ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત/રુક્મિણી વિગેરે સ્ત્રીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રુક્મિણી વિગેરે સ્ત્રીઓનો વિવાહ, પાંડવ-દ્રૌપદીનો સ્વયંવર અને પ્રદ્યુમ્નનું ચરિત્ર

હવે દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ રામ સહિત દશાર્હોને અનુસરતા અને યાદવોના પરિવારથી પરવરેલા સુખે ક્રીડા કરતા રહેવા લાગ્યા અને દશાર્હોને તેમ જ રામકૃષ્ણને હર્ષ આપતા અરિષ્ટનેમિ ભગવાન પણ અનુક્રમે વધવા લાગ્યા. અરિષ્ટનેમિ કરતાં સર્વ બંધુઓ મોટા હતા, પણ અરિષ્ટનેમિની સાથે તેઓ નાના થઈને ક્રીડાગિરિ ઉપર તથા ક્રીડોદ્યાન વિગેરે ભૂમિમાં ક્રીડા કરવા લાગ્યા. પ્રભુ દશ ધનુષ ઊંચી કાયાવાળા થઈ યૌવનવયને પ્રાપ્ત થયા, પરંતુ જન્મથી જ કામને જીતનાર હોવાથી તદ્દન અવિકારી મનવાળા હતા. માતાપિતા અને રામ કૃષ્ણાદિ ભ્રાતાઓ હમેશાં કન્યા પરણવાને માટે તેમને આગ્રહ કરતા અને શક્ર તથા ઈશાનંદની જેમ બંને બંધુઓ પ્રજાને પાળવા લાગ્યા.

એક વખતે નારદજી ફરતા ફરતા કૃષ્ણના રાજમંદિરમાં આવ્યા. રામકૃષ્ણે વિધિથી તેમની પૂજા કરી. પછી તે અંત:પુરમાં ગયા. ત્યાં સત્યભામા દર્પણ જોતી હતી, તેથી તેમાં વ્યગ્ર થયેલી. તેણે આસન વિગેરે આપીને નારદને સત્કાર કર્યો નહીં, તેથી નારદ ક્રોધ પામીને ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ‘કૃષ્ણના અંત:પુરની બધી સ્ત્રીઓ સદા મારી પૂજા કરે છે, પણ આ સત્યભામા પતિના પ્રેમને લીધે રૂપયૌવનથી ગર્વિત થયેલ છે, તેથી દૂરથી મને જોઈ ઊભી તો થઈ નહીં, પણ મારી સામી દૃષ્ટિ પણ કરી નહીં, માટે એ સત્યભામાને કોઈ તેનાથી અતિ રૂપવાળી સપત્ની(શોક્ય)ના સંકટમાં પાડી દઉં.’ એવું વિચારતા નારદ કુંડિનપુર નગરે આવ્યા.

કુંડિનપુરમાં ભીષ્મક નામે રાજા હતો. તેને યશોમતી નામે રાણી હતી. તેમને રુક્મી નામે પુત્ર હતો તથા રુક્મિણી નામે બહુ સ્વરૂપવાન પુત્રી હતી. નારદ ત્યાં ગયા એટલે રુક્મિણીએ તેમને નમસ્કાર કર્યા. નારદે કહ્યું કે: ‘અર્ધ ભરતક્ષેત્રના પતિ કૃષ્ણ તારા પતિ થાઓ.’ રુક્મિણીએ પૂછયું કે ‘તે કૃષ્ણ કોણ છે?’ પછી નારદે કૃષ્ણનાં રૂપ, સૌભાગ્ય અને શૌર્ય વિગેરે અદ્વૈત ગુણો કહી સંભળાવ્યા. તે સાંભળી રુક્મિણી કૃષ્ણ ઉપર અનુરાગી થઈ અને કામપીડિત થઈ કૃષ્ણને જ ઝંખવા લાગી. પછી રુક્મિણીનું રૂપ ચિત્રપટમાં આળેખીને નારદ દ્વારકામાં આવ્યા અને દૃષ્ટિને અમૃતાંજન જેવું તે રૂપ કૃષ્ણને બતાવ્યું. તે જોઈ કૃષ્ણે પૂછયું કે: ‘ભગવન્! આ કઈ દેવીનું રૂપ તમે પટમાં આળેખ્યું છે?’ નારદ હસીને બોલ્યા: ‘હરિ! આ દેવી નથી, પણ માનુષી સ્ત્રી છે અને કુંડિનપતિ રુક્મી રાજાની રુક્મિણી નામે બહેન છે.’ તેનું રૂપ જોઈને વિસ્મય પામેલા કૃષ્ણે તત્કાળ રુક્મી પાસે એક દૂત મોકલી પ્રિય વચન વડે તેની માગણી કરી. તે માગણી સાંભળી રુક્મીએ હસીને કહ્યું: અહો! કૃષ્ણ હીણકુળવાળો ગોપ થઈ મારી બહેનની માગણી કરે છે! તે કેવો છે? અને તેનો આ કેવો નિષ્ફળ મનોરથ? આ મારી બહેનને મૈત્રીભાવ વધારવા માટે શિશુપાલ રાજાને આપીશ કે જેથી ચંદ્ર અને રોહિણીની જેમ તેમનો ઘટતો યોગ થશે.’ આ પ્રમાણે ઉત્તર સાંભળી તે દૂતે રુક્મીની કઠોર અક્ષરવાળી વાણી દ્વારકામાં આવીને કૃષ્ણને જણાવી.

અહી કુંડિનપુરમાં આ ખબર સાંભળી રુક્મિણીની ફૂઈ જે તેની ધાત્રી હતી તેણીએ એકાંતમાં લઈ જઈને રુક્મિણીને પ્રેમપવિત્ર વાણીએ કહ્યું કે, ‘હે રાજકુમારી! જ્યારે તમે બાળક હતાં તે વખતે એક વાર મારા ઉત્સંગમાં બેઠાં હતાં. તેવામાં તમને જોઈ અતિમુક્તક નામના મુનિએ કહ્યું હતું કે: ‘આ પુત્રી કૃષ્ણની પટ્ટરાણી થશે.’ તે વખતે મેં તેમને પૂછ્યું હતું કે ‘તે કૃષ્ણને શી રીતે ઓળખવા?’ એટલે તેમણે કહ્યું હતું કે ‘જે પશ્ચિમ સાગરને કિનારે દ્વારકા વસાવીને રહે તે કૃષ્ણ છે એમ જાણી લેવું.’ આ પ્રમાણે છતાં આજે તે કૃષ્ણે દૂત દ્વારા તમારી માગણી કરી તો પણ તમારા ભાઈ રુક્મીએ તેની માગણી સ્વીકારી નહીં અને દમઘોષ રાજાના પુત્ર શિશુપાલ વેરે મને આપવાનો નિરધાર કર્યો.’ રુક્મિણી બોલી: ‘હે માતા! શું મુનિઓનાં વચન નિષ્ફળ થાય? પ્રાત:કાળના મેઘનો શબ્દ(ગર્જારવ) શું કદી નિષ્ફળ થયો છે?’ આ પ્રમાણેનાં વચનોથી રુક્મિણીનો અભિલાષ કૃષ્ણને પરણવાનો જાણી તે ફુઈએ ગુપ્ત રીતે એક દૂત મોકલી કૃષ્ણને આ પ્રમાણે જણાવ્યું: ‘માઘ માસની શુક્લ અષ્ટમીએ નાગપૂજાના મિષથી હું રુક્મિણીને લઈને નગર બહારની વાડીમાં આવીશ. હે માનદ! જો તમારે રુક્મિણીનું પ્રયોજન હોય તો તે સમયે ત્યાં આવી પહોંચવું, નહીં તો પછી તેને શિશુપાલ પરણી જશે.’

અહીં રુક્મીએ પોતાની બહેન રુક્મિણીને પરણવાને માટે શિશુપાલને બોલાવ્યો, એટલે તે મોટી સેના લઈને કુંડિનપુર આવ્યો. રુક્મિણીને વરવા માટે તૈયાર થઈને આવેલા શિશુપાલને જાણીને કલહપ્રિય નારદે તે ખબર કૃષ્ણને આપ્યા. એટલે કૃષ્ણ પણ પોતાના સ્વજનથી અલક્ષિયપણે૧ રામની સાથે જુદા જુદા રથમાં બેસી કુંડિનપુર આવ્યા. તે વખતે પોતાની ફુઈ અને સખીઓથી પરવરેલી રુક્મિણી નાગપૂજાનું મિષ કરીને ઉદ્યાનભૂમિમાં આવી. ત્યાં કૃષ્ણ રથમાંથી ઊતર્યા અને પ્રથમથી પોતાને ઓળખાવી રુક્મિણીની ફુઈને નમસ્કાર કરી રુક્મિણી પ્રત્યે બોલ્યા: ‘માલતીના પુષ્પની સુગંધથી ભ્રમર આવે તેમ તારા ગુણથી આકર્ષાઈને હું કૃષ્ણ તારી પાસે દૂરથી આવ્યો છું; માટે આ મારા રથમાં બેસી જા.’ પછી તેના ભાવને જાણનારી ફુઈએ આજ્ઞા આપી, એટલે રુક્મિણી તરત જ કૃષ્ણના રથમાં હૃદયની જેમ આરૂઢ થઈ. જ્યારે કૃષ્ણ થોડે દૂર ગયા ત્યારે પોતાનો દોષ ઢાંકવાને માટે તે ફુઈએ અને દાસીઓએ મળીને મોટો પોકાર કર્યો: ‘અરે રુક્મી! અરે રુક્મી! આ તમારી બહેન રુક્મિણીને ચોરની જેમ રામ સહિત કૃષ્ણ બળાત્કારે હરી જાય છે.’

દૂર ગયા પછી રામકૃષ્ણે પાંચજન્ય અને સુઘોષ નામના શંખ ફૂંક્યા, તેથી સમુદ્રની જેમ બધું કુંડિનપુર ક્ષોભ પામી ગયું. પછી મહાપરાક્રમી અને મહાબળવાન રુક્મી અને શિશુપાલ મોટી સેના લઈ રામકૃષ્ણની પછવાડે ચાલ્યા. તેમને પછવાડે આવતા જોઈ ઉત્સંગમાં બેઠેલી રુક્મિણી ભય પામી કૃષ્ણ પ્રત્યે બોલી: ‘હે નાથ! આ મારો ભાઈ રુક્મી અને શિશુપાલ ઘણા ક્રૂર અને પરાક્રમી છે. વળી તેના પક્ષના બીજા પણ ઘણા વીરો તૈયાર થઈને તેની સાથે આવે છે. અહીં તમે બંને ભાઈ તો એકલા છો, તેથી મને ભય લાગે છે કે આપણી શી ગતિ થશે?’ હરિએ તેનાં આવાં ભયભરેલાં વચનો સાંભળી હાસ્ય કરીને કહ્યું: ‘પ્રિયે! ભય પામીશ નહીં, કેમકે તું ક્ષત્રિયાણી છે. આ બિચારા રુક્મી વિગેરે મારી પાસે કોણ માત્ર છે? હે સુભ્રૂ! તું મારું અદ્ભુત બળ જો.’ આ પ્રમાણે કહી તેને પ્રતીતિ થવા માટે કૃષ્ણે અર્ધચંદ્ર બાણ વડે કમળનાળની પંક્તિ જેમ તાલવૃક્ષની શ્રેણીને એક ઘાએ છેદી નાખી અને અંગૂઠાને આંગળીની વચ્ચે રાખીને પોતાની મુદ્રિકાનો હીરો મસૂરના દાણાની જેમ ચૂર્ણ કરી નાખ્યો. પતિના આવા બળથી રુક્મિણી હર્ષ પામી અને પ્રભાતકાળના સૂર્ય વડે પદ્મિનીની જેમ તેનું મુખ પ્રફુલ્લિત થઈ ગયું. પછી કૃષ્ણે રામને કહ્યું: ‘આ વધૂને લઈને તમે ચાલ્યા જાઓ, હું એકલો આપણી પછવાડે આવતા રુક્મી વગેરેને જીતીને આવીશ.’ રામે કહ્યું: ‘તમે જાઓ, હું એકલો આ સર્વને જીતી શકીશ.’ બંનેનાં આવા વચન સાંભળી રુક્મિણી ભય પામીને બોલી: ‘હે નાથ! મારા સહોદર રુક્મીને બચાવજો, મારશો નહીં.’ રામે કૃષ્ણની સંમતિથી રુક્મિણીનું તે વચન સ્વીકાર્યું અને પોતે એકલા યુદ્ધ કરવાને ત્યાં ઊભા રહ્યા. કૃષ્ણ દ્વારકા તરફ ચાલ્યા ગયા.

અનુક્રમે શત્રુઓનું સૈન્ય નજીક આવ્યું, એટલે રામ મુસળ ઉગામી સમુદ્રને મંદરાચળની જેમ રણમાં તે સૈન્યનું મંથન કરવા લાગ્યા. વજ્ર વડે પર્વતોની જેમ રામના હળથી હાથીઓ ભૂમિ પર પડ્યા અને મુસળથી ઘડાનાં ઠીકરાંની જેમ રથો ચૂર્ણ થઈ ગયા. છેવટે શિશુપાલ સહિત રુક્મીની સેના પલાયન કરી ગઈ, પણ વીરમાની રુક્મી એકલો ઊભો રહ્યો. તેણે રામને કહ્યું: ‘અરે ગોપાળ! મેં તને જોયો છે, મારી આગળ ઊભો રહે, ઊભો રહે, હું તારા ગોપાળના પાનથી થયેલા મદને ઉતારી નાખીશ.’ તેનાં આવાં અભિમાનનાં વચન છતાં તેને બચાવવાનું પોતે કૃષ્ણની આગળ કબૂલ કરેલું હોવાથી તે વચન સંભારીને રામે મુસળને છોડી દીધું અને બાણોથી તેનો રથ ભાંગી નાંખ્યો, કવચ છેદી નાખ્યું અને ઘોડાને હણી નાખ્યા. પછી જ્યારે રુક્મી વધકોટિમાં આવ્યો ત્યારે રામે બાણથી તેના મુખ પરના કેશનું લુંચન કરી નાખી હસતાં હસતાં કહ્યું: ‘અરે મૂર્ખ! મારી ભ્રાતૃવધૂનો તું ભાઈ થાય છે, તેથી મારે અવધ્ય છે, માટે ચાલ્યો જા, મારા પ્રસાદથી તું મુંડ થયા છતાં પણ તારી પત્નીઓ સાથે વિલાસ કર.’ આવાં રામનાં વચનથી લજ્જા પામીને રુક્મી કુંડિનપુરમાં ગયો નહીં, પણ ત્યાં જ ભોજકટ નામે નગર વસાવીને રહ્યો.

અહીં કૃષ્ણ રુક્મિણીને લઈને દ્વારકા પાસે આવ્યા. દ્વારકામાં પ્રવેશ કરતાં કૃષ્ણે રુક્મિણીને કહ્યું: ‘હે દેવી! જુઓ, આ અમારી રત્નમયી દ્વારકાનગરી દેવતાએ રચેલી છે. હે સુભ્રૂ! આ નગરીનાં દેવવૃક્ષમય ઉદ્યાનોને વિષે દેવીની જેમ અવિચ્છિન્ન સુખથી તમે મારી સાથે ક્રીડા કરશો.’ રુક્મિણી બોલી: ‘હે સ્વામિન્! તમારી બીજી પત્નીઓ તેમના પિતાઓએ મોટા પરિવાર તથા સમૃદ્ધિ સાથે તમને આપેલી છે અને મને તો તમે એકલી કેદીની જેમ લઈ આવ્યા છો, માટે હું મારી સપત્નીઓની આગળ હાસ્યપાત્ર થાઉં નહિ તેમ કરો.’ આવાં તેનાં વચન સાંભળી ‘તને હું સર્વથી અધિક કરીશ.’ એમ કહી કૃષ્ણે રુક્મિણીને સત્યભામાના મહેલની પાસેના એક મહેલમાં ઉતારી. ત્યાં તેને ગાંધર્વ વિવાહથી પરણીને કૃષ્ણ તેની સાથે સ્વચ્છંદે ક્રીડા કરવા લાગ્યા.

કૃષ્ણે રુક્મિણીના ઘરમાં બીજા કોઈનો પ્રવેશ અટકાવ્યો હતો, તેથી એક વખતે સત્યભામાએ કૃષ્ણને આગ્રહથી કહ્યું: ‘તમારી નવી પ્રિયાને તો બતાવો.’ કૃષ્ણે લીલોદ્યાનમાં શ્રીદેવીના ગૃહમાંથી સ્વજનોથી છાની રાતે તેની પ્રતિમા ઉપડાવી લીધી અને નિપુણ ચિત્રકારો પાસે શ્રીદેવીની પ્રતિમા ચીતરાવી. પછી કૃષ્ણે ત્યાં આવી શ્રીદેવીના સ્થાનમાં રૂકમિણીને સ્થાપિત કરી અને શિખવ્કહ્યું કે ‘અહીં મારી બધી દેવીઓ આવે, ત્યારે તું નિશ્ચળ રહેજે.’ પછી કૃષ્ણ સ્વસ્થાને ગયા, એટલે સત્યભામાએ પૂછ્યું: ‘નાથ! તમે તમારી વલ્લભાને કયા સ્થાનમાં રાખી છે?’ કૃષ્ણે કહ્યું: ‘શ્રીદેવીના ગૃહમાં રાખેલાં છે.’ પછી સત્યભામા બીજી સપત્નીઓને સાથે લઈને શ્રીદેવીના મંદિરમાં આવી. ત્યાં રુક્મિણીને શ્રીદેવીના સ્થાનમાં જોઈ તેનો ભેદ જાણ્યા સિવાય શ્રીદેવી જ છે એમ જાણીને સત્યભામા બોલી: ‘અહો! આ શ્રીદેવીનું કેવું રૂપ છે? અહો! આના બનાવનારા કારીગરનું કેવું કૌશલ્ય છે?’ આ પ્રમાણે કહી તેણીએ તેને પ્રણામ કર્યાં. પછી કહ્યું: ‘હે શ્રીદેવી! તમે પ્રસન્ન થઈને એવું કરો કે જેથી હું હરિની નવી પત્ની રુક્મિણીને મારી રૂપલક્ષ્મીથી જીતી લઉં. આ કાર્ય સિદ્ધ થવાથી હું તમારી મહાપૂજા કરીશ.’ એમ કહી તે કૃષ્ણની પાસે આવી અને પૂછ્યું: ‘તમારી પત્ની કયાં છે? શ્રીદેવીના ગૃહમાં તો નથી.’ પછી કૃષ્ણ સત્યભામા અને બીજી પત્નીઓ સાથે શ્રીદેવીના મંદિરમાં આવ્યા, એટલે રુક્મિણી અંદરથી બહાર આવી અને કૃષ્ણને પૂછયું કે ‘હું કોને નમું?’કૃષ્ણે સત્યભામાને બતાવી, એટલે સત્યભામા બોલી ઊઠી: ‘આ દેવી મને શી રીતે નમશે? કારણ કે હુું જ હમણાં અજ્ઞાનથી તેને નમી છું.’ હરિએ હાસ્ય કરીને કહ્યું: ‘તમે તમારી બહેનને નમ્યાં તેમાં શો દોષ છે?’ તે સાંભળી સત્યભામા વિલખી થઈને ઘેર ગઈ અને રુક્મિણી પણ પોતાને મંદિર આવી. કૃષ્ણે રુક્મિણીને મોટી સમૃદ્ધિ આપી. અને તેની સાથે પ્રેમામૃતમાં મગ્ન થઈને રમવા લાગ્યા.

આ વખતે નારદ ફરતાં ફરતાં ત્યાં આવી ચઢ્યા. કૃષ્ણે તેમની પૂજા કરી અને પૂછ્યું: ‘હે નારદ! તમે કૌતુક માટે જ ભમો છો, તો કોઈ પણ આશ્ચર્ય કોઈ સ્થાનકે જોવામાં આવ્યું છે?’ નારદ બોલ્યા: ‘હમણાં જ એક આશ્ચર્ય જોયું છે તે સાંભળો: -‘વૈતાઢ્યગિરિ ઉપર જાંબવાન નામે એક ખેચરેંદ્ર છે, તેને શિવચંદ્રા નામે પ્રિયા છે. તેમને વિશ્વક્સેન નામે એક પુત્ર અને જાંબવતી નામે કન્યા છે, પણ ત્રણ જગતમાં તેના જેવી કોઈ સ્વરૂપવાન કન્યા નથી. તે બાળા નિત્ય ક્રીડા કરવાને માટે હંસની જેમ ગંગા નદીમાં જાય છે. તે આશ્ચર્યભૂત કન્યાને જોઈને હું તમને કહેવા માટે જ આવ્યો છું.’ તે સાંભળી કૃષ્ણ તરત જ બલદેવ સહિત ગંગાકિનારે ગયા. ત્યાં સખીઓથી પરવરેલી અને ક્રીડા કરતી જાંબવતી તેમના જોવામાં આવી. ‘જેવી નારદે કહી હતી તેવી જ આ છે.’ એમ બોલતાં હરિએ તેનું હરણ કર્યું, એટલે તત્કાળ મોટો કોલાહલ થઈ રહ્યો. તે સાંભળી તેનો પિતા જાંબવાન ક્રોધ કરતો ખડ્ગ લઈને ત્યાં આવ્યો. તેને અનાધૃષ્ટિએ જીતી લીધો અને કૃષ્ણની પાસે લાવીને મૂક્યો. જાંબવાને પોતાની પુત્રી જાંબવતી કૃષ્ણને આપી અને પોતે અપમાન થવાથી વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી. જાંબવાનના પુત્ર વિશ્વકસેનની સાથે જાંબવતીને લઈ કૃષ્ણ દ્વારકામાં આવ્યા, ત્યાં કૃષ્ણે રુક્મિણીના મહેલની પાસે જાંબવતીને પણ મહેલ આપ્યો અને તેને યોગ્ય બીજું પણ આપ્યું. તેને રુક્મિણીની સાથે સખીપણું થયું.

એક વખતે કૃષ્ણના મોકલવાથી સિંહલપતિ શ્લક્ષ્ણરોમા પાસે જઈને પાછા ફરેલા દૂતે કૃષ્ણ પાસે આવીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી: ‘હે સ્વામિન્! શ્લક્ષ્ણરોમા રાજા તમારો હુકમ માનતો નથી. તેને લક્ષ્મણા નામે એક કન્યા છે તે લક્ષણોથી તમારે જ લાયક છે, તે દ્રુમસેન સેનાપતિના રક્ષણ નીચે હમણાં સમુદ્રમાં સ્નાન કરવાને આવી છે. ત્યાં સાત દિવસ સુધી રહીને તે સ્નાન કરશે.’ આ પ્રમાણે સાંભળી કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા અને તે સેનાપતિને મારીને લક્ષ્મણાને લઈ આવ્યા. પછી લક્ષ્મણાને પરણી જાંબવતીના મહેલ પાસે જ તેને એક રત્નમય મંદિર રહેવા આપ્યું અને બીજો પરિવાર આપ્યો.

આયુસ્ખરી નામની નગરીમાં સૌરાષ્ટ્ર દેશનો રાજા રાષ્ટ્રવર્ધન રાજ્ય કરતો હતો. તેને વિજયા નામે રાણી હતી. તેમને નમુચિ નામે એક મહાબળવાન યુવરાજ પુત્ર હતો, અને સુસીમા નામે રૂપસંપત્તિની સીમારૂપ પુત્રી હતી. નમુચિએ અસ્ત્રવિદ્યા સિદ્ધ કરી હતી તેથી તે કૃષ્ણની આજ્ઞા માનતો નહોતો. એક વખતે તે સુસીમા સાથે પ્રભાસ તીર્થમાં સ્નાન કરવાને ગયો. ત્યાં છાવણી નાખીને પડેલા નમુચિને જાણીને કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા અને તેને સેના સહિત મારી સુસીમાને લઈ આવ્યા. પછી તેને વિધિથી પરણી લક્ષ્મણાના મંદિર પાસે મંદિર આપીને તેમાં રાખી અને તેને મોટી સામગ્રી આપી. રાજા રાષ્ટ્રવર્ધને સુસીમાને માટે દાસીઓ વિગેરે પરિવાર અને કૃષ્ણને માટે હાથી વિગેરે વિવાહનો દાયજો મોકલ્યો. પછી મરુદેશના વીતભય રાજાની ગૌરી નામની કન્યાને કૃષ્ણ પરણ્યા અને તેને સુસીમાના મંદિર પાસે એક મંદિરમાં રાખી. એક વખતે હિરણ્યનાભ રાજાની પુત્રી પદ્માવતીના સ્વયંવરમાં કૃષ્ણ રામને લઈને અરિષ્ટપુર ગયા. ત્યાં બલદેવની માતા રોહિણીના સહોદર હિરણ્યનાભે પોતાના ભાણેજ જાણીને બંનેની વિધિ સહિત હર્ષથી પૂજા કરી. તે હિરણ્યનાભ રાજાને રૈવત નામે એક જ્યેષ્ઠ બંધુ હતો, તે નમિ ભગવાનના તીર્થમાં પોતાના પિતા સાથે દીક્ષા લઈને ચાલી નીકળ્યો હતો. તેને રેવતી, રામા, સીતા અને બંધુમતી નામે પુત્રીઓ હતી, તે પૂર્વે રોહિણીના પુત્ર રામને આપી હતી. પછી સર્વે રાજાઓના જોતાં છતાં કૃષ્ણે પદ્માવતીનું હરણ કર્યું અને સ્વયંવરમાં આવેલા રાજાઓમાંથી જે યુદ્ધ કરવા આવ્યા તેમને જીતી લીધા. રામકૃષ્ણ પોતપોતાની સ્ત્રીઓને લઈને દ્વારકામાં આવ્યા. ત્યાં કૃષ્ણે ગૌરીના મંદિર પાસે એક નવીન ગૃહમાં પદ્માવતીને રાખી.

ગાંધાર દેશમાં પુષ્કલાવતી નગરીને વિષે નગ્નજિત રાજાનો પુત્ર ચારુદત્ત નામે રાજા હતો. તેને ગાંધારી નામે સુંદર બહેન હતી. તે લાવણ્યસંપત્તિથી ખેચરીઓને પણ હરાવતી હતી. ચારુદત્તનો પિતા નગ્નજિત મૃત્યુ પામ્યા પછી તેના ભાગીદારોએ ચારુદત્તને જીતી લીધો. એટલે તેણે દૂત મોકલીને શરણ કરવા યોગ્ય કૃષ્ણનું શરણ લીધું. કૃષ્ણે ગાંધારદેશમાં આવી તેના ભાગીદારોને મારી નાખ્યા. અને ચારુદત્તને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. એટલે ચારુદત્તે પોતાની બહેન ગાંધારી કૃષ્ણની વેરે પરણાવી. કૃષ્ણ તેને દ્વારકામાં લાવ્યા. અને પદ્માવતીના મંદિરની પાસે તેને એક પ્રાસાદ આપ્યો. આ પ્રમાણે કૃષ્ણને આઠ પટ્ટરાણીઓ થઈ. તેઓ સર્વ અનુક્રમે પૃથક્ પૃથક્ મહેલોમાં રહેવા લાગી.

એક વખતે રુક્મિણીના મંદિરમાં અતિમુક્ત મુનિ આવ્યા. તેમને જોઈ સત્યભામા પણ ઉતાવળે ત્યાં આવી. રુક્મિણીએ મુનિને પૂછ્યું: ‘મારે પુત્ર થશે કે નહીં?’ મુનિએ કહ્યું: ‘તારે કૃષ્ણ જેવો પુત્ર થશે.’ આ પ્રમાણે કહીને મુનિ ગયા પછી મુનિનું આ વચન પોતાને માટે છે એમ સત્યભામા માનવા લાગી અને તેણીએ રુક્મિણીને કહ્યું: ‘મારે કૃષ્ણ જેવો પુત્ર થશે.’ રુક્મિણી બોલી: ‘મુનિનું વચન કાંઈ છલ કરવાથી ફળતું નથી, માટે તેવો પુત્ર તો મારે થશે.’ એમ પરસ્પર વાદ કરતી તે બંને કૃષ્ણની પાસે આવી. એ સમયે સત્યભામાનો ભાઈ દુર્યોધન ત્યાં આવી ચઢ્યો. તેને સત્યભામાએ કહ્યું: ‘મારો પુત્ર તારો જામાતા થશે.’ રુક્મિણીએ પણ તે પ્રમાણે તેને કહ્યું, એટલે તેણે કહ્યું: ‘તમારામાંથી જેને પુત્ર થશે તેને હું મારી પુત્રી આપીશ.’ સત્યભામા બોલી: ‘જેનો પુત્ર પ્રથમ પરણે, તેના વિવાહમાં બીજીએ પોતાના કેશ આપવા. આ વિષે રામ, કૃષ્ણ અને આ દુર્યોધન સાક્ષી અને જામીન છે.’ આ પ્રમાણે કબૂલ કરીને તે બંને પોતપોતાને સ્થાનકે ગઈ.

એક વખતે રુક્મિણીએ સ્વપ્નમાં જોયું કે. ‘જાણે પોતે એક શ્વેત વૃષભ ઉપર રહેલા વિમાનમાં બેઠેલી છે.’ તે જોઈ તે તરત જાગૃત થઈ. તે વખતે એક મહર્દ્ધિક દેવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવી રુક્મિણીના ઉદરમાં અવતર્યો. પ્રાત:કાળે ઊઠી રુક્મિણીએ તે સ્વપ્નની વાત કૃષ્ણને કહી, એટલે ‘તમારે વિશ્વમાં અદ્વિતીય વીર એવો પુત્ર થશે.’ એમ કૃષ્ણે કહ્યું. આ સ્વપ્નની વાર્તા સત્યભામાની એક દાસીએ સાંભળી, એટલે તેણે શ્રવણમાં દુઃખદાયક તે વાર્તા સત્યભામાને કહી. તત્કાળ તેણે પણ એક સ્વપ્નની કલ્પના કરી કૃષ્ણ પાસે જઈને કહ્યું કે: ‘આજે મેં સ્વપ્નમાં ઐરાવત હસ્તી જેવો હાથી જોયો છે.’ કૃષ્ણે તેની ઇંગિત ચેષ્ટા ઉપરથી ‘આ વાર્તા ખોટી છે’ એવું ધારી લીધું; પણ તેને કોપાવવી નહીં એમ વિચાર કરી કહ્યું: ‘તારે પણ શુભ પુત્ર થશે.’ દૈવયોગે સત્યભામાને પણ ગર્ભ રહ્યો, તેથી તેનું ઉદર વૃદ્ધિ પામ્યું. રુક્મિણીના ઉદરમાં ઉત્તમ ગર્ભ હતો, તેથી તેનું ઉદર જેવું હતું તેવું જ રહ્યું. ગૂઢ રીતે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો, તેથી એક દિવસ સત્યભામાએ કૃષ્ણને કહ્યું: ‘આ તમારી પત્ની રુક્મિણીએ તમને ખોટો ગર્ભ કહ્યો છે, કારણ કે અમારાં બંનેનાં ઉદર જુઓ.’ તે વખતે એક દાસીએ આવીને વધામણી આપી કે ‘રુક્મિણી દેવીએ સુવર્ણ જેવી કાંતિવાળા મહાત્મા પુત્રને જન્મ આપ્યો છે.’ તે સાંભળી સત્યભામા વિલખી અને ક્રોધવિહ્વળ થઈ ગઈ. ત્યાંથી ઘેર આવતાં તેણે પણ ભાનુક નામના પુત્રને જન્મ આપ્યો.

કૃષ્ણ પુત્રજન્મની વધામણીથી હર્ષ પામી રુક્મિણીના મંદિરમાં ગયા અને બહાર સિંહાસન પર બેસી પુત્રને મંગાવી જોયો. પુત્રની કાંતિથી સર્વ દિશાઓને ઉદ્યોતવાળી થયેલી જોઈને તેનું પ્રદ્યુમ્ન એવું નામ પાડ્યું અને કૃષ્ણ તેને હુલરાવવાને માટે ક્ષણવાર ત્યાં બેઠા. તે વખતે પૂર્વ ભવના વૈરથી ધૂમકેતુ નામે એક દેવ રુક્મિણીનો વેષ લઈ કૃષ્ણ પાસે આવ્યો અને કૃષ્ણ પાસેથી બાળકને લઈને વૈતાઢ્યગિરિ ઉપર ચાલ્યો ગયો. ત્યાં ભૂતરમણ ઉદ્યાનમાં જઈ ટંકશિલા ઉપર બેસી વિચાર કરવા લાગ્યો: ‘આ બાળકને અહીં અફળાવીને મારી નાખું? પણ ના, તેથી તો બહુ દુઃખી થશે; માટે આ શિલા ઉપર મૂકીને ચાલ્યો જાઉં કે જેથી અહીં નિરાધાર અને ક્ષુધાતુર એવો એ આક્રંદ કરતો કરતો મરી જશે.’ આવો વિચાર કરી તેને ત્યાં છોડી દઈને તે ચાલ્યો ગયો. તે બાળક ચરમદેહી૧ હતો અને નિરુપક્રમ જીવિતવાળો૨ હતો, તેથી શિલા પરથી ઘણાં પાંદડાંવાળા પ્રદેશમાં તે નિરબાધપણે પડી ગયો. પ્રાત:કાળે કાળસંવર નામે કોઈ ખેચર વિમાનમાં બેસીને અગ્નિજ્વાલ નગરથી પોતાને નગરે જતો હતો, તેનું વિમાન ત્યાં સ્ખલિત થઈ ગયું. ખેચરપતિએ સ્ખલિત થવાનો હેતુ વિચારતાં નીચે જોયું તો ત્યાં તે તેજસ્વી બાળકને અવલોક્યો. એટલે ‘મારા વિમાનને સ્ખલિત કરનાર આ કોઈ મહાત્મા બાળક છે.’ એવું જાણી તેને લઈને તેણે પોતાની કનકમાળા નામની રાણીને પુત્ર તરીકે અર્પણ કર્યો. પછી તેણે પોતાના મેઘકૂટ નગરમાં જઈને એવી વાર્તા ફેલાવી કે ‘મારી પત્ની ગૂઢગર્ભા હતી. તેણે હમણાં એક પુત્રને જન્મ આપ્યો છે.’ પછી કાળસંવર ખેચર પુત્રનો જન્મોત્સવ કર્યો અને તેના તેજથી દિશાઓમાં પ્રદ્યોત થતો જોઈને શુભ દિવસે તેનું પ્રદ્યુમ્ન એવું જ નામ પાડ્યું.

અહીં રુક્મિણીએ કૃષ્ણની પાસે આવીને પૂછ્યું કે: ‘તમારો પુત્ર ક્યાં છે?’ કૃષ્ણે કહ્યું: ‘તમે હમણાં જ પુત્રને લઈ ગયા છો. રુક્મિણી બોલી: ‘અરે નાથ! શું મને છેતરવા માગો છો? હું લઈ ગઈ નથી.’ ત્યારે કૃષ્ણે જાણ્યું કે જરૂર મને કોઈ છળી ગયું. પછી તરત જ પુત્રની શોધ કરાવી, પણ ક્યાંયથી પુત્રના ખબર મળ્યા નહીં, એટલે રુક્મિણી મૂર્ચ્છા પામીને પડી ગઈ. થોડી વારે સંજ્ઞા પામીને તે પરિજન સાથે ઊંચે સ્વરે રુદન કરવા લાગી. એક સત્યભામા વગર સર્વ યાદવો, તેમની પત્નીઓ અને બધો પરિવાર દુઃખી થઈ ગયો. ‘કૃષ્ણ જેવા સમર્થ પુરુષને પણ પુત્રનો વૃત્તાંત કેમ ન મળે?’ એમ બોલતી રુક્મિણી દુઃખી કૃષ્ણને વધારે દુઃખી કરવા લાગી. એ પ્રમાણે સર્વ યાદવો સહિત કૃષ્ણ ઉદ્વેગમાં રહેતા હતા, તેવામાં એકદા નારદ સભામાં આવ્યા. તેમણે ‘આ શું છે?’ એમ પૂછ્યું, એટલે કૃષ્ણ બોલ્યા કે: ‘હે નારદ! રુક્મિણીનો તરતનો જન્મેલો બાળક મારા હાથમાંથી કોઈ હરી ગયું છે, તેની શુદ્ધિ કાંઈ તમે જાણો છો?’ નારદ બોલ્યા: ‘અહીં અતિમુક્ત મુનિ મહાજ્ઞાની હતા તે તો હમણાં જ મોક્ષે ગયા. તેથી હવે ભારતવર્ષમાં અત્યારે કોઈ બીજા જ્ઞાની નથી; તો પણ હે હરિ! હાલમાં પૂર્વ વિદેહક્ષેત્રે સીમંધર નામે તીર્થંકર વિચરે છે, તે સર્વ સંશયનો નાશ કરનારા છે, તેથી ત્યાં જઈને હું તેમને પૂછીશ.’ પછી કૃષ્ણે અને બીજા યાદવોએ નારદની અનેક પ્રકારે પૂજા કરી અને આગ્રહપૂર્વક ખબર લાવવાની પ્રાર્થના કરી. એટલે નારદ જ્યાં સીમંધર પ્રભુ હતા ત્યાં ત્વરાથી ગયા. ત્યાં પ્રભુ સમવસરણમાં બિરાજેલા હતા તેમને પ્રણામ કરીને નારદે પૂછયું: ‘હે ભગવાન્! કૃષ્ણ અને રુક્મિણીનો પુત્ર હાલ ક્યાં છે?’ પ્રભુ બોલ્યા: ‘ધૂમકેતુ નામે એક તે પુત્રનો પૂર્વ ભવનો વેરી દેવ છે, તેણે છળ કરી કૃષ્ણની પાસેથી તે પુત્રનું હરણ કરેલું છે. તેણે વૈતાઢ્ય ઉપર જઈ તે બાળકને શિલા ઉપર મૂક્યો હતો પણ તે મૃત્યુ પામ્યો નથી; કારણ કે તે ચરમદેહી છે, તેથી કોઈનાથી મારી શકાય તેમ નથી.

પ્રાત:કાળે ત્યાંથી કાળસંવર નામે કોઈ ખેચર જતો હતો, તેણે તે બાળકને લઈને પોતાની પત્નીને પુત્ર તરીકે સોંપ્યો છે અને હાલ તે તેને ઘેર વૃદ્ધિ પામે છે.’ નારદે ફરીથી પૂછ્યું: ‘હે ભગવન્! તે ધૂમકેતુને તેની સાથે પૂર્વે જન્મનું શું વેર હતું?’ નારદના આ પ્રમાણે પૂછવાથી પ્રભુએ તેના પૂર્વભવનો વૃત્તાંત કહેવા માંડ્યો:

‘આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે શસલિગ્રામ નામે એક મહર્દ્ધિક ગામ છે. તેમાં મનોરમ નામે એક ઉદ્યાન છે. તે ઉદ્યાનનો અધિપતિ સુમન નામે એક યક્ષ હતો. તે ગામમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સોમદેવની અગ્નિલા નામની પત્નીથી અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બે પુત્રો થયા. તેઓ વેદાર્થમાં ચતુર હતા. યૌવન વયને પ્રાપ્ત થયેલા તેઓ વિદ્યાથી પ્રખ્યાત થઈ વિવિધ ભોગને ભોગવતા મદોન્મત્ત થઈને રહેતા હતા. એક દિવસે તે મનોરથ ઉદ્યાનમાં નંદિવર્ધન નામે આચાર્ય સમવસર્યા. લોકોએ ત્યાં જઈને તેમને વંદના કરી. તે સમયે આ ગર્વિષ્ઠ થયેલા અગ્નિભૂતિ અને વાયુભૂતિએ ત્યાં આવી આચાર્યને કહ્યું: ‘અરે શ્વેતાંબરી! જો તું કાંઈ શાસ્ત્રાર્થને જાણતો હોય તો બોલ.’ તેમનાં આવાં ગર્વયુક્ત વચન માત્રથી નંદિવર્ધન આચાર્યના સત્ય નામના શિષ્યે તેમને પૂછ્યું: ‘તમે ક્યાંથી આવ્યા છો?’ તેઓ બોલ્યા: ‘અમે શાલિગ્રામથી આવ્યા છીએ.’ સત્યમુનિ ફરી વાર બોલ્યા: ‘તમે કયા ભવમાંથી આ મનુષ્યભવમાં આવ્યા છો? એમ મારું પૂછવું છે, તે જો તમે જાણતા હો તો કહો.’ તે સાંભળી તે બંને તે વિષયના અજ્ઞાની હોવાથી લજ્જાથી અધોમુખ થઈને ઊભા રહ્યા. એટલે મુનિએ તેમનો પૂર્વભવ કહેવા માંડ્યો: ‘અરે બ્રાહ્મણો! તમે પૂર્વભવને વિષે આ ગ્રામની વનસ્થલીમાં માંસભક્ષક શિયાળ થયેલા હતા. એક કણબીએ પોતાના ક્ષેત્રમાં રાત્રે ચર્મની રજ્જુ વિગેરે મૂકી હતી તે વૃષ્ટિથી આર્દ્ર થતાં તમે બધી ભક્ષણ કરી ગયા. એ આહારથી મૃત્યુ પામીને પોતાના પૂર્વકૃત કર્મથી આ ભવમાં તમે સોમદેવ બ્રાહ્મણના બે પુત્રો થયા છો. પ્રાત:કાળે તે ખેડુ કણબી સર્વ ચર્મરજ્જુને ભક્ષણ કરેલી જોઈ પોતાને ઘેર ગયો. અનુક્રમે મૃત્યુ પામીને તે પોતાની પુત્રવધૂના ઉદરથી પુત્રપણે જન્મ્યો. ત્યાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે જાણ્યું કે ‘આ મારી પુત્રવધૂ તે મારી માતા થઈ છે અને મારો પુત્ર તે મારો પિતા થયો છે, તો હવે મારે તેમને શી રીતે બોલાવવા?’ આવા વિચારથી તે કપટ વડે જન્મથી જ મૂંગો થઈને રહેલો છે, જો આ વૃત્તાંત વિષે તમને પ્રતીતિ ન આવતી હોય તો તે મૂંગા ખેડુ પાસે જઈને તેને પૂછો એટલે તે મૌન છોડી દઈને તમને સર્વ વૃત્તાંત જણાવશે.’ પછી લોકો તત્કાળ તે મૂંગા ખેડૂતને ત્યાં લઈ આવ્યા. મુનિએ તેને કહ્યું: ‘તારા પૂર્વભવનો વૃત્તાંત પ્રથમથી કહી બતાવ. આ સંસારમાં કર્મને વશે પુત્ર તે પિતા પણ થાય અને પિતા તે પુત્ર પણ થાય એવી અનાદિ સ્થિતિ છે, એમાં કાંઈ આશ્ચર્ય નથી; માટે પૂર્વજન્મના સંબંધથી થતી લજ્જા અને મૌનપણું છોડી દે.’ પછી પોતાના પૂર્વ સંબંધને બરાબર કહેવાથી હર્ષ પામેલા તે ખેડૂતે મુનિને નમસ્કાર કરી સર્વના સાંભળતાં પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત જેમ મુનિએ કહ્યો હતો તેમ કહી સંભળાવ્યો. તે સાંભળી ઘણા લોકોએ દીક્ષા લીધી. તે ખેડૂત પ્રતિબોધ પામ્યો અને પેલા અગ્નિભૂતિ અને વાયુભૂતિ લોકોથી ઉપહાસ્ય પામતા વિલખા થઈને ઘેર ચાલ્યા ગયા. પછી તે ઉન્મત્ત બ્રાહ્મણો વેર ધારણ કરી રાત્રે ખડ્ગ લઈને તે મુનિને મારવા આવ્યા. ત્યાં પેલા સુમન યક્ષે તેમને સ્તંભિત કરી દીધા. પ્રાત:કાળે લોકોએ તેવી સ્થિતિમાં તેમને દીઠા. તેનાં માતાપિતા તેને સ્તંભાયેલા જોઈ આક્રંદ કરવા લાગ્યાં. તે વખતે સુમન યક્ષ પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યો: ‘આ પાપી દુર્મતિઓ રાત્રિએ મુનિને મારવા માટે ઇચ્છતા હતા, તેથી મેં તેને સ્તંભિત કર્યા છે. હવે જો તેઓ દીક્ષા ગ્રહણ કરવાનું કબૂલ કરે તો હું તેમને છોડીશ, અન્યથા છોડીશ નહીં.’ તેઓએ કહ્યું: ‘અમારાથી સાધુનો ધર્મ પાળવો મુશ્કેલ છે, તેથી અમે શ્રાવકને યોગ્ય એવો ધર્મ આચરશું.’ આ પ્રમાણે તેમના કહેવાથી દેવતાએ તેમને છોડી મૂક્યા. ત્યારથી તેઓ તો શ્રાવક થઈને જિનધર્મને યથાવિધિ પાળવા લાગ્યા. પણ તેમનાં માતાપિતાએ જૈનધર્મને અંગીકાર કર્યો નહીં.

અગ્નિભૂતિ અને વાયુભૂતિ મૃત્યુ પામી સૌધર્મકલ્પમાં છ પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુર નગરમાં અર્હદાસ વણિકને ઘેર પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે પુત્ર થયા. પૂર્વભવના ક્રમથી તેઓ શ્રાવકધર્મ પાળવા લાગ્યા. એક વખતે માહેંદ્ર નામે એક મુનિ ત્યાં સમવસર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળીને અર્હંદ્વાસે દીક્ષા લીધી. પૂર્ણભદ્ર અને મણિભદ્ર તે મહેંદ્ર મુનિને વાંદના જતા હતા ત્યાં માર્ગમાં એક કૂતરી અને ચાંડાળને જોઈને તેમની ઉપર તેઓને સ્નેહ ઉત્પન્ન થયો, તેથી તેઓએ મહર્ષિ પાસે આવી નમીને પૂછ્યું: ‘આ ચાંડાળ અને કૂતરી કોણ છે કે જેને જોવાથી અમને સ્નેહ ઉપજે છે?’ મુનિ બોલ્યા: ‘તમે પૂર્વભવમાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બ્રાહ્મણ હતા. તે વખતે સોમદેવ નામે તમારો પિતા અને અગ્નિલા નામે તમારી માતા હતી. તે સોમદેવ મૃત્યુ પામીને આ ભરતક્ષેત્રમાં આવેલા શંખપુરમાં જિતશત્રુ નામે રાજા થયો, જે સદા પરસ્ત્રીમાં આસક્ત હતો. અગ્નિલા મૃત્યુ પામીને તે જ શંખપુરમાં સોમભૂતિ ગામના બ્રાહ્મણની રુક્મિણી નામે સ્ત્રી થઈ. એક વખતે રુક્મિણી પોતાના ઘરના આંગણામાં ઊભી હતી તેવામાં તે માર્ગે નીકળેલા જિતશત્રુ રાજાના જોવામાં આવી. તત્કાળ તે રાજા કામવશ થઈ ગયો, તેથી સોમભૂતિ ઉપર કાંઈક ગુન્હો મૂકી રાજાએ તે સ્ત્રીને પોતાના અંત:પુરમાં દાખલ કરી. તેના વિરહથી પીડિત સોમભૂતિ અગ્નિમાં મગ્ન થયો હોય તેમ દુઃખપૂર્વક રહેવા લાગ્યો. રાજા જિતશત્રુ તે સ્ત્રીની સાથે એક હજાર વર્ષ સુધી ક્રીડા કરી મૃત્યુ પામીને પહેલા નરકમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો નારકી થયો. ત્યાંથી નીકળીને હરિણ થયો. તે ભવમાં શિકારીએ મારી નાખતાં મરણ પામીને માયાકપટી એવો શ્રેષ્ઠીપુત્ર થયો. ત્યાંથી મરણ પામીને માયાના યોગથી હાથી થયો. તે ભવમાં દૈવયોગે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી અઢાર દિવસનું અનશન પાળી મૃત્યુ પામ્યો અને ત્રણ પલ્યોપમ આયુષ્યવાળો વૈમાનિક દેવતા થયો. ત્યાંથી ચ્યવીને તે આ ચાંડાળ થયો છે અને પેલી રુક્મિણી અનેક ભવમાં પરિભ્રમણ કરીને આ કૂતરી થઈ છે, તેથી (પૂર્વભવના તમારાં માતાપિતા હોવાથી) તેઓની ઉપર તમને સ્નેહ ઉત્પન્ન થાય છે.’

આ પ્રમાણે પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળી તે પૂર્ણભદ્ર અને માણિભદ્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તેઓએ તે ચાંડાળને અને કૂતરીને પ્રતિબોધ આપ્યો, જેથી તે ચાંડાળ એક માસનું અનશન કરી મૃત્યુ પામીને નંદીશ્વર દ્વીપમાં દેવતા થયો અને કૂતરી પ્રતિબોધ પામી અનશન કરી મૃત્યુ પામીને શંખપુરમાં સુદર્શના નામે રાજપુત્રી થઈ.

ફરી વાર પાછા માહેંદ્ર મુનિ ત્યાં આવ્યા ત્યારે અર્હદાસના પુત્રોએ ચાંડાળ અને કૂતરીની ગતિ વિષે પૂછ્યું, એટલે તેમણે તે બંનેની થયેલી સદ્ગતિનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેઓએ શંખપુર જઈ રાજપુત્રી સુદર્શનાને પ્રતિબોધ આપ્યો, જેથી તે દીક્ષા લઈને મૃત્યુ પામી દેવલોકે ગઈ. પૂર્ણભદ્ર અને માણિભદ્ર ગૃહસ્થધર્મ પાળી મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં ઇન્દ્રના સામાનિક૧ દેવતા થયા. ત્યાંથી ચ્યવી હસ્તિનાપુરમાં વિશ્વક્સેન રાજાના મધુ અને કૈટભ નામે બે પુત્રો થયા. પેલો નંદીશ્વરમાં ઉત્પન્ન થયેલ દેવ ત્યાંથી ચ્યવી ચિરકાળ ભવભ્રમણ કરી વટપુર નગરમાં કનકપ્રભ નામે રાજા થયો. સુદર્શના પણ દેવલોકથી ચ્યવી ઘણા ભવ ભ્રમણ કરી તે કનકપ્રભ રાજાની ચંદ્રાભા નામે પટ્ટરાણી થઈ. રાજા વિશ્વકસેન મધુને રાજ્યપદે અને કૈટભને યુવરાજપદે સ્થાપન કરી પોતે વ્રત લઈ મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયા. મધુ અને કૈટભે બધી પૃથ્વી વશ કરી લીધી. તેમના દેશ ઉપર ભીમ નામે એક પલ્લીપતિ ઉપદ્રવ કરવા લાગ્યો તેને મારવાને મધુ ચાલ્યો. ત્યાં માર્ગમાં વટપુરના રાજા કનકપ્રભે ભોજનાદિકથી તેનો સત્કાર કર્યો. પછી સ્વામિભક્તિથી સેવકપણે વર્તતો તે રાજા ચંદ્રાભા રાણીની સાથે ભોજનને અંતે તેમની પાસે આવ્યો. અને કેટલીક ભેટ ધરી. ચંદ્રાભા રાણી મધુને પ્રણામ કરીને અંત:પુરમાં ચાલી, તે વખતે કામપીડિત મધુએ તેને બળાત્કારે પકડવાની ઇચ્છા કરી, તે વખતે મંત્રીએ તેને અટકાવ્યો, એટલે મધુરાજા આગળ ચાલ્યો. પછી ભીમ પલ્લીપતિને જીતીને પાછા ફરતાં તે વટપુરમાં આવ્યો. રાજા કનકપ્રભે ફરી વાર તેનો સત્કાર કર્યો. જ્યારે તે ભેટ ધરવા આવ્યો ત્યારે મધુરાજા બોલ્યા કે ‘તમારી બીજી ભેટ મારે જોઈતી નથી, માત્ર આ ચંદ્રાભા રાણી મને અર્પણ કરો.’ તેની આવી માગણીથી જ્યારે કનકપ્રભે પોતાની રાણી તેને આપી નહીં ત્યારે તે બળાત્કારે ખેંચી લઈ પોતાના નગરમાં ચાલ્યો ગયો. રાણીના વિયોગથી વિધુર થયેલો કનકપ્રભ રાજા મૂર્ચ્છા ખાઈ પૃથ્વી પર પડ્યો. થોડી વારે સાવધ થઈ ઊંચે સ્વરે વિલાપ કરવા લાગ્યો અને ઉન્મત્તની પેઠે આમતેમ ભમવા લાગ્યો.

અહીં મધુરાજા એક વખતે મંત્રીઓની સાથે ન્યાયના કાર્યમાં બેઠો હતો તેમાં ઘણો વખત થવાથી તેનો ચૂકાદો કર્યા વગર રાજા ચંદ્રાભાને મંદિરે ગયો. ચંદ્રાભાએ પૂછયું:‘આજે મોડા કેમ આવ્યા?’ તેણે કહ્યું: ‘આજે એક વ્યભિચાર સંબંધી કેસનો ન્યાય આપવાનો હતો તેમાં રોકાયો હતો.’ ચંદ્રાભા હસીને બોલી: ‘તે વ્યભિચારી પૂજવા યોગ્ય છે.’ મધુરાજાએ કહ્યું: ‘વ્યભિચારી શી રીતે પૂજવા યોગ્ય થાય? તેઓને તો શિક્ષા જ કરવી જોઇએ.’ ચંદ્રાભા બોલી: ‘જો તમે એવા ન્યાયવાન હો તો તમે જ પ્રથમ વ્યભિચારી છો, તે કેમ જાણતા નથી?’ તે સાંભળી મધુરાજા પ્રતિબોધ પામી લજ્જા પામી ગયો. એ સમયે કનકપ્રભ રાજા ચંદ્રાભા રાણીના વિયોગથી ગાંડો બની ગામેગામ ભટકતો અને બાળકોથી વીંટાયલો તે જ નગરના રાજમાર્ગમાં ગાતો અને નાચતો નીકળ્યો. તેને જોઈ ચંદ્રાભા વિચાર કરવા લાગી: ‘અહો! મારો પતિ મારા વિયોગથી આવી દશાને પ્રાપ્ત થયો, તો મારા જેવી પરવશ સ્ત્રીને ધિક્કાર છે!’ આ પ્રમાણે ચંતિવી તેણે મધુને પોતાનો પતિ બતાવ્યો, એટલે તેને જોઈ પોતાના દુષ્ટ કામને માટે મધુને અતિ પશ્ચાત્તાપ થયો. તેથી તત્કાળ મધુએ ધુંધુ નામના પોતાના પુત્રને રાજ્ય સોંપી કૈટભની સાથે વિમલવાહન મુનિની પાસે દીક્ષા લીધી. તેઓ હજારો વર્ષ સુધી ઉગ્ર તપ કરી દ્વાદશાંગના ધારણ કરનારા અને સદા સાધુઓની વૈયાવૃત્ત્ય કરનારા થયા. અંતે અનશન કરી સર્વ પાપની આલોચના કરીને તે બન્ને મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકમાં સામાનિક દેવતા થયા. રાજા કનકપ્રભ પણ ક્ષુધાતૃષાથી પીડિત થઈ ત્રણ હજાર વર્ષ વ્યર્થ ગુમાવી મૃત્યુ પામ્યો અને જ્યોતિષ દેવોમાં ધૂમકેતુ નામે દેવ થયો. અવધિજ્ઞાનથી પૂર્વનું વેર જાણી તે મધુના જીવને શોધવા લાગ્યો, પણ મધુ તો સાતમા દેવલોકમાં મહર્દ્ધિક દેવ હોવાથી તેના જોવામાં આવ્યો નહીં. પછી તે ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામીને તાપસ થયો. તે ભવમાં બાળતપ કરી મૃત્યુ પામીને તે વૈમાનિક દેવ થયો. તથાપિ તે ભવમાં પણ મધુને જોવાને સમર્થ થયો નહીં. પાછો ત્યાંથી ચ્યવી સંસારમાં પરિભ્રમણ કરી કર્મયોગે જ્યોતિષીમાં ફરીને ધૂમકેતુ નામે દેવ થયો. તે વખતે મધુનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવી કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણીમાં ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પેલો ધૂમકેતુ પૂર્વના વેરથી તે બાળકને જન્મતાં જ હરી ગયો અને તેને મારવાની ઇચ્છાથી તે દુષ્ટ એક ટંકશિલા ઉપર તેને મૂકીને ચાલ્યો ગયો, પણ પોતાના પ્રભાવથી તે સર્વ અંગે અક્ષત રહ્યો અને તેને કાળસંવર વિદ્યાધર પોતાને ઘેર લઈ ગયો. સોળ વર્ષને અંતે રુક્મિણી સાથે તેને સમાગમ થશે.’

(સર્ગ-૫)