ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ/પવિત્ર સુકલાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પવિત્ર સુકલાની કથા

ગંગાકિનારે સુંદર લાગતી કાશી નગરીમાં કૃકલ નામના વૈશ્યની પત્ની સુકલા પરમ સાધ્વી, ઉત્તમ વ્રતધારિણી, સત્યવાદિની, સુંદર અને પતિવ્રતા હતી. તેને ગુણવાન પુત્રો હતા. તેનો પતિ પણ ઉત્તમ વક્તા, ધર્મજ્ઞ હતો અને તેણે તીર્થયાત્રા વિશે સાંભળીને પોતાનું કલ્યાણ કરવા તેણે તીર્થાટન કરવાનો નિર્ધાર કર્યો અને તેને સારો સંગાથ પણ મળ્યો. તેની પત્નીએ સાથે જવાનો આગ્રહ રાખ્યો પણ કોમળ પત્નીને બહુ દુઃખ પડશે એમ માનીને તે પત્નીને કશું કહ્યા વિના નીકળી પડ્યો. સવારે સુકલાએ પોતાના પતિને ન જોયો એટલે તે કલ્પાંત કરવા લાગી. તેણે પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી મારા પતિ પાછા ન આવે ત્યાં સુધી હું સાદડી પર સૂઈ જઈશ; ઘીતેલદૂધપાન વગેરે નહીં ખાઉં, અને એકટાણું કરીશ અથવા ઉપવાસ કરીશ.

આમ તે મેલીઘેલી રહેવા લાગી, તેની કાયા શ્યામ પડી ગઈ, દિવસરાત રડ્યા કરતી અને તેને રાતે ઊંઘ ન આવતી. તેની આવી હાલત જોઈને સખીઓએ તેને પૂછ્યું ત્યારે તેણે પોતાના પતિવિરહની વાત કરી, ‘મને મૂકીને તે તીર્થયાત્રા કરવા જતા રહ્યા છે.’ સખીઓએ તેને ધીરજ બંધાવી અને નિરાંતે મોજમજાથી જીવવા સમજાવી. માણસ મરી જાય ત્યારે કોણ ફળ ભોગવે છે અને કોણ જોવા આવે છે?

પણ સુકલાએ એ બધી વાતોને વેદવિરુદ્ધ ગણી કાઢી. પતિનો મહિમા સારી રીતે સમજાવ્યો. પતિ વિના યજ્ઞનું ફળ પણ ન મળે. પતિ સંતુષ્ટ હોય તો બધા દેવ પણ પ્રસન્ન. પતિ ન હોય તો શૃંગાર પણ ન થાય. આ વિશે એક પ્રાચીન કથા છે તે સાંભળો.

અયોધ્યામાં મનુપુત્ર ઇક્ષ્વાકુ નામના રાજા અને સદાચારી સુદેવા તેમની પત્ની. બંને યજ્ઞયાગાદિ કરતા. એક દિવસ રાજા રાણીને લઈને શિકારે નીકળ્યા. ઘણાં બધાં પ્રાણીઓનો શિકાર કર્યો. ત્યાં તેમની પાસેથી એક વિશાળ સૂવર પત્ની અને પરિવાર સાથે નીકળ્યો. તેણે રાજાને જોઈને સ્વજનોને કહ્યું, ‘રાજા શિકારે નીકળી બાણ વરસાવે છે. તે પુણ્યશાળી રાજાને જો હું હરાવીશ તો મને અક્ષય કીર્તિ મળશે અને હું મૃત્યુ પામીશ તો મને વિષ્ણુલોક મળશે. પૂર્વજન્મનાં પાપને કારણે મને આ સૂવરનો અવતાર મળ્યો છે તો રાજાનાં બાણથી હું મારાં પાપ ધોઈ નાખીશ. હવે તું આ પરિવારને લઈને કંદરામાં જતી રહે.’

તેની પત્નીએ આમ કરવાની ના પાડી. ‘તમારા તેજથી જ અમે બધાં નિરાંતે જીવીએ છીએ. પતિ વિના અલંકારમંડિત પત્ની પણ શું કરે? તમારા વિના આ પરિવાર ન શોભે. તમારી સાથે હું નરકમાં પણ રહીશ. આપણે બધા પર્વતની ગુફામાં જતા રહીએ. શા માટે મરી જવું? કયો લાભ?’

એટલે સૂવરે તેને વીર લોકોનો ધર્મ સમજાવ્યો. ભયભીત થઈને જે યુદ્ધ ન કરે તે હજાર યુગ સુધી કુંભીપાક નરકમાં રહે. આ રાજા જો મારી સાથે યુદ્ધ કરવા આવ્યા હોય તો મારે એ પડકાર ઝીલી લેવો જોઈએ. તે અતિથિ રૂપે આવ્યા છે અને અતિથિ એટલે વિષ્ણુ. મારે તેમનો સત્કાર યુદ્ધ વડે જ કરવો પડે.’

આ સાંભળી તેની પત્નીએ પણ ત્યાં જ રહીને યુદ્ધ જોવાની ઇચ્છા કરી. પછી તેણે બાળકોને બોલાવી બધી વાત કરી, ‘તમારા પિતા છે ત્યાં સુધી તમે દૂરના પર્વતની ગુફામાં જતા રહો. રાજા બહુ બળવાન છે, બધાને મારી નાખશે.’

પણ માતાપિતાને આપત્તિમાં મૂકીને જતા રહેનાર પુત્રો પાપી છે એવું માનતા પુત્રોએ ના પાડી અને બધા બળવાન અને તેજસ્વી પુત્રો ત્યાં ઊભા રહ્યા.

આ બાજુ બહુ મોટો મોરચો લઈને રાજા શિકારે નીકળ્યા અને જ્યાં સૂવરપરિવાર હતો ત્યાં બધા જઈ પહોંચ્યા. મહારાજે વીર સૈનિકોને સૂવરોનો શિકાર કરવાની આજ્ઞા આપી. તરત જ તે સૈનિકો હાકોટા કરતા ત્યાં પહોંચી ગયા અને તીક્ષ્ણ બાણ વડે સૂવરોને વીંધવા લાગ્યા.

આ જોઈ સૂવરોનો નેતા પરિવાર સાથે શિકારીઓ પર તૂટી પડ્યો અને તેણે ઘણા શિકારીઓને ભોંયભેગા કરી નાખ્યા, એવી જ રીતે શિકારીઓએ પણ ઘણાં સૂવરોને મારી નાખ્યા, આમ બંને પક્ષે ભારે ખુવારી થઈ. છેવટે બળવાન સૂવર પત્ની અને પાંચસાત પુત્રપૌત્ર સાથે અડીખમ ટકી રહ્યો. ત્યારે તેની પત્નીએ કહ્યું, ‘આપણે આ સંતાનોને લઈને ક્યાંક જતા રહીએ.’

પણ તેણે કહ્યું, ‘બે સિંહની વચ્ચે ઊભા રહીને સૂવર પાણી પી શકે છે પણ બે સૂવરોની વચ્ચે ઊભા રહીને સિંહ પાણી પી શકતો નથી. જો હું ભાગી જઉં તો સૂવર જાતિમાં રહેલા ઉત્તમ બળનો મેં નાશ કર્યો કહેવાય, મારી જાતિની આબરૂ જતી રહે. સામી છાતીએ લડનારની પાછલી પેઢીઓ પણ તરી જાય છે. એને ગંગાસ્નાનનું પુણ્ય મળે છે, એટલે હું નથી જવાનો, હા, તારે જવું હોય તો તું સંતાનોને લઈને જતી રહે.’

પણ પતિના સ્નેહપાશમાં બંધાયેલી પત્નીએ જવાની ના પાડી અને પુત્રો સાથે ત્યાં જ રહી જીવ આપી દેવાની તૈયારી બતાવી. રાજાએ જોયું કે વાદળ અને વીજળીની જેમ આ પતિપત્ની સાથે ગરજી મને યુદ્ધ માટે લલકારે છે. પોતાની બળવાન સેનાનો વિનાશ જોઈને રાજાને બહુ ક્રોધ આવ્યો. ધનુષબાણ લઈને તે આગળ વધ્યા અને એ જ રીતે તે સૂવર પણ આગળ ધસ્યો. રાજાના બાણથી ઘવાઈને સૂવર ઊંચે ઊછળી ઘોડા પર બેઠેલા રાજાને ઓળંગી ગયો અને પોતાની દાઢ વડે ઘોડાને ઘાયલ કર્યો, પણ આખરે તે ભૂમિ પર ઢળી પડ્યો. હવે રાજા એક નાના રથ પર સવાર થયા. સૂવર ભારે ગર્જના કરતો હતો એટલે રાજાએ તેના પર ગદા ઝીંકી, છેવટે મરીને વિષ્ણુલોકમાં ગયો. દેવતાઓએ તેના પર પુષ્પવર્ષા કરી.

હવે બધા શિકારીઓ સંતાનોથી વીંટળાયેલી સૂવરી પાસે ગયા, આ ભયાનક યુદ્ધમાં કુટુંબ સમેત પતિને મૃત્યુ પામેલો જોઈ તે દુઃખી થઈ અને તે બોલી, ‘હું ઊભી છું ત્યાં સુધીમાં તમે જતા રહો.’ પણ સૌથી મોટા પુત્રે માને સંકટમાં મૂકીને જતા રહેવાની ના પાડી, વળી નાનાં સંતાનોને લઈને જતા રહેવા કહ્યું. સૂવરીએ ના પાડી, છેવટે તેમણે નાનાં સંતાનોને વિકટ માર્ગે રવાના કર્યાં.

ત્યાં આવેલા શિકારીઓનો રસ્તો રોકીને માદીકરો ઊભા રહ્યા. શિકારીઓએ તેમના પર શસ્ત્ર ચલાવ્યાં. પણ સૂવરોએ તેમને કચડી નાખ્યા, તેમનાં શબનો ઢગલો થઈ ગયો. સૂવરને યુદ્ધ કરતો જોઈ રાજાએ અર્ધ ચંદ્રાકાર બાણ વડે સૂવરને વીંધી નાખ્યો. એટલે પુત્રશોકથી સૂવરી તેના શબ પર ચડી બેઠી. પછી સ્વસ્થ થઈને તેણે હુમલો કર્યો અને કેટલાયને મોતને ઘાટ ઉતાર્યા, કેટલાય નાસી ગયા, સૂવરી પોતાના દાંત વડે વિરાટ સેનાને ભગાડવા લાગી.

આ જોઈ કાશીનરેશની પુત્રી સુદેવાએ રાજાને કહ્યું, ‘આણે આપણી સેનાનો વિનાશ કર્યો છે અને છતાં તમે એનો વધ કેમ કરતા નથી?’

રાજાએ કહ્યું, ‘આ સ્ત્રી છે, એને મારવાથી પાપ લાગે એટલે નથી હું મારતો કે કોઈને મારવા કહેતો.’

પણ આ દરમિયાન એક શિકારીએ સૂવરીએ કરેલો સંહાર જોયો એટલે એક તીક્ષ્ણ બાણ મારીને તેને વીંધી નાખી. મરતાં મરતાં તેણે પણ કૂદીને તે શિકારીને ભોંયભેગો કરી દીધો. પડતાં પડતાં તેણે તલવારનો ઘા કર્યો.

તે ધરતી પર ઢળી પડી અને માંડ માંડ શ્વાસ લેતી હતી. તેને જોઈને રાણી સુદેવાને દયા આવી,પાસે જઈ ઠંડા પાણીનો છંટકાવ કર્યો, હવે તે ભાનમાં આવી અને રાણીને મનુષ્યવાણીમાં કહેવા લાગી, ‘દેવી, તમે જે અભિષેક કર્યો તે બદલ તમારું કલ્યાણ થશે. તમારાં દર્શન અને સ્પર્શથી મારાં બધાં પાપ ધોવાઈ ગયાં.’

પશુના મોઢે આ સંસ્કૃત વાણી સાંભળીને રાણીને બહુ નવાઈ લાગી અને તેણે રાજાને આ વાત કરી. પછી રાણીએ તેનો અને તેના પતિનો પૂર્વજન્મ પૂછ્યો.

સૂવરીએ તેના પતિની વાત કરી.

‘મારા પતિ રંગવિદ્યાધર આગલા જનમમાં સંગીતજ્ઞ ગંધર્વ હતા. એક વખત મેરુ પર્વત પર તપોરત પુલસ્ત્ય મુનિ પાસે ગયા અને ગાવા લાગ્યા. તેમનું સંગીત સાંભળી મુનિ વિચલિત થયા અને તેમણે તેને બીજે ક્યાંક જઈને ગાવા કહ્યું, નહીંતર પોતે ત્યાંથી જતા રહેશે. પણ મારા પતિએ તેમનો તિરસ્કાર કર્યો અને બીજે જવાની ના પાડી. છેવટે મુનિ બીજે જતા રહ્યા. થોડા સમય પછી તે ગંધર્વને મુનિ ક્યાં છે તે જાણવાનું મન થયું. એટલે જાણકારી મેળવીને વરાહનું રૂપ લઈ મુનિ જ્યાં હતા ત્યાં ગયા અને બ્રાહ્મણનો તિરસ્કાર કરવા લાગ્યા, ત્યાં કુદરતી હાજતો પણ કરી, પણ મુનિ કશું બોલ્યા નહીં. મારા પતિની ઉદ્ધતાઈ વધતી જ ગઈ, તે ગાતા, હસતા, ચીસ પાડતા. હવે મુનિને સમજ પડી કે આ એ જ ગંધર્વ છે એટલે ક્રોધે ભરાઈ તેમણે શાપ આપ્યો, ‘અરે પાપી, તું સૂવરનું રૂપ લઈ મને હેરાન કરે છે તો હવે તું સૂવર જ થજે.

દેવી આ વાત મેં મારા પતિની કહી, હવે મારી વાત સાંભળો.

કલંગિપ્રદેશના શ્રીપુર નગરમાં વસુદત્ત નામના સત્યવાદી, વેદપાઠી, ગુણવાન, સુખી બ્રાહ્મણને ત્યાં સુદેવા નામે પુત્રી. સંસારમાં મારા રૂપની તોલે કોઈ આવે નહીં, રૂપ અને યૌવનને કારણે હું છકી ગઈ. મારી માએ મારા પિતાને મારા વિવાહ માટે કહ્યું, એટલે જે મારે ત્યાં ઘરજમાઈ થઈને રહેવા તૈયાર થાય તેની જ સાથે એનું લગ્ન કરું એવો મારા પિતાનો આગ્રહ.

પછી એક દિવસ વિદ્યાવાન અને વેદજ્ઞ બ્રાહ્મણ અમારે ત્યાં આવ્યો, તેણે પોતાનું નામ શિવશર્મા બતાવી બધો પરિચય આપ્યો, તેનાં માતાપિતા ન હતાં. મારું લગ્ન તેની સાથે થયું. અભિમાની એવી મેં કદી પતિસેવા કરી ન હતી. વ્યભિચારિણી સ્ત્રીઓના સંગદોષે મારામાં પણ એ દોષ પેઠા. મને મારાં સ્વજનોની પરવા ન હતી, બધાં દુઃખી થયાં, મારાથી કંટાળીને મારા પતિ ઘર છોડીને જતા રહ્યા. દુઃખી મારા પિતાને જોઈને મારી માતાએ સંતાનોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ તેના વિશે વિગતે વાત કરી. પિતાના લાડકોડે જ પુત્રીને બગાડી. લગ્ન પછી માબાપે પુત્રીને પોતાને ઘેર ન રાખતાં સાસરે જ મોકલવી જોઈએ. પછી એક કથા કહી.

મથુરા નગરીના ઉગ્રસેન રાજાએ સત્યકેતુ રાજાની પુત્રી પદ્માવતી સાથે લગ્ન કર્યું. રાજા તો પત્ની પાછળ ઘેલા થઈ ગયા. તેને જીવથીય વહાલી ગણતા હતા. થોડા સમય પછી પદ્માવતીના માતાપિતાને તેની યાદ આવી એટલે પુત્રીને પિયર મોકલવા રાજાને વિનંતી કરી. ઉગ્રસેને પત્નીને મોકલી અને તે આનંદિત થઈને સખીઓ સાથે હરવાફરવા લાગી. ફરી તે નાની કન્યા જ બની ગઈ.

એક દિવસ તે સખીઓ સાથે સુંદર પર્વત પર ફરવા ગઈ. રમણીય વનમાં એક સુંદર સરોવર જોઈ સખીઓ સાથે જળક્રીડા કરવા તેમાં ઊતરી. તે વખતે કુબેરના એક સેવક ગોભિલે દિવ્ય વિમાનમાંથી સ્નાન કરતી પદ્માવતીને જોઈ, તેણે દિવ્ય જ્ઞાન વડે જાણી લીધું કે તે કોણ છે, પણ તે પતિવ્રતા હોવાને કારણે સુરક્ષિત હતી, એટલે તેણે ઉગ્રસેનનું રૂપ લીધું. અને પર્વતશિખરે બેસીને તાલ, લય અને ઉત્તમ સ્વરવાળું મોહક ગીત ગાવા લાગ્યો. આ ગીત પદ્માવતીએ પણ સાંભળ્યું. કોણ ગાય છે તે જોવા સખીઓ સાથે ગઈ, જોયું તો ઉગ્રસેન જેવું જ કોઈ લાગ્યું. પણ આટલે દૂર કેવી રીતે તે આવ્યા હશે? તેણે પદ્માવતીને બોલાવી અને વિરહ નથી વેઠાતો એમ કહી તે એકાંત સ્થળે લઈ ગયો અને પોતાની વાસના સંતોષી. મહારાજ ઉગ્રસેનના ગુપ્તાંગમાં જે નિશાની હતી તે પદ્માવતીએ ન જોઈ. શંકાશીલ બનેલી તે વસ્ત્ર પહેરીને, ક્રોધે ભરાઈને તે બોલી, ‘કોણ છે તું? તું દાનવ જેવો છે, તેં મારા પતિનું રૂપ લઈને મારા શરીરને દૂષિત કર્યું છે. હવે તને હું શાપ આપીશ.’

પણ ગોભિલે તો તેનો તિરસ્કાર કર્યો અને તે પતિવ્રતા નથી એવો આક્ષેપ કર્યો. ‘તું પિયર આવી જ કેમ? મેં તારા ઉદરમાં બીજ નાખ્યું છે, ત્રણે લોકને ત્રાસ આપે એવા પુત્રને તું જન્મ આપીશ.’ એમ કહીને તે દાનવ ત્યાંથી જતો રહ્યો.

તેના ગયા પછી પદ્માવતી દુઃખી થઈને રડવા લાગી, તેનું રુદન સાંભળીને દોડી આવેલી સખીઓને તેણે બધી વાત કરી. સખીઓ તેને પિતાને ત્યાં લઈ ગઈ. માતાપિતા બહુ દુઃખી થયાં અને પુત્રીને તેમણે મથુરા મોકલી દીધી.

ઉગ્રસેન તો પદ્માવતીને જોઈને આનંદમાં આવી ગયા. તેનો ગર્ભ મોટો થવા લાગ્યો, તેનું રહસ્ય તો પદ્માવતી જ જાણતી હતી. દસ વર્ષે બાળકનો જન્મ થયો અને તે બળવાન કંસ. પાછળથી શ્રીકૃષ્ણે તેનો વધ કર્યો.

આ કથા કહીને માતાએ કહ્યું, પિતાના ઘરમાં રહેતી કન્યા બગડી જાય છે. મારી માતાના કહેવાથી મારા પિતાએ મને ત્યજી દીધી અને મને જ્યાં જવું હોય ત્યાં જવા કહ્યું. હું નીકળી પડી, મને ક્યાંય સુખ મળતું ન હતું. લોકો મને જોતાંવેંત મારો તિરસ્કાર કરતાં હતાં. હું રખડતી રખડતી ગુજરાતના પ્રભાસ પાટણમાં જઈ પહોંચી, હું ભૂખીતરસી હતી, શકોરું લઈને ભીખ માગતી હતી. હું રોગિષ્ઠ બની. એમ ફરતાં ફરતાં હું એક વેદમંત્રોના પઠનવાળા નિવાસમાં જઈ પહોંચી, આ મારા પતિ શિવશર્માનું જ ઘર હતું, ત્યાં જઈને મેં ભિક્ષા માગી. મંગલા નામની તેમની સાક્ષાત લક્ષ્મી જેવી પત્નીને મારા પતિએ મને ભોજન આપવા કહ્યું. તેણે મને મિષ્ટાન્ન આપ્યું. હું મારા પતિને ઓળખી ગઈ, પછી મારા પતિએ મંગલાને મારો સાચો પરિચય આપ્યો. મારા આટલા બધા સમ્માનથી મને બહુ પસ્તાવો થયો અને એમ કરતાં કરતાં મારું હૃદય ફાટી ગયું અને મારો જીવ જતો રહ્યો.

પછી તો મને યમદૂતો મને યમરાજ પાસે લઈ ગયા અને તેમણે મને ભારે શિક્ષા કરી, અનેક નરકોમાં ગઈ, અનેક યોનિઓમાં મેં જન્મ લીધો અને છેવટે હું સૂવરી થઈ. તમારા હાથમાં તો અનેક તીર્થોનો વાસ છે, તમારા કારણે મારાં બધાં પાપ ધોવાઈ ગયાં, મને પૂર્વજન્મનું જ્ઞાન થયું. તમારા જેવી પતિવ્રતા બીજી નથી. તમે જો મારું કલ્યાણ કરવા માગતા હો તો મને તમારી એક દિવસની પતિસેવાનું પુણ્ય આપો. તમે જ મારા માતાપિતાગુરુ. મારા જેવી પાપીનો ઉદ્ધાર કરો.’

સૂવરીની આ વાત સાંભળી સુદેવાએ રાજા સામે જોઈને પૂછ્યું, ‘મહારાજ, આ સૂવરી શું કહે છે?’

રાજાએ તેનો ઉદ્ધાર કરવા કહ્યું, એટલે રાણી સુદેવાએ કહ્યું, ‘દેવી, હું તમને મારું એક વરસનું પુણ્ય આપું છું.’

સુદેવાના બોલવા સાથે જ સૂવરીનો દેહ દિવ્ય થયો અને તે વિમાનમાં બેસી અંતરીક્ષમાં જવા માંડી. જતી વખતે તેણે રાણીને માથું નમાવી પ્રણામ કર્યાં અને બોલી, ‘તમારી કૃપાથી હું વૈકુંઠમાં જઈ રહી છું.’

આ દૃષ્ટાંત આપીને સુકલાએ સખીઓને નારીધર્મનો મહિમા સમજાવ્યો. એ સખીઓને પણ આ સાંભળીને આનંદ થયો.

સુકલાના સતીત્વનો પ્રભાવ ઇન્દ્રે પણ જાણ્યો. પછી તે મનોમન બોલ્યા, ‘આના સતીત્વને હું ખતમ કરીશ.’ પછી તેમણે કામદેવને યાદ કર્યા અને તે દેવ રતિ સાથે આવી ગયા. ઇન્દ્રે તેમને સુકલાની વાત કહી અને તેને ભોળવવા કહ્યું. કામદેવ તો મોટા મોટા મુનિવરોને પરાજિત કર્યાનું અભિમાન ધરાવતા હતા, તેમને મન આ સાવ સામાન્ય નારી કશા લેખામાં ન હતી. તેમણે તો સુકલાનું સતીત્વ નષ્ટ કરવાનો નિર્ધાર કરી લીધો.

પછી તો દેવરાજ સુકલાને ત્યાં પહોંચીને પોતાનું પ્રદર્શન કરવા લાગ્યા. પણ સુકલા તો કોઈની સામે જોતી ન હતી. ઇન્દ્રે પોતાની દૂતી મોકલી. સુકલાએ પોતાનો પરિચય આપ્યો અને પતિના તીર્થાટનની વાત કરી. એટલે દૂતીએ પત્નીને મૂકીને જનારા પતિની નિંદા કરી. પતિવિરહમાં કાંચન જેવી કાયા શા માટે વેડફી નાખવી? જુવાની હોય ત્યાં સુધી જ ભોગ ભોગવવાના હોય. અહીં એક સુંદર પુરુષ છે અને તે તારી બધી ઇચ્છા પૂરી કરશે.’

આ સાંભળી સુકલા બોલી, ‘આ શરીર તો મળમૂત્રનો ભંડાર છે. પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે. સ્ત્રીપુરુષ મળે એટલે તેમને ક્ષણિક સુખ મળે, પણ પછી? તું તારા સ્થાને જતી રહે, હું મારી રીતે જ જીવવાની.’

દૂતીએ ઇન્દ્ર પાસે જઈને બધી વાત કરી. સુકલાની વાણી ધર્મયુક્ત હતી, મનોમન ઇન્દ્ર તેની પ્રશંસા કરવા લાગ્યા. પછી કામદેવ સાથે સુકલાને જોવા જવાની વાત કરી. કામદેવને પોતાના બળ પર અભિમાન હતું. તેમણે તો સુકલાના સતીત્વનો નાશ કરીશ એમ ભારપૂર્વક કહ્યું.

ઇન્દ્રે તેને કહ્યું, ‘હું જાણું છું કે તું આ પતિવ્રતાને પરાજિત કરી શકવાનો નથી. તે વિવિધ પુણ્ય કરે છે. છતાં તારાં બળ, પરાક્રમ, તેજ હું જોઈશ.’ એમ કહી ઇન્દ્ર તેની સાથે ગયા, દૂતી, રતિ પણ હતાં.

સુકલા ઘેર બેઠી બેઠી પતિનું ધ્યાન ધરતી હતી. ઇન્દ્ર અસામાન્ય તેજ અને સૌંદર્ય સાથે પ્રગટ્યા. પણ સુકલાએ તેમનું કશું સમ્માન ન કર્યું, તે જરાય મોહ ન પામી. તેના તેજમાં સત્ય હતું, તે ઘરમાં જતી રહી.

ઇન્દ્રે કામદેવને સુકલાના સતીત્વની વાત કરી અને કહ્યું, ‘આના સતીત્વનો નાશ કરવાથી આપણે અપાર દુઃખ ભોગવીશું. ભૂતકાળમાં મને વ્યભિચાર માટે ગૌતમ ઋષિએ શાપ આપ્યો હતો. અગ્નિજ્વાળાનો સ્પર્શ કોણ કરશે? ગળામાં વજનદાર પથરો બાંધીને કોણ સમુદ્રમાં ડૂબકી મારશે?’

આ સાંભળી કામદેવે કહ્યું, ‘હું તો તમારા કહેવાથી અહીં આવ્યો હતો, હવે તમે પૌરુષહીનતા અને કાયરતાની વાત કરો છો. ભૂતકાળમાં મેં જેમને પરાજિત કર્યા છે તે મારી મજાક ઉડાવશે. મને બીકણ ગણશે અને એક સ્ત્રીથી હારી ગયો એમ કહેશે. એટલે હું તો એ સતીનાં તેજ, બળને ફૂંકી મારીશ. તમે ડરો છો કેમ?’

ઇન્દ્રને આમ સમજાવી કામદેવે પોતાની સખી ક્રીડાને માયા સર્જીને સુકલા પાસે જવા કહ્યું. પ્રીતિને પણ મદદરૂપ થવા કહ્યું. પછી તે ઇન્દ્ર સાથે નીકળ્યો.

ઇન્દ્ર અને કામદેવ જ્યારે નીકળ્યા ત્યારે સત્યે ધર્મને કહ્યું, ‘કામદેવ જે કરી રહ્યો છે તેના પર જરા દૃષ્ટિપાત કરો. મેં તમારા, મારા પુણ્ય માટે જે સ્થાન ઊભું કર્યું છે તેને કામદેવ નષ્ટ કરવા માગે છે. સદાચારી પતિ, પતિવ્રતા સ્ત્રી અને તપસ્વી બ્રાહ્મણ — આ ત્રણ આપણાં નિવાસસ્થાન છે. શ્રદ્ધા, પુણ્ય, પ્રેમ, પ્રજ્ઞા, નિર્લોભ, ક્ષમા અહીં છે. કામ આજે બધું ભસ્મ કરવા બેઠો છે. ઇન્દ્ર ફરી આજે કામદેવની સાથે ધર્મચારિણી સુકલાનું સતીત્વ નષ્ટ કરવા માગે છે.’

ધર્મે કહ્યું, ‘હું કામનું તેજ ઓછું કરી નાખીશ. મેં એક ઉપાય શોધી કાઢ્યો છે, એથી કામ ભાગી જશે. આ મહાપ્રજ્ઞા પંખિણીનું રૂપ લઈ સુકલાને ઘેર જઈ તેના પતિના આગમનના સમાચાર આપે.’

ધર્મે પ્રજ્ઞાને મોકલી એટલે તેણે સુકલાને ઘેર જઈ આ શુભ સમાચાર સંભળાવ્યા. સુકલાએ તેને ધૂપ-ગંધથી આવકારી, પછી જ્ઞાની બ્રાહ્મણને બોલાવી આ શુકનનો અર્થ પૂછ્યો ત્યારે તેણે સાત દિવસમાં સુકલાના પતિનું આગમન થશે એમ કહ્યું.

હવે કામદેવે મોકલેલી ક્રીડા સતીનું રૂપ લઈ પતિવ્રતાને ઘેર ગઈ. સુકલાએ તેને આવકારી. તેણે પોતાની માયાવી મોહકારક વાણીમાં કહ્યું, ‘દેવી, મારા પુણ્યશાળી, ધીર, ગુણવાન પતિ મને મૂકીને ક્યાંક ચાલ્યા ગયા છે. એ મારા પૂર્વજન્મના કર્મનું ફળ. શાસ્ત્રો પ્રમાણે તો પત્ની માટે પતિ જ સર્વસ્વ.’

પતિવ્રતા સુકલાએ ક્રીડાની વાતો સાંભળી. તેને ક્રીડાની વાતો સાચી લાગી. પછી એક દિવસ તેણે સુકલાને કહ્યું, ‘જો સામે સુંદર વન દેખાય છે, ત્યાં એક પાપનાશક તીર્થ છે, ચાલો ત્યાં જઈએ.’

આ સાંભળી સુકલા તેની સાથે જવા તૈયાર થઈ. વનમાં તો જાણે નંદનવનની શોભા ઊતરી આવી હતી. વસંતે સુકલાને મોહ પમાડવા ઉપવનની શોભા વધારી દીધી હતી. ક્રીડા સાથે ભમીભમીને અનેક દિવ્ય લીલા જોઈ. ઇન્દ્ર બધા ભોગવિલાસના સ્વામી હોવા છતાં કામક્રીડા માટે વ્યગ્ર હતા. તેમણે કામદેવને કહ્યું, ‘લે, આ સુકલા પણ આવી ગઈ છે, આ સતી પર પ્રહાર કર.’

કામદેવે તેમને પોતાનું દિવ્ય રૂપ પ્રગટ કરવા કહ્યું, ‘પછી હું એક એક કરીને મારાં પાંચ બાણ છોડું. મહાદેવે મારું રૂપ તો પહેલેથી છિનવી લીધું છે. હું અનંગ છું. હું જ્યારે કોઈ નારી પર બાણ છોડું છું ત્યારે પુરુષ શરીરનો આશ્રય લઉં છું. પુરુષ જ્યારે પહેલી વખત કોઈ સુંદરીને જુએ છે ત્યારે હું તેના શરીરમાં પ્રવેશીને તેને પ્રમત્ત બનાવી મૂકું છું. સ્મરણથી મારો જન્મ થાય છે.’

આમ કહી કામદેવ ઇન્દ્રના શરીરમાં પ્રવેશ્યો. સુકલાને ભ્રષ્ટ કરવા હાથમાં બાણ લઈ યોગ્ય અવસરની રાહ જોવા લાગ્યો. ક્રીડાની સાથે ગયેલી સુકલાએ સુંદર, દિવ્ય વન વિશે પૂછ્યું.

ક્રીડા બોલી, ‘આ દિવ્ય વન કામદેવનું છું. તું નિરાંતે તે જો.’

દુષ્ટ કામદેવનો આ પ્રયાસ જોઈ સુકલાએ પુષ્પોની સુવાસ ન લીધી. કોઈ રસપાન ન કર્યું, વસંત લજ્જિત થયો. પ્રીતિને સાથે લાવેલી રતિ સુકલાને કહેવા લાગી, ‘ભદ્રા, તારું સ્વાગત. તું રતિપતિ સાથે રમણ કર.’

એટલે સુકલા બોલી, ‘જ્યાં મારા પતિ ત્યાં હું.’ બંને લજ્જિત થઈ. કામ પાસે જઈને તેમણે કહ્યું, ‘આ નારીને જીતવી અશક્ય છે.’

કામદેવે કહ્યું, ‘જ્યારે તે ઇન્દ્રના આ રૂપને જોશે ત્યારે હું એને ઘાયલ કરીશ.’

પછી દેવરાજ ઇન્દ્ર પરમ સુંદર રૂપ ધરીને રતિની પાછળ પાછળ ચાલ્યા. તેમની ચાલમાં વિલાસ હતો. સુકલા પાસે આવીને તે બોલ્યા, ‘મેં તારી આગળ દૂતી મોકલી હતી, પછી પ્રીતિ મોકલી, તું મારી પ્રાર્થના સ્વીકારતી કેમ ન

થી? હું તારી પાસે આવ્યો છું, તું મને સ્વીકાર.’

સુકલાએ કહ્યું, ‘મારા સ્વામીના પુત્રો મારી રક્ષા કરે છે. મને કશાનો ભય નથી. અનેક શૂરવીર પુરુષો મારી રક્ષા કરવા તૈયાર છે. મારી આંખો ખુલ્લી રાખી હું પતિમાં જ મગ્ન રહું છું. તમે કોણ છો? મૃત્યુની પરવા કર્યા વિના અહીં આવ્યા છો.’

ઇન્દ્રે કહ્યું, ‘તું તારા સ્વામીના જે પુત્રોની વાત કરે છે તેમને મારી સામે પ્રગટ કર.’

સુકલાએ કહ્યું, ‘ઇન્દ્રિયસંયમના ગુણ વડે ધર્મ મારી રક્ષા કરે છે. શાંતિ અને ક્ષમાની સાથે મહાબળવાન અને યશસ્વી સત્ય મારી સામે છે. ધર્મ મારો રક્ષક છે. તમે મને બળજબરીથી શા માટે મેળવવા માગો છો, દૂતી સાથે અહીં નિર્ભય બનીને આવી ગયા છો? સત્ય, ધર્મ, પુણ્ય, જ્ઞાન જેવા બળવાન પુત્રો મારા અને મારા પતિના મદદનીશો છે. હું નિત્ય સુરક્ષિત છું. શચીપતિ ઇન્દ્રમાં પણ મને પરાજિત કરવાની શક્તિ નથી. મહાપરાક્રમી કામદેવ આવે તો પણ મને પરવા નથી. સતીત્વનું કવચ મને સદા વીંટળાયેલું જ રહે છે. મારા પર એવા બાણની કોઈ અસર નહીં થાય. ધર્મ તમને મારી નાખશે. દૂર હટો અહીંથી. ના પાડવા છતાં અહીં ઊભા રહેશો તો બળીને ભસ્મ થઈ જશો. મારા પતિની ગેરહાજરીમાં જો મારા શરીર પર કુદૃષ્ટિ કરતા રહેશો તો જેવી રીતે અગ્નિ સૂકા કાષ્ઠને સળગાવી મૂકે છે તેવી રીતે હું તમને ભસ્મ કરી નાખીશ.’

સુકલાની આવી વાત સાંભળીને ડરી ગયેલા ઇન્દ્ર અને કામદેવ તથા બીજાં આવ્યાં હતાં તેવાં ચાલ્યાં ગયાં. પછી સુકલા પતિનું ધ્યાન ધરતી ધરતી પોતાને ઘેર આવી.

બધાં તીર્થોની યાત્રા પૂરી કરીને આવેલા કૃકલ સામે એક દિવ્ય પુરુષ તેમના પૂર્વજોને બાંધીને પ્રગટ થયો અને તેણે કહ્યું, ‘તારી તીર્થયાત્રા નિષ્ફળ ગઈ. તું અત્યંત ગુણવાન પત્નીને મૂકીને યાત્રા કરવા ગયો એટલે તે યાત્રાનો કશો અર્થ ન રહ્યો. જેને ત્યાં આવી પત્ની હોય ત્યાં નિત્ય દેવતા વસે છે. સત્ય અને પુણ્યવાળું ગૃહસ્થનું ઘર ઉત્તમ તીર્થ છે. સંસારસાગર પાર કરવા પત્ની જેવું કશું નથી. શ્રાદ્ધ કરતી વખતે તેં પત્નીને સાથે નથી રાખી એટલે તું ચોર કહેવાય. હવે તું ઘેર જઈને તેના હાથે શ્રાદ્ધ કર, તો જ તારી તીર્થયાત્રા સફળ થશે.’

(ભૂમિખંડ)