ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ/નરોત્તમ બ્રાહ્મણની કથા
નરોત્તમ નામનો બ્રાહ્મણ માતાપિતાનો અનાદર કરીને તીર્થયાત્રા કરવા નીકળી પડ્યો. બધાં તીર્થોમાં તેનાં વસ્ત્ર આકાશમાં સુકાતાં હતાં. એને કારણે તે અહંકારી થઈ ગયો. મારા જેવો પુણ્યાત્મા, યશસ્વી બીજું કોઈ નથી એમ તે માનવા લાગ્યો. એક દિવસ તે આકાશમાં ઊંચે જોઈને આમ બોલી રહ્યો હતો ત્યારે એક બગલો તેના મોંમાં ચરક્યો. બ્રાહ્મણે ક્રોધે ભરાઈને શાપ આપ્યો એટલે તે બગલો ભસ્મ થઈ ગયો. તેની સાથે તેના મનમાં મોહ પ્રગટ્યો. એને કારણે હવે તેનાં વસ્ત્ર આકાશમાં અધ્ધર સુકાતાં બંધ થઈ ગયાં. એટલે તેને દુઃખ થયું. તે સમયે આકાશવાણીએ તેને કહ્યું, ‘બ્રાહ્મણ, તું મૂક ચાંડાલને ત્યાં જા, ત્યાં તને ધર્મજ્ઞાન થશે, તેની વાતોથી તારું કલ્યાણ થશે.’
આ સાંભળીને નરોત્તમ મૂક ચાંડાળને ત્યાં ગયો, અને જોયું તો તે ચાંડાળ માતાપિતાની સેવામાં રોકાયેલો હતો. શિયાળામાં તે માબાપને નહાવા પાણી ગરમ કરી આપતો, શરીરે તેલ ચોળી આપતો, તાપણી કરવા સગડી સળગાવતો, ભોજન પછી પાન ખવડાવતો, સરસ કપડાં પહેરાવતો, આ ઉપરાંત પણ ઘણું ઘણું કરતો; ઉનાળામાં વીંઝણો ઢોળતો, તેમની સેવા કર્યા પછી તે ભોજન કરતો. માતાપિતાને કોઈ વાતે દુઃખ ન થાય તેનું તે ધ્યાન રાખતો. આ પુણ્યકર્મને કારણે તેનું ઘર આકાશમાં અધ્ધર રહેતું હતુું. ઘરમાં શ્રીહરિ બ્રાહ્મણના વેશે ક્રીડા કરતા હતા. આ બધું જોઈને નરોત્તમને અચરજ થયું. તેણે મૂક ચાંડાળને પોતાની પાસે બોલાવ્યો.
મૂક ચાંડાળે તેને કહ્યું, ‘અત્યારે હું માતાપિતાની સેવા કરી રહ્યો છું એટલે તમારી પાસે આવી શકતો નથી. પરવારીને હું આવીશ, ત્યાં સુધી તમે દરવાજે ઊભા રહો.’
આ સાંભળી નરોત્તમ તો રાતોપીળો થઈ ગયો અને બોલ્યો, ‘બ્રાહ્મણની સેવા સિવાય તમારે માટે કયું કાર્ય મહાન હોઈ શકે?’
ચાંડાળે કહ્યું, ‘તમે નિરર્થક ક્રોધ કરો છો. તમારો ક્રોધ બગલાને જ અસર કરી શકે. બીજા પર નહીં. તમે આકાશવાણી સાંભળીને મારા ઘરે આવ્યા છો, થોડી રાહ જુઓ, નહીંતર પતિવ્રતા સ્ત્રી પાસે જાઓ.’
એટલે ચાંડાળના ઘરમાં રહેતા બ્રાહ્મણવેશધારી વિષ્ણુભગવાને કહ્યું, ‘ચાલો, હું એ પતિવ્રતા સ્ત્રી પાસે જઉં છું.’ નરોત્તમ તેમની સાથે નીકળ્યો. તેણે રસ્તામાં ભગવાનને પૂછ્યું, ‘સ્ત્રીઓવાળા આ ચાંડાળના ઘરમાં તમે કેમ રહો છો?’
ભગવાને કહ્યું, ‘અત્યારે તમારું હૃદય શુદ્ધ નથી. પહેલાં આ પતિવ્રતાને મળો પછી જ તમને બધું સમજાશે.’
નરોત્તમે પૂછ્યું, ‘આ પતિવ્રતા કોણ છે? તેનું શાસ્ત્રજ્ઞાન કેટલું છે? હું તેને ઘેર શા માટે જઈ રહ્યો છું?’
ભગવાને ઉત્તર આપ્યો, ‘નદીઓમાં ગંગા, દેવતાઓમાં ભગવાન વિષ્ણુ અને સ્ત્રીઓમાં આ પતિવ્રતા શ્રેષ્ઠ છે. જે પ્રતિદિન પતિનું હિત જુએ છે તે પિતૃકુળની અને પતિકુળની સો સો પેઢીઓનો ઉદ્ધાર કરે છે.’
નરોત્તમે પતિવ્રતાના ધર્મ વિશે પૂછ્યું એટલે ભગવાને બહુ વિગતે એ વિશે કહ્યું. પછી ભગવાન અંતર્ધાન થઈ ગયા, તે જોઈને તેને અચરજ થયું. પતિવ્રતાને ઘેર જઈને તેણે પૂછ્યું, એટલે તે સ્ત્રી દરવાજે ઊભી રહી ગઈ, નરોત્તમે તેને કહ્યું, ‘દેવી, મારા હિતની થોડી વાત કરો.’
તે સ્ત્રીએ કહ્યું, ‘અત્યારે હું પતિસેવામાં રોકાયેલી છું, હું તમારું કાર્ય પછી કરીશ. અત્યારે મારું આતિથ્ય ગ્રહણ કરો.’
તે બોલ્યો, ‘અત્યારે મને ભૂખતરસ નથી, થાક પણ નથી. મારી સાથે વાત કરો, નહીંતર હું તમને શાપ આપીશ.’
આ સાંભળી પતિવ્રતા સ્ત્રી બોલી, ‘વિપ્રવર્ય, હું બગલો નથી. તમે ધર્મતુલાધાર પાસે જાઓ અને તેમની પાસેથી જ તમારા હિતની વાત જાણો.’ આમ કહીને તે તો ઘરમાં જતી રહી. હવે ત્યાં પણ નરોત્તમે ચાંડાળના ઘરની જેમ પેલા બ્રાહ્મણને ઊભેલા જોયા. તેને બહુ નવાઈ લાગી અને તે તેમની પાસે ગયો. ઘરમાં પતિવ્રતા અને બ્રાહ્મણ બંનેને જોયાં, તેમને જોઈને નરોત્તમે પૂછ્યું, ‘દૂર દૂર જે ઘટના બની હતી તે ચાંડાળે પણ કહી અને આ પતિવ્રતાએ પણ કહી. તેમને કેવી રીતે ખબર પડી, મને નવાઈ લાગે છે, આનાથી વધારે નવાઈની વાત બીજી શી હોઈ શકે?’
ભગવાને કહ્યું, ‘મહાત્માઓ પુણ્ય અને સદાચારને કારણે બધું જાણી લેતા હોય છે. અત્યારે તમને પતિવ્રતાએ શું કહ્યું?’
નરોત્તમે કહ્યું, ‘તે તો મને તુલાધાર પાસે જવા કહે છે.’
ભગવાન બોલ્યા, ‘ચાલો, હું તેને ત્યાં જઉં છું.’ એમ કહીને તે તો ચાલવા લાગ્યા.
બ્રાહ્મણે પૂછ્યું, ‘તુલાધાર ક્યાં રહે છે?’
ભગવાને કહ્યું, ‘જ્યાં માણસોની ભીડ હોય છે અને જ્યાં જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓ વેચાય છે ત્યાં તુલાધાર ક્રયવિક્રય કરે છે. તેણે કદી મન, વચન કે કર્મથી કોઈનું ખરાબ કર્યું નથી, દુષ્ટતા આચરી નથી, તે અસત્ય બોલ્યો નથી, બધા લોકોના હિતમાં તે કામ કરે છે. બધાં પ્રાણીઓ પ્રત્યે સમાન ભાવ રાખે છે, ધૂળ-પથ્થર-સોનાને સરખાં ગણે છે. લોકો જવ, મીઠું, તેલ, ઘી, અનાજ, અને બીજી વસ્તુઓ તેના બોલ પર જ ખરીદે-વેચે છે. મૃત્યુ સામે હોય તો પણ તે અસત્ય બોલતો નથી, એટલે જ બધા તેને ધર્મ-તુલાધાર કહે છે.’
ભગવાને આવું કહ્યું, પછી તેણે તુલાધારને જોયો. તે વિક્રયના સંદર્ભે વાત કરતો હતો. ઘણાં સ્ત્રીપુરુષો તેને ઘેરીને ઊભાં હતાં. નરોત્તમને જોઈને તે બોલ્યો, ‘હે બ્રાહ્મણ, કેમ આવવું થયું?’
તે બોલ્યો, ‘હું તમારી પાસેથી ધર્મ જાણવા આવ્યો છું.’
તુલાધારે કહ્યું, ‘આ લોકો મારી આજુબાજુ હશે ત્યાં સુધી હું નિશ્ચંતિ થઈ નહીં શકું. રાતના પહેલા પહોર સુધી આમ જ રહેવાનું. એટલે મારી વાત માનીને તમે ધર્મધારક પાસે જાઓ. બગલાના મૃત્યુથી થનાર દોષ અને આકાશમાં વસ્ત્ર સુકાતાં હતાં તેનું રહસ્ય તમને સમજાશે. ધર્મધારકનું નામ અદ્રોહક છે. તે સજ્જન પાસે જાઓ. તેમના ઉપદેશથી તમારે જે જાણવું છે તે જાણી શકાશે.’
આમ કહીને તે તો ક્રયવિક્રયમાં ડૂબી ગયો. નરોત્તમે પેલા બ્રાહ્મણને કહ્યું, ‘હવે તુલાધાર કહે છે તે પ્રમાણે હું અદ્રોહક પાસે જઈશ. પણ મને તેના ઘરની ખબર નથી.’
ભગવાને કહ્યું, ‘ચાલો, હું તેના ઘરે લઈ જઉં.’
રસ્તામાં નરોત્તમે ભગવાનને પૂછ્યું, ‘આ તુલાધાર દેવતાઓ, ઋષિઓ કે પિતૃઓનું તર્પણ તો કરતો નથી. પછી દૂર દૂર બનેલી ઘટના તે કેવી રીતે જાણે છે? મને બહુ નવાઈ લાગે છે. મને એનું કારણ કહો.’
ભગવાને કહ્યું, ‘ભાઈ, તેણે સત્ય અને સમતાથી ત્રણે લોક જીતી લીધા છે. એટલે દેવતા, ઋષિઓ અને પિતૃઓ સંતુષ્ટ રહે છે. આ જ કારણે તે ભૂતભવિષ્ય જાણે છે. સત્યથી મોટો કોઈ ધર્મ નથી અને અસત્યથી મોટું કોઈ પાપ નથી. જે પાપમુક્ત છે, જે સમભાવી છે, જે શત્રુ, મિત્ર અને તટસ્થ પ્રત્યે સમાન વ્યવહાર કરે છે તેનાં બધાં પાપ નાશ પામે છે.’
હવે નરોત્તમને અદ્રોહક વિશે જાણવાનું મન થયું એટલે તેણે એ વિશે પૂછ્યું
ભગવાને કહ્યું, ‘પ્રાચીન કાળની વાત છે. એક રાજપુત્રની પત્ની ખૂબ જ સુંદર અને યુવાન હતી. કામદેવની પત્ની રતિ અને ઇન્દ્રની પત્ની શચી જેવી મનહર હતી. રાજકુમાર તેને બહુ ચાહતો હતો, તેનું નામ પણ સુંદરી હતું. એક દિવસ રાજકુમારને કોઈક કારણસર બહાર જવાનું થયું. એટલે તેણે મનમાં વિચાર્યું, ‘હું મારા પ્રાણથીય વહાલી પત્નીને ક્યાં મૂકીને જઉં તો તેના સતીત્વની રક્ષા થઈ શકે?’ આ વિશે તે બહુ વિચાર કરીને તે અદ્રોહકને ઘેર ગયો અને ત્યાં તેની પત્નીની સાચવણી કરવા કહ્યું. અદ્રોહકને તો નવાઈ લાગી. તેમણે કહ્યું, ‘હું નથી તમારો પિતા, નથી ભાઈ, નથી બાંધવ, તમારી પત્નીના પિયરનો સંબંધી પણ નથી, તો પછી તમે મારા ઘરમાં તેને કેમ મૂકી જવા માગો છો?’
રાજકુમારે કહ્યું, ‘આ સંસારમાં તમારા જેવો ધર્મજ્ઞ અને જિતેન્દ્રિય પુરુષ બીજો કોઈ નથી.’
આ સાંભળીને અદ્રોહક બોલ્યા, ‘ભાઈ, મને દોષ ન આપતા. આ ત્રિભુવનમોહિની પત્નીની રક્ષા કરવા કયો પુરુષ સમર્થ હોય?’
રાજપુત્રે કહ્યું, ‘એ બધી વાતોનો સારી રીતે વિચાર કરીને જ હું તમારે ઘેર આવ્યો છું. હવે હું જઉં છું.’
રાજપુત્રની વાત સાંભળીને તે બોલ્યા, ‘આ સુંદર નગરમાં કામી બહુ પુરુષો રહે છે. અહીં કોઈ સ્ત્રીના સતીત્વની રક્ષા થાય કેવી રીતે?’
‘જે રીતે રક્ષા થાય તે રીતે કરજો, હવે હું તો જઉં છું.’
‘હું આની સાથે ઉચિત અને હિતકારક વર્તાવ કરીશ. એ જ અવસ્થામાં તે સદા મારે ત્યાં રહી શકશે. બીજો કોઈ ઉપાય હોય તો મને કહો. તેણે મારી શય્યા પર મારી પત્નીની સાથે સૂવું પડશે, અને આમ છતાં તમે તેને તમારી પ્રિયા ગણવાના હો તો તે અહીં રહી શકે, નહીંતર તે અહીંથી બીજે ક્યાંક ચાલી જાય.’
આ સાંભળી રાજકુમારે થોડો વિચાર કર્યો અને પછી તે બોલ્યો, ‘તમારી વાત મને માન્ય છે,’ અને પોતાની પત્નીને કહ્યું, ‘તું તે જેમ કહે તેમ કરજે. તારા પર કોઈ કલંક નહીં આવે.’
એમ કહી તે તો રાજાની સૂચના પ્રમાણે જતો રહ્યો.
પછી અદ્રોહકે જેમ કહ્યું હતું તેમ રાતે બંને સ્ત્રીઓની વચ્ચે સૂઈ રહેતા હતા. આમ છતાં સ્વકીયા અને પરકીયાના સંદર્ભે તે ધર્મવિરુદ્ધ વર્તતા ન હતા. પોતાની પત્નીના સ્પર્શથી જ તેને કામેચ્છા થતી હતી. રાજકુમારની પત્નીનાં સ્તનનો સ્પર્શ વારંવાર તેમની પીઠે થતો હતો, પણ બાળકને જેમ મા પ્રત્યે ભાવ થાય તેવો ભાવ તેમને થતો હતો. ધીમે ધીમે તેમની કામવાસના જ મરી ગઈ. આમ છ મહિના પછી રાજકુમાર અદ્રોહકના નગરમાં આવ્યો. તેણે લોકોને અદ્રોહક તથા પોતાની પત્ની વિશે પૂછપરછ કરી. બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે કહ્યું. કેટલાકે રાજકુમારની ગોઠવણને સારી બતાવી, કેટલાક નવયુવાન અચરજ પામ્યા હતા. ‘ભાઈ, તમે તમારી પત્ની તેને સોંપી દીધી અને હવે તે તો તેની સાથે સૂઈ જાય છે. સ્ત્રી અને પુરુષ આમ ભેગા રહે તો બંનેનાં મન સ્વસ્થ રહે કેવી રીતે?’
અદ્રોહકને આ બધી વાતની ખબર પડી ગઈ. પછી લોકનિંદાથી બચવાનો શુભ સંકલ્પ કર્યો, તેમણે પોતે લાકડાં ભેગાં કરીને ચિતા તૈયાર કરી અને તે પ્રગટી.
તે જ વેળા રાજકુમાર અદ્રોહકને ઘેર આવ્યો અને તેણે પત્નીને અને અદ્રોહકને જોયાં. પત્નીનું મુખ પ્રસન્ન હતું પણ અદ્રોહક વિષાદયુક્ત હતા. બંનેની માનસિક સ્થિતિ જાણીને રાજકુમાર બોલ્યો, ‘ભાઈ, હું તમારો મિત્ર છું અને બહુ દિવસે પાછો આવ્યો છું. તમે મારી સાથે બોલતા કેમ નથી?’
અદ્રોહકે ઉત્તર આપ્યો, ‘મિત્ર, મેં તમારા માટે જે કર્યું તે લોકનિંદાથી ધોવાઈ ગયું. એટલે હવે હું અગ્નિપ્રવેશ કરીશ. બધા દેવતા અને મનુષ્યો આ જુએ.’
આમ કહી અદ્રોહક અગ્નિમાં પ્રવેશ્યા પણ અગ્નિ તેમનાં વસ્ત્ર, કેશ, શરીરને સ્પર્શી ન શક્યો. આકાશમાં ઊભેલા બધા દેવતાઓએ જયજયકાર કર્યો, ચારે બાજુથી પુષ્પવર્ષા થઈ. જે જે લોકોએ અદ્રોહક અને સુંદરી વિશે ગમે તેમ વાતો કરી હતી તેમના મોઢે કોઢ થઈ ગયો. દેવતાઓએ ત્યાં આવીને અદ્રોહકને આગમાંથી બહાર ખેંચી લીધો અને દિવ્ય પુષ્પોથી તેમનું પૂજન કર્યું. તેમની વાત જાણીને મુનિવરોને પણ બહુ નવાઈ લાગી. બધા મુનિઓએ અને જુદા જુદા વર્ણના લોકોએ તેમની પૂજા કરી. બધાએ તેમનું નામ સજ્જનાદ્રોહક કહ્યું. તેમના પગની ધૂળના સ્પર્શથી ધરતીમાં અનાજ વધારે પાકવા લાગ્યું. દેવતાઓએ રાજકુમારને કહ્યું, ‘તું તારી પત્નીનો સ્વીકાર કર. આ અદ્રોહક જેવો કોઈ માનવી સંસારમાં નથી. જગતમાં બધા માટે કામ પર વિજય મેળવવો બહુ કઠિન છે. કામ, લોભ અને ક્રોધને કારણે જ બધાં પ્રાણીઓને વારે વારે જનમવું પડે છે. અદ્રોહકે આ બધા પર વિજય મેળવી લીધો છે. તેના હૃદયમાં ભગવાન વાસુદેવ સદા વસે છે.’
આમ કહી બધા દેવતા વિમાનોમાં બેસી સ્વર્ગે ગયા, રાજકુમાર અને તેની પત્ની પોતાના મહેલમાં ગયા અને બીજાં બધાં પણ પોતપોતાને ઘેર ગયાં. પછી અદ્રોહકને દિવ્ય દૃષ્ટિ સાંપડી. નરોત્તમે તેમને ઘેર જઈને દર્શન કર્યાં અને પોતાના હિતની વાત પૂછી.
અદ્રોહકે કહ્યું, ‘તમે પુરુષશ્રેષ્ઠ વૈષ્ણવને ત્યાં જાઓ. એમનું દર્શન કરવાથી તમારા મનોરથ સફળ થશે. બગલાના મૃત્યુનું રહસ્ય અને આકાશમાં સુકાતાં વસ્ત્રનો ભેદ પણ જાણશો. તે સિવાય પણ જે કંઈ જાણવું હશે તે જાણી શકશો.’
હવે નરોત્તમ ભગવાનની સાથે વૈષ્ણવને ત્યાં ગયો. ત્યાં પહોંચીને સામે એક તેજસ્વી પુરુષને જોયો. પછી નરોત્તમ બોલ્યો, ‘હું બહુ દૂરથી તમારી પાસે આવ્યો છું. તમને જોઈને હું આનંદમાં આવી ગયો છું. મારા માટે જે ઉચિત હોય તેનો ઉપદેશ આપો.’
વૈષ્ણવે કહ્યું, ‘ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન છે. મારા ઘરમાં ભગવાન વિષ્ણુ છે.’
આ સાંભળી તેણે કહ્યું, ‘ભગવાન ક્યાં છે? મને તેમનું દર્શન કરાવો.’
‘આ સુંદર દેવાલયમાં પ્રવેશી ભગવાનનું દર્શન કરો, આમ કરવાથી જનમમરણના ચકરાવામાંથી તમે છૂટી જશો.’
પછી નરોત્તમે મંદિરમાં પ્રવેશ કરી ભગવાનનું દર્શન કર્યું અને ભગવાને તેને ઉપદેશ આપ્યો.
(સૃષ્ટિખંડ)