ભારતીયકથાવિશ્વ−૪/શિવપુરાણ/અંધકની કથા
એક વાર હિરણ્યાક્ષનો પુત્ર અંધક પોતાના પિત્રાઈ ભાઈઓ સાથે વિહાર કરતો હતો ત્યારે ભાઈઓએ તેનું ભારે અપમાન કર્યું, આથી અંધક તપ કરવા વનમાં જતો રહ્યો, આકરું તપ હજારો વર્ષ સુધી કર્યું, પોતાના શરીરનાં લોહીમાંસ અગ્નિમાં હોમતો રહ્યો, જ્યારે શરીરમાં કશું માંસ ન રહ્યું ત્યારે તેણે પોતાનું આખું શરીર અગ્નિમાં હોમવાની ઇચ્છા કરી, આ જોઈ ભયભીત થયેલા દેવતાઓએ બ્રહ્માને વિનંતી કરી, પ્રજાપતિ અંધક પાસે જઈને બોલ્યા, ‘દાનવ, હવે તારી ઇચ્છામાં આવે તે વરદાન માગ.’
આ સાંભળી દૈત્યે પ્રણામ કરી કહ્યું, ‘કેટલાક ક્રૂર લોકોએ મારું રાજ્ય છિનવી લીધું છે, પ્રહ્લાદ જેવા મારા દાસ બને, મને દિવ્ય નેત્ર પ્રાપ્ત થાય, ઇન્દ્ર કરદાતા બને. દેવ-દાનવ-ગંધર્વ-યક્ષ-સર્પ-મનુષ્યોથી, શંકરથી પણ મારું મૃત્યુ ન થાય.’
બ્રહ્માએ કહ્યું, ‘વિનાશનું કોઈક કારણ તો સ્વીકરાવું પડે. મરણ ન પામે એવી કોઈ વ્યકિત જન્મી નથી.’
અંધકે પ્રત્યુત્તર આપ્યો, ‘ત્રણે કાળમાં રત્નરૂપ, મારી માતાતુલ્ય કોઈ સ્ત્રી હોય; મન, વચન, શરીરથી પુરુષોને પ્રાપ્ત કરવી અઘરી હોય, તેવી સ્ત્રીને જ્યારે હું ઇચ્છું ત્યારે જ મારો નાશ થાય.’
વિસ્મિત થયેલા બ્રહ્માએ શંકર ભગવાનની આજ્ઞાથી અંધકને એ વરદાન આપ્યું. સાથે સાથે તેની વિનંતીથી બ્રહ્માએ તેનું શરીર હૃષ્ટપુષ્ટ કરી આપ્યું. પછી તો અંધકે દેવો સામે યુદ્ધ કરીને ઇન્દ્રને કરદાતા બનાવ્યો, સ્થાવર જંગમ, દેવ-મનુષ્ય-નાગ-ગંધર્વ-બધાને જીતી લીધા, સર્વ સુંદર સ્ત્રીઓને ભોગવવા લાગ્યો. આમ વર્ષોનાં વર્ષો વીત્યાં. એક વેળા અંધકના મંત્રીઓએ એક રૂપવાન સ્ત્રીને જોઈ અંધકને કહ્યું, ‘અહીં એક ગુફામાં રૂપવાન મુનિ છે, તેમના મસ્તકે અર્ધચંદ્ર છે, જટા છે, હાથમાં ત્રિશૂળ છે, શરીરે ભસ્મ છે, ત્યાં એક ભયંકર પુરુષ અને વૃદ્ધ વૃષભ પણ છે. ત્યાં એક અદ્ભુત સૌંદર્ય ધરાવતી સ્ત્રી છે. જેણે તે સ્ત્રીને જોઈ હોય તે દૃષ્ટિવાળો ગણાય. એ સ્ત્રી આ મુનિની પત્ની છે, તમે એનું દર્શન કરો.’
આ સાંભળી કામાતુર થયેલા અંધકે પોતાના મંત્રીઓને મોકલ્યા, અને તેમણે કહ્યું, ‘તમે કોના પુત્ર છો? અહીં શા માટે બેઠા છો? આ અતિ રૂપવાન સ્ત્રી દૈત્યપતિ અંધકને સોંપી દેવી જોઈએ.’ એમ કહી મુનિની બહુ નિંદા પણ કરી.
શંકર ભગવાને કહ્યું, ‘હું મારા માતાપિતાને જાણતો નથી. હું અહીં પાશુપત નામનું તપ આચરી રહ્યો છું. મારી પત્ની એ અનોખી સિદ્ધિ છે. તને અત્યારે જે જે પસંદ પડે તે તે તું લઈ જા.’
પછી તે મંત્રીઓએ અંધક પાસે જઈને બધી વાત કરી. તે મુનિ તો યુદ્ધ કરવા તત્પર છે. મંત્રીઓએ અંધકને યુદ્ધ ન કરવા કહ્યું, પણ અંધકે તેમની વાત ન માની, પછી યુદ્ધની ઇચ્છાથી શિવની ગુફામાં જઈ શિવગણો સાથે યુદ્ધ કરવા માંડ્યું, હવે તેને ગણોએ હરાવ્યો. છેવટે તે નાસી ગયો. બીજા દૈત્યોએ પણ યુદ્ધ કરવા માંડ્યું. છેવટે તે દૈત્યો પણ ભાગી ગયા. મહાદેવે પાર્વતીને આશ્વાસન આપ્યું. અને પોતે તપ કરવા જશે એમ કહ્યું. પાર્વતીની રક્ષાનો ભાર વીરક ઉપર આવ્યો. તે વેળા અંધક સૈનિકો સાથે ત્યાં આવી ચઢ્યો. દિવસોના દિવસો સુધી વીરક યુદ્ધ કરવા લાગ્યો, છેવટે તે મૂચ્છિર્ત થઈ ગયો. પાર્વતીએ બ્રહ્મા અને વિષ્ણુનું ધ્યાન ધર્યું એટલે તે દેવો સ્ત્રીનું રૂપ લઈને ત્યાં આવી ચઢ્યા. તે સ્ત્રીઓએ ભેરી વગાડી, એ દરમિયાન વીરક સચેત થઈને યુદ્ધ કરવા લાગ્યો. બ્રાહ્મી, ગૌરી, વૈષ્ણવી, ઇન્દ્રાણી શસ્ત્રો લઈને નીકળ્યાં. અગ્નિશક્તિ, નૈર્ઋતિ દેવી, તોયાલિકા દેવી પણ બહાર આવ્યાં. આરંભે તો દૈત્યસૈન્યને જોઈ તે દેવીઓ બી ગઈ પણ પછી મન સુદૃઢ કર્યું, વીરકને સેનાપતિ બનાવ્યો અને અંધક સામે યુદ્ધ કરવા માંડ્યું. એ જ વેળા શંકર ભગવાન પણ ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈ આનંદિત થયેલી સ્ત્રીઓ યુદ્ધ કરવા લાગી. શંકર ભગવાન પાર્વતીને લઈને ગુફામાં પ્રવેશ્યા અને બધી સ્ત્રીઓને વિદાય કરી, ગુફાદ્વારે વીરકને ઊભો રાખ્યો.
અંધકે ત્યાં પાર્વતીને કે શંકરને ન જોયા એટલે તેણે વિઘસ નામના પોતાના દૂતને શંકર પાસે મોકલ્યો અને તે બોલ્યો, ‘તમે તપસ્વી છો તો તપ કરો, આ સ્ત્રીને ત્યજી દો. અને તમે મુનિ નથી પણ દૈત્યશત્રુ છો તો તમે યુદ્ધ કરો.’
એટલે ભગવાન શંકરે તેને યુદ્ધ કરવા જણાવ્યું. અંધકે સૈન્ય સજ્જ કર્યું. ગિલ નામના અજેય ગણાતા અસુરને મોકલ્યો. વીરક પર, પાર્વતી પર શસ્ત્રોથી પ્રહાર કરવા માંડ્યો. ગુફાનો નાશ કર્યો, પર્વતશિખરો તોડી નાખ્યાં, ઉદ્યાનોનો ખાત્મો બોલાવ્યો. શંકર ભગવાને પોતાનું ચિત્રવિચિત્ર સૈન્ય બોલાવ્યું, અને યુદ્ધ શરૂ થયું. વિઘસ દૈત્ય બધા દેવોને ગળી ગયો અને દુઃખી થયેલા વીરકે શંકર ભગવાન આગળ પોતાની દીન, લાચાર અવસ્થા વર્ણવી. પછી વિષ્ણુ ભગવાનનો સંદર્ભ આપ્યો. કશ્યપના પુત્ર હિરણ્યકશ્યપનો વધ વિષ્ણુ ભગવાને કર્યો ત્યારે સપ્તષિર્ઓએ તેમને શાપ આપ્યો હતો, તમે ફરી પણ દીર્ઘ કાળ યુદ્ધ કરતા થશો. અને એ ભયાનક યુદ્ધમાં વિઘસ નામનો દૈત્ય તમને ગળી જશે પછી તમારો છુટકારો થશે. વળી શુક્રાચાર્ય સંજીવની મંત્ર વડે બધા મૃત દૈત્યોને સજીવન કરી દે છે. તો હવે આપણી પાસે પ્રાણત્યાગ કરવા સિવાય અન્ય કોઈ માર્ગ નથી.’
આ સાંભળી શંકર ભગવાન ક્રોધે ભરાયા. ગીત ગાઈ સર્વત્ર પ્રકાશ ફેલાવ્યો અને વીરકે પાછું યુદ્ધ આરંભ્યું. નંદીને પણ વિઘસ ગળી ગયો. એટલે શંકર ભગવાને પોઠિયા પર બેસીને દિવ્યમંત્ર જપવા માંડ્યો એટલે વિઘસના શરીરમાંથી બધા જ દેવો બહાર નીકળ્યા અને ફરી યુદ્ધ શરૂ થયું. શુક્રાચાર્ય સંજીવની મંત્ર વડે બધા દૈત્યોને સજીવન કરતા હતા એટલે તેમને બાંધીને શંકર ભગવાન પાસે લાવ્યા ભગવાન શુક્રાચાર્યને ગળી ગયા. છેવટે બધા દૈત્યો હારી ગયા. વળી અંધકે યુદ્ધ કર્યું એમાં દેવો હારી ગયા. અંધક વરદાનને લીધે ભારે તોરીલો બની ગયો હતો. તેણે કપટ કરવા માંડ્યા. તેના શરીરમાંથી લોહીનાં જે ટીપાં પડે તેમાંથી માયાવી અંધકો પ્રગટ થતા હતા. એટલે વિષ્ણુ ભગવાને શંકરને બોલાવી યોગ વડે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, શંકરના કાનમાંથી એક ઐશ્વર્યવાન પુરુષ પ્રગટ્યો. દેવીએ અંધકના શરીરમાંથી જન્મેલા સૈન્યને આરોગવા માંડ્યું; ધરતી પર રેલાયેલું લોહી પીવા માંડ્યું. પછી તો એકલો અંધક જ રહ્યો, છતાં તેણે યુદ્ધ ચાલુ રાખ્યું, તે સુકાઈને સાવ કંતાઈ ગયો તો પણ યુદ્ધ પડતું ન મૂક્યું.
વચગાળામાં અંધકે શુક્રાચાર્યની સ્તુતિ કરી અને પ્રસન્ન થયેલા શુક્રાચાર્યે મૃત દૈત્યોને સજીવન કરવાનું વચન આપ્યું, અને સંજીવની મંત્ર ભણીને બધા દૈત્યોને સજીવન કર્યા. એટલે ફરી યુદ્ધ શરૂ થયું. નંદીએ શુક્રાચાર્ય દ્વારા સજીવન થતા દૈત્યોની વાત શંકર ભગવાનને કરી, એટલે ભગવાને શુક્રાચાર્યને ઉઠાવી લાવવા ક્હ્યું. શુક્રાચાર્યને લઈને નંદી શંકર પાસે ગયો અને ભગવાન તેને ગળી ગયા.
શુક્રાચાર્યને છોડાવીશ એવું વચન અંધકે આપ્યું અને ફરી યુદ્ધ શરૂ થયું. ક્યારેક શિવસેના જીતે ક્યારેક અસુર સેના જીતે. અંધકાસુર ઉપર શસ્ત્રોનો ભારે મારો ચલાવ્યો. આ તરફ શુક્રાચાર્ય શંકરના શરીરમાંથી બહાર નીકળવા મથતા રહ્યા, પણ તેમને કોઈ માર્ગ ન મળ્યો એટલે શંકરના લિંગમાંથી છેવટે નીકળ્યા. ભગવાને તેમને કહ્યું, ‘તમે મારા લિંગમાંથી શુક્ર રૂપે નીકળ્યા છો એટલે તમે શુક્ર નામે મારા પુત્ર.
છેવટે અંધકે શંકર ભગવાનની ક્ષમા માગી.
(૪૪-૪૯)