ભારતીયકથાવિશ્વ−૪/હરિવંશ/રાજા પૌણ્ડ્રકની કથા
રાજા પૌણ્ડ્રક્ શ્રેષ્ઠ, અતિ બળવાન, સત્ત્વસંપન્ન, મહાપરાક્રમી હતો. તે યાદવોનો તથા શ્રીકૃષ્ણનો દ્વેષીલો હતો. એક વેળા તેણે બધા રાજાઓને પોતાની સભામાં બળજબરીથી બોલાવ્યા અને કહ્યું, ‘મેં આખી પૃથ્વી પર વિજય મેળવ્યો છે, મોટા મોટા ચમરબંધી રાજાઓને પરાજિત કર્યા છે. પરંતુ યાદવો શ્રીકૃષ્ણની ઓથ લઈને અભિમાની થઈ ગયા છે. તેઓ મને કર આપતા નથી, અને કૃષ્ણ પોતાના ચક્ર વડે નિત્ય મારો તિરસ્કાર કરે છે. તે ગોવાળિયાને અભિમાન છે કે હું ચક્રધારી છું. મારી પાસે પણ એક શંખ, ચક્ર, ગદા, શાર્ઙ્ગ ધનુષ બાણ અને ભાથું છે. મને કેટલા બધાની સહાય છે. આમ અત્યારે તે ભારે તોરીલો થઈ ગયો છે. લોકોમાં મારું નામ વાસુદેવ છે, તે નામ અભિમાની, બળવાન ગોવાળિયાએ લઈ લીધું છે. મારી પાસે પણ એક મોટું અને ધારદાર ચક્ર છે, તેનાથી કૃષ્ણનું ચક્ર ધૂળમાં મળી જશે. મારું આ ચક્ર તેના ગર્વનું હરણ કરશે. તેનું નામ પણ સુદર્શન છે, અરે શ્રેષ્ઠ રાજાઓ, મારા ચક્રમાં સહ આરા છે, આ મહાભયંકર ચક્ર શ્રીકૃષ્ણના ચક્રનો નાશ કરશે અને ક્યાંયથી પરાજિત ન થાય એવું છે. મારું આ ધનુષ પણ દિવ્ય છે, શંગિડામાંથી બનાવેલું હોઈ તે શાર્ઙ્ગ નામે વિખ્યાત છે, એનો ટંકાર બહુ ભારે છે. મારી આ ગદાનું નામ પણ કૌમોદકી છે, તે વિશાળ અને સુદૃઢ છે. એક સહ ભાર લોખંડમાંથી તે બનાવડાવી છે. મારી આ નંદક નામની તલવાર પણ તેજ છે. આ તલવાર કાળની પણ કાળ છે અને શ્રીકૃષ્ણની તલવારનો નાશ કરશે. આ રીતે હું શંખ, ચક્ર, ગદા, તલવાર, કવચ વડે શ્રીકૃષ્ણને યુદ્ધમાં જીતી લઈશ. આમાં વિચાર કરવાનો ન હોય. એટલે મહાન રાજાઓ, મારી વાત સાંભળો. હવે તમે બધા મને જ ગદાધર, ચક્રપાણિ, ખડ્ગધારી, શાર્ઙ્ગધનુર્ધારી કહેવા માંડો. અત્યારે મને જ વાસુદેવ કહો, એ ગોવાળિયાને નહીં.
એ ગોવાળિયાનો વધ કરીને હું એકલો જ વાસુદેવ રહીશ. મહામના નરકાસુર મારોમિત્ર હતો, તેને આ ગોવાળિયાએ મારી નાખ્યો હતો. જો હવે તમે મને વાસુદેવ નહીં કહો તો હું દસ હજાર ભાર સુવર્ણનો તથા એ ઉપરાંત ઘણા બધા ધનનો દંડ કરીશ.’
મનને અસહ્ય લાગે એવી વાત સાંભળીને કેટલાક બળવાન રાજાઓ સંકોચવશ ચૂપ રહ્યા, તેઓ બધા બળનો મહિમા જાણતા હતા. બીજા કેટલાક હાજીહા કરનારા રાજાઓ ‘ભલે-ભલે’ કહીને શોરબકોર કરવા લાગ્યા અને બળનું અભિમાન ધરાવતા બીજા રાજા કહેવા લાગ્યા, આપણે યુદ્ધમાં શ્રીકૃષ્ણને અવશ્ય પરાજિત કરીશું.
સર્વ લોકના જાણકાર મુનિશ્રેષ્ઠ નારદ કૈલાસપર્વત પરથી વિદાય લઈને પૌણ્ડ્રકના નગરની દિશામાં જવા લાગ્યા. આકાશમાંથી ઊતરીને દ્વારપાલ પાસેથી રાજાજ્ઞા મેળવી રાજાના ભવ્ય ભવનમાં પ્રવેશ્યા, અને પૌણ્ડ્રકને મળ્યા. રાજાએ તેમનો અતિથિસત્કાર કર્યો અને ઋષિને બેસવા માટે સ્વચ્છ વસ્ત્ર પાથરેલું સુંદર આસન આપ્યું. પછી અભિમાની રાજાએ આરંભમાં તો નારદમુનિની કુશળતાના સમાચાર પૂછ્યા- પછી તે બોલવા લાગ્યો, ‘વિપ્રવર્ય, તમે તો કુશળ છો, બધાં કાર્યોમાં નિપુણ છો. દેવતાઓ, સિદ્ધો, ગંધર્વો તમને બહુ માન આપે છે, તમે કશાય અંતરાય વિના સર્વત્ર જઈ શકો છો. બધે જ સ્થળે તમારી પહોેંચ છે. આ બ્રહ્માંડમાં તમારા માટે કોઈ પણ સ્થાન અગમ્ય નથી. તો હવે તમે કહો, તમે જ્યાં જ્યાં ગયા છો ત્યાં ત્યાં આ તપસ્વી અને લોકપ્રસિદ્ધ બળવાન પૌણ્ડ્રકને જ બધા વાસુદેવ કહે છે ને! હું જ શંખ, ચક્ર,ગદા, શાર્ઙ્ગ ધનુષ ધરાવું છું. ઢાલ અને તલવાર લઈને, કવચ પહેરીને અનેક રાજ્યો પર મેં વિજય મેળવ્યો છે. બધાને હું જ દાન આપું છું. હું જ સમસ્ત રાજ્યનો ભોક્તા છું. બળપૂર્વક બધા ઉપર રાજ કરું છું. શત્રુઓ મને જીતી ન શકે, હું સ્વજનોનો રક્ષક છું, આજકાલ જે ગોપ વાસુદેવના નામે વિખ્યાત છે તેનામાં એવાં પરાક્રમ કે વીરતા નથી, તે મારું નામ કેવી રીતે ધારણ કરી શકે? તે ગોવાળ અજ્ઞાનને કારણે નાહક મારું નામ વાપરે છે. તમે નિશ્ચિત રીતે જાણી લો કે તે બળવાન યાદવને જીતીને હું એકલો જ આ વિશ્વમાં વાસુદેવ તરીકે રહીશ. બધા જ યાદવોને જીતીને કૃષ્ણની દ્વારકાનો વિનાશ કરીશ. હું જાતે તો યુદ્ધ કરીશ પણ સાથે સાથે બધા બળવાન રાજાઓ પણ મારી સાથે યુદ્ધ કરશે. મારી પાસે બહુ વેગીલા અશ્વ છે, વાયુવેગી રથ છે, અસંખ્ય હાથી છે, ઊંટ છે. આ વિરાટ સેનાની સાથે યુદ્ધભૂમિમાં જઈ શ્રીકૃષ્ણનો વધ કરીશ. વિપ્રવર્ય, તમે પ્રત્યેક નગરમાં મારા નામનો ઢંઢેરો પીટતા રહો, તમારે ઇન્દ્ર આગળ પણ મારાં પરાક્રમ, બળની વાત કરવી જોઈએ. મારી આ પ્રાર્થના છે. તમને હું વંદન કરું છું.’
નારદે આ સાંભળી કહ્યું, ‘બ્રહ્માંડમાં હું ગમે ત્યાં જઈ શકું છું. કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ કરાવવા માગતી હોય તો તેણે મારી પાસે આવવું જ પડે. સર્વત્ર જઈ શકવાની વિદ્યામાં તો હું પારંગત છું. રાજન્, તમે જે કહો છો તેવી વાત કરવાનો મારામાં ઉત્સાહ નથી. દુષ્ટોનો વધ તેમના બાંધવો સહિત કરીને સર્વશક્તિશાળી, ચક્રપાણિ, જનાર્દન આ પૃથ્વી પર રાજ કરી રહ્યા છે.
શ્રી હરિ હોય પછી કોઈ બીજો વાસુદેવ ક્યાંથી હોઈ શકે? સૂર્યકિરણોથી પ્રકાશિત દ્યુલોક અને ભૂલોક પર જ્યાં સુધી શ્રીકૃષ્ણનું રાજ ચાલતું હોય ત્યાં સુધી કોઈ કેવી રીતે પોતાની જાતને વાસુદેવ કહી શકે? તમારા જેવા મૂઢ માણસ જ અજ્ઞાનવશ આવી વાત કરી શકે. સર્વત્ર વિહરનારા, અઢળક વૈભવવાળા, પાપનાશક, સર્વવ્યાપી, શાર્ઙ્ગધનુર્ધારી, ગદાધર વિષ્ણુ તમારા ઘમંડની ધૂળધાણી કરી નાખશે. આદિદેવ, પુરાણપુરુષ, શ્રીકૃષ્ણ તમારા અભિમાનને ઓગાળી નાખશે. તમે જે વિચારો છો, બોલો છો તે તો ઉપહાસપાત્ર છે. શ્રીકૃષ્ણ પાસે જે શાર્ઙ્ગ ધનુષ અને તલવાર છે તેની સામે તમારાં શસ્ત્ર અર્થહીન છે. તમારા પતનનો સમય આવી પહોેંચ્યો છે.’
નારદ મુનિની આ વાત સાંભળીને અભિમાની રાજા પૌણ્ડ્રક ક્રોધે ભરાઈ બોલ્યો, ‘તમે આ શું બોલો છો? હું રાજા છું અને બ્રાહ્મણો મારી સાથે છે. તમે તો શાપ આપનારા છો એટલે તમે અહીંથી તમારી ઇચ્છા થાય ત્યાં જતા રહો. મને તમારો ડર લાગે છે એટલે હમણાં ને હમણાં જ જતા રહો.’
રાજાએ આમ કહ્યું એટલે નારદ મુનિ જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ હતા ત્યાં ગયા અને તેમને બધી વાત જણાવી. આ સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું, ‘પૌણ્ડ્રકને જે બકવાસ કરવો હોય તે ભલે કર્યા કરે. આવતી કાલે હું તેનું અભિમાન ઓગાળી નાખીશ.’ આમ કહીને શ્રીકૃષ્ણ મૂગા રહી ગયા.
આ બાજુ પૌણ્ડ્રક ઘણી બધી સેના લઈને દ્વારકાની દિશામાં જવા માંડ્યો. કેટલાય સહ અશ્વ, હાથી અને કરોડો અસ્ત્ર-શસ્ત્ર ધરાવતા રાજાએ પ્રયાણ કર્યું. એકલવ્ય જેવા રાજા તેની આસપાસ હતા. આઠ હજાર રથ, દસ હજાર હાથી, દસ કરોડ પદાતિઓ તે સેનામાં હતા. આવડી મોટી વિરાટ સેનાને લઈને નીકળી પડેલો પૌણ્ડ્રક ઉદયગિરિ પર ઊગતા સૂરજ જેવો દેખાતો હતો. અડધી રાતે તેણે દ્વારકા પર આક્રમણ કર્યું. રાતે ઘોર અંધારામાં પદાતિઓના હાથમાં સળગતી મશાલો હતી. ઘણા શ્રેષ્ઠ રાજાઓ વિવિધ અસ્ત્ર-શસ્ત્ર લઈને શક્તિશાળી દ્વારકા પર આક્રમણ કરવા ગયા.
પરાક્રમી અને બળવાન રાજા પૌણ્ડ્રક પણ મશાલો લઈ એક મોટા રથમાં બેસીને દ્વારકા જઈ રહ્યો હતો. તે રથમાં અનેક શસ્ત્રો હતાં. પટ્ટિશ, તલવાર, ગદા, પરિઘ, તોમર, શક્તિ, તલવાર જેવાં અનેક અસ્ત્ર હતાં. ઝાંઝરોવાળી ઝાલરોથી તેનો રથ શણગારાયો હતો. ધનુષ, ગદા યથાસ્થાને હતાં. તે મહારૌદ્ર વિશાલ રથ પ્રલયકાલીન મેઘ જેવો ગંભીર ઘોષ કરનારો હતો. તેનું સ્વરૂપ અગ્નિ અને સૂર્ય જેવું હતું. મહાશક્તિશાળી રાજા જગદીશ્વર શ્રીકૃષ્ણનો તથા તેમની બધી દિશામાં ઊભેલા યાદવોનો વધ કરવા માગતો હતો. તે પોતાની સેનાના મુખ્ય મુખ્ય રાજાઓને પોતાની સાથે લઈ ગયો અને નગરદ્વારે પહોેંચી સેનાને ગોઠવીને તેણે રાજાઓને કહ્યું, ‘રણભેરી વગાડો અને મારા નામનો પોકાર કરીને કહો કે યાદવો, અહીં આવીને યુદ્ધ કરો, અથવા યોગ્ય કર આપો. મહાન પરાક્રમી રાજા પૌણ્ડ્રક યુદ્ધ કરવા અહીં આવ્યા છે અને શ્રીકૃષ્ણની વીરતાનો આશ્રય લેનારા બધા યાદવોને તે મારી નાખશે.’
આ બધા રાજાઓ સૂચકોને મળ્યા. ત્યાં લાખો મશાલો સળગતી હતી. યુદ્ધની ઇચ્છા ધરાવતા રાજાઓએ આમતેમ યુદ્ધ શરૂ કરી દીધાં હતાં, ‘ક્યાં છે શ્રેષ્ઠ વીર? જગદીશ્વર ક્યાંં છે? વીર સાત્યકિ ક્યાં છે? કૃતવર્મા ક્યાંં છે? બધા યાદવોના શિરોમણિ બલરામ ક્યાં છે?’ આમ કહીને તે રાજાઓ બધી દિશાએથી અસ્ત્ર, શસ્ત્ર, બાણ વડે દ્વારકા પર આક્રમણ કરવા લાગ્યા.
યાદવોએ જોયું કે શત્રુસેના મોટી સંખ્યામાં છે, બધા પાસે અસ્ત્રશસ્ત્ર છે અને ઝંઝાવાત વેળા ઊમટેલા સમુદ્ર જેવા દેખાય છે. રાત્રે બહુ મોટું સંકટ આવ્યું છે, ત્યારે યાદવો પણ યુદ્ધ કરવાની ઇચ્છાથી સજ્જ થયા. બધા યાદવોના હાથમાં મશાલ હતી. સાત્યકિ, બલભદ્ર, કૃતવર્મા, ઉદ્ધવ, ઉગ્રસેન અને બીજા યાદવ વીરોએ કવચ ધારણ કર્યાં. આ યાદવો બધા જ પ્રકારનાં યુદ્ધોમાં કુશળ, રાત્રે પણ કમર કસીને લડનારા, બધા જ પ્રકારનાં અસ્ત્રશસ્ત્ર ધરાવનારા યુદ્ધ માટે સજ્જ થઈ ગયા. તેમની સાથે રથી, અશ્વારૂઢ સૈનિકો, હાથી પર સવાર થયેલા, શસ્ત્રધારી પદાતિઓ હતા. બધાના હાથમાં ધનુષબાણ હતાં, પ્રજ્વલિત મશાલો હતી, તેઓ પણ લલકારવા લાગ્યા, ‘ક્યાં છે પૌણ્ડ્રક?’ મશાલોને કારણે સમગ્ર વિસ્તાર પ્રકાશિત થઈ ગયો અને પછી ફરી ચોતરફ અંધકાર છવાઈ ગયો. બંને પક્ષ વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું. હવે રૂવાંડાં ખડાં થઈ જાય એવો કોલાહલ થવા લાગ્યો. અશ્વની સામે અશ્વ, હાથી સામે હાથી, રથની સામે રથ અને પદાતિની સામે પદાતિ, ખડ્ગધારી સામે ખડ્ગધારી, ગદાધારી સામે ગદાધારી ભીડાયા. એ વીર સૈનિકોનો ધ્વનિ મહાપ્રલય વેળાએ થતી સમુદ્રગર્જના જેવો હતો.
બંને પક્ષના સૈનિકો સામા પક્ષવાળા ઉપર પ્રહાર કરતા હતા, રાજાઓ ઘવાવા માંડ્યા. તેઓ એકબીજાને કહેતા હતા, ‘આ ખડ્ગધારી પરાક્રમી ધરાશાયી થઈ ગયો. આ દારુણ બાણ ભયાનક છે, આ ગદાધારી રાજા આપણને બધાને બહુ પીડા પહોેંચાડે છે. અનેક શસ્ત્રો લઈને આ બળવાન યોદ્ધો ઘૂમી રહ્યો છે. આ હાથી દંતશૂળ વડે ધસારો કરી રહ્યો છે. આ સૈનિક બધી દિશાઓમાં ઘૂમી રહ્યો છે.’
કોઈ કોઈ શૂરવીર વાયુના જેવી ગતિથી સર્વત્ર ગયા અને પોતાનાં બાણોથી શત્રુઓનાં બાણનો તથા દંડોથી શત્રુઓના દંડનો વિનાશ તેમણે કર્યો. કેટલાય યોદ્ધાઓ ભાલાથી ભાલાનો, ગદાથી ગદાનો, પરિઘથી પરિઘનો, શૂલથી શૂલનો ઉચ્છેદ કરતા હતા. આ પ્રકારે યુદ્ધ કરતા કરતા બહુ મોટું યુદ્ધ થયું અને ભારે કોલાહલ થવા લાગ્યો. આ રણભૂમિમાં બહુ વિશાળ પ્રાણીઓ અનેક પ્રકારના ધ્વનિ કરતા હજારોની સંખ્યામાં જોવા મળ્યાં. ત્યાં થતો શંખધ્વનિ બહુ ભયંકર હતો. રાત્રે થઈ રહેલા આ યુદ્ધમાં બહુ રોમાંચક ધ્વનિ થઈ રહ્યો હતો. બંને પક્ષના આ મહાયુદ્ધમાં કેટલાય રાજા કાળનો કોળિયો બનીને ધરતી પર ઢળી પડ્યા, કેટલાય બહુ પરાક્રમી રાજા હાથમાં શસ્ત્ર લઈને એકબીજાની સાથે લડતા હતા અને સામાના વાળ વિખેરીને ધરાશાયી થઈ જતા હતા. કેટલાય યોદ્ધાઓનાં કવચ વિદીર્ણ થઈ જવાને કારણે તેમના ટુકડેટુકડા થઈ ગયા હતા. એક બીજાનો વધ કરી નાખવાની ઇચ્છાથી અસ્ત્રશસ્ત્રનો પ્રહાર કરી યોદ્ધાઓ જીવ ગુમાવી બેસતા હતા અને યમરાજના રાજ્યને સમૃદ્ધ કરતા હતા. આમ યુદ્ધમાં ભાગ લેનારા બધા રાજા ત્યાં મૃત્યુ પામ્યા.
નિષાદોનો રાજા એકલવ્ય કાલાન્તક અને ભયંકર હતો. તે હાથમાં મહાઘોર ધનુષ લઈને સહ બાણ વડે યાદવોને પીડવા લાગ્યો. તેણે અનેક તીક્ષ્ણ અને મર્મભેદી બાણ વડે યાદવોની સેનાનો સંહાર કર્યો. અસ્ત્રશસ્ત્રધારી અત્યંત બળવાન ક્ષત્રિયોને પણ તેણે ધરાશાયી કરી દીધા. તેણે પચીસ બાણ વડે નિશકને, દસ બાણ વડે સારણને, પાંચ બાણ વડે કૃતવર્માને, નેવું બાણ વડે ઉગ્રસેનને, વસુદેવને અક્રૂરને, ઉદ્ધવને ઘાયલ કર્યા. આમ એક એક કરીને તેણે બધા યાદવવીરોને ઘાયલ કર્યા અને હાંકી કાઢ્યા. તે બોલતો રહ્યો, ‘હું બળવાન અને પરાક્રમી એકલવ્ય છું. અત્યારે મારા હાથમાંથી બચીને સાત્યકિ ક્યાં જશે? બળના અભિમાની એવા હળધર પણ હાથમાં ગદા લઈને ક્યાં જાય છે?’ આમ તે યદુકુળના શ્રેષ્ઠવીર પુરુષોને લલકારતો અને સિંહનાદ કરીને સિંહોને પણ આશ્ચર્ય પમાડતો હતો.
આમ જ્યારે યાદવોની સેનાનો નાશ થયો અને પરાક્રમીઓ ભયભીત થઈને ચારે દિશાઓથી પાછા આવ્યા, બધી મશાલો બુઝાઈ ગઈ, ચોતરફ સન્નાટો છવાઈ ગયો ત્યારે પૌણ્ડ્રકે માની લીધું કે યાદવો પરાજિત થઈ ગયા. તેણે પોતાના સૈનિકોને કહ્યું, ‘રાજાઓ, હવે વિલંબ ન કરો; ભાલા, ત્રિકમ વડે આ નગરીને ખોદી નાખો. કુહાડી, હળ અને પથ્થર ફેંકવાનાં યંત્રો લઈને આ નગરીની ચારે બાજુ જાઓ. નગરીના કિલ્લા તોડીફોડી નાખો, બધા મહેલો પાડી નાખો, યાદવ કન્યાઓનું અને દાસીઓનું અપહરણ કરો. ધન લૂંટો.’
પૌણ્ડ્રકના કહેવાથી બધા યોદ્ધાઓએ કિલ્લાઓ, લોકોથી ઊભરાતા મહેલોનો વિનાશ કરવા માંડ્યો. અને એનો ઘોર ધ્વનિ સંભળાયો. ‘પૂર્વ દ્વારના કિલ્લાઓ અમે તોડી નાખ્યા.’ આ તોડફોડના ભયંકર અવાજથી સાત્યકિ બહુ ક્રોધે ભરાયા. ‘કેશવ તો આ નગરીના રક્ષણનો બધો ભાર મારા પર નાખીને શંકર ભગવાનનાં દર્શન કરવા કૈલાસ પર્વત પર ગયા છે. એટલે દ્વારકાની રક્ષા મારે કરવી જોઈએ.’ આમ વિચારીને દારુકના પુત્રે સજ્જ કરેલા એક મોટા રથમાં તે બેઠા, દારુકપુત્ર તે રથનો સારથિ હતો. વિશાળ ધનુષ અને ઝેરી સાપ જેવાં ભયંકર બાણ લઈને કવચથી સજ્જ થઈને બાજુબંધ, કુંડલ, ધનુષ, ગદા, ખડ્ગ સમેત શ્રીકૃષ્ણનાં વચનનું સ્મરણ કરીને યુદ્ધ માટે તે નીકળી પડ્યા. મશાલોથી પ્રકાશિત એવા સ્થળે તે ગયા. બલરામ પણ યુદ્ધ કરવા ગયા. ધનુષબાણ લઈને તેજસ્વી રથમાં બેસીને તે નીકળી પડ્યા. તેમની સાથે બધા સૈનિકો મોટો ધ્વનિ કરતા આગળ વધતા હતા. નીતિજ્ઞોમાં શ્રેષ્ઠ, મહાપરાક્રમી ઉદ્ધવ પણ નીતિ-પ્રીતિનો સમન્વય કરી ભયંકર ઘોષ કરતા ઉન્મત હાથી પર બેસીને નીકળ્યા. બીજા યાદવો પણ યુદ્ધની ઝંખના કરતા આગળ ગયા. કૃતવર્મા જેવા સમર્થ યોદ્ધાઓ પણ શ્રીકૃષ્ણનાં વચનોનું સ્મરણ કરીને રથ અને હાથી પર બેસીને મશાલો સળગાવી આગળ ચાલ્યા. પૂર્વદ્વાર આગળ યુદ્ધ કરવા માગતા બધા યોદ્ધા એકબીજાને મળીને ત્યાં ઊભા રહ્યા. મશાલોથી પ્રકાશિત માર્ગ પર જ્યારે તે વિશાળ સેના ઊભી રહી ગઈ ત્યારે ધનુષ, બાણ, ગદા સહિત સાત્યકિએ વાયવાસ્ત્ર ચઢાવી ધનુષની પણછ કાન સુધી ખેંચી અને શત્રુસેના પર એ અસ્ત્ર ફેંક્યું. ત્યાં ઊભેલા શત્રુપક્ષના ઉત્તમ યોદ્ધાઓ વાયવાસ્ત્રથી પીડા પામી પૌણ્ડ્રક પાસે જઈ પહોેંચ્યા. વાયુવેગથી કંપતા બધા રાજાઓ પણ પહેલાં જ્યાં ઊભા હતા ત્યાં પહોેંચી ગયા. પૂર્વદ્વારે ઊભા રહી સાત્યકિ એક તીક્ષ્ણ બાણ સજી બોલ્યા, ‘રાજવીઓમાં શ્રેષ્ઠ બુદ્ધિમાન પૌણ્ડ્રિક ક્યાં છે? હું મહાબલી સાત્યકિ ધનુષબાણ લઈને તેની સાથે યુદ્ધ કરવા અહીં ઊભો છું. જો તે દુરાત્મા નીચ રાજા મારી આંખે ચઢશે તો હું તેને માર્યા વિના રહેવાનો નથી. હું ભગવાન શ્રીકૃષ્ણનો સેવક છું અને પૌણ્ડ્રકનો વધ કરવા ઊભો છું. હું આ બધા ક્ષત્રિયોના દેખતાં તે દુરાત્માનું મસ્તક છેદીને ગીધ અને કૂતરાને ધરી દઈશ. રાતે જ્યારે બધા યાદવો સૂઈ રહ્યા હતા ત્યારે કયો શ્રેષ્ઠ માનવી ચોરની જેમ આવું તિરસ્કારપાત્ર કાર્ય કરી શકે? આ બળવાન રાજા નહીં પણ ચોર છે. જો એ નીચ રાજામાં શક્તિ હોત તો તે આવું કાર્ય ન કરત. ચોરની જેમ કામ કરનારા એ રાજા મારી સામે આવતો નથી.’ એમ કહી મહાબલી વીર સાત્યકિ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. તેમણે ધનુષની પણછ કાન સુધી ખેંચીને બાણ સજ્જ કર્યું.
સાત્યકિની વાત સાંભળીને પૌણ્ડ્રક બોલવા લાગ્યો: ‘ક્યાં છે કૃષ્ણ? ક્યાં છે એ ગોવાળ? સ્ત્રી અને પશુનો હત્યારો ક્યાં છે? જે સ્વામી બનીને સેવા કરાવે છે તે મારો શત્રુ ક્યાં છે? મારું નામ ગ્રહણ કરીને ક્યાં સંતાઈ ગયો છે? મારા મિત્ર નરકાસુરનો વધ કરીને તે પોતાને મહાપરાક્રમી માને છે. યુદ્ધમાં એ દુરાત્માનો વધ કરીને જ મારો ક્રોધ શાંત થશે. વીર, તું અહીંથી જતો રહે. મારી સાથે યુદ્ધ કરવાની તારામાં હિંમત નથી. થોડો સમય ઊભો રહીશ તો મારું બળ જોઈ શકીશ. દુર્જય બાણો વડે તારું મસ્તક છેદી નાખીશ. આ રણભૂમિ પર મારા હાથે તું મૃત્યુ પામીશ એટલે ધરતી તારું રક્તપાન કરશે. તે ગોવાળ પણ સાંભળશે કે સાત્યકિ મૃત્યુ પામ્યો. તારા મૃત્યુથી તેનું અભિમાન ઓગળી જશે. અમે પહેલેથી જાણીએ છીએ કે તે ગોવાળ તમારા ઉપર નગરરક્ષાનો ભાર નાખીને કૈલાસ પર્વત પર ગયો છે. સાત્યકિ, તારામાં તાકાત હોય તો કોઈ તીક્ષ્ણ બાણ સજાવ.’ આમ કહી પૌણ્ડ્રક ધનુષબાણ લઈ સામે ઊભો રહી ગયો.
શ્રેષ્ઠ યાદવ વીર સાત્યકિએ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને ક્રોધિત થઈ કહ્યું, ‘પૌણ્ડ્રક, રાજાઓમાં તું અધમ છે. એટલે જ તું આવું બોલી રહ્યો છે. જીવનની ઇચ્છા રાખતો કયો માણસ જગન્નાથ શ્રીકૃષ્ણ માટે આવું બોલી શકે? આવી વાણી ઉચ્ચારતી વેળા તારા માથે મોત ભમે છે. આવી અયોગ્ય વાત કહેતાં તો તારી જીભના સો ટુકડા થઈ જવા જોઈએ. પૌણ્ડ્રક, હું હમણાં જ તારું મસ્તક ધડથી જુદું કરી નાખીશ. જ્યાં સુધી તારું મસ્તક ધડ પર છે ત્યાં સુધી જ તારું નામ વાસુદેવ સાથે જોડાયેલું છે. આવતીકાલથી તું ભગવાન વાસુદેવ નહીં રહે. જે બધાના કર્તાહર્તા છે, જે સર્વવ્યાપી છે તે એકલા જ શ્રીકૃષ્ણ વાસુદેવ રહેશે. તુચ્છ રાજા, હમણાં જ તારું મસ્તક દૂર કરું છું. જ્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ આવે નહીં ત્યાં સુધી તું તારું પરાક્રમ દેખાડ. આનાથી વધુ સારો અવસર તને પછી નહીં મળે. હું યુદ્ધનો નિર્ધાર કરીને ઊભો છું. તું મારી શક્તિ જોજે. હું સાચું કહું છું, તું આ પહેલાં આ નગરમાં આવ્યો ન હતો. તારા જેવા વાસુદેવના પૂતળાને જોઈને બસ, હવે તારા શરીરના રાઈ રાઈ જેવા ટુકડા કરીને કૂતરાઓને ખવડાવીશ.’
વાસુદેવ નામધારી પૌણ્ડ્રકને આમ કહી સાત્યકિએ એક તીક્ષ્ણ બાણ ચલાવ્યું, અને પૌણ્ડ્રકને ઘાયલ કર્યો. આવી રીતે તે ઘવાયો એટલે તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. તે રાજા ક્રોધે ભરાયો. વારે વારે સિંહનાદ કરી નવદસ બાણ વડે સાત્યકિને ઘાયલ કર્યા. ફરી યમરાજ જેવા તીક્ષ્ણ બાણ વડે સાત્યકિને ઘાયલ કર્યો અને પોતાના સૈનિકોને પ્રસન્ન કર્યા. કપાળમાં ગંભીર ઘા થયો એટલે યાદવશ્રેષ્ઠ સત્યપ્રતિજ્ઞ સાત્યકિ રથના પાછલા ભાગમાં પડી ગયા. પછી રાજાએ દસ બાણ વડે સારથિને અને પચીસ બાણ વડે રથના ચારે ઘોડાને ઘાયલ કર્યા.
તે બધા લોહીથી લથબથ થઈ ગયા અને ત્યાં જ આકળવિકળ થયા. વાસુદેવ રથ પર બેસીને જોર જોરથી સિંહનાદ કરવા લાગ્યો. તેના ઘોષથી સાત્યકિ જાગી ગયા, ઘોડાને અને સારથિને ઘાયલ જોઈને તેઓ ક્રોધે ભરાયા. તે બોલ્યા, ‘હવે જોઉં છું. તારામાં કેટલું બળ છે?’ પછી સાત્યકિએ બાણ ચલાવી પૌણ્ડ્રકની છાતી વીંધી. તેનાથી તે ધ્રૂજી ગયો અને છાતીમાંથી ગરમ ગરમ લોહી વહેવા લાગ્યું. ફુત્કાર કરતા સાપની જેમ લાંબા નિ:શ્વાસ નાખતો તે રથમાં બેસી પડ્યો. તેને કશું કરવાની સુધબુધ ન રહી. દસ બાણ વડે રાજાના રથને તોડીફોડી નાખ્યો, ભાલા વડે રથની ધ્વજા કાપી નાખી. તેના દેખતાં દેખતાં જ બાણો વરસાવીને ચારેય ઘોડાને ઘાયલ કર્યા, સારથિનું મસ્તક છેદી નાખ્યું. પૌણ્ડ્રકના ઘોડા પણ મૃત્યુ પામ્યા. પછી દસ બાણ મારીને રથનાં પૈેંડાં કાપી નાખ્યાં. આમ કરીને સાત્યકિ વાસુદેવની મજાક ઉડાવવા લાગ્યો. પછી બળવાન સાત્યકિએ મોટેથી સિંહનાદ કરીને સિત્તેર બાણ મારી પૌણ્ડ્રકને વધુ ઘાયલ કર્યો. માથે, બગલોમાં, પીઠ પર, છાતી પર એ બાણ વડે ઘાયલ થયેલો, તરસ્યો રાજા માત્ર ધૈર્યને કારણે ઊભો હતો. જેવી રીતે ઉદાર પુરુષ નિર્ધન થઈ ગયા પછી દાન આપી ન શકે તેવી રીતે પૌણ્ડ્રક કોઈ પણ પ્રતિકાર કર્યા વિના ચુપચાપ ઊભો રહ્યો. પછી ક્રોધે ભરાઈને તેણે અર્ધચન્દ્ર વડે સાત્યકિને ઘાયલ કર્યા. તે ભારે ક્રોધાવેશમાં આવી ગયો હતો. ઘાયલ સાત્યકિએ પાંચ બાણ વડે પૌણ્ડ્રકનું ધનુષ છેદી નાખ્યું અને સિંહનાદ કર્યો. હવે વાસુદેવે હાથમાં ગદા લઈ ઘુમાવી અને સાત્યકિની છાતીમાં મારી. સાત્યકિએ ડાબા હાથે ગદા ઝાલી લીધી અને એક બાણ વડે પૌણ્ડ્રકને ઘાયલ કર્યો. એ ગાળામાં વાસુદેવે સાત્યકિને ધ્યાનમાં રાખી દસ શક્તિઓ વડે ઘાયલ કર્યા. એ શક્તિઓ વડે ઘવાયેલા સાત્યકિએ એ ધનુષ ફેંકીને બીજું ધનુષ લીધું અને શત્રુઓને ઘાયલ કરવા માંડ્યા. યાદવોને આનન્દ પમાડનાર સાત્યકિએ ક્રોધે ભરાઈને ગદા વડે વાસુદેવને ઘાયલ કર્યો. વાસુદેવે પણ સામે ગદાનો પ્રહાર કર્યો. બંને વીર વનમાં એકબીજા સામે લડતા સિંહની જેમ દેખાતા હતા. પછી ક્રોધે ભરાયેલા સાત્યકિએ ડાબી બાજુ અને વાસુદેવે જમણી બાજુ આક્રમણ કર્યું. સાત્યકિની છાતીમાં ભારે ઘા થયો, સાત્યકિએ પણ તેના બાહુઓ પર ભારે પ્રહાર કર્યો. એને કારણે વાસુદેવ ઘુંટણિયે પડી ગયો, પછી ઊભા થઈને તેણે સાત્યકિના કપાળે લાત મારી. સાત્યકિ થોડી પીડા થઈ એટલે જરા બેઠા અને પછી ઊભા થઈને વાસુદેવ પર ગદા ઝીંકી. વાસુદેવ બહુ શક્તિશાળી હતો. તે સાક્ષાત્ મૃત્યુ જેવો હતો. જાણે પોતાનાં નેત્ર વડે તે સાત્યકિને ભસ્મ કરવા માગતો હોય તેમ જોતો હતો. ગદા વડે સાત્યકિ પર પ્રહાર કર્યો. એ પ્રહારથી સાત્યકિ ધરતી પર બેસી ગયા, જાણે મૃત્યુના ખોળામાં જઈ બેઠા. પછી સ્વસ્થ થઈને શત્રુએ ફંગોળેલી ગદા ઊછળીને બંને હાથ વડે પકડી લીધી અને કાળા લોખંડની બનેલી સુંદર, ભારે ગદાના બે ટુકડા કરી નાખ્યા. સાત્યકિએ ગર્જના કરી. પછી વાસુદેવે એ ગદા ફગાવીને સાત્યકિને ડાબા હાથે ઝાલી લીધો અને જમણા હાથની મુઠ્ઠીથી તેમની છાતીમાં પ્રહાર કર્યો. સાત્યકિએ ગદા ફેંકી દીધી અને વાસુદેવને એક લપડાક મારી. વાસુદેવે પણ સામે લપડાક મારી. આમ બંને વચ્ચે લપડાકોનું યુદ્ધ શરૂ થયું. ઘુંટણ, હાથ, મસ્તક વડે પ્રહારો થવા લાગ્યા. છાતીથી છાતી પર, ઘુંટણથી ઘુંટણ પર અને હાથથી હાથ પર ઘા થવા લાગ્યા. તે નીરવ, નિસ્તબ્ધ રાત્રિમાં પૌણ્ડ્રક અને સાત્યકિ અખાડામાં ઊતરેલા મલ્લની જેમ યુદ્ધ કરવા લાગ્યા. બંને પક્ષની સેનાને સંશય થવા લાગ્યો કે સાત્યકિ મૃત્યુ પામશે કે પૌણ્ડ્રક? આજે બંને એકબીજાનો વધ કરવાની ઇચ્છાથી નિશ્ચિત સ્વર્ગે સીધાવશે, ત્યાં સુધી તેઓ યુદ્ધ કરવાનું બંધ નહીં કરે. આ બંને બહુ બળવાન છે, તેમનાં ધૈર્ય, પરાક્રમ અદ્ભુત છે. તે બંને મહાવીર છે, શ્રેષ્ઠ છે. દેવ અને દાનવ વચ્ચે પણ આવું ઘોર યુદ્ધ થયું ન હતું. આવું યુદ્ધ ન તો જોયું હતું, ન તો સાંભળ્યું હતું. બંને પક્ષના સૈનિકો રાત્રિના અંધકારમાં આ યુદ્ધ જોઈને આમ બોલતા હતા. પછી બંને વીર બાહુુયુદ્ધ કરવા લાગ્યા. સાત્યકિએ પૌણ્ડ્રકને દસ મુક્કા માર્યા, પૌણ્ડ્રકે પાંચ મુક્કા માર્યા. બંનેના મુક્કાઓનો અવાજ બ્રહ્માંડને ક્ષુબ્ધ કરતો હતો. બધાને અચરજ પમાડતો હતો.
આ દરમિયાન નિષાદરાજ એકલવ્ય ક્રોધે ભરાઈ ધનુષ લઈ બલરામ સામે આવી ગયો. દસ બાણ વડે બલરામને ઘાયલ કરીને બીજાં દસ બાણ મારી બધાના દેખતાં દેખતાં જ તેમનું ધનુષ વચ્ચેથી છેદી નાખ્યું. બલરામે દસ બાણ વડે નિષાદના સારથિને ઘાયલ કરી, ત્રીસ બાણ વડે રથને તોડીફોડી નાખ્યો. પછી સાડા ચાર હાથ લાંબું અને સુદૃઢ પણછ ધરાવતું ધનુષ લઈને એક બાણ વડે નિષાદે બલરામને ઘાયલ કર્યા. એટલે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે ફુત્કારતા શેષનાગની જેમ દસ સર્પાકાર બાણ વડે એકલવ્યના ધનુષને મૂળમાંથી જ છેદી નાંખ્યું. આ જોઈ નિષાદરાજ એકલવ્યે તીક્ષ્ણ ધારવાળી તલવારથી બલરામ પર ઘા કર્યો. યુદ્ધકુશળ બલરામે પાંચ બાણ વડે તે તલવારને અધવચ્ચે જ તોડી નાખી. પછી નિષાદરાજે બલરામના સારથિ પર ધ્યાન કેન્દ્રિત કરી બીજી તલવાર ઉગામી. તે કાળા લોખંડની બનેલી તલવાર સુંદર હતી, અને બલરામે તે તલવારને પણ તોડી નાખી. પછી મહાબલી નિષાદરાજે ઘંટાઓથી સજાવેલી શક્તિ બલરામ પર ઉગામી મોટી ગર્જના કરી. તે શક્તિ જ્યારે બલરામ પાસે આવી ત્યારે એ ભયાનક શક્તિને બલરામે હાથમાં ઝાલી લીધી અને બધાના આશ્ચર્ય વચ્ચે એ જ શક્તિ નિષાદરાજની છાતીમાં મારી. એનાથી ઘવાઈને તેનું આખું શરીર વ્યાકુળ થઈ ગયું અને તે ધરતી પર પડી ગયો. તે લગભગ મૃત:પ્રાય જેવો થઈ ગયો. તે નિષાદના સેંકડો, હજારો સાથીઓ હતા. તેની સેનામાં અઠ્યાસી હજાર નિષાદ સૈનિકો હતા. જેવી રીતે સળગતી આગમાં પતંગિયાં ઝંપલાવે તેવી રીતે તે બધા ધનુર્ધારી નિષાદ બાણ, શક્તિ, કુહાડી, ગદા, પટ્ટિશ, શૂલ, પરિઘ, તોમર, ભાલા, કુહાડી લઈને રામચંદ્ર જેવા પરાક્રમી બલરામ પર પ્રહારો કરવા લાગ્યા. ઘણાં બાણ તેમણે વરસાવ્યાં. પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી બલરામ પર કેટલાક નિષાદોએ કુહાડી વડે, ભાલા વડે, પરશુ વડે, ગદા વડે, શક્તિ વડે પ્રહારો કરવા માંડ્યા. પછી ક્રોધે ભરાયેલા બલરામ હળ વડે બધાને ખેંચી ખેંચીને મારવા લાગ્યા. તેના પ્રહારથી હજારો પર્વતવાસી નિષાદ ધરતી પર ઢળી પડ્યા. થોડી જ ક્ષણોમાં મહા બળવાન નિષાદોનો વધ કરી બલરામ ગરજવા લાગ્યા. રાતે ભયંકર માંસભક્ષી પિશાચ તે સૈનિકોનું માંસ ખાવા લાગ્યા, તેમનું લોહી પીવા લાગ્યા.
તે સમયે બધાં માંસભક્ષી પ્રાણીઓ મરી ગયેલાઓનું માંસ ખાઈ ઘોર અટ્ટહાસ્ય કરતાં હતાં. કાચું માંસ ખાનારા રાક્ષસ, પિશાચ ઘણું બધું લોહી પીને, માંસ ખાઈને તૃપ્ત થતા હતા. યુદ્ધથી સંતોષ પામીને કાગડા, બગલા, ગીધ, બાજ, શિયાળ નૃત્ય કરતાં હતાં. ભયાનક રાક્ષસો પણ માંસ ખાવામાં રચ્યાપચ્યા હતા. એ દરમિયાન એકલવ્યને કળ વળી, બધા પર્વતવાસી નિષાદો મૃત્યુ પામ્યા એ જોઈને તે ક્રોધે ભરાઈ બલરામ સામે ગયો. તેણે બલરામની સાથળ પર ગદાનો પ્રહાર કર્યો એટલે બલરામે ક્રૂરકર્મા નિષાદરાજને ગદાથી ભારે ચોટ પહોેંચાડી. પછી તો બંને વચ્ચે ભયાનક ગદાયુદ્ધ શરૂ થયું. તે ગદાઓ અથડાવાથી થતો ધ્વનિ સમસ્ત સમુદ્રોનાં ઊછળતાં મોજાંના ધ્વનિ જેવો હતો. પ્રલયકાળે સમુદ્રોનો જે ઘોષ થાય તેવો ત્યાં થઈ રહ્યો હતો. તેનાથી નાગરાજ શેષ પણ કંપી ઊઠ્યા. પૃથ્વી-આકાશ બધે જ ભારે ધ્વનિ થયો. આ બાજુ રણકુશળ પૌણ્ડ્રકે સાત્યકિ પર ગદા વડે પ્રહાર કર્યો અને સાત્યકિએ વળતો પ્રહાર કર્યો.
એકબીજાનો વધ કરવા માગતા તે ચારે યોદ્ધાઓની ગર્જના આખા બ્રહ્માંડને ક્ષુભિત કરતી હતી. પછી સૂર્યોદયની લાલિમા પ્રગટી, તારા અસ્ત પામ્યા. અન્ધકાર ઓગળવા માંડ્યો. ઉષાના આગમને અન્ધકાર પૂરેપૂરો દૂર થયો. સૂર્ય ભગવાન ઊગ્યા, ચન્દ્ર ઝાંખો થયો. સૂર્યોદય થયો ત્યારે પણ ચારેય યોદ્ધાઓનું યુદ્ધ દેવાસુર સંગ્રામ જેવું લાગતું હતું.
વિમળ પ્રભાત ઊગ્યું એટલે દેવકીનંદન શ્રીકૃષ્ણે બદરિકાશ્રમમાંથી દ્વારકા જવાની ઇચ્છા કરી. બધા ઋષિમુનિઓને નમસ્કાર કરી ભગવાન ગરુડ પર બેઠા અને દ્વારકા જવા નીકળ્યા. દ્વારકા પાસે આવતાં તેમણે યુદ્ધ કરી રહેલા સૈનિકોનો કોલાહલ સાંભળ્યો, અને તે વિચારે ચઢ્યા, ‘આ યુદ્ધજનક ઘોર ધ્વનિ શાનો? અહીં તો બંધુ બલરામ અને સાત્યકિની ગર્જના પણ સંભળાય છે. ચોક્કસ પૌણ્ડ્રકે દ્વારકા પર આક્રમણ કર્યું લાગે છે. એ દુરાત્મા સાથે યાદવોનું યુદ્ધ થઈ રહ્યું છે. એમનો જ આ અવાજ સંભળાય છે. આમાં બીજો વિચાર કરવાનો ન હોય.’
આમ વિચારી ભગવાને યાદવોને પ્રસન્ન કરવા પાંચજન્ય શંખ વગાડ્યો. તે શંખધ્વનિથી પૃથ્વી અને આકાશ છવાઈ ગયા. એ સાંભળી યાદવો કહેવા લાગ્યા, ‘નિશ્ચય શ્રીકૃષ્ણ ભગવાન પધારી રહ્યા છે. આ પાંચજન્ય શંખનો જ ધ્વનિ સંભળાય છે.’ યાદવોને ખાત્રી થઈ ગઈ. તે બધા નિર્ભય થઈ ગયા અને ત્યાં તેમની આંખે ગરુડ ચઢ્યું. થોડી વારે શ્રીકૃષ્ણનાં દર્શન થયાં. સૂત અને માગધો તેમની પાસે ગયા, બધા જ યાદવો ત્યાં ગયા અને શ્રીકૃષ્ણને ઘેરીને ઊભા રહ્યા. ભગવાને ગરુડને સ્વર્ગે જવાની આજ્ઞા આપી, પછી દારુકને કહ્યું, ‘તું મારો રથ લઈ આવ.’ પછી તરત જ સારથિ રથ લઈને આવ્યો. ગરુડની વિદાય પછી શ્રીકૃષ્ણ રથમાં બેઠા અને યુદ્ધસ્થળે પહોેંચ્યા. યુદ્ધ કરી રહેલા વીરો સમક્ષ પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. પૌણ્ડ્રક યુદ્ધની ઇચ્છા કરતા શ્રીકૃષ્ણને જોઈ સાત્યકિને પડતા મૂકી તે શ્રીકૃષ્ણ પાસે ગયો. એ જોઈ સાત્યકિએ પૌણ્ડ્રકને રોકી કહ્યું, ‘રાજન્, તમારે યુદ્ધ છોડીને જવું ન જોઈએ. એ સનાતન ધર્મ નથી. મને હરાવીને બીજા સાથે યુદ્ધ કરવા જાઓ. તમે ક્ષત્રિય છો, જ્યાં સુધી હું યુદ્ધ કરવા ઇચ્છું છું ત્યાં સુધી તમારે બીજે જવાનું ન હોય. હું હમણાં જ તમારું બધું અભિમાન ઓગાળી દઈશ.’ એમ કહી સાત્યકિ શ્રીકૃષ્ણના દેખતાં જ પૌણ્ડ્રકની આગળ ઊભા રહી ગયા, પણ પૌણ્ડ્રક સાત્યકિની અવગણના કરીને શ્રીકૃષ્ણ પાસે ગયો. ક્રોધે ભરાયેલા સાત્યકિએ તેને ઠપકો આપી ભગવાનની સામે જ પૌણ્ડ્રકને ગદા મારી. તેણે પૂરી સાવધાની અને શક્તિ વાપરીને પૌણ્ડ્રકને ગદા મારી હતી. આ જોઈ શ્રીકૃષ્ણે સાત્યકિની ભારે પ્રશંસા કરી. પછી ‘તેને જે કરવું હોય તે કરવા દે’ એમ કહી સાત્યકિને રોક્યો એટલે તે યુદ્ધનિવૃત્ત થઈ ગયો. પછી રાજા પૌણ્ડ્રકે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું, ‘અરે યાદવ, અરે ગોપાલ, અત્યારે તું ક્યાં જતો રહ્યો હતો? હું તને જ મળવા આવ્યો છું. હું હમણાં વાસુદેવના નામે વિખ્યાત છું. મારી સાથે બહુ મોટી સેના છે. હું સેના સમેત તારો વધ કરીને એકલો જ પૃથ્વી પર વાસુદેવ તરીકે રહીશ. ગોવિંદ, તારું વિખ્યાત, તેજસ્વી, મહાન ચક્ર મારા ચક્ર વડે નાશ પામશે. એનું મને દુઃખ છે, પણ રણભૂમિ પર મારી પાસે ચક્ર છે એમ માનીને અભિમાન નહીં કરવું. હું આજે બધા ક્ષત્રિયોના દેખતાં દેખતાં જ તારા એ બળનો નાશ કરીશ. જનાર્દન, મને જ શાર્ઙ્ગી સમજી લે. માત્ર તું જ શાર્ઙ્ગી છે એમ ન માનીશ. મારી પાસે શંખ છે એનું અભિમાન પણ નહીં કરતો, હું પણ શંખી છું, ગદાધર છું, ચક્રપાણિ છું. જગતમાં જે બધા પરાક્રમીઓ અને જ્ઞાનીઓ છે તે બધા હવે મને જ શંખ, ચક્ર, ગદાધારી કહેશે. ભૂતકાળમાં તેં કંસના સેવકોનો, પૂતનાનો, બીજા અસુરોનો વધ કર્યો હતો. એટલે તારી વીરતાનું તને અભિમાન હતું. મારી સામે તો ઊભો રહે. તારું એ અભિમાન ઓગાળી નાખીશ. જો યુદ્ધ કરવું હોય તો શસ્ત્ર ઉઠાવ.’
આમ કહી પૌણ્ડ્રક હાથમાં બાણ લઈ ભગવાન સામે ઊભો રહી ગયો. બનાવટી વાસુદેવની વાત સાંભળીને શ્રીકૃષ્ણ હસ્યા અને તેને કહેવા લાગ્યા, ‘તારી જે ઇચ્છા હોય તેમ તું કર. હું તો પાપી છું. મેં ગોહત્યા, બાલહત્યા, સ્ત્રીહત્યા કરી છે. તું સદા શંખ, ચક્ર, ગદાધરી, શાર્ઙ્ગ ધનુષધારી બની રહે. મારું વાસુદેવ નામ પણ લઈ લે. ચક્રી, ગદી, શંખી જેવાં નામોનો વ્યર્થ ભાર પણ રાખ. પણ હું તને કશુંક કહેવા માગું છું, યોગ્ય લાગે તો સાંભળ. મારા જગદીશ્વરના જીવતા જીવ બલવાન ક્ષત્રિય તને એ નામે બોલાવે છે. અસુરોનો નાશ કરનાર મહાન ચક્ર મારી પાસે છે, તારું ચક્ર આકારમાં તેને મળતું આવે છે, પણ શક્તિમાં નહીં. તારા બધાં શસ્ત્રોમાં પણ શક્તિ નથી. હું નિત્ય ગોપ જ છું. બધાં પ્રાણીઓને પ્રાણદાન કરનારો છું. બધા લોકનો રક્ષક છું, દુષ્ટોનું દમન કરું છું. તારે શત્રુઓ પર વિજય મેળવીને જ મોટી મોટી વાતો કરવી જોઈએ. હું શસ્ત્ર લઈને અહીં તારી સામે ઊભો છું, મને પરાજિત કર્યા સિવાય તારે આ બધું બોલવાનું ન હોય. તારામાં શક્તિ હોય તો મને મારીને જાતની પ્રશંસા કર. હું રથ, ધનુષ, ગદા, તલવાર અને ચક્ર લઈને તારી સામે ઊભો છું. રથ પર સવાર થઈ યુદ્ધ માટે તૈયાર થા.’ આમ કહી ભગવાન શ્રીકૃષ્ણ સિંહનાદ કરવા લાગ્યા.
ભગવાન વાસુદેવે બાણ વડે પૌણ્ડ્રક પર પ્રહાર કર્યો. રાજાએ પણ દસ બાણ વાસુદેવ પર ચલાવ્યાં. મિથ્યા વાસુદેવે દારુકને પચીસ, ઘોડાઓને દસ અને શ્રીકૃષ્ણને સત્તર બાણ માર્યાં. શ્રીકૃષ્ણે મનોમન તેની પ્રશંસા કરી. પછી રિપુસૂદન કેશવે શાર્ઙ્ગ ધનુષની પણછ ચડાવી તીક્ષ્ણ બાણ મારી પૌણ્ડ્રકની ધ્વજા કાપી નાખી. તેના સારથિનું મસ્તક કાપીને ચારેય ઘોડાઓને મારી નાખ્યા, રથ તોડીફોડી નાખ્યો, બંને પાર્શ્વરક્ષકોને ઘાયલ કરી રથનાં પૈેંડાં ભાંગી નાખ્યાં અને હસતા હસતા ત્યાં ઊભા રહ્યા. ત્યારે પૌણ્ડ્રક રથમાંથી કૂદી પડ્યો અને એક તીક્ષ્ણ તલવારનો ઘા કરવા ગયો. ભગવાન એ તલવારના સો ટુકડા કરીને રથ પર બેસી રહ્યા. પછી પૌણ્ડ્રક વાસુદેવે મહા ઘોર પરિઘ લીધું અને બધા ક્ષત્રિયોની સામે વાસુદેવ પર ફ્ેંક્યું. એ પરિઘના શ્રીકૃષ્ણે બે ટુકડા કરી નાખ્યા. પછી શત્રુદમન પૌણ્ડ્રકે મહા ઘોર, હજાર આરાવાળું ત્રીસ ભાર લોખંડમાંથી બનાવેલું ચક્ર હાથમાં લઈ ભગવાનને કહ્યું, ‘અરે અભિમાની પુરુષોના અગ્રણી જો, આ ભયંકર અને તીક્ષ્ણ ચક્ર તારા ચક્રનો વિનાશ કરશે. આ ચક્ર વડે બધા ક્ષત્રિયોના દેખતાં દેખતાં તારું બધું અભિમાન ઓગાળી દેશે. તારા માટે જ આ મહાભયંકર ચક્ર બનાવ્યું છે. તારામાં શક્તિ હોય તો આ ચક્રને છેદી નાખ.’ આમ કહી મહાબલી પૌણ્ડ્રકે એ ચક્રને સોવાર ઘુમાવી શ્રીકૃષ્ણ પર ફેંક્યું. એટલે શ્રીકૃષ્ણ તે સ્થાનેથી ઊતરી ગયા અને એ ચક્રને નિષ્ફળ કરી સિંહનાદ કરવા લાગ્યા. પહેલાં તો રાજાનું સાહસ જોઈને શ્રીકૃષ્ણ વિસ્મય પામ્યા હતા અને ‘રાજા પૌણ્ડ્રકનું પરાક્રમ દુ:સહ છે, તેનું ધૈર્ય અદ્ભુત છે.’ આમ વિચારી તેઓ રથમાંથી નીચે ઊતરી પડ્યા. પછી પૌણ્ડ્રકે એક શિલા ફેંકી, પણ શ્રીકૃષ્ણે એ જ શિલા પાછી તેના પર ફેંકી. આમ લાંબો સમય યુદ્ધની લીલા કરીને પોતાનું ચક્ર હાથમાં લીધું, તે ચક્ર દૈત્યોનું લોહી પીનારું હતું, તે ચક્રનો એકેએક ભાગ દૈત્યોના માંસથી પુષ્ટ થયો હતો. દૈત્ય સ્ત્રીઓના ગર્ભપાત તે ચક્ર કરાવતું હતું. તે સોનામાંથી બન્યું હતું. તે ઘોર ચક્ર દૈત્યો અને દાનવોનો વિનાશ કરનાર હતું. તેના આરા હજારોની સંખ્યામાં પ્રગટ થતા હતા, ક્યારેક સેંકડોની સંખ્યામાં. દેવગણો દ્વારા પુજાતું એ ચક્ર અદ્ભુત હતું, અને દૈત્યોને ભય પમાડતું હતું. ગોવિંદે એ ચક્ર વડે પૌણ્ડ્રકનો વધ કર્યો. તેના શરીરનો નાશ કરીને એ ચક્ર પાછું શ્રીકૃષ્ણના હાથમાં આવી ગયું. પછી નિર્જીવ થઈને રાજા ધરતી પર પડી ગયો. ભગવાનની માયા પામવી અઘરી હતી. તેઓ પૌણ્ડ્રકનો વધ કરીને યાદવોથી પુજાઈને સુધર્મા સભામાં ગયા.
આ તરફ બલરામે નિષાદરાજ એકલવ્યની છાતીમાં શક્તિ વડે પ્રહાર કર્યો અને સિંહનાદ કર્યો. પછી ક્રોધી નિષાદરાજે મહાબલી બલરામની છાતીમાં ગદાથી પ્રહાર કર્યો. એટલે બલરામે પોતાના પર ઉગામાયેલી ગદાને ઝીલી લીધી અને એકલવ્ય પર આક્રમણ કર્યું. આ જોઈને નિષાદરાજ મકર વગેરેના નિવાસસ્થાન સમુદ્ર તરફ દોડ્યો. તેની પાછળ પાછળ બલરામ પણ દોડ્યા. સમુદ્રમાં ઘૂસીને નિષાદરાજ પાંચ યોજન અંદર જતો રહ્યો, અને બલરામથી ડરીને ત્યાં જ રહેવા લાગ્યો. આમ બલરામે નિષાદરાજ એકલવ્ય પર વિજય મેળવ્યો. પછી બલરામે મણિ-રત્નોથી મઢેલી સુધર્મા સભામાં પ્રવેશ કર્યો. સાત્યકિ પણ ત્યાં આવ્યા, બીજા યાદવો પણ ત્યાં આવ્યા. અને પછી ત્યાં શ્રીકૃષ્ણે કૈલાસ પર્વત પર શંકર ભગવાનનાં કરેલાં દર્શનની વાત કરી.
(ભવિષ્યપર્વ અધ્યાય ૯૦-૧૦૨)