ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/અતિલોભી શિયાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અતિલોભી શિયાળ

કોઈ વનપ્રદેશમાં એક ભીલ રહેતો હતો. તે શિકાર કરવાને નીકળ્યો. તેણે ફરતાં ફરતાં કાજળના મોટા પર્વતના શિખર જેવો એક સૂવર જોયો. તેને જોઈને કાન સુધી ખેંચેલા તીક્ષ્ણ બાણ વડે ભીલે ઘાયલ કર્યો. કોપાયમાન ચિત્તવાળા એ સૂવરે પણ બાલચન્દ્ર જેવી કાન્તિવાળી પોતાની દાઢની અણીથી ભીલનું ઉદર ચીરી નાખ્યું, અને પ્રાણ નીકળી જતાં તે ધરતી ઉપર પડ્યો. હવે પારધીને મારી નાખ્યા પછી સૂવર પણ બાણના પ્રહારથી વેદનાથી પંચત્વ પામ્યો. એ સમયે જેનું મૃત્યુ નજીક આવ્યું હતું એવો એક શિયાળ આમતેમ ભમતો તે પ્રદેશમાં આવ્યો. જ્યારે સૂવર અને ભીલ બન્નેને જોયા, ત્યારે હર્ષ પામીને તે વિચાર કરવા લાગ્યો, ‘અરે! વિધિ મને સાનુકૂળ છે, તેથી આ અણચિંતવ્યું ભોજન મને મળી આવ્યું છે. અથવા આ ખરું કહ્યું છે કે

ઉદ્યમ કરવામાં આવે નહિ તો પણ અન્ય જન્મમાં કરેલાં કાર્યોનુંશુભાશુભ ફળ મનુષ્યોને દૈવયોગે મળે છે.

તેમ જ

જે દેશમાં, કાળમાં તથા જે વયમાં શુભાશુભ કર્મ કરેલું હોય છે તે એવી જ રીતે ભોગવાય છે.

તો હું એવી રીતે ભક્ષણ કરું કે જેથી ઘણા દિવસ સુધી મારું ગુજરાન ચાલે. પહેલાં તો હું ધનુષ્યની અણી ઉપર રહેલી સ્નાયુની દોરી —- પણછ ખાઉં. કહ્યું છે કે

પ્રાજ્ઞ પુરુષોએ પોતે ઉપાર્જન કરેલા ધનનો રસાયનની જેમ ધીરે ધીરે ઉપભોગ કરવો, ઉતાવળે કરવો નહિ.’

આ પ્રમાણે મનથી નિશ્ચય કરીને ધનુષ્યની વાંકી વળેલી અણી મુખમાં લઈને તે સ્નાયુ — પણછ ખાવા લાગ્યો. પછી પણછનો પાશ કપાઈ ગયો એટલે ધનુષ્યની અણી તેના તાળવાનો ભાગ ફાડીને માથામાંથી બહાર નીકળી, અને એ શિયાળ મરણ પામ્યો.

તેથી હું કહું છું કે અતિ તૃષ્ણા કરવી નહિ તેમ તૃષ્ણાનો ત્યાગ પણ કરવો નહિ; અતિ તૃષ્ણાને વશ થયેલાના મસ્તકમાં ચૂડા — અણી થાય છે.’

બ્રાહ્મણે આ પ્રમાણે સમજાવી, એટલે બ્રાહ્મણી બોલી, ‘જો એમ છે, તો મારા ઘરમાં થોડાક તલ છે, એ તલને છડીને તેના ચૂર્ણ વડે બ્રાહ્મણને ભોજન કરાવીશ.’ પછી તેનું એ વચન સાંભળીને બ્રાહ્મણ ગામ ગયો. બ્રાહ્મણીએ તલ ગરમ પાણીમાં મસળીને, કૂટીને સૂર્યના તાપમાં મૂક્યા. એ સમયે જ્યારે તે ઘરકામમાં રોકાયેલી હતી ત્યારે કોઈ કૂતરો આવીને એ તલમાં મૂતર્યો. એ જોઈને તે વિચાર કરવા લાગી, ‘અરે! અવળા થયેલા વિધિની ચતુરાઈ તો જુઓ કે આ તલને તેણે અભોજ્ય બનાવી દીધા છે! માટે આ તલ લઈને કોઈને ઘેર જઈને હું છડેલા તલને સાટે વગર છડેલા તલ લાવું. આ રીતે સર્વે જનો મને તલ આપશે.’

પછી જે ઘરમાં હું ભિક્ષાને માટે પ્રવેશ્યો હતો તે જ ઘરમાં તે પણ તલ લઈને આ પ્રમાણે વિક્રય કરવાને પ્રવેશી, અને બોલી, ‘વગર છડેલા તલના સાટામાં છડેલા તલ કોઈ લો!’ એટલે તે ઘરની ગૃહિણી ઘરમાં જઈને વગર છડેલા તલ લાવી તેના બદલામાં છડેલા તલ લેવા જાય છે ત્યાં તેના પુત્રે કામંદકિશાસ્ત્ર જોઈને કહ્યું, ‘માતા! આ તલ લેવા જેવા નથી. વગર છડેલા તલના બદલામાં તારે એના છડેલા તલ લેવા નહિ. કંઈક કારણ હશે તેથી જ વગર છડેલા તલના બદલામાં આ છડેલા તલ આપે છે.’ એ સાંભળીને તેણે એ છડેલા તલનો ત્યાગ કર્યો.

તેથી હું કહું છું કે શાંડિલીની માતા છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ એકાએક વેચે નહિ; તેથી એમાં કંઈક કારણ હોવું જોઈએ.’

એમ કહીને ફરી વાર તે બૃહત્સ્ફિફ કહેવા લાગ્યો, ‘એ ઉંદરનો આવવાનો માર્ગ જાણવામાં છે?’ તામ્રચૂડ બોલ્યો, ‘ભગવન્! જાણવામાં છે, કારણ કે તે એકલો આવતો નથી, પણ મારા જોતાં અસંખ્ય યૂથ વડે વીંટાઈને આમતેમ ભમતો સર્વ પરિવારની સાથે આવે છે અને જાય છે.’ અભ્યાગત બોલ્યો, ‘કંઈ ખોદવાનું સાધન છે?’ તેણે કહ્યું, ‘હા, સારું છે. આ નરદમ લોઢાની કોશ છે.’ અભ્યાગતે કહ્કહ્યું, ‘તો પછી પરોઢમાં તમે મારી સાથે ઊઠજો, જેથી મનુષ્યોનાં પગલાં વિનાની ભૂમિ ઉપર જ ઉંદરનાં પગલાંને અનુસરીને આપણે બન્ને જઈશું.’ મેં પણ તેનું વચન સાંભળીને વિચાર્યું, ‘અહો! હવે મારો નાશ થવાનો, કારણ કે આનાં વચનો વિચારયુક્ત સાંભળવામાં આવે છે. ખરેખર, જેવી રીતે તેણે મારું નિધાન જાણી લીધું તેવી રીતે દુર્ગ પણ જાણી લેશે. તેના અભિપ્રાય ઉપરથી જ એ જણાય છે. કહ્યું છે કે

પુરુષને એક જ વાર જોઈને પણ બુદ્ધિશાળી જનો તેનું સામર્થ્ય જાણી લે છે. નિપુણ જનો હાથરૂપી તુલાથી પણ પલપ્રમાણ વજન પારખે છે. ચિત્તની વાંછના જ મનુષ્યોનાં પૂર્વજન્મનાં શુભાશુભ કાર્યોથી નિયત થયેલા ભવિષ્યને અગાઉથી સૂચવી દે છે; જેને હજી કલાપનું ચિહ્ન ઊગ્યું નથી એવું મોરનું બચ્ચું તળાવમાંથી પાણી પીને પાછે પગલે આવે એ ઉપરથી તે મોર છે એમ જણાય છે.’

પછી ભયથી ત્રાસ પામેલા મનવાળો હું મારા દુર્ગનો માર્ગ છોડીને બીજા માર્ગે પરિવાર સહિત જવા લાગ્યો (જેથી પેલો પરિવ્રાજક મારા દુર્ગનો માર્ગ જાણે નહિ). પરિજન સહિત જ્યારે હું આગળ ગયો ત્યારે મોટી કાયાવાળા બિલાડાને સામેથી આવતો જોયો. ઉંદરોના વૃંદને આવતું જોઈને તે એકદમ તેની વચમાં કૂદી પડ્યો. એટલે મને અવળે માર્ગે આવેલો જોઈને મારી નિન્દા કરતાં અને મરતાં બાકી રહેલા ઉંદરો પૃથ્વીને પોતાના લોહીથી ભીની કરતા તે દુર્ગમાં પ્રવેશ્યા. અથવા આ ખરું કહ્યું છે કે

પાશ કાપીને, પારધીએ રચેલી કૂટરચનાનો ત્યાગ કરીને, જાળને બળપૂર્વક તોડીને, જેના સીમાડાઓ અગ્નિની શિખાઓના સમૂહથી ઘેરાઈ ગયા હતા એવા વનમાંથી પણ દૂર નીકળીને તથા પારધીઓના બાણની મર્યાદામાં આવી જતાં વેગપૂર્વક કૂદીને દોડતો મૃગ કૂવામાં પડી ગયો. જ્યાં વિધિ જ વાંકો હોય ત્યાં પરાક્રમ શું કરે?

પછી એકલો હું અન્યત્ર ચાલ્યો ગયો અને બાકીના ઉંદરો મૂઢપણાથી તે જ દુર્ગમાં પ્રવેશ્યા. એ સમયે પેલો દુષ્ટ પરિવ્રાજક લોહીનાં બિન્દુથી ખરડાયેલી ભૂમિ જોતો જોતો તે જ દુર્ગના માર્ગે આવીને હાજર થયો. પછી તે કોશ વડે ખોદવા માંડ્યો. પછી ખોદતાં ખોદતાં તેણે એ નિધાન પ્રાપ્ત કર્યું કે જેના ઉપર હું સદા વાસ કરીને રહેતો હતો તથા જેની ઉષ્માથી મહાદુર્ગમ સ્થાનોમાં પણ જઈ શકતો હતો. પછી હર્ષિત મનવાળો તે અતિથિ તામ્રચૂડને આ પ્રમાણે કહેવા લાગ્યો, ‘હે ભગવન્! હવે નિ:શંક સૂઈ રહો. આ નિધાનની ઉષ્માથી ઉંદર તમને જાગરણ કરાવતો હતો.’ એમ કહી નિધાન લઈને તે બન્ને જણ મઠ તરફ ચાલ્યા. હું પણ જ્યારે નિધાનના સ્થળ પાસે આવ્યો ત્યારે અરમણીય તથા ઉદ્વેગકારી એવું તે સ્થાન જોઈ પણ શક્યો નહિ; અને હું વિચાર કરવા લાગ્યો, ‘શું કરું? ક્યાં જાઉં? મારા મનને શાન્તિ શી રીતે થાય?’ એમ વિચાર કરતાં એ દિવસ મહાકષ્ટપૂર્વક વીતી ગયો. પછી સૂર્ય અસ્ત પામ્યો એટલે ઉદ્વેગી તથા નિરુત્સાહી એવો હું એ મઠમાં પરિવાર સહિત પ્રવેશ્યો. મારા પરિજનોનો શબ્દ સાંભળીને તામ્રચૂડ પણ જર્જરિત વાંસડો ફરી વાર ભિક્ષાપાત્ર ઉપર પછાડવા લાગ્યો. એટલે પેલો અતિથિ બોલ્યો, ‘મિત્ર! તું હજી પણ નિ:શંકપણે નિદ્રા કેમ કરતો નથી?’ તે બોલ્યો, ‘ભગવન્! ફરી વાર પણ તે દુષ્ટાત્મા ઉંદર પરિવાર સહિત આવ્યો છે. એના ભયથી આ જર્જરિત વાંસ હું ભિક્ષાપાત્ર ઉપર પછાડું છું.’ એટલે હસીને પેલો બોલ્યો, ‘મિત્ર! તું ડરીશ નહિ. આ ઉંદરનો કૂદવાનો ઉત્સાહ પણ ધનની સાથે ચાલ્યો ગયો છે. સર્વ પ્રાણીઓની આવી જ સ્થિતિ હોય છે.

કહ્યું છે કે મનુષ્ય જે સદા ઉત્સાહી હોય છે તથા લોકોનો જે પરાભવ કરે છે અને જે ઉદ્ધત વચન બોલે છે તે સર્વે બળ ધનનું છે.’

પછી તે સાંભળીને કોપાયમાન થયેલો હું ભિક્ષાપાત્ર તરફ જોરથી ઊંચે કૂદ્યો, પણ ત્યાં પહોંચ્યા વિના જ પાછો પૃથ્વી ઉપર પડ્યો. એ સાંભળીને મારો પેલો શત્રુ હસીને તામ્રચૂડને કહેવા લાગ્યો, ‘અરે! જુઓ, જુઓ આ કૌતુક!’ આમ કહીને તે બોલ્યો,

‘સર્વે ધનથી બળવાન હોય છે તથા જે ધનવાન તે જ પંડિત ગણાય છે; ધન વગરનો આ ઉંદર પોતાની જાતિના બીજા ઉંદરો જેવો થઈ ગયો છે એ જુઓ!

માટે તમે કોઈ પણ પ્રકારની શંકા વિના નિદ્રા કરો; તેના કૂદવાનું જે કારણ હતું તે તો આપણા હાથમાં આવી ગયું છે. અથવા આ ખરું કહ્યું છે કે

દાઢ વિનાના સાપ અને મદ વિનાના હાથીની જેમ આ જગતમાં ધન વિનાનો પુરુષ નામમાત્ર જ પુરુષ છે.’

તે સાંભળીને હું મનથી વિચાર કરવા લાગ્યો. ‘મારામાં એક આંગળ જેટલું કૂદવાની પણ શક્તિ રહી નથી. માટે ધનહીન પુરુષના જીવનને ધિક્કાર છે. કહ્યું છે કે

ધન વિનાના અને અલ્પ બુદ્ધિવાળા પુરુષોની સર્વે ક્રિયાઓ, ગ્રીષ્મ ઋતુમાં નાની નદીઓની જેમ, ઉચ્છેદ પામે છે. જેમ કાકયવ અને વગડાઉ તલ એ નામમાત્ર જ યવ અને તલ છે, પરંતુ તેથી કાર્યસિદ્ધિ નથી, તે પ્રમાણે ધન વિનાના પુરુષોનું સમજવું, દરિદ્ર મનુષ્યના (ધન સિવાયના) બીજા ગુણો હોય તો પણ તે શોભતા નથી; પ્રાણીઓને જેમ સૂર્ય પ્રકાશ આપે છે તેમ લક્ષ્મી ગુણોને પ્રકાશ આપે છે. સુખમાં ઊછરેલા મનુષ્ય દ્રવ્ય પ્રાપ્ત કર્યા પછી તેથી અળગો થતાં જેટલો દુઃખી થાય છે તેટલો દુઃખી જન્મથી જ નિર્ધન મનુષ્ય થતો નથી. સૂકા કીડાઓથી ખવાઈ ગયેલા, અગ્નિથી ચારે બાજુ બળી ગયેલા તથા ઊખર જમીનમાં રહેલા ઝાડનો જન્મ સારો, પણ યાચકનો જન્મ સારો નહિ. પ્રતાપ વિનાની એવી દરિદ્રતા ચોપાસ શંકાપાત્ર થઈ પડે છે; દરિદ્ર મનુષ્ય ઉપકાર કરવા આવ્યો હોય તો પણ લોકો એને ત્યજીને ચાલી જાય છે. નિર્ધન મનુષ્યોના મનોરથો ઊંચા વધી વધીને, વિધવા સ્ત્રીનાં સ્તનોની જેમ, પાછા ત્યાં હૃદયમાં જ વિલીન થાય છે. આ જગતમાં નિત્ય દરિદ્રતારૂપી અંધકારથી ઘેરાયેલો મનુષ્ય ધોળે દિવસે પ્રયત્નપૂર્વક આગળ ઊભો હોય તો પણ કોઈ એને જોતું નથી.’

આ પ્રમાણે વિલાપ કરીને, મારા એ નિધાનને ગાલમસૂરિયા તરીકે મૂકાયેલું જોઈ ભગ્નોત્સાહ એવો હું પ્રભાતે મારા દુર્ગમાં ગયો. ત્યારે પ્રભાતમાં મારા સેવકો આમતેમ જતાં પરસ્પરને કહેતા હતા. ‘અહો! આ આપણું ઉદર ભરવા માટે અસમર્થ છે, એની પાછળ જવાથી કેવળ બિલાડા વગેરેની વિપત્તિઓ જ આવે છે. તો એની સેવા કરવાથી શું? કહ્યું છે કે

જેની પાસેથી લાભ મળે નહિ અને કેવળ વિપત્તિઓ જ ઊભી થાય એ સ્વામીનો સેવકોએ વિશેષ કરીને દૂરથી જ ત્યાગ કરવો.’

આ પ્રમાણે તેમનાં વચન સાંભળીને હું મારા દુર્ગમાં પ્રવેશ્યો, પછી જ્યારે કોઈ સેવક મારી પાસે આવતો ન હતો ત્યારે મેં વિચાર કર્યો, ‘આ દરિદ્રતાને ધિક્કાર છે! અથવા ખરું કહ્યું છે કે

દરિદ્ર પુરુષ મરેલો છે, પ્રજા વિનાનું મૈથુન મરેલું છે, શ્રોત્રિય બ્રાહ્મણ વિનાનું શ્રાદ્ધ મરેલું છે, અને દક્ષિણા વિનાનો યજ્ઞ મરેલો છે.’

હું આ પ્રમાણે વિચાર કરતો હતો ત્યાં તો મારા સેવકો મારા શત્રુઓના સેવકો થયા. તેઓ મને એકલાને જોઈને મારી વિડંબના કરવા લાગ્યા.

પછી અર્ધનિદ્રામાં રહેલો હું ફરી વાર વિચાર કરવા લાગ્યો કે, ‘એ કુતપસ્વીના નિવાસસ્થાનમાં જઈને તેના ગાલમસૂરિયારૂપ બનેલી ધનની પેટીને તે નિદ્રાવશ થાય એટલે ધીરે ધીરે કોચીને એ ધન મારા દુર્ગમાં લાવું, જેથી ફરી વાર પણ એ ધનના પ્રભાવથી મારું પૂર્વવત્ આધિપત્ય થાય. કહ્કહ્યું છે કે

ધન વિનાના મનુષ્યો કુલીન વિધવાની જેમ, સેંકડો મનોરથો વડે પોતાના મનને દુઃખી કરે છે, પણ અનુષ્ઠાન (ધાર્મિક કર્મો અથવા પ્રયત્ન) કરતા નથી. દરિદ્રતા એ દેહધારીઓને માટે અત્યંત અપમાનકારી દુઃખ છે. જેથી તેમનાં સ્વજનો પણ તેઓને જીવતાં છતાં મરેલાં જેવાં માને છે. દારિદ્ય્ર વડે કલુષિત થયેલો મનુષ્ય દીનતાનું પાત્ર, પરાભવનું પરમ સ્થાન અને વિપત્તિનું આશ્રયસ્થાન થઈ પડે છે. જેની પાસે કોડીઓ (ધન) નથી તેનાથી બંધુજનો લજ્જા પામે છે, અને તેની સાથેના સંબંધને છુપાવે છે તથા તેના મિત્રો શત્રુ થઈ જાય છે. દેહી જનોને માટે દરિદ્રતા એ મૂર્તિમાન લઘુતા, વિઘ્નોનું સાક્ષાત્ ગૃહ તથા મરણનું જ બીજું સ્વરૂપ છે. નિર્ધનોના સહવાસથી ડરતા મનુષ્યો બકરીના પગની ધૂળની જેમ, સાવરણીની રેણુની જેમ અને દીવાના પ્રકાશમાં પડેલી ખાટલાની છાયાની જેમ તેમનો ત્યાગ કરે છે. હાથપગ ધોતાં વધેલી માટીથી પણ કંઈક કાર્ય થાય છે, પણ નિર્ધન મનુષ્યનું તો કંઈ પ્રયોજન હોતું નથી. કંઈક આપવાની ઇચ્છાવાળો પણ દરિદ્ર જો ધનિકને ઘેર જઈ પહોંચે તો ‘આ યાચક છે’ એમ માનવામાં આવે છે. દેહધારીઓની દરિદ્રતાને ધિક્કાર છે!

માટે ધન લઈ જવાનો પ્રયત્ન કરતાં મારું મૃત્યુ થાય તો પણ સારું. કહ્યું છે કે

પોતાના ધનનું હરણ થતું જોઈને જે પુરુષ તેનું રક્ષણ કરતો નથી તેણે આપેલી જલાંજલિ પિતૃઓ પણ ગ્રહણ કરતા નથી.

તેમ જ

ગાયને માટે, બ્રાહ્મણને માટે, સ્ત્રી તથા ધનનુંહરણ થતું હોય ત્યારે તથા યુદ્ધમાં (અથવા ગાય, બ્રાહ્મણ અને સ્ત્રી તથા ધનના રક્ષણ માટેના યુદ્ધમાં) જે પ્રાણનો ત્યાગ કરે છે તેને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે.’

એ પ્રમાણે નિશ્ચય કરીને રાત્રે ત્યાં જઈને તે નિદ્રાવશ થયો હતો ત્યારે પેટીમાં મેં છિદ્ર કર્યું, પણ એટલામાં એ દૃષ્ટ તાપસ જાગી ગયો. પછી જર્જરિત વાંસના પ્રહારથી તેણે મારા માથામાંં ઘા કર્યો; કંઈક આયુષ્ય બાકી રહેલું હોવાને કારણે જ હું ત્યાંથી નીકળી શક્યો અને મરણ પામ્યો નહિ.

કહ્યું છે કે

મનુષ્ય (કર્માનુસાર) પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુને મેળવે છે, દૈવ પણ તેને તેમ કરતાં અટકાવવાને સમર્થ નથી; માટે હું શોક કરતો નથી તેમ મને વિસ્મય પણ થતું નથી; જે આપણું છે તે પારકાનું થવાનું નથી.’

કાગડો અને કાચબો પૂછવા લાગ્યા, ‘એ કેવી રીતે?’

હિરણ્યકે કહ્યું,

‘કોઈ એક નગરમાં સાગરદત્ત નામે વાણિયો રહેતો હતો. તેના પુત્રે સો રૂપિયામાં એક પુસ્તક ખરીદ્યું હતું. તેમાં લખેલું હતું —

પ્રાપ્તવ્યમર્થં લભતે મનુષ્યો

દેવોઅપિ તં લંઘયિતું ન શક્ત: |

તસ્માન્ન શોચામિ ન વિસ્મયો મે

યદસ્મદીયં ન હિ તત્પરેષામ્ ||

અર્થાત્ મનુષ્ય (કર્માનુસાર) પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુને મેળવે છે, દેવ પણ તેને તેમ કરતાં અટકાવવાને સમર્થ નથી; માટે હું શોક કરતો નથી તેમ મને વિસ્મય પણ થતું નથી; જે આપણું છે તે પારકાનું થવાનું નથી.

એ જોઈને સાગરદત્તે પુત્રને પૂછ્યું, ‘બેટા! કેટલા મૂલ્યથી આ પુસ્તક ખરીદ્યું છે?’ તેણે કહ્યું, ‘સો રૂપિયામાં.’ તે સાંભળીને સાગરદત્ત બોલ્યો, ‘હે મૂર્ખ! તને ધિક્કાર છે! જેમાં માત્ર એક શ્લોક લખેલો છે એવું પુસ્તક તું સો રૂપિયામાં ખરીદે છે, તો આવી બુદ્ધિથી તું શી રીતે દ્રવ્યોપાર્જન કરીશ? માટે આજથી તારે મારા ઘરમાં પ્રવેશ કરવો નહિ.’ આ પ્રમાણે તિરસ્કાર કરીને સાગરદત્તે તેને ઘરમાંથી કાઢી મૂક્યો.

તે પણ એ નિર્વેદથી દૂર દેશાંતરમાં જઈ કોઈ નગરમાં આવીને રહ્યો. કેટલાક દિવસ પછી તે નગરમાં કોઈ નિવાસીએ તેને પૂછ્યું, ‘તમે ક્યાંથી આવ્યા છો? તમારું નામ શું છે?’ તે બોલ્યો, ‘પ્રાપ્તવ્યમર્થં લભતે મનુષ્ય:|’ પછી બીજાએ પૂછ્યું એટલે તેને પણ એવો જ ઉત્તર આપ્યો. એ પ્રમાણે એ નગરમાં તેનું પ્રાપ્તવ્યમર્થં એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું.

હવે, એક દિવસ અભિનવ રૂપ અને યૌવનવાળી ચંદ્રવતી નામે રાજકન્યા પોતાની સખી સાથે નગરનું નિરીક્ષણ કરતી બેઠી હતી. ત્યાં અતિ રૂપસંપન્ન અને મનોહર એવો કોઈ રાજપુત્ર તેની નજરે પડ્યો. તેને જોતાંવેંત જ કામદેવનાં બાણથી ઘાયલ થયેલી એવી તેણે પોતાની સખીને કહ્યું, ‘હે સખિ! આની સાથે મારો સમાગમ થાય એવો પ્રયત્ન તું કર.’ એ સાંભળીને તે સખીએ એની પાસે સત્વર જઈને કહ્યું, ‘મને ચંદ્રવતીએ તમારી પાસે મોકલી છે, અને તેણે તમને કહાવ્યું છે કે તમારા દર્શનથી કામદેવે મારી અંતિમ અવસ્થા કરી દીધી છે. માટે જલદી મારી પાસે નહિ આવો તો મરણ એ જ મારું શરણ થશે.’ એ સાંભળીને તેણે કહ્યું, ‘જો મારે અવશ્ય ત્યાં આવવાનું હોય તો કયા ઉપાયથી અંદર પ્રવેશવું તે કહે.’ એટલે સખી બોલી, ‘રાત્રે મહાલય ઉપરથી લટકાવવામાં આવેલા મજબૂત દોરડા વડે તમારે ત્યાં ચડી આવવું.’ તે બોલ્યો, ‘જો તમારો આ પ્રમાણે નિશ્ચય છે તો હું એમ કરીશ.’ એ પ્રમાણે નિશ્ચય કરીને સખી ચંદ્રવતીની પાસે ગઈ. પછી રાત પડી એટલે તે રાજપુત્ર પોતાના મનથી વિચાર કરવા લાગ્યો, ‘અહો! આ તો મોટું અકૃત્ય છે. કહ્યું છે કે

ગુરુની પુત્રી, મિત્રની પત્ની તથા સ્વામી અને સેવકની ભાર્યાનું જે ગમન કરે છે તે પુરુષને બ્રહ્મહત્યા કરનારો કહ્યો છે.

વળી

જેનાથી અપયશ પ્રાપ્ત થાય, જેનાથી અવગતિ થાય તથા જેનાથી સ્વર્ગમાંથી ભ્રષ્ટ થવાય એવું કર્મ આચરવું નહિ.’

આ પ્રમાણે સારી રીતે વિચાર કરીને તે એ રાજકન્યાની પાસે ગયો નહિ.

હવે, રાત્રે ફરતાં ફરતાં મહાલયની પાસે દોરડું લટકતું જોઈને જેનાં હૃદયમાં કૌતુક થયું છે એવો ‘પ્રાપ્તવ્યમર્થં’ તેને આધારે ઉપર ચડી ગયો. ‘આ તે જ છે’ એ પ્રમાણે જેનાં ચિત્તમાં વિશ્વાસ થયો છે એવી રાજપુત્રીએ સ્નાન, ખાનપાન તથા વસ્ત્રાદિ વડે તેનું સન્માન કરીને તથા તેની સાથે શયનમાં બેસીને તેના અંગના સ્પર્શથી ઉત્પન્ન થયેલા હર્ષનાં રોમાંચ અનુભવતાં કહ્યું, ‘તમારા દર્શનમાત્રથી અનુરક્ત થયેલી એવી મેં મારી જાત તમને સોંપી દીધી છે. મનથી પણ તમારા સિવાય બીજો મારો પતિ નહિ થાય. માટે તમે કેમ મારી સાથે બોલતા નથી?’ તે બોલ્યો, ‘પ્રાપ્તવ્યમર્થં લભતે મનુષ્ય:|’ આમ બોલતાં ‘આ કોઈ બીજો છે’ એ જાણીને રાજકન્યાએ તેને મહાલય ઉપરથી ઉતારીને છોડી દીધો. તે પણ એક પડી ગયેલા દેવળમાં જઈને સૂઈ ગયો.

પછી કોઈ વ્યભિચારિણીએ જેની સાથે સંકેત કર્યો હતો એવો દંડપાશક (એક નગરરક્ષક અધિકારી) ત્યાં આવી પહોંચ્યો, તો અગાઉથી સૂઈ રહેલા તેને જોયો. આથી વાત ગુપ્ત રાખવાના ઉદ્દેશથી તેણે તેને કહ્યું, ‘તમે કોણ છો?’ તે બોલ્યો, ‘પ્રાપ્તવ્યમર્થં લભતે મનુષ્ય:|’ એ સાંભળીને દંડપાશકે કહ્યું, ‘આ દેવળ તો સૂનું છે, માટે મારી જગ્યાએ જઈને સૂઈ રહે.’ એમ કરવાનું સ્વીકારીને તે સમજફેરથી બીજા શયનમાં જઈને સૂતો. હવે, તે નગરરક્ષકની વિનયવતી નામની રૂપયૌવનસંપન્ન તથા વયમાં આવેલી કન્યા, બીજા કોઈ પુરુષમાં અનુરક્ત થઈને તેની સાથે સંકેત કરીને તે શયનમાં સૂઈ રહેલી હતી. તે કન્યા પ્રાપ્તવ્યમર્થંને આવતો જોઈને રાત્રે નિબિડ અંધકારમાં ‘આ જ મારો વલ્લભ છે’ એમ માનીને સામે જઈ, ભોજનવસ્ત્રાદિ ક્રિયા કરાવીને ગાંધર્વવિધિથી પોતાનો વિવાહ કરીને તથા તેની સાથે શયનમાં બેસીને વિકસિત વદનકમળથી કહેવા લાગી, ‘હજી પણ તમે મારી સાથે વિશ્વાસથી કેમ વાત કરતા નથી?’ તે બોલ્યો, ‘પ્રાપ્તવ્યમર્થં’ લભતે મનુષ્ય:|’ આ સાંભળીને તે કન્યાએ વિચાર્યું, ‘પૂરો વિચાર કર્યા સિવાય જે કામ કરવામાં આવે તેનો ફળવિપાક આવો જ થાય છે.’ આમ વિચારીને વિષાદ પામેલી એવી તેણે એને બહાર કાઢ્યો.

તે જ્યારે શેરીના માર્ગે જતો હતો ત્યારે બીજા દેશનો રહેવાસી વરકીર્તિ નામે વર વાજિંત્રોના મોટા શબ્દ સાથે આવતો હતો, ‘પ્રાપ્તવ્યમર્થં’ પણ તેની સાથે જવા લાગ્યો. પછી જ્યારે લગ્નનો સમય નજીક આવી પહોંચ્યો અને રાજમાર્ગની પાસે આવેલા શ્રેષ્ઠીના ઘરના આંગણામાં રચેલી મંડપવેદિકામાં, વિવાહનો માંગલિક વેશ જેણે ધારણ કર્યો હતો એવી વણિકપુત્રી બેઠી હતી ત્યારે નાસભાગ કરતા લોકોના કોલાહલ વડે સર્વ જનોને આકુલ કરતો મદમત્ત હાથી મહાવતને મારી તે સ્થળે આવ્યો. તેને જોઈને વર સહિત વરના સર્વે અનુયાયીઓ — જાનૈયાઓ ચારે દિશામાં નાસી ગયા. એ સમયે ભયથી ચંચળ લોચનવાળી તે એકાકિની કન્યાને જોઈને ‘તું ડરીશ નહિ, હું તારું રક્ષણ કરીશ.’ એ પ્રમાણે સારી રીતે ધીરજ આપીને તથા તેનો જમણો હાથ ઝાલીને ‘પ્રાપ્તવ્યમર્થં’ કઠિન વચનો વડે હાથીનો તિરસ્કાર કરવા લાગ્યો. પછી કોઈ રીતે દૈવયોગે હાથી ચાલ્યો ગયો, અને લગ્નનો સમય વીતી ગયો ત્યારે પોતાના મિત્રો અને બાંધવો સહિત વરકીર્તિ આવ્યો, તે સમયે તેણે કન્યાને બીજાના હાથમાં ગયેલી જોઈને કહ્યું, ‘હે સસરા! મને વાગ્દાન કર્યા પછી કન્યા બીજાને આપી એ તેમ અનુચિત કર્યું છે.’ તે બોલ્યો, ‘અરે! હું પણ હાથીના ભયથી પલાયન કરી ગયો હતો તે તમારી સાથે જ અહીં આવ્યો છું અને આ શું થયું છે તે જાણતો નથી.’ એમ કહીને તે પોતાની પુત્રીને પૂછવા લાગ્યો, ‘વત્સે! આ તેં સારું નથી કર્યું. માટે કહે, શી હકીકત છે?’ તે બોલી, ‘એમણે મને જીવના જોખમમાંથી બચાવી છે, માટે હું જીવું છું ત્યાં સુધી બીજો કોઈ મારો હાથ પકડી શકશે નહિ.’ આ પ્રમાણે વાર્તાલાપમાં રાત્રિ વીતી ગઈ.

પ્રભાતમાં ત્યાં મહાજન એકત્ર થતાં આ સમાચાર સાંભળીને રાજક્ન્યા તે સ્થાને આવી. કર્ણપરંપરાથી સાંભળીને દંડપાશકની પુત્રી પણ ત્યાં આવી. મહાજન એકત્ર થયેલું સાંભળીને રાજા પણ ત્યાં આવ્યો. તેણે ‘પ્રાપ્તવ્યમર્થં’ને કહ્કહ્યું, ‘આ વૃત્તાન્ત શો છે એ સાચેસાચું કહે.’ એટલે તે બોલ્યો, ‘પ્રાપ્તવ્યમર્થં લભતે મનુષ્ય:|’ રાજકન્યા પણ સ્મરણ થવાથી બોલી, ‘દેવોઅપિ ત લંઘયિતું ન શક્ત:’ પછી દંડપાશકની પુત્રી બોલી, ‘તસ્માન્ન શોચામિ ન વિસ્મયો મે.’ આ બધો લોકવૃત્તાન્ત સાંભળીને વણિકપુત્રી બોલી, ‘યદસ્મદીયં ન હિ તત્પરેષામ્.’

પછી અભયદાન આપીને, તથા સર્વની પાસેથી પૃથક્ વૃત્તાન્ત સાંભળીને, જેણે ખરી હકીકત જાણી હતી એવા રાજાએ ‘પ્રાપ્તવ્યમર્થં’ને સર્વ અલંકાર અને પરિજનો સહિત પોતાની પુત્રી એક હજાર ગામની સાથે બહુમાનપૂર્વક આપી, તથા ‘તું મારો પુત્ર છે’ એમ કહીને આખા નગરમાં પ્રસિદ્ધ થયેલા એવા તેનો યુવરાજપદે અભિષેક કર્યો. દંડપાશકે પણ પોતાની શક્તિ અનુસાર ‘પ્રાપ્તવ્યમર્થં’નો વસ્ત્રાદિ આપવા વડે સત્કાર કરીને પોતાની પુત્રી તેને આપી. પછી ‘પ્રાપ્તવ્યમર્થં’ પણ સર્વ કુટુંબ સહિત પોતાનાં માતાપિતાને સન્માનપૂર્વક તે નગરમાં લાવ્યો, પછી તે પોતાનાં કુટુંબીજનો સાથે વિવિધ ભોગ ભોગવતો સુખપૂર્વક રહેવા લાગ્યો.