ભરત વિંઝુડાની ગઝલસંપદા/આસમાન મળે

૫૮
આસમાન મળે

એમ અજ્ઞાન મળે જેવી રીતે જ્ઞાન મળે,
શાસ્ત્રમાંથી ન કશું સર્વને સમાન મળે.

શેરીઓમાં જ મળે એવું કાંઈ નક્કી નહીં,
ઊતરી જાવ ભીતરમાં ને ત્યાંથી વાન મળે.

સ્વર્ગને શોધવા માટે ઊડી ગયા પંખી,
હર વખત એને ઉપર ખાલી આસમાન મળે.

અન્યની પાસે જવાથી થશે અભિવાદન,
જાતમાં જઈને જુઓ તે સ્થળે સ્વમાન મળે.

કંઈક અરમાન મળે એમાં થઈ ગયેલ દફન,
કોઈ પણ વ્યક્તિની અંદરથી પણ સ્મશાન મળે.

((નજીક જાવ તો)