ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/ગીતવિશારદ ગધેડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગીતવિશારદ ગધેડો

‘કોઈ એક નગરમાં ઉદ્ધત નામે ગધેડો રહેતો હતો. તે દરરોજ ધોબીને ઘેર કામ કરીને રાત્રે સ્વેચ્છાએ ફરતો હતો, અને પરોઢિયે બંધાઈ જવાના ભયથી પોતાની મેળે જ ધોબીને ઘેર આવતો હતો, એટલે ધોબી પણ તેને બાંધી દેતો હતો.

હવે, ખેતરોમાં ફરતાં એક વાર તેને શિયાળની સાથે મૈત્રી થઈ. તે શરીરે પુષ્ટ હોવાથી વાડ ભાંગીને શિયાળની સાથે ચીભડાંના ખેતરમાં પેસતો હતો. એ પ્રમાણે તે બન્ને ઇચ્છાનુસાર ચીભડાં ખાઈને દરરોજ પરોઢિયે પોતાના સ્થાને જતા હતા.

એક વાર તે મદમત્ત ગધેડાએ ખેતરની વચ્ચે ઊભા રહીને શિયાળને કહ્યું, ‘હે ભાણેજ! જો, જો! રાત્રિ અત્યંત સ્વચ્છ — અજવાળી છે. માટે હું ગીત ગાઈશ. માટે કહે, કયા રાગમાં ગાઉં?’ તે બોલ્યો, ‘મામા! આવી વૃથા વસ્તુ કરવાથી શું? કેમ કે આપણે ચોરી કરી રહ્યા છીએ, અને ચોરે તથા જારે છાની રીતે રહેવું જોઈએ. કહ્યું છે કે

ખાંસીનો રોગી જીવવા ઇચ્છતો હોય તો તેણે ચોરી છોડી દેવી, નિદ્રાળુ મનુષ્ય જીવવા ઇચ્છતો હોય તો તેણે પણ ચોરી છોડી દેવી, અને રોગથી ઘેરાયેલો મનુષ્ય જીવવા ઇચ્છતો હોય તો તેણે જીભની લોલુપતા છોડી દેવી.

વળી તારું ગીત મધુર સ્વરવાળું નથી; અને શંખના શબ્દ જેવું હોવાથી દૂરથી પણ સંભળાય છે. આ ખેતરમાં રખવાળો સૂઈ રહેલા છે, તેઓ ઊઠીને આપણો વધ કરશે અથવા આપણને બંધનમાં નાખશે. માટે અમૃતમય ચીભડાં ખા, નહિ કરવા લાયક કાર્ય તું કરીશ નહિ.’ તે સાંભળી ગધેડો બોલ્યો, ‘અરે! તું વનમાં રહેવાને કારણે ગીતરસ જાણતો નથી, તેથી આમ બોલે છે. કહ્યું છે કે

શરદઋતુની જ્યોત્સ્નાથી અંધકાર દૂર ચાલ્યો ગયો હોય અને પ્રિયજન નિકટમાં હોય ત્યારે ગીતના ઝંકારરૂપ અમૃત ધન્યજનોના કાનમાં આવે છે.’

શિયાળ બોલ્યો, ‘મામા! એ ખરું, પણ તું ગીત જાણતો નથી, કેવળ બરાડા પાડે છે. માટે સ્વાર્થનો નાશ કરનારા એવા ગીતથી શું?’ ગધેડાએ કહ્યું, ‘ધિક્કાર છે, મૂર્ખ! શું હું ગીત જાણતો નથી? એના ભેદો સાંભળ,

સાત સ્વરો, ત્રણ ગ્રામ, એકવીસ મૂર્ચ્છના, અને ઓગણપચાસ તાન — એેટલું સ્વરમંડળ છે. પછી યતિનાં ત્રણ સ્થાન, છ મુખ, નવ રસ, છત્રીસ રાગ, અને ચાળીસ ભાવ રહેલા છે. ગીતનાં આ એકસો પંચાશી અંગો ગણેલાં છે, અને પૂર્વે ભરતે પોતે જ વેદની પછી તે કહેલાં છે. દેવોને પણ આ લોકમાં ગીત સિવાય બીજું કંઈ પ્રિય જણાતું નથી; સૂકી તાંતના સ્વર વડે આનંદ પમાડીને રાવણે ત્રિલોચન શંકરને પ્રસન્ન કર્યા હતા.

માટે હે ભાણેજ! તું મને ‘અજ્ઞાન’ કહીને શા સારું અટકાવે છે?’ શિયાળે કહ્યું, ‘મામા! જો એમ હોય તો, હું વાડની બહાર ઊભો રહીને રખવાળ ઉપર નજર રાખું છું; તું સ્વેચ્છાએ ગાન કર.’ એમ થયા પછી ગધેડાનો અવાજ સાંભળીને ક્રોધથી દાંત કચકચાવતો રખવાળ દોડ્યો. ગધેડાને જોતાં જ તેણે દંડાના પ્રહારથી એટલો માર્યો કે મારથી એ જમીન ઉપર પડી ગયો. પછી કાણાવાળું લાકડાનું ઊખળું ગધેડાના ગળામાં બાંધીને રખવાળ ગયો, અને ઊંઘી ગયો. પોતાની જાતિના સ્વભાવ પ્રમાણે વેદના દૂર થતાં ગધેડો એક ક્ષણમાં ઊભો થયો. કહ્યું છે કે

કૂતરાને, ઘોડાને અને વિશેષ કરી ગધેડાને પ્રહારથી ઉત્પન્ન થયેલી વેદના એક મુહૂર્તથી વધારે રહેતી નથી.

પછી એ જ ઊખળું લઈને, વાડ ભાંગીને તે નાસવા લાગ્યો. એ સમયે શિયાળે પણ તે દૂરથી જોઈને સ્મિતપૂર્વક કહ્યું,

‘મામા! તેં સારું ગાયું. મેં કહ્યું તો પણ તું રહ્યો નહિ. (તારા ગળામાં) આ અપૂર્વ મણિ બંધાયો છે; ગીતની નિશાની તને મળી છે.’

માટે તું પણ મેં વાર્યા છતાં રહ્યો નહિ.’ તે સાંભળી ચક્રધર બોલ્યો, ‘હે મિત્ર! એ સત્ય છે. અથવા આ ખરું કહ્યું છે કે

જેને પોતાની બુદ્ધિ નથી અને જે મિત્રનું કહ્યું કરતો નથી તે મંથર વણકરની જેમ નાશ પામે છે.’

સુવર્ણસિદ્ધિ બોલ્યો, ‘એ કેવી રીતે?’ ચક્રધર કહેવા લાગ્યો —