ભરત વિંઝુડાની ગઝલસંપદા/હરકત નથી
Jump to navigation
Jump to search
૩૨
હરકત નથી
હરકત નથી
હણે એને હણવામાં હરકત નથી,
બીજી આવી હિંસક કહેવત નથી!
જનમ સત્ય છે ને મરણ સત્ય છે,
ને વચ્ચે જ કોઈ હકીકત નથી!
મને એક જણ સામે ફરિયાદ છે,
જગત સાથે કોઈ શિકાયત નથી!
પૂછો નહીં મને, કોઈ, શું થાય છે,
હવે તન નથી ને તબિયત નથી!
તમે કેમ પથ્થર થતા જાવ છો,
મહોબત છે, આ કંઈ ઇબાદત નથી!
હું હેરાન ને કાં પરેશાન છું,
ખરેખર કોઈની કનડગત નથી!
તરીને કિનારે પહોંચ્યા પછી,
કહે છે કે જળનીથી મહોબત નથી!
(લાલ લીલી જાંબલી.)