ભારતીયકથાવિશ્વ−૪/દેવી ભાગવત/હયગ્રીવ કથા
દસ હજાર વર્ષ સુધી યુદ્ધ કરીને વિષ્ણુ ભગવાન થાકી ગયા હતા. એટલે વૈકુંઠમાં જઈને ઉત્તમ સ્થાન શોધીને પદ્માસન લગાવીને બેઠા. ધનુષની અણી પર ભાર દઈને તે બેઠા અને એમ જ તેમને નિદ્રા આવી ગઈ. તે સમયે દેવતાઓને ત્યાં યજ્ઞ કરવાની ઇચ્છા થઈ એટલે ઇન્દ્ર, બ્રહ્મા, શંકર યજ્ઞ કરવા તત્પર થઈ વિષ્ણુ ભગવાનનું દર્શન કરવા વૈકુંઠમાં ગયા. ત્યાં તેમને ભગવાન દેખાયા નહીં એટલે ધ્યાનથી જોઈને ભગવાન જ્યાં હતા ત્યાં પહોંચી ગયા. જોયું તો ભગવાન નિદ્રાને કારણે ચેતનારહિત હતા. દેવતાઓ ત્યાં એમ જ બેસી રહ્યા પણ ભગવાન જાગ્યા નહીં. એટલે દેવતાઓ ચિંતામાં પડ્યા. ઇન્દ્રે દેવતાઓને કહ્યું, ‘શું કરીશું હવે? વિષ્ણુ ભગવાનને જગાડવા કેવી રીતે?’ શંકર ભગવાન બોલ્યા, ‘કોઈને ઊંઘમાંથી ઉઠાડીએ તો પાપ લાગે પણ યજ્ઞકાર્ય કરવા માટે તો ભગવાનને જગાડવા જ પડે.’ એટલે બ્રહ્માએ ધનુષ પૃથ્વી પર ટેકવેલું છે એ જોઈને વમ્રી નામનો એક કીડો સર્જ્યો. તેમણે એવો વિચાર કર્યો કે ધનુષ તો પૃથ્વી પર છે જ, આ કીડો ધનુષની દોરી કાપી નાખશે અને પછી ધનુષ સીધું ઊંચું થઈ જશે. એટલે વિષ્ણુ ભગવાનની ઊંઘ ઊડી જશે. પછી દેવોનું કાર્ય થઈ જશે.’ એટલે પ્રજાપતિ બ્રહ્માએ વમ્રીને એમ કરવાની આજ્ઞા આપી. આ સાંભળી વમ્રી બોલ્યો, ‘જગદગુરુ અને લક્ષ્મીપતિનો નિદ્રાભંગ હું કઈ રીતે કરી શકું? નિદ્રાભંગ, કથાભંગ અને દંપતીપ્રેમનો ભંગ, માતાથી બાળકને અલગ કરવું — આ બધાં પાપ બ્રહ્મહત્યા જેવાં છે, આ ધનુષની દોરી કાપવાથી મને કયો લાભ મળશે કે હું આવું કાર્ય કરું? મારો કોઈ સ્વાર્થ સિદ્ધ થવાનો હોય તો હું આ કામ કરું.’
બ્રહ્માએ કહ્યું, ‘અમે તને યજ્ઞમાં ભાગ આપીશું, તું અમારું કામ કર અને ભગવાનને તરત જગાડ. યજ્ઞમાં હવન કરતી વખતે જે કંઈ સામગ્રી આજુબાજુ પડશે તે તારો ભાગ. પણ હવે તું આ કાર્ય ઝટ કર.’
બ્રહ્માએ આમ કહ્યું એટલે વમ્રીએ ધરતી પર રહેલી ધનુષ્યની અણી તોડી નાખી, પછી તો ધનુષની દોરી તૂટી ગઈ. બીજા છેડાની દોરી પણ ઢીલી થઈ ગઈ. આને કારણે ભયાનક ઘોર થયો, દેવો ધૂ્રજી ગયા. આખા બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. ચારે બાજુ અંધકાર જ અંધકાર. સૂર્યપ્રકાશ આછો થઈ ગયો. દેવતાઓ તો ભારે ચિંતામાં પડી ગયા. તેઓ દુઃખી હતા તે વખતે ભગવાન વિષ્ણુનું મસ્તક કુંડળ અને મુગટ સાથે ક્યાંક ઊડી ગયું. બ્રહ્માએ અને શંકર ભગવાને જોયું તો મસ્તક વિના ભગવાનનું ધડ ત્યાં પડ્યું હતું. આવું ધડ જોઈને બધા દેવ ચિંતામાં પડી ગયા અને દુઃખી થઈને આંસુ સારવા લાગ્યા. ‘અરે ભગવાન, તમે તો દેવોના દેવ છો. તો દેવોને દુઃખ આપનારી આ ઘટના બની કેવી રીતે?’ તેઓ રુદન કરતાં કરતાં ઘણું બધું કહેવા લાગ્યા. એટલે બ્રહ્માએ તેમને આશ્વાસન આપતાં કહ્યું, ‘આમ રુદન કરવાથી શું? કોઈ સરખો ઉપાય કરવો જોઈએ. કાળદેવતાના નિર્માણને બધાએ સ્વીકારી લેવું જોઈએ. કાળને વશ થઈ ભૂતકાળમાં ભગવાન શંકરે મારું મસ્તક કાપી નાખ્યું હતું. આજે વિષ્ણુ ભગવાનનું મસ્તક કપાઈને પડ્યું છે. ઇન્દ્રના પણ કેવા હાલ થયા હતા, હજાર યોનિ તેના શરીરે ફૂટી નીકળી હતી; અને તે પછી તો માનસરોવરમાં જઈને તે રહ્યા હતા. આ સંસારમાં બધાને કોઈ ને કોઈ દુઃખ ભોગવવું પડે છે. એટલે શોક ન કરો. તમે બધા મહામાયાનું ધ્યાન ધરો.’ એટલે બધા દેવ મહામાયાની સ્તુતિ કરવા લાગ્યા, ‘અત્યારે વિષ્ણુ ભગવાન મસ્તકહીન થઈ ગયા છે. તમે એ મસ્તકને ધડ સાથે જોડતા કેમ નથી? તમે સમુદ્રપુત્રી લક્ષ્મી ઉપર કોપાયમાન તો નથી થયાં ને? ધારો કે લક્ષ્મીનો કોઈ અપરાધ થયો હોય તો તમારે ક્ષમા કરવી જોઈએ. ભગવાનનું મસ્તક જોડીને લક્ષ્મીને આનંદિત કરો. ભગવાનનું મસ્તક ક્યાં છે તેની અમને ખબર નથી, તેમને જીવાડવાનો કોઈ ઉપાય નથી.’
આ સ્તુતિથી દેવી પ્રસન્ન થયાં. આકાશવાણી વડે દેવોને કહેવાં લાગ્યાં, ‘તમે હવે ચિંતા ન કરો. વેદો વડે સ્તુતિથી હું પ્રસન્ન થઈ છું. મનુષ્યલોકમાં ભક્તિભાવથી જે આ સ્તુુતિ કરશે તેની બધી ઇચ્છાઓ પૂરી થશે. હવે તમે ભગવાન મસ્તકવિહોણા કેમ થયા તેનું કારણ જાણો. આ સંસારમાં પ્રત્યેક કાર્ય પાછળ કોઈ કારણ હોય છે. એક વખત ભગવાન લક્ષ્મીનું મુખ જોઈને હસ્યા, એટલે લક્ષ્મીને થયું- ભગવાન કેમ હસ્યા? ચોક્કસ મારું મોં તેમને કદરૂપું લાગ્યું હશે અને પછી મહાલક્ષ્મીના શરીરમાં તામસી શક્તિ પ્રવેશી, કોઈક રીતે દેવોનું જ કાર્ય થવાનું હતું. તેમણે અસ્વસ્થ થઈને કહ્યું, ‘તમારું મસ્તક ધડથી જુદું થઈ જાઓ.’ આમ મહાલક્ષ્મીના શબ્દો સાચા પડ્યા છે. તેમનું મસ્તક લવણસમુદ્રમાં પડ્યું છે. એક બીજું પણ કારણ છે. પૂર્વે હયગ્રીવ નામનો એક બળવાન દૈત્ય હતો. તેણે સરસ્વતીના કાંઠે બેસીને ઘોર તપ કર્યું. મારી તામસી શક્તિની તેણે આરાધના કરી, હજાર વર્ષના તપ પછી હું તામસી રૂપે જ તેની પાસે ગઈ અને સિંહ પર બેસીને મેં દર્શન આપ્યાં. ‘જે વરદાન જોઈતું હોય તે માગ.’ તેણે મારી સ્તુતિ કરી. પછી અમરતાનું વરદાન માગ્યું પણ મેં કહ્યું કે ‘જે જન્મે તેનું મૃત્યુ થાય જ. એટલે વિચાર કરીને બીજું કંઈક માગ.’ એટલે તેણે કહ્યું, ‘હયગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય અર્થાત્ જેનું મસ્તક અશ્વનું હોય તેના હાથે જ હું મરું.’
મેં કહ્યું,‘ભલે. તું ઘેર જઈ નિરાંતે રાજ કર. હયગ્રીવ સિવાય તને કોઈ મારી નહીં શકે.’
તેને વરદાન આપીને હું અંતર્ધાન થઈ અને દૈત્ય પણ પોતાને ઘેર ગયો. તે દુષ્ટ બધા ઋષિઓને દમી રહ્યો છે. ત્રણે લોકમાં તેનો વધ કરે એવું કોઈ નથી. આ ઘોડાનું મસ્તક વિષ્ણુના ધડ પર બ્રહ્મા જોડી દેશે. એટલે ભગવાન દેવોનું હિત કરવા તે દુષ્ટ અને ક્રૂર દૈત્યનો વધ કરશે.’
આમ કહીને દેવીની વાણી વિરામ પામી. દેવોએ બ્રહ્માને કહ્યું, ‘હવે વિષ્ણુના ધડ સાથે ઘોડાનું મસ્તક જોડો.’ તેમની વાત સાંભળીને બ્રહ્માએ ઘોડાનું મસ્તક કાપીને વિષ્ણુના ધડ સાથે જોડી દીધું. આમ ભગવાન હયગ્રીવ થયા અને પછી હયગ્રીવ સાથે યુદ્ધ કરીને તેનો વધ કર્યો.
(૧,૫)