ભરત વિંઝુડાની ગઝલસંપદા/બાદબાકી થઈ

૧૧
બાદબાકી થઈ

વિશ્વ આખાની બાદબાકી થઈ
તે પછી વાત માત્ર તારી થઈ

તેં મને ચોકલેટ દીધી છે
તેં દીધી એટલે પ્રસાદી થઈ

તેં મિલાવ્યો જો હાથ, મિત્ર થયાં
ને મિલાવ્યો ફરી તો શાદી થઈ

સ્વપ્નમાં તારું આવવું યાને
એકલા એકલા ઉજાણી થઈ

સૂર્ય ડૂબી ગયો હતો કિન્તુ
તેં કહ્યું ત્યારે રાત સાચી થઈ

(પંખીઓ જેવી તરજ)