ભરત વિંઝુડાની ગઝલસંપદા/ફૂલવાડી થઈ ગઈ

૫૦
ફૂલવાડી થઈ ગઈ

હરીભરી ફૂલવાડી થઈ ગઈ,
ધોતી સાથે સાડી થઈ ગઈ.

ખેતરમાંથી વાડી થઈ ગઈ,
એમ બંગલો ગાડી થઈ ગઈ.

એમ સમાચારોમાં આવ્યું,
ગરીબ વ્યક્તિ જાડી થઈ ગઈ.

સાથે ભણતી’તી શાળામાં,
એ છોકરીઓ માડી થઈ ગઈ.

એક આંખ મીંચી તો સામે,
કેવી રાડારાડી થઈ ગઈ.

નકશામાં શોધે છે ઘોઘા,
જે લંકાની લાડી થઈ ગઈ.

(મૌનમાં સમજાય એવું)