ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/અગસ્ત્યે ધરતી પર આણેલી સુવર્ણમુખરી નદીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અગસ્ત્યે ધરતી પર આણેલી સુવર્ણમુખરી નદીની કથા

એક વેળા મુનિ અગસ્ત્ય પ્રાત:સંધ્યા કરીને શિવપૂજા કરવા મંદિરમાં જઈ રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ, ‘હે મુનિવર, આ વિસ્તારમાં કોઈ નદી નથી. જેમ જ્ઞાનવિજ્ઞાન વિના બ્રાહ્મણ, દક્ષિણાહીન દીક્ષા અને કૌમુદી વિના રાત્રિ ન શોભે તેમ આ પ્રદેશ શોભતો નથી. લોકહિત માટે આ પ્રદેશમાં કોઈ નદી લઈ આવો. એ સદૈવ જલપૂર્ણ રહે. દેવોની આ પ્રાર્થના છે.’

આ આકાશવાણી સાંભળીને અગસ્ત્ય વિચાર કરવા લાગ્યા. પછી દેવપૂજા કરીને બહાર વેદી પર બેઠા. ત્યાં આશ્રમમાં જેટલા મુનિ હતા તે બધાને બોલાવી આકાશવાણીની વાત કરી. મુનિઓએ તેમને કહ્યું, ‘મહર્ષિ, તમારા એક માત્ર હુંકારથી રાજા નહુષ દેવલોકમાંથી ધરતી પર પડી ગયા. સમગ્ર ભૂમંડલને ઘેરીને બેઠેલો અને તરંગો વડે જે આકાશને પણ હંફાવે છે તે મહાસાગરને તમે પી ગયા. વિન્ધ્ય પર્વત સૂર્યનો માર્ગ અટકાવવા ગયો હતો ત્યારે તમે તેને પણ શાંત કરી દીધો હતો. તમે આ આશ્રમમાં રહો છો એટલે ત્રણે લોકમાં અમે તો કૃતાર્થ થઈ ગયા. આ પ્રદેશ દક્ષિણમાં બહુ સરસ છે, બધી વસ્તુઓ અહીં મળે છે પણ દૂર દૂર સુધી એકે નદી નથી. અમે અહીં એક મહાનદીમાં સ્નાન કરી કૃતાર્થ થઈશું. એટલે અમારી પણ તમને પ્રાર્થના છે કે તમે કોઈ સર્વશ્રેષ્ઠ નદી અહીં લઈ આવો.’

બધા મુનિઓના કહેવાથી, દેવતાઓની અને શંકરની પૂજા કરીને અગસ્ત્ય મુનિએ આ મહાન કષ્ટ માથે લીધું અને તપ કરવા માંડ્યું. ઉનાળામાં પંચાગ્નિ તપ કર્યું, વર્ષામાં ઝંઝાવાત-વીજળી-વરસાદ વેઠ્યાં અને શિયાળામાં ગળા સુધી પાણીમાં ઊભા રહ્યા. પછી મન પર સંયમ રાખી, નિરાહાર રહી પથ્થરની જેમ સ્થિર રહ્યા. તેમને બહારના જગતનો કોઈ ખ્યાલ રહેતો ન હતો. આમ ને આમ તપ કરી રહેલા મુનિ ઉપર બ્રહ્મા પ્રસન્ન થયા. મુનિએ ભગવાનની સ્તુતિ કરી અને પછી તે દેવે વરદાન માગવા કહ્યું.

અગસ્ત્યે કહ્યું, ‘તમારી કૃપાથી મને તો બધું મળ્યું છે. પણ આ પ્રદેશને નદી વિનાનો જોઈ બહુ દુઃખ થાય છે. આ ભૂમિને પવિત્ર અને સુરક્ષિત કરવા કોઈ મોટી નદી આપો. બસ આ જ વરદાન.’

અગસ્ત્યની વાત માનીને બ્રહ્માએ ‘તથાસ્તુ’ કહ્યું અને મનોમન આકાશગંગાનું સ્મરણ કર્યું. તે જ્યારે તેમની આગળ ઊભી રહી ત્યારે ભગવાન બોલ્યા, ‘ગંગા, તારે સંસાર પર એક ઉપકાર કરવાનો છે. આ નદી વગરના પ્રદેશમાં કોઈ નદી નથી. અહીં એ માટે અગસ્ત્ય મુનિ તપ કરી રહ્યા છે. એટલે તારો એક અંશ પૃથ્વી ઉપર ઉતાર અને અગસ્ત્ય જે માર્ગ બતાવે તે માર્ગે જા, ત્યાંના માણસોને પવિત્ર કર. બધી નદીઓમાં તારું સ્થાન શ્રેષ્ઠ થશે અને તારે શરણે આવેલાઓનું તું રક્ષણ કર.’

આમ બ્રહ્મા તો ઋષિનાં પ્રણામ, પૂજા અને સ્તુતિથી પ્રસન્ન થઈ અંતર્ધાન થઈ ગયા. પછી અગસ્ત્ય સમક્ષ પોતાના જ એક અંશ રૂપ દિવ્ય તેજોમૂર્તિ બતાવી આકાશગંગાએ કહ્યું, ‘મુનીશ્વર, આ મારો જ અંશ છે, પૃથ્વી પર પહોંચીને તે નદીમાં ફેરવાઈ જશે અને તમારી ઇચ્છા પાર પડશે.’

આમ કહી આકાશગંગા તો અંતર્ધાન થઈ ગઈ. પછી તેના અંશમાંથી પ્રગટેલી દિવ્ય મૂતિર્એ કહ્યું, ‘મુનિ, મારે કયા માર્ગે જવાનું છે?’

મુનિએ કહ્યું, ‘તું મારી પાછળ પાછળ આવ, તને રસ્તો દેખાડું છું.’ એમ કહી અગસ્ત્ય મુનિ રસ્તો દેખાડતાં દેખાડતાં આગળ ચાલવા માંડ્યા. નદી જોઈ ત્યાંના લોકો ખૂબ જ આનંદ પામ્યા. ‘અરે આપણા સૌભાગ્યથી અમૃત જેવું મીઠું અને શુદ્ધ જળ આપણને મળ્યું.’

પછી બ્રહ્માની આજ્ઞાથી બધા દેવતાઓના સાંભળતાં વાયુદેવ બોલ્યા, ‘આ નદી લોકોના સૌભાગ્યથી સુવર્ણની જેમ સાંપડી છે, મહર્ષિ અગસ્ત્ય તે આ નદીને પૃથ્વી પર લાવ્યા છે, પોતાના કલ કલ ધ્વનિથી બધી દિશાઓને મુખરિત કરી રહી છે એટલે તે સુવર્ણમુખરી નામે પ્રખ્યાત થશે, મોક્ષસંપત્તિ અર્પનાર તેજ વડે તેને લોકો પ્રશંસશે. આમ આ દિવ્ય નદી સ્નાન-પાન વગેરે દ્વારા બધા મનુષ્યોને સુખ પહોંચાડતી આ પૃથ્વી પર પ્રતિષ્ઠિત થઈ.

(ભૂમિવારાહ ખંડ)