ભારતીયકથાવિશ્વ−૪/શિલપ્પદીગારમ્

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિલપ્પદીગારમ્

કણ્ણગીની કથા

પુગાર નગરના એક શાહુકારના પુત્ર કોવલનનું લગ્ન બીજા એક શાહુકારની સુંદર કન્યા કણ્ણગી સાથે થયું. થોડો વખત તો બંનેનો સંસાર સુખે ચાલ્યો. પછી રાજદરબારમાં એક ઉત્સવ પ્રસંગે કોવલન માધવી નામની નૃત્યાંગનાના પરિચયમાં આવ્યો અને તેના પ્રેમમાં પડ્યો. તેણે માધવીને ઘણી ભેટસોગાદો આપી અને કણ્ણગીને વિસારી પણ. ધીમે ધીમે તેણે પોતાની બધી સંપત્તિ આ સ્ત્રી પાછળ લુંટાવી દીધી, કણ્ણગીનાં આભૂષણો પણ ખરચાઈ ગયાં. આખરે તે સાવ નિર્ધન થઈ ગયો અને પોતાની કદી ફરિયાદ ન કરતી પત્ની પાસે જઈ પહોંચ્યો. તેમની પાસે એક માત્ર સંપત્તિ બચી હતી અને તે કિંમતી કંકણની જોડ. પત્નીએ કંકણ રાજીખુશીથી આપી દીધાં, પછી પતિપત્નીએ આ કંકણ લઈને મહાન નગરી મદુરા જવાનો નિર્ધાર કર્યો, ત્યાં વેપારધંધો કરીને ધનવાન થવાની આશા કોવલનને હતી. મદુરા આવીને તેઓ એક વાડીમાં ઊતર્યાં અને કોવલન કણ્ણગીનું એક કંકણ વેચવા બજારમાં ગયો. પાંડ્ય રાજાની રાણીનું આવું જ એક કંકણ દરબારના ઝવેરીની લુચ્ચાઈથી ગુમ થઈ ગયું હતું. તે ઝવેરીની નજરે કણ્ણગીના કંકણ સાથે કોવલન પડ્યો અને તરત જ તેને પકડાવી દીધો અને રાજાને ખબર પહોંચાડી. ચોકીદારો આવીને કોવલનને લઈ ગયા, રાજાએ તરત જ તેનો વધ કરાવી નાખ્યો. આ સમાચાર કણ્ણગીને મળ્યા. તે બેસુધ થઈ ગઈ પણ થોડી વારે સ્વસ્થ થઈ, તેની આંખો ક્રોધથી ભભૂકી ઊઠી, તે નગરમાં ચોરેચૌટે પોતાના પતિની નિર્દોષતાના પ્રમાણરૂપ કંકણ હાથમાં લઈને ભમવા લાગી. ‘મદુરા નગરીની પવિત્ર સ્ત્રીઓ, મારી કથા સાંભળો. આજે મારાં જેવાં દુઃખ કોઈના માથે પડ્યાં નથી. જે દુર્ઘટનાઓ બનવી જોઈતી ન હતી તે બધી મારા જીવનમાં આવી પડી છે. આ અન્યાય હું વેઠું કેવી રીતે?’ આ સમૃદ્ધ મદુરા નગરીનાં બધાં પ્રજાજનોએ તે સ્ત્રીને જોઈ, તેના શોક અને દુઃખથી બધાં વ્યથિત થયાં. તેઓ અચરજ પામીને, આઘાત પામીને બોલી ઊઠ્યાં, ‘આ સ્ત્રીને જે અન્યાય થયો છે તે કદી નથી થયો એવું મનાશે નહીં. આપણા રાજાની ધજાપતાકા વાંકી વળી ગઈ છે. આનો શો અર્થ? અનેક રાજાઓના વિજેતા રાજાની કીર્તિ ધૂળમાં મળી ગઈ છે, આપણી આગળ એક નવી અને શક્તિશાળી દેવી આવી ચઢી છે. તેના હાથમાં સુવર્ણકંકણ છે. આનો શો અર્થ? આ સ્ત્રી રોતી કકળતી ફરે છે, તેની સુંદર કાળી કાળી આંખો વડે આંસુ સારે છે, તેનામાં દેવતાઈ અંશો છે, આનો શો અર્થ? આમ નગરીનાં બધાં પ્રજાજનો મોટે મોટેથી બોલવાં લાગ્યાં, તે સ્ત્રીને મિત્રભાવે આશ્વાસન આપવાં લાગ્યાં, અને કેટલાકે તેને તેના પતિનું શબ દેખાડ્યું. તે તો તેના પતિને જોઈ શકતી હતી પણ તે તેને જોઈ શકતો ન હતો. પછી સૂર્યે પોતાનાં આકરા રાતાંચોળ કિરણો સંકેલી લીધાં અને વિશાળ પર્વત પાછળ અદૃશ્ય થઈ ગયો. આખું જગત અંધકારમય થઈ ગયું. સંધ્યાના આછા ઉજાસમાં કણ્ણગી મોટે મોટેથી રુદન કરવા લાગી. તેનો પડઘો આખી નગરીમાં પડ્યો. બીજે દિવસે સવારે તેના પતિના ગળામાંથી પુષ્પહાર કાઢ્યો અને પોતાના માથામાં એ ફૂલ પરોવ્યાં. સાંજે તેણે તેના પતિને પોતાના લોહીના ખાબોચિયામાં પડેલો જોયો. શોકમાં, ક્રોધમાં ગરકાવ થઈ ગયેલી કણ્ણગીને કોવલને જોઈ નહીં… ‘અહીં કોઈ સ્ત્રીઓ છે ખરી? તેમના પતિઓ સાથે આવો વ્યવહાર થતો હોય તો તેઓ જિરવી શકશે ખરી? અહીં કોઈ સ્ત્રીઓ છે ખરી? અહીં કોઈ આવી સ્ત્રીઓ છે ખરી? અહીં કોઈ સજ્જનો છે ખરા? પોતાનાં બાળકોને ચાહતા અને કાળજીથી તેમની સંભાળ લેતા પુરુષો છે? અહીં પુરુષો છે? અહીં આવા પુરુષો છે ખરા? અહીં કોઈ ઈશ્વર છે? અહીં રાજાના ખડ્ગે કોઈ નિર્દોષ માનવીનો વધ કરી નાખ્યો હોય એવી આ મદુરા નગરીમાં કોઈ ઈશ્વર છે ખરો? અહીં કોઈ ઈશ્વર છે? ઈશ્વર છે?’ આવો શોક કરતી તે સ્ત્રી તેના પતિના વક્ષ:સ્થળને વળગી પડી, એવો ભાસ થયો કે તેના પતિએ ઊભા થઈને કહ્યું, ‘તારું મુખચંદ્ર વિલાઈ ગયું છે.’ તેણે પત્નીના મોઢે હાથ ફેરવ્યો. તે ધરતી પર રડતીકકળતી ઢળી પડી, પોતાના કંગનવાળા હાથથી પતિના પગ પકડી લીધા, તે તો પોતાનો મનુષ્યદેહ ત્યજીને દેવતાઓના જગતમાં ચાલ્યો ગયો. જતાં જતાં તે બોલ્યો, ‘પ્રિયે, તારે તો અહીં જ રહેવાનું.’ આ સાંભળીને તે બોલી ઊઠી, ‘ખરેખર, આ તો સ્વપ્ન હતું!’ ‘જ્યાં સુધી મારો ક્રોધ શાંત નહીં થાય ત્યાં સુધી હું મારા પતિ પાસે જવાની નથી. હું એ ક્રૂર રાજાને મળીશ અને તેની પાસે ખુલાસો માગીશ.’ પછી તે ઊભી થઈ, મોટી મોટી આંખોમાં આંસુ હતાં, આંસુ લૂંછતી તે રાજમહેલના દરવાજે ગઈ. ‘અરે અરે! સપનામાં મેં રાજાની પતાકા પડી જતી જોઈ, છત્ર પડી ગયું. રાજમહેલના દરવાજા પરનો ઘંટ એની મેળે વાગ્યો, આખું સ્વર્ગ અરાજકતામાં ડૂબી ગયું. અંધકાર સૂર્યને ગળી ગયો, રાતે મેઘધનુષ દેખાયું, દિવસે સળગતી ઉલ્કા ધરતી પર પડી.’ રાણી આવું બોલી, દાસીઓ અને રક્ષકને લઈને તે સિંહાસન પર બેઠેલા રાજા પાસે ગઈ, પોતાનું દુ:સ્વપ્ન તેણે કહ્યું. પછી દરવાજા પરથી એક અવાજ સંભળાયો, ‘અરે દ્વારપાલ, દ્વારપાલ- શાણપણ ગુમાવી બેઠેલા રાજાના દ્વારપાલ, સાંભળ. રાજા પોતાના અન્યાયથી હૃદયને દૂષિત કરી બેઠો છે. રાજાને જઈને કહો કે એક સ્ત્રી કંકણ લઈને આવી છે, કંકણની જોડીમાંથી એક તેની પાસે છે, આ સ્ત્રીએ તેના પતિને ગુમાવ્યો છે, તે દરવાજે રાહ જોતી ઊભી છે!’ દ્વારપાલે રાજા પાસે જઈને કહ્યું, ‘એક સ્ત્રી દરવાજે ઊભી છે, તે વિજયસૂચક ભાલો હાથમાં લઈને ઊભેલી વિજયની સમ્રાજ્ઞી નથી. ક્રોધે તમતમતી, હૈયામાં આગ લઈને, હાથમાં સુવર્ણકંકણ લઈને તે દરવાજે ઊભી છે.’ પછી કણ્ણગીને રાજા પાસે લઈ જવામાં આવી. ‘અરે ક્રૂર રાજન્, મારે કહેવું જ છે. અહીં મદુરામાં ધન કમાવા મારો પતિ આવ્યો હતો, તે મારું કંગન વેચવા ગયો અને તમે તેનો વધ કરાવ્યો.’ રાજા બોલ્યો, ‘શ્રીમતી, જે ચોર હોય તેને શિક્ષા કરવી રાજાનો ધર્મ છે.’ પછી કણ્ણગીએ પોતાનું કંકણ રાજાને બતાવ્યું. રાણી પાસેના કંકણ સાથે કણ્ણગીના કંકણને ધ્યાનપૂર્વક સરખાવ્યું; રાજાને ખાત્રી થઈ કે કોવલન નિર્દોષ હતો. આ જોતાં જ તેના માથા પરનું છત્ર પડી ભાંગ્યું, તેના હાથનો દંડ ધૂ્રજવા લાગ્યો. તે બોલ્યો, ‘હવે હું રાજા રહ્યો નથી. મેં તો ઝવેરીની વાત માની લીધી હતી. હું જ ચોર છું. પહેલી વખત મારી પ્રજાનું રક્ષણ કરવામાં હું નિષ્ફળ ગયો છું. હવે મારે મરી જવું જોઈએ. (અને તે ધરતી પર ઢળી પડ્યો, મૃત્યુ પામ્યો.) પછી કણ્ણગીએ રાણીને કહ્યું, ‘જો હું સાચેસાચ પતિવ્રતા હોઉં તો આ નગરને સમૃદ્ધ થવા નહીં દઉં, જેવી રીતે રાજાનો વિનાશ થયો છે તેવી રીતે આ નગરીનો વિનાશ થશે. મારું વચન સત્ય થતું તમે બહુ જલદી જોશો.’ આમ બોલીને તે રાજમહેલમાંથી નીકળી ગઈ અને નગરીમાં જઈને કકળી. ‘ચાર મંદિરોવાળી આ મદુરા નગરીનાં સ્ત્રીપુરુષો, સાંભળો, સાંભળો. સ્વર્ગના દેવતાઓ સાંભળો, સાંભળો. ‘હે પવિત્ર સંતો સાંભળો, મારા પ્રિય પતિ સાથે અન્યાય કરનાર રાજાની આ નગરીને હું શાપું છું.’ તેણે પોતાના હાથે તેના શરીરમાંથી ડાબો સ્તન ઊતરડી નાખ્યો અને ત્રણ વખત મદુરા નગરીને જોઈ, પછી કટુ વેદનાથી તેણે શાપ ઉચ્ચાર્યો, પોતાનો સુંદર સ્તન સુવાસિત શેરીમાં ફંગોળ્યો. આ નગરીના રક્ષક દેવતાઓએ નગર માટે તેમનાં દ્વાર બંધ કરી દીધાં એટલે અગ્નિનું પ્રજ્વલિત મુખ ઊઘડ્યું, નગરીનો મુખ્ય પુરોહિત, જ્યોતિષી, ન્યાયાધીશો, ખજાનચી, શિક્ષિત સભાસદો, રાજમહેલના સેવકો, સેવિકાઓ — ચીતરેલી આકૃતિઓની જેમ ચુપચાપ ઊભા રહી ગયા. મહાવતો, અશ્વપાલો, રથીઓ અને પદાતિઓ — હાથમાં તમતમતી તલવારો લઈને ઊભા હતા, રાજમહેલના દરવાજે લાગેલી આગ જોઈને બધા ભાગી ગયા. અનાજ વેચનારા વેપારીઓની શેરી, ભભકતી પુષ્પમાળાઓથી શણગારેલા રથોની શેરી, ચારે વર્ણના ચારે વિસ્તારો મુંઝાઈ ગયા અને જાણે દાવાનળ પ્રગટ્યો હોય તેમ બધું પ્રજ્વળી ઊઠ્યું. જ્યાં અનેક વાજિંત્રોના સ્વર રેલાતા હતા, સૂર વાગતા હતા, વાંસળીઓના મોહક અવાજ આવતા હતા તે ગાયિકાઓની શેરી નાશ પામી, નૃત્યાંગનાઓના મહાલયો નાશ પામ્યા, તેઓ બોલી ઊઠી, ‘આ સ્ત્રી ક્યાંથી આવી છે? તે કોની પુત્રી છે? પતિ ગુમાવી બેઠેલી આ એકલી સ્ત્રીએ પોતાના કંકણ વડે રાજા પર વિજય મેળવ્યો અને આપણી નગરીને સળગાવી મૂકી.’ છેવટે આ નગરીની રક્ષક દેવીએ કણ્ણગીને સમજાવી, તે પોતાનો શાપ પાછો ખેંચવા સંમત થઈ અને આગ ઓલવાઈ ગઈ. પોતે જ ઊતરડી નાખેલા સ્તનમાંથી વહી ગયેલા લોહીને કારણે નબળી પડી ગયેલી કણ્ણગી નગરીની બહાર આવેલી ટેકરી પર જઈ પહોંચી, થોડા દિવસે તે મૃત્યુ પામી, સ્વર્ગમાં તેનો ભેટો કોવલન સાથે થયો. એ ગાળામાં તેના મૃત્યુના સમાચાર આખી તમિળભૂમિમાં પહોંચી ગયા. તે અમર થઈ ગઈ, તેના નામનાં મંદિરો ઊભાં થયાં, તેના માનમાં ઉત્સવો યોજાવા લાગ્યા, સ્ત્રીના પાતિવ્રત્ય અને પવિત્રતાની અમર દેવી તરીકે તે પૂજાવા લાગી.