ભરત વિંઝુડાની ગઝલસંપદા/થયો જ નહીં
૩૬
થયો જ નહીં
થયો જ નહીં
રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં!
બાકી રાખી દીધું વરસવાનું,
એણે ને હું ભીનો થયો જ નહીં!
એક પથ્થરને મેં તરાસ્યો બહુ,
પણ કદી એ હીરો થયો જ નહીં!
કાગડા હોય છે બધે કાળા,
કંઈ અનુભવ બીજો થયો જ નહીં!
માત્ર મારા જ માપમાં છું હું,
સહેજ ઊંચો, નીચો થયો જ નહીં!
ક્યાંક આગળ હતો હું રસ્તા પર,
એથી એનો પીછો થયો જ નહીં!
સૂર્ય કિરણોની જેમ ચાલું છું,
કોઈ રસ્તો સીધો થયો જ નહીં!
(તો અને તો જ)