ભારતીયકથાવિશ્વ−૪/દંડીકૃત દશકુમારચરિત/ત્રણ ભાઈઓની કથા
ત્રિગર્ત નામનો એક દેશ. ધનક, ધાન્યક અને ધન્યક નામના ત્રણ સગા ભાઈ. તેમણે પુષ્કળ સંપત્તિ કમાઈને એકઠી કરી હતી. તે સમયે ઇન્દ્રે બાર વરસ સુધી વરસાદ ન મોકલ્યો. ખેતરોમાં પાક નિષ્ફળ ગયો; છોડ કરમાઈ ગયા, વૃક્ષો પર ફળ ન આવ્યાં; વાદળ સાવ કોરાકટ થઈ ગયાં, પાણીના ઝરા સુકાઈ ગયા; તળાવોમાં માત્ર કીચડ કીચડ રહ્યો. પાણીના ોત નિર્જલ થઈ ગયા. કંદમૂળ, ફળફળાદિ દુર્લભ થઈ ગયા, લોકકથાઓ અદૃશ્ય થઈ ગઈ, ઉત્સવો બંધ થઈ ગયા. ચોરડાકુઓનાં ધાડાં વધવાં માંડ્યાં. લોકો એકબીજાને ખાઈ જવા લાગ્યા. સફેદ બગલા જેવી માણસોની ખોપરીઓ રસ્તે રઝળવા લાગી. તરસ્યા કાગડા આમતેમ ઊડવા માંડ્યા. ગામડાં, નગરો, પ્રદેશોના પ્રદેશો ઉજ્જડ થઈ ગયાં.
આ ત્રણ ભાઈઓ પહેલાં તો તેમણે સંઘરેલું અનાજ ખાઈ ગયા, પછી એક એક કરીને બકરાં, ઘેટાં, ગાયભેંસો, દાસીઓ, નોકરો, બાળકોને ખાઈ ગયા. સૌથી મોટા ભાઈની અને વચલા ભાઈની પત્નીઓ પણ ખાઈ ગયા. પછી તેમણે નક્કી કર્યું કે હવે આપણે આવતી કાલે સૌથી નાના ભાઈની પત્ની ધૂમિનીને ખાઈ જઈશું. પરંતુ ધન્યક પોતાની પત્નીને ખાવાના વિચારથી જ કમકમી ઊઠ્યો એટલે રાતે તે પત્નીને લઈને ભાગી ગયો. રસ્તે તે થાકી ગઈ એટલે તેણે પત્નીને ઊંચકી લીધી, છેવટે તેઓ એક વનમાં પ્રવેશ્યા. પત્નીને ભૂખ લાગી ત્યારે તે તેને પોતાનાં માંસ અને લોહી આપતો હતો. રસ્તામાં તેમણે હાથ, કાનનાક કપાઈ ગયેલો અને તરફડતો એક પુરુષ જોયો. ધન્યકે દયા આણીને તેને પણ ઊંચકી લીધો, પછી તેઓ વનના જે વિસ્તારમાં પ્રવેશ્યા તે ફળફૂલોથી, પશુઓથી ભરચક હતો. ત્યાં તેણે ઘાસપાંદડાં વડે એક ઝૂંપડી ઊભી કરી અને દિવસો ગાળવા લાગ્યો. તેણે બદામ અને સરસિયાના તેલ વડે તેના ઘા રૂઝાવ્યા અને માંસ અને શાકભાજી જરાય વહેરાઆંતરા વિના ખવડાવ્યાં.
હવે તે પુરુષ સાજોનરવો થઈ ગયો, તેનું શરીર પણ ભરાઈ આવ્યું ત્યારે એક દિવસ ધન્યક મૃગયા માટે વનમાં નીકળી પડ્યો. ત્યારે ધૂમિનીએ તે પુરુષ પાસે આવીને સમાગમની યાચના કરી. પેલાએ વિરોધ કર્યો પણ વિરોધને અવગણીને તેણે શય્યાસુખ માણ્યું. તેના પતિએ ઝૂંપડીમાં આવીને પાણી માગ્યું તો તે બોલી, ‘મારું માથું બહુ ચકરાય છે એટલે તમારી જાતે કૂવામાંથી કાઢી લો.’ પછી ડોલ અને દોરડું ત્યાં ફેંક્યાં.
તે જ્યારે કૂવામાંથી પાણી કાઢતો હતો ત્યારે તેની પત્નીએ પાછળથી ધક્કો મારીને તેને કૂવામાં ફેંકી દીધો. પછી તે પેલા લૂલાલંગડાને ખભે બેસાડીને પતિવ્રતાનો ઢોંગ કરતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘૂમવા લાગી, સતી તરીકે તેની વાહવાહ થવા માંડી. પછી અવંતી નગરીમાં રાજાની કૃપાથી ખૂબ જ ધનવાન બનીને તે રહેવા લાગી.
હવે આ બાજુ તરસ્યા વેપારીઓએ ધન્યકને કૂવામાં જોયો અને તેને બહાર કાઢ્યો અને તે અવંતી નગરીમાં ભીખ માગતો ફરવા લાગ્યો. જોગાનુજોગ ધૂમિનીએ પતિને રખડતો જોયો. પછી કશી જ જાણકારી ન ધરાવતા રાજા આગળ તેણે ફરિયાદ કરી, ‘આ જ દુષ્ટ માણસે મારા પતિને લૂલો-લંગડો બનાવી દીધો છે.’ રાજાએ કશી તપાસ કરાવ્યા વિના તેને મૃત્યુદંડની સજા ફરમાવી દીધી. તેને જ્યારે દોરડે બાંધીને શૂળીએ ચઢાવવા લઈ જઈ રહ્યા હતા ત્યારે ધન્યકને લાગ્યું કે હજુ મારું આયુષ્ય બાકી છે એટલે તેણે એક અધિકારીને વિનંતી કરી, ‘જે ભિખારીને મેં લૂલોલંગડો કરી નાખવાનો આરોપ મારા પર છે તે જો મારો અપરાધ જણાવે તો મને મૃત્યુદંડ સ્વીકાર્ય છે.’ અધિકારીને આમાં કશો વાંધો ન જણાયો ત્યારે પેલા અપંગને બોલાવ્યો. ધન્યકને જોતાંવેંત તે અપંગની આંખોમાં આંસુ આવ્યાં. તે ધન્યકને પગે પડ્યો, ઉમદા સ્વભાવનો હોઈ તેણે ધન્યકની નિર્દોષતા વર્ણવી અને તે કુલટા સ્ત્રીનું પાપ પણ કહી દીધું. રાજાએ ક્રોધે ભરાઈને તેનાં નાક-કાન કપાવી નંખાવ્યાં અને પોતાના કૂતરાઓ માટેના રસોડામાં મોકલી દીધી, ધન્યકને ખાસ્સો શિરપાવ આપ્યો.