ભારતીયકથાવિશ્વ−૪/હરિવંશ/ધન્વંતરીની કથા
ભૂતકાળમાં સમુદ્રમંથન થયું ત્યારે ધન્વંતરી સમુદ્રમાંથી પ્રગટ્યા. તે વખતે વિષ્ણુનાં નામોનો જપ કરતા અને આરોગ્યસાધક કાર્ય વિશે વિચાર કરતા તેઓ દિવ્ય તેજથી શોભતા હતા. પોતાની સામે તેમણે ભગવાન વિષ્ણુને જોયા, ભગવાને તેમને કહ્યું, ‘તમે જળમાંથી પ્રગટ્યા છો એટલે હવે અબ્જ.’ પછી ધન્વંતરી અબ્જ નામે વિખ્યાત થયા. તેમણે ભગવાનને કહ્યું, ‘હું તો તમારો પુત્ર. મારા માટે યજ્ઞભાગની વ્યવસ્થા કરી આપો અને લોકમાં મારું સ્થાન નિશ્ચિત કરી આપો.’
ભગવાન વિષ્ણુએ તેમને સાચી વાત કહી, ‘ભૂતકાળમાં યજ્ઞસંલગ્ન દેવતાઓએ યજ્ઞનો વિભાગ કરી દીધો છે. મહર્ષિઓએ આ વિભાગ દેવતાઓ માટે જ નિશ્ચિત કર્યો છે. આ વાત તું ધ્યાનથી સમજ. તને નાના મોટા હવિ ન મળી શકે. તું તો દેવતાઓ પછી જન્મ્યો છે. એટલે વેદ વિરુદ્ધ યજ્ઞભાગ તારા માટે સંભવી ન શકે. તું બીજા જન્મે સંસારમાં વિખ્યાત થઈશ. ગર્ભાવસ્થામાં જ તને અણિમા જેવી સિદ્ધિઓ મળશે; ત્યારે તું દેવત્વ પામીશ, પછી બ્રાહ્મણો મંત્રો વડે તારો યજ્ઞભાગ નિશ્ચિત કરશે. તે સમયે તું આયુર્વેદને આઠ ભાગોમાં વહેંચીશ. બ્રહ્માએ પહેલેથી આ વ્યવસ્થા કરી જ રાખી છે.
બીજા દ્વાપરમાં તું સંસારમાં પ્રસિદ્ધ થઈશ.’
ધન્વંતરીને આ વરદાન આપીને ભગવાન અંતર્ધાન થયા. બીજા દ્વાપર યુગમાં સુનહોત્રના પુત્ર કાશીરાજ ધન્વ પુત્રની કામનાથી દીર્ઘકાલીન તપ કરવા બેઠા. તેમણે મનોમન પુત્ર માટે ધન્વંતરીનું તપ કરવા માંડ્યું. તેના તપથી પ્રસન્ન થયેલા દેવે કહ્યું, ‘ઉત્તમ વ્રતધારી, બોલો, કયું વરદાન જોઈએ છે? જે માગશો તે આપીશ.’
રાજાએ કહ્યું, ‘જો તમે પ્રસન્ન થયા હો તો મારા પુત્ર તરીકે અવતરો. એ જ રૂપે તમારી ખ્યાતિ વિસ્તરે.’
રાજાને વરદાન આપીને ધન્વંતરી અંતર્ધાન થયા; અને તે રાજાને ત્યાં જન્મ્યા. કાશીરાજ ધન્વંતરી બધા રોગોની ચિકિત્સા કરવામાં કુશળ હતા. મુનિવર ભરદ્વાજ પાસેથી વિદ્યા ગ્રહણ કરી તેને આઠ ભાગોમાં વહેંચી. પછી ઘણા શિષ્યોને અષ્ટાંગ આયુર્વેદ ભણાવ્યો. ધન્વંતરીના પુત્ર કેતુમાનથી વિખ્યાત થયા, કેતુમાનના પુત્ર ભીમરથ અને ભીમરથના પુત્ર દિવોદાસ. દિવોદાસના રાજ્યકાળમાં જ શાપને કારણે વારાણસી નિર્જન થઈ ગઈ. તે નગરી રુદ્ર ભગવાનના સેવક ક્ષેપક નામના રાક્ષસે વસાવી હતી. ભગવાન રુદ્રના પાર્ષદ નિકુમ્ભે શાપ આપ્યો હતો કે ‘એક હજાર વર્ષ સુધી વારાણસી નિર્જન રહેશે.’ એ નગરી નિર્જન બની એટલે દિવોદાસે ગોમતી નદીના કાંઠે એક નગરી વસાવી. વારાણસી ભૂતકાળમાં ભદ્રક્ષેણ્ય પાસે હતી. ઉત્તમ ધનુર્ધરો ગણાતા સો પુત્ર ભદ્રક્ષેણ્યને હતા. દિવોદાસે તે બધાનો નાશ કરીને ત્યાં પોતાનું શાસન સ્થાપિત કર્યું. ભદ્રક્ષેણ્ય રાજાનું રાજ્ય બળપૂર્વક દિવોદાસે છિનવી લીધું હતું.
હવે સાંભળો વારાણસી નગરીની કથા.
દિવોદાસ રાજા વારાણસી પ્રાપ્ત કરીને ત્યાંના રાજા બન્યા. તે સમુદ્રનગરીમાં રાજા નિત્ય રહેતા હતા. ભગવાન શંકર દેવી પાર્વતીનું મન રાજી રાખવા સસરાને ત્યાં જ રહેતા હતા. મહાદેવની આજ્ઞાથી તેમના પાર્ષદો પાર્વતી દેવીને રીઝવ્યા કરતા હતા. પાર્વતી તો પ્રસન્ન રહેતાં હતાં પણ તેમની મા મેના પ્રસન્ન ન હતાં. તેઓ હંમેશા પાર્વતીની અને શંકરની નિંદા કર્યા કરતાં હતાં. એક દિવસ તેમણે પાર્વતીને કહ્યું, ‘તારા પતિ મહાદેવ અને તેમના પાર્ષદો અનાચારી છે. ભોળાનાથ તો કાયમી દરિદ્ર છે. તેમનામાં શીલ જેવું તો કશું જ નથી.’ વરદાયિની પાર્વતી આ સાંભળીને ક્રોધે ભરાયાં અને મેં પર થોડું હાસ્ય આણીને મહાદેવ પાસે ગયાં. તેમની મુખકાંતિ થોડી ઝાંખી હતી. પછી તેમણે મહાદેવને કહ્યું, ‘હું હવે પિયરમાં નહીં રહું. તમે મને તમારે ઘેર લઈ જાઓ.’ પાર્વતીની વાત માનવા મહાદેવે ચારે બાજુ દૃષ્ટિપાત કર્યો. પૃથ્વી પર વસવા માટે ભગવાને વારાણસી નગરી પસંદ કરી. પરંતુ એ નગરીમાં તો રાજા દિવોદાસ રહેતા હતા. એટલે પોતાના ગણ નિકુંભને કહ્યું, ‘તું જઈને વારાણસીને નિર્જન કરી નાખ. પણ સાવચેતીથી કામ લેજે. દિવોદાસ બહુ બળવાન રાજા છે.’
એટલે નિકુંભે વારાણસીમાં જઈને કણ્ડૂક નાઈને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું, ‘તું નગરીની સીમા પર મારી પ્રતિમા બનાવી મારા માટે નિવાસસ્થાનની વ્યવસ્થા કર. તું આમ કરીશ તો તારું કલ્યાણ કરીશ.’
કણ્ડૂકે તો સ્વપ્ન પ્રમાણે બધું કર્યું. રાજાને જણાવી નગરદ્વારે નિકુંભની પ્રતિમાની સ્થાપના વિધિપૂર્વક કરી. દરરોજ તે ઉત્સવ કરીને પૂજા કરતો હતો. ગંધ, પુષ્પ, માલા, ધૂપ, જલ, અન્નપાન અર્પણ કરીને તે નાઈ નિકુંભની પૂજા કરતો હતો. ત્યાં નિત્યપૂજા થતી અને પ્રજાને અઢળક વરદાન મળતા. પુત્ર, સુવર્ણ, દીર્ઘાયુષ્ય વગેરે ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થતી. રાજા દિવોદાસની રાણી સુયશા. તે પુત્ર કામનાની ઇચ્છાથી ત્યાં ગઈ. અને મોટા પાયે પૂજા કરી પુત્ર અનેક વાર માગ્યો. પણ નિકુંભ તેને વરદાન આપતા ન હતા. ‘જો રાજા અમારી ઉપર કોપ કરે તો કામ થઈ જશે.’ ખાસ્સો સમય વીત્યો એટલે રાજા ક્રોધે ભરાયો. ‘મારા નગરના દ્વારે બેઠેલો આ ભૂત પ્રજાને સેંકડો વરદાન આપે છે પણ અમને નથી આપતો. મારી જ નગરીમાં, મારા જ પ્રજાજનો નિત્ય તેની પૂજા કરે છે. મેં પણ દેવીને પુત્ર આપવા માટે કેટલી વાર કહ્યું, શા કારણે તે પુત્રનું વરદાન નથી આપતો? એટલે હવે તેનો સત્કાર નહીં કરવો જોઈએ. એટલે એ દુરાત્માના સ્થાનનો નાશ કરીશ.’ આવો નિશ્ચય કરીને દુરાત્મા, દુર્બુદ્ધિ, પાપી રાજાએ નિકુંભના સ્થાનનો નાશ કરાવ્યો.
પોતાના સ્થાનનો નાશ જોઈને નિકુંભે રાજાને શાપ આપ્યો. ‘મારા કોઈ પણ અપરાધ વિના તેં મારા સ્થાનનો વિનાશ કર્યો છે. એટલે તારી આ નગરી નિર્જન થઈ જશે.’
આ શાપને કારણે નગરી નિર્જન બની ગઈ. પછી નિકુંભ મહાદેવ પાસે ગયા. વારાણસીમાં રહેતા લોકો ચારે દિશાઓમાં વિખરાઈ ગયા. પછી મહાદેવે તે નગરીમાં નિવાસ કર્યો, ઉમાનું મનોરંજન કરતા આનંદથી ત્યાં રહેવા લાગ્યા, પણ દેવી પાર્વતીનું મન ત્યાં માનતું ન હતું. તેમણે મહાદેવને કહ્યું, ‘ભગવાન, હું આ નગરીમાં નહીં રહી શકું.’ મહાદેવે કહ્યું,‘ હું બીજે ક્યાંય રહી નહીં શકું. આ અવિમુક્ત ક્ષેત્ર જ મારું ઘર.’
સત્યયુગ જેવા ત્રણ યુગમાં મહાદેવ અહીં રહે અને કલિયુગ આવે એટલે આ નગરી અદૃશ્ય થઈ જાય. એટલે ફરી વારાણસી નગરી હતી એવી થાય.
(હરિવંશ પર્વ: ૨૯મો અધ્યાય)