ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/યોદ્ધા તરીકે રહેલો કુંભાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યોદ્ધા તરીકે રહેલો કુંભાર

કોઈ એક નગરમાં એક કુંભાર રહેતો હતો. એક વાર દારૂના ઘેનમાં મત્ત થઈને વેગથી દોડતો તે અર્ધા ભાંગેલા ખપ્પર(ઘડાના ટુકડા)ના તીખી ધારવાળા અગ્રભાગ ઉપર પડ્યો. પછી ખપ્પરની અણીથી જેનું કપાળ ચિરાઈ ગયું હતું તથા શરીર લોહીલુહાણ થયું હતું એવો તે કષ્ટપૂર્વક ઊઠીને પોતાને ઘેર ગયો. પછી અપથ્યનું સેવન કરવાથી તેનો ઘા વકરી ગયો, અને તે મુશ્કેલીએ નિરોગી થયો.

હવે, એક વાર દેશ દુષ્કાળથી પીડાતો હતો ત્યારે ભૂખથી મળી ગયેલા કંઠવાળો તે કુંભાર કેટલાક રાજસેવકોની સાથે દેશાન્તરમાં જઈને કોઈક રાજાનો સેવક થયો. તે રાજા પણ તેના કપાળમાં પડેલા પ્રહારનો વિકરાળ ઘા જોઈને વિચાર કરવા લાગ્યો કે, ‘આ કોઈ વીર પુરુષ છે, એથી તેના કપાળમાં સામેથી પ્રહાર થયેલો છે.’ તે કારણથી રાજા સન્માનાદિ કરીને બીજા રાજપૂતો કરતાં તેના પ્રત્યે વિશેષ કૃપાદૃષ્ટિથી જોતો હતો. એ રાજપૂતો પણ તેની પ્રત્યેનો કૃપાનો અતિરેક જોઈને અત્યંત ઈર્ષ્યા કરતા હતા, પણ રાજાના ભયથી કંઈ બોલતા નહોતા.

પછી એક વાર વિગ્રહનો પ્રસંગ ઉપસ્થિત થતાં તે રાજા શૂરવીરોનો સત્કાર કરવા લાગ્યો, હાથીઓ તૈયાર થવા માંડ્યા, ઘોડા ઉપર પલાણ મંડાવા લાગ્યાં અને યોદ્ધાઓ સજ્જ થવા લાગ્યા. તે સમયે રાજાએ એ કુંભારને એકાન્તમાં પ્રસંગને અનુસરતો પ્રશ્ન કર્યો કે, ‘હે રાજપૂત! ક્યા સંગ્રામમાં તારા કપાળમાં આ પ્રહાર થયો હતો?’ તે બોલ્યો, ‘દેવ! એ શસ્ત્રનો પ્રહાર નથી. હું જાતનો કુંભાર છું. મારા ઘરમાં અનેક ખપ્પર હતાં. કોઈ એક વાર મદ્યપાન કરીને નીકળેલો હું દોડતાં દોડતાં ખપ્પર ઉપર પડ્યો હતો. તેનો ઘા વકરી જવાથી આ પ્રમાણે મારા કપાળમાં વિકરાળ દેખાય છે.’ તે સાંભળીને રાજા લજ્જાપૂર્વક બોલ્યો, ‘અહો! રાજપૂતનું અનુકરણ કરનારા આ કુંભારે મને છેતર્યો; માટે તેને ઝટ અર્ધચન્દ્ર આપો — હાંકી મૂકો.’ એ પ્રમાણે થતાં કુંભાર બોલ્યો, ‘એમ ન કરશો! રણમાં મારા હાથની (શસ્ત્રો ચલાવવામાં) ચાતુરી તો જુઓ!’ રાજાએ કહ્યું, ‘અરે! તું સર્વગુણસંપન્ન છે, તો પણ ચાલ્યો જા! કહ્યું છે કે

હે પુત્ર! તું શૂર છે, વિદ્યાવાન છે, અને દેખાવડો છે, પણ જે કુળમાં તું ઉત્પન્ન થયો છે તેમાં હાથીને હણવામાં આવતો નથી.’

કુંભાર બોલ્યો, ‘એ કેવી રીતે?’

રાજા કહેવા લાગ્યો —