ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/બ્રાહ્મણકન્યા અને રાજકન્યાના પ્રેમની કથા


બ્રાહ્મણકન્યા અને રાજકન્યાના પ્રેમની કથા

છાંદોગ્ય નામના એક બ્રાહ્મણ સામવેદના જ્ઞાતા હતા અને ગૃહસ્થાશ્રમ સારી રીતે ચલાવતા હતા. તેમને મોટી ઉમરે એક કન્યા જન્મી. તે વિશાળ નેત્રવાળી અને મનમોહિની હતી. જે દિવસે તેમને ત્યાં આ કન્યા જન્મી તે જ દિવસે આનર્ત દેશના એક શૂદ્ર રાજાને ત્યાં પણ કન્યાનો જન્મ થયો. તે પણ બ્રાહ્મણકન્યાની જેમ સુંદર હતી. તે રાતે જન્મી પણ પોતાની કાંતિથી આખા સૂતિકાગૃહને અજવાળી દીધું. એટલે તેનું નામ રાજાએ પાડ્યું રત્નવતી. બંને કન્યાઓ વચ્ચે સહીપણાં થયાં અને તે બંને સાથે સાથે રહેતી હતી. એક આસન, એક ભોજન, એક શય્યા.

બ્રાહ્મણકન્યા આઠ વર્ષની થઈ એટલે તેના પિતાએ તેના માટે વર શોધવા માંડ્યો. આ જાણીને તે બહુ દુઃખી થઈ. સખીનો વિયોગ થાય. તેણે રત્નવતીને વાત કરી. ‘સખી, હવે પિતાજી મારો વિવાહ કરશે. પછી તો આપણે મળીશું કેવી રીતે?’ રાજકુમારી પણ આ સાંભળી સખીને ભેટી પડી અને રડવા લાગી.

પુત્રીનું રુદન સાંભળી તેની મા મૃગાવતી આવી ચઢી, ‘પુત્રી, શું થયું? કોણે તને દૂભવી?’

રત્નવતી બોલી, ‘આ બ્રાહ્મણકન્યા મને જીવથીય વહાલી છે. હવે એના વિવાહની વાત ચાલે છે. હું એનાથી અળગી પડીને કોઈ રીતે જીવી નહીં શકું. એટલે મને રડવું આવ્યું.’

મૃગાવતીએ કહ્યું, ‘જો વાત આમ હોય તો તારી પ્રિય સખીનો વિવાહ એક જ સ્થળે કરીશું, જેથી તમે બંને નિયમિત મળતાં રહો.’

આમ કહીને તેણે છાંદોગ્ય બ્રાહ્મણને બોલાવી કહ્યું, ‘તમારી પુત્રી મારી પુત્રી રત્નવતીને બહુ વહાલી છે. એટલે જ્યારે મારી કન્યા કોઈ રાજકુમારને પરણે ત્યારે તેના પુરોહિત સાથે તમારી કન્યાનો વિવાહ કરી દેજો. એટલે તે બંને અળગાં ન પડે.’

છાંદોગ્યે કહ્યું, ‘દેવી, નાગર બ્રાહ્મણોની એક રૂઢિ છે. નાગરે નાગર સાથે જ પોતાની કન્યાનો વિવાહ કરવો. જે આમ ન કરે તેને ન્યાતબહાર મૂકવાનો. એટલે હું મારી કન્યા નાગર સિવાય કોઈને ન આપું.’

આ સાંભળી તે પુત્રીએ કહ્યું, ‘જો આવી વાત હોય તો હું કુમારી રહીશ. જ્યાં મારી સખી જશે ત્યાં હું જઈશ. જો તમે બળજબરીથી મારો વિવાહ કરશો તો હું ઝેર ખાઈ લઈશ અથવા સળગી મરીશ. હવે તમને જે યોગ્ય લાગે તે કરો.’

કન્યાનો આવો નિશ્ચય જાણી બ્રાહ્મણ દુઃખી થયો અને તે કન્યાને તેની સખી પાસે જ મૂકીને ચાલ્યો ગયો. તે પણ પિતાનો સ્નેહ ત્યજીને સખી સાથે આનંદ મનાવતી રહેવા લાગી, રમવા લાગી. રાજાએ પણ પોતાની કન્યા વિવાહયોગ્ય જાણી મનોમન કહેવા લાગ્યા, ‘હવે પુત્રીનો વિવાહ યોગ્ય વરની સાથે કરવો પડશે. જે કોઈ કારણવશ કે લોભવશ અયોગ્ય વરની સાથે પુત્રીને પરણાવે છે તે નરકે જાય છે.’ આમ શોધતાં શોધતાં બહુ સમય વીત્યો. પણ કોઈ યોગ્ય વર ન સાંપડ્યો.પછી રાજાએ વિશ્વવિખ્યાત ચિત્રકારોને બોલાવ્યા અને તેમને કહ્યું, ‘તમે મારી આજ્ઞાથી નીકળો અને ધરતીપરના બધા રાજાઓનાં ચિત્ર તૈયાર કરીને લાવો. તે બધાં મારી પુત્રીને દેખાડજો. તેમાંથી તે પોતે પસંદ કરી લે.’

રાજાની વાત સાંભળીને બધા ચિત્રકાર ધરતી પરના રાજાઓને ત્યાં ગયા અને જે રાજા ઉદાર, રૂપવાન અને તરુણ હતા તે બધાનાં ચિત્ર બનાવીને આવ્યા. રત્નવતીએ તે જોયાં અને તેણે દશાર્ણરાજ બૃહદ્બલને પસંદ કર્યા. રાજા પ્રસન્ન થયા અને દશાર્ણરાજને ત્યાં દૂત મોકલ્યા. તેમણે દૂતોને કહ્યું, ‘તમે ત્યાં જઈને વિનયપૂર્વક કહેજો, તમે વિવાહ માટે આનર્તનરેશને ત્યાં આવો. તે પોતાની કન્યા સાથે તમારો વિવાહ કરશે.’

તે દૂત દશાર્ણરાજને ત્યાં ગયા અને સંદેશ સંભળાવ્યો. તે સાંભળીને બૃહદ્બલને પ્રસન્નતા થઈ અને તેઓ પોતાની વિશાળ સેના લઈને આનર્ત જવા નીકળ્યા.

તે દિવસોમાં વિશ્વાવસુ નામના એક વેદજ્ઞ નાગર હતા. તેમને મોટી ઉમરે એક પુત્ર પરાવસુ નામે જન્મ્યો. તે મિત્રો સાથે વેદોનું અધ્યયન કરવા લાગ્યો. એક વેળા મહા મહિનામાં તે ગુરુને ત્યાં અધ્યયન કરતો હતો અને રાતે પણ ત્યાં જ રહેતો હતો. એક દિવસ તે મધરાતે ચુપચાપ ઊઠ્યો અને સહપાઠીઓને ખબર ન પડે તેમ કોઈ વેશ્યાને ત્યાં ગયો અને ત્યાં જ તેની સાથે સૂઈ ગયો. થોડી રાત બાકી રહી ત્યારે તેને બહુ તરસ લાગી. ઊંઘમાં ને ઊંઘમાં પલંગ નીચે મૂકેલા મદિરાપાત્રમાંથી પાણી છે એમ માનીને મદિરા પી લીધી. પીતાંવેત તેને મદિરાનો ખ્યાલ આવી ગયો. અને તે પાત્ર ફેંકી દીધું અને બહુ દુઃખી થઈ ગયો. પોતાના મનમાં તિરસ્કાર થયો અને તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો, ‘અરે મેં ઊંઘમાં કેવું ખરાબ કામ કર્યું, પાણી છે એમ માનીને મદિરા પી લીધી. હવે શું કરું? ક્યાં જઉં? મારી શુદ્ધિ કેવી રીતે થશે? હવે હું આ માટે દુષ્કર પ્રાયશ્ચિત્ત કરીશ.’

પછી મનોમન આવો નિશ્ચય કરીને તે શંખતીર્થ સવારે ગયો અને શિખાસમેત મુંડન કરાવી સ્નાન કર્યું. પછી જ્યાં વેદાધ્યયન થતું હતું ત્યાં ગયો. તે દૂર જ બેઠો. તેના સહપાઠીઓએ તેને દાઢીમૂછ વગર જોયો અને તેઓ તેની મજાક ઉડાડવા લાગ્યા. ગુરુએ તેને કહ્યું, ‘વત્સ, તું ત્યાં કેમ બેઠો છે? અહીં બેસ. બોલ, કોણે તારું અપમાન કર્યું છે?’

પરાવસુએ કહ્યું, ‘ગુરુદેવ, હવે હું તમારી સેવાને લાયક નથી રહ્યો. હું વેશ્યાને ત્યાં ગયો હતો, અને ત્યાં મેં મારું કમંડળ સમજીને મદિરાપાત્ર મોઢે લગાડ્યું, હવે મારી શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કહો.’

ગુરુ પાસે બેઠેલા ધૃષ્ટ શિષ્યોએ તેની મજાક ઉડાવતાં કહ્યું, ‘રાજકન્યા રત્નવતીનાં સ્તન પકડીને તેના અધરનું પાન કરીશ ત્યારે શુદ્ધિ થશે, તે વિના નહીં.’

આ સાંભળીને પરાવસુએ કહ્યું, ‘મિત્રો, અત્યારે હું આપત્તિમાં મુકાયો છું, મજાક ન કરો. જો તમે મને ચાહતા હો તો બીજા બ્રાહ્મણોને બોલાવી કોઈ પ્રાયશ્ચિત્ત શોધો.’

પછી તે મિત્રોએ મજાક બાજુ પર મૂકી, તેના દુઃખે દુઃખી થઈ વિશ્વાવસુ પાસે જઈને બધી વાત કરી. એ સાંભળીને વિશ્વાવસુ પત્ની સાથે ત્યાં આવ્યા અને શોકગ્રસ્ત થઈ બોલ્યા, ‘અરે પુત્ર, તેં આ શું કર્યું?’ પરાવસુએ પોતાની બધી વાત કરી. ‘હું મારી શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરીશ.’

એટલે વિશ્વાવસુએ વેદજ્ઞ અને ધર્મશાસ્ત્રજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા, પરાવસુએ તેમને પ્રણામ કરીને બધી વાત કરી. આ સાંભળી વિદ્વાનોએ ધર્મશાસ્ત્ર જોઈ કહ્યું, ‘જે વ્યક્તિ જાણીજોઈને મદિરાપાન કરે છે તે એ મદિરા બરાબર સુવર્ણ ઓગાળીને પી જાય ત્યારે તેની શુદ્ધિ થાય અને જે અજાણતાં પી જાય તે એટલું જ ઘી ખૂબ ગરમ કરીને પી જાય તો તેની શુદ્ધિ થાય. હવે જો તું કરી શકે તો કર.’

પરાવસુએ કહ્યું, ‘મેં એક કોગળો મદિરાપાન કર્યું છે તો એટલું જ ઘી ગરમ કરીને પી જઈશ.’

આ સાંભળી વિશ્વાવસુ બોલ્યા, ‘બ્રાહ્મણો, હું આ પુત્રની શુદ્ધિ માટે સર્વસ્વ આપી દઈશ, પણ આવું પ્રાયશ્ચિત્ત નહીં કરવા દઉં.’

પિતાની વાત સાંભળીને પુત્રે કહ્યું, ‘પિતાજી, સ્નેહ બાજુ પર રાખો. મારા પ્રાયશ્ચિત્તમાં વિઘ્ન ન નાખો. મેં પ્રાયશ્ચિત્ત કરવાનો નિર્ધાર કરી લીધો છે.’

એટલે પરાવસુની માએ કહ્યું, ‘જો તારે પ્રાયશ્ચિત્ત કરવું જ હોય તો હું પહેલાં મારા પતિ સાથે અગ્નિપ્રવેશ કરીશ. તને ઊકળતું ઘી પીને મરતો હું જોઈ નહીં શકું.’

પિતાએ આ વાતમાં સૂર પુરાવ્યો.

આ બધી વાત જાણીને તેમના સ્વજનોએ આવીને પરાવસુને આવું પ્રાયશ્ચિત્ત ન કરવા સમજાવ્યો. જ્યારે તેઓ પિતાપુત્ર બેમાંથી એકેને સમજાવી ન શક્યા ત્યારે સર્વજ્ઞ ભર્તૃયજ્ઞ પાસે ગયા અને પરાવસુની બધી વાત જણાવીને કહ્યું, ‘ભગવન્, જો આ બ્રાહ્મણની શુદ્ધિ માટે મદ્યપાનનું બીજું કોઈ પ્રાયશ્ચિત્ત હોય તો જણાવો, કારણ કે તમે તો સર્વજ્ઞ છો.’

એટલે તે બોલ્યા, ‘બ્રાહ્મણો અને તેમાંય ખાસ કરીને નાગર બ્રાહ્મણો જે બોલે છે તે જ પ્રમાણે થાય છે. પરાવસુના મિત્રોએ મજાકમાં જે કહ્યું તે સાચું. તેમણે કહ્યું કે રત્નવતીનાં સ્તન હાથમાં લઈને જો તું એનું અધરપાન કરીશ તો મદ્યપાનની વિશુદ્ધિ થશે. આ જ ઉપાય તે બ્રાહ્મણ માટે સુખદ રહેશે. મહર્ષિ પરાશરના અભિપ્રાય પ્રમાણે બ્રાહ્મણવચનનો આદર કરીને આવું પ્રાયશ્ચિત્ત જો તે કરશે તો તેની શુદ્ધિ થશે.’

બ્રાહ્મણોએ કહ્યું, ‘જો આ વાત રાજાને કાને પડશે તો તે બધા બ્રાહ્મણોને મારી નખાવશે.’

ભર્તૃયજ્ઞે કહ્યું, ‘આનર્તરાજા નીતિમાન છે, ધર્માત્મા છે, દેવબ્રાહ્મણોના ભક્ત છે. બધા નાગરો મારી સાથે ચાલો. કોઈ અગ્રણી પુરુષ પાસે પરાવસુના મદ્યપાનની વાત કહેવડાવીએ. આ સાંભળીને જો રાજા ઈર્ષ્યા કે ક્રોધને વશ થશે તો હું તેમને સમજાવીશ.’

આ વાત સાંભળીને બધા નાગર રાજી થયા. હરિભદ્ર અને ભર્તૃયજ્ઞને આગળ કરી, પરાવસુને તથા તેના માતાપિતા સાથે રાજા પાસે જઈ પહોંચ્યા. બ્રાહ્મણોના આગમનની વાત સાંભળીને આનર્તરાજા પુરોહિત સાથે આવ્યા. તેમનું સ્વાગત કર્યું. તેમના આશીર્વાદ પામીને બધાને સુવર્ણઆસનો પર બેસાડ્યા. પછી રાજાએ પ્રણામ કરીને કહ્યું, ‘આજે હું ધન્ય થયો છું. મારે ત્યાં સમસ્ત નાગરલોક આવ્યા છે. તમે મને આજ્ઞા આપો, હું તમારી શી સેવા કરી શકું?’

પછી રાજાને પરાવસુના મદિરાપાન, શિષ્યોની મજાકથી માંડીને બધી વાત કરી.

આ સાંભળી રાજાએ કહ્યું, ‘હું ધન્ય છું, કૃતાર્થ છું, મારા ઉપર ત્રણ બ્રાહ્મણોની પ્રાણરક્ષાનો ભાર નાખ્યો. મારી પુત્રી પણ ધન્ય થશે, તે આ બ્રાહ્મણોના પ્રાણ બચાવવામાં નિમિત્ત બનશે.’

એટલે રાજાએ પુત્રીને બોલાવી અને બ્રાહ્મણોને કહ્યું, ‘હવે તમને જે યોગ્ય લાગે તે કરો.’

ભર્તૃયજ્ઞે પરાવસુને કહ્યું, ‘જો આ કન્યાના અધરનો સ્પર્શ કરતી વખતે તારા મનમાં તું એને મા માનીશ તો તારી શુદ્ધિ થશે. જો આસક્ત થઈને અધરપાન કરીશ તો તારા મોંમાં લોહી આવશે, જો તારો ભાવ શુદ્ધ હશે તો મોંમાં દૂધ આવશે. જો તું અધરપાન કરીશ તો તેનાં સ્તનોમાં દૂધ ઊભરાઈ આવશે, તો તારી શુદ્ધિ, નહીંતર જો લોહી નીકળ્યું તો તારી શુદ્ધિ નથી એમ માની લેવાનું.’

પરાવસુને આમ કહીને રાજકુમારીને કહ્યું, ‘પુત્રી, તું એને પુત્ર માનીને જોજે. તો તે તારા અધરનો સ્પર્શ કરીને શુદ્ધ થઈ જાય. તારાં સ્તનોના સ્પર્શની વાત તેના મિત્રોએ કહી છે. જો આમ નહીં થાય તો તેનું મૃત્યુ થશે.’

આ સાંભળી રાજકન્યાએ પરાવસુને કહ્યું, ‘પુત્ર, આવ. માતૃત્વનો આશ્રય લઈ આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કર. મેં તને મારો પુત્ર માની લીધો.’

પરાવસુએ પણ રાજકન્યાને પોતાની માતા માનીને બધાના દેખતાં તેનાં સ્તનોનો સ્પર્શ કર્યો અને તરત જ તેમાંથી દૂધની સેરો ફૂટી. પછી જ્યાં તેના હોઠનો સ્પર્શ કર્યો ત્યારે ત્યાંથી પણ દૂધ નીકળ્યું. આ જોઈ બધા બ્રાહ્મણો પ્રસન્ન થઈને બોલ્યા, ‘હવે આ શુદ્ધ થઈ ગયો.’

પરાવસુએ રત્નવતીની પ્રદશિણા કરી કહ્યું, ‘માતા, તું પુત્રવત્સલા માતા છે.’

આ જોઈને રાજાને બહુ નવાઈ લાગી. તેમણે ભર્તર્ૃયજ્ઞની પ્રશંસા કરી કહ્યું, ‘હું બહુ ભાગ્યશાળી છું કે મારે ત્યાં આ બધા નાગર બ્રાહ્મણો આવ્યા. મારી આજ્ઞા પાળનારી મારી પુત્રી પણ પરમ સૌભાગ્યશાલીન, સદાચારયુક્ત છે. આ પરાવસુ પણ સાધારણ બ્રાહ્મણ નથી. આવી કન્યાનો સ્પર્શ કરવા છતાં તે વિકારી ન થયો.’

આમ કહી બ્રાહ્મણોને વિદાય આપી, પોતે પુત્રી સાથે મહેલમાં પ્રવેશ્યા.

તે જ વેળા દશાર્ણરાજ રત્નવતી સાથે વિવાહ કરવા આવ્યા. તેમણે રત્નવતી અને પરાવસુની વાત જાણી એટલે તે પાછા જવા નીકળ્યા. આ જાણી આનર્તરાજ તેમની પાછળ પાછળ જઈને બોલ્યા, ‘રાજન્, મારી કન્યાનું પાણિગ્રહણ કર્યા સિવાય તમે કેમ જતા રહો છો?’

દશાર્ણરાજે કહ્યું, ‘મહારાજ, તમારા દેખતાં જ તમારી કન્યાનાં અધર અને સ્તનનો સ્પર્શ બીજા પુરુષે કરી લીધો છે. આવી સ્ત્રી જો પુત્રને જન્મ આપે તો તે દસ પેઢી સુધી અને દસ પેઢી પછીના સંતાનોને નરકમાં નાખે. એટલે હું તમારી કન્યાનું પાણિગ્રહણ નહીં કરું.’

એમ કહીને તે રાજા પોતાના નગરમાં જતા રહ્યા. આનર્તનરેશે દુઃખી થઈ ઘેર આવી બધી વાત કરી. આ સાંભળી બધાને બહુ દુઃખ થયું, મંત્રીઓએ રાજાને કહ્યું, ‘મહારાજ, આ પૃથ્વી પર અનેક રાજા છે તેમાંથી કોઈની સાથે કન્યાનું લગ્ન ગોઠવો.’

આ સાંભળી રાજાએ ત્યાં બેઠેલી પોતાની કન્યાને પૂછ્યું, ‘પુત્રી, તેં ચિત્રપટમાં ઘણા રાજાઓને જોયા છે, તેમાંથી તું એકને પસંદ કરી લે.’

આ સાંભળી રત્નવતીએ કહ્યું, ‘પિતાજી, હું દશાર્ણરાજ સિવાય કોઈને પણ પતિ નહીં બનાવું. રાજા એક વાર કોઈ વાત કરે છે, બ્રાહ્મણ પણ એક વાર બોલે છે, અને કન્યા પણ એક જ વાર કોઈને અપાય છે. આ ત્રણેય એક જ વાર થાય, એમાં ફેરફાર થઈ ન શકે. એટલે હવે મને કોઈ બીજા રાજાને ન સોંપતા. આ શાસ્ત્રવિરુદ્ધ છે.’

રાજાએ કહ્યું, ‘પુત્રી, મેં તો માત્ર વચન જ આપ્યું હતું. તેમણે ગુરુજનો, બ્રાહ્મણ કે અગ્નિ સમક્ષ તારું પાણિગ્રહણ નહોતું કર્યું. તો તે તારા પતિ કેવી રીતે?’

રત્નવતીએ કહ્યું, ‘પિતાજી, કોઈ પણ કાર્યનો પહેલાં મનમાં નિર્ધાર કરવામાં આવે છે, પછી તે મૂર્ત થાય છે. મેં મારી જાતને દશાર્ણરાજને સોંપી દીધી હતી, તમે પણ વાણી દ્વારા મારું દાન કર્યું હતું. તો પછી તે મારા પતિ કેમ નહીં. એટલે હવે હું વ્રત કરીશ, તપ કરીશ. બીજા કોઈને પતિ નહીં બનાવું.’

પુત્રીની વાત સાંભળી તેની માતા મૃગાવતીએ કહ્યું, ‘દીકરી, તારે તપ કરવાનું સાહસ નહીં કરવું, તું હજુ તો બાલિકા છે, તું સુકોમળ છે, સદા સુખમાં ઊછરી છે. તું કંદમૂળ ખાઈને, વલ્કલ પહેરીને કેવી રીતે રહીશ? હું તને કોઈ સુપાત્ર શોધીને પરણાવીશ.’

એટલે રત્નવતીએ કહ્યું, ‘મા, જો તું મને જીવતી જોવા માગતી હો તો આવી વાત ફરી કદી ના કરીશ. જો તું મારા તપમાં વિઘ્ન નાખવા જઈશ તો હું આત્મહત્યા કરીશ.’

આમ કહી તેણે બ્રાહ્મણકન્યાને કહ્યું, ‘હવે તું તારા પિતાને ત્યાં જા. તારા પિતા કોઈ નાગર સાથે તારું લગ્ન કરી દેશે. મારાથી કશું અસત્ય કે અનુચિત બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજે. તારી બધી વાત પણ મેં ક્ષમા કરી દીધી.’

બ્રાહ્મણકન્યા બોલી, ‘મેં તારી સાથે મારો કન્યાકાળ વીતાવી દીધો. મને તો સોળ વરસ પણ પૂરાં થયાં. હું રજસ્વલા પણ થવા લાગી છું. સ્મૃતિવાક્ય જાણનાર કોઈ બ્રાહ્મણ મારી સાથે લગ્ન નહીં કરે. એટલે હું પણ તારી સાથે તપ કરીશ. મારે માતાપિતા સાથે નથી રહેવું.’

આવો નિર્ધાર કરીને બંને કન્યા મુનિ ભર્તૃયજ્ઞના આશ્રમે ગઈ, તેમના તપના પ્રભાવે ત્યાં રહેતાં કોઈ પ્રાણીઓમાં વેરઝેર ન હતાં. નોળિયા સાપ સાથે, બિલાડા ઉંદર સાથે, કાગડા ઘુવડ સાથે રમતા હતા. બંને કન્યાઓએ ત્યાં જઈ મુનિને પ્રણામ કર્યાં. બ્રાહ્મણકન્યા બોલી, ‘હું રાજકન્યા સાથે તપ કરવા આવી છું. અમને વિધિ બતાવો.’

પછી મુનિએ બતાવેલા વિધિ પ્રમાણે તપ કરવા માંડ્યું. તે બ્રાહ્મણકન્યા રાજકન્યાને લઈ સરોવરતટે ગઈ, તપ કરતાં પહેલાં ચાંદ્રાયણ કર્યું પછી વ્રતનો આરંભ થયો. ત્રણ વરસ સુધી અઠવાડિયે એક જ વાર ભોજન કર્યું, પછી રાજકન્યાએ પણ બીજા સરોવરકિનારે જઈ એવી જ કઠિન તપસ્યા કરવા માંડી. જેમ જેમ તપ કરતી ગઈ તેમ તેમ તેમના તેજમાં વૃદ્ધિ થતી ગઈ. પછી ભગવાન શંકર ગૌરી સાથે આવ્યા અને બ્રાહ્મણકન્યાને વરદાન માગવા કહ્યું. પણ તેને તો ભગવાનના દર્શનથી જ પરમ સંતોષ હતો. પણ ભગવાને વરદાનનો આગ્રહ રાખ્યો ત્યારે તેણે કહ્યું, ‘આ મારી સખી રત્નવતી મને જીવથીય વહાલી છે. શૂદ્ર જાતિની હોવા છતાં તેણે મારી જેમ જ તપ કર્યું છે, જો તે તપમાંથી નિવૃત્ત થાય તો હું પણ તપ નહીં કરું. તેના પ્રત્યેના પ્રેમને કારણે જ મેં લગ્ન નથી કર્યું. તેનો મનોરથ પાર પાડો.’

એટલે ભગવાન તેની પાસે ગયા અને કહ્યું, ‘હવે તું તપ ન કર. તું મનમાં આવે તે વરદાન માગ.’

રત્નવતીએ કહ્યું, ‘આ બ્રાહ્મણકન્યાએ જ્યાં તપ કર્યું છે તે તીર્થ એના નામથી પ્રસિદ્ધ થાય અને મારા નામે આ જળાશય પ્રસિદ્ધ થાય. જે અહીં સ્નાન કરે તેને સ્વર્ગ મળે. અમે બંને સખીઓ સદા મહાન તપમાં સાથે જ રહીએ અને નિત્ય તમારી આરાધના કરતી રહીએ.’

તે જ વેળા ધરતી ફાડીને સૂર્યસમાન તેજસ્વી શિવલંગિ પ્રગટ થયું, ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, ‘આ બંને શૂદ્રતીર્થ અને બ્રાહ્મણી તીર્થ ત્રણે લોકમાં વિખ્યાત થશે. જે ચૈત્ર સુદ ચૌદશે, સોમવારે આ બંને તીર્થોમાં સ્નાન કરી, કમળ સંગ્રહ કરી આ તીર્થોનાં જળથી મારા લંગિને નવડાવશે તે બધાં પાપમાંથી મુક્તિ મેળવશે.’ આમ કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. બંને સખીઓ જરા અને મૃત્યુથી પર રહીને નિત્ય તપ કરતી રહી.

(નાગર ખંડ: ઉત્તરાર્ધ)