ભરત વિંઝુડાની ગઝલસંપદા/તરસ લાગે
૬૧
તરસ લાગે
તરસ લાગે
હોય તું જળ અને તરસ લાગે,
એમ તારી મને તરસ લાગે.
તું કરે એમ મારે કરવું છે,
શું કરે જો તને તરસ લાગે.
એ દુઆ હું કરું છું, તું પણ કર,
આમનેસામને તરસ લાગે.
ડોલ કે દોરડુંય હોય નહીં,
એમ કૂવા કને તરસ લાગે.
જેની નીચે વહી જતાં વાદળ,
એ ઊંચા આસને તરસ લાગે.
(ચિત્તની લીલાઓ)