ભરત વિંઝુડાની ગઝલસંપદા/ગુજરાતી ગઝલનું ગરવું શૃંગ

ગુજરાતી ગઝલનું ગરવું શૃંગ

કેસર મકવાણા

ગુજરાતી કવિતાપ્રવાહના અનુઆધુનિક કાળના આરંભે ઉદય પામેલા અને આજ પર્યંત ગુજરાતી ગઝલને પોતીકી શૈલી અને મિજાજથી સમૃદ્ધ કરનાર કવિ ભરત વિંઝુડા ગુજરાતી ગઝલનું શૃંગ છે. ગુજરાતીમાં ગઝલ કેટલાક મહત્ત્વના પડાવો પાર કરી અનુઆધુનિક યુગમાં પ્રવેશી ત્યારે ખમતીધર પૂર્વસૂરીઓ હજી પ્રવૃત્ત હતા. સાતમા-આઠમા દાયકામાં રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, આદિલ મન્સુરી અને મનોજ ખંડેરિયા જેવા ગઝલકારોએ ભાવ, ભાષા અને અભિવ્યક્તિની નૂતન તરાહોથી ગુજરાતી ગઝલને એક નવા મુકામ પર લાવી મૂકી હતી. અહીંથી કોઈ નવી દિશા, નવા વળાંકની વિવક્ષા સાથે અનુઆધુનિક યુગનો આરંભ થાય છે. આ આરંભકોમાં આગળના યુગના ગઝલકારો ઉપરાંત નવા ગઝલકારોમાં જવાહર બક્ષી, હેમેન શાહ, હરીશ મીનાશ્રુ, રાજેશ વ્યાસ વગેરે સાથે ભરત વિંઝુડાને પણ ગણાવી શકાય. આગલી પેઢીની વિદાય પછી આ ગઝલકારો આ યુગના પ્રમુખ ગઝલકારો બની રહ્યા છે. આ ગાળાના ગઝલકારોમાં ભરત વિંઝુડાનું પ્રદાન સંખ્યા અને સત્ત્વ બેઉ રીતે નોંધપાત્ર રહ્યું છે. ભરત વિંઝુડાએ ગઝલલેખનનો આરંભ આઠમાં દાયકાથી કરેલો. ‘કંવલ કુંડલાકર’ ઉપનામથી એમની ગઝલો આ ગાળામાં સામયિકોમાં પ્રસિદ્ધ થવા લાગેલી. એ ખરું કે શરૂઆતના થોડા વર્ષો બાદ એમણે તખલ્લુસ છોડીને પોતાનાં અસલ નામથી જ ગઝલો પ્રગટ કરવા માંડેલી. વિશિષ્ટ રચના કસબ, ભાષાની સાદગી અને ભાવની તાજગીને લઈ એમની ગઝલોએ આરંભથી જ સૌનું ધ્યાન ખેંચેલું. એટલે કવિનો સંગ્રહ થાય એ પૂર્વે જ રમેશ પારેખ જેવા સુજ્ઞ કવિએ ૧૯૮૪માં એમની કવિતાને પોંખીને આ બળકટ કાવ્યઅવાજની નોંધ લીધેલી. આમ છતાં આ કવિ પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ છેક ૧૯૯૪માં આપે છે. કવિતાપ્રતિની ગંભીરતાને લઈ કવિએ આ ધૈર્ય દાખવેલું. એ પછી એમણે આજપર્યંત સાતત્યપૂર્વક ગઝલલેખન કરતાં તેર ગઝલસંગ્રહો આપ્યા છે. ગઝલની પરંપરાને પચાવીને પોતીકો કાવ્યઅવાજ નીપજાવવામાં જ નહીં, એને સતત સતેજ રાખવામાં પણ આ કવિ સફળ રહ્યા છે. આ કવિની દીર્ઘ કાવ્યયાત્રાની ફલશ્રુતિરૂપે પ્રાપ્ત વિપુલ ગઝલરાશિમાં કાવ્યવિશેષો અને કાવ્યવિષયોનું એટલું વૈવિધ્ય છે કે એ બધાંની નોંધ લેવી મુશ્કેલ છે. એટલે થોડા પ્રમુખ વિશેષો અને વિષયોની નોંધ લઈ સંતોષ માનીશું. ભાષાની સાદગી અને સરળતા એ ગઝલનો પાયાનો ગુણવિશેષ છે, ને એ જ કવિ ભરત વિંઝુડાનો પ્રમુખ કાવ્યવિશેષ છે. વાતચીતની ભાષાથી રચાતી એમની ગઝલો પહેલા વાચને એટલી સાદી-સરળ ભાસે છે કે એ જાણે વ્યવહારનો કોઈ સામાન્ય ઉદ્ગાર લાગે છે. પરંતુ વ્યવહારની ભાષાના સ્થૂળ મેદને ગાળીછાળીને એની સૂક્ષ્મ અને વ્યંજનાસ્તરી પ્રયોજનાથી કાવ્યનિષ્પત્તિ કરવી એ દુષ્કર કવિકર્મ આ કવિની ગઝલસૃષ્ટિમાં પ્રથમ નજરે જ ઊડીને આંખે વળગે છે. એટલે કે સાદગીભર્યા લિબાસમાં જ કોઈ કાવ્યચમત્કૃતિ સાધી સંકુલ ભાવને સમાહિત કરી આપવો એ આ કવિનો આગવો કાવ્યકસબ છે. એટલે આ ગઝલોની ભાષાગત સાદગી એક રીતે છેતરામણી છે. એને ધ્યાનથી વાંચવામાં ન આવે તો અર્થનું ઊંડાણ હાથ ન લાગે એવું જોખમ એમાં રહેલું છે. જુઓ આ શેર -

બે અને એક ત્રણ થાય એવું
કેમ મળવું મરણ થાય એવું

આ શે’રમાં પહેલી પંક્તિ તો સાવ સાદી-સરળ અને ગાણિતિક લાગે છે. વળી, બીજી પંક્તિ પહેલાં વાચને પહેલી પંક્તિ સાથે રદીફ-કાફિયાથી આગળનો કોઈ સંબંધ ધરાવતી હોય તેવું લાગતું નથી. પરંતુ નિરાંતે વિચારતાં એમાં સૂક્ષ્મ અનુબંધ ભળાય છે. ‘બે અને એક ત્રણ થાય એવું’ એક ગણિત માનવસંસારમાં પણ પ્રવર્તી રહ્યું છે. એનો અણસાર બીજી પંક્તિમાં આવતું ‘મળવું’ને લીધે મળે છે. એટલે સમજાય છે કે અહીં સ્ત્રી-પુરુષનું મળવું ત્રણ થાય એવું છે. એટલો તાળો મેળવીએ ત્યાં બીજી પંક્તિમાં આવતું ‘મરણ થાય એવું’ આપણી ગોઠવણને પડકારે છે. બેમાંથી ત્રણ થાય એવું મળવામાં ‘નવજીવન’નો સંકેત છે, પણ કવિ એને ‘મરણ થાય એવું’ કહીને ‘જીવન સાથે મરણ’નું સ્મરણ કરાવે છે. આમ અહીં બે અંતિમો જીવન-મરણની સહોપસ્થિતિથી ત્રીજું પરિમાણ નીપજે છે તે શૃંગાર અને ભંગુરતાની સહયાત્રાનું. કહો કે ભર્તૃહરિ કથિત શૃંગાર અને વૈરાગ્યનો જે (ક્રોનોલોજિકલ) સંબંધ છે તે વ્યંજના અહીં સહજતાથી હાથવગી થાય છે. એટલે ‘કેમ મળવું’ જેવા પ્રશ્નની સંદિગ્ધતા દૂર થાય છે એટલું જ નહીં એ વજૂદી બની રહે છે. આમ આ શેર કવિની ઝીણું કાંતવાની ને સાદગીથી સંકુલતાને સિદ્ધ કરવાની કાવ્યશૈલીનો પરિચાયક છે. બીજો એક શેર છેઃ

એકને બીજાનું, બીજાને ત્રીજાનું કામ છે,
આ જગત આવું છે એનું એક કારણ આમ છે.

અહીં વર્ણિત સ્થિતિ આમ તો સામાન્ય છે. એકને બીજાનું કામ છે, પણ બીજાને પહેલાનું કામ નથી; એને ત્રીજાનું કામ છે. આ રીતે કોઈનું કામ સરતું નથી. આમ એક-બીજા વચ્ચે નર્યો વિસંવાદ છે. આ સ્થિતિ બે કે ત્રણ જણ પૂરતી સીમિત નથી; એ આગળ વધતી કોઈ એક તબક્કે પહેલા જણ પાસે આવી પહોંચે એવી સંભાવના પણ ખરી! એટલે એક આવર્તન થવાનું, જેને કોઈ છેડો નથી હોતો ને એમ આ વિસંવાદ અનંત રહેવાનો. આ જગત આવું છે; એટલે કે વિસંવાદી છે એનું એક કારણ આમ છે. આ જગત વિસંવાદી છે એ તો સૌ કોઈને ખબર છે. એ કહેવું એ આ શેરનો આશય નથી. પણ એ આવું કેમ છે? એનું એક કારણ કહેવાની એની નેમ છે. જે સાવ નજરવગાં વૈશિષ્ટ્યથી કવિ કહી આપે છે. આમ, આ શે’રનું પ્રાથમિક નિદર્શન સાવ સાદું છે, પણ એમાં નિહિત દર્શન ઘણું ગહન છે. વિસંવાદિતતાનાં આ વ્યાપારમાં ‘કામ’ની મૂળ વ્યંજના ઉમેરો તો ભર્તૃહરિ-પિંગળા-અવપાળનો કથાસંદર્ભ પણ એમાં કળાશે. આમ, સાવ સાદા-સરળ લાગતા આ શે’રમાં ગૂઢાર્થોને ગૂંથી આપતો કવિનો કાવ્યકસબ અદ્વિતીય છે. આ કવિની કાવ્યસૃષ્ટિમાંથી પસાર થતાં એમાં જોવા મળતી તાજગીભરી મૌલિકતા માટે આશ્ચર્ય થાય એવું છે. કવિ ભરત વિંઝુડાનો કલ્પનાલોક સમૃદ્ધ છે ને કાવ્યકસબ ઘૂંટાયેલો છે. એ બેઉનાં સુભગ સમન્વયથી નિષ્પન્ન કાવ્યઅવાજ આગવો અને નિરાળો છે. આ કવિની કાવ્યસૃષ્ટિ નિતનવી કલ્પનાઓ, અવનવી ધારણાઓ અને અવધારણાઓથી હરીભરી છે. જે એમના કાવ્યઅવાજને રૂઢ કાવ્યઅવાજોથી જુદો પાડે છે. ઘણીવાર તો વ્યવહાર જગતનાં સાવ પરિચિત દૃશ્યોને આ કવિ અરૂઢ અવધારણાઓથી નવપલ્લવિત કરી આપે છે. એક-બે ઉદાહરણ આ રહ્યા-

વહ્યાં’તા એ ક્રમે આંસુનાં મોતી ગોઠવી આપો,
તમે બે આંખથી ટપકેલી જોડી ગોઠવી આપો.

આ શેરમાં જેવી નિરાળી કલ્પના છે એવું જ નિરાળું; નર્યું સાદૃશ્યમૂલક એનું કાવ્યશિલ્પ છે. વહેલા આંસુનાં મોતીને એના ક્રમમાં ગોઠવી આપવાની માંગણી જેટલી સાદી છે એટલી જ સંકુલ છે. પરંતુ બીજી પંક્તિ એનાથીય આગળ વધી બે આંખથી ટપકેલી જોડીને ગોઠવી આપવાનો પડકાર આપે છે. આજના AI ના જમાનામાં લગભગ કશું જ અસંભવ નથી, એવી ઊંચાઈએ આપણે ઊડવા લાગ્યા છે. ત્યારે કવિનું આ આહ્વાન સધિયારો આપનારું છે. એ રીતે કે આપણી પાસે કશુંક તો એવું હશે જે ઉક્ત શેરમાં કંડારાયું છે, એ AI ને પણ પડકારશે ને આપણાપણું અકબંધ રહેશે. આવી જ એક બીજી કલ્પના જુઓ-

કામ કરવાં હોય તો અઘરાં કરો,
એક નદીમાંથી ઘણાં ઝરણાં કરો!
પહાડ માફક ઊભા રહેવા જોઈએ,
જો કરો તો પાણીના ઢગલા કરો!

આ શેરને સમજાવવાની જરૂર નથી. ભાષાની અને રચનાબંધની સાદગી સૂચિત ભાવને સહજમાં સંક્રાત કરી આપે છે. પણ આ કવિની વિચારલીલા, કહો કે કલ્પનાલીલા, નિત્ય નવી-નિરાળી, મૌલિક અને પોતીકી છે. આપણા જેવા સામાન્યલોકનો તર્ક-વિતર્ક ને કલ્પના સુદ્ધાં જ્યાં ન પહોંચે એવા અજાણ્યા મલકમાં આ કવિ સતત વિહાર કરે-કરાવે છે. આ રીતે એમની કવિતામાં વ્યાપ્ત નાવિન્ય નર્યું મૌલિક છે. એટલે કે એ ન કોઈની નકલ છે, ન એની નકલ થઈ શકે એમ છે. કવિ ભરત વિંઝુડાની આ મૌલિકતાને કિરીટ દૂધાત ચેખોવનું આ વિધાન - “મૌલિક એટલે જે બીજાની નકલ ન કરે એ નહીં પણ જેની નકલ ન થઈ શકે એવો સર્જક.” ટાંકીને નવાજે છે. ભરત વિંઝુડાએ આટલી વિપુલ કાવ્યરાશિ આપી છે અને હજી લગભગ દર વર્ષે એક ગઝલસંગ્રહ આપી શકે એવી ગતિથી એમનું કાવ્યલેખન પ્રવૃત્ત છે. સતત લખતા આ કવિનાં કાવ્યલેખનનું પ્રેરકબળ જગતને ને જગતના વ્યવહારોને વિપરીત દૃષ્ટિથી જોવામાં રહેલું છે! એટલે કે ભૌતિક જગતને ભૌતિક રીતે ન જોતાં કવિ એને આધિભૌતિક રીતે નિહાળે છે. આવા અભિગમથી ઉપલબ્ધ થતું દર્શન આપણને આશ્ચર્ય પમાડે તેવું હોય છે ને એ જ કવિની કાવ્યસૃષ્ટિનો ગુણવિશેષ છે. જુઓ આ શે’ર-

મારા પહેલાં થાકી ગયો હું જ વિવમાં
બેસી ગયો છું એથી ઊભેલાં શરીરમાં

સામાન્ય લોકમાં ભૂંસાઈ ગયેલી શરીર અને મનની ભેદરેખાને કવિ સહજ કલ્પનાથી અહીં વિશદ કરી આપે છે. પહેલી પંક્તિમાં- ‘મારા પહેલાં’ એટલે કે આપણે જેને આપણું કહીએ છીએ એ શરીર; જે હજુ થાક્યું નથી પણ એની પહેલાં ‘હું’ થાકી ગયો. યાને શરીરમાંનો હું થાકી ગયો. ક્યાં? તો વિવમાં. એટલે કે આ વિવ થકવી દેનારું છે. પણ કોને? ‘હું’ને - ‘હું’નાં પર્યાય સમા ‘મન’ને. સામાન્ય વ્યવહારમાં તો શરીર થાકે છે પણ મન થાકતું નથી, એવી સમજ પ્રવર્તે છે. જ્યારે અહીં એનાથી વિપરિત શરીરધારી ‘હું’ થાકી ગયો છે. વિવ કેવું ભયાવહ હશે! ખેર, પણ પછી આવતી આનુસંગિક અવધારણા અદ્ભુત છે. ‘બેસી ગયો છું એથી ઊભેલા શરીરમાં’ કેવું સૂક્ષ્મ દર્શન! આપણે વ્યવહારમાં ઘણીવાર વ્યક્તિની માનસિક અવસ્થાને લઈને વૃદ્ધને યુવાન અને યુવાનને વૃદ્ધ કહીએ છીએ. એ જ પરિપાટીનું આ સૂક્ષ્મ નિદર્શન છે. થાકીને ઊભેલા શરીરમાં બેઠેલા જણનું આ શિલ્પ ખરેખર નિરાળું છે. આવો જ એક અન્ય શે’ર જુઓ-

ખરેખર કોણ છે જે મૃત્યુનું વરદાન આપે છે
ખબર ક્યાંથી પડે કે લાગશે જીવન સજા તમને!

જીવનને વરદાન ગણતાં આ લોકમાં મૃત્યુને વરદાન ગણાવતી આ કલ્પના સામા છેડાની જરૂર લાગે છે, પણ એ કંઈ સાવ આધારહીન નથી. ‘જીવ’ના જન્મની ક્ષણે જ એનું મૃત્યુ નિશ્ચિત હોય છે એ સત્યથી આપણે સૌ કોઈ અવગત છીએ. એટલે કે અહીં સૌ કોઈ જન્મે છે જ મરવા માટે. આપણા દર્શનશાસ્ત્રો-ઉપનિષદોનો પણ એ જ સાર છે કે મૃત્યુ એ જ સાચી મુક્તિ છે. એનો સીધો મતલબ એવો થાય છે કે જીવન એ વરદાન નથી. પરંતુ જીવ તો જીવનને જ વરદાન માને છે ને ઉપરથી દીર્ઘાયુ કે અમરત્વના વરદાની ઝંખના રાખે છે. આપણાં પુરાણો પણ અમરત્વનાં આવાં વરદાનની કથાઓથી ભરેલાં છે. પરંતુ આયુષ્યના અવશેષે સમજાય છે કે જીવન તો દુઃખદાયી છે. આખરે આવા જીવનથી મુક્તિ મેળવવાની ઝંખના જાગે છે. એટલે કે મૃત્યુની વાંછના જાગે છે. આમ મૃત્યુ જ મુક્તિનો આધાર છે. એટલે ખરેખર ‘વરદાન’ જીવનનું નહીં પણ મૃત્યુનું મળ્યું હોય છે. આ અર્થમાં જીવન કરતાં મૃત્યુનું વરદાન આપનારનો આપણા પર ઉપકાર છે. એ ખરેખર કોણ છે એ શોધનો વિષય છે. એ વગર ખબર ક્યાંથી પડે કે જીવન સજા છે; વરદાન નહીં. આપણે તો જીવન આપનારને વરદાન આપનાર ગણીને એની શોધ કરીએ છીએ. આમ પ્રવર્તમાન જગતમાં પરિસ્થિતિ આખી વિપરીત છે એવું અખાકથિત ઉપનિષદીય જ્ઞાન અહીં ભરતશૈલીએ પ્રાપ્ત થાય છે. આટલી વિપુલ ગઝલરાશિમાં વિષયનું અપાર વૈવિધ્ય જોવા મળે છે. એ બધા વિશે વિગતે વાત કરવી અશક્ય છે. એટલે એમાંના કેટલાક પ્રમુખ વિષયો જે અવારનવાર પણ અવનવી રીતે-ભાતે આવતા રહે છે. એની નોંધ લઈએ તો ઉપર ચર્ચા કરી છે તે ભૌતિક જગતનું આધિભૌતિક પ્રક્ષેપણ ઉપરાંત પ્રણયભાવ, વર્તમાની રાજકીય-સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રનાં ગર્ભિત નિદર્શનો અને ભાવ-પ્રતિભાવ, કાવ્યસર્જનની ક્રિયા-પ્ર-ક્રિયા ઉપરાંત માનવવ્યવહારની વિસંગતતાઓ અને એ વિશેના નર્મ-મર્મ, કટાક્ષ અને ક્યારેક બ્લેક હ્યુમર સુધીની તરાહો પણ અહીં વિષયલેખે માણવા મળે છે. આ ગઝલરાશિમાં અવારનવાર જોવા મળતો પ્રણયભાવ એની પરંપરિત મિલન-વિયોગની સીમાપારનો જોવા મળે છે. એટલે એમાં પ્રણયરંગના વિધવિધ શેડ્ઝ (ઝાંય) રંગદર્શી મિજાજથી માણવા મળે છે. આવા શે’રનું પ્રમાણ અહીં વિપુલ માત્રામાં છે. એકાદ ઉદાહરણ માણીએ.

લાલ લીલી જાંબલી ભૂરી કરી,
તું અધૂરી છે, તને પૂરી કરી!

શૃંગારની આ પ્રફુલ્લતાભરી છોળો કાવ્યનાયકના અભિગમની નીપજ છે. એમાં પુરુષસહજ પ્રગલ્ભતા ભળી હોવાથી એનો મિજાજ રંગદર્શી છે. આ ભાવની વિવિધરંગી છટાઓ અહીં ઘણા શેરમાં જ નહીં, ઘણી ગઝલો રૂપે પણ પ્રાપ્ત છે. - ‘મન એમનું’, ‘સપનામાં આવશો’, ‘બોલ હવે’, ‘દૂરી કરી’, ‘લાવી બેઠા છે’, ‘તમે કવિતા છો’, ‘જાઉં કે નહીં?’, ‘તરસ લાગે’- જેવી ગઝલો એનાં ઉદાહરણ છે. પાંચ દાયકાની સાતત્યપૂર્વકની ગઝલ સાધનામાં કવિએ સ્વયં ગઝલને પણ એક વિષય લેખે ને તેથી આકર્ષણ ભાવે આરાધી છે. આથી એમણે ગઝલની ગૂઢ રચનાપ્રક્રિયાથી લઈ સ્વ-ગઝલની ખુમારી સુધીના આયામોને પણ ગઝલવિષય બનાવ્યા છે. કાવ્યસિસૃક્ષાની ક્ષણોને આમ તો અનેક કવિઓએ કાવ્યમાં ઝીલી છે. દરેક કવિએ એની અનુભૂતિ અને અભિવ્યક્તિ જુદી હોવાની. ગઝલલેખનની પ્રક્રિયાને આ કવિ આ રીતે જુએ-પ્રમાણે છે :

હોય મા-બાપ સર્વ બાળકને
ચાલ સાથે મળી ગઝલ લખીએ

આ સિવાય પણ કવિના આ વિષયના બીજા ઘણાં શેર પ્રસિદ્ધ છે. ઉપરાંત ‘ગઝલ’ અને ‘ગઝલ લખીએ’ જેવી આખી ગઝલો ગઝલવિષયક છે. જેમાં ગઝલની તાસીર, તસવીર ઝીલાઈ છે. આ કવિનો એક વિષય સમકાલીન રાજકીય-સામાજિક-ધાર્મિક વાતાવરણને સ્વસ્થ અભિગમે જોવા-મૂલવવાનો ને એને તિર્યકતાથી તાકવાનો પણ રહ્યો છે. ઢાળ પ્રમાણે દોડવા કે મીંઢું મૌન ધારવાને બદલે આ કવિ એનાં કવિસ્થાને અડીખમ ઊભા રહીને પરિસ્થિતિનું નિદાન કરે છે અને કાવ્યમય રીતે એની રજૂઆત કરે છે. બે-ત્રણ શેર જુઓ -

- હણે એને હણવામાં હરકત નથી,
બીજી આવી હિંસક કહેવત નથી!
- પડ્યા દટાઈને જમીનમાં જ ઇતિહાસો,
કશું ના સાંભળો, ખોદો અને તપાસ કરો.
- ઈવરને એના હાલ પર છોડવો પડ્યો,
ભક્તોના ભાવતાલ ઉપર છોડવો પડ્યો.

આ શેર વર્તમાનમાં જન્મેલા વલણોનાં ગર્ભિત અણસાર આપે છે. એ જ રીતે આજે સપાટી પર આવેલા સાંપ્રદાયિક વાતાવરણનું નિદાન પણ આ કવિ એક તબીબની મિસાલે રોગના મૂળથી શરૂ કરીને બાહ્યલક્ષણો સુધી આ રીતે કરે છે -

- એક માણસની લાશ દફનાવી
તો બીજાની શું કામ સળગાવી?
- કોઈ કરતું ગઝલને સુન્નત તો
કોઈ દેતું જનોઈ પહેરાવી!

ધર્મમાં નિહિત આવા ભિન્ન વલણો હવે સાહિત્યમાં પણ પ્રવેશ્યાં છે, એનું આવું કાવ્યાત્મક રૂપ આપણા સાહિત્યમાં મળવું દુર્લભ છે. વ્યવહાર જગતની વિસંગતતાઓ ને માનવીય વિડંબણાઓને વિષય બનાવતા કવિની અભિવ્યક્તિમાં નર્મ-મર્મ અને કટાક્ષકાકુ ભળે છે. જોકે એનું બાહ્યાવરણ નર્મ-મર્મયુક્ત હોવા છતાં એની તાસીર કરુણ અને ગંભીર છે. એટલે એવા શેરમાં સમાહિત નર્મ-મર્મ ગઝલસ્તરી સ્થૂળ હાસ્યનિર્મિત કક્ષાનાં નહીં, પણ કરુણહાસ્ય નીપજાવતા બ્લેક હ્યુમર કક્ષાનાં હોય છે. કવિની આવી હળવી શેરિયતનાં પણ અનેક ઉદાહરણ મળે છે. થોડાં માણીએ -

- હરિએ બનાવેલ જનથી ડરી
અહીં કોઈ બોલ્યું, બચાવો હરિ
- પિકચરમાં લઈ જાય ને કશ્મીર બતાવે
નકશાઓ બતાવીને એ જાગીર બતાવે
- અરધી રાતે આઝાદી થઈ
એથી પુષ્કળ આબાદી થઈ
પોતાનું ઘર સળગાવ્યું તેં
બાજુમાં પણ બરબાદી થઈ
- એકબીજા પર લોક કાદવ ફેંકતા
ગામમાં જાણે ધૂળેટી છે હજી

આમ, આ વિપુલ ગઝલરાશિમાં વિશેષો અને વિષયોના વૈવિધ્ય સાથે કવિની કેટલીક નિજી તરાહો પણ જોવા મળે છે. છંદની સફાઈ ઉપરાંત લાંબી-ટૂંકી બહેરમાં છંદ વૈવિધ્ય સાથે અઘરા છંદોની સવારી પણ આ કવિ આસાનીથી કરી જાણે છે. એ જ રીતે કવિ ક્યારેક ગઝલના પરંપરિત ઢાંચામાંથી બહાર નીકળી અવનવા પ્રયોગો પણ કરે છે. જેમ કે કાફિયાથી ગઝલનો આરંભ કરવો અને બાકીનો હિસ્સો આખો રદીફ હોય એવા અઘરા પ્રયોગ પણ આ કવિએ સહજતાથી કર્યા છે. બીજી પંક્તિમાં એક શબ્દફેરનો જ અવકાશ હોય એવી સંકડાશમાં પણ આ કવિ કુનેહથી કાવ્યત્વ નીપજાવી જાણે છે. જુઓ-

રાતના કંઈ વિચાર આવે છે
જાતના કંઈ વિચાર આવે છે
તેં કહી’તી મને અધૂરી તે
વાતના કંઈ વિચાર આવે છે.

ક્યાંક સાની મિસરો આખો રદીફ બને અને ઉલાની પંક્તિનો છેલ્લો શબ્દ કાફિયા બને એવા પ્રયોગ પણ આ કવિએ કર્યા છે. આ રીતે-

ચાલ્યા કરે છે ટ્રેન માફક આવજા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

એક ગઝલમાં તો આગળના શેરનો સાની મિસરો પછીના શેરનો ઉલા બને ને એમાં સાની મિસરો ઉમેરે, પછી એ પણ ઉલા બને. એમ આખી ગઝલમાં બીજી પંક્તિ પુનરાવર્તિત થતી રહે ને પહેલા શેરની પહેલી પંક્તિ છેલ્લા શેરમાં આવી બેસે ને એક આખું આવર્તન પૂરું કરે છે. જુઓ -

કોઈ નથી ઉપાય છતાં બનતું હોય છે
મારા ઉપરનું આભ તૂટી પડતું હોય છે
મારા ઉપરનું આભ તૂટી પડતું હોય છે
તે જોઈ આસપાસ કોઈ રડતું હોય છે

ઉપરાંત આ કવિ ‘છોકરીઓ’, ‘સ્ત્રીઓ’ જેવા રદીફને લઈને મુસલસલ ગઝલ પણ લખે અને ‘સખી’ રદીફ લઈને ૧૫૨ શેરની દીર્ઘ ગઝલ પણ લખે છે. આમ, આ કવિની ગઝલસૃષ્ટિ ભાવ-ભાષા અને કાવ્યત્વનાં સર્વ વાનાંથી સમૃદ્ધ છે. એમાં વિશેષો અને વિષયો ઉપરાંત છંદો અને પ્રયોગોનું પણ ઘણું વૈવિધ્ય છે. કવિના સાદગીભર્યા રચના કસબથી પ્રાપ્ત આ ગઝલસૃષ્ટિ સાદગીસભર હોવા સાથે કલ્પના, વિચાર અને કાવ્યત્વથી પણ સભર છે. આજની ગુજરાતી ગઝલની ગાજવીજ વચ્ચે આ કવિના કાવ્યઅવાજે એની નિજી ઓળખ અકબંધ રાખવાની સભાનતા દાખવી છે. એ ગુજરાતી કાવ્યજગતનું અહોભાગ્ય છે અને સંખ્યા-સત્ત્વથી સમૃદ્ધ એમની ગઝલસૃષ્ટિ ગુજરાતી ગઝલનું ગરવું શૃંગ છે.