ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/પિશાચ બનેલા દુષ્પણ્યની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પિશાચ બનેલા દુષ્પણ્યની કથા

પાટલિપુત્રમાં પશુમાન નામનો એક ધર્મજ્ઞ અને બ્રાહ્મણભક્ત વૈશ્ય રહેતો હતો. ખેતી અને પશુપાલન કરતો તે વૈશ્ય સુવર્ણ વેચતો હતો. તેની ત્રણ પતિવ્રતા સ્ત્રીઓ હતી. એ સ્ત્રીઓએ આઠ પુત્રોને જન્મ આપ્યો. પાંચ વરસના થયા એટલે તેમને શિક્ષા આપવામાં આવી. ધીરે ધીરે તે પુત્રો ખેતી, ગોપાલન અને વેપારધંધાનું કામ શીખ્યા. સુપણ્ય અને બીજા પુત્રો તો પિતાની આજ્ઞાનું પાલન તરત જ કરતા હતા પણ આઠમો પુત્ર દુષ્પણ્ય અવળા માર્ગે ચાલવા લાગ્યો. નાનપણથી તે બીજાં બાળકોને સતાવ્યા કરતો હતો. શરૂઆતમાં તો તેનાં દુષ્કર્મ જોવાજાણવા છતાં આ તો નાદાન છે એમ કહી તેની ઉપેક્ષા કરી. તે પુત્ર બાળકોને પકડીને નદી, તળાવ, કૂવામાં ફેંકી દેતો હતો. તેની આ હરકતો કોઈ જાણતું ન હતું. પાણીમાં શબ જોઈ લોકો પછી અગ્નિસંસ્કાર કરતા હતા. પછી નગરજનોએ રાજાને ફરિયાદ કરી. રાજાએ ગ્રામરક્ષકોને સૂચના આપી અને બાળકોનાં મૃત્યુ કેવી રીતે થાય છે તે શોધી કાઢવા કહ્યું. તે લોકોએ બહુ પ્રયત્ન કર્યા પણ શોધી ન શક્યા. ભયભીત થઈને તેમણે રાજાને કહ્યું, ‘મહારાજ, બહુ શોધખોળ કરવા છતાં અમે આનું કારણ શોધી શક્યા નથી.’

પછી એક વેળા તે વૈશ્ય બાળક બીજાં પાંચ બાળકો સાથે સરોવરમાંથી કમળ લાવવાને બહાને ગયો અને તેણે બળજબરી કરીને તે પાંચેય બાળકને પાણીમાં ડુબાડી દીધાં, બાળકો ચીસો પાડતાં જ રહ્યાં પણ તે ક્રૂર બાળકે તેમને ડુબાડી જ દીધાં અને તે બધાં મૃત્યુ પામ્યાં એ જાણીને પોતાને ઘેર ચાલ્યો ગયો. તે પાંચ બાળકોના પિતા નગરમાં શોધવા લાગ્યા. તે પાંચે બાળક બહુ નાના ન હતાં. પાણીમાં નાખ્યાં છતાં તે મરી ન ગયાં અને ધીરે ધીરે કિનારે આવી ગયાં અને વહેવા લાગ્યાં. એટલામાં જ તેમણે પોતાના નામની બૂમો સાંભળીને તેમણેય ઉત્તર આપ્યો. બાળકોનો અવાજ સાંભળી તેમના પિતા સરોવરતટ પર ગયા અને બાળકોને જીવતાં જોઈ તેમને બહુ આનંદ થયો. પછી પિતાએ પૂછ્યું ત્યારે બાળકોએ દુષ્પણ્યનાં કરતૂત કહ્યાં. પછી નગરજનોએ રાજાને સંદેશો કહ્યો. રાજાએ પશુમાનને બોલાવી કહ્યું, ‘આ નગર બાળકોથી ભર્યું ભર્યું હતું પણ તમારા પુત્રે તેને સૂનું કરી નાખ્યું છે. હમણાં જ તેણે આ બાળકોને ડૂબાડી દીધાં હતાં, સદ્ભાગ્યે તેઓ બચી ગયાં. હવે બોલો, તમે તો ધર્મજ્ઞ છો, એટલે પૂછું છું શું કરવું છે?’

ધર્મજ્ઞ પશુમાને કહ્યું, ‘જેણે નગરને સૂનું કરી મૂક્યું હોય તેનો તો વધ કરવો જોઈએ. આમાં પૂછવાનું જ ન હોય. આ પાપાત્મા મારો પુત્ર નહીં, શત્રુ છે. જેણે આ નગરને શિશુશૂન્ય બનાવી દીધું તેના ઉદ્ધારનો મને કોઈ રસ્તો દેખાતો નથી. હું ખરેખર કહું છું એને પ્રાણદંડ જ આપવો જોઈએ.’

આ વાત સાંભળીને નગરજનોએ પશુમાનની પ્રશંસા કરી અને રાજાને કહ્યું, ‘આ દુષ્ટનો વધ ન કરો પણ તેને દેશવટો આપો.’ રાજાએ દુષ્પણ્યને બોલાવી કહ્યું, ‘અરે દુષ્ટ, તું હમણાં જ આ નગરમાંથી ચાલ્યો જા. જો અહીં રહ્યો તો તારો વધ કરાવી નાખીશ.’ આમ ધમકાવીને રાજાએ દૂતો દ્વારા તેને નગરમાંથી કાઢી મૂક્યો.

પછી દુષ્પણ્ય ભયભીત થઈને મુનિઓવાળા વનમાં જતો રહ્યો. ત્યાં જઈને એક મુનિના બાળકને પાણીમાં ડુબાડી દીધો. કેટલાક બાળકો રમવા ગયેલા તેમણે એ બાળકને મરેલો જોયો અને દુઃખી થઈને બાળકના પિતાને સમાચાર આપ્યા. પછી મુનિ ઉગ્રશ્રવાએ બાળકો પાસેથી પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા અને તપના પ્રભાવથી દુષ્પણ્યની ક્રૂરતા જાણી લીધી. તેમણે શાપ આપ્યો, ‘તેં મારા પુત્રને પાણીમાં ફેંકીને મારી નાખ્યો. તારું મૃત્યુ પણ પાણીમાં જ થશે અને લાંબા સમય સુધી તું પિશાચ બનીને રહીશ.’

આ શાપ સાંભળીને દુઃખી થયેલો દુષ્પણ્ય તે વન છોડીને જંગલી પ્રાણીઓથી ભરેલા વનમાં ગયો. ત્યાં ભારે વરસાદ થયો અને ઝંઝાવાત ફુંકાયો. તે આ સહન ન કરી શક્યો, તેણે જોયું કે કોઈ હાથીનું સુકાઈ ગયેલું શબ પડ્યું હતું. દુષ્પણ્ય હાથીના પેટમાં પેસી ગયો. ફરી ભારે વરસાદ પડ્યો. હાથીના પેટમાં પણ પાણી પેસી ગયું. હાથીનું શબ પાણીના પ્રવાહમાં વહેતું વહેતું સમુદ્રમાં ગયું. દુષ્પણ્ય તે પાણીમાં ડૂબીને મરી ગયો. મરી ગયા પછી તે પિશાચ થયો. ભૂખેતરસે પિડાતો તે અનેક દુઃખ વેઠતો દંડકારણ્યમાં આવ્યો. ત્યાં મોટેથી પોકારવા લાગ્યો, ‘અરે તપસ્વીઓ, તમે તો બહુ કૃપાળુ છો, બધાનું હિત જુઓ છો. હું બહુ દુઃખી છું. મારા પર દયા કરો. પૂર્વજન્મમાં હું પશુમાનનો પુત્ર દુષ્પણ્ય હતો. મેં ઘણાં બાળકોની હત્યા કરી હતી. અત્યારે હું પિશાચ છું. ભૂખતરસ વેઠવાની શક્તિ મારામાં નથી. મારા પર કૃપા કરો. હું પિશાચ મટી જઉં એવો કોઈ ઉપાય કરો.’

બધા મુનિઓએ અગસ્ત્ય મુનિને એના મોક્ષનો માર્ગ પૂછ્યો. પછી તેમણે પોતાના સુતીક્ષ્ણ શિષ્યને બોલાવી કહ્યું, ‘તું હમણાં જ ગંધમાદન પર્વત પર જા. ત્યાં બધાં પાપનો નાશ કરનાર અગ્નિતીર્થ છે. આ પિશાચના ઉદ્ધાર માટે તું ત્યાં જઈને સ્નાન કર.’

અગસ્ત્યના કહેવાથી તે શિષ્યે ગંધમાદન પર્વત પર જઈને અગ્નિતીર્થમાં પિશાચના નિમિત્તે ત્રણ દિવસ સ્નાન કર્યું, બીજાં તીર્થોની યાત્રા કરીને તે પોતાના આશ્રમે પાછો આવ્યો. તે તીર્થમાં સ્નાન કરવાથી પિશાચને મુક્તિ મળી.

(બ્રાહ્મ ખંડ — સેતુ — માહાત્મ્ય)