ભારતીયકથાવિશ્વ−૪/હરિવંશ/હંસ અને ડિમ્ભકની કથા
શાલ્વ દેશમાં બ્રહ્મદત્ત નામના એક પવિત્ર હૃદયવાળા, પ્રાણીમાત્ર પ્રત્યે દયા ધરાવતા, પંચયજ્ઞનું અનુષ્ઠાન કરનારા, મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખનારા રાજા થઈ ગયા. રૂપ અને ઉદારતા ધરાવતી બે પત્ની હતી, જેવી રીતે ઇન્દ્ર શચી સાથે સ્વર્ગમાં આનંદ મનાવતા હતા તેવી રીતે બ્રહ્મદત્ત પણ બંને પત્નીઓ સાથે આનંદ કરતા હતા. તેમને મિત્રસહ નામનો એક બ્રાહ્મણમિત્ર વેદ-વેદાન્તમાં તલ્લીન રહેનાર હતો. રાજાની જેમ તે પણ સંતાનહીન હતો. રાજાએ પુત્રપ્રાપ્તિ માટે દસ વર્ષ સુધી ભગવાન શંકરની આરાધના કરી, બ્રાહ્મણમિત્રે પુત્ર માટે વૈષ્ણવયાગ કર્યો. પછી શંકર ભગવાને રાજાને સ્વપ્નમાં દર્શન આપી રાજાને વરદાન માગવા કહ્યું ત્યારે રાજાએ બે પુત્ર માગ્યા- ‘તથાસ્તુ’ કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. રાજાની ઊંઘ ઊડી ગઈ. મિત્રસહે પણ પાંચ વર્ષ કેશવની આરાધના કરી, ભગવાને તેને પોતાના જેવો જ પુત્ર આપ્યો. રાજાની બંને પત્નીઓ શંકર ભગવાનના તેજથી અને બ્રાહ્મણપત્ની વૈષ્ણવતેજથી સગર્ભા બની. શંકરની કૃપાથી જન્મેલા બે પુત્રોના સંસ્કાર કર્યા અને મિત્રસહની પત્નીને જન્મેલો પુત્ર એટલે જાણે ભગવાન જ તેના ઘરમાં પધાર્યા. ત્રણે પુત્રો સમવયસ્ક હતા. વેદવેદાંતમાં પારંગત થયા. મોટો રાજકુમાર હંસ, નાનો ડિમ્ભક અને બ્રાહ્મણપુત્ર જનાર્દન.
બંને રાજકુમાર હિમાલય પર જઈને જળ અને વાયુનો આહાર કરતા તપ કરવા લાગ્યા, તેમની ઇચ્છા પરાક્રમી બનવાની અને અસ્ત્ર પ્રાપ્ત કરવાની હતી. શંકર ભગવાનનો જાપ પાંચ વર્ષ સુધી કર્યો અને ભગવાને પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે બંને બોલ્યા, ‘તમારી કૃપાથી દેવો-દાનવો-યક્ષ, ગાંધર્વો, અસુરો અમને જીતી ન શકે. વળી અમને અનેક પ્રકારનાં અસ્ત્ર આપો.’ ભગવાને હા પાડી અને પોતાના ગણ વિરૂપાક્ષને કહ્યું, ‘તું બબ્બે થઈને બે ભૂતેશ્વર થા અને ભયંકર યુદ્ધમાં આ બંને વીર કુમારોની સહાય કરજે.’ આમ કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. આમ બળવાન અને પરાક્રમી બંને કુમાર અસ્ત્રશસ્ત્રજ્ઞાતા થઈ ગયા. દેવદાનવ તેમને જીતી શકતા ન હતા. બંને શંકરના ભક્ત હતા. ભગવાનની વારે વારે સ્તુતિ કરતા, પછી ઘેર જઈને માતાપિતાની વંદના કરતા. જનાર્દને પણ દીર્ઘ કાળ અભ્યાસ કર્યો, તે વિષ્ણુ ભગવાનનો ઉપાસક બન્યો. તે ત્રણે પોતાની પત્નીઓમાં જ શ્રદ્ધા રાખીને માનતા હતા કે ધર્મ જ પરમ કલ્યાણકારી છે. એક વેળા તેઓ બંને જનાર્દનને સાથે લઈને મૃગયા માટે વનમાં ગયા અને ત્યાં ઘણાં પ્રાણીઓનો વધ કર્યો. પછી શિકાર કરી કરીને થાકેલા તે કુમારો પુષ્કર સરોવરની દિશામાં ગયા. ત્યાં સ્નાન કરીને સરોવર કાંઠે બેઠા. તે વેળા તેમના કાને વેદવાણી સંભળાઈ. પ્રસન્ન થઈ તેઓ પગે ચાલીને મહર્ષિ કશ્યપના આશ્રમમાં ગયા. ત્રણેએ ઋષિમુનિઓને પ્રણામ કર્યાં. ઋષિઓએ પણ તેમનો સત્કાર કર્યો, પછી હંસે ઋષિઓને કહ્યુંં,
‘અમારા પિતા રાજસૂય યજ્ઞ કરવા માગે છે તો તમે અમારા યજ્ઞમાં પધારજો. અમે દિગ્વિજય કરીને રાજા પાસે યજ્ઞનું અનુષ્ઠાન કરીશું, તો તમે બધા શિષ્યો સાથે સામગ્રી સાથે પધારજો. અમે ત્રણે આજે જ દિગ્વિજય કરવા નીકળી પડીશું. આમ તો અમે જ સૈનિકોની સહાય લઈને આ યજ્ઞનું અનુષ્ઠાન કરી શકીએ છીએ. કારણ કે યુદ્ધમાં દેવ-દાનવ અમને જીતી નહીં શકે. અમારી પાસે અનેક શસ્ત્રો છે.’ આમ કહીને મદોન્મત્ત હંસ ચૂપ થઈ ગયો.
આ સાંભળી ઋષિઓએ કહ્યું, ‘તમારો યજ્ઞ થશે તો અમે શિષ્યો સમેત આવીશું, નહીંતર અમે અહીં જ રહીશું.’
પછી તે બંને જ્યાં દુર્વાસા મુનિ રહેતા હતા ત્યાં જઈ ચઢ્યા, એ ઋષિનાં દર્શન કર્યાં. આ મુનિ જો ક્રોધે ભરાય તો બધા લોકોને ભસ્મ કરી શકે. ક્રોધે ભરાયા હોય ત્યારે દેવતાઓ પણ તેમનું દર્શન કરવાનું સાહસ કરતા નહીં. તેમનું દર્શન કરીને બંને રાજકુમારોએ વિચાર્યું, ‘આ કોણ છે? આ આશ્રમ કોનો છે? ગૃહસ્થ જ ધર્માત્મા, ગૃહસ્થ જ ધર્મસ્વરૂપ હોય. ગૃહસ્થાશ્રમને ત્યજી દેનાર મૂર્ખ કે પાગલ છે. આ ધ્યાનમગ્ન છે અને છતાં તે ઠગ છે. આપણે આ બધાને ગૃહસ્થ બનાવીશું.’ એમ વિચારી દુર્વાસા ઋષિને તથા બીજાઓને તેમણે કહ્યું,
‘આ તમે શું કરવા માગો છો? અંત:કરણ તો શૂન્ય છે, ગૃહસ્થાશ્રમ ત્યજીને શું મેળવ્યું? તમે દંભની મૂર્તિ છો, તમે તો નાશ પામશો જ અને બીજાઓનો નાશ કરશો. તમને શિક્ષણ આપનાર પણ પાપી છે.’ જનાર્દને દુર્વાસાની સામે જોયું અને વિનીત ભાવે તેમના ચરણોમાં પડી, મિત્રોને કહ્યું, ‘તમારી બુદ્ધિ મંદ પડી ગઈ છે. તમે આવું ન બોલો. તમારા માટે આજનો દિવસ જાણે અંતિમ છે. આ બધા શુુદ્ધ હૃદયવાળા સંન્યાસી છે, તેમનાં અંત:કરણ તેજસ્વી છે. આવી અયોગ્ય વાતો બીજું તો કોણ કરી શકે? મંત્રદ્રષ્ટા ઋષિઓએ પહેલેથી ચાર આશ્રમોની વ્યવસ્થા કરી છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ — આ બધામાં શ્રેષ્ઠ સંન્યાસ્તાશ્રમ છે. તમે વૃદ્ધ પુરુષોની ઉપાસના ક્યારેય નથી કરી. હંસ, હું જીવતાં જીવ આ વાત સાંભળી જ ન શકું. હું તમને બંનેને છોડીને જતો રહું કે આત્મહત્યા કરું? ભયાનક ઝેર પી લઉં?’ આમ કહી તે રુદન કરવા લાગ્યો.
ક્રોધે ભરાયેલા દુર્વાસા મુનિએ બંને સામે જોયું- જાણે બંનેને ભસ્મ કરી નાખવા માગતા ન હોય, જનાર્દન સામે સ્નેહપૂર્ણ નેત્રે જોઈ રહ્યા હતા. પછી તેમણે કહ્યું, ‘તમે સ્વજનો પાસે જતા રહો. વિલંબ ન કરો. તમારી વાતોથી મારામાં રોષ પ્રગટ્યો છે, તેને હું રોકી નહીં શકું. જતા રહો. હું તમને ભસ્મ કરી શકું છું. મંદબુદ્ધિના રાજકુમારો, તમારું અભિમાન શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ભગવાન શ્રીકૃષ્ણ ઉતારી નાખશે.’
દુર્વાસા ઋષિ આટલું કહીને ત્યાંથી બીજે જવા મથ્યા ત્યારે હંસ તેમને રોકવા ગયો. ક્રૂર હંસે દુર્વાસા મુનિનો હાથ ઝાલી તેમનું કૌપીન ફાડી નાખ્યું. આ જોઈ બીજા મુનિઓ દસે દિશાઓમાં ભાગવા લાગ્યા. મિત્ર જનાર્દન લાગણીવશ થઈને વિલાપ કરવા લાગ્યો, તે બોલ્યો, ‘અરે, આ શું કરી રહ્યા છો?’
દુર્વાસા મુનિ તેમને મારી નાખવા સમર્થ હતા છતાં બંનેને કહેવા લાગ્યા, ‘અરે નીચ રાજકુમારો, તમને મારી નાખવા હું સમર્થ છું, પણ હું તમારો વધ નથી કરવા માગતો. અહીં અમે સાધુધર્મ પાળીએ છીએ. સમગ્ર વિશ્વના નાથ, યદુકુળના નાયક અને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મધારી શ્રીકૃષ્ણ છે, તે તમારું અભિમાન ચૂર કરશે. તમારો બંધુ જરાસંધ પણ ક્યારેય આવી વાત કરવાનું સાહસ નથી કરી શકતો. હવે જરાસન્ધ પણ તમારો બંધુ નહીં રહી શકે. જો તે તમારી વાત ચુપચાપ સાંભળી લેશે તો તેનો ધર્મ પણ નાશ પામશે. તમે અહીંથી જતા રહો, જતા રહો.’
પછી દુર્વાસા ઋષિએ જનાર્દનને કહ્યું, ‘તારું કલ્યાણ થાઓ. ભગવાન શ્રીકૃષ્ણમાં તારી ભક્તિ દૃઢ થાય. ભગવાન સાથે મિલન બેત્રણ દિવસમાં થશે. તું સાધુ સ્વભાવનો જ રહીશ, અને સાધુ પુરુષનો વિનાશ નથી થતો. જા, બધી વાતો તારા પિતાને જણાવજે.’
કાળથી પ્રેરાયેલા બંને રાજકુમારે તે ઋષિઓનાં સાધનસામગ્રી, કાષ્ઠભોજનપાત્ર, કમંડળ તોડી નાખ્યાં. પછી વ્યાધ પાસે માંસ રંધાવીને ખાધું અને પોતાના નગરમાં ગયા. ધર્માત્મા જનાર્દન સ્નેહવશ તેમનું અનુસરણ કરતો રહ્યો. તેણે દુઃખી થઈને સ્વીકારી લીધું કે હવે આ બંનેનો વિનાશ થવાનો છે.
સાધુશ્રેષ્ઠ દુર્વાસા મુનિએ બીજા ઋષિમુનિઓને કહ્યું, ‘હવે આપણે પુષ્કર સરોવર પરથી શ્રીકૃષ્ણની દ્વારકાનગરીમાં જઈએ. તેમને આપણી વીતકકથા કહીશું. આપણે આ બધી તોડફોડની વાત પણ ભગવાનને કહીશું.’ એમ કહીને તેઓ બધી તોડેલી ફોડેલી વસ્તુઓ એકઠી કરીને દ્વારકા જવા નીકળી પડ્યા. તેમની સંખ્યા પાંચ હજારની હતી. દુર્વાસા ઋષિને આગળ કરતા રાતદિવસ ચાલી ચાલીને બધા દ્વારકા પહોેંચ્યા, ત્યાં કોઈ વાવમાં સ્નાન કરી ભગવાનનાં દર્શન કરવા ગયા.
તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ સાત્યકિ સાથે રમત રમી રહ્યા હતા. પછી મુનિઓ ત્યાં પહોેંચ્યા, તે બધાને જોઈ યાદવો વિચારમાં પડી ગયા, દુર્વાસાની પાછળ પાછળ બધા આવતા હતા, તેમના કૌપીનનો અડધો ભાગ તો ચિરાઈ ગયો હતો, હાથમાં તૂટેલો દંડ હતો. રાજા હંસે તેમના પર ભારે જુલમ ગુજાર્યો હતો. યાદવોએ ભયભીત થઈને દુર્વાસા સામે જોકહ્યું. તેમણે ઋષિનો સત્કાર કરી બેસવા માટે આસન ચીંધ્યું. શ્રીકૃષ્ણે પણ તેમને આસન પર બેસવા વિનંતી કરી. તેમનું સ્વાગત કર્યું, પછી તેમને આગમનનું કારણ પૂછ્યું, ‘તમે બધા તો નિઃસ્પૃહી છો, એટલે એવી કશી અપેક્ષા લઈને તમે અહીં આવ્યા નથી. તો પછી તમારા આગમનનું કારણ હું સમજી શકતો નથી. કોઈક કારણ તો છે.’
આમ કહ્યું એટલે દુર્વાસા મુનિનો ક્રોધ વધી ગયો. તેઓ ભગવાનને કહેવા લાગ્યા, ‘તમે તો દેવતાઓના દેવતા છો. તમારાથી કશું છાનું નથી.’ એમ કહી તેમણે ભગવાનની સ્તુતિ કરી.
‘અમે બહુ દુઃખી થઈને તમારી પાસે આવ્યા છીએ. શંકર ભગવાનનું વરદાન પામનારા બે ક્ષત્રિયકુમારે — હંસે અને ડિમ્ભકે — ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ માની અમારો તિરસ્કાર કર્યો. અમારા આ બધાં સાધન તોડીફોડી નાખ્યાં. તમે ક્ષત્રિયધર્મનો આશ્રય લઈને બધાની રક્ષા કરો છો છતાં અમારી હાલત આવી થઈ ગઈ. આ બે જીવતા રહેશે તો ત્રણે લોક નષ્ટ થઈ જશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર — કોઈ બચશે નહીં. આ બંને આગળ ઇન્દ્ર સહિત કોઈ દેવ ટકી નહીં શકે. ભીષ્મ, બાહલીક, જરાસંધ પણ ન ટકી શકે. ભગવાન શંકરના વરદાનથી તેઓ બહુ અભિમાની થઈ ગયા છે. તે બંને સાથે જ રહે છે, એ કદી જુદા પડતા નથી. આ બંનેનો વધ કરી ત્રિલોકને બચાવી લો. તમને વધારે તો શું કહીએ? તમે બધાની રક્ષા કરો.’ આટલું કહી દુર્વાસા મુનિ મૂગા રહી ગયા.
શ્રીકૃષ્ણે જરા શ્વાસ લઈને દુર્વાસા ઋષિની સામે જોયું, ‘ભગવન્, જે થઈ ગયું તે થઈ ગયું, મારો જ વાંક, મને ક્ષમા કરો. મારી વાત સાંભળો અને શાંત થાઓ. હું હંસ અને ડિમ્ભકને યુદ્ધમાં હરાવીશ,એ બંનેને ગમે તે દેવે વરદાન આપ્યું હોય તો પણ તેમને, તેમની સેનાનો નાશ કરી તમને આનંદ કરાવીશ. હું સોગંદ ખાઈને કહું છું. બંને રાજાઓનો વધ કરીશ. હું એ બંને નીચ કુમારોને જાણું છું. બળવાન છે, મદોન્મત્ત છે. શંકર ભગવાનનું વરદાન પામીને તે અભિમાની થઈ ગયા છે. રાજા જરાસંધ, તે બંનેને માટે પોતાના પ્રાણ આપી દેશે. એ બંને વિના જરાસંધ પૃથ્વી પર વિજયી થઈ નહીં શકે. જરાસંધની તેમને સહાય મળશે. ભલે, હું તેમને તેઓ જ્યાં હશે ત્યાં પહોેંચીશ. તમે તમારું કર્તવ્ય કરતાં કરતાં જ્યાં જવું હોય ત્યાં જાઓ.’
પછી દુર્વાસા ઋષિએ શ્રીકૃષ્ણનો આભાર માન્યો. પછી શ્રીકૃષ્ણે બધા સાધુઓની પૂજા કરી, તેમને માટે બધા પ્રકારની ભોજનસામગ્રી તૈયાર કરાવી.
હંસ અને ડિમ્ભક તેમના પિતા બ્રહ્મદત્ત પાસે જઈને કહેવા લાગ્યા, ‘હવે તમે રાજસૂય યજ્ઞ આરંભો. આ જ મહિનામાં તમારા યજ્ઞની સિદ્ધિ માટે પ્રયત્ન કરીશું.’
રાજાએ પુત્રોની વાત માની લીધી. બંને પુત્રોને દુ:સાહસ માટે તૈયાર થયેલા જોઈ જનાર્દને હંસને સમજાવ્યો, ‘ભીષ્મ, જરાસંધ, બાહલીક જેવા છે અને તમે આ સાહસ કરવા તૈયાર થયા છો. એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામને ભીષ્મે જીતી લીધા હતા. જરાસંધનું પરાક્રમ તમે જાણો છો. જરાસંધ સામે લડીને શ્રીકૃષ્ણે કેવું પરાક્રમ કર્યું હતું. બલરામ જો ક્રોધે ભરાય તો તેઓ એકલા જ ત્રણે લોકનો સંહાર કરી શકે. આપણે ઋષિઓનો વિરોધ કર્યો હતો. દુર્વાસા મુનિ શ્રીકૃષ્ણને મળવા ગયા છે, આ વાત મારે ત્યાં જમવા આવનાર એક બ્રાહ્મણે કહી હતી. આ સંજોગોમાં આપણે શું કરવું તેનો વિચાર મંત્રીઓ સાથે મળીને કરો, પછી રાજસૂય યજ્ઞ કરીશું.’
હંસે જનાર્દનની વાત સાંભળી ભીષ્મની બહુ નિંદા કરી. ‘શ્રીકૃષ્ણ-બલરામ આપણી સામે ઊભા ન રહી શકે. જરાસંધ તો આપણો હિતચિંતક છે. તું શ્રીકૃષ્ણ પાસે જા અને તેમને કહે, ‘કેશવ, તમે યજ્ઞ માટે બહુ સામગ્રી અને ધન આપો. ઘણા મીઠાનો સંગ્રહ કરીને આવ. તું મારો મિત્ર છે.’
જનાર્દન કશું બોલ્યા વગર ત્યાં વાત સાંભળીને શ્રીકૃષ્ણ પાસે જવા તત્પર થયો. ‘આજે કે કાલે હું જઈશ.’
જનાર્દન શંખ, ચક્ર, ગદા, પદ્મધારી શ્રીકૃષ્ણનું દર્શન કરવા આતુર બનીને દ્વારકા જવા નીકળી પડ્યો. જેવી રીતે ગ્રીષ્મ ઋતુમાં સૂર્યકિરણોથી ત્રસ્ત બનેલો પથિક દૂર દૂર પાણી જોઈને ત્યાં વહેલો વહેલો જઈ ચઢે તેમ તે શ્રીકૃષ્ણને મળવા આતુર હતો. હંસને કારણે જ શ્રીકૃષ્ણનાં દર્શનનો લાભ મળશે એટલે તે હંસને પરમ મિત્ર માનવા લાગ્યો. હું ધન્ય ધન્ય થઈ ગયો. મારી માતા પણ ધન્ય, તે ભગવાનનાં દર્શન કરીને આવેલા એવા મને જોશે અને પછી તો તે ભગવાનનાં દર્શન કરીને કેવો કૃતાર્થ થઈશ તેની વાતો મનોમન કરવા લાગ્યો.
ભગવાન શ્રીકૃષ્ણનું દર્શન કરી તે પ્રસન્ન થઈ ગયો. શ્રીકૃષ્ણને અને બલરામને વંદન કરીને તેણે કહ્યું, ‘હું હંસ અને ડિમ્ભકનો દૂત છું.’ એ આગળ કશી વાત કરે તે પહેલાં શ્રીકૃષ્ણે તેને આસન પર બેસવા કહ્યું, અને પછી જનાર્દનનો સત્કાર કરીને ભગવાને કહ્યું, ‘મને એ બંને ભાઈઓનાં પરાક્રમની તથા પ્રયોજનની જાણ છે. તમારા પિતાજી તો કુશળ છે ને?’
જનાર્દને બ્રહ્મદત્ત રાજાની અને પોતાના પિતાની કુશળતાના સમાચાર આપ્યા. હંસ અને ડિમ્ભકની કુશળતા પણ જણાવી.
પછી ભગવાને કહ્યું, ‘રાજકુમારોનો શો સંદેશ છે? તમે નિરાંતે બધી વાત કહો. તમારા મનમાં કશી શંકાકુશંકા રહેવી ન જોઈએ. તેમણે જે કહેવડાવયું છે તે કહેવા યોગ્ય હોય કે ન હોય, કરવા યોગ્ય હોય કે ન હોય તે બધું સાંભળીને અમે તમને પ્રત્યુત્તર આપીશું, તમે તો દૂત છો, તમારે માટે વાચ્ય કે અવાચ્યની કશી શંકા ન હોવી જોઈએ, એટલે હંસે અને ડિમ્ભકે તે કહ્યું છે તે બધું જણાવો.’
ભગવાનની વાત સાંભળીને જનાર્દને કહ્યું, ‘ભગવાન, તમે અજાણ્યાની જેમ કેમ બોલો છો? તમે તો સર્વજ્ઞ છો. જગતની કોઈ ઘટના તમારી જાણબહાર નથી. તમે તમારા મનથી બધું જોઈ શકો છો તો પછી મને શા માટે પૂછો છો? છતાં તમે મને પૂછો છો તો હું કહું છું. બ્રહ્મદત્ત રાજા રાજસૂય યજ્ઞ કરવાના છે. એ માટે જ મને અહીં મોકલ્યો છે, તેમણે મને મુખ્ય યાદવો પાસે કરની વસૂલાત કરવા અને તમને આમંત્રવા અહીં મોકલ્યો છે. ભગવાન, તમારે એ યજ્ઞ માટે પુષ્કળ મીઠું આપવાનું છે. તે બંનેએ તમારી પાસેથી કર વસૂલવા મને મોકલ્યો છે. તમે વેળાસર મીઠું લઈને આવો એવો સંદેશો છે.’
જનાર્દન આમ બોલ્યા એટલે શ્રીકૃષ્ણ થોડી વાર અટ્ટહાસ્ય કરીને બોલ્યા, ‘મારી વાત ધ્યાનથી સમજજો. હું એ બન્નેને કર આપીશ, હું કર આપનારો રાજા છું. મારી પાસે કરની માગણી કરવી એ બંને ભાઈઓની કેવી ધૃષ્ટતા છે. મારી પાસેથી કર ઉઘરાવવાની વાત પહેલવહેલી આવી. આ પહેલાં મારી પાસેથી કોઈએ કર માગ્યો ન હતો.’
પછી ભગવાને યાદવોને કહ્યું, ‘મારી પાસેથી કરની ઉઘરાણી કરવી એ કેવી હાસ્યાસ્પદ ઘટના છે! રાજા બ્રહ્મદત્ત રાજસૂય યજ્ઞ કરશે, એ યજ્ઞ કરાવનારા તેમના પુત્રો છે. શ્રીકૃષ્ણ એ બંને પુત્રો માટે ઢગલો મીઠું લઈને જશે. મને વાસુદેવને કર આપવાનું કહ્યું એટલે યુદ્ધમાં મને જીતી લીધો. સાંભળો સાંભળો.’
શ્રીકૃષ્ણ આમ બોલ્યા એટલે બલરામ સહિત બધા યાદવો હંસ-ડિમ્ભકની મજાક ઉડાડવા લાગ્યા. ‘શ્રીકૃષ્ણ કર આપવાના.’ એમ કહી યાદવો એકબીજાને તાલી આપી પુષ્કળ હસવા લાગ્યા. તાળીઓનો તથા અટ્ટહાસ્યનો ધ્વનિ પૃથ્વીમાં વ્યાપી ગયો અને જનાર્દન હંસની નિંદા કરતો મનોમન બોલ્યો,
‘અરે, દૂતકાર્ય કેવું કષ્ટદાયક છે!’ અને તે સંકોચ પામીને નીચું મેં કરીને બેસી રહ્યો.
યાદવોના હસીમજાકની વચ્ચે શ્રીકૃષ્ણે જનાર્દનને કહ્યું, ‘બ્રહ્મન્, તમે મારો સંદેશો સંભળાવજો- હું શાર્ઙ્ગધનુષમાંથી છોડેલાં અને શિલા પર ઘસીને ધારદાર કરેલાં બાણ વડે તમારા બંનેનો વધ કરીશ- તે મનસ્વી રાજાઓને મારી તીક્ષ્ણ તલવારથી કર આપીશ. મારા હાથે છોડેલું આ ચક્ર તમારું મસ્તક કાપી નાખશે. એ જ મારો કર. ભગવાન શંકરે તમને જે વરદાન આપ્યું છે તેને કારણે તમે ફાટી ગયા છો. જો તે શંકર તમારા રક્ષણહાર બનીને આવશે તો પણ તેમને હરાવીને હું તમને બંનેને મારી નાખીશ. કોઈ એવી જગા શોધી કાઢો જ્યાં આપણે ભેગા થઈ શકીએ. હું સેના અને વાહનો લઈને ત્યાં આવીશ. તમે પણ નિર્ભય થઈને સેના લઈને આવી ચઢજો. પુષ્કર, પ્રયાગ, મથુરા — જ્યાં કહેશો ત્યાં હંું આવી ચઢીશ, એમાં વધુ વિચાર કરવાની અનિવાર્યતા નથી. તમે જો આ સંદેશો એ બંનેને આપી ન શકો તો સાત્યકિને સાથે લઈ જજો, એ આ સંદેશ કહેશે. તમે માત્ર સાક્ષી રહેજો. તમારો મારા માટે જે સ્નેહ છે તે હું જાણું છું. આ દુઃખી સંસારમાં વિજયી થઈને મારી કથાવાર્તામાં પરોવાયેલા રહેજો.’
જનાર્દનને આમ કહીને શ્રીકૃષ્ણે સાત્યકિને કહ્યું, ‘તું આ બ્રાહ્મણ સાથે જઈને આપણી વાત એ બંનેને કહેજે. એટલે યુદ્ધભૂમિ પર આપણે વેળાસર મળી શકીએ. તું ધનુષ લઈને જજે, હાથમાં મોજાં પહેરી રાખજે. એક અશ્વ લઈને જજે. બીજા કોઈ સહાયકને લઈ જતો નહીં.’
સાત્યકિએ તેમની વાત માનીને શીઘ્ર ગતિવાળા અશ્વને તૈયાર કરી જવાનો નિર્ધાર કર્યો. પોતાની સાથે કોઈ સહાયક ન લીધો. શ્રીકૃષ્ણ બોલ્યા, ‘હંસ અને ડિમ્ભકની ધૃષ્ટતા તો જુઓ.’ પછી દૂત જનાર્દન શ્રીકૃષ્ણને વંદન કરીને સાત્યકિ સાથે ચાલી નીકળ્યા.
શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા જનાર્દને રાજસભામાં પ્રવેશી સાત્યકિને આસન આપ્યું અને તેમની સાથે એક બીજા આસન પર તે બેઠા. હંસ અને ડિમ્ભકની સાથે સાત્યકિને ઓળખાણ કરાવી. ‘રાજન્, સાત્યકિ દ્વારકાથી દૂત બનીને આવ્યા છે. તેઓ શ્રીકૃષ્ણની જમણી ભુજા જેવા છે.’
આ સાંભળી હંસે કહ્યું, ‘તેમના વિશે મેં વાતો સાંભળી છે, આજે તેમનાં દર્શન થયાં. સાંભળ્યું છે તે પ્રમાણે આ સાત્યકિ વેદ, ધનુર્વેદ, શસ્ત્રવિદ્યા, શાસ્ત્રવિદ્યામાં નિપુણ છે. અહીં અમારી સામે ઉપસ્થિત થઈ બંને ભાઈઓને સ્નેહ કરી રહ્યા છે. સાત્યકિ, શ્રીકૃષ્ણ અને બલરામ કુશળ તો છે ને? ઉગ્રસેન અને બીજા યાદવો?’
સાત્યકિએ હળવા સૂરે કહ્યું, ‘હા, બધા કુશળ છે.’ તે વેળા તેમનું મેં રોષથી તમતમી ઊઠ્યું હતું. પછી વાક્ચતુર હંસે જનાર્દનને પૂછ્યું, ‘તું ચક્રધારી શ્રીકૃષ્ણને મળ્યો હતો ને? શું આપણું કાર્ય થયું? ત્યાંના બધા સમાચાર પૂરેપૂરા કહી સંભળાવ, સમયનો દુર્વ્યય ન કર.’
હંસે આમ કહ્યું એટલે નારાયણ સ્વરૂપ શ્રીકૃષ્ણની સ્તુતિ નિરંતર કરનાર જનાર્દને સ્મિતપૂર્વક કહ્યું, ‘હા, મેં શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં. તેમના એક હાથમાં શંખ છે અને બીજા હાથમાં ચક્ર છે. તેમના બાજુબંધ જાંબુનદ નામના સોનાથી મઢેલા છે. અને તે ઝગમગતી પ્રભાવાળા કૌસ્તુભ મણિ પહેરે છે. મેં આ ભગવાનનું દર્શન કર્યું છે. તેમને જૂના યાદવો, પ્રમુખ ઋષિઓ ભજે છે, ચારણો સહિત બીજા રાજાઓ તેમની સ્તુતિ કરે છે. પ્રવાલ અને કૂંપળ જેવા હોઠ પર સ્મિત રમે છે.’ અને એમ કહી શ્રીકૃષ્ણની વિસ્તારપૂર્વક પ્રશસ્તિ કરી.
‘તેઓ તમારું સ્મરણ કરતા હતા, ‘હું ક્યારે, ક્યાં તેમને મળીશ? કેવી રીતે તેઓ સામે આવશે?’ હાથમાં શંખ લઈને તેઓ આમ વિચારતા હતા. પોતે કરદાતા છે એ સાંભળીને તે હસવા લાગ્યા અને તમારો ઉપહાસ કરતા હતા. તે દેવર્ષિ નારદ અને દુર્વાસા મુનિ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. તે વેળા હું વિચારતો હતો, ‘મારો મિત્રોએ કેવું અસાધ્ય કાર્ય ઉપાડ્યું છે? તમને બીજી બધી વાત સાત્યકિ કહેશે.’
જનાર્દનની વાત સાંભળીને ક્રોધે ભરાઈ હંસે કહ્યું, ‘અરે, બ્રાહ્મણ, તારા મોઢે આ કેવી વાત સાંભળું છું? ત્રણે લોકને જીતનારા એવા અમારી આગળ કહેવા માટે તારી પાસે આ જ વાત છે? શ્રીકૃષ્ણે તારા પર ભુરકી નાખી છે, તેમને જોઈને તારા મનમાં મોટો ભ્રમ પેદા થયો છે. આ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી શ્રીકૃષ્ણને જોઈ તું મોહ પામ્યો છે. તેમની માયાએ તને ભરમાવ્યો છે. મિત્ર છું એટલે તારી વાત મેં સાંખી લીધી. હવે તારે આ પૃથ્વી પર જ્યાં જવું હોય ત્યાં જા. હું એ ગોવાળને જીતીને અને ઘણા બધા યાદવોનો વિનાશ કરીને યજ્ઞ કરીશ. પહેલો સંકલ્પ યાદવોને જીતવાનો, તું જા, જતો રહે. બધી રીતે કષ્ટ પડ્યું હોવા છતાં હું બ્રાહ્મણનો વધ કરવા માગતો નથી.’
પછી હંસે સાત્યકિને કહ્યું, ‘બોલો યાદવકુમાર, તમે અહીં કેમ આવ્યા છો? નન્દપુત્રે શું કહેવડાવ્યું છે? મારા માટે કયો કર મોકલ્યો છે?’
સાત્યકિએ કહ્યું, ‘શંખ,ચક્ર, ગદા ધારણ કરનારા શ્રીકૃષ્ણનો સંદેશ સાંભળો. તેમણે કહ્યું છે. ‘હું શાર્ઙ્ગ ધનુષમાંથી છૂટેલા, શિલા પર ઘસીને ધારદાર કરેલા બાણ વડે તમારો બધો કર ચૂકવી દઈશ. મારી તીક્ષ્ણ તલવાર વડે તારું મસ્તક વાઢી નાખીશ. હંસ, તારા માટે આ કર સારો પુરવાર થશે. નૃપાધમ, તારી ધૃષ્ટતાની કોઈ સીમા છે? જે દેવાધિદેવ પાસે કર માગે તેની જીભ કાપી નાખવી જોઈએ, એ જ તેના કરનો અંત છે. શાર્ઙ્ગ ધનુષનો ટંકાર અને પાંચજન્ય શંખનો ધ્વનિ સાંભળીને કોણ જીવવાની ઇચ્છા કરશે? ભગવાન શંકર પાસેથી મળેલા વરદાનથી તું છકી ગયો છે, એટલે જ શ્રીકૃષ્ણને આમ કહે છે. બલરામ ઉપરાંત હું-સાત્યકિ, કૃતવર્મા, નિશદ, બભ્રુ, ઉત્કલ, તારણ, સારંગ, વિપૃથુ, ઉદ્ધવ વગેરે તેમની સાથે છે. તે બધા કૃષ્ણની આગળ જ ઊભા રહે છે. તેમના બે પુત્ર- પ્રદ્યુમ્ન અને સાંબ તો અશ્વિનીકુમાર જેવા છે. તેઓ એકલે હાથે તમારો વધ કરી શકે એમ છે. વાણીના દેવ શંકર તો વરદાન આપીને દૂર ઊભા છે. તમને બંનેને મારવાને તે સમર્થ છે. તમે બંને કોના ભરોસે યુદ્ધ કરવા માગો છો અને હાથમાં ધનુષબાણ લઈને ઊભા છો? તમે ત્રિલોકની રક્ષા કરનારા શ્રીકૃષ્ણના બાણ વડે મૃત્યુ પામશો! ભગવાને પૂછાવ્યું છે, યુદ્ધ ક્યાં કરવું છે? પુષ્કરમાં, ગોવર્ધન પર્વત પર, મથુરા કે પ્રયાગમાં? જ્યાં ઇચ્છા થાય ત્યાં આવજો. શ્રીકૃષ્ણની આજ્ઞા વિના કોણ રાજસૂય યજ્ઞ કરે? આવી વાત કરીને સાજોસમો તું ઘેર જઈ શકીશ? તું આ જગતમાં ઉપહાસપાત્ર બનીશ.’
આમ કહી સાત્યકિ ઊભા થઈ ગયા. તેમની વાત સાંભળીને હંસ અને ડિમ્ભક ક્રોધે ભરાયા. તેમની આંખો રાતી થઈ ગઈ. જાણે બધી દિશાઓમાં જોઈ બધું ભસ્મ કરી નાખવા માગતા હોય તેમ બધા રાજાઓ સામે જોઈને સાત્યકિને કહ્યું, ‘ક્યાં છે? અરે યાદવબટુક, અહીં અમારી આગળ તું કેવો બકવાસ કરી રહ્યો છે? તું અહીંથી ચાલતો થા. અત્યારે દૂત બનીને આવ્યો છે, નહીંતર તારો વધ જ કરત. તું સાચે જ નિર્લજ્જ છે. અમે બંને સમસ્ત વિશ્વ ઉપર રાજ કરવાના છીએ. અમને કર ન આપીને કોણ જીવતો રહેશે? અમે બધા ગોવાળ અને ઘણા યાદવોને બંદી બનાવી તેમનું સર્વસ્વ કરરૂપે લઈશું. અરે નરાધમ, તું અહીંથી ચાલ્યો જા. ગમે તેમ બકવાસ કરી રહ્યો છે. દૂત બનીને આવ્યો છે એટલે તું અવધ્ય છે. શંકર ભગવાને અમને વરદાન આપ્યું છે; તેમણે અસ્ત્રો પણ આપ્યાં છે. યુદ્ધભૂમિ પર બે મહાભૂત અમારી રક્ષા કરશે. અમે ગોવાળોને જીતીને રાજસૂય યજ્ઞ કરાવીશું. તેં જે જે નામ ગણાવ્યાં છે તે બધા તો કાયર છે. એ બધાને રણભૂમિ પર મારીને કેશવને હરાવીશ. અત્યારે ધનુષબાણવાળી વિશાળ સેના એકઠી કરેલી છે. તેમાં રથ હશે, રથીઓ બેસશે, અનેક અસ્ત્રશસ્ત્ર હશે, ઘણું બધું ઈંધણ હશે. હવે આ સેના કૂચ કરશે. તું અવધ્ય રહીને અહીંથી જતો રહે. બેએક દિવસમાં પુષ્કરમાં યુદ્ધ થશે ત્યારે કૃષ્ણ-બલરામની શક્તિ મપાઈ જશે. તેં ગણાવેલા રાજાઓનું બળ પણ માપી લઈશું.’
આ સાંભળી સાત્યકિએ કહ્યું, ‘તમે બંને ભાઈઓનો વધ કરવા હું કાલે કે પરમ દિવસે આવીશ. જો હું દૂત ન હોત તો આજે જ તમને બંનેને મારી નાખત. તમે બંને કટુભાષીઓને આવતી કાલે કે પરમ દિવસે મારી નાખીશ. દૂત બનનારાઓએ ઘણાં દુઃખ વેઠવાં પડે છે. નહીંતર તમને બંનેને હું મારીને સુખી થાત… શ્રીકૃષ્ણ તમારું અભિમાન ઓગાળી નાખશે.’ એમ કહી સાત્યકિ રથમાં બેસીને જતા રહ્યા.
દ્વારકા જઈને હંસ અને ડિમ્ભકની બડાઈ સાત્યકિએ કહી સંભળાવી. એટલે કેશવે સેનાપતિઓને કહ્યું, ‘રથ, હાથી, ઘોડાવાળી સેના સજ્જ કરો. સાથે ભેરી, ઢોલ જેવાં વાજિંત્ર પણ રાખજો. બધાં જ શસ્ત્રોથી સેનાને સજ્જ કરજો. ધ્વજા પતાકા, અલંકાર જેવાં આવશ્યક સાધન-સામગ્રી તૈયાર રાખજો.’
શ્રીકૃષ્ણની સૂચના પ્રમાણે સેના સજ્જ કરીને મુખ્ય મુખ્ય વીર સિંહનાદ કરતા નીકળી પડ્યા. ક્રોધે ભરાયેલા સાત્યકિ પણ આગળ ચાલ્યા.
દારુક દ્વારા સજાવેલા રથ પર બેસીને શ્રીકૃષ્ણ શાર્ઙ્ગ ધનુષબાણ લઈને નીકળ્યા. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા હતા. તેમણે હાથમોજાં પહેર્યાં હતાં. પીતાંબરધારી શ્રીકૃષ્ણ નવ ઘનશ્યામ જેવા દેખાતા હતા. તેમના વક્ષ:સ્થળે કમળહાર હતા. બ્રાહ્મણો દ્વારા થતી સ્તુતિ સાંભળતા તે જઈ રહ્યા હતા. પાંચજન્ય શંખ વગાડી ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. બીજાઓએ પણ ભેરી જેવાં વાજિંત્રો વગાડ્યાં. એમ કરતાં કરતાં બધા પુષ્કરમાં આવી પહોેંચ્યા. હંસ અને ડિંભકની પ્રતીક્ષા કરતા તેઓએ પુષ્કર સરોવરના કાંઠે પડાવ નાખ્યો. પોતપોતાને સ્થાને તેઓ સુખેથી સૂતા. સુંદર સરોવરને જોઈને શ્રીકૃષ્ણે આચમન કર્યું. ત્યાંના સાધુઓની વંદના કરી અને હંસ-ડિંભકના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા.
પછી હંસ અને ડિમ્ભક પણ રથમાં બેસીને પુષ્કરતીર્થ પહોેંચ્યા. તેમની આગળ સંહાર કરવાની ઇચ્છાવાળા બે ભયાનક ભૂત ચાલી રહ્યા હતા. તેમના આખા શરીરે ભસ્મ હતી અને મોટેથી તેઓ ગર્જના કરતા હતા. તેમના લલાટે ત્રિપુંડરેખા હતી. તેઓ જાણે બીજા રુદ્ર ન હોય એમ લાગતા હતા. તેમની પાછળ સેંકડો સૈનિકો હતા. તે બંનેની સાથે વિચક્ર નામનો દાનવ પણ હતો. તે આ બંધુઓનો મિત્ર હતો. વજ્રધારી ઇન્દ્ર પણ તેમની સામે કશું ન હતા. દેવાસુર સંગ્રામમાં તે વીરે દેવરાજ ઇન્દ્રને પણ પરાજિત કર્યા હતા. ભૂતકાળમાં તેણે વિષ્ણુ સાથે પણ યુદ્ધ કર્યું હતું. દ્વારકામાં આવીને યાદવોને પીડા પહોેંચાડી હતી. યુદ્ધના સમાચાર જાણીને કેટલાય લાખ દાનવોની સાથે હિડિંબ હંસ અને ડિમ્ભકની સહાય કરવા તે અહીં આવી ચઢ્યો હતો. તે દિવસોમાં હિડિંબ વિચક્રનો મિત્ર હતો. તે તો યુદ્ધમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતો. હિડિંબ બીજા નરભક્ષી રાક્ષસો સાથે ત્યાં જઈ ચઢ્યો. પોતાના હાથમાં શિલા અને પટ્ટિશ લઈને અઠ્યાસી હજાર દાનવો હિડિંબની પાછળ પાછળ આવ્યા હતા. હંસ અને ડિમ્ભકની સેના રાક્ષસો અને દૈત્યોથી છવાઈ ગઈ. તે સેના ત્રણે લોકને ભયભીત કરતી હતી.
વિચક્રની સાથે તે બંને — હંસ અને ડિમ્ભક શ્રીકૃષ્ણનો વધ કરવા પુષ્કરમાં આવ્યા. પછી યાદવો અને હંસ-ડિમ્ભક વચ્ચે થનારા યુદ્ધના સમાચાર સાંભળી જરાસંધ તેમને પાપના ડરથી સહાય ન કરી. બીજા રાજાઓ હંસ અને ડિમ્ભકની સાથે જોડાયા તે બધા ગરજી ગરજીને કહેવા લાગ્યા, ‘પહેલાં હું જ શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરીશ. પુષ્કર તીર્થનો તો મહિમા બહુ મોટો છે.
બંને સેના આમનેસામને આવી ગઈ. બંને પાસે અસંખ્ય અસ્ત્ર-શસ્ત્ર હતાં. બંને સેના એકબીજાને જીતવા માગતી હતી, એટલે બંને વચ્ચે ઘોર યુદ્ધ આરંભાકહ્યું. યોદ્ધાઓએ ફેંકેલી તલવાર શત્રુઓની છાતી વીંધતી, તેમનાં મસ્તક કપાઈને આકાશમાં ઊછળતાં. રાજાઓ અને રાક્ષસોની કાયાઓ વીંધાવા લાગી અને આમ ઘોર યુદ્ધ ચાલ્યું. મરી ગયેલા યોદ્ધાઓનાં શરીર ચૂંથવા બાજ, ગીધ આવી ચઢ્યાં. આ યુદ્ધમાં સત્યાસી હજાર હાથી, ત્રીસ કરોડ ઉમદા અશ્વારોહીઓ મૃત્યુ પામ્યા. કેટલાય યોદ્ધાઓ ઘાયલ થઈ મૃત્યુ પામ્યા, કેટલાયે તરસે મરી પુષ્કરમાં ઝંપલાવ્યું. ભૂતકાળના દેવાસુર સંગ્રામ જેવો આ સંગ્રામ હતો.
શાર્ઙ્ગધારી શ્રીકૃષ્ણે વિચક્ર સાથે યુદ્ધ કરવા માંડ્યું. બલરામ હંસ સાથે, સાત્યકિ ડિમ્ભક સાથે લડવા લાગ્યા. શ્રીકૃષ્ણે દૈત્યની છાતીમાં તોતેર બાણ માર્યાં, દાનવે પણ શ્રીકૃષ્ણની છાતીમાં ઇન્દ્રનાં દેખતાં બાણ માર્યું, એટલે તેઓ લોહી ઓકવા લાગ્યા. પછી ક્રોધે ભરાઈને શ્રીકૃષ્ણે તેની ધજા કાપી નાખી, ચારેય ઘોડા અને સારથિનો વધ કરીને શંખ વગાડ્યા. પછી ક્રોધથી મૂચ્છિર્ત થયેલા દાનવે સ્વસ્થ થઈને ભયાનક શક્તિશાળી ગદા લઈ શ્રીકૃષ્ણના મુુકુટને અને પછી તેમના લલાટને ઘાયલ કર્યા અને તે સિંહનાદ કરવા લાગ્યો. તે પછી તેણે બહુ મોટી શિલા ઉપાડીને શ્રીકૃષ્ણની છાતી પર ફંગોળી. તે શિલાને પોતાના પર આવતી જોઈને શ્રીકૃષ્ણે હાથ વડે ઊંચકી લીધી અને તે દૈત્ય પર પાછી ફેંકી. એટલે તે દૈત્ય મૃત:પ્રાય થઈ ગયો અને દીર્ઘ શ્વાસ લેતો ધરતી પર ઢળી પડ્યો.
પછી સ્વસ્થ થઈને તે ક્રોધે ભરાયો. ક્રોધને કારણે તેનું તેજ બમણું થઈ ગયું. ભયંકર પરિઘ લઈને ભગવાનને કહેવા લાગ્યો, ‘ગોવિંદ, આ પરિઘ વડે તમારું અભિમાન ઓગાળી નાખીશ. દેવાસુર સંગ્રામ વેળા તો તમે મારું પરાક્રમ જોયું હતું. એ જ મારી વિશાળ ભૂમિ છે, હું પણ એ જ છું. તમે મારી શક્તિ જાણી ગયા છો તો પણ મારી સાથે યુદ્ધ કરવા માગો છો. મારા હાથમાંથી છૂટેલા આ પરિઘને રોકી તો જુઓ.’ એમ કહીને શ્રીકૃષ્ણ પર એ પરિઘ છોડ્યું. ભગવાને તે હાથમાં પકડી લીધું અને કહ્યું, ‘હવે તારું આવી બન્યું.’ પોતાની તલવાર વડે એ પરિઘના ટુકડેટુકડા કરી નાખ્યા. પછી તે દૈત્યે સો શાખાવાળા એક ઊંચા વૃક્ષને ઉખાડી ભગવાન પર ફેંક્યું. શ્રીકૃષ્ણે તલવાર વડે તે વૃક્ષના પણ ટુકડેટુકડા કરી નાખ્યા. પછી તેનો વધ કરવાની ઇચ્છાથી અગ્ન્યાસ્ત્રનું સંધાન કરી બાણ માર્યું. તે બાણે બધાના દેખતાં જ તે દૈત્યને ભસ્મ કરી દીધો, અને તે બાણ પાછું શ્રીકૃષ્ણના હાથમાં પહોેંચી ગયું. પછી બચી ગયેલા દૈત્યો દસે દિશામાં ભાગતા ભાગતા મહાસાગરમાં જઈ ચઢ્યા.
શ્રેષ્ઠ ધનુર્ધારી બલરામે ધનુષ હાથમાં લઈ દસ બાણ મારીને હંસને ઘાયલ કર્યો. હંસે પણ સામા પાંચ બાણ માર્યાં પણ બલરામે દસ બાણ વડે તેમને અધવચ્ચે કાપી નાખ્યાં, અને વળી હંસના લલાટમાં એક બાણ માર્યું. એનાથી હંસ બેસુધ થઈ ગયો. પછી સ્વસ્થ થયો ત્યારે ભાથામાંથી બાણ કાઢીને બલરામ પર છોડ્યું, અને તેમને ઘાયલ કર્યા, બધાને અચરજ પમાડી સિંહનાદ કર્યો. તેના બાણથી ઘાયલ થઈને બલરામ ક્રોધે ભરાયા અને લોહીની ઊલટી કરી તેમણે નિ:શ્વાસ નાખ્યા. તેમનું શરીર લોહીથી, કંકુથી ભીંજાયેલા જેવું થયું. પછી ભૂરા વસ્ત્રવાળા બલરામે હંસને અનેક બાણ વડે પીડા પહોેંચાડી. હંસના રથ, ધનુષ, ચક્ર વગેરેને વીંધ્યા. પછી હંસે એક બાણ વડે બલરામની ધજા કાપી નાખી, ચાર બાણ મારી ઘોડાના પ્રાણ હરી લીધા, એક બાણ વડે સારથિને યમલોક મોકલી દીધો. એટલે ક્રોધે ભરાઈને બલરામ ગદા લઈને હંસ પર ટૂટી પડ્યા. એ ગદા વડે હંસનાં રથ, ધ્વજ, ચક્ર, અશ્વ, સારથિને પૂરા કર્યા, અને વારંવાર ગર્જના કરી. ફરી હંસ પર ગદા વડે આક્રમણ કર્યું. આ જોઈ હંસ પણ ગદા લઈને કૂદી પડ્યો, આમ બન્ને વચ્ચે ગદાયુદ્ધ થયું.
તે બંને પરાક્રમી, એકબીજાના વધની ઇચ્છાવાળા, યુદ્ધ માટે ભારે પરિશ્રમ કરનારા હતા. ભૂતકાળમાં જેવી રીતે દેવાસુર સંગ્રામમાં ઇન્દ્ર અને વૃત્રાસુર ઝૂઝયા હતા તેવી રીતે આ બંને યુદ્ધ કરી રહ્યા હતા. બંનેનાં શરીર લોહીથી લથપથ હતાં. એકબીજાના બળથી બંનેને દુઃખ થતું હતું. પછી બલભદ્રે જમણી દિશા પકડી, હંસે ડાબી દિશા પકડી. અને બંનેએ એકબીજાને ગદા વડે ઘાયલ કર્યા. શરીરનું બધું બળ પ્રયોજીને સામાને મારવાની ઇચ્છાથી આક્રમણ કર્યું. દેવતા, ગંધર્વ, કિન્નર આ જોઈને કહેવા લાગ્યા, આવું યુદ્ધ નથી જોયું, નથી સાંભળ્યું. પછી હંસે જમણી દિશા પકડી, બલરામે ડાબી દિશા પકડી. યુદ્ધવિશારદ આ બંનેએ દેવતાઓના દેખતાં જ એકબીજા પર ગદા વડે ભારે ઘા કર્યા.
આ બાજુ સાત્યકિ અને ડિમ્ભક યુદ્ધ કરતા હતા. બંને વીર વિખ્યાત હતા. મહાયુદ્ધમાં ભારે પરિશ્રમ તેમણે કર્યો હતો. સાત્યકિએ વેદપારંગત ડિમ્ભકના શરીરમાં દસ બાણ માર્યાં. પોતાના પરાક્રમ પર ગર્વ ધરાવતા ડિમ્ભકે સાત્યકિ ઉપર પાંચ હજાર નારાચ ઉગામ્યા પણ સાત્યકિએ વચ્ચે જ એ બધાને ખંડિત કરી દીધા. પછી સાત બાણથી ઘાયલ થયેલા ડિમ્ભકે ફરી અસંખ્ય બાણ વડે સાત્યકિને ક્ષતવિક્ષત કરી નાખ્યા. એટલે સાત્યકિએ અર્ધચન્દ્રાકાર બાણ વડે ડિમ્ભકનું ધનુષ છેદી નાંખ્યુ. હવે તેણે બીજું ધનુષ લઈ સાત્યકિને ઘાયલ કર્યા. તે બાણથી ઘાયલ થયેલા અને લોહી ઓકતા સાત્યકિ વસંતમાં ખીલી ઊઠતા કેસૂડા જેવા દેખાયા. ફરી તેમણે ડિમ્ભકનું ધનુષ છેદી નાંખ્યું, એટલે નવું ધનુષ લઈ ફરી સાત્યકિ ઉપર પ્રહાર કર્યો. બધા ક્ષત્રિયોના દેખતાં જ સાત્યકિએ ડિમ્ભકના એકસો દસ ધનુષ છેદી નાખ્યાં, પછી બંને પોતાનાં ધનુષ પડતાં મૂકીને તલવાર લઈને યુદ્ધ કરવા લાગ્યા, તેઓ એ યુદ્ધના નિષ્ણાત હતા.
દુ:શાસનપુત્ર, સોમદત્તપુત્ર, ભૂરિશ્રવા, અભિમન્યુ, નકુલ — આ બધા અસિયુદ્ધમાં નિષ્ણાત ગણાય. આ બધામાં સાત્યકિ અને ડિમ્ભક સર્વોત્તમ ગણાય. તે બંને એકબીજા સાથે તલવાર વડે લડવા લાગ્યા અને તેમણે અસિયુદ્ધના બધા પ્રકાર અજમાવ્યા. યુદ્ધનો નિશ્ચય બંનેએ કર્યો હતો. દેવતા, ગંધર્વ, સિદ્ધ અને મહર્ષિ- આ બધાએ વિજય માટે મથી રહેલા આ બંનેની બહુ પ્રશંસા કરી. ‘અરે બાહુબલથી શોભતા આ બંને વીરનાં પરાક્રમ અને ધૈર્ય અદ્ભુત છે. યુદ્ધમાં તેઓ સમર્થ છે, અસિયુદ્ધ અને ધનુર્યુદ્ધના નિષ્ણાત છે, એક શંકરના અને બીજા દ્રોણના શિષ્ય છે. અર્જુન, સાત્યકિ અને વાસુદેવ — આ ત્રણે યુદ્ધમાં મહાવીર કહેવાય છે. ડિમ્ભક, કાર્તિકેય અને શિવ — આ ત્રણ મહારથીઓ છે.’ આમ દેવતા, ગંધર્વ, સિદ્ધ, પક્ષ અને મુખ્ય નાગ યુદ્ધ જોવા આવેલા હતા અને તેઓ એકબીજા સાથે આવી વાતો કરતા હતા.
વસુદેવ અને ઉગ્રસેન વૃદ્ધ થયા હતા છતાં યુદ્ધમાં પરમ સુખ માનતા હતા. તેમનાં શરીર સાવ જરી ગયાં હતાં, કરચલીઓ પડી ગઈ હતી, માથાના વાળ ધોળા થઈ ગયા હતા. તેઓ બંને હિડિંબ રાક્ષસ સામે યુદ્ધ કરવા લાગ્યા. અનેક બાણો વડે રાક્ષસને ઘાયલ કરી દીધો. રાક્ષસ મનુષ્યોને ખાઈ ખાઈને પુષ્ટ થઈ ગયો હતો. તેના હાથ વિશાળ, પેટ મોટું, આંખો વિકરાળ.
માથાના વાળ પિંગલવર્ણા, આંખો વિકૃત, નાક બાજની ચાંચ જેવું, શરીર પર્વતાકાર, મોટી મોટી દાઢો, શિયાળ જેવું મેં. આ રાક્ષસ આખા જગતનો જાણે કોળિયો કરી જવા માગતો હતો. ખભા ઊંચા, છાતી વિશાળ, ગરદન લાંબી, દેખાતો હાથી જેવો. પટારો ભરીને માંસ ખાવા જોઈએ, અને ઘડા ને ઘડા ભરીને લોહી પીવા જોઈએ. હાથી વડે હાથીને, ઘોડા વડે ઘોડાને, રથો વડે રથોને, પદાતિઓ વડે પદાતિઓને કચડી નાખવા માગતો હતો. પોતાની સામે મનુષ્યો આવે એટલે નસકોરાં વડે તેમને ખેેંચી લેતો હતો. નરભક્ષી હિંડિબ કેટલાક યાદવોને મારીને ખાઈ ગયો હતો. કેટલાકને ખાતાં ખાતાં દૂર ફેંકી દેતો હતો. જેવી રીતે ક્રોધે ભરાયેલા રુદ્ર અન્તકાળે પ્રાણીઓનો સંહાર કરે છે તેવી રીતે એક ક્ષણમાં ઘણા યાદવોને ખાઈ ગયા. કેટલાક યાદવો ભય પામીને નાસી ગયા, કેટલાય તેના પેટમાં પહોેંચી ગયા. આ દરમિયાન વૃદ્ધ યાદવશ્રેષ્ઠ વસુદેવ અને ઉગ્રસેન ક્રોધે ભરાઈને તેની સામે આવી ઊભા- જાણે ક્રોધે ભરાયેલા સિંહની સામે બે અત્યન્ત વૃદ્ધ હરણ. ભયાનક-નેત્રવાળો રાક્ષસ બંનેને ખાઈ જવા મેં ખુલ્લું રાખીને દોડ્યો. ખુલ્લા મેં વડે તે પાતાળતલ જેવો લાગતો હતો. માનવશરીરોને વારંવાર ચાવતો રાક્ષસ તે બંને સામે દોડ્યા. ત્યારે યુદ્ધકુશળ આ યાદવોએ તેના ખુલ્લા મેંમાં બાણ ઠાલવી દીધાં. રાક્ષસ તે બધાં બાણનું નિવારણ કરી ફરી મેં ખુલ્લું કરીને દોડ્યો. તેણે બંનેનાં ધનુષ છિનવીને તોડી નાખ્યાં, પછી પોતાના હાથ ફેલાવીને તે વસુદેવને પકડવા ગયો.
હિડિંબે કહ્યું, ‘ઉગ્રસેન, તું શા માટે અહીં ઊભો છે? હું તમને બંનેને હમણાં ખાઈ જઈશ. તારી સાથે વસુદેવને પણ. આવો, મારા મોઢામાં. તમે બંને મારા ગ્રાસ છો. વિધાતાએ શ્રીકૃષ્ણના પિતા બનાવેલા વસુદેવ ભૂખ્યા છે, પરિશ્રમથી થાક્યા છે. યુદ્ધમાં પરાક્રમ દેખાડે છે. હવે તમે મારા મોઢામાંથી બચીને બીજે જવાના નથી, મારા મોઢામાં પ્રવેશો. તમારું લોહી પીને મને તૃપ્તિ થશે. પછી તમારા બંનેનું માંસ આરોગીશ.’
આમ બોલતો રાક્ષસ મેં ખોલીને તેમની દિશામાં દોડ્યો. શસ્ત્રહીન થયેલા વસુદેવ અને ઉગ્રસેન ભયભીત થઈને આમતેમ દોડવા લાગ્યા. એટલામાં બલરામે વસુદેવને અને ઉગ્રસેનને આ સ્થિતિમાં જોયા એટલે હંસનો ભાર શ્રીકૃષ્ણ પર નાખીને રાક્ષસ સામે ઊભા રહીને બોલ્યા, ‘અરે દુરાત્મા, આવું સાહસ ન કર. આ બંનેને જવા દે. હું ઊભો છું. શત્રુઓનો વધ કરવાની ઇચ્છા ધરાવું છું, મારી સાથે યુદ્ધ કર. હું તને મારી નાખીશ.’ આમ સાંભળી તે રાક્ષસે ઉગ્રસેન અને વસુદેવને પડતા મૂક્યા અને તેણે વિચાર્યું, ‘આ મહાદુષ્ટ છે એટલે પહેલાં તેને ખાઈ જઉં.’ પછી મેં પહોળું કરીને બલરામ પર ટૂટી પડ્યો. બલરામ ધનુષ મૂકીને હાથ પર હાથ દબાવતા ત્યાં ઊભા. હિડિંબે બલરામની છાતીમાં મુક્કો માર્યો. બલરામ ક્રોધે ભરાયા અને તેમણે પણ રાક્ષસને મુક્કો માર્યો. પછી તો બંને વચ્ચે મુક્કાબાજી ચાલી. તેમના મુક્કાઓનો ધ્વનિ સંભળાવા લાગ્યો. હિડિંબે બલરામની છાતીમાં મુક્કો માર્યો, જાણે દેવરાજ ઇન્દ્રે વજ્ર વડે પર્વત પર આક્રમણ કર્યું. બલરામે રાક્ષસની છાતીમાં મુક્કા માર્યા. તેના મેં પર લપડાકો મારી, એનાથી નિશાચર હિડિંબ મૃત:પ્રાય બનીને ઘૂંટણિયે પડી ગયો. પછી બલરામે તે રાક્ષસને બંને હાથ વડે પકડ્્યો અને તેને ઘુમાવ્યો, ખાસ્સા સમય સુધી ઘુમાવ્યો. પછી બધાના દેખતાં તે રાક્ષસને ઉછાળી દૂર દૂર ફેેંકી દીધો અને તે રાક્ષસ મૃત્યુ પામ્યો. જે કોઈ રાક્ષસો ત્યાં હતા તે બલરામથી બી જઈને દસે દિશામાં ભાગી ગયા. સૂર્યનારાયણ પોતાનું તેજ સમેટીને અસ્ત પામ્યા, પ્રજાજનોનાં નેત્રોમાં અંધકાર પ્રવેશ્યો. સૂર્ય સમુદ્રજલમાં ડૂબ્યા એટલે ચન્દ્રોદય થયો. હંસની સેનાના શ્રેષ્ઠ રાજાઓ બોલવા લાગ્યા, ‘હવે આવતીકાલનું યુદ્ધ કિન્નરોથી ગાજતા ગોવર્ધન પર્વત પર થાય તો સારું.’
પછી તો હંસ અને ડિમ્ભક રાતોરાત ગોવર્ધન પર્વત પર પહોેંચ્યા. પ્રભાતકાળે સૂર્યોદય થયો એટલે શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વત પર ગયા. બધા એક સાથે ગોવર્ધન પર પહોેંચ્યા. તે પર્વત પર ગોધન અને સેનાઓના ધ્વનિ ગાજવા લાગ્યા. યાદવો પર્વતની ઉત્તરે પહોેંચ્યા અને યમુના પાસે ફરી યુદ્ધ આરંભાયું. વસુદેવે સાત બાણ વડે હંસ અને ડિમ્ભકને ઘાયલ કર્યા. સારણે પચીસ અને કંકે બાણ દસ બાણ માર્યાં. વિરાટે ત્રીસ, સાત્યકિએ સાત, વિપૃથુએ એેંસી અને ઉદ્ધવે દસ બાણ માર્યાં. આમ હંસ અને ડિમ્ભકની સાથે બધા યાદવો બાખડ્યા. ઉગ્રસેને તોતેર બાણ માર્યાં. પ્રદ્યુમ્ને ત્રીસ, સાંબે સાત, અનાધૃષ્ટિએ એકસઠ બાણ માર્યાં. આમ બધા યાદવ ઉત્સાહિત થઈને લડવા લાગ્યા. શ્રીકૃષ્ણના દેખતાં જ હંસ અને ડિમ્ભક સાથે યાદવો યુદ્ધ છેડી બેઠા. હંસે અને ડિમ્ભકે પણ બાણો વડે યાદવોને ઘાયલ કર્યા. તે બંનેએ તીવ્ર ધારવાળા બાણ વડે પ્રત્યેકને ખૂબ ઘાયલ કર્યા. બધા એનાથી ઘવાઈને લોહી ઓકવા લાગ્યા. તે જ વેળા શ્રીકૃષ્ણ અને બલરામ હાથમાં ધનુષ લઈને બંનેની સામે ઊભા રહી ગયા. જાણે ઇન્દ્ર અને કાર્તિકેય અસુરોની સામે લડતા ન હોય! આકાશમાં વિમાનોમાં બેસીને ગંધર્વ, સિદ્ધ, યક્ષ આ યુદ્ધ જોવા લાગ્યા. ત્યાં હંસ અને ડિમ્ભકની રક્ષા માટે મહાદેવે મોકલેલા બે ભૂતેશ્વર દૂત આવીને ઊભા. શ્રીકૃષ્ણ અને હંસ એકબીજા સાથે લડવા લાગ્યા. તે બધા અસ્ત્ર, શસ્ત્ર, પરાક્રમમાં નિપુણ હતા. આ બધાએ પોતપોતાનાં શંખ વગાડ્યા. પછી શ્રીકૃષ્ણે બધાને અચરજ પમાડતો પાંચજન્ય શંખ વગાડ્યો. લંબોદર અને વિશાળ શરીરવાળા ભયાનક ભૂતોએ શૂલ વડે શ્રીકૃષ્ણ પર આક્રમણ કર્યું. દેવતાઓ અને ગંધર્વોની પાસે એ બંનેના આક્રમણને કારણે શ્રીકૃષ્ણના મેં પર સ્મિત પ્રગટ્યું, અને તેમણે રથમાંથી નીચે કૂદીને બંને ભૂતેશ્વરોને પકડીને સો વખત ઘુમાવ્યા અને કૈલાસપર્વતની દિશામાં ફંગોળી દીધા. તે બંને કૈલાસપર્વતના શિખરે પહોેંચીને શ્રીકૃષ્ણનું આ પરાક્રમ જોઈને અચરજ પામ્યા, આ નિહાળીને હંસની મોટી મોટી આંખો ક્રોધથી રાતીચોળ થઈ ગઈ. દેવતાઓના દેખતાં તે બોલ્યો, ‘કેશવ, અમારા રાજસૂય યજ્ઞમાં શા માટે વિઘ્ન નાખો છો. બ્રહ્મદત્ત આ મહાયજ્ઞ કરશે. જો જીવ વહાલો હોય તો આ યજ્ઞમાં ઉચિત કર આપજો. જેવી રીતે દેવાધિદેવ શંકર છે તેમ બધા રાજાઓનો ઈશ્વર હું છું. આ યુદ્ધમાં તમારા અનુપમ બળનો વિનાશ કરીશ.’ આમ કહી હંસે ધનુષ બાણ હાથમાં લીધાં અને શ્રીકૃષ્ણના લલાટ પર પ્રહાર કર્યો. તે તો શ્રીકૃષ્ણ પર આભૂષણની જેમ સોહી ઊઠ્યું. શ્રીકૃષ્ણે સાત્યકિને કહ્યું, ‘વીર, તું મારો રથ હાંક.’ એટલે દારુકને ખસેડી સાત્યકિ રથ હાંકવા બેઠો. સાત્યકિએ રણભૂમિ પર રથ વડે ઘણી લીલા કરી. હંસના બાણ વડે ગંભીર ઘા પામેલા શ્રીકૃષ્ણે આગ્નેયાસ્ત્ર ઉગામી સાત્યકિને યુદ્ધભૂમિ પર આગળ વધવા કહ્યું અને હંસને કહ્યું, ‘પાપી, આ બાણ વડે હમણાં જ તને બાળી મૂકીશ, શક્તિ હોય તો તેને અટકાવજે. હવે બકવાસથી તને કશો લાભ નહીં થાય. તું ક્ષત્રિય છે તો કર્તવ્યપાલન કર. મારી પાસેથી કર જોઈતો હોય તો દેખાડ તારું પરાક્રમ. પુષ્કરમાં વસતા સાધુઓને તેં સંતાપ્યા છે, મારા હોવા છતાં તું બ્રાહ્મણો પર શાસન કરવા જાય છે, તારા જેવા ક્ષત્રિય રૂપી કંટકોનો નાશ કરીશ. તું પ્રમુખ સાધુઓના શાપથી આમેય મરી ચૂક્યો છે. આજે હું તને મોતના મેંમાં મોકલીને બ્રાહ્મણોની રક્ષા કરીશ.’ આમ કહી શ્રીકૃષ્ણે આગ્નેયાસ્ત્ર ફ્ેંક્યું, હંસે વારુણાસ્ત્ર વડે તેનું નિવારણ કર્યું. ગોવિંદે હંસ પર વાયવાસ્ત્ર ચલાવ્યું તો હંસે સામે મહેન્દ્રાસ્ત્ર ફેંક્યું. શ્રીકૃષ્ણના માહેશ્વરાસ્ત્રનું નિવારણ હંસે રૌદ્રાસ્ત્ર વડે કર્યું. શ્રીકૃષ્ણે સતત ગાંધર્વ, રાક્ષસ, પૈશાચ અસ્ત્ર ફેંક્યાં, હંસે બ્રહ્માસ્ત્ર, કૌબેરાસ્ત્ર, આસુરાસ્ત્ર અને યાસ્યાસ્ત્ર ફેંક્યાં. પછી જનાર્દન દેવે બ્રહ્મશિર નામનું ભયાનક, વિનાશક અસ્ત્ર ફેંક્યુું, આ અસ્ત્ર જોઈ હંસ ભયભીત થઈ ગયો, તો એ જ અસ્ત્ર વડે તેનું નિવારણ કર્યું. પછી બધાં પ્રાણીઓનું પોષણ કરનાર દેવાધિદેવ જનાર્દને યમુનાજીના જળનું આચમન કરીને એક તીક્ષ્ણ બાણ પર વૈષ્ણવાસ્ત્રનું સંધાન કર્યું. ભૂતકાળમાં દેવતાઓએ અસુરોનો વધ કરવા આ જ અસ્ત્ર પ્રયોજ્યું હતું. અત્યારે હંસનો વધ કરવા શ્રીકૃષ્ણે એ જ અસ્ત્ર વાપર્યું.
આ ભયાનક અસ્ત્ર જોઈને હંસ ગભરાઈ ગયો, તે રથમાંથી કૂદીને યમુના નદીની દિશામાં ભાગ્યો, તે નદીમાં શ્રીકૃષ્ણે એક કાળે કાલિય નાગને નાથ્યો હતો. તે ધરો બહુ ભયાનક અને ઊંડો હતો. તેનો વિસ્તાર પણ બહુ મોટો હતો. તે ઘોર ધરામાં હંસ કૂદી પડ્યો, એના કૂદવાથી બહુ મોટો ધ્વનિ થયો — જાણે ઇન્દ્રે સમુદ્રમાં પર્વતો ફેંક્યા. શ્રીકૃષ્ણ પણ જગતને આશ્ચર્ય પમાડી તે ધરામાં કૂદ્યા અને હંસ ઉપર પગ વડે પ્રહાર કર્યો. એ પ્રહારથી હંસ મૃત્યુ પામ્યો. કેટલાક એમ કહે છે કે તે પાતાળમાં પહોેંચી ગયો અને સાપ તેને ખાઈ ગયા. ત્યાંથી તેને પાછો આવેલો કોઈએ જોયો નથી. પછી શ્રીકૃષ્ણ રથ પર આવી ગયા. બધા કહેવા લાગ્યા, શ્રીકૃષ્ણે હંસનો વધ કર્યો, વધ કર્યો.
પોતાનો પરાક્રમી ભાઈ હંસ યુદ્ધમાં મૃત્યુ પામ્યો એ સાંભળીને બળવાન ડિમ્ભક બલરામને ત્યાં જ મૂકીને યમુનાકાંઠે ગયો અને બલરામે તેનો પીછો કર્યો. હંસ જ્યાં કૂદ્યો હતો ત્યાં ડિમ્ભક પણ કૂદ્યો અને તેણે યમુનાનાં પાણી ડહોળી નાખ્યાં. ક્રોધે ભરાયેલો ડિમ્ભક ઘડીમાં ડૂબકી મારતો અને ઘડીમાં ઉપર આવતો હતો. આમ છતાં તેણે પોતાનો ભાઈ ન જોયો. શ્રીકૃષ્ણ સામે જઈને પૂછ્યું, ‘અરે ગોપ, હંસ ક્યાં છે?’ વાસુદેવે ઉત્તર આપ્યો, ‘નીચ, યમુનાને પૂછ.’ આમ સાંભળીને ડિમ્ભકે ફરી યમુનામાં ડૂબકી મારી અને તે વિલાપ કરવા લાગ્યો, અને યમુનાના ધરામાં જ ડૂબકી મારીને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો અને તે એમ મૃત્યુ પામ્યો. બંને ભાઈઓ મૃત્યુ પામ્યા એટલે શ્રીકૃષ્ણ પાછા ફર્યા, બલરામ સાથે પોતાના જૂના સ્થાને થોડો સમય ગોવર્ધન પર્વત પર રહ્યા.
(ભવિષ્યપર્વ ૧૦૪-૧૨૯)