ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/દેવકીના મૃત પુત્રોનું પુનરાગમન
(શ્રીકૃષ્ણ બલરામની સાથે માતાપિતા — વસુદેવ અને દેવકી પાસે ગયા ત્યારે આ પ્રસંગ બન્યો હતો.)
દેવકીએ સાંભળ્યું હતું કે શ્રીકૃષ્ણ મૃત ગુરુપુત્રને યમલોકમાંથી લઈ આવ્યા હતા. હવે દેવકીને કંસે મારી નાખેલા પોતાના પુત્રોની યાદ આવી. તે ભાવવિભોર બની ગઈ, આંખોમાંથી આંસુ ટપકવાં માંડ્યાં. તે બોલી, ‘આજે મારી એક ઇચ્છા પૂરી કરો. કંસે મારી નાખેલા પુત્રો તમે મને લાવી આપો. હું તેમને નિરાંતે જોઉં તો ખરી.’ દેવકીની વાત સાંભળીને શ્રીકૃષ્ણ અને બલરામ યોગમાયાનો આશ્રમ લઈ સુતલમાં પ્રવેશ્યા. દૈત્યરાજ બલિએ જોયું કે સમગ્ર જગતના આત્મારૂપ શ્રીકૃષ્ણ અને બલરામ સુતલમાં આવ્યા છે ત્યારે આનંદ પામીને તરત જ પરિવાર સમેત ભગવાનને પગે પડ્યા. તેમને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને ચરણોદક લીધું, તેમની પૂજા વિવિધ સામગ્રી વડે કરે. ભગવાનનાં ચરણકમળ પોતાના હૃદયે ચાંપ્યાં. તેમની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યાં અને ભગવાનની સ્તુતિ કરી…
શ્રીકૃષ્ણે કહ્યું,‘પ્રજાપતિ મરીચિની પત્ની ઊર્ણાએ છ પુત્રને જન્મ આપ્યો હતો. તે બધા દેવતા હતા. આ જોઈ બ્રહ્મા પોતાની પુત્રી સાથે સમાગમ કરવા તત્પર થયા. આ અપરાધ માટે તેમણે બ્રહ્માને શાપ આપ્યો અને તે અસુર જાતિમાં હિરણ્યકશિપુના પુત્ર રૂપે જન્મ્યા. યોગમાયાએ તેમને ત્યાંથી લાવીને દેવકીના ગર્ભમાં મૂકી દીધા. તેઓ જન્મ્યા કે તરત કંસે તેમને મારી નાખ્યા. હવે માતા દેવકી એ પુત્રો માટે શોક કરી રહી છે, અમે તેનું દુઃખ દૂર કરવા તેમને અહીંથી લઈ જઈશું. પછી તેઓ જ્યારે શાપમુક્ત થશે ત્યારે પોતપોતાના લોકોમાં જતા રહેશે. તે છએનાં નામ છે — સ્મર, ઉદ્ગીથ, પરિષ્વગ, પતંગ, ક્ષુદ્ભુત અને ઘૃણિ. મારી કૃપા વડે તેમની સદ્ગતિ થશે. પછી દૈત્યરાજે બંનેની પૂજા કરી. કૃષ્ણ અને બલરામ બાળકોને લઈ દ્વારકા આવ્યા અને દેવકીને તે બાળકો આપી દીધાં.