ભારતીયકથાવિશ્વ−૪/દેવી ભાગવત/શુંભ-નિશુંભની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શુંભ-નિશુંભની કથા

શુંભ અને નિશુંભ નામના બે સહોદર રાક્ષસ પાતાળમાંથી પૃથ્વી પર આવ્યા. યુવાનીમાં પુષ્કર તીર્થમાં જઈ અન્નજળનો ત્યાગ કરી તપ કરવા બેઠા. દસ હજાર વર્ષ તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા. ‘ઊઠો. તમારા તપથી હું પ્રસન્ન થયો છું. ઇચ્છા થાય તે વરદાન માગો.’

બ્રહ્માની વાણી સાંભળી બંને ભાઈઓની સમાધિ તૂટી. બ્રહ્માને વંદન કરીને બોલ્યા, ‘તમે જો અમારા પર પ્રસન્ન થયા હો તો અમને અમર બનાવો. મૃત્યુ સિવાય અમને બીજો કોઈ ભય નથી. એ ભયથી ત્રાસીને અમે તમારા શરણે આવ્યા છીએ. તમે અમારો આ જનમ-મરણનો ભય દૂર કરી આપો.’

બ્રહ્માએ કહ્યું, ‘ત્રણે લોકમાં તમને આવું વરદાન કોઈ આપી નહીં શકે. જે જન્મે તે મૃત્યુ પામે અને જે મૃત્યુ પામે તે જન્મે, ભગવાને આ સ્થિતિ પહેલેથી જ નિયત કરી છે. તમે બીજું કોઈ વરદાન માગો.’

આ સાંભળીને બંને ભાઈઓ વિચારમાં પડી ગયા. પછી નમ્ર થઈને બોલ્યા, ‘ભગવાન, દેવતા, માનવ, મૃગ, પક્ષી — આમાંથી કોઈ પણ પુરુષ જાતિથી અમારું મૃત્યુ ન થાય. અમને સ્ત્રીઓનો કોઈ ભય નથી. તે તો પહેલેથી જ અબળા છે.’

બ્રહ્મા વરદાન આપીને પોતાના નિવાસે ગયા, દાનવો પોતાને ઘેર ગયા. શુક્રાચાર્યને પુરોહિત બનાવી તેમની પૂજા કરી. મુનિએ શુભ દિવસે, શુભ નક્ષત્રમાં તેમને રાજ આપ્યું, અને સુવર્ણજડિત સિંહાસન આપ્યું. શુંભ મોટો હતો એટલે તેને રાજગાદી મળી. જાણીતા દાનવો તેમની સેવા કરવા આવ્યા. ચંડ, મુંડ, ધૂમ્રલોચન તથા રક્તબીજ જેવા દાનવો પણ આવ્યા. રક્તબીજ વરદાનને કારણે પ્રભાવી હતો. યુદ્ધભૂમિ પર તેને શસ્ત્ર વાગે અને લોહી નીકળે તો જેટલાં ટીપાં પડે તેટલા પુરુષો ઉત્પન્ન થતા હતા. એ બધા દાનવો આકાર, રૂપ, અને પરાક્રમમાં સરખેસરખા હતા, અને જન્મતાંની સાથે જ યુદ્ધમાં જોડાઈ જતા હતા. તે રક્તબીજને મારવા કોઈ સમર્થ ન હતું. શુંભ રાજા થયો એટલે ઘણા બધા રાક્ષસો તેના સેવક બની ગયા. આમ શુંભની સેના ઘણી મોટી અસંખ્ય થઈ ગઈ. શુંભે આખી પૃથ્વી પર પોતાની સત્તા જન્માવી.

નિશુંભે સેના સજ્જ કરીને સ્વર્ગ પર આક્રમણ કર્યું, લોકપાલો સાથે યુદ્ધ કર્યું, ઇન્દ્રે તેની છાતીમાં વજ્ર વડે પ્રહાર કર્યો એટલે તે જમીન પર પડી ગયો. તેની સેના ભાગી ગઈ. નિશુંભ મૂચ્છિર્ત થઈને જમીન પર પડ્યો છે એવા સમાચાર મળ્યા એટલે શુંભ ત્યાં તરત જ આવી પહોંચ્યો, બધા દેવતાઓ પર બાણવર્ષા કરવા માંડી, એ યુદ્ધમાં બધા પર વિજય મેળવ્યો. ઇન્દ્રાસન, કલ્પવૃક્ષ, કામધેનુ તેના અધિકારમાં આવી ગયા. ત્રણે લોકમાં યજ્ઞ તેના નામથી થવા લાગ્યા. નંદનવન પ્રાપ્ત કરીને તેને બહુ આનંદ થયો. અમૃતપાનનો ભારે સંતોષ થયો.

કુબેર, સૂર્ય, ચંદ્ર, યમ, વરુણ, અગ્નિ, વાયુ —- આ બધા પર વર્ચસ્ મેળવ્યું. હાંકી કઢાયેલા દેવો પર્વતની ગુફામાં, નિર્જન જંગલોમાં, નદીઓની ખીણમાં ભટકવા લાગ્યા, સ્થાનભ્રષ્ટ થવાને કારણે તેમને ક્યાંય સુખ ન મળ્યું. સુખ તો દૈવાધીન છે. પરાક્રમી, ભાગ્યશાળી, જ્ઞાની અને શ્રીમંતો પણ સમય ખરાબ હોય ત્યારે લાચારી, દુઃખ અનુભવતા થાય છે. કાળની ગતિ ન્યારી છે. રાજા પણ ભિખારી થઈ જાય, દાતા યાચક બને, બળવાન નિર્બળ બને, શૂરવીર કાયર બને, સો યજ્ઞ કર્યા પછી ઇન્દ્રને સ્વર્ગ મળ્યું અને પછી તે જ બહુ દુઃખી થયો. કાળની ગતિ અદ્ભુત છે.

સ્વર્ગનું રાજ્ય કરતાં કરતાં શુંભને હજાર વર્ષ વીતી ગયાં. રાજ્યભ્રષ્ટ થવાને કારણે દેવો બહુ દુઃખી થઈ ગયા. બૃહસ્પતિ પાસે જઈને તેમણે પૂછ્યું, ‘હવે અમારે શું કરવું? આનો કોઈ ઉપાય છે કે નહીં? યજ્ઞો દ્વારા દુઃખ દૂર થાય છે તો તમે એ યજ્ઞો કરો. દાનવોનો નાશ કેવી રીતે થાય તે વિચારો.’

બૃહસ્પતિ બોલ્યા,‘બધા મંત્રો પણ દૈવાધીન છે. મંત્રોના દેવતા તો તમે છો છતાં કાળને કારણે આ દુઃખ ભોગવવાં પડે છે. તમે બધા જ આપત્તિગ્રસ્ત છો. જે થવાનું હોય છે તે તો થઈને જ રહેશે. છતાં પુરુષાર્થ કરવો જોઈએ. કેટલાક દૈવને સ્વીકારે છે, કેટલાક નથી સ્વીકારતા. પણ મનુષ્યે દૈવ અને પુરુષાર્થ બંનેને સ્વીકારવાં જોઈએ. તમારી બુદ્ધિથી વિચારી પ્રવૃત્ત થાઓ. તમને એક ઉપાય બતાવું. ભૂતકાળમાં જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો હતો ત્યારે તમને સંકટ આવે મદદ કરવાનું વચન આપ્યું હતું. તમે મંત્ર વડે તેમની આરાધના કરો. તેઓ પ્રસન્ન થશે અને તમારું દુઃખ દૂર કરશે. તમે બધા હિમાલય જાઓ.’

બ્રહ્માની વાત સાંભળીને બધા દેવો હિમાલય ગયા અને ત્યાં તેમણે માયાબીજ મંત્ર વડે ભગવતીની સ્તુતિ કરવા માંડી. તેમની સ્તુતિથી અદ્ભુત વસ્ત્રો અને આભરણોવાળાં દેવી પ્રગટ્યાં. દિવ્યમાળા, દિવ્ય ચંદન, અર્ચિત કરેલાં તે દેવી વિશ્વમોહિની લાગતાં હતાં. મધુરભાષિણી દેવીએ સ્મિતપૂર્વક દેવતાઓને આગમનનું કારણ પૂછ્યું.

‘ભૂતકાળમાં મહિષાસુરનો વધ કરીને તમે અમને વચન આપ્યું હતું કે દુઃખ પડ્યે હું સહાય કરીશ. શુંભ અને નિશુંભ નામના બે દૈત્ય સંતાપ પમાડે છે, પુરુષો તેમનો વધ કરી શકે એમ નથી. રક્તબીજ અને ચંડ મુંડ પણ એવા જ દૈત્યો છે, તેમણે અમારું રાજ્ય લઈ લીધું છે. હવે તમારા સિવાય અમને કોઈ સહાય કરી શકે એમ નથી. તો તમે અમારું દુઃખ દૂર કરો, આ જગતનું સર્જન તમે જ કર્યું છે એટલે હવે તમે જ તેની રક્ષા કરો.’

આ સાંભળી દેવીએ પોતાની કાયામાંથી બીજી એક દેવી પ્રગટાવી. તેઓ કૌશિકી તરીકે વિખ્યાત થયાં, પાર્વતીના શરીરમાંથી તે પ્રગટ્યાં અને કાળા વર્ણનાં થયાં ત્યારે તે કાલિકા કહેવાયાં. ભયંકર દેખાવવાળા હોવાં છતાં ભક્તોના મનોરથ પૂર્ણ કરતાં હતાં, તેઓ કાલરાત્રિ તરીકે પણ જાણીતાં થયાં. પછી જગદંબાએ દેવતાઓને કહ્યું, ‘હવે તમે નિર્ભય થઈને જાઓ. હું શત્રુઓનો સંહાર કરીશ. શુંભ, નિશુંભ જેવા બધા રાક્ષસોનો વધ કરીશ.’

એમ કહી ભગવતી કૌશિકી સિંહ પર સવાર થયા અને સાથે કાલિકાને પણ લીધાં. બંને જ્યાંથી હવા આવતી હતી ત્યાં જઈને ઊભાં, પછી જગતને મોહ પમાડનારું સંગીત આરંભ્યું. એ સાંભળીને પશુપક્ષી, દેવતાઓ પણ મોહ પામ્યા, શુંભના બે સેવક ચંડે અને મુંડે ત્યાં જઈને આ જોયું. દિવ્ય રૂપસંપન્ન જગદંબા ગાતા હતાં, સામે કાલિકા હતાં. બંને રાક્ષસ અચરજ પામ્યા, તરત જ શુંભ પાસે જઈ પ્રણામ કરી બોલ્યા, ‘કામદેવને પણ મોહ પમાડે એવી સુંદરી હિમાલયમાંથી આવી છે. સિંહ પર બેઠેલી એ સુંદરી દેવલોક કે ગંધર્વ લોકમાં પણ મળવી મુશ્કેલ છે. જગતભરમાં આવી સ્ત્રી જોઈ નથી, સાંભળી નથી. તેના શબ્દથી મોહ પામીને હરણો તેની પાસે જાય છે, તે કોણ છે? અહીં શા માટે આવી છે તે જાણીને તમે તેને તમારી પત્ની બનાવો.’

ચંડે અને મુંડે બહુ મધુર રીતે આખી વાત કરી એટલે પ્રસન્ન થયેલા શુંભે પાસે બેઠેલા સુગ્રીવને દૂત બનાવીને કહ્યું, ‘તું જા, તું ચતુર છે અને આ કાર્યને પાર પાડ. એ સ્ત્રી અહીં આવે એ રીતે તું પ્રસન્ન કર. જાણકારો કહે છે સ્ત્રીઓ વિશે સામ દામનો ઉપયોગ કરવો જોઈએ. દંડ, ભેદ ન ચાલે. એટલે શ્રેષ્ઠ ગણાતા સામ દામ વડે તું એ સ્ત્રીને પ્રસન્ન કર.’

શુંભની વાત સાંભળીને સુગ્રીવ તરત જ ચાલી નીકળ્યો, સિંહ પર બેઠેલાં દેવીને પ્રણામ કરીને તે બોલ્યો, ‘અમારા રાજા શુંભ પરમવીર છે, સુંદર છે, દેવશત્રુ છે, ત્રણે લોક પર તેમનું રાજ છે. તમારા રૂપની પ્રશંસા સાંભળીને તેઓ તમારા પર મોહ પામ્યા છે. મારી સાથે તેમણે સંદેશો મોકલ્યો છે, તેઓ તમારા દાસ બનીને તમારા પતિ બનવા માગે છે. તમારી આજીવન સેવા કરવા માગે છે.’

દૂતની વાત સાંભળીને જગદંબાના મોઢા પર સ્મિત ફરક્યું. તેમણે દૂતને કહ્યું, ‘બળવાન રાજા શુંભને હું ઓળખું છું. દેવતાઓને તેમણે જીતી લીધા છે. ગુણવાન છે. સુંદર છે. દેવ અને મનુષ્ય તેમને મારી ન શકે એવા છે. બધા શુંભથી બીએ છે. તેમના ગુણ સાંભળીને હું તેમને જોવા આવી છું. મારો આટલો સંદેશો તેમને પહોંચાડજો. બળવાનોમાં અતિ બળવાન, રૂપવાનોમાં અતિ સુંદર છો, દાનવીર, ગુણવાન છો, ઉત્તમ કુળવાન છો, તમારી શક્તિથી સમૃદ્ધ બન્યા છો. હું કોઈને પતિ બનાવવા ચાહું છું. પણ મારી એક મુશ્કેલી છે. મેં બાળકબુદ્ધિથી એક પ્રતિજ્ઞા કરી હતી. મારા જેટલી સખીઓ સાથે રમતી હતી ત્યારે તેમની આગળ મેં પ્રતિજ્ઞા કરી હતી કે જે મારા જેવો પરાક્રમી હશે અને મને યુદ્ધમાં જીતી લેશે તેની સાથે હું પરણીશ. મારી આવી પ્રતિજ્ઞા સાંભળીને સખીઓ હસી. તે બોલી, આ કન્યાએ ઉતાવળમાં કેવી અઘરી પ્રતિજ્ઞા લીધી છે. એટલે હે રાજન્, તમે મારી સાથે યુદ્ધ કરો અને મને જીતી લો. તમે કે તમારો ભાઈ — આવે અને યુદ્ધ કરે. પણ મને હરાવીને જ તમે લગ્ન કરી શકશો.’

જગદંબાની વાત સાંભળીને સુગ્રીવને બહુ આશ્ચર્ય થયું. તે બોલ્યો, ‘અરે સુંદર કટાક્ષવાળી સુંદરી, સ્ત્રીબુદ્ધિથી આ શું બોલો છો? તેમણે ઇન્દ્ર સહિત બધા દેવતાઓને, બળવાન દૈત્યોને જીત્યા છે અને તમે તેમની સાથે યુદ્ધ કરી જીતવા માગો છો? ત્રણે લોકમાં શુંભને જીતી શકે એવો કોણ છે? તમારું ગજું કેટલું? આવી વાત કરાય જ નહીં. પોતાના અને સામાના બળને જાણીને જ વાત કરવી જોઈએ. શુંભ તમારા રૂપે ઘેલા બન્યા છે. તમે તેમની પ્રાર્થના પૂરી કરો. મારી વાત માનીને શુંભ કે નિશુંભ કોઈને પણ પતિ તરીકે સ્વીકારી લો. જો તમે નહીં માનો તો બીજા દૂત આવશે અને તમારા કેશ ઝાલીને લઈ જશે. તમે આ દુસ્સાહસ ત્યજી દો. મારી વાત માનો. તીક્ષ્ણ બાણવર્ષા ક્યાં અને ક્યાં કામક્રીડા?’

આ સાંભળી દેવીએ કહ્યું, ‘તમે વાક્પ્રવીણ છો. શુંભ-નિશુંભ બળવાન છે એની તો મને જાણ છે. પણ બાળપણની મારી પ્રતિજ્ઞા કેવી રીતે તોડાય? તમે તેમને કહી દો કે યુદ્ધ કર્યા સિવાય કોઈ મારો પતિ બની નહીં શકે — તે ગમે તેટલો સુંદર કેમ ન હોય. મને જીતો અને પરણો. હું સ્ત્રી હોવા છતાં યુદ્ધ કરવા અહીં આવી છું. તમારામાં શક્તિ હોય તો વીર બનીને યુદ્ધ કરો અને મારા ત્રિશૂળની બીક લાગતી હોય તો પાતાળમાં જતા રહો. મારી વાત તમારા રાજાને કહો અને એને જે ઠીક લાગશે તે કરશે. દૂતે તો નિષ્પક્ષ રહીને જ વાત કરવી જોઈએ.’

જગદંબાની નીતિપૂર્ણ, શક્તિપૂર્ણ, હેતુપૂર્ણ વાત સાંભળીને આશ્ચર્ય પામતો દૂત પોતાના સ્વામી પાસે આવીને પ્રણામ કરી બોલ્યો, ‘સત્ય છતાં પ્રિય બોલવું જોઈએ. પણ સત્ય વચન બહુ દુર્લભ હોય છે, આ સ્ત્રી કોણ છે, ક્યાંથી આવી છે તેની કશી જાણ નથી, તે યુદ્ધની ઇચ્છાવાળી છે, ગર્વીલી છે, તીખી વાણીવાળી છે. તેણે નાનપણમાં સખીઓ આગળ યુદ્ધમાં જે તેને જીતે તેની સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એટલે તે યુદ્ધ કરવા માગે છે. હવે તમે જે યોગ્ય લાગે તે કરો — તે આયુધોવાળી છે, સિંહ પર બેસીને આવી છે.’

આ સાંભળી શુંભે પોતાના ભાઈ નિશુંભને કહ્યું, ‘તું બુદ્ધિશાળી છે એટલે કહે — આપણે શું કરવું જોઈએ? તો યુદ્ધમેદાનમાં હું જઉં કે તું જાય છે? તું કહે તેમ કરું.’

નિશુંભે કહ્યું, ‘અત્યારે નહીં તમારે જવાનું કે નહીં મારે જવાનું. તમે ધૂમ્રલોચનને મોકલો, તે સ્ત્રીને જીતીને અહીં લઈ આવશે.’

નાના ભાઈની વાત સાંભળીને શુંભે ધૂમ્રલોચનને યુદ્ધભૂમિમાં જવાની આજ્ઞા આપી. ‘તું વિશાળ સેના લઈને જા. તે અભિમાની સ્ત્રીને પકડીને અહીં લઈ આવ. તેના બધા સેવકોને મારી નાખ. તેની સાથે એક કાલી છે, તેને પણ લઈ આવજે. પણ તે સ્ત્રીને સુરક્ષિત રાખજે. તે બહુ કોમળ છે. બીજા બધાને મારી નાખજે પણ તે સ્ત્રીને આંચ ન આવે તે જોજે.’

આ આજ્ઞા સાંભળી ધૂમ્રલોચન શુંભને પ્રણામ કરી વિશાળ સેના લઈને નીકળી પડ્યો. તેની સેનામાં સાઠ હજાર દૈત્ય હતા. દેવી સુંદર ઉદ્યાનમાં બેઠાં હતાં. મૃગલોચની દેવીને ધૂમ્રલોચને જોયાં અને નમ્ર બનીને બધી વાત કરી, શુંભની ઇચ્છા કહી. ‘દૂત તમારી વાત સમજ્યો નહીં એટલે જુદી વાત કરી પણ તમારી ઇચ્છા લગ્નની છે, કામતૃપ્તિની છે. એટલે મારી વાત માનીને શુંભનો સ્વીકાર કરો. તમે તમારા પાદપ્રહારથી અશોક વૃક્ષને ખીલવો છો, કોગળો કરીને બોરસલીને ખીલવો છો તેમ તમે શુંભને પણ ખીલવો.’

ભગવતી કાલિકા બોલ્યાં, ‘અરે દુષ્ટ, તું નટની જેમ બોલે છે. મનમાં ખોટા ખોટા વિચારો કરે છે. તને શુંભે મોકલ્યો છે તો હવે યુદ્ધ કર, દેવી ક્રોધે ભરાયાં છે, તને અને બીજા રાક્ષસોને તીક્ષ્ણ બાણથી ઘાયલ કરી પોતાના નિવાસે જશે. તે મૂર્ખ શુંભ ક્યાં અને જગતને મોહ પમાડનારાં જગદંબા ક્યાં? આ બે વચ્ચે લગ્ન અશક્ય છે. સિંહણ શિયાળને, હાથણી ગધેડાને, સુરભિ ગાય સામાન્ય વૃષભને પતિ બનાવશે?’

આ સાંભળી ધૂમ્રલોચન રાતોપીળો થઈ ગયો, તે કાલીને કહેવા લાગ્યો, ‘અરે કુરૂપા, તને અને આ બળવાન સિંહને સૂવડાવી દઈ આ સુંદર સ્ત્રીને મહારાજ પાસે લઈ જઈશ. રસભંગ ન થાય એટલે જ તને જવા દઉં છું, નહીંતર અત્યારે ને અત્યારે જ તને મારી નાખત.’

કાલિકાએ કહ્યું, ‘ખોટો બકવાસ ન કર, વીર પુરુષો આવું નથી કરતા. પૂરી તાકાતથી બાણ ચલાવ. યમઘેર જવાનો સમય આવી ગયો છે.’

ભગવતી કાલિકાની વાત સાંભળી ધૂમ્રલોચને મજબૂત ધનુષ લઈ બાણવર્ષા કરવા માંડી, ઇન્દ્ર વગેરે દેવતાઓ આકાશમાં રહ્યે રહ્યે જયકાર કરતા હતા,

કાલી અને ધૂમ્રલોચન વચ્ચે ભારે યુદ્ધ થયું. અલગ અલગ શસ્ત્રો વપરાયાં. ધૂમ્રલોચનના રથે જોડેલાં ખચ્ચરોને દેવીએ મારી નાખ્યાં, તેના રથના ટુકડા હસતાં હસતાં કરી નાખ્યા. ધૂમ્રલોચન ક્રોધે ભરાઈને બીજા રથમાં બેઠો, તેણે બાણવર્ષા શરૂ કરી પણ બાણ આવે તે પહેલાં જ દેવી તેને કાપી નાખતાં હતાં. દેવીનાં બાણ વડે ઘણા સૈનિકો મૃત્યુ પામ્યા. તેનો રથ તોડી નાખ્યો, સારથિ અને ખચ્ચર મારી નાખ્યાં. કાલીના બાણથી ધૂમ્રલોચનના ધનુષના ટુકડેટુકડા થઈ જતા હતા. પછી દેવતાઓને આનંદિત કરવા દેવીએ શંખનાદ કર્યો.

રથ વિનાનો ધૂમ્રલોચન ક્રોધે ભરાઈને લોખંડનું કોઈ શસ્ત્ર લઈને દેવીને પાસે ગયો અને ગમે તેમ બોલવા લાગ્યો, ‘અરે કુરૂપી, પિંગળ આંખોવાળી, તારો ખાત્મો બોલાવું છું’ એમ કહી પેલું શસ્ત્ર ફેંક્યું. ભગવતીએ કરેલા હુંકારથી ધૂમ્રલોચન ભસ્મ થઈ ગયો. સૈનિકો ડરી ગયા અને ભાગી ગયા. આનંદિત થયેલા દેવતાઓએ પુષ્પવર્ષા કરી. રણભૂમિ મૃત દાનવોથી, હાથીઘોડા ખચ્ચરોનાં શબથી ઊભરાતી હતી. તેમના શબને ચૂંથતાં ગીધ, કાગડા, શિયાળ, બાજ ઊભરાયાં. પછી જગદંબાએ થોડે દૂર જઈને મોટો શંખનાદ કર્યો. મહેલમાં રહીને શુંભે આ શંખનાદ સાંભળ્યો. અને થોડી વારમાં લોહીલુહાણ, ઘવાયેલા દાનવો જોયા, હાથપગ કપાઈ ગયા હતા, આંખો નીકળી ગઈ હતી, કારમી ચીસો પાડનારા આ દૈત્યોને રાજાએ પૂછ્યું, ‘ધૂમ્રલોચન ક્યાં છે? તમે ભાગી કેમ આવ્યા? પેલી સુંદરીને કેમ ન લાવ્યા? આ ભયજનક શંખનાદ કોણ કરે છે?’

દૈત્યોએ કહ્યું, ‘મહારાજ, બધી સેના નાશ પામી છે. ધૂમ્રલોચન મૃત્યુ પામ્યો છે. રણભૂમિ પર આ બધો ખેલ કાલિકાએ કર્યો, આ શંખનાદ જગદંબા કરી રહી છે. દેવોને તેનાથી આનંદ થાય છે અને દાનવોને દુઃખ થાય છે. સિંહે બધાને મારી નાખ્યા, રથ ભાંગી ગયા, ઘોડા મરી ગયા ત્યારે આકાશમાં રહીને દેવતાઓએ જયનાદ કર્યો, પુષ્પવર્ષા કરી. જ્યારે સૈન્યને ખતમ થયેલું જોયું. ધૂમ્રલોચનને મરેલો જોયો. ત્યારે અમે માની લીધું કે હવે આપણો વિજય શક્ય નથી. તમે બુદ્ધિશાળી મંત્રીઓ સાથે ચર્ચા કરો. સૈન્ય વિનાની એકલી આ સ્ત્રી યુદ્ધ કરી રહી છે એ જ મોટા આશ્ચર્યની વાત છે. એકલી આ કન્યા સિંહ પર બેસીને જે ગર્વ દાખવે છે તે આશ્ચર્ય છે, હવે સંધિ કરવી કે લડાઈ કરવી તે તમારે નક્કી કરવાનું. તેમને દેવતાઓ સહાય કરશે. વિષ્ણુ અને શંકર પણ પાસે જ છે. લોકપાલો પણ પાસે રહે છે. યક્ષ, ગંધર્વ, કિન્નર, ભૂત, પિશાચ, મનુષ્ય — આ બધા તે દેવીને સહાય કરશે. આપણા વિજયની કોઈ શક્યતા નથી. આ એકલી દેવી આખા જગત પર વિજય મેળવી શકે એવી છે. થોડા ઘણા દાનવોનો વધ કરવો એ તેને માટે તો રમત વાત છે. હવે તમને યોગ્ય લાગે તે કરો.’

તેમની વાત સાંભળીને શુંભે એકાંતમાં નિશુંભને કહ્યું, ‘કાલિકાએ સેનાનો ધ્વંસ કર્યો. ધૂમ્રલોચનનો નાશ કર્યો, દાનવો ભાગીને અહીં આવ્યા, પેલી અંબિકા અભિમાની બનીને શંખનાદ કરી રહી છે. તો આ કાળની ગતિ કેવી? ઘાસ વજ્ર જેવું થાય, વજ્ર ઘાસ થાય, બળવાન નબળો થઈ જાય…તો હવે આપણે શું કરીએ? આ અંબિકા તરફ કુદૃષ્ટિ કરવી કે નહીં? આપણું હિત ભાગી જવામાં કે યુદ્ધ કરવામાં? તું નાનો હોવા છતાં અત્યારે તને મોટો માનું છું.’

આ સાંભળી નિશુંભે કહ્યું, ‘અત્યારે નાસી જવામાં કે દુર્ગમાં ભરાઈ રહેવામાં આપણું કલ્યાણ નથી. આપણે કોઈ પણ રીતે યુદ્ધ કરવું જોઈએ. હું રણમાં જઈશ અને એ સ્ત્રીનો નાશ કરીને પાછો આવીશ. જો મૃત્યુ પામું તો યથાયોગ્ય તમારે કરવું.’

આ સાંભળી શુંભે કહ્યું, ‘તું હમણાં જવાનું માંડી વાળ. ચંડ અને મુંડને મોકલીએ. સસલાને પકડવા હાથીને ન મોકલાય. ચંડ અને મુંડ તે સ્ત્રીને જીતી શકશે.’

એટલે શુંભે ચંડમુંડને બોલાવી કહ્યું, ‘તમે પૂરી સેના લઈને નીકળી પડો. તે અભિમાની સ્ત્રીનો વધ કરી નાખો, અથવા તેને પકડીને લઈ આવો. પકડાયા છતાં ન આવે તો તમે એને મારી નાખજો.’

પછી તો ચંડ અને મુંડ શુંભની આજ્ઞાનું પાલન કરવા સેના લઈને નીકળી પડ્યા. ત્યાં જગદંબા ઊભાં જ હતાં. તે બંનેએ કહ્યું, ‘શું તમે ઇન્દ્ર જેવા દેવતાઓને પરાજિત કરનારા શુંભ-નિશુંભને નથી જાણતાં? તમે તો સાવ એકલાં છો. હા, તમારી સાથે સિંહ લઈને આ કાલિકા ઊભી છે. અસંખ્ય સૈનિકોવાળા શુંભને પરાજિત કરવો છે? કોઈએ તમને સાચું માર્ગદર્શન પણ ન આપ્કહ્યું? દેવતાઓ તમને વિનાશના માર્ગે ધકેલી રહ્યા છે. અત્યારે તો દેવતાઓને હરાવનારા, હાથીઓને ચીરી નાખનારા, ઐરાવતની સૂંઢ કાપનારા શુંભની વાત માની લો. નિરર્થક ગર્વ ત્યજી દો. અમારી વાત માનો. તમારા માટે આ નિર્ણય સુખદ છે, તેનાથી દુઃખનો અંત આવશે. દેવી, તમે તો ભારે બુદ્ધિશાળી છો. શુંભે દેવતાઓનો ખાત્મો બોલાવ્યો છે, આ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેમને યુદ્ધમાં કોઈ જીતી નહીં શકે. તેઓ દેવતાના ભયંકર મોટા શત્રુ છે. એટલે તો દેવતા તેમની સામે આવતા નથી અને તમને મોકલે છે. આ સ્વાર્થી દેવો તમને ખોટી શિખામણ આપે છે. અત્યારે વિજયમાળા તેમના ગળામાં છે. તેઓ સુંદર, શૂરવીર, કામનિપુણ છે. તેમની આજ્ઞાથી બધાનું ઐશ્વર્ય તમે ભોગવી શકશો. એટલે તમે શુંભને પતિ બનાવી લો. આ તક જવા ન દો.’

ચંડની વાત સાંભળીને દેવીએ કહ્યું, ‘અરે હલકટ, તું અહીંથી જતો રહે. વિષ્ણુ અને શંકરને બાજુએ રાખી રાક્ષસ શુંભને પસંદ કરું? હું કોઈનેય પતિ બનાવવા માગતી નથી, મારે પતિનું કામ પણ નથી. અખિલ વિશ્વમાં મારું શાસન છે. મેં એવા તે કેટલાય શુંભ નિશુંભ જોઈ લીધા છે. કેટલાય દાનવોનો વધ કર્યો છે. દરેક યુગમાં દેવતાઓ — દાનવોનાં ટોળાં નાશ પામ્યાં છે. દૈત્યોનો નાશ કરનાર કાળ અહીં ઊભો છે. તારા દૈત્યવંશની રક્ષાનો પ્રયત્ન છોડી દે. તું યુદ્ધ કર. મરણ તો થશે જ. દુષ્ટ શુંભ અને નિશુંભ તારું શું કલ્યાણ કરવાનાં છે? એટલે વીર ધર્મનો આશ્રય લઈ સ્વર્ગે જા. શુંભ — નિશુંભ અને બીજા તારા બાંધવો સ્વર્ગે જશે. હું એક પછી એક દાનવને મારી નાખીશ. વિષાદયોગ ત્યજી દે. તારા માટે યુદ્ધ એ જ કલ્યાણ છે. મારા હાથે તારો વધ થાય તે પછી તારા ભાઈનો વારો. પછી શુંભનિશુંભ રક્તબીજ મરશે. બીજા બધા દાનવોનો વધ કરીને હું મારા સ્થાને. તું અહીં ઊભો રહે અથવા નાસી જા. ઊભા રહેવું હોય તો શસ્ત્ર ઉપાડ. વ્યર્થ બબડાટ ન કર. કાયરોની જેમ બકવાસ ન કર.’

દેવીએ આમ કહ્યું એટલે ક્રોધે ભરાયેલા ચંડમુંડે અભિમાની બની ધનુષટંકાર કર્યો, દેવીએ શંખઘોષ કર્યો. દસે દિશા ગાજી ઊઠી. દેવતાઓ, ઋષિઓ, ગંધર્વો આ સાંભળી આનંદમાં આવી ગયા. બળવાન સિંહ પણ ગરજવા લાગ્યો. પછી બંને વચ્ચે યુદ્ધ આરંભાયું, શસ્ત્રો ફેંકાવાં લાગ્યાં. દેવી પોતાનાં બાણ વડે શત્રુનાં બાણ કાપવાં લાગ્યાં. પછી જેમ વર્ષાના અંતે ખેડૂતો માટે ચિંતાજનક તીડોથી આકાશ છવાઈ જાય તેમ બાણ વડે આકાશ છવાઈ ગયું. મુંડનાં અઢળક બાણોથી ક્રોધે ભરાઈને તેમનું મોં કાળી મેઘઘટા જેવું થયું, આંખો કેળપુષ્પ જેવી અને ભ્રમરો વાંકી થઈ ગઈ. તેમનામાંથી કાલી દેવી પ્રગટ્યાં. વાઘાડંબરવાળાં, ગળામાં ખોપરીઓની માળા ધારણ કરનારાં, સુકાઈ ગયેલી વાવ જેવા પેટ ધરાવતાં, તલવારવાળાં, પહોળા કરેલા મુખવાળાં, જીભને લપલપાવતાં, વિશાળ સાથળવાળાં તે દેવી પરાક્રમી દાનવોને મોઢામાં મૂકીને ચૂરો કરવાં લાગ્યાં. ઘંટસમેત હાથીઓને, મહાવતોને ખાવાં લાગ્યાં, સારથિ સમેત રથ ચાવી ગયાં. ચંડ-મુંડ બાણવર્ષા કરી કાલીને ઢાંકી દેવા જતા હતા, ચંડનું ચક્ર સુદર્શન જેવું, સૂર્ય જેવું હતું. તે ચક્ર દેવી ઉપર ફેંક્યું, કાલીના બાણ વડે એ ચક્રના ટુકડા થઈ ગયા. ચંડીનાં બાણ વાગવાથી તે મૂર્છિત થઈને પડ્યો. એટલે મુંડે બાણવર્ષા કરી. મુંડનાં બાણ કાપીને દેવીએ બાણ ફેંક્યાં, એટલે મુંડ પણ ધરતી પર પડી ગયો. ચંડે મૂર્ચ્છામાંથી જાગીને કાલિકા ઉપર ગદા ફંગોળી. દેવીએ એ પ્રહાર ચૂકવી બાણપાશ વડે ચંડને બાંધ્યો, પછી મુંડને પણ એવી જ રીતે બાંધ્યો.

બંને દાનવોને સસલાંની પેઠે લઈ આવીને કાલિકાએ જગદંબાને કહ્યું, ‘આ બંનેને બલિ રૂપે લાવી છું.’ જગદંબાએ કાલિને કહ્યું, ‘તમે ચતુર છો, તમારે દેવોનું કાર્ય કરવાનું.’

તેમની વાત સાંભળી કાલિકાએ કહ્યું, ‘આ યુદ્ધયજ્ઞનો પ્રારંભ થયો છે, તેમાં આ પશુઓનો બલિ આપીશ.’ એમ કહી બંનેનાં મસ્તક તલવારથી છેદી નાખ્યાં, અને તેમનું લોહી પીવા માંડ્યું. પ્રસન્ન થયેલાં અંબિકાએ કહ્યું, ‘તમે ચંડમુંડને માર્યા એટલે તમારું ચંડિકા નામ પ્રખ્યાત થશે.’

બંને દાનવોનાં મૃત્યુ જોઈને બીજા દાનવો શુંભ પાસે મહોંચી ગયા. ઘણા બધાનાં અંગ કપાઈ ગયાં હતાં. કેટલાકના હાથ તો કેટલાકના પગ. તે બધા રડતાં રડતાં બોલવા લાગ્યા, ‘મહારાજ, અમને બચાવો, અમને બચાવો. તે કાલિએ ચંડમુંડને મારી નાખ્યા, બધા સૈનિકોને ખાઈ રહી છે. અમે ગભરાઈ ગયા છીએ. રણભૂમિ બધાનાં શબથી ભયાનક બની ગઈ છે. ત્યાં માંસ રૂપી કાદવ છે, કેશ રૂપી શેવાળ છે, કપાયેલા હાથ રૂપી માછલાં છે, મસ્તકો રૂપી તુંબડાં છે, કાયરોને ભયભીત કરનારી, દેવોને આનંદ આપનારી રણરૂપી નદીમાં લોહીનું પૂર આવ્યું છે. હવે જો તમારે કુળ બચાવવું હોય તો પાતાળમાં જતા રહો. નહીંતર ક્રોધે ભરાયેલી કાલિકા આપણા બધાનો સંહાર કરશે. તેમનો સિંહ પણ બધાને ખાઈ રહ્યો છે. કાલિનાં બાણોથી કેટલા બધા વીર દાનવો મૃત્યુ પામ્યા છે. નિશુંભ સાથે તમે વ્યર્થ પ્રયાસ કરો છો. કુળસંહારક આ નિર્દય સ્ત્રી તમને મળે તો પણ શું? તમને કયું સુખ આપશે? તમે એ સ્ત્રી માટે બધા બાંધવોને મોતના મોઢામાં ધકેલી રહ્યા છો. થોડા લાભ માટે પણ મોટા દુઃખને આવતું અટકાવવું જોઈએ. દૈવની લીલા તો જુઓ. એક સ્ત્રીના હાથે બધા દાનવો મૃત્યુ પામ્યા. તમારી પાસે સૈનિકો છે તો પણ આ સ્ત્રી યુદ્ધ માટે લલકારી રહી છે. તમે તપ કરીને બ્રહ્મા પાસે વરદાન માગ્યું કે દેવતા, દૈત્ય, મનુષ્ય, સર્પ, યક્ષ, કિન્નર કોઈથી મારું મૃત્યુ ન થાય. એટલે હવે તમારો વધ કરવા આ સ્ત્રી અહીં આવી છે, રાજન્, તમે યુદ્ધ ન કરો, આ દેવી મહામાયા છે, આ દેવી પરમ પ્રકૃતિ છે. બધા ઉપર રાજ કરનારી દેવી બધા લોકોની, દેવતાઓની માતા છે. તે અજેય, અવિનાશી છે, સર્વજ્ઞ છે. આ દેવી સિદ્ધિદાતા છે, તે વેદમાતા, ગાયત્રી છે, સન્ધ્યા છે, તે ગૌરી છે. રાજન્, તમે તેની શરણાગતિ સ્વીકારી લો. તમારા કુળને બચાવી લો. જેટલા દૈત્યો જીવે છે તેમને મોતના મોઢામાં ન ધકેલો.’

દેવસેનાનો નાશ કરનારા શુંભે કહ્યું, ‘તમારાં શરીર બહુ ઘવાયાં છે. એટલે તમે આવું બોલો છો. તમારી જીવવાની ઇચ્છા પ્રબળ છે, તો તમે બધા પાતાળમાં જતા રહો. આખું જગત દૈવાધીન છે એટલે મને જય પરાજયની ચિંતા નથી. દેવતાઓ સમેત બધા દૈવાધીન છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વરુણ, ઇન્દ્ર બધા જ દૈવાધીન હોય તો મને શી ચિંતા? જે થવાનું હશે તે થશે. વિદ્વાનો કશાનો શોક કરતા નથી, મૃત્યુથી ગભરાઈ જઈને કોઈ સ્વધર્મનો ત્યાગ કરતું નથી. મારે મારા ધર્મનું પાલન કરવાનું છે. આ સ્ત્રીનો પડકાર ઝીલવાને બદલે સેંકડો વર્ષ શા માટે જીવવાની આશા સેવું? હું યુદ્ધ કરીશ. જય કે પરાજય — જે આવશે તે સ્વીકારીશ. પુરુષાર્થ કરવો જ જોઈએ, પ્રારબ્ધને બળવાન નહીં ગણવું. દળનારી સ્ત્રી ઘંટી પાસે કશું કર્યા વિના બેસી જ રહે તો લોટ પડે જ નહીં; ઉદ્યમ કરવો જ પડે. દેશ, કાળ, શક્તિ, દુશ્મનની શક્તિ જાણીને કરેલું કાર્ય સિદ્ધિ અપાવે જ.’

આમ નિર્ણય કરી શુંભે રક્તબીજને સેના સાથે યુદ્ધભૂમિ પર જવાની આજ્ઞા આપી. રક્તબીજે કહ્યું, ‘મહારાજ, તમે જરાય ચિંતા ન કરતા. હું એ સ્ત્રીને મારીશ અને અંબિકા તમને સોંપી દઈશ. તમે મારી યુદ્ધનીતિ જોજો. દેવોને પ્રિય એવી એ કન્યા મારા માટે શી વિસાતમાં? એને જીતીને તમારી દાસી બનાવીશ.’

આમ કહી રક્તબીજ સેના લઈને નીકળી પડ્યો. તેની સાથે ચતુરંગિણી વિશાળ સેના હતી. તે રથમાં બેસીને જગદંબા પાસે ગયો. તેને આવતો જોઈ જગદંબાએ શંખઘોષ કર્યો. તે સાંભળી દૈત્ય ડરી ગયા. એ ઘોષ સાંભળ્યા પછી રક્તબીજે દેવી પાસે જઈને કહ્યું,

‘મને કાયર માનીને આ શંખઘોષથી તમે ડરાવો છો? હું ધૂમ્રલોચન નથી. રક્તબીજ છું. કોયલકંઠી, યુદ્ધ માટે તૈયાર થાઓ. આજે મારી વીરતા જોજો. તમારી સામે આવેલા કાયરો જેવો હું નથી, ઇચ્છામાં આવે તે રીતે યુદ્ધ કરજો. વૃદ્ધ પુરુષોની વાણી, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર — આ બધાનો જો તમને પરિચય હોય તો મારી વાત સાંભળો. મુખ્ય રસ બે શૃંગાર અને શાંત. બંનેમાં શૃંગાર વધુ ચઢિયાતો. એટલે તો વિષ્ણુ લક્ષ્મી સાથે, બ્રહ્મા સાવિત્રી સાથે, મૃગ મૃગી સાથે, કબૂતર કબૂતરી સાથે આનંદથી રહે છે. બધાં પ્રાણી સંયોગપ્રિય છે, જેમને આ લહાવો નથી મળતો તે મૂઢ લોકો છે. એટલે તમે શુંભ કે નિશુંભને પતિ બનાવો.’

રક્તબીજની આવી વાત સાંભળીને ચામુંડા, કાલિકા, અંબિકા મોટે મોટેથી હસવાં લાગ્યાં.

દેવીએ ગંભીર વાણીમાં કહ્યું, ‘મેં આ પહેલાં દૂત સાથે બધી વાત કરી જ છે. તો હવે આ અર્થહીન બકવાસ શાનો? ત્રિલોકમાં મારાં રૂપ, બળ, વૈભવમાં સમાન એવો કોઈ પુરુષ હોય તો તેની સાથે લગ્ન કરવાની મેં પ્રતિજ્ઞા કરી હતી. તું તારા રાજાઓને કહી દે કે યુદ્ધમાં હરાવીને આ સ્ત્રી સાથે લગ્ન કરે. તું પણ શુંભ નિશુંભની આજ્ઞા પામીને અહીં આવ્યો છે. તો યુદ્ધ કર અથવા પાતાળમાં જતો રહે.’

દેવીની વાત સાંભળી ગુસ્સે થયેલા રક્તબીજે સિંહ પર છોડેલાં બાણ અંબિકાએ સર્પ જેવાં બાણ વડે કાપી નાખ્યાં. બીજાં કેટલાંક બાણ કાન સુધી પણછ ખેંચીને માર્યાં. એટલે રાક્ષસને મૂર્છા આવી. તેના પડી જવાથી દૈત્યો હાહાકાર કરવા લાગ્યા. તેમનો અવાજ સાંભળી શુંભે દૈત્યોના બધા સૈન્યોને કંબોજવંશી દાનવોને તથા કાલકેયવંશી દાનવોને — રણમેદાનમાં જવાની આજ્ઞા આપી. તે સેના ચાલવા માંડી, ભગવતીએ તે સેનાને જોઈને ઘંટનાદ કર્યો, ધનુષટંકાર અને શંખધ્વનિ પણ કર્યો. તે ધ્વનિને કારણે કાલિનો જન્મ થયો. દેવીના સિંહે પણ ગર્જના કરી, કેટલાક દાનવો મૂર્ચ્છા પામ્યા. દાનવોએ બાણવર્ષા શરૂ કરી. પછી બંને વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું.

તે યુદ્ધમાં બ્રહ્મા વગેરે દેવોની શક્તિઓ પણ આવી. બ્રહ્માની શક્તિ હંસ પર બેસીને રુદ્રાક્ષની માળા પહેરી આવી. વૈષ્ણવી શક્તિ ગરુડ પર બેસીને આવી. તેના હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ હતાં, પીતાંબરધારી હતી. શંકરની શક્તિ શિવાદેવી નંદી પર બેસીને હાથમાં ત્રિશૂળ લઈને મસ્તકે અર્ધચંદ્ર ધારણ કરીને આવી. કાર્તિકની કૌમારી શક્તિ મોર પર બેસીને આવી, ઇન્દ્રાણી ધોળા હાથી પર બેસીને હાથમાં વજ્ર લઈને આવી, વરાહરૂપ ધારણ કરનાર વારાહી શક્તિ પ્રેત પર બેસીને આવી, નૃસિંહ જેવા રૂપવાળી નારસિંહી શક્તિ આવી, યમરાજની શક્તિ પાડા પર બેસીને હાથમાં દંડ લઈને આવી. આમ વરુણ, કુબેરની શક્તિઓ પણ આવી. ત્યાં આવેલી બધી શક્તિઓને જોઈ દેવી રાજી રાજી થઈ ગયાં. દૈત્યો ડરી ગયા. શંકર ભગવાને ત્યાં પધારી ચંડિકાને કહ્યું, ‘દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા તમે જેટલા દાનવો અહીં હોય તે બધાને મારી નાખો, જગતને નિર્ભય કરો, દેવતાઓને યજ્ઞભાગ મળે, જગતનાં પ્રાણીઓને સુખ સાંપડે, બધા ઉપદ્રવો શાંત થાય, સમય પ્રમાણે વરસાદ પડે, ધરતી ધનધાન્યથી સમૃદ્ધ બને.’

શંકર આમ બોલી રહ્યા હતા ત્યારે ચંડિકાની કાયામાંથી એક ભયાનક ઉગ્ર, શિયાળવીઓના અવાજથી ગાજતી દેવી પ્રગટી. તેમણે શંકર ભગવાનને કહ્યું, ‘ભગવાન, તમે અત્યારે દાનવરાજ પાસે જાઓ. શુંભ નિશુંભ ભારે અભિમાની થઈ ગયા છે. તમે દૂત તરીકે મારો સંદેશો આપો, ‘તમે બધા સ્વર્ગ છોડીને જતા રહો. દેવતાઓ અહીં સ્વર્ગમાં રહેશે. ઇન્દ્રને તેનું સ્થાન મળે, દેવતાઓને યજ્ઞ ભાગ મળે. જો જીવવું હોય તો તરત પાતાળમાં જતા રહો. અને મરવાની ઇચ્છા હોય તો યુદ્ધભૂમિ પર આવો. મારી શૈવી શક્તિ તમારું માંસ આરોગશે.’

તેની વાત સાંભળીને શંકર ભગવાન તરત જ દાનવરાજ શુંભ પાસે ગયા અને બોલ્યા, ‘હું ત્રિપુરાસુરનો નાશ કરનાર મહાદેવ જગદંબાનો દૂત બનીને અહીં આવ્યો છું. દેવીએ કહેવડાવ્યું છે કે અત્યારે બલિરાજા જ્યાં રહે છે તે પાતાળમાં જતા રહો. અથવા મૃત્યુ પામવું હોય તો મારી સાથે યુદ્ધ કરો. તમને બધાને હું યુદ્ધમાં મારી નાખીશ. તમારા કલ્યાણ માટેનો આ સંદેશ છે.’

અમૃત જેવું હિતકારી વચન સંભળાવી શંકર ભગવાન પાછા આવ્યા. જે શક્તિએ ભગવાનને દૂત બનાવ્યા તે શિવદૂતી તરીકે ખ્યાત થયાં. શંકરે કહેલો સંદેશો દૈત્યોથી સહન ન થયો. એટલે કવચ પહેરી હાથમાં આયુધો લઈને તેઓ નીકળી પડ્યા અને જગદંબાની સામે આવીને તેમણે બાણવર્ષા કરી. કાલિકા હાથમાં ત્રિશૂળ ગદા શક્તિ લઈને દાનવોનો નાશ કરતાં હતાં. બ્રહ્માણી હાથમાં રહેલા કમંડળમાંથી દાનવો પર જળ છાંટતાં હતાં. એટલે દાનવોનો નાશ થતો હતો. માહેશ્વરી નંદી પર બેસીને ત્રિશૂળ વડે દાનવોનો સંહાર કરતા હતાં. વૈષ્ણવીનાં ચક્ર અને ગદાથી પણ ઘણા દાનવોનાં મસ્તક કપાઈ ગયાં. એન્દ્રિના વજ્રથી કેટલાય દાનવોના પ્રાણ ગયા. ઐરાવતની સૂંઢથી પણ ઘણા દૈત્ય મૃત્યુ પામ્યા. વારાહીની આખી કાયા ક્રોધથી તમતમી ઊઠી, મોઢાના આગલા ભાગથી અને દાઢો વડે સેંકડો દાનવો મૃત્યુ પામ્યા. નારસિંહી શક્તિ મોટા મોટા દૈત્યોને ચીરીને ગળી જતી હતી. શિવદૂતીના અટ્ટહાસ્યથી દૈત્યો પૃથ્વી પર ગબડી પડતા હતા. ચામુંડા અને કાલિકા ધરતી પર પડેલાઓને ખાઈ જતાં હતાં, મોરનું વાહનવાળા કૌમારી દેવતાઓના લાભાર્થે બાણવર્ષા કરીને દાનવોને મારતાં હતાં. હાથમાં પાશ લઈને આવેલાં વારુણી દૈત્યોને બાંધી બાંધીને પછાડતાં હતાં. ધરતી પર પડેલા દાનવો મૂર્ચ્છા પામીને નિર્જીવ થઈ જતા હતા.

આમ માતાઓના સમૂહે અત્યંત વીર દાનવસેનાનો ભારે સંહાર કર્યો. એટલે બચી ગયેલા દાનવો નાસવા માંડ્યાં. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. રક્તબીજ એ બધી બૂમો સાંભળી, જયજયકારનો અવાજ સાંભળી કાંપ્યો. એ આયુધો ધારણ કરી રણમેદાનમાં આવ્યો. ભગવાન શંકરે તેને અદ્ભુત વરદાન આપ્યું હતું, તેના શરીરમાંથી લોહીનું ટીપું પડે એટલે તેમાંથી રાક્ષસો જન્મતા હતા. તે બધા એવા જ ભયંકર હતા. આ વરદાનને કારણે અભિમાની બની ગયેલો રક્તબીજ દેવીની સામે આવ્યો. ત્યાં કાલિકા પણ હતાં. ગરુડ પર બિરાજેલાં, રાજીવલોચના વૈષ્ણવી શક્તિ પર દાનવોએ પ્રહાર કરવા શક્તિ ફંગોળી. વૈષ્ણવી દેવીએ ગદાથી તે શક્તિને અટકાવી અને ચક્ર ફેંક્યું. રાક્ષસના શરીરમાંથી લોહીની ધાર વહેવા માંડી અને તેનાં રક્તનાં ટીપાં જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં તેના જેવા હજારો રાક્ષસો જન્મ્યા, એન્દ્રિએ વજ્રપાત કર્યો. એટલે તેમાંથી નીકળેલા લોહીમાંથી પણ અસંખ્ય રક્તબીજ પ્રગટ્યા. આયુધધારી તેઓ યુદ્ધમાં પીછેહઠ કરનારા ન હતા. બ્રહ્માણી ક્રોધે ભરાઈને બ્રહ્મદંડથી મારવા લાગ્યા. માહેશ્વરીએ ત્રિશૂળથી દાનવોને વાઢી નાખ્યા. નારસંહીિના નખથી મહાઅસુરનું શરીર ચીરાઈ ગયું. વારાહી પોતાના મોં વડે નીચ દાનવોને મારવા લાગ્યા. કૌમારીએ શક્તિનો પ્રહાર તેમની છાતીમાં કર્યો.

રક્તબીજે બાણ, ગદા, શક્તિ વડે દેવીઓ પર પ્રહાર કર્યા. દેવીઓએ પણ સામો પ્રહાર કર્યો, ચંડિકાએ બાણ મારીને દાનવનાં શસ્ત્ર કાપી નાખ્યાં. ચારે બાજુથી બાણવર્ષા કરી રક્તબીજના શરીરમાંથી રુધિરધારા વહી અને તેના જેવા બીજા દાનવો ઉત્પન્ન થયા. બધા યુદ્ધ કરવા અધીરા બન્યા. તેમણે દેવીઓ પર પ્રહાર કરવા માંડ્યા. ઉદાસ થયેલા દેવતાઓ ડરી ગયા. આટલા બધા દૈત્યોનો સંહાર થશે કેવી રીતે? આ નવા રાક્ષસો વિકરાળ છે, શૂરવીર છે. અહીં માત્ર ચંડિકા, કાલિકા અને દેવીઓ છે. પણ તે બધા રાક્ષસોને પહોંચી વળશે એ પ્રશ્ન છે. શુંભ અને નિશુંભ પણ જો રણભૂમિ પર આવી ચડશે તો શું થશે?

ભયભીત દેવતાઓ જ્યારે ચિંતા કરતા હતા ત્યારે જગદંબાએ કાલીને કહ્યું, ‘ચામુંડા, તું તારું મોં પહોળું કર. મારા શસ્ત્રપ્રહારથી જે લોહી નીકળે તે ઝટ ઝટ પી જા. દાનવોનું ભક્ષણ કરવા માંડ. હું બાણ, ગદા, તલવાર, મુસળ વડે આ દાનવોનો નાશ કરું છું. તું એક પણ ટીપું ધરતી પર ન પડે એવી રીતે તેનું લોહી પી જજે. તો બીજા દાનવ ઉત્પન્ન નહીં થાય. આ સિવાય બીજો કોઈ ઉપાય આપણી પાસે નથી. દૈત્યને મારું એટલે તું ખાઈ જજે. રક્તબીજનું બધું લોહી પી જજે. એમ દૈત્યનો વધ કરી સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને આપી આપણે અહીંથી ચાલ્યા જઈશું.’

જગદંબાની વાત સાંભળી ચામુંડા રક્તબીજના શરીરમાંથી નીકળતું બધું લોહી પીવા તૈયાર થયાં અને ભગવતીએ તલવાર, મુસળ વડે રક્તબીજ પર પ્રહાર કરવા માંડ્યો. ચંડિકાએ તેના શરીરનાં અંગ ખાવા માંડ્યાં. રક્તબીજ ક્રોધે ભરાઈને ચંડિકાને ગદા મારવા ગયો, છતાં ચંડિકાએ રક્તપાન ચાલુ રાખ્યું. આમ તેના શરીરમાંથી ઉત્પન્ન થયેલા બધા રાક્ષસો મરવા માંડ્યા, કાલી તેનું લોહી પીતાં રહ્યાં. કૃત્રિમ રક્તબીજો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા, મૂળ રક્તબીજ શસ્ત્રોના મારથી ધરતી પર પડ્યો, તલવારથી તેના શરીરના ટુકડેટુકડા થઈ ગયા. આવા ભયંકર દાનવના મૃત્યુથી ત્યાં જેટલા દાનવ હતા, તે બધા નાસી જઈને શુંભ પાસે પહોંચી ગયા,

એ બધા રાક્ષસો શુંભને કહેવા લાગ્યા, ‘હે રાજન્, અંબિકાએ રક્તબીજને મારી નાખ્યો, ચામુંડા તેના શરીરનું બધું લોહી પી ગઈ. બીજા શૂરવીર દાનવોને પણ દેવીના વાહન સિંહે મારી નાખ્યા. બીજા દૈત્યોને કાલી ખાઈ ગઈ. અમે યુદ્ધની આ જાણકારી તમને આપવા આવ્યા છીએ. આ દેવીને દૈત્ય, દાનવો, ગંધર્વો, અસુરો, યક્ષો, સર્પો, નાગો, રાક્ષસોથી જીતી શકાય એમ નથી. ઇન્દ્રાણી અને બીજી દેવીઓએ પણ ત્યાં આવીને ઘણા બધા રાક્ષસોનો વધ કર્યો છે, રક્તબીજનો પણ વધ કર્યો. એકલી દેવીને પણ જીતવી મુશ્કેલ હતી તો આટલી બધી દેવીઓ ભેગી મળે તો શું થાય? દેવીના વાહન સિંહમાં પણ ખૂબ શક્તિ છે, તે યુદ્ધમાં રાક્ષસોનો ભોગ લે છે. મંત્રીઓ સાથે જે કંઈ મંત્રણા કરવી હોય તે કરો. આ દેવી સાથે વેર કરવું યોગ્ય નથી. સંધિ કરવી જ લાભદાયક છે. જેટલા દાનવો હતા તે બધા આ અંબિકાએ મારી નાખ્યા, ચામુંડા બીજા બધાને ખાઈ ગઈ. હવે પાતાળમાં જવું કે તેની સેવા કરવી — એ જ માર્ગ છે. આની સાથે યુદ્ધ કરવું ન જોઈએ. આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આપણો વિનાશ કરવા જન્મેલી માયા છે.’

દાનવોની વાત સાચી હોવા છતાં શુંભના હોઠ ક્રોધથી ફફડવા લાગ્યા. મરવા ઇચ્છતો તે બોલ્યો, ‘ભયભીત થયેલા તમે તેના દાસ થાઓ કે પાતાળમાં જતા રહો. હું એને મારી નાખીશ, દેવીઓને પણ મોતને ઘાટ ઉતારીશ. બધા દેવોને જીતીને હું નિરાંતે રાજ કરીશ. રક્તબીજ વગેરે દાનવો મારા કારણે મૃત્યુ પામ્યા. હું મારો જીવ બચાવવા પાતાળમાં કેવી રીતે જઉં? પ્રાણી માત્રનું મૃત્યુ નિશ્ચિત છે, તો યશનો ભોગ કોણ આપે? નિશુંભ, હું રથમાં બેસીને તે સ્ત્રીનો વધ કરીને આવીશ, જો તેનો વધ નહીં કરી શકું તો પાછો નહીં આવું. તું સેના સાથે રહેજે, તીણાં બાણોથી તું તેને મારી નાખજે.’

આ સાંભળી નિશુંભે કહ્યું, ‘હું જ હમણાં જઉં છું અને અંબિકાને લઈને પાછો આવું છું. તે સાવ સામાન્ય સ્ત્રીની બહુ ચિંતા ન કરો. એ સ્ત્રી ક્યાં અને આખા વિશ્વને વશ કરનાર આ ભુજાઓવાળો હું ક્યાં? તમે નાહક ચિંતા ન કરો. મોજ કરો, તે અભિમાની સ્ત્રીને હું અહીં લાવીશ. મારા જીવતાં તમે યુદ્ધ કરવા જાઓ તે યોગ્ય ન કહેવાય. હું વિજય પામીશ જ.’

આમ મોટા ભાઈને કહીને અભિમાની નાનો ભાઈ કવચ પહેરી સૈન્યને લઈને, આયુધો સાથે નીકળી પડ્યો.

મરી જવું કાં તો જીતવું — આ બેમાંથી એક જ વિકલ્પ સામે રાખીને નિશુંભ દેવી સામે ઊભો રહી ગયો. યુદ્ધવિદ્યામાં તે નિષ્ણાત હતો. ઇન્દ્ર સહિત દેવતાઓ આ યુદ્ધ જોવા આકાશમાં ઊભા રહી ગયા, નિશુંભે ધનુષ પરથી દેવી સામે બાણવર્ષા કરવા માંડી, હાથમાં ધનુષ લઈ ભગવતી વારેવારે અટ્ટહાસ્ય કરવાં લાગ્યાં. તેમણે કાલિકાને કહ્યું, ‘આ બંને સાવ મૂરખ છે. આજે તો મૃત્યુ પામવા મારી સામે આવ્યા છે. અતિ ભયંકર રક્તબીજનો વધ થયો તે જાણતા હોવા છતાં આ બંને દાનવ વિજયી થવા માગે છે. મહા બળવાન આશા અશક્ત, નિર્બળ, પક્ષરહિત, ચેતનહીન પુરુષોને પણ છોડતી નથી. આ બંને રાક્ષસ આશા રૂપી પાશમાં બંધાઈને તેઓ યુદ્ધભૂમિ પર આવ્યા છે. મારા હાથે જ તેમનું મૃત્યુ લખાયું છે. બધા દેવોની સામે હું તેમને મારી નાખીશ.’

કાલિકાને એમ કહી ભગવતી ચંડિકાએ બાણવર્ષા કરી નિશુંભને ઢાંકી દીધો, બંને વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું. સિંહે પણ બધાનો ખાત્મો બોલાવવા માંડ્યો. નિશુંભ પોતાનું ઉત્તમ ધનુષ લઈને દેવી સામે ધસ્યો. બીજા દૈત્યો પણ હોઠ પીસતા દેવીને મારવા આવ્યા. ત્યાં રાતીચોળ આંખોવાળા સૈનિકો સાથે શુંભ પણ કાલિકાને મારીને જગદંબાને લઈ જવા આવી પહોંચ્યો. તેમનું સુંદર સ્વરૂપ રૌદ્ર અને રમણીય લાગતું હતું. આવી સુંદરીને જોઈ શુંભે તેમની સાથેના લગ્નની ઇચ્છા અને તેમને જીતવાની ઇચ્છા માંડી વાળી, તે મૃત્યુનો નિશ્ચય કરી હાથમાં ધનુષ લઈને ઊભો, ત્યારે બધા દૈત્યોના સાંભળતાં દેવીએ કહ્યું, ‘જો તમારે જીવવું હોય તો અસ્ત્રશસ્ત્ર ફેંકીને પાતાળમાં જતા રહો, નહીંતર મારાં બાણ ખાઈને સ્વર્ગમાં જતા રહો. ત્યાં દુઃખ વિસારે પાડી નિરાંતે રહેજો. કાયરતા અને શૂરવીરતા એક સાથે ન શોભે. તમને અભયદાન આપું છું, તમે અહીંથી જતા રહો.’

દેવીની વાત સાંભળીને અભિમાની નિશુંભે તલવાર અને ઢાલ લઈને જગદંબા પર ઘા કર્યો, દેવીએ પોતાની ગદાથી તેની તલવારનો ઘા ચૂકવી દૈત્યને તેના બાહુ પર ફરસી મારી. આવો ઘા થયો છતાં તે ફરી ચંડિકા પર તલવારનો ઘા કરવા ગયો. એટલે દેવીએ બધાને ભયભીત કરનારો ઘંટારવ શરૂ કર્યો અને વારંવાર મદિરાપાન કરવા માંડ્યું. હવે આ યુદ્ધ વધુ ભયાનક નીવડ્યું. બંને પક્ષ વિજયની ઇચ્છા રાખતા હતા. ત્યારે માંસાહારી ગીધ, કાગડા જેવાં પક્ષી અને કૂતરાં, શિયાળ આનંદમાં આવીને નાચવા લાગ્યાં. દાનવોની કાયામાંથી લોહી વહેતું હતું, એમાં ખરડાયેલા હાથી, ઘોડાનાં શબ ભયંકર દેખાવા લાગ્યાં. ભૂમિ પર પડેલા દાનવોને જોઈ નિશુંભ ક્રોધે ભરાયો અને તેણે ગદા વડે સિંહના માથા પર પ્રહાર કરી, હસતાં હસતાં દેવી પર ગદાનો પ્રહાર કરવા ગયો, ક્રોધે ભરાયેલા દેવીએ તલવારનો ઘા કરવા સામે ઊભેલા નિશુંભને કહ્કહ્યું, ‘મૂર્ખ, ઊભો રહેજે, આ તલવાર જ્યાં સુધી તારા ગળાને સ્પર્શે નહીં ત્યાં સુધી ઊભો રહેજે. પછી તો તું યમલોકમાં પહોંચી જઈશ.’

આમ કહી ભગવતીએ નિશુંભના મસ્તકને છેદી નાખ્યું, તેનું ભયાનક ધડ હાથમાં ગદા લઈને દેવોને ત્રાસ પમાડતું ભમવા લાગ્યું, એટલે દેવીએ બાણો વડે તેના હાથપગ કાપી નાખ્યા. એટલે પર્વત જેવો તે દુષ્ટ ધરતી પર પડ્યો.

ભયભીત થઈ ગયેલી તેની સેનામાં હાહાકાર મચી ગયો, લોહીથી લથબથ થયેલા સૈનિકો શુંભ પાસે ધસી ગયા. એટલે શુંભે તેમને પૂછ્યું, ‘નિશુંભ ક્યાં છે?’ એટલે ભાગી આવેલા દાનવોએ કહ્યું, ‘તમારા ભાઈ જીવ ગુમાવીને રણભૂમિ ઉપર પડ્યા છે. તેમના બધા અનુચરોને તે દેવીએ મારી નાખ્યા છે. આ સમાચાર આપવા અમે આવ્યા છીએ. ચંડિકા સાથે યુદ્ધ કરવાનો આ સમય નથી. દેવતાઓનું કાર્ય કરવા માટે જ આ દેવી અહીં આવી છે. તેમના અવતારનું કારણ પણ આ જ છે. આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, સર્વોત્તમ શક્તિ ધરાવતી આ એક મહાદેવી છે. દેવતાઓ માટે પણ તે અકળ છે. વિવિધ રૂપ ધારણ કરતી, માયાનું રહસ્ય જાણતી, ચિત્રવિચિત્ર અલંકારોવાળી, બધા હાથમાં આયુધોવાળી આ દેવીનો તાગ કાઢી શકાય એમ નથી. એ બીજી કાલરાત્રિ જ છે જાણે, સુલક્ષણા છે. દેવતાઓ આકાશમાં ઊભા રહી તેમની સ્તુતિ કરે છે. જો તમે સુરક્ષિત રહેવા માગતા હો તો અત્યારે નાસી જાઓ. આપણે બચી ગયા તેનો આનંદ મનાવો. યુદ્ધમાં અનુકૂળ સમય આવશે ત્યારે આપણો વિજય થશે. કાળ ક્યારેક બળવાનને નિર્બળ કરે અને ફરી તેને બળવાન બનાવે. દાતા ક્યારેક માગણ બને, ક્યારેક ભિખારી દાતા બને. બધા દેવ પણ કાળને આધીન છે. એટલે કાળની પ્રતીક્ષા કરો. અત્યારે કાળ તમારા માટે પ્રતિકૂળ છે, દેવોને તે અનુકૂળ છે. એટલે તમે પાતાળમાં જતા રહો. જીવન સુરક્ષિત હશે તો ક્યારેક સુખનો વારો આવશે. પણ જો તમારું મૃત્યુ થશે તો શત્રુઓ આનંદપૂર્વક વિજયપતાકા લહેરાવશે.’

આ સાંભળી ક્રોધે ભરાયેલો શુંભ કહેવા લાગ્યો, ‘તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે જ કેમ? ભાઈઓને, મંત્રીઓને મરાવી હું નિર્લજ્જ થઈને ભાગી જઉં? કાળ જ શુભ-અશુભનું સર્જન કરે છે. તેને રોકવો અઘરો છે તો પછી ચિંતા શા માટે? જે થશે તે ખરું, મને ગમે ત્યાં જીવવાની કે મરણ પામવાની ચિંતા નથી. દેવોને જીતનારો નિશુંભ આ સ્ત્રીના હાથે મરાયો. શૂરવીર રક્તબીજ પણ મૃત્યુ પામ્યો, દૈવે નિર્માણ કરેલું કયારેય મિથ્યા થતું નથી. તો પછી શું કરવું? કાળ આવે ત્યારે પ્રજાપતિ પણ નાશ પામે છે, જન્મે તે મરણ પામે જ. એટલે મારો રથ તૈયાર કરો, હું યુદ્ધભૂમિ પર જઈશ. જય મળે કે પરાજય, જે થવાનું હશે તે થશે.’

દૈત્યોને આમ કહીને શુંભ રથ પર બેસીને જગદંબા પાસે ચાલ્યો ગયો. તેની સાથે હાથી, ઘોડા, રથ, પદાતિઓવાળી ચતુરંગિણી સેના પણ હતી. એના સૈનિકો પાસે જુદાં જુદાં શસ્ત્રો હતાં. સિંહ પર સવાર થયેલાં જગદંબાને શુંભે જોયાં. ત્રિભુવનમોહિની સુંદરી અનેક આભરણોથી શોભતાં હતાં. આકાશમાં રહીને દેવ, ગંધર્વ, યક્ષ, કિન્નરો તેમની સ્તુતિ કરતાં હતાં, પારિજાત પુષ્પોથી પૂજા કરતા હતા. શંખ અને ઘંટનો મધુર ધ્વનિ સંભળાતો હતો. દેવીને જોઈને શુંભ બહુ મોહ પામ્યો. ‘આ રૂપ, આ ચતુરાઈ અદ્ભુત, આ કોમળતા છતાં યુદ્ધ માટેનું ધૈર્ય અચરજ પમાડે છે. નાજુક નમણી આ કન્યા તરુણી હોવા છતાં કામથી પર છે. રૂપમાં તે કામદેવની પત્ની રતિ જેવી છે, બધાં લક્ષણોથી સંપન્ન છે, છતાં તે બધા દાનવોનો વધ કરી રહી છે, તો મારા વશમાં આવે તે માટે મારે શું કરવું? હંસ જેવી આ સ્ત્રીને વશ કરવા મારી પાસે કોઈ મંત્ર નથી. આ દેવી પોતે જ મંત્રમય છે. આ દેવી મને વશ કેવી રીતે થાય? યુદ્ધ ત્યજીને મારાથી હવે પાતાળમાં ન જવાય. સામ, દામ, ભેટ વડે પણ જો આ દેવી વશ ન થાય તો પછી ક્યો ઉપાય? કોઈ સ્ત્રીના હાથે મરી જવું એ પણ શોભાસ્પદ નથી, તેનાથી તો કીર્તિ ઝાંખી થાય. રણમાં સમાન બળવાળા વીર દ્વારા થતું મૃત્યુ જ આવકાર્ય. દૈવવશ આ સ્ત્રી અત્યંત બળવાન છે અને તે અમારા કુળનો વિનાશ કરવા જ આવી છે. એ જો યુદ્ધ માટે જ આવી હોય તો શાંતિમંત્રણા કેવી રીતે થાય? શસ્ત્રસજ્જ છે એટલે ધનની લાલચ ન અપાય. બધા દેવતા તેને વશ છે એટલે ભેટ નીતિ કામ ન લાગે. તો પછી હવે યુદ્ધ એ જ કલ્યાણ છે. જે થશે તેની ચિંતા ન કરો.’

આમ વિચારે શુંભે દેવીને કહ્યું, ‘યુદ્ધ કરો. આ વેળા તમારો પુરુષાર્થ કામ નહીં લાગે. તમે બુદ્ધિપૂર્વક કાર્ય નથી કરતાં. સ્ત્રીનેત્ર જ બાણ, ભ્રમરો જ ધનુષ, હાવભાવ જ શસ્ત્ર છે. વિદ્વાન પુરુષો પણ તેનું નિશાન બને. અંગોને ચંદનનો લેપ કરવો એ જ સ્ત્રીનું કાર્ય છે. સ્ત્રીની વાણી એ જ ભેરી છે, લજ્જા તેનું આભૂષણ છે. યુદ્ધની ઇચ્છા કરતી નારી તો કર્કશા. ધનુષ ખેંચતી સ્ત્રી પોતાનું વક્ષ:સ્થળ કેવી રીતે ઢાંકશે? ક્યાં ધીરે ધીરે ચાલવું અને ક્યાં ગદા લઈને દોડવું. આ કાલિકા, આ ચામુંડા તમને મદદ કરે છે. કઠોર વાણીવાળી શિલા તમારી સેવામાં છે. ભયંકર સિંહવાહન છે. તમે વીણા વગાડવાને બદલે શંખધ્વનિ કેમ કરો છો? આ બધાં કાર્ય તમારા રૂપ અને યૌવનને છાજતાં નથી. યુદ્ધની ઇચ્છા હોય તો વિકરાળ રૂપ પ્રગટાવો. લાંબા હોઠ, ભયંકર મોં, મોટા પગ, વાંકા દાંત, ખરાબ નખ, કાગડા જેવો વર્ણ, બિલાડી જેવી આંખો — આવું રૂપ પ્રગટાવો. મોંમાંથી કઠોર શબ્દો નીકળવા જોઈએ, ત્યારે તમારી સાથે યુદ્ધ કરીશ. તમારા જેવી સુંદરી પર પ્રહાર કરવાનું મન થતું નથી.’

દેવી બોલ્યાં, ‘મૂર્ખ, કામવશ થઈને નકામો બકવાસ ન કર. તું કાલિકા અને ચામુંડા સાથે યુદ્ધ કર. હું પ્રેક્ષક. આ બંને યુદ્ધ કરવામાં કુશળ છે. ઇચ્છા થાય તે રીતે ઘા કર. તારી સાથે મારે યુદ્ધ કરવું નથી.’

એમ કહી જગદંબાએ કાલિકાને કહ્યું, ‘તેની ઇચ્છા કુરૂપ સાથે યુદ્ધ કરવાની છે. તો તું આને મારી નાખ.’

કાલિકા પોતે કાળસ્વરૂપિણી હતી. જગદંબાની આજ્ઞાથી તેણે ગદા ઉગામી. બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું. એ યુદ્ધ આકાશમાં રહીને બધા જોઈ રહ્યા. શુંભે ગદા વડે પ્રહાર કર્યો, કાલિકાએ પણ ગદા વડે સામો પ્રહાર કરી દાનવનો સુવર્ણરથ ભાંગી નાખ્યો, તેના સારથિનો તથા તેનાં વાહનોનો નાશ કર્યો. શુંભ રથ વિના યુદ્ધ કરવા માંડ્યો. તેના મોં પર પ્રસન્નતા હતી. તેણે કાલિકાની છાતીમાં ગદા મારી, એટલે તલવાર વડે ગદા રોકી શુંભનો ડાબો હાથ છેદી નાખ્યો. રથ ગયો, ડાબો હાથ ગયો, તો પણ ગદા લઈને દોડ્યો. દેવીએ હસતાં હસતાં તેનો જમણો હાથ પણ કાપી નાખ્યો. હવે તે દૈત્ય પગ વડે હુમલો કરવા ગયો ત્યારે દેવીએ તેના પગ કાપી નાખ્યા. તે દૈત્ય ‘ઊભી રહે, ઊભી રહે’ એવી બૂમો પાડવા લાગ્યો. જમીન પર ઘસડાવા માંડ્યો, તે જોઈને કાલિકાએ તેનું મસ્તક વાઢી નાખ્યું. તેનું ધડ જમીન પર ગબડ્યું અને તે મૃત્યુ પામ્યો. શુંભને એવી અવસ્થામાં જોઈ ઇન્દ્ર સમેત બધા દેવ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. દિશાઓ પ્રકાશિત થઈ. બચી ગયેલા દાનવો જગદંબાને પ્રણામ કરી, શસ્ત્રત્યાગ કરી પાતાળમાં જતા રહ્યા.

(પાંચમો સ્કંધ, અધ્યાય ૩૧)