ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/ઘટોત્કચના વિવાહની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઘટોત્કચના વિવાહની કથા


એક વેળા પાંડવો પોતાની સભામાં બેસી વાતો કરતા હતા ત્યારે ભીમપુત્ર ઘટોત્કચ ત્યાં આવ્યો, બધાએ તેને ભાવપૂર્વક આવકાર્યો. તેણે બધાને પ્રણામ કર્યા. યુધિષ્ઠિરે તેને ખોળામાં બેસાડી ખબરઅંતર પૂછ્યા. એટલે તેણે કહ્યું, ‘મામાના મૃત્યુ પછી મને સંહાિસન પર બેસાડ્યો છે. મારી માતા અત્યારે તપોરત છે. તેના સૂચનથી હું અહીં આવ્યો છું.’

થોડી વાતો કરીને ધર્મરાજે શ્રીકૃષ્ણને કહ્યું, ‘તમે તો જાણો છો કે આ પુત્ર જન્મીને તરત યુવાન થઈ ગયો હતો. હવે તેને કોઈ સારી પત્ની મળવી જોઈએ.’

શ્રીકૃષ્ણે આ સાંભળી કહ્યું, ‘તેને યોગ્ય એક કન્યા પ્રાગ્જ્યોતિષપુરમાં રહે છે. મુર નામના દૈત્યની પુત્રી છે. તે મારા હાથે મૃત્યુ પામ્યો હતો. તે મૃત્યુ પામ્યો એટલે તેની પુત્રી મારી સાથે યુદ્ધ કરવા આવી. મેં જેટલાં બાણ માર્યા તે બધાં મુરપુત્રીએ નિષ્ફળ બનાવ્યાં છેવટે મેં સુદર્શન ચક્ર ઉગામ્યું. તે જોઈને કામાખ્યા દેવીએ આવીને મને રોક્યો, ‘તમારે આનો વધ કરવો નહીં. મેં તેને આપેલાં શસ્ત્ર અજેય છે.’

મેં તેમને કહ્યું, ‘હું યુદ્ધ પડતું મૂકું છું. તમે આ કન્યાને સમજાવો.’

એટલે તેમણે તે કન્યાને મારો મહિમા સમજાવ્યો. ‘તું આ ભગવાનને યુદ્ધમાં જીતી નહીં શકે. તું તેમના ભાઈ ભીમસેનની પુત્રવધૂ થઈશ. તારા પિતાને માટે હવે તારે શોક નહીં કરવાનો, તે તો મૃત્યુ પછી વિષ્ણુધામમાં જતા રહ્યા છે.’

એટલે તે કન્યા શાંત થઈ અને તેણે મને પ્રણામ કર્યાં. હવે ત્યાંથી હું અહીં આવ્યો છું. આ કન્યા ઘટોત્કચ માટે યોગ્ય છે. હું તો તેનો સસરો થઉં એટલે તેના રૂપનું વર્ણન ન કરી શકું. વળી તેણે પ્રતિજ્ઞા કરી છે કે જે કોઈ મને એક પ્રશ્ન પૂછીને નિરુત્તર કરે અને મારા જેવો જ બળવાન હોય તે જ મારો પતિ થશે. જો ઘટોત્કચમાં આવી મૌર્વીને જીતવાનો ઉત્સાહ હોય તો તે તેની પત્ની થશે.’

તેની આવી પ્રતિજ્ઞા સાંભળીને ઘણા બધા દૈત્ય અને રાક્ષસ તેને જીતવા ગયા પણ મૌર્વીએ તે બધાને હરાવીને મારી નાખ્યા.

આ સાંભળી યુધિષ્ઠિરે કહ્યું, ‘ભગવાન, તેના બધા ગુણોને શું કરવાના? તેનામાં એક અવગુણ છે. જેમાં ઝેર ભળ્યું હોય તે દૂધને શું કરવાનું? જીવથીય વહાલા ભીમસેનકુમારને માત્ર સાહસ કરવા ખાતર આવા સંકટમાં કેવી રીતે મૂકી દેવાય? આ બિચારો તો એક પણ શુદ્ધ વાક્ય બોલી શકતો નથી. દેશમાં બીજી ઘણી સ્ત્રીઓ છે, એમાંથી કોઈ એકને પસંદ કરો ને!‘‘

આ સાંભળી ભીમસેન બોલ્યો, ‘ભગવાન શ્રીકૃષ્ણે જે કહ્યું છે તેનાથી ઘણાં પ્રયોજન પાર પડશે.મને ખાત્રી છે કે ઘટોત્કચ બહુ જલદી મૌર્વીને મેળવશે.’

અર્જુને કહ્યું, ‘કામાખ્યા દેવીએ મૌર્વીને કહ્યું છે કે ભીમસેનનો પુત્ર તારું પાણિગ્રહણ કરશે. એટલે મને લાગે છે કે ઘટોત્કચે ત્યાં વેળાસર જવું જોઈએ.’

ભગવાને કહ્યું, ‘અર્જુન, મને તારી અને ભીમની વાત પસંદ પડે છે. હિડિમ્બકુમાર, કહે જોઈએ, તું શું માને છે?’

ઘટોત્કચે કહ્યું, ‘વડીલોની આગળ પોતાના ગુણકીર્તન ગાવા નહીં. સૂર્યનાં કિરણ અને ઉત્તમ ગુણ વ્યવહારમાં આવીને જ પ્રકાશિત થાય છે. મારા નિર્મલ પિતા પાંડવોને મારે કારણે શરમાવું ન પડે તેવો પ્રયત્ન હું કરીશ.’

આમ કહી તેણે બધાને પ્રણામ કર્યાં. પિતૃઓ પાસેથી વિજયનો આશીર્વાદ પામીને ઉત્સાહિત થઈને ત્યાંથી નીકળવાનો વિચાર કર્યો. તે વેળા ભગવાને તેની પ્રશંસા કરી કહ્યું, ‘વાત કરતી વખતે વિજય અપાવનાર શ્રીકૃષ્ણનું એટલે કે મારું સ્મરણ કરી લેજે. એટલે હું તારી બુદ્ધિને સતેજ કરી દઈશ.’ એમ કહી શ્રીકૃષ્ણે તેને ગળે લગાડ્યો અને આશીર્વાદ આપીને તેને વિદાય કર્યો. પછી ઘટોત્કચ ત્રણ સેવકોની સાથે આકાશમાર્ગે નીકળી પડ્યો અને દિવસ આથમતાં પ્રાગ્જ્યોતિષપુરમાં આવ્યો.

ત્યાં જઈને તેણે એક વિશાળ વાટિકામાં સોનાનું એક ભવન જોયું. તે એક હજાર માળનું હતું. મેરુશિખરની જેમ શોભતા તે ભવનની પાસે જઈને જોયું તો કર્ણપ્રાવરણા નામની એક કન્યા ઊભી હતી. વીર ઘટોત્કચે તેને સુંદર વાણીમાં પૂછ્યું, ‘કલ્યાણી, મુરની પુત્રી ક્યાં છે? હું દૂર દેશથી તેને વરવા આવેલો અતિથિ છું. મારે તેમને મળવું છે.’

એ સાંભળી તે કન્યા હાંફળીફાંફળી મહેલની અગાસીએ બેઠેલી મૌર્વી પાસે જઈને બોલી, ‘દેવી, કોઈ સુંદર કુમાર કામનાની ઇચ્છા કરતો બારણે ઊભો છે. એના જેવો સુંદર પુરુષ ત્રિલોકમાં પણ કોઈ નહીં મળે. હવે મારે શું કરવું તેની મને આજ્ઞા આપો.’

મૌર્વીએ કહ્યું, ‘જા, જા, એને લઈ આવ, કદાચ દૈવની સહાયથી તેના વડે જ મારી પ્રતિજ્ઞા પૂરી પડે.’

એટલે તે કન્યા ઘટોત્કચની પાસે જઈને બોલી, ‘તે મૃત્યુરૂપા સ્ત્રી પાસે જલદી જાઓ.’

તેણે કહ્યું એટલે ઘટોત્કચ ધનુષબાણ ત્યાં જ મૂકીને હસતાં હસતાં ગયો. વીજળીની જેમ ચમકતી તે દૈત્યકન્યાને જોઈ વિચારવા લાગ્યો, ‘અરે, મારા પિતા જેવા શ્રીકૃષ્ણે મને યોગ્ય સ્ત્રી બતાવી છે.’

પછી તેણે મૌર્વીને કહ્યું, ‘અરે, વજ્ર જેવા હૃદયવાળી નિષ્ઠુર સ્ત્રી, હું અતિથિ થઈને તારે ત્યાં આવ્યો છું. હવે જે રીતે સ્વાગત કરવું હોય તે કર.’

ઘટોત્કચની આ વાત સાંભળીને કામકટંકટા તેના રૂપથી પ્રસન્ન થઈને અને પોતાની નિંદા કરતી બોલી, ‘તમે અહીં ખોટા આવી ચઢ્યા છો. અત્યારે જીવવું હોય તો સુખેથી ઘેર જતા રહો. જો મને ઇચ્છતા હો તો તરત જ કોઈ કથા કહેવા માંડો. કથા કહીને મને ભ્રમમાં નાખી શકો તો હું તમારા અંકુશમાં, પછી હું તમારી સેવા કરીશ.’

તેણે આમ કહ્યું એટલે ઘટોત્કચે આ સંપૂર્ણ જગત જેમની કથા છે તે શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને કથા કહેવા માંડી. કોઈ પત્નીના ગર્ભથી એક બાળકનો જન્મ થયો, તે યુવાન થયો એટલે ખૂબ જ અજિતેન્દ્રિય થયો. તે યુવકને એક પુત્રી થઈ અને તેની પત્ની મરી ગઈ. ત્યારે પિતાએ જ તે નાની પુત્રીની રક્ષા કરી અને તેને ઉછેરી. તે કન્યા જ્યારે યુવાન થઈ અને તેનાં બધાં અંગ જ્યારે વિકસિત થયાં ત્યારે તેના પિતાનું મન તેના પ્રત્યે કામલોલુપ થયું. તે પાપીએ પોતાની પુત્રીને કહ્યું, ‘પ્રિયે, તું મારા પડોશીની પુત્રી હતી. હું તને મારી પત્ની બનાવવા અહીં લાવ્યો અને તારું લાંબા સમય સુધી લાલનપાલન કર્યું. હવે તું મારી ઇચ્છા પાર પાડ.’ તેની આ વાત તે કન્યાએ માની લીધી. તેનો સ્વીકાર પતિ રૂપે કર્યો. પછી તેને એક પુત્રી જન્મી. હવે કહે તે કન્યા તે પુરુષની શું થાય? પુત્રી કે દૌહિત્રી? તારામાં આવડત હોય તો આ પ્રશ્નનો ઉત્તર આપ.’

આ પ્રશ્ન સાંભળીને તેણે અનેક રીતે વિચાર કર્યો પણ કશો નિર્ણય તે કરી ન શકી. આ પ્રશ્નથી તે હારી ગઈ એટલે મૌર્વીએ પોતાની શક્તિનો વિનિયોગ કર્યો. જ્યાં તે હાથમાં તલવાર લેવા ગઈ ત્યાં ઘટોત્કચે ઝડપથી તેના વાળ પકડીને ધરતી પર પાડી નાખી. પછી તેના ગળા પર ડાબો પગ મૂકીને જમણા હાથમાં છરી લીધી અને તેનું નાક કાપી નાખવાનો વિચાર કર્યો. મૌર્વીએ બહુ ઝાંવાં માર્યાં પણ છેવટે હારી જઈને બોલી, ‘હું તમારા પ્રશ્નથી, શક્તિ અને બળથી પરાજિત થઈ ગઈ છું. હવે તમારી દાસી. જેમ કહેશો તેમ કરીશ.’

ઘટોત્કચે કહ્યું, ‘ભલે, જો એમ છે તો હું તને જવા દઉં છું.’

આ સાંભળીને કામકટંકટાએ ફરી તેને પ્રણામ કરી કહ્યું, ‘મહાબાહુ, તમે મોટા વીર છો એ જાણી લીધું. ત્રિલોકમાં તમારા જેવો કોઈ વીર નથી. આ પૃથ્વી પર સાઠ કરોડ રાક્ષસોના સ્વામી છો. આ વાતો મને કામાખ્યા દેવીએ કહી હતી. તે હવે મને યાદ આવે છે. હું સેવકો અને આ ઘર સમેત તમારા શરણે. આજ્ઞા કરો, મારે શું કરવાનું છે?’

ઘટોત્કચે કહ્યું, ‘જેના પિતા, ભાઈબંધુ હોય તેમનો વિવાહ છાનોમાનો ન થાય. એટલે હવે તું મને ઇન્દ્રપ્રસ્થ લઈ જા. અમારા કુટુંબની આ પરંપરા છે. ત્યાં વડીલોની સંમતિ લઈને હું તારી સાથે વિવાહ કરીશ.’

પછી મૌર્વી અનેક પ્રકારની સાધનસામગ્રી લઈને ઘટોત્કચને પીઠ પર બેસાડી ઇન્દ્રપ્રસ્થ આવી. ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોએ ઘટોત્કચને આવકાર્યો અને ભીમકુમારે મૌર્વી સાથે લગ્ન કર્યું. કુન્તી અને દ્રૌપદી પુત્રવધૂને જોઈ પ્રસન્ન થયાં. પછી યુધિષ્ઠિરે ઘટોત્કચને પત્ની સાથે પોતાના રાજ્યમાં જવા કહ્યું. ઘટોત્કચ મૌર્વીને લઈને હિડિંબવનમાં ગયો. ત્યાં પત્ની સાથે ઘણો વિહાર કર્યો અને કાળક્રમે તેને ત્યાં એક બાળકનો જન્મ થયો. જન્મતાંની સાથે જ તે યુવાન થઈ ગયો અને માતાપિતાને પ્રણામ કરી કહેવા લાગ્યો, ‘બાળકના પહેલા ગુરુ તો માતાપિતા એટલે તમે મારું નામ પાડો.’

ઘટોત્કચને ગળે લગાવી કહ્યું, ‘તારા વાળ વાંકડિયા છે એટલે તારું નામ બર્બરીક. તું કુળની કીર્તિ વધારીશ.’

પછી ઘટોત્કચ પત્ની અને પુત્રને લઈ દ્વારકા ગયો.

શ્રીકૃષ્ણે બર્બરીકને મહીસાગર સંગમતીર્થમાં આવેલા ગુપ્તક્ષેત્રમાં જઈ ત્યાં વસતી નવ દુર્ગાની આરાધના કરવા કહ્યું. તેમની વાત માનીને તેણે દુર્ગાઓની આરાધના કરવા માંડી એટલે તે દેવીઓએ પ્રસન્ન થઈને તેને ત્રણે લોકમાં કોઈની પાસે ન હોય એવું અતુલ્ય બળ આપ્યું, ત્યાં થોડો સમય રહેવા કહ્યું. થોડા સમયે ત્યાં મગધ દેશમાંથી બ્રાહ્મણ વિજય ત્યાં આવ્યા અને તેમણે પણ દેવીઓની આરાધના કરી. દેવીઓએ તેને સ્વપ્નમાં કહ્યું, ‘તું સિદ્ધમાતા સમક્ષ સંપૂર્ણ વિદ્યાઓની આરાધના કર, આ કામમાં ભક્ત સુહૃદય તારી સહાય કરશે.’

આ વાત સાંભળી વિજયે દેવીઓને પ્રણામ કરી સુહૃદયને કહ્યું, ‘તું નિદ્રારહિત થઈને દેવીના સ્તોત્રનો પાઠ કર ત્યાં સુધી હું વિદ્યાસાધના કરું, કોઈ વિઘ્ન ન આવે તે જોજે.’

વિજયની વાત સાંભળીને મહાબળવાન બર્બરીક ત્યાં ઊભો રહીને વિઘ્ન ન નડે તે જોવા લાગ્યો. વિજય ગુરુજન, ગણપતિ, વાસુદેવ, વિષ્ણુ અને બીજાઓની સ્તુતિ કરવા લાગ્યો. તે દરમિયાન રાત્રિના પહેલા પ્રહરમાં આવી ચઢેલી એક રાક્ષસીને બર્બરીકે ભગાડી મૂકી. પછી બીજું વિઘ્ન ઊભું થયું તેનું નિવારણ પણ તેણે કર્યું. પછી એક રેપલેન્દ્ર નામનો દાનવ વિજય સામે દોડ્યો. તેનું શરીર એક યોજન લાંબું હતું. તેને સો સો પેટ અને મસ્તક હતાં. તેના મોઢામાંથી અગ્નિજ્વાળાઓ નીકળતી હતી. તેને જોઈને બર્બરીક સામે થયા. બંનેનું યુદ્ધ ચાલ્યું. પછી બર્બરીકે તેને ભૂમિ પર પાડીને બહુ રગદોળ્યો અને છેવટે તે મૃત્યુ પામ્યો. આમ કરીને તે પાછો વિજયનું રક્ષણ કરવા ઊભો રહી ગયો. ત્રીજા પ્રહરે પશ્ચિમ દિશાએથી પર્વતાકાર એક રાક્ષસી આવી. તે મોટે મોટેથી ગર્જના કરતી અને પગ વડે ધરતીને ધમધમાવતી આવી ચઢી. તેનું નામ દ્રુહદ્રુહા. તેને આવતી જોઈ સૂર્ય અને અગ્નિ સમાન તેજસ્વી બર્બરીક સામે પહોંચી ગયો. તેણે હસતાં હસતાં રસ્તો રોકી લીધો અને રાક્ષસીને મુક્કા મારીને ધરતી પર પાડી નાખી. પછી ગળું દબાવીને મારી નાખી. ફરી પાછો તે રક્ષણ કરવા ઊભો રહી ગયો. ચોથા પ્રહરમાં મુંડન કરાવેલો એક નકલી સંન્યાસી દિગંબર અવસ્થામાં આવી ચઢ્યો. તેણે તો બહુ મોટા વ્રતધારીનો વેશ ધારણ કર્યો હતો. આવતાંવેંત તે બોલ્યો, ‘અરે ભાઈ, આ તો ભારે કષ્ટની વાત. અહિંસા જ પરમ ધર્મ. આ આગ કેમ પ્રગટાવી છે? આગમાં હવન કરતી વેળા સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે.’

તેની વાત સાંભળીને બર્બરીકે કહ્યું, ‘અગ્નિમાં આહુતિ આપવાથી દેવો તૃપ્ત થાય છે. દુર્બુદ્ધિ પાપી, તું જૂઠું બોલે છે. એટલે શિક્ષાને પાત્ર છે.’ એમ કહી બર્બરીક તેની સામે ઊભો રહી ગયો અને મુક્કા મારીને તેના બધા દાંત પાડી નાખ્યા. વાસ્તવમાં તે એક દૈત્ય હતો. થોડી વારે સ્વસ્થ થઈને ડરી જઈને તે ભાગ્યો અને એક ગુફામાં ભરાઈ ગયો. બર્બરીકે તેનો પીછો કર્યો, પણ તે દૈત્ય વાયુવેગી બનીને પાતાળમાં પેસી ગયો. સાઠ યોજન વિસ્તારવાળી બહુપ્રભા નામની નગરીમાં તે રહેતો હતો. બર્બરીક તેનો પીછો કરતો ત્યાં પણ જઈ ચઢ્યો.તેને જોઈને પલાશી નામના દૈત્યો દોડો, મારો, કાપોની બૂમો પાડવા લાગ્યા. આ સાંભળીને નવ કરોડ ભયાનક દૈત્ય વીર બર્બરીક પર તૂટી પડ્યા. આ જોઈ ઘટોત્કચપુત્ર ક્રોધે ભરાયો અને કેટલાકને પગ વડે, કેટલાકને હાથ વડે, કેટલાકને છાતીના ધક્કાથી મારવા માંડ્યો અને છેવટે તેમને યમલોકમાં મોકલી દીધા.

દૈત્યો મૃત્યુ પામ્યા એટલે વાસુકિ અને બીજા નાગ ત્યાં આવ્યા, ‘ભીમપૌત્ર, તમે નાગલોકો ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. આ પલાશી દૈત્યનો અને તેના સાથીઓનો તમે વિનાશ કર્યો છે. આ દુરાત્માએ પોતાના સેવકોની સહાયથી જાતજાતના ઉપાયો વડે અમને ભારી યાતના પહોંચાડી હતી. અમને છેક નીચે મોકલી દીધા હતા. હવે તમે કોઈ વરદાન માગો.’

બર્બરીકે કહ્યું, ‘નાગલોકો, જો તમે વરદાન આપવા માગતા જ હો તો વિજય બધા જ પ્રકારનાં વિઘ્નોથી મુક્ત થઈ સિદ્ધિ પ્રાપ્ત કરે.’

નાગલોકોએ પ્રસન્ન થઈને તેને તે વરદાન આપ્યું. પછી તે નાગલોકોને દૈત્યપુરી આપીને પાછો ફર્યો. તેણે દરમાંથી નીકળતી વેળાએ જોયું કે કલ્પવૃક્ષ નીચે એક સર્વરત્નમય લંગિ હતું. તેમાંથી ચારે બાજુએ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો અને ઘણી બધી નાગકન્યાઓ તેની પૂજા કરી રહી હતી. આ જોઈને તેને અચરજ થયું. તેણે નાગકન્યાઓને પૂછ્યું, ‘સૂર્ય અને અગ્નિ સમાન આ શિવલંગિની સ્થાપના કોણે કરી છે? આ શિવલંગિથી ચારે દિશાઓમાં જતા માર્ગોનો પરિચય આપો.’

બર્બરીકની વાત સાંભળીને નાગકન્યાઓએ સંકોચવશ કહ્યું, ‘નાગરાજ શેષે તપ કરીને અહીં આ મહાલંગિની સ્થાપના કરી છે. આનાં દર્શન, પૂજન, સ્પર્શ અને ધ્યાનથી બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, અહીંથી પૂર્વ દિશાએ જતો માર્ગ ભૂલોકમાં શ્રી પર્વત સુધી જાય છે. નાગલોકો સુવિધાપૂર્વક આવજા કરી શકે શકે એટલે એલાપત્ર નાગે આ માર્ગનું નિર્માણ કર્યું હતું. દક્ષિણ દિશામાં જતો માર્ગ પૃથ્વી પરના શૂર્પારક ક્ષેત્ર સુધી જાય છે. આ માર્ગ કર્કોટક નાગે બનાવડાવ્યો હતો. પશ્ચિમે જતો આ માર્ગ પ્રભાસ સુધી જાય છે, તે માર્ગ નાગોની યાત્રા માટે ઐરાવતે બનાવડાવ્યો છે. આમ જ ઉત્તરમાંથી નીકળતો માર્ગ પૃથ્વી પર કુરુક્ષેત્ર સુધી જાય છે. જ્યાં તમે ઊભા છો તે માર્ગ લંગિની ઉપરથી જાય છે તે ગુપ્ત ક્ષેત્રમાં સિદ્ધલંગિ સુધી જાય છે. આ માર્ગ સ્વામી સ્કંદે પોતાની શક્તિનો પ્રહાર કરી બનાવ્યો છે. આ બધી વાતો તમને અમે જણાવી. હવે તમે કોણ છો તે કહો. હમણાં તો તમે દૈત્યનો પીછો કરતા હતા અને અત્યારે તમે એકલા આવ્યા છો. શું થયું? અમે બધી તમને પરણવા માગીએ છીએ. તમારી દાસીઓ. તમે અમારી સાથે અહીંનાં વિવિધ સ્થળે વિહાર કરો.’

બર્બરીકે કહ્યું, ‘દેવીઓ, સાંભળો. હું કુરુવંશી, અને પાંડુનંદન ભીમસેનનો પૌત્ર બર્બરીક. હું એ દૈત્યને મારવા આવ્યો હતો. તે પાપી દૈત્ય મૃત્યુ પામ્યો, હવે હું પૃથ્વી પર પાછો જઉં છું. તમારી સાથે મારો કોઈ મેળ નહીં ખાય કારણ કે સદા બ્રહ્મચારી રહેવાનું મારું વ્રત છે.’

આમ કહી બર્બરીકે તે શિવલંગિનું પૂજન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી તે કન્યાઓના દેખતાં દેખતાં પૃથ્વીના માર્ગે ચાલી નીકળ્યો. તેમાંથી બહાર આવીને પૂર્વ દિશાનું મુખ પ્રકાશિત જોયું, પછી વિજયને મળ્યો. ત્યાં સુધીમાં વિજય પોતાનું કામ પૂરું કરીને બેઠો હતો. તેણે બર્બરીકને કહ્યું, ‘તારા સહકારથી મેં અનુપમ સિદ્ધિ મેળવી છે. તું ચિરંજીવી થા, આનંદ કર અને દાન આપ. મારા હોમકુંડમાં સંદુિર જેવી લાલ રંગની સાત્ત્વિક ભસ્મ છે. તે લે. યુદ્ધભૂમિમાં આનો છંટકાવ કરવાથી શત્રુના સ્થાને મૃત્યુ આવે તો પણ તેને ભસ્મ કરી નાખશે. તું આ રીતે શત્રુઓ પર વિજય મેળવી શકીશ.’

બર્બરીકે કહ્યું, ‘જે કશી અપેક્ષા વિના કોઈનો ઉપકાર કરે તો તે સાધુ કહેવાય. કોઈ વાતની ઇચ્છા રાખીને ઉપકાર કરે તો એની સાધુતાનો કયો અર્થ? એટલે આ ભસ્મ કોઈ બીજાને આપી દેજો. મારે એનું કામ નથી. હું તો તમને માત્ર પ્રસન્ન મુખ જોવા માગું છું.’

પછી દેવીઓ સમેત દેવતાઓએ વિજયને સિદ્ધૈશ્વર્ય આપ્યું અને તેનું નામ સિદ્ધસેન પાડ્યું.

ત્યાર પછી પાંડવો દ્યૂતમાં હારી ગયા. અને વિવિધ તીર્થોમાં ફરતા ફરતા તે શુભ તીર્થમાં સ્નાન કરવા આવી પહોંચ્યા. ત્યાં ચંડિકાદેવીનું દર્શન કરીને માર્ગનો થાક ઉતારવા ત્યાં જ બેઠા. તેમની સાથે દ્રૌપદી પણ હતી. તે સમયે ચંડિકાગણ પણ હતો. બર્બરીકે તે પાંડવોને જોયા ખરા પણ બંને એકબીજાને ઓળખતા ન હતા. પાંડવોએ તરસને લીધે, પાણી સામે જોયું. ભીમસેન પાણી પીવા કુંડમાં ઊતર્યો. ત્યારે યુધિષ્ઠિરે તેને કહ્યું, ‘તું કુંડમાંથી પાણી લઈ બહાર જ હાથપગ ધોઈ લેજે. નહીંતર તને પાપ લાગશે.’

ભીમસેન તરસે આકળવિકળ થઈ ગયો હતો. તેણે યુધિષ્ઠિરની વાત સાંભળી જ નહીં, અને કુંડમાં પેઠો. શુદ્ધિ કરવા મોં, હાથપગ ધોયા. તે જ્યારે આમ પગ ધોઈ રહ્યો હતો ત્યારે બર્બરીકે કહ્યું, ‘અરે દુર્મતિ, આ શું કરો છો? તમે તો પાપી છો. તમે દેવીના કુંડમાં હાથપગ, મોં ધોઈ રહ્યા છો. હું દેવીને સદા આ જ પાણીથી સ્નાન કરાવું છું. મળથી દૂષિત જળને તો માણસો સુધ્ધાં અડકતા નથી પછી દેવતા તો એનો સ્પર્શ કરશે કેવી રીતે? તમે જો આટલા બધા મૂઢ હો તો તીર્થયાત્રા શા માટે કરો છો?’

ભીમસેન બોલ્યા, ‘અરે રાક્ષસાધમ, તું આટલી કઠોર વાણી કેમ ઉચ્ચારે છે? પાણીનો બીજો કયો ઉપયોગ છે? પાણી તો પ્રાણીઓના લાભાર્થે તો છે. મોટા મોટા મુનિઓ પણ તીર્થસ્નાન કરવા કહે છે. અંગ શુદ્ધ કરીએ તે જ સ્નાન. તું મારી નિંદા કેમ કરે છે? જો સ્નાન ન કરીએ તો ધર્મનું અનુષ્ઠાન કેવી રીતે કરો? લોકો શા માટે કૂવા, વાવ, તળાવ બંધાવે છે?’

બર્બરીક આ સાંભળી બોલ્યો, ‘તમારી વાત સાચી કે મુખ્ય તીર્થોમાં સ્નાન કરવું જોઈએ. પરંતુ નદી જેવાનું પાણી વહેતું હોય છે, એમાં પ્રવેશીને સ્નાન કરવું જોઈએ. કુંડ જેવામાં પહેલાં બહાર જ હાથપગ ધોઈને પછી જ કુંડમાં સ્નાન કરવું જોઈએ. બ્રહ્માએ કહેલી વાત શું ભૂલી ગયા છો? જે પાણીમાં મળમૂત્ર, વિષ્ટા, થૂંક, કોગળા કરે છે તે બ્રહ્મહત્યારો છે. એટલે દુરાચારી, બહાર નીકળો. જો તમારી ઇન્દ્રિયો તમારા વશમાં નથી તો તીર્થોમાં શા માટે ભમો છો? જેના હાથપગ, અને મન સંયમમાં હોય અને જેની ક્રિયાઓ નિવિર્કાર ભાવથી થતી હોય તે જ તીર્થનું ફળ પામે છે. મનુષ્ય પુણ્ય કરીને બે ઘડી પણ જીવતો રહે તો તે ઉત્તમ. પરંતુ પાપકર્મ કરતાં એક કલ્પ જીવે તો એનો કશો અર્થ નથી.’

આ સાંભળી ભીમસેને કહ્યું, ‘કાગડાની જેમ બોલી બોલીને તેં મારા કાન પકવી દીધા. હવે તું કકળાટ કર્યા કર કે ચંતાિ કરીને સુકાઈ જા, હું તો પાણી પીને જ રહીશ.’

બર્બરીક બોલ્યો, ‘હું ધર્મરક્ષા કરનારા ક્ષત્રિય કુળમાં જન્મ્યો છું એટલે તમને કોઈ રીતે પાપ કરવા નહીં દઉં. અમારા આ કુંડમાંથી બહાર નીકળો, નહીં તો પથરા મારી મારીને તમારું માથું ફોડી નાખીશ.’

આમ કહીને બર્બરીકે ભીમના માથા પર પથરા ફેંકવા માંડ્યા. ભીમસેન પથરાના ઘા ચુકાવીને સરોવરમાંથી બહાર આવ્યા અને બંને એકબીજા સાથે બાથ ભીડીને બેઠા. બંને યુદ્ધવિદ્યાના નિષ્ણાત હતા. બંને હાથ વડે લડવા લાગ્યા. બે જ ઘડીમાં ભીમ તે રાક્ષસ આગળ ઝાંખા પડ્યા. છેવટે બર્બરીકે ભીમસેનને ઉઠાવ્યા અને પાણીમાં ફેંકવા તૈયાર થયા. સમુદ્રકિનારે પહોંચ્યા ત્યારે ભગવાન શંકરે આકાશમાં ઊભા રહીને કહ્યું, ‘રાક્ષસશ્રેષ્ઠ બર્બરીક, આ ભરતકુળના રત્ન અને તારા પિતામહ ભીમસેન છે. તીર્થયાત્રા કરવા ભાઈઓ અને દ્રૌપદી સાથે નીકળ્યા છે. તારે એમનું સમ્માન કરવું જોઈએ.’

ભગવાનની વાત સાંભળીને બર્બરીક ભીમસેનને નીચે મૂકી દઈને તેમને પગે પડ્યો, ‘અરે મને ધિક્કાર છે, ધિક્કાર છે. પિતામહ, મને ક્ષમા કરી દો.’

વારે વારે નમન કરતા બર્બરીકને ભીમસેને ગળે લગાવ્યો અને કહ્યું, ‘જન્મ્યા પછી ન તું અમને ઓળખે, ન અમે તને ઓળખીએ. માત્ર ઘટોત્કચ અને શ્રીકૃષ્ણ પાસેથી સાંભળ્યું હતું કે તું આ તીર્થમાં રહે છે. પરંતુ આ બધું પણ અમે ભૂલી ગયા હતા. જે લોકો અનેક પ્રકારનાં દુઃખ વેઠે છે તેમની બધી સ્મરણશક્તિ નાશ પામે છે. અમારા પર જે દુઃખ આવ્યું તે કાળની પ્રેરણાથી. તું એનો શોક ન કર. તારો એમાં જરાય દોષ નથી. કુમાર્ગે જનારને દંડ આપવો જ જોઈએ. જો પોતે કુમાર્ગે જતો હોય તો તેણે પોતાને પણ દંડ આપવો જોઈએ. પછી સ્વજનોની બાબતમાં કહેવાનું શું? આજે મને બહુ આનંદ થાય છે, હું અને અમારા પૂર્વજો ધન્ય થઈ ગયા. અમારો પુત્ર આવો ધર્મજ્ઞ છે. તને અમારે કોઈ વર આપવો જોઈએ. તું મારા અને બીજાઓને માટે પ્રશંસનીય છે. હવે તું સ્વસ્થ થઈ જા.’

બર્બરીકે કહ્યું, ‘હું પાપી છું. બ્રહ્મહત્યા કરતાંય મોટું પાપ મેં કર્યું છે. તમે મારી સામે ન જોતા અને મારો સ્પર્શ ન કરતા. જે માતાપિતાનો ભક્ત નથી તેનો કશો ઉદ્ધાર ન થાય. જે શરીર વડે મેં પિતામહને દુઃખ પહોંચાડ્યું છે તે શરીરને આજે મહીસાગરસંગમમાં ફેંકી દઈશ. નહીંતર બીજા જન્મોમાં પણ હું પાપ કરીશ.’

આમ કરીને તે તો સમુદ્રમાં જઈને કૂદ્યો. હું આની હત્યા કેવી રીતે કરું એમ વિચારી સમુદ્ર કાંપી ઊઠ્યો. પછી સિદ્ધાંબિકા અને ચારેય દિશાઓની દેવીઓ રુદ્ર સાથે આવી અને તેને આલંગીિને કહેવા લાગી, ‘અજાણતાં થયેલું પાપ દોષિત નથી બનાવતું. તારે હવે કોઈ ગેરવર્તાવ કરવો ન જોઈએ. જો તારી પાછળ પુત્ર પુત્ર બોલતા ભીમસેન આવી રહ્યા છે. તારું મૃત્યુ થાય તો તેઓ પણ આત્મહત્યા કરી દેશે. જો તું આપઘાત કરીશ તો તેઓ પણ આપઘાત કરશે. પછી તો તને વધારે પાપ લાગશે. તું શરીર ટકાવી રાખ. થોડા જ સમય પછી દેવકીપુત્ર શ્રીકૃષ્ણ તારો વધ કરશે. તે સાક્ષાત્ વિષ્ણુ છે અને તેમના હાથે મૃત્યુ પામવું એ તો મુક્તિદાયક છે. એટલે તું એ સમયની રાહ જો અને અમારી વાત માન.’

દેવીઓએ આમ કહ્યું એટલે બર્બરીક ઉદાસ ચિત્તે પાછો આવ્યો. ‘બર્બરીક ચંડિકાની કાર્યસિદ્ધિ માટે ભારે યુદ્ધ કરશે એટલે સંસારમાં તે ચંડિલ નામથી જાણીતો થશે.’ એમ કહી તે દેવીઓ અંતર્ધાન થઈ ગઈ. ભીમસેન બર્બરીકને લઈને આવ્યા. અને બધા પાંડવોને સમાચાર આપ્યા. બધાને સાંભળીને નવાઈ લાગી. બધાએ તેની અવારનવાર પ્રશંસા કરી અને પછી વિધિ પ્રમાણે સ્નાન કર્યું.

પાંડવોના વનવાસને તેર વર્ષ પૂરાં થયાં એટલે બધા રાજા ઉપલવ્ય નામના સ્થળે યુદ્ધ કરવા ભેગા થયા. પાંડવો પણ કુરુક્ષેત્રમાં આવ્યા. દુર્યોધન વગેરે તો પહેલેથી જ ત્યાં હતા. તે સમયે ભીષ્મપિતામહે રથી અને અતિરથીની ગણના કરી. તેમના બધા સમાચાર ગુપ્તચરો દ્વારા જાણીને યુધિષ્ઠિરે પોતાના પક્ષે લડતા રાજાઓની વચ્ચે શ્રીકૃષ્ણને કહ્યું, ‘વાસુદેવ, પિતામહ ભીષ્મે રથી અને અતિરથીની સંખ્યા ગણી છે. તે સાંભળીને દુર્યોધને પોતાના પક્ષના મહારથીઓને પૂછ્યું કે કયો વીર કેટલા સમયમાં સેના સમેત પાંડવોનો વધ કરી શકશે ત્યારે પિતામહ ભીષ્મે અને કૃપાચાર્યે એક મહિનામાં અમને બધાને મારી નાખવાની પ્રતિજ્ઞા કરી છે. દ્રોણાચાર્યે પંદર દિવસમાં, અશ્વત્થામાએ દસ દિવસમાં અને મને હંમેશાં ભયભીત કરનારા કર્ણે છ દિવસમાં સેના સહિત પાંડવોને મારવાની ઘોષણા કરી છે. હવે આ જ પ્રશ્ન હું આપણા પક્ષના મહારથીઓને કરું છું: કોણ કેટલા સમયમાં કૌરવોને તેમની સેના સમેત પરાજિત કરશે?’

આ સાંભળી અર્જુને કહ્યું, ‘ભીષ્મ વગેરેએ જે વાત કરી છે તે સાવ અસંગત છે. યુદ્ધમાં પહેલેથી આમ માનવું એ ખોટું પડી શકે. આપણા પક્ષમાં પણ રાજાઓ કમર કસીને યુદ્ધ કરવા ઊભા છે. દ્રુપદ, વિરાટ, કૈકેય, સહદેવ, સાત્યકિ, ચેકિતાન, ધૃષ્ટદ્યુમ્ન, ઘટોત્કચ, ભીમસેન અને કોઈનાથી પરાજિત ન થનારા શ્રીકૃષ્ણ. મારી દૃષ્ટિએ તો આમાંનો એક એક વીર સમગ્ર કૌરવસેનાને પરાજિત કરી શકે. એમને જોઈને જેવી રીતે સિંહને જોઈ હરણ ભાગી જાય તેવી રીતે કૌરવો ભાગી જશે. વૃદ્ધ ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય કે અશ્વત્થામાનો ડર શા માટે? તમારા ચિત્તની શાંતિ માટે હું કહું કે હું એકલો જ યુદ્ધમાં કૌરવોની સમગ્ર સેનાને એક જ દિવસમાં હરાવી શકું.’

ઘટોત્કચપુત્ર બર્બરીકે આ સાંભળી કહ્યુું, ‘મહાત્મા અર્જુને જે વાત કરી તે મારાથી ન વેઠાઈ. આ તો બીજા વીરોનું અપમાન કહેવાય. અર્જુન અને શ્રીકૃષ્ણ બધા એક બાજુએ ઊભા રહો, હું એક જ મુહૂર્તમાં ભીષ્મ વગેરેને યમલોકમાં મોકલી શકું. મારા ભયાનક ધનુષને, આ અક્ષય ભાથાને, ભગવતી સિદ્ધાંબિકાએ આપેલી આ તલવારને તમે જુઓ. આવી દિવ્ય વસ્તુઓ મારી પાસે છે. હું આમ બધાને જીતી શકું.’

બર્બરીકની વાત સાંભળીને બધા ક્ષત્રિયોને નવાઈ લાગી. અર્જુને પણ સંકોચ પામીને શ્રીકૃષ્ણ સામે જોયું. શ્રીકૃષ્ણે કહ્યું, ‘પાર્થ, બર્બરીકે પોતાની શક્તિ પ્રમાણે આ વાત કહી છે. એના વિશે ઘણી અચરજભરી વાતો સાંભળી છે. પાતાલમાં જઈને પલાશી નામના દૈત્યને કરોડો દૈત્યો સમેત મારી નાખ્યો હતો.’

પછી શ્રીકૃષ્ણે બર્બરીકને પૂછ્યું, ‘આટલા બધા મહારથીઓવાળી કૌરવસેના પર વિજય મેળવવો મહાદેવ માટે પણ અઘરું છે, તો તું કેવી રીતે મારી શકે? તારી પાસે એવું તે શું છે?’ સમગ્ર જીવજગતના અધીશ્વર શ્રીકૃષ્ણે આમ પૂછ્યું એટલે સિંહ સમાન વક્ષસ્થળ, પર્વતાકાર શરીર અને અતુલ્ય બળ ધરાવતા અને અનેક આભૂષણો પહેરેલા બર્બરીકે તરત જ ધનુષ ચઢાવ્યું અને બાણ તાક્યું. પછી તેણે તે બાણને લાલ રંગની ભસ્મ વડે રંગી દીધું અને પણછ કાન સુધી ખેંચીને છોડ્યું. તે બાણમાંથી જે ભસ્મ ઊડી તે બંને સેનાઓના મર્મસ્થાન પર પડી માત્ર પાંચ પાંડવ, કૃપાચાર્ય અને અશ્વત્થામાના શરીરને તેનો સ્પર્શ ન થયો. આ કરીને બર્બરીકે બધાને કહ્યું, ‘તમે જોયું ને કે આમ કરીને મેં બધાનાં મર્મસ્થાનોનું નિરીક્ષણ કરી લીધું છે. હવે તે મર્મસ્થાનોમાં દેવીએ આપેલા તીક્ષ્ણ અને અમોઘ બાણ હું મારીશ, એટલે બધા યોદ્ધા ક્ષણવારમાં મૃત્યુ પામશે. તમને બધાને તમારા ધર્મના સોગંદ, તમે શસ્ત્ર સજ્જ ન કરતા. હું બધા શત્રુઓને તીક્ષ્ણ બાણો વડે મારી નાખીશ.’

આ સાંભળી યુધિષ્ઠિર વગેરેના મનમાં બહુ અચરજ થયું. બધા બર્બરીકને ધન્યવાદ આપવા લાગ્યા. બહુ ઘોંઘાટ થવા લાગ્યો. બર્બરીકે આ વાત કહી એટલે શ્રીકૃષ્ણે ક્રોધે ભરાઈ પોતાના સુદર્શન ચક્ર વડે બર્બરીકનું મસ્તક છેદી નાખ્યું. બધા આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. એક બીજાને કહેવા લાગ્યા, ‘આ શું થઈ ગયું? ઘટોત્કચપુત્ર કેવી રીતે મરી ગયો?’ પાંડવ પણ બીજા રાજાઓ સહિત અશ્રુપાત કરવા લાગ્યા. ઘટોત્કચ તો અરે પુત્ર, અરે પુત્ર એમ કહી વિલાપ કરવા લાગ્યો. તે સમયે સિદ્ધામ્બિકા સાથે ચૌદ દેવીઓ ત્યાં આવી અને તેમણે ઘટોત્કચને ધીરજ બંધાવી. ‘બધા રાજાઓ સાંભળો. ભગવાન શ્રીકૃષ્ણે મહાબળવાન બર્બરીકનો વધ શા માટે કર્યો તે હું તમને જણાવું છું. ભૂતકાળની કથા છે: મેરુપર્વતના શિખર પર બધા દેવતા એકઠા થયા હતા. ત્યાં ભારથી અકળાતી પૃથ્વીએ ત્યાં જઈ દેવતાઓને પોતાનો ભાર ઉતારવા કહ્યું, એટલે બ્રહ્માએ ભગવાન વિષ્ણુને કહ્યું, ‘ભગવન્, મારી પ્રાર્થના સાંભળો. તમે જ પૃથ્વીનો ભાર ઉતારો, આમાં દેવતાઓ તમારી સાથે જ છે.’ ભગવાને એમાં સંમતિ આપી. તે વેળા સૂર્યવર્ચા નામના યક્ષરાજે પોતાનો હાથ ઉપર ઉઠાવીને કહ્યું, ‘હું છું પછી તમે મનુષ્યલોકમાં શા માટે જન્મ લો છો? હું એકલો જ અવતાર લઈને પૃથ્વીના બધા જ દૈત્યોનો સંહાર કરીશ.’

સૂર્યવર્ચાએ આવું કહ્યું એટલે બ્રહ્મા ક્રોધે ભરાયા અને બોલ્યા, ‘દુમતિ, આ પૃથ્વીનો ભાર દેવતાઓ માટે પણ અસહ્ય છે. તો તું છકી જઈને એકલો આ કામ પાર પાડવા માગે છે? પૃથ્વીનો ભાર ઉતારવા જતાં યુદ્ધનો આરંભ થશે અને તે વેળા શ્રીકૃષ્ણ તારો નાશ કરશે. એમાં જરાય શંકા નથી.’ બ્રહ્માની વાત સાંભળીને સૂર્યવર્ચાએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ‘ભગવાન, જો મારા શરીરનો નાશ થવાનો જ છે તો એક પ્રાર્થના. બધા જ અર્થ સિદ્ધ થાય એવી બુદ્ધિ મને જન્મથી જ સાંપડે. ‘ભગવાન વિષ્ણુએ દેવસભામાં આ વરદાન આપ્યું, ‘દેવીઓ તારા મસ્તકની પૂજા કરશે. તું પૂજ્ય થઈશ.’ ભગવાને આવું કહ્યું એટલે આ સૂર્યવર્ચા અને બધા દેવતાઓ પૃથ્વી પર અવતર્યા. સૂર્યવર્ચા ઘટોત્કચનો પુત્ર હતો. એટલે શ્રીકૃષ્ણનો વાંક કાઢવો નહીં.’

પછી ભગવાને કહ્યું, ‘દેવીએ જે કહ્યું તે સાચું જ છે. મેં દેવસભામાં સૂર્યવર્ચાને જે વરદાન આપ્યું હતું તે યાદ કરીને ગુપ્તક્ષેત્રમાં દેવીની આરાધના કરવા મેં એને કામ સોંપ્યું હતું.’ પછી ચંડિકાને ભગવાને કહ્યું, ‘આ ભક્તનું મસ્તક છે. તેને અમૃતથી સીંચો અને રાહુના મસ્તકની જેમ તેને અજરઅમર બનાવી દો.’ દેવીએ એ પ્રમાણે કર્યું. જીવિત થઈને તે મસ્તકે ભગવાનને પ્રણામ કર્યાં અને કહ્યું, ‘હું યુદ્ધ જોવા માગું છું. મને સંમતિ આપો.’

ભગવાને મેઘ જેવા ગંભીર સાદે કહ્યું, ‘આ પૃથ્વી, નક્ષત્ર, ચન્દ્ર અને સૂર્ય રહેશે ત્યાં સુધી બધા લોકો તારી પૂજા કરશે. હવે તું આ પર્વતશિખર પર ચઢી જા અને ત્યાંથી થનારા યુદ્ધને જોજે.’

ભગવાને આ વાત કરી પછી બધી દેવીઓ અંતર્ધાન થઈ ગઈ. બર્બરીકનું મસ્તક પર્વતશિખરે સ્થિર થયું. ધરતી પર રહેલા એના શરીરના અંતિમ સંસ્કાર કર્યા. પછી કૌરવ અને પાંડવ વચ્ચે અઢાર દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં દ્રોણ, કર્ણની સાથે નિર્દય દુર્યોધન પણ માર્યો ગયો. બાંધવજનોની વચ્ચે બેસીને યુધિષ્ઠિરે કહ્યું, ‘હે ભગવાન શ્રીકૃષ્ણ, આ મહાયુદ્ધમાંથી તમે જ અમને પાર ઉતાર્યા છે, હે પુરુષોત્તમ, તમને નમસ્કાર.’ ભીમસેન બહુ ભોળા હતા, તેમને ભાઈની વાત ન ગમી એટલે જરા અસહિષ્ણુ થઈને કહ્યું, ‘રાજન્, ધૃતરાષ્ટ્રના પુત્રોને તો મેં માર્યા, તમે મને બાજુએ મૂકીને પુરુષોત્તમ, પુરુષોત્તમ કર્યા કરો છો. શ્રીકૃષ્ણની આટલી બધી પ્રશંસા કેમ કરો છો? સાત્યકિ, અર્જુન, ધૃષ્ટદ્યુમ્ન: આ બધાએ યુદ્ધમાં પરાક્રમ કરી વિજય અપાવ્યો છે. એ બધાને બાજુએ મૂકીને તમે આમ કહો છો.’

ભીમસેનની આ અનુચિત વાત સાંભળી અર્જુનથી રહેવાયું નહીં, એટલે તેમણે ભીમસેનને કહ્યું, ‘ભાઈ, આમ ન બોલો. તમે શ્રીકૃષ્ણને સાચી રીતે જાણતા નથી. મારા, તમારા કે કોઈનાથીય શત્રુનો વધ થયો નથી. યુદ્ધ દરમિયાન હું સતત જોતો હતો કે મારી આગળ આગળ શત્રુઓનો વધ કરતો કોઈ પુરુષ જઈ રહ્યો છે. મને ખબર નથી કે તે કોણ હતો.’

ભીમસેને અર્જુનની વાત સાંભળી કહ્યું, ‘અર્જુન, તું ચોક્કસ કોઈ ભ્રમમાં પડી ગયો છે. યુદ્ધમાં બીજું કોણ શત્રુઓને મારી શકે? અને જો તને વિશ્વાસ ન હોય તો ચાલ, પર્વતશિખર પર બર્બરીકના મસ્તકને પૂછીએ. તેણે તો આખું યુદ્ધ જોયું છે ને!’ એમ કહી ભીમે બર્બરીકને પૂછ્યું, ‘દીકરા, કહે તો આ યુદ્ધમાં કૌરવોનો વધ કોણે કર્યો?’

બર્બરીકે કહ્યું, ‘મેં તો શત્રુઓની સાથે એક જ પુરુષને યુદ્ધ કરતો જોયો છે. તેને ડાબી બાજુએ પાંચ મોં હતાં અને દસ હાથ હતા. તે હાથમાં શૂલ જેવાં શસ્ત્રો હતાં, તેની જમણી બાજુ એક મોં અને ચાર હાથ હતા. તે હાથમાં ચક્ર જેવાં શસ્ત્ર હતાં. જમણી બાજુ મસ્તક પર મુકુટ હતો, ડાબી બાજુ ભસ્મ હતી ચંદન પણ હતું. ડાબી બાજુ ચંદ્રકલા હતી. જમણી બાજુ કૌસ્તુભમણિ હતો. આ સિવાય કૌરવોનો વિનાશ કરવાવાળા કોઈને મેં જોયો નથી.’

બર્બરીકની વાત સાંભળી આખું આકાશ પ્રકાશિત થઈ ઊઠ્યું. પુષ્પવર્ષા થઈ. દેવતાઓએ દુંદુભિગાન કર્યું. સાધુ સાધુના ધ્વનિથી આકાશ ગુંજી ઊઠ્યું. ભીમસેન સંકોચ પામતો દીર્ઘ નિ:શ્વાસ નાખવા લાગ્યો. પછી ભીમસેન તન, મન, વચનથી ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કરી કહેવા લાગ્યો, ‘ભગવન્, જન્મથી માંડીને અત્યાર સુધી જે અપરાધ કર્યા હોય તે બધા ક્ષમા કરજો. હું તો મૂરખ છું, મારા પર પ્રસન્ન થાઓ.’

પછી ભગવાન ભીમસેનને લઈ બર્બરીક પાસે ગયા અને બોલ્યા, ‘તારે આ ક્ષેત્રનો ત્યાગ નથી કરવાનો.’

બર્બરીક ભગવાનને પ્રણામ કરી પોતાના સ્થાને ચાલ્યો ગયો.


(કુમારિકા ખંડ)