ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/રાજા અને વાંદરો; બ્રાહ્મણો અને ચોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજા અને વાંદરો; બ્રાહ્મણો અને ચોર

એક વાંદરો કોઈ એક રાજાની સેવામાં સદા પરાયણ બની તેનો અંગસેવક થયો હતો, અને અંત:પુરમાં પણ કોઈ પ્રકારના અટકાવ વિના ફરતો એવો તે રાજાનો અત્યંત વિશ્વાસપાત્ર થયો હતો. એક વાર રાજા નિદ્રાધીન થયો હતો અને વાંદરો પંખો લઈને વાયુ ઢોળતો હતો ત્યારે રાજાના વક્ષ:સ્થળ ઉપર માખી બેઠી, પંખા વડે વારંવાર ઉરાડવા છતાં તે ફરી ફરીને ત્યાં જ બેસવા લાગી. આથી સ્વભાવચપલ એવા તે મૂર્ખ વાંદરાએ કોપાયમાન થઈ, તીવ્ર ખડ્ગ લઈને તે માખી ઉપર પ્રહાર કર્યો. આથી માખી તો ઊડી ચાલી ગઈ પરન્તુ તે તીક્ષ્ણ ધારવાળી તરવારથી રાજાના વક્ષ:સ્થળના બે ટુકડા થઈ ગયા અને એ મરણ પામ્યો. માટે લાંબું આયુષ્ય ઇચ્છતા રાજાએ મૂર્ખ અનુચર રાખવો નહિ.

વળી એક નગરમાં કોઈ એક મહાવિદ્વાન બ્રાહ્મણ હતો, પૂર્વ જન્મના યોગથી તે ચોર તરીકે રહેતો હતો. એ નગરમાં અન્ય દેશથી આવેલા ચાર બ્રાહ્મણોને ઘણી વસ્તુઓ વેચતા જોઈને તે વિચાર કરવા લાગ્યો, ‘અહો! ક્યા ઉપાયથી એમનું ધન હું પ્રાપ્ત કરું?’ આ પ્રમાણે વિચાર કરીને તેમની સમક્ષ અનેક શાસ્ત્રોક્ત સુભાષિતો તથા અતિપ્રિય મધુર વચનો બોલીને એમના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કરીને તે એમની સેવા કરવા લાગ્યો. અથવા ખરું કહ્યું છે કે

વ્યભિચારિણી સ્ત્રી (બનાવટી) લજ્જાવાળી હોય છે, ખારું પાણી શીતળ હોય છે, દંભી મનુષ્ય વિવેકી હોય છે અને ધૂર્ત જન મીઠું બોલનારો હોય છે.

હવે, તે સેવા કરતો હતો એ સમયમાં જ પેલા બ્રાહ્મણોએ સર્વ વસ્તુઓ વેચીને બહુમૂલ્ય રત્નો ખરીદ્યાં. પછી તેની સમક્ષ તે રત્નો જાંઘની અંદર મૂકીને તેઓએ સ્વદેશમાં જવાની તૈયારી કરી. એટલે પેલો ધૂર્ત બ્રાહ્મણ એ બ્રાહ્મણોને સ્વદેશ જવાને તૈયાર થતા જોઈને વ્યાકુળ ચિત્તવાળો થયો કે ‘અહો! આ ધનમાંથી તો મને કંઈ મળ્યું નહિ. માટે એમની સાથે જ જાઉં, માર્ગમાં ક્યાંક તેઓેને ઝેર આપીને મારી નાખીને સર્વ રત્નો ગ્રહણ કરીશ.’ આ પ્રમાણે વિચાર કરી, તેમની સમક્ષ કરુણ વિલાપ કરીને તે આમ કહેવા લાગ્યો, ‘હે મિત્રો! તમે મને એકલાને છોડીને જવા માટે તૈયાર થયા છો. મારું મન તો તમારી સાથે સ્નેહપાશથી બંધાયેલું છે, અને તમારા વિરહના નામમાત્રથી જ એટલું વ્યાકુળ થયું છે કે ક્યાંય શાન્તિ પામતું નથી, માટે તમે કૃપા કરીને તમારા સહાયક તરીકે મને સાથે લઈ જાઓ.’ તેનાં વચન સાંભળીને કરુણાર્દ્ર ચિત્તવાળા તે બ્રાહ્મણો તેને સાથે લઈને સ્વદેશમાં જવા માટે નીકળ્યા.

માર્ગમાં તેઓ પાંચે જણા પલ્લી (ભીલોના ગામ) વચ્ચે થઈને નીકળ્યા, એટલે કાગડાઓ કહેવા લાગ્યા, ‘હે કિરાતો! દોડો! દોડો! સવા લાખ ધનના અધિપતિઓ જાય છે, તેમને મારીને ધન લઈ લો.’ એટલે કિરાતોએ કાગડાનું વચન સાંભળીને સત્વર જઈને, તે બ્રાહ્મણોને દંડના પ્રહારથી જર્જરિત કરી વસ્ત્રો ઉતરાવીને તપાસ કરી, પણ કંઈ ધન મળ્યું નહિ. એટલે તે કિરાતો બોલ્યા, ‘હે પથિકો! કાગડાઓનું વચન અગાઉ કદી જૂઠું પડ્યું નથી, માટે તમારી પાસે ક્યાંક ધન છે, માટે તે આપી દો. નહિ તો સર્વેનો વધ કરીને, ચામડી ચીરીને, પ્રત્યેક અંગ જોઈને ધન લઈશું.’ પછી તેમનું આ પ્રકારનું વચન સાંભળીને પેલા ચોરબ્રાહ્મણે મનમાં વિચાર્યું, ‘જો તેઓ આ બ્રાહ્મણોનો વધ કરીને, અંગો તપાસીને રત્નો લઈ લેશે તો પણ મારો તો વધ કરશે, માટે હું પહેલાં જ રત્ન વગરની એવી મારી જાત સમર્પીને આ સર્વને છોડાવું. કહ્યું છે કે

હે મૂર્ખ! મૃત્યુથી શું કામ ડરે છે? ડરેલાને કંઈ મૃત્યુ છોડતું નથી. આજે અથવા સો વર્ષને અંતે પણ પ્રાણીઓનું મૃત્યુ નક્કી છે.

તેમ જ

ગાયને માટે તથા બ્રાહ્મણને માટે જે મનુષ્ય પ્રાણત્યાગ કરે છે તે સૂર્યનું મંડળ ભેદીને પરમ ગતિને પામે છે.’

આ પ્રમાણે નિશ્ચય કરીને તેણે કહ્કહ્યું, ‘હે કિરાતો! જો એમ છે તો પહેલાં મારો વધ કરીને તપાસ કરો.’ પછી તેઓએ એ પ્રમાણે કર્યું, અને તેને ધન વગરનો જોઈને બીજા ચારેને છોડી દીધા.