો’ પૂર્ણ સમર્થ આત્મા પણ મનુષ્યના શરીરમાં જ રહ્યો છે. જ્યારે પોતાની પૂરી તાકાતથી આત્મા મેદાનમાં આવે છે ત્યારે ઇન્દ્રિયોનું તેની પાસે કાંઈ ચાલતું નથી. જ્ઞાનના ગોળા વછૂટે છે અને જડતાના કિલ્લા જમીનદોસ્ત થતા જાય છે. અને ખૂબી તો એ છે કે આ શૂરા અને પૂરાની લડાઈમાંથી ભંગાર હાથ લાગતો નથી પણ ‘રનિયાં વેરાય,’ અત્યંત મૂલ્યવાન અનુભૂતિઓના ચમકારા મળે છે. પોતાની અંદર જ આત્માની વિવિધ વિભૂતિનાં દર્શન થતાં, મનુષ્ય આનંદ માટે બાર ભટકતો નથી પણ અંતરમાં જ આત્યંતિક સુખનો અનુભવ કરે છે.

તીન શોધો, પાંચ બાંધો

આ માર્ગ અંદરની ખોજનો છે. અંદરના વિજયનો છે અને નાશવંત પ્રકૃતિના ઠાઠમાઠ નિહાળી તેમાંથી અવિનાશીને પામવાનો છે. સત્ત્વ-૨જ-તમ એ ત્રણે ગુણો આપણા ૫ર કેવી રીતે પોતાનો પ્રભાવ પાથરે છે, અને તેનું પરિણામ શું આવે છે, તેના પર વિચાર કરો, પાંચ જ્ઞાનેન્દ્રિયોને વશ કરો અને અષ્ટધા પ્રકૃતિનો આ બધો આડંબર કેવો પરિવર્તન- શીલ છે તેને બરાબર તપાસી જુઓ. આવા આંતર-નિરીક્ષણથી વિશુદ્ધ થયેલી તમારી વિવેકશક્તિ વડે પછી નિર્મળ આનંદનું પાન કરો. ત્રિવેણીનો ઘાટ’ એ યૌગિક પરિભાષામાં જ્યાં ઇડા, પિંગળા અને સુષુમણા નાડી મળે છે તે ભૂમધ્યનું સ્થાન છે. તેને ત્રિકૂટિ પણ કહે છે. ત્યાં મન, બુદ્ધિ અને અહંકારના પ્રદેશની હદ છે. વિચાર, વાણી, વર્તનની ત્યાં એકતા સધાય છે અને તે શુદ્ધ જ્ઞાનનું કેન્દ્ર મનાય છે. ‘આવો હંસા, પીઓ પાણી’. આપણો આતમહંસ ત્યાં નિર્ભેળ આનંદ પામે છે ને તેને પછી કશી તૃષા સતાવતી નથી.

મેલ માયા, મેલ મમતા

મછંદરનો ચેલો ગોરખ કહે છે કે માયાને પરહરો, મમતાને મૂકી દો અને ચૈતભાવનો સદંતર ત્યાગ કરો. યોગ તો એવો હોય જ્યાં પોતાની અસલ જાતથી જ વિખૂટો પડેલો મનુષ્ય પોતાને સાચી રીતે પામે. પોતાની જાતનું સંશોધન, પોતાની ક્રિયાઓનું નિરીક્ષણ અને અંતે આત્માનું શુદ્ધ દર્શન તે ગોરખનાથના ભજનનો સાર છે. સંત દરિયાસાહેબે આ સત્ય એક સાખીમાં જ કહી દીધું છે :

જીવ જાત સે બિછુડ઼ા ધર પંચતત કા ભેખ,
દરિયા નિજ ઘર આઈયા, પાયા બ્રહ્મ અલેખ.