ભારતીયકથાવિશ્વ−૪/વિષ્ણુપુરાણ/કેશિધ્વજ અને ખાંડિક્યની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેશિધ્વજ અને ખાંડિક્યની કથા

પ્રાચીન કાળમાં ધર્મધ્વજ નામના એક રાજા થઈ ગયા. તેમના બે પુત્ર: અમિતધ્વજ અને કૃતધ્વજ. એમાં કૃતધ્વજ અધ્યાત્મમાં રત રહેતો હતો. તેનો પુત્ર કેશિધ્વજ અને અમિતધ્વજનો પુત્ર ખાંડિક્ય. ખાંડિક્ય કર્મમાર્ગમાં નિપુણ હતો અને કેશિધ્વજ અધ્યાત્મવિદ્યામાં નિપુણ હતો. બંને એકબીજાને પરાજિત કરવામાં લીન હતા. થોડા સમય પછી કેશિધ્વજે ખાંડિક્ય પાસેથી રાજ છિનવી લીધું. પરિણામે તે પુરોહિત અને મંત્રીઓને લઈને ગાઢ વનમાં જતો રહ્યો. કેશિધ્વજ જ્ઞાની તો હતો પણ અવિદ્યા વડે આવતા મૃત્યુને પાર કરવા અનેક યજ્ઞ કર્યા. એક દિવસ તે યજ્ઞમાં બેઠા હતા ત્યારે તેમની ધર્મધેનુને નિર્જન વનમાં એક ભયાનક સંહેિ મારી નાખી. એ સમાચાર જાણીને કેશિધ્વજે ઋત્વિજોને પૂછ્યું, ‘શું આમાં પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ?’ તેમણે કહ્યું, ‘અમને ખબર નથી. તમે કશેરુને પૂછો.’

રાજાએ તેને પૂછ્યું તો તેણે પણ એવો જ ઉત્તર આપીને ભૃગુપુત્ર શૂનકને પૂછવા કહ્યું.

શૂનકે કહ્યું, ‘અત્યારે આખી પૃથ્વી ઉપર ન તો કશેરુ જાણે છે, ન હું જાણું છું. આ જ્ઞાન તો તેં જેને પરાજિત કર્યો છે તે શત્રુ ખાંડિક્ય જ જાણે છે.’

આ સાંભળી કેશિધ્વજે કહ્યું, ‘તો પછી હું મારા શત્રુ ખાંડિક્યને જ પૂછવા જઉં છું. જો તે મને મારી નાખશે તો મને મહાયજ્ઞનું ફળ મળશે અને જો મારા પૂછવાથી તે મને પ્રાયશ્ચિત્ત બતાવશે તો મારો યજ્ઞ નિવિર્ઘ્ને પૂરો થશે.’

આમ કહી કેશિધ્વજ કૃષ્ણ મૃગચર્મ પહેરીને રથમાં બેસી જ્યાં ખાંડિક્ય રહેતો હતો તે વનમાં આવી ચઢ્યો. પોતાના શત્રુને આવતો જોઈ ખાંડક્ય ક્રોધે ભરાઈ ધનુષ હાથમાં લઈ બોલ્યો, ‘અરે, તું કૃષ્ણ મૃગચર્મ પહેરીને મને મારી નાખીશ? શું તું એમ માને છે કે મેં કૃષ્ણ મૃગચર્મ પહેર્યું છે એટલે આ મારા પર પ્રહાર નહીં કરે? અરે મૂરખ, મૃગોની પીઠે શું કૃષ્ણમૃગચર્મ નથી હોતું? એવા મૃગો પર મેં અને તેં બાણ ક્યાં નથી માર્યાં? એટલે હું તને મારવાનો. તું મારા હાથમાંથી જીવતો નહીં જાય. તેં મારું રાજ છિનવી લીધું છે એટલે પાપી છે.’

કેશિધ્વજે કહ્યું, ‘ખાંડિક્ય, હું તમને મારવા આવ્યો નથી, એક શંકાના નિવારણ માટે આવ્યો છું. એટલે મારા પર ક્રોધે ન ભરાતા.’

આ સાંભળી ખાંડિક્યે પોતાના પુરોહિત અને મંત્રીઓને એકાંતમાં પૂછ્યું. મંત્રીઓએ કહ્યું, ‘અત્યારે આ શત્રુ તમારા હાથમાં આવ્યો છે, તેને મારી નાખવો જોઈએ. આમ કરવાથી આખી પૃથ્વી તમારા અંકુશમાં આવી જશે.’

ખાંડિક્યે કહ્યું, ‘આ વાત નિ:શંક સાચી, એ મૃત્યુ પામે એટલે પૃથ્વી પર મારો કાબૂ થાય. પણ તેને પારલૌકિક જય મળશે અને મને પૃથ્વી. પણ જો હું તેને ન મારું તો મને પારલૌકિક જય મળે અને તેને આખી પૃથ્વી. હું પારલૌકિક જયને પૃથ્વી કરતાં વધારે માનું છું કારણ કે પારલૌકિક જય અનંત કાળ માટે હોય અને પૃથ્વી થોડા દિવસ માટે. એટલે હું તેને મારીશ નહીં અને તે જે પૂછશે તે કહીશ.’

એટલે ખાંડિક્યે કેશિધ્વજ પાસે જઈને કહ્યું, ‘હવે તારે જે પૂછવું હોય તે પૂછ. હું તને સાચો ઉત્તર આપીશ.’

હવે કેશિધ્વજે જે રીતે ધર્મધેનુને સંહેિ મારી નાખી હતી તે વાત જણાવી તેનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. એટલે તેણે એનું પ્રાયશ્ચિત્ત વિધિવિધાન સાથે બતાવ્યું. પછી ખાંડિક્યની સંમતિ લઈને યજ્ઞભૂમિ પર આવી તેણે બધું કાર્ય પૂરું કર્યું.

યજ્ઞ સમાપ્ત થયો, સ્નાન કર્યું પછી કેશિધ્વજે વિચાર્યું. ‘મેં બધા ઋત્વિજ બ્રાહ્મણોનું પૂજન કર્યું, સદસ્યોને માનપાન આપ્યાં, યાચકોને જોઈતી વસ્તુઓ આપી, લોકાચાર પ્રમાણે જે કંઈ કરવાનું હતું તે બધું કર્યું તો પણ મારા મનમાં ખટકો કેમ?’ આમ વિચારતાં વિચારતાં યાદ આવ્યું કે મેં હજુ ખાંડિક્યને ગુરુદક્ષિણા નથી આપી. એટલે ફરી રથમાં બેસી તે વનમાં ગયો. ખાંડિક્ય પણ કેશિધ્વજને શસ્ત્ર ધારણ કરીને આવતા જોઈ સામો મારવા માટે તૈયાર થયો. કેશિધ્વજે કહ્યું, ‘તમે ક્રોધ ન કરો. હું તમારું કશું અનિષ્ટ કરવા આવ્યો નથી. હું તો તમને ગુરુદક્ષિણા આપવા આવ્યો છું. તમારા કહેવા પ્રમાણે યજ્ઞ સંપન્ન કર્યો અને હવે મારે તમને ગુરુદક્ષિણા આપવી છે. તમારે જે જોઈએ તે માગી લો.’

ખાંડિક્યે ફરી મંત્રીઓને કેશિધ્વજની ઇચ્છા જણાવી. મંત્રીઓએ કહ્યું, ‘તમે તેની પાસેથી રાજ માગી લો. બુદ્ધિમાન લોકો કોઈને યાતના ન થાય એવી રીતે રાજ માગતા હોય છે.’

એટલે ખાંડિક્યે હસતાં હસતાં કહ્યું, ‘મારા જેવા થોડા દિવસ રહેનારું રાજ શું કામ માગે? તમે બધા સ્વાર્થ સાધવા સૂચન કરો છો પણ પરમાર્થની તમને કશી જાણ નથી.’

આમ કહીને ખાંડિક્ય કેશિધ્વજ પાસે આવીને બોલ્યો, ‘શું તું મને ખરેખર ગુરુદક્ષિણા આપવા માગે છે?’

કેશિધ્વજે હા પાડી અને પછી બંનેએ ધર્મચંતિન કર્યું. કેશિધ્વજ પોતાના નગરમાં ગયો અને ખાંડિક્યે પોતાની આસપાસ જે હતું તે પોતાના પુત્રને આપ્યું.


(ખંડ ૬, અધ્યાય ૭)