ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/ગળીથી રંગાયેલો શિયાળ
કોઈ એક વનપ્રદેશમાં ચંડરવ નામનો શિયાળ રહેતો હતો. એક દિવસ ભૂખ્યો થયેલો તે જીભની લોલુપતાથી નગરમાં પ્રવેશ્યો. તેને જોઈને કૂતરાઓ ચારે તરફથી દોડીને ભસવા લાગ્યા અને તીક્ષ્ણ દાંત વડે તેને બચકાં ભરવા લાગ્યા. આ પ્રમાણે જેનું ભક્ષણ કરવામાં આવતું હતું એવો તે શિયાળ પણ પ્રાણ જવાના ભયથી નાસીને નજીકમાં આવેલા ધોબીના ઘરમાં પેસી ગયો. ત્યાં ગળીના રસથી ભરેલું એક મોટું વાસણ પડેલું હતું. જેના ઉપર કૂતરાઓ આક્રમણ કરી રહ્યા હતા એવો શિયાળ તે વાસણમાં પડ્યો. એમાંથી જ્યારે બહાર નીકળ્યો ત્યારે તે નીલ રંગનો થઈ ગયો હતો. એટલે ત્યાં રહેલા બીજા કૂતરાઓ તેને શિયાળ તરીકે નહિ ઓળખવાથી પોતાને મનફાવતી દિશાઓમાં ચાલ્યા ગયા. ચંડરવ પણ દૂરના પ્રદેશમાં જઈને ત્યાંથી વન તરફ ચાલ્યો.
ગળી કદી પણ પોતાનો રંગ છોડતી નથી. કહ્યું છે કે
વજ્રલેપનો, મૂર્ખનો, સ્ત્રીઓનો, કરચલાનો, માછલાંનો, ગળીનો અને મદ્યપાન કરનારનો ગ્રહ એક જ હોય છે (અર્થાત્ તેઓ જે વસ્તુને ચોંટે તેનાથી અલગ થતાં નથી).
હવે, મહાદેવના કંઠમાં રહેલા વિષ જેવી તથા તમાલવૃક્ષ જેવી કાન્તિવાળા તે અપૂર્વ પ્રાણીને જોઈને સિંહ, વાઘ, દીપડા, વરુ વગેરે અરણ્યવાસી પશુઓ ભયથી વ્યાકુળ ચિત્તવાળાં બની ચારે બાજુ નાસવા લાગ્યાં અને પરસ્પરને કહેવા લાગ્યાં કે, ‘આ પ્રાણીની ચેષ્ટા અને તેનું પરાક્રમ કેવાં હશે તે જાણવામાં આવતું નથી. માટે દૂર ચાલ્યાં જઈએ. કહ્યું છે કે
જેની ચેષ્ટા, કુળ તથા પરાક્રમ જાણવામાં આવેલું ન હોય તેનો વિશ્વાસ પોતાનું કલ્યાણ ઇચ્છનારા પ્રાજ્ઞ પુરુષે કરવો નહિ.’
એ પ્રાણીઓને ભયવ્યાકુળ ચિત્તવાળાં જાણીને ચંડરવ પણ કહેવા લાગ્યો, ‘હે વનપશુઓ! મને જોતાંવેંત ત્રાસ પામીને તમે કેમ નાસી જાઓ છો? તમે ડરશો નહિ, સ્વયં બ્રહ્માએ આજે મારું સર્જન કરીને મને કહ્યું છે કે, ‘વનપશુઓનો કોઈ રાજા નથી, તેથી આજે સર્વ વનપશુઓના રાજા તરીકે મેં તારો અભિષેક કર્યો છે, માટે તું જઈને તે સર્વનું પરિપાલન કર.’ તેથી હું અહીં આવ્યો છું. માટે સર્વ વનપશુઓએ મારી છત્રછાયામાં રહેવું. ત્રણે લોકનાં પશુઓનો હું કકુદ્દ્રુમ નામે રાજા થયો છું.’ એ સાંભળીને સિંહ, વાઘ આદિ વનપશુઓ ‘સ્વામી! પ્રભો! આજ્ઞા કરો’ એમ બોલતાં તેને વીંટાઈ વળ્યાં. પછી તેણે સિંહને અમાત્યપદવી આપી, વાઘને શય્યાપાલની જગ્યા આપી, દીપડાને તાંબૂલનો અધિકાર આપ્યો. અને વરુને દ્વારપાલનું પદ આપ્યું, તેની પોતાની જાતનાં જે શિયાળો હતાં તેમની સાથે તો તે વાર્તાલાપ પણ કરતો નહોતો. સર્વે શિયાળને તેણે હાંકી કાઢ્યાં. એ પ્રમાણે રાજકારભાર ચલાવતા એવા તેની સમક્ષ સિંહ વગેરે હંસિક પ્રાણીઓ બીજાં પશુઓને મારીને એ હાજર કરતાં. તે પણ રાજ્યધર્મ અનુસાર સર્વેને એ વહેંચી આપતો.
એ પ્રમાણે સમય જતો હતો ત્યાં એક વાર તેણે દૂરના પ્રદેશમાં શબ્દ કરતાં શિયાળોને સાંભળ્યાં. તેમનો શબ્દ સાંભળીને જેનું શરીર રોમાંચિત થયું છે તથા આંખમાં આનંદનાં અશ્રુ આવ્યાં છે એવો તે ઊંચે સ્વરે રોવા લાગ્યો, એટલે તે સિંહ વગેરે એનો ઊંચો સ્વર સાંભળીને આ શિયાળ છે એમ જાણીને લજ્જાથી નીચું મુખ કરીને પછી બોલ્યા કે, ‘અરે! એણે આપણને છેતર્યા છે, એ તો એક ક્ષુદ્ર શિયાળ છે. માટે એનો વધ કરો.’ તે પણ એ સાંભળીને પલાયન કરવાને ઇચ્છતો હતો, પણ એટલામાં સિંહ વગેરેએ તેના ટુકડેટુકડા કરી નાખતાં તે મરણ પામ્યો.