ભરત વિંઝુડાની ગઝલસંપદા/વધારે પણ છે

૫૩
વધારે પણ છે

એ હકીકત છે, હકીકતથી વધારે પણ છે,
આ મહોબત છે, મહોબતથી વધારે પણ છે.

હું તને ચાહું છું એવું કહું છું એ બાબત,
એક શરાફત છે, શરાફતથી વધારે પણ છે.

બસ તને જોઉં ને જોયા જ કરું છું સામે,
આ ઇબાદત છે, ઇબાદતથી વધારે પણ છે.

આવી બેસે છે, ઘણીવાર અહીંયાં એમાં,
કંઈ નજાકત છે, નજાકતથી વધારે પણ છે.

તું પૂછે તો હું કહું તાજમહલ શું છે એ,
હા, ઇમારત છે, ઇમારતથી વધારે પણ છે.

જાત આપી જો શકે તો તું મને આપી દે,
તું જરૂરત છે, જરૂરતથી વધારે પણ છે.

(નજીક જાવ તો)