ભારતીયકથાવિશ્વ−૪/વાયુપુરાણ/ચન્દ્રમાની ઉત્પત્તિની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચન્દ્રમાની ઉત્પત્તિની કથા


અત્રિ ઋષિ લોકકલ્યાણ માટે નિત્ય તપ કર્યા કરતા હતા. કાષ્ઠ, ભીંત અને પથ્થરની જેમ હાથ ઊંચા કરીને તપ કરતા હતા. આમ ઋષિએ દેવતાઓનાં હજાર વર્ષ તપ કર્યું. તે સમયે તેમણે આંખનો પલકારો પણ ન માર્યો. આ કઠોર તપને કારણે તેમની કાયા નિર્મળ, શ્વેત થઈ ગઈ. તેમના મસ્તકનું તેજ ખૂબ જ વધી ગયું, તે જ વેળા તેમનાં બંને નેત્રોમાંથી ચન્દ્ર સરી પડ્યો. બ્રહ્માના આદેશથી તે ગર્ભને દસે દિશાઓએ ગ્રહણ કર્યો, પણ એક સાથે મળીને પણ તેઓ આ ગર્ભને ટકાવી ન શકી, તેને જિરવી ન શકી. બધી સ્ત્રીઓ અશક્ત થઈ ગઈ ત્યારે એ ગર્ભ તેમના ઉદરમાંથી નીકળીને પૃથ્વી પર પડ્યો. બ્રહ્માએ તેને પોતાના રથ પર બેસાડ્યો. અત્રિપુત્ર જ્યારે આમ પડ્યા ત્યારે બ્રહ્માના સાતેય પુત્રોએ તેમની સ્તુતિ કરી. ચન્દ્રમાના તેજથી ત્રણે લોકને સંતોષ થયો. બ્રહ્માના રથ પર બેસીને ચન્દ્રમાએ સાગર સુધી વિસ્તરેલી પૃથ્વીની એકવીસ વાર પ્રદક્ષિણા કરી. ચન્દ્રમાનું જે તેજ પૃથ્વી ઉપર પડ્યું તે ઔષધિઓમાં રૂપાંતરિત થઈ ગયું. એ ઔષધિઓ વડે બધા લોકનું ચાર પ્રકારે પાલન ચન્દ્રમા કરે છે… પછી બ્રહ્માએ જગતભરનાં બીજ, ઔષધિઓ, બ્રાહ્મણોનો, જળનો બધો કાર્યભાર ચન્દ્રમાને સોંપ્યો અને એને કારણે બધા લોકો સંતોષ પામ્યા, ચન્દ્રમાનો પ્રભાવ વધી ગયો. દક્ષ રાજાએ રાણી દાક્ષાયણીના પેટે જન્મેલી સત્તાવીસ કન્યાઓ ચન્દ્રને આપી. તે નક્ષત્ર તરીકે વિખ્યાત છે. ચન્દ્રમાએ આટલો મોટો કાર્યભાર મળ્યો એટલે એક બહુ મોટો રાજસૂય યજ્ઞ કર્યો. એ યજ્ઞમાં ભગવાન હિરણ્યગર્ભ, બ્રહ્મા, નારાયણ, વિષ્ણુ અને બીજા અનેક ઋષિઓ હતા. ચન્દ્રમાએ બધા બ્રહ્મષિર્ઓને, સદસ્યોને ત્રણે લોક સમર્પ્યા. ચન્દ્રમાની સેવા સિની, કુહૂ, વપુ, પુષ્ટિ, પ્રભા, વસુ, કીર્તિ, ધૃતિ, લક્ષ્મી — આ નવ દેવીઓ કરી રહી હતી. આવું ઐશ્વર્ય મળ્યું એટલે ચન્દ્રમાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, તે અવિનયી થઈ ગયા. બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ ચન્દ્રમાએ કર્યું. દેવતાઓએ અને ઋષિઓએ તેમને બહુ વાર્યા પણ તે ન જ માન્યા. તે સમયે અંગિરાપુત્ર પિછલ્લગૂ(સહાયક) તેના મદદનીશ બન્યા. ઉશના ભૂતકાળમાં બૃહસ્પતિના પિતાના શિષ્ય હતા એટલે રુદ્ર દેવ બૃહસ્પતિના સહાયક થયા અને અજગવ નામનું શક્તિશાળી ધનુષ લઈને આવ્યા. યુદ્ધ થયું. છેવટે તારા બૃહસ્પતિને સોંપી, ત્યારે તારા સગર્ભા હતી. બૃહસ્પતિએ તારાના એ પુત્રને સ્વીકારવાની ના પાડી પણ તારા ન માની. છેવટે દેવોએ પૂછ્યું, ‘તારા, આ બાળક કોનું?’ ત્યારે તારાએ દેવોને, બ્રહ્માને કહ્યું કે આ બાળક ચન્દ્રમાનું છે. તેનું નામ પડ્યું બુધ અને તેનો પુત્ર પુરૂરવા.

(૯૦)