ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ/માલાવતીકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માલાવતીકથા

ઉપબર્હણે મંત્રદીક્ષા લઈ ગંડકીના કિનારે તપ કરવા માંડ્યું. તે સમયે પચાસ ગંધર્વકન્યાઓએ તેમને જોયા. જોતાંવેંત તેઓ મોહી પડી. બધાએ ઉપબર્હણને પતિ રૂપે પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરી યોગબળ વડે પ્રાણત્યાગ કર્યો અને ચિત્રરથ બ્રાહ્મણને ત્યાં જન્મીને પિતાની આજ્ઞાથી તેની સાથે વિવાહ કરી દીધો. તેમની સાથે ઉપર્બહણે લાંબા સમય સુધી વિહાર કરીને બ્રહ્મલોકમાં ગયો. ત્યાં નૃત્ય કરતી રંભાને જોઈ કામાતુર થયા અને વીર્યપાત થયો. તેમની મજાક બધાએ ઉડાવી અને બ્રહ્માએ તેમને શાપ આપ્યો. ‘તું ગંધર્વ મરી જા અને શૂદ્ર જાતિમાં જન્મ લે. થોડા સમય પછી વૈષ્ણવોના સંગથી તું ફરી મારા પુત્ર રૂપે સ્થપાઈશ. વિપત્તિનો સામનો કર્યા વિના પુરુષોને મહત્તા પ્રાપ્ત થતી નથી પછી તે ગંધર્વે શરીરત્યાગ કરી દીધો અને નાડીઓનું ભેદન કર્કહ્યું. મનસહિત જીવને બ્રહ્મરંધ્રમાં આણીને તેમણે બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો. ડાબા ખભે વીણા લઈ, હાથમાં શુદ્ધ સ્ફટિકની માળા લઈ કૃષ્ણના નામનો જાપ કરવા લાગ્યા અને કુશની સાદડી પર સૂઈને દેહત્યાગ કરી દીધો.

તેમના પિતા ગંધર્વરાજે દેહત્યાગ કરતા પુત્રને જોઈ પત્ની સાથે પોતે પણ દેહત્યાગ કરી દીધો. તે સમયે ઉપબર્હણના બાંધવજનો અને તેની પત્નીઓ વિલાપ કરવા લાગી. વિષ્ણુની માયાથી મોહિત થઈને બધી પત્નીઓ તેની પાસે ગઈ. પચાસ પત્નીઓમાં માલાવતી પટરાણી હતી. તે પતિને આલિંગીને મોટે સ્વરે રુદન કરવા લાગી. બધા દેવોને દિક્પાલોને પ્રાર્થના કરીને તેણે પતિનો પુનર્જન્મ યાચ્યો. પછી શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગી. પછી માલાવંતીએ પતિના ગુણોની સ્તુતિ કરી. પછી નારાયણ, બ્રહ્મા, મહાદેવ, ધર્મ તથા બીજા દેવોને શાપ આપવા તૈયાર થઈ. એટલે દેવતાઓ વિષ્ણુના શરણે ગયા. દેવતાઓની પ્રાર્થના પછી આકાશવાણી થઈ. ‘દેવતાઓ, તમે હવે ઘેર જાઓ. યજ્ઞના મૂળમાં વિષ્ણુ છે, તે બ્રાહ્મણના વેશે માલાવતીને શાન્ત કરશે અને તમને શાપમાંથી બચાવશે.’

આકાશવાણી સાંભળીને આનંદિત થયેલા દેવતાઓ આતુર બનીને માલાવતી પાસે પહોંચ્યા, દેવીને જોઈ, અલંકારમંડિત દેવી ભગવતી લક્ષ્મી જેવી દેખાતી હતી. સોનેરી સાડી, લલાટે બિંદુ, શરત્કાળના ચંદ્ર જેવી પોતાના તેજથી બધી દિશાઓને શોભાવતી હતી. પતિસેવાનો મહાન ધર્મ તેણે બજાવ્યો હતો. પતિના શબને છાતીએ ભીડી યોગાસનમાં તે બેઠી હતી. સ્વામીની વીણા જમણા હાથમાં પકડી હતી. સુંદર ચંપકવર્ણી કાયા, પક્વ બિંબાધર, ગળામાં શુદ્ધ સ્ફટિક માલા, નિત્ય યૌવનસંપન્ન ષોડશી વારેવારે પતિના શબને જોયા કરતી હતી. આ રૂપમાં માલાવતીને જોઈ બધા દેવતાઓને ખૂબ અચરજ થયું, ધર્માત્મા અને ધર્મભીરુ દેવતાઓ સંતાઈને ત્યાં ઊભા રહ્યા.

જરા વાર ઊભા રહીને મંગલદાયક બ્રહ્મા, શિવ વગેરે દેવતા માલાવતી પાસે ગયા. દેવતાઓને આવેલા જોઈ માલાવતીએ પોતાના પતિને દેવતાઓ પાસે મૂકીને બધાને પ્રણામ કર્યાં અને ધ્રૂસકે ધૂ્રસકે રડવા લાગી. તે જ વેળા ત્યાં આવેલા દેવતાઓની વચ્ચે એક બ્રાહ્મણ બટુક આવ્યો. તે ખૂબ જ મનોહર દેખાતો હતો. દંડ, છત્ર, શ્વેત વસ્ત્ર અને તિલકમંડિતના હાથમાં પુસ્તક હતું. અને પોતાના તેજે તે શોભતો હતો. ચંદન અર્ચિત અંગવાળો તે બટુક શાંત હતો, મંદ મંદ સ્મિત કરતો હતો. વિષ્ણુની માયાથી વિસ્મય પામેલા દેવતાઓની સંમતિ લઈને તે દેવસભાની વચ્ચે બેસી ગયો, તારાઓની વચ્ચે ચન્દ્રની જેમ તે શોભી ઊઠ્યો. તે બટુક દેવતાઓને તથા માલાવતીને સંબોધીને કહેવા લાગ્યો,

‘અહીં બ્રહ્મા, શિવ સમેત બધા દેવતાઓ કેમ પધાર્યા છે? જગત સર્જનાર વિધાતા કેમ આવ્યા છે? બધા બ્રહ્માણ્ડનો સંહાર કરનારા શંકર પણ અહીં છે — શા માટે? ત્રણે લોકના કર્મના સાક્ષી ધર્મ પણ અહીં છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, કાળ, મૃત્યુકન્યા, યમ, પણ ઉપસ્થિત છે. હે માલાવતી, તારા ખોળામાં આ અત્યંત શુષ્ક શબ કોનું છે! જીવતીજાગતી સ્ત્રી પાસે મૃત પુરુષ કેમ છે?’

આ પ્રકારે માલાવતીને તથા દેવતાઓને પૂછીને બટુક બ્રાહ્મણ ચૂપ થઈ ગયા, પછી તેમને વંદન કરીને માલાવતી બોલી,

‘હું બ્રાહ્મણરૂપધારી ભગવાન વિષ્ણુને પ્રણામ કરું છું. તેમના દ્વારા અપાયેલા જળ વડે, પુષ્પવડે બધા દેવ અને શ્રીહરિ પણ સંતોષ પામે છે. ભગવાન, હું શોકગ્રસ્ત છું…હું ઉપબર્હણની પત્ની તથા ચિત્રરથની પુત્રી માલાવતી છું. મેં અનેક વર્ષો મારા પતિ સાથે સ્વચ્છંદે ક્રીડા કરી છે. મારા પતિએ બ્રહ્માના શાપને કારણે પ્રાણત્યાગ કર્યો છે. હું ઇચ્છું છું કે મારા પતિ જીવિત થાય. જો દેવતાઓ મારા પતિને જીવનદાન નહીં આપે તો એમને માથે સ્ત્રીહત્યાનું પાપ લાગશે. એટલું જ નહીં, હું તેમને શાપ પણ આપી શકું. સતીના શાપનું નિવારણ કરવું બહુ અઘરું છે.’

આમ કહીને માલાવતી ચૂપ થઈ ગઈ.

બ્રાહ્મણે કહ્યું, ‘માલાવતી, દેવતાઓ કર્મનું ફળ આપે જ છે. પણ તત્કાળ નહીં, જેવી રીતે ખેડૂત વાવેલ બીનું પરિણામ પાછળથી મેળવે છે તેવી રીતે. દેવતાઓની આરાધના નિષ્ફળ નથી જતી…તારો પતિ કયા રોગથી મૃત્યુ પામ્યો? હું રોગની ચિકિત્સા પણ કરી જાણું છું.’

માલાવતી આ સાંભળીને પ્રસન્ન થઈ અને તેણે પતિમહિમા સમજાવ્યો. પછી બ્રાહ્મણને કહ્યું, ‘તમે કાળ, યમ અને મૃત્યુકન્યાને મારી પાસે લાવો.’ એટલે બ્રાહ્મણે બધાને બોલાવ્યા. માલાવતીએ સૌપ્રથમ મૃત્યુકન્યા જોઈ. તે કાળી હતી, દેખાવે ભયાનક હતી. લાલ રંગનાં વસ્ત્ર તેણે પહેર્યાં હતાં. તેને છ હાથ હતા. તે પોતાના પુત્રો સાથે ઊભી હતી. પછી માલાવતીએ કાળને જોયા. તેનું રૂપ વિકટ, ઉગ્ર અને ગ્રીષ્મકાલીન સૂર્ય જેવું હતું. તેને છ મુખ, સોળ હાથ, ચોવીસ નેત્ર હતાં. ત્યાર પછી તેણે વ્યાધિ સમૂહો જોયા. પછી યમ જોયા. તેણે યમને, મૃત્યુકન્યાને, કાળને પૂછ્યું, ‘તમે મારા પતિને શા માટે મારી નાખ્યા?’ તેમના ઉત્તર સાંભળ્યા પછી માલાવતીએ રોગ ન થાય એ માટેના ઉપાયો પૂછ્યા. એટલે ભગવાને વૈદક સિંહતા આરંભી.

છેવટે બ્રહ્મા માલાવતીના પતિને જીવનદાન આપવા સંમત થયા, અને માલાવતી અને તેના પતિએ આનંદ ઓચ્છવ મનાવ્યો.

(બ્રહ્મખંડ ૧૩-૧૮)