ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત/કનકવતીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કનકવતીની કથા

પેઢાલપુર નામના નગરમાં હરિશ્ચન્દ્ર રાજા અને લક્ષ્મીવતી તેની રાણી. કેટલાક સમયે એક કન્યાને રાણીએ જન્મ આપ્યો. કુબેરે ત્યારે કનકવર્ષા કરી એટલે રાજાએ તેનું નામ પાડ્યું કનકવતી. પુત્રીના શિક્ષણની બધી વ્યવસ્થા કરી, તે અઢારે પ્રકારની લિપિ, છંદ-અલંકારશાસ્ત્ર, ચિત્રકળા, સમસ્યા-પ્રહેલિકા, દ્યૂતક્રીડા, રસવતીકળા, વાદ્ય-સંગીતકળા, ઇન્દ્રજાળ વિદ્યા વગેરે કળાઓમાં પારંગત થઈ. પછી તેને લાયક પતિ ન મળ્યો એટલે સ્વયંવર યોજવાનો નિર્ણય કર્યો.

એક વેળા કનકવતી મહેલમાં બેઠી હતી ત્યારે એક રાજહંસ ત્યાં આવી ચઢ્યો. જોતાંવેંત તે ગમી ગયો એટલે તેણે ધીમે ધીમે રહીને તેને પકડી લીધો અને પોતાની સખીને કાષ્ઠપિંજર લાવવા કહ્યું. રાજહંસ માનુષીવાણીમાં બોલ્યો, ‘કોશલ રાજાને સુકોશલા નામે પુત્રી છે અણે તેનો પતિ અદ્ભુત રૂપવાન છે. તમારા બેનું મિલન થવું જોઈએ. તારા સ્વયંવરનાં વખાણ સાંભળી મેં તેની આગળ તારું વર્ણન કર્યું છે, તે સ્વયંવરમાં આવશે.’ પછી કનકવતીએ હંસને છોડી દીધો, ઊડતાં ઊડતાં તેણે ચિત્રપટ કનકવતીના ખોળામાં નાખ્યું, એમાં તે પુરુષનું ચિત્ર હતું. કનકવતીના પૂછવાથી તે હંસે પોતાનો ખેચર તરીકે પરિચય આપ્યો. પછી એક વાત એ પણ કહી કે પેલો યુવાન બીજાનો દૂત બનીને તમારા સ્વયંવરમાં આવશે.

પછી તે ચંદ્રાતપ ખેચર વસુદેવના ભવનમાં પ્રવેશ્યો, અને કનકવતીના બધા સમાચાર આપ્યા. પછી બીજે દિવસે વસુદેવ પેઢાલપુર આવ્યા અને હરિશ્ચન્દ્રે તેમને લક્ષ્મીરમણ નામના ઉદ્યાનમાં ઉતારો આપ્યો. વસુદેવે લક્ષ્મીદેવી અર્હંત પ્રભુ આગળ રાસ રમી હતી એટલે તે સ્થળનું નામ લક્ષ્મીરમણ પડ્યું. પછી વસુદેવે દેવની વંદના કરી. એવામાં ત્યાં કુબેર વિમાનમાં બેસીને ત્યાં આવ્યા. તેમણે પણ અર્હંતની પૂજા કરીને વસુદેવને જોયા. તેમણે ઇશારો કરીને પાસે બોલાવ્યા અને કહ્યું, ‘હું અહીંના રાજાની પુત્રી સાથે લગ્ન કરવા માગું છું. તું મારો દૂત થા. મારા પ્રભાવથી તું કનકવતીના આવાસમાં જઈ શકીશ.’ વસુદેવે તેમની વાત સ્વીકારી અને મલિન વેશે દૂત બનીને એક પછી એક કક્ષા વટાવી છેવટે વનલક્ષ્મી જેવી દેખાતી કનકવતી પાસે ગયા. ત્યાં કનકવતીએ તેમને જોયા, પણ વસુદેવે પોતાને દૂત તરીકે ઓળખાવ્યા. પણ કનકવતીએ તો પોતાનો દૃઢ નિર્ધાર જણાવ્યો. છેવટે વસુદેવે કુબેર પાસે જઈને બધી વાત જણાવી.

કુબેરે પ્રસન્ન થઈને વસુદેવને પોતાનાં આભૂષણો આપ્યાં અને વસુદેવ કુબેર જેવા જ દેખાવા લાગ્યા. પછી કુબેર દેવાંગનાઓ સાથે એક સિંહાસન પર બેઠા અને પાસે જ કુબેર જેવા દેખાતા વસુદેવ બેઠા. કુબેરે એક મુદ્રિકા વસુદેવને આપી એટલે તેના પ્રભાવે બધાને તે બીજા કુબેર જ લાગ્યા.

પછી કનકવતી શ્વેતવસ્ત્ર પહેરીને મંડપમાં આવી, તેના આગમનથી મંડપ શોભી ઊઠ્યો, પણ તેણે ક્યાંય વસુદેવને જોયા નહીં, એટલે ચિંતાતુર બનીને તેણે કુબેરને કહ્યું, ‘દેવ, હું તમારી પૂર્વજન્મની પત્ની છું, તમે મારી મજાક ન ઉડાવો, હું જેને પરણવા માગું છું તેમને તમે અદૃશ્ય કરી દીધા છે.’

એટલે કુબેરે વસુદેવને પેલી મુદ્રિકા કાઢી નાખવા કહ્યું એટલે તરત જ તે પોતાના મૂળ સ્વરૂપને પામ્યા અને કનકવતીએ તેમના ગળામાં વરમાળા આરોપી.