ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઇન્દ્ર, ત્રિશિરા, વૃત્રાસુર કથા, નહુષ (ઇન્દ્રવિજય ઉપાખ્યાન)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઇન્દ્ર, ત્રિશિરા, વૃત્રાસુર કથા, નહુષ (ઇન્દ્રવિજય ઉપાખ્યાન)

વિખ્યાત દેવોમાં શ્રેષ્ઠ અને મહાતપસ્વી પ્રજાપતિ ત્વષ્ટા નામે જાણીતા હતા. ઇન્દ્ર પ્રત્યે દ્રોહબુદ્ધિ થવાથી તેમણે ત્રણ મસ્તકવાળો એક પુત્ર સર્જ્યો એવું કહેવાય છે. તે મહાતેજસ્વી બાળકનું નામ વિશ્વરૂપ હતું. તેણે સૂર્ય, ઇન્દુ (ચંદ્ર) અને અગ્નિ જેવા તેજસ્વી અને ભયંકર એવા ત્રણ મોં વડે ઇન્દ્રનું સ્થાન લેવાની પ્રાર્થના કરી. તે પોતાના એક મોં વડે વેદપાઠ કરતો હતો, બીજા મોં વડે સુરાપાન કરતો હતો અને ત્રીજા મોં વડે બધી દિશાઓને જાણે એવી રીતે જોતો હતો કે તે બધી દિશાઓને પી જશે. તે પુત્ર કોમળ સ્વભાવનો, જિતેન્દ્રિય, ધર્મ અને તપસ્યા માટે સદા ઉદ્યત રહેતો હતો. બીજાઓને માટે અત્યંત દુષ્કર કઠોર તપ કર્યું. તે અમિત તેજસ્વી બાળકનું તપોબળ અને શક્તિ જોઈને ઇન્દ્રને વિષાદ થયો, તે વિચારમાં પડી ગયા, ‘આ ઇન્દ્ર તો નહીં બની બેસે ને! તે ભોગવિલાસમાં પ્રવૃત્ત થાય અને તપસ્યામાંથી નિવૃત્ત થાય એવો કોઈક ઉપાય કરવો પડશે. કારણ કે મોટો થઈ રહેલો ત્રિશિરા ત્રણે લોકનો કોળિયો કરી જશે.’ આમ બહુ વિચાર કરીને બુુદ્ધિમાન ઇન્દ્રે ત્વષ્ટાપુત્રને લોભાવવા અપ્સરાઓને આજ્ઞા કરી. ‘જે રીતે ત્રિશિરા કામભોગમાં અત્યંત આસક્ત થઈ જાય તેવો પ્રયત્ન જલદી કરો, જાઓ એને લોભાવો, વિલંબ ન કરો. હે સુંદરીઓ, શૃંગાર અનુરૂપ વેશ ધારણ કરો, મનોહર હાવભાવ દાખવો, તેને લોભાવો, તમારું કલ્યાણ થાય, મારા ભયને શમાવો.’

અપ્સરાઓએ કહ્યું, ‘હે શક્ર, હે વલશત્રુ, અમે વિશ્વરૂપને લોભાવવાનો એવો પ્રયત્ન કરીશું જેથી તમને એનાથી કશો ભય ન થાય. હે દેવ, તપોનિધિ વિશ્વરૂપ પોતાનાં બે નેત્ર વડે બધાને દગ્ધ કરી રહ્યો છે. તેને લોભાવવા અમે બધી અપ્સરાઓ એક સાથે જઈએ છીએ. ત્યાં એને વશ કરવા અને તમારા ભયને નિવારવા અમે પૂરતો પ્રયત્ન કરીશું.’

ઇન્દ્રની આજ્ઞાથી તે સુંદર અપ્સરાઓ વિવિધ ભાવોથી લુબ્ધ કરતી ત્રિશિરા પાસે ગઈ. તે વિશ્વરૂપને પોતાનાં અંગોના સૌંદર્યનું દર્શન કરાવતી હતી, ત્યાં તે વિચરતી હતી, પરંતુ મહાતપસ્વી એ બધાને જોઈને હર્ષ વગેરે વિકારોનો ભોગ ન બન્યો. ઇન્દ્રિયોને વશમાં રાખીને પૂર્ણ સાગરની જેમ તે શાન્ત બેસી રહ્યા. તે બધી અપ્સરાઓ પૂરતો પ્રયત્ન કર્યા પછી ફરી શક્ર પાસે જઈ અને હાથ જોડીને બોલી, ‘હે પ્રભુ, આ તપસ્વી દુર્ઘષ છે, તેને ધૈર્યથી વિચલિત કરી શકાય તેમ નથી. હે મહાભાગ, હવે જે કાર્ય કરવું હોય તે કરો.’

ત્યારે મહામુનિ ઇન્દ્રે અપ્સરાઓનો આદરસત્કાર કર્યા પછી તેના વધનો ઉપાય તેઓ વિચારવા લાગ્યા. પ્રતાપી, બુુદ્ધિમાન, ઇન્દ્ર દેવ ત્રિશિરાના વધનો વિષય વિચારવા લાગ્યા. ‘આજે હું ત્રિશિરા પર વજ્રપ્રહાર કરીશ, તેથી તે નાશ પામશે. બળવાન પુરુષે પોતાનો શત્રુ દુર્બલ હોય તો પણ તેની ઉપેક્ષા કરવી ન જોઈએ.’

શાસ્ત્રોક્ત બુદ્ધિ વડે ત્રિશિરાના વધનો નિશ્ચય કરીને ક્રોધાયમાન ઇન્દ્રે અગ્નિ જેવું તેજસ્વી, ઘોર અને ભયંકર વજ્ર ત્રિશિરા પર છોડ્યું. તે વજ્રનો આકરો ઘા ખાઈને ત્રિશિરા મૃત્યુ પામ્યો અને પર્વતનું શિખર તૂટી પડે તેમ પૃથ્વી પર પડી ગયો. ત્રિશિરા વજ્રપ્રહારથી પ્રાણશૂન્ય થઈ પર્વતની જેમ પૃથ્વી પર પડેલા જોઈને પણ દેવેન્દ્રને શાંતિ ન થઈ. કારણ કે તેઓ મૃત્યુ પામ્યા છતાં પણ પોતાના તેજથી તે જીવતા લાગતા હતા. નિર્ભય શચીપતિ(ઇન્દ્ર)એ ત્યાં કામ કરતા કોઈ સુથારને જોયો. તેમણે તરત કહ્યું; ‘તું વિના વિલંબે આના માથાના ટુકડેટુકડા કરી નાખ. મારી આજ્ઞાનું પાલન કર.’

સુથારે કહ્યું. ‘આના ખભા વજનદાર અને વિશાળ છે. મારી કુહાડી તેના પર કામ નહીં લાગે, કોઈ પ્રાણીની હત્યાની સાધુઓએ નંદાિ કરી છે, એટલે આ કામ નહીં કરું.’

ઇન્દ્રે કહ્યું, ‘તું ભય પામીશ નહીં. મારી આજ્ઞાનું પાલન કર. મારી કૃપાથી તારી આ કુહાડી વજ્ર થઈ જશે.’

સુથારે પૂછ્યું, ‘આવું ઘોર કર્મ કરનારા તમે કોણ છો, તમારો પરિચય સાંભળવા ઇચ્છું છું, તમે યોગ્ય રીતે કહો.’

ઇન્દ્ર બોલ્યા, ‘હે સુથાર, તને જાણ થવી જોઈએ કે હું દેવરાજ ઇન્દ્ર છું. મેં જે કહ્યું છે તે કર, આ બાબતમાં બીજો વિચાર ન કર.’

સુથારે કહ્યું, ‘આવા ક્રૂર કર્મની તમને શરમ નથી આવતી? આ ઋષિકુમારની હત્યાથી બ્રહ્મહત્યા લાગશે તેનો ભય પણ તમને નથી લાગતો?’

ઇન્દ્રે કહ્યું, ‘આ મારો શક્તિશાળી શત્રુ હતો, તેને મેં વજ્રથી માર્યો છે. બ્રહ્મહત્યાના પાપમાંથી બચવા કોઈ દુષ્કર અનુષ્ઠાન કરીશ. આ મૃત્યુ પામ્યો છે છતાં મને એનો ભય લાગે છે. તું વિના વિલંબે એના મસ્તકના ટુકડા કર. હું તારા પર કૃપા કરીશ. મનુષ્યો યજ્ઞોમાં પશુનું મસ્તક તારા ભાગ રૂપે આપશે. આ મારો તારા માટેનો અનુગ્રહ છે. હવે તું જલદી મારું કાર્ય કર.’

આ સાંભળીને સુથારે મહેન્દ્રની આજ્ઞા પ્રમાણે કુહાડી વડે ત્રિશિરાના ત્રણ મસ્તકના ટુકડેટુકડા કરી નાખ્યા. મસ્તક કપાયું એટલે તેમાંથી ત્રણ મસ્તકવાળા કપંજિલ, તેતર અને ગૌરેય પક્ષીઓ પ્રગટ્યાં. ત્રિશિરા જે મોં વડે વેદપાઠ કરતા હતા અને સોમરસ પીતા હતા તેમાંથી વિના વિલંબે કપિંજલ પક્ષી બહાર આવ્યાં. જે મોં વડે જાણે દિશાઓને પી જશે એમ દિશાઓને જોતા હતા તેમાંથી તેતર નીકળ્યાં. ત્રિશિરાનું જે મસ્તક સુરાપાન કરતું હતું તેમાંથી ગૌરેય પક્ષી નીકળ્યાં. આ ત્રણે મસ્તક કપાઈ ગયાં એટલે ઇન્દ્રનો માનસિક તાપ દૂર થઈ ગયો. તેઓ પ્રસન્ન થઇને સ્વગૃહે ગયા, સુથાર પણ પોતાને ત્યાં ગયો. ત્વષ્ટા પ્રજાપતિને જ્યારે જાણ થઈ કે ઇન્દ્રે મારા પુત્રને મારી નાખ્યો છે ત્યારે ક્રોધથી તેમનાં નેત્ર રાતાં થઈ ગયાં, તેમણે આમ કહ્યું, ‘નિત્ય ક્ષમાશીલ, સંયમી, જિતેન્દ્રિય રહી તપસ્યારત મારા નિરપરાધી પુત્રની ઇન્દ્રે હત્યા કરી છે. એટલે હું પણ શક્રનો વધ કરવા વૃત્રાસુરનું સર્જન કરીશ. આજે જગતના લોકો મારું પરાક્રમ અને મારી તપસ્યાનું મહાન બળ જુઓ. સાથે સાથે તે પાપાત્મા અને દુરાત્મા દેવેન્દ્ર પણ જુએ.’ એમ કહીને ક્રોધે ભરાયેલા તપસ્વી અને મહાયશસ્વીએ અગ્નિ પ્રજ્વલિત કરીને વૃત્રાસુરને સર્જીને તેને કહ્યું, ‘હે ઇન્દ્રશત્રુ, તું મારી તપસ્યાના પ્રભાવથી અતિશય મોટો થા.’

તેઓ આટલું બોલ્યા ત્યાં તો સૂર્ય અને અગ્નિના જેવો તેજસ્વી વૃત્રાસુર આખા આકાશને આવરી લઈને બહુ મોટો થઈ ગયો. પ્રલયકાળના સૂર્ય જેવો તે દેખાતો હતો. તેણે પૂછ્યું, ‘હું શું કરું?’ ત્વષ્ટાએ ત્યારે કહ્યું, ‘ઇન્દ્રનો વધ કર.’ આવું કહ્યું એટલે તે સ્વર્ગલોકમાં ગયો. ત્યાર પછી વૃત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થયું. બંને ક્રોધે ભરાયેલા હતા. તેમની વચ્ચે અત્યંત ઘોર યુદ્ધ થયું. ત્યાર પછી વીર વૃત્રાસુરે ઇન્દ્રને પકડી લીધો અને મોં ખોલીને તે ઇન્દ્રને ગળી ગયો એટલે બધા દેવ ગભરાઈ ગયા. તે મહાસત્ત્વશાળી દેવતાઓએ વૃત્રાસુરનો નાશ કરવા બગાસાંઓની સૃષ્ટિ પેદા કરી. બગાસું ખાતી વખતે વૃત્રાસુરે પોતાનું મોં ઉઘાડ્યું ત્યારે વલનાશક ઇન્દ્ર પોતાનાં અંગોને સમેટીને બહાર આવી ગયો. ત્યારથી બધા લોકોના પ્રાણમાં જૃમ્ભાશક્તિ (બગાસું ખાવાની શક્તિ)નો નિવાસ થયો. તેના મોંમાંથી ઇન્દ્રને નીકળેલો જોઈ બધા દેવ પ્રસન્ન થયા. ત્યાર પછી વૃત્રાસુર અને ઇન્દ્રની વચ્ચે ફરી યુદ્ધ થવા લાગ્યું. ક્રોધે ભરાયેલા તે બંનેનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યા કર્યંુ. વૃત્રાસુર ત્વષ્ટાના તપ અને બલથી વ્યાપ્ત થઈ યુદ્ધમાં અતિ શક્તિશાળી થઈ મોટો થવા લાગ્યો ત્યારે ઇન્દ્ર યુદ્ધથી વિમુખ થઈ ગયા. તેમને નિવૃત્ત થયેલા જોઈ બધા દેવતાઓને બહુ દુઃખ થયું. ત્વષ્ટાના તેજથી મોહ પામેલા બધા દેવ દેવરાજ ઇન્દ્ર અને ઋષિઓ સાથે મંત્રણા કરવા લાગ્યા. ભયથી મોહ પામીને બધા દેવ ‘હવે શું કરીએ?’ એમ વિચારી અવિનાશી ભગવાન વિષ્ણુને શરણે ગયા, વૃત્રાસુરના વધની ઇચ્છાથી મંદરાચલ શિખર પર બેસી ગયા.

ઇન્દ્રે કહ્યું, ‘દેવતાઓ, વૃત્રાસુરે આ સંપૂર્ણ જગતને ઘેરી લીધું છે. એનો વિનાશ કરે એવું કોઈ અસ્ત્રશસ્ત્ર નથી. હું પહેલાં સમર્થ હતો પણ હવે હું અસમર્થ થઈ ગયો છું. તમારું કલ્યાણ કેવી રીતે કરું? મને તો તે દુર્જય પ્રતીત થાય છે. તે તેજસ્વી છે, મહાત્મા છે, યુદ્ધમાં તેના બળની, પરાક્રમની કોઈ સીમા નથી. તે ઇચ્છે તો દેવતા, દાનવ, મનુષ્યો સમેત ત્રિભુવનને ગળી જાય એવો છે. એટલે દેવતાઓ, આ બાબતમાં મારો નિશ્ચય સાંભળો. આપણે ભગવાન વિષ્ણુ પાસે જઈએ, તેમને મળીને તે દુરાત્માના વધનો ઉપાય જાણીએ.’ ઇન્દ્રનું આ વચન સાંભળીને ઋષિઓને લઈને બધા દેવ સર્વના શરણદાતા મહાબલી વિષ્ણુ પાસે ગયા. વૃત્રાસુરના ભયથી પીડિત થઈને ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા, ‘હે વિષ્ણુ ભગવાન, તમે જ દૈત્યોના હાથમાંથી અમૃત છીનવ્યું અને યુદ્ધમાં બધાનો સંહાર કર્યો, મહા દૈત્ય બલિને બાંધીને ઇન્દ્રને દેવતાઓનો રાજા બનાવ્યો. તમે જ બધા લોકોના સ્વામી છો, તમારા વડે જ આ જગત વ્યાપ્ત છે, સર્વલોકના વંદનીય મહાદેવ છો. ઇન્દ્ર સમેત બધા દેવતાઓના આશ્રય છો. હે અસુરસુદન, વૃત્રાસુરે સમસ્ત જગતને આવરી લીધું છે.’

ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘મારે તમારું હિત અવશ્ય કરવું છે. હું તમને એક ઉપાય બતાવું છું, તેનાથી વૃત્રાસુરનો અંત આવશે. તમે બધા ઋષિઓ અને ગંધર્વો સાથે જ્યાં વૃત્રાસુર છે ત્યાં જાઓ. તમે તેની સાથે સંધિ કરી લો, તો જ તમે એને જીતી શકશો. દેવતાઓ, મારા તેજથી ઇન્દ્રનો વિજય થશે, હું એના ઉત્તમ શસ્ત્ર વજ્રમાં અદૃશ્યરૂપે પ્રવેશીશ. હે દેવતાઓ, તમે ઋષિઓ અને ગંધર્વોની સાથે જઈ વૃત્રાસુર સાથે સંધિ કરી લો. વિલંબ ન કરો.’ ભગવાન વિષ્ણુએ આમ કહ્યું એટલે ઋષિઓ અને દેવતાઓ એક સાથે મળીને ઇન્દ્રને આગળ કરીને વૃત્રાસુર પાસે ગયા. પોતાના તેજથી પ્રજ્વલિત થઈને દસે દિશાઓને તપાવતા તથા સૂર્ય-ચંદ્રની જેમ પ્રકાશ વિખેરતા, ત્રણે લોકોનો ગ્રાસ કરનારા વૃત્રાસુરને ઇન્દ્ર સમેત બધા દેવતાઓએ જોયો. ઋષિઓએ વૃત્રાસુર પાસે જઈને પ્રિય વચન કહ્યું, ‘હે દુર્જય, તારા તેજથી આ આખું જગત છવાઈ ગયું છે. છતાં તું બળવાન વાસવ(ઇન્દ્ર)ને જીતી શક્યો નથી. તમારા બંનેનું યુદ્ધ લાંબો સમય ચાલ્યું છે. દેવતાઓ, અસુરો અને માનવીઓ સમેત બધી પ્રજા દુઃખી થઈ રહી છે. અમે ઇચ્છીએ છીએ કે ઇન્દ્ર સાથે તારી કાયમી મૈત્રી થઈ જાય. તેનાથી તું સુખી થઈશ અને ઇન્દ્રના શાશ્વત લોક પર અધિકાર રહેશે.’

ઋષિઓની આવી વાત સાંભળીને મહા બળવાન વૃત્રાસુરે પ્રણામ કરીને કહ્યું, ‘મહાભાગ દેવતાઓ, મહર્ષિઓ, ગંધર્વો, તમે જે કંઈ કહેતા હતા તે મેં સાંભળ્યું. હવે મારી વાત સાંભળો. મારી અને ઇન્દ્ર વચ્ચે સંધિ કેવી? બે તેજસ્વી પુુરુષોમાં મૈત્રીસંબંધ કેવી રીતે સ્થપાય?’

ઋષિઓએ કહ્યું, ‘એક વાર સાધુ પુરુષોની સંગતની ઇચ્છા ચોક્કસ રાખવી જોઈએ. સાધુ પુરુષોનો સંગ થવાથી કલ્યાણ થશે. સાધુ પુરુષોના સંગની ઉપેક્ષા નહીં કરવી જોઈએ. એટલે સંતોનો સંગ પામવાની ઇચ્છા કરવી જોઈએ. સજ્જનોનો સંગ સુદૃઢ અને ચિરસ્થાયી હોય છે. ધીર મહાત્માઓ સંકટ સમયે હિતકર કર્તવ્યનો ઉપદેશ આપે છે. એટલે બુદ્ધિમાન પુરુષે સજ્જનોનો નાશ કરવો ન જોઈએ. ઇન્દ્ર સજ્જનો માટે સમ્માનીય છે. મહાત્મા પુરુષોનો આશ્રય છે. તે સત્યવાદી, ધર્મજ્ઞ, અ-દીન અને સૂક્ષ્મ બુદ્ધિવાળા છે. આવા ઇન્દ્ર સાથે તારી કાયમી સંધિ થઈ જાય, તું તેનો વિશ્વાસ પ્રાપ્ત કર. આનાથી વિરુદ્ધ કોઈ વિચાર કરવો ન જોઈએ.’

મહર્ષિઓની વાત સાંભળીને તેજસ્વી વૃત્રે તેમને કહ્યું, ‘ભગવન્, તમારા જેવા તપસ્વીઓ મારે માટે સમ્માનનીય છે. હે દેવતાઓ, હું અત્યારે જે કંઈ કહું છું તે બધું જો તમે સ્વીકારો તો આ શ્રેષ્ઠ ઋષિઓએ મને જે આજ્ઞા કરી છે તે બધી હું પાળીશ. હું ન સૂકી વસ્તુથી, ન ભીની વસ્તુથી, ન પથ્થરથી, ન લાકડીથી, ન શસ્ત્રથી, ન વજ્રથી, ન દિવસે ન રાતે, દેવતાઓ સમેત હું ઇન્દ્રથી મૃત્યુ પામું. આ શરતે દેવેન્દ્ર સાથે સદાકાળ મારી સંધિ થાય તો હું એને આવકારીશ.’

ત્યારે ઋષિઓએ ‘ભલે’ કહ્યું. આ પ્રકારે સંધિ થવાથી વૃત્રાસુરને પ્રસન્નતા થઈ. ઇન્દ્ર હર્ષ પામીને વૃત્રને મળતા રહ્યા પણ તેને મારવાના ઉપાયો વિચારતા જ રહ્યા. તે હમેશા ઉદ્વિગ્ન રહેતા હતા. વૃત્રાસુરનાં છિદ્ર જોયા કરતા હતા. એક દિવસ સમુદ્રકિનારે ઇન્દ્રે તે મહા અસુરને જોયો. તે સમયે સુંદર અને છતાં દારુણ સંધ્યાકાળનું મુહૂર્ત હતું. ભગવાન ઇન્દ્રે મહાત્મા વિષ્ણુના વરદાનનો વિચાર કરી મનમાં કહ્યું, ‘આ રૌદ્ર સંધ્યા છે, અત્યારે નથી રાત, નથી દિવસ. એટલે અત્યારે વૃત્રાસુરનો વધ કરવો જોઈએ. આ મારો સર્વસ્વહર્તા શત્રુ છે. અત્યારે જો મહાબળવાન, મહાકાય, મહાન અસુરને દગાફટકાથી મારી નહીં નાખું તો મારું હિત નહીં થાય. આમ વિચારતાં ઇન્દ્ર વિષ્ણુ ભગવાનનું વારંવાર સ્મરણ કરવા લાગ્યા. તે જ સમયે તેમની દૃષ્ટિ સમુદ્રમાંથી નીકળતા પર્વતાકાર ફીણ પર પડી. તેને જોઈને ઇન્દ્રે વિચાર્યું, આ ફીણ નથી શુષ્ક, નથી આર્દ્ર, નથી શસ્ત્ર, નથી અસ્ત્ર. એટલે હું વૃત્રાસુર પર તે ફેંકું. એનાથી તે ક્ષણવારમાં મૃત્યુ પામશે. આમ વિચારી ઇન્દ્રે તરત જ વૃત્રાસુર પર વજ્રસમેત ફીણનો પ્રહાર કર્યો. તે સમયે ભગવાન વિષ્ણુએ તે ફીણમાં પ્રવેશી વૃત્રાસુરને મારી નાખ્યો. વૃત્રાસુરનું મૃત્યુ થવાથી બધી દિશાઓનો અંધકાર દૂર થઈ ગયો. શીતલ સુખદ વાયુ વહેવા લાગ્યો, સમસ્ત પ્રજામાં આનંદ વ્યાપી ગયો. ત્યાર પછી દેવતા, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ, ઋષિ વિવિધ સ્તોત્ર વડે મહેન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા. જેમણે શત્રુનો વધ કર્યો છે અને જે બધા જીવો દ્વારા પૂજિત થઈ રહ્યા છે તેવા દેવો સમેત પ્રસન્ન ચિત્તવાળા ઇન્દ્રે બધાં પ્રાણીઓને સાંત્વન આપ્યું. ત્યાર પછી ધર્મજ્ઞ દેવરાજે ત્રિભુવનશ્રેષ્ઠ વિષ્ણુનું પૂજન કર્યું. આ પ્રકારે દેવતાઓને ભય પમાડનારા મહા પરાક્રમી વૃત્રાસુરના મૃત્યુથી ઇન્દ્ર દુઃખી થયા કારણ કે તેમણે અસત્યનો આશ્રય લીધો હતો. ત્રિશિરાના વધથી ઉત્પન્ન બ્રહ્મહત્યાએ તો તેમને પહેલેથી જ ઘેરી લીધા હતા. તે બધા લોકની સીમા પર જઈને બેસુધ, અચેત થઈ રહેવા લાગ્યા. પોતાના જ પાપથી પીડિત દેવેન્દ્રની જાણ કોઈને ન થઈ. પાણીમાં રહેનારા સાપની જેમ પાણીમાં જ સંતાઈને રહેવા લાગ્યા. બ્રહ્મહત્યાના ભયથી પીડાતા દેવરાજ અદૃશ્ય થઈ ગયા ત્યારે વૃક્ષહીન અને શુષ્ક ઉપવનવાળી પૃથ્વી નષ્ટ થઈ ગઈ. નદીઓનાં પોતથી વિચ્છિન્ન સરોવરનું પાણી સુકાઈ ગયું. બધા જીવોમાં અનાવૃષ્ટિને કારણે ક્ષોભ ઉપજ્યો. દેવતા અને સર્વ ઋષિઓ ત્રસ્ત થઈ ગયા. અરાજકતાને કારણે સંપૂર્ણ જગતમાં ભારે ઉપદ્રવો થવા લાગ્યા. ભયભીત થયેલા દેવતાઓ વિચારવા લાગ્યા કે હવે આપણા રાજા કોણ થશે? દેવરાજ સ્વર્ગમાં ન હતા એટલે દેવષિર્ પણ ભયભીત થઈને વિચારવા લાગ્યા, દેવતાઓમાંથી કોઈ સ્વર્ગના રાજા બનવા માગતું ન હતું.

ઋષિઓ, દેવતાઓ અને દેવેશ્વરોએ પરસ્પર મંત્રણા કરીને કહ્યું, ‘શ્રીમાન નહુષને દેવરાજના પદે બેસાડીએ.’ એવો નિર્ણય કરીને બધા નહુષ પાસે ગયા, ‘તમે અમારા રાજા થાઓ’ ત્યારે નહુષે પિતૃઓ તથા દેવતાઓ અને ઋષિઓને કહ્યું, ‘હું તો દુર્બળ છું. તમારું પરિપાલન કરવાની શક્તિ મારામાં નથી. બળવાન પુરુષ જ રાજા થાય. શક્રમાં જ બળની નિત્ય સત્તા છે.’ આ સાંભળીને બધા દેવતા અને ઋષિઓ ફરી બોલ્યા, ‘તમે અમારી તપસ્યાથી સંયુકત થઈને રાજ્યનું પાલન કરો. અમને બધાને એકબીજાનો ઘોર ભય લાગે છે એમાં કોઈ સંશય નથી. એટલે તમે રાજા તરીકે અભિષેક કરાવો અને સ્વર્ગના રાજા થાઓ. દેવતા, દાનવ, યક્ષ, ઋષિ, રાક્ષસ, પિતૃ, ગંધર્વ, પ્રાણી — જે કોઈ તમારી સામે આવે તેમને જોતાંવેંત તમે તેમનું તેજ હરી લેજો અને બળવાન થઈ જશો. એટલે સદા ધર્મને સામે રાખીને સર્વલોકના અધિપતિ થાઓ. તમે સ્વર્ગમાં રહીને બ્રહ્મર્ષિઓ અને દેવતાઓનું પાલન કરો.’ અને નહુષ પરમ દુર્લભ વર પામીને સ્વર્ગનું રાજ્ય મેળવીને નિરંતર ધર્મપરાયણ રહેવા છતાં કામભોગમાં આસક્ત થઈ ગયા. બધા જ દેવોદ્યાનમાં, નંદનવનનાં ઉપવનોમાં, કૈલાસમાં, હિમાલયના શિખર પર, મંદરાચલ, સરિતાઓમાં, અપ્સરાઓ અને દેવકન્યાઓથી ઘેરાઈને નહુષ અનેકવિધ ક્રીડાઓ કરવા લાગ્યા. કાનને અને મનને આનંદ આપતી દિવ્ય કથાઓ સાંભળતા હતા, તથા વાદ્ય સહિત મધુર સ્વરે ગવાતાં ગીત માણતા હતા. વિશ્વાવસુ, નારદ, ગંધર્વો અપ્સરાઓનો સમૂહ દેવેન્દ્રની સેવામાં રહેતો હતો, તથા છ ઋતુઓ મૂતિર્મંત થઈને તેમની સેવા કરતી હતી. તેમને માટે વાયુ મનોહર, સુખદ, શીતલ અને સુરભિયુક્ત થઈને વાતા હતા. આ પ્રકારે ક્રીડા કરતા કરતા નહુષની દૃષ્ટિ શક્રની પત્ની(શચી) ઉપર પડી. તેમને જોઈને તે દુષ્ટાત્માએ સર્વ સભાસદોને કહ્યું, ‘ઇન્દ્રની મહારાણી શચી મારી સેવામાં ઉપસ્થિત કેમ નથી થતી? હું દેવતાઓનો ઇન્દ્ર છું અને લોકોનો ઈશ્વર છું; શચી આજે મારા મહેલમાં શીઘ્ર આવે.‘

આ સાંભળી શચી મનમાં ખૂબ જ દુઃખી થયાં અને તેમણે બૃહસ્પતિને કહ્યું, ‘બ્રહ્મન, હું તમારી શરણે આવી છું, નહુષથી મારી રક્ષા કરો. તમે મને સર્વ લક્ષણયુક્ત, દેવરાજની પ્રિયા અને અત્યન્ત સુખભાગિની કહેતા હતા. ક્યારેય વિધવા ન થનારી, એકપત્ની વ્રતવાળા ઇન્દ્રની પત્ની અને પતિવ્રતા એમ પહેલાં કહ્યું હતું, તો હવે એ વાત સાચી પાડો. હે દ્વિજશ્રેષ્ઠ, તમારા મોંમાંથી પહેલાં કદી વ્યર્થ કે અસત્ય વચન નીક્ળ્યું નથી, તો તમારું પૂર્વોક્ત વચન સત્ય થવું જોઈએ.’ આ સાંભળી બૃહસ્પતિએ ભયથી મોહિત-વ્યાકુળ થયેલી ઇન્દ્રાણીને કહ્યું, ‘દેવી, મેં તમને જે કંઈ કહ્યું છે તે અવશ્ય સત્ય થશે. બહુ જલદી દેવરાજ ઇન્દ્રને અહીં જોઈશ. નહુષથી ભય ન પામીશ. હું સાચું કહું છું. થોડા જ દિવસોમાં હું ઇન્દ્રનો ભેટો કરાવીશ.’

જ્યારે રાજા નહુષે સાંભળ્યું કે ઇન્દ્રાણી અંગિરાના પુત્ર બૃહસ્પતિની શરણે ગઈ છે ત્યારે તે બહુ ક્રોધે ભરાયા. નહુષને ક્રોધે ભરાયેલા જોઈ દેવતાઓ ઋષિઓને આગળ કરીને તેમની પાસે ગયા. ભયાનક દેખાતા નહુષને તેમણે કહ્યું, ‘દેવરાજ, તમે ક્રોધ ન કરો. તમારા ક્રોધથી અસુર, ગંધર્વ, કિન્નર, મહાનાગ સમેત જગત ભયભીત થઈ ઊઠ્યું છે. આ ક્રોધ ત્યજી દો. તમારા જેવા પુરુષ બીજાઓ ઉપર ક્રોધ નથી કરતા. પ્રસન્ન થાઓ. શચી બીજા પુરુષની પત્ની છે. પારકી સ્ત્રીના સ્પર્શરૂપ પાપને મનમાંથી હાંકી કાઢો. તમે દેવરાજ છો, તમારું કલ્યાણ થાઓ, ધર્મપૂર્વક પ્રજાપાલન કરો.’

કામમોહિત થયેલાએ તેમની આવી વાત ન માની. દેવરાજે ઇન્દ્ર વિશે દેવતાઓને કહ્યું, ‘પહેલાં ઋષિપત્ની અહલ્યાના પતિ હોવા છતાં ઇન્દ્રે તેનું સતીત્વ નષ્ટ કર્યું હતું, તે વેળા એમને કેમ રોક્યા ન હતા? પૂર્વે ઇન્દ્રે બહુ ક્રૂર કર્મો કર્યાં છે. અનેક અધામિર્ક કૃત્ય, છળકપટ કર્યાં છે, ત્યારે તમે એમને કેમ રોક્યા ન હતા? શચી મારી સેવામાં આવે એમાં જ તેમનું હિત છે. દેવતાઓ, આમ થશે તો તમારું સદા કલ્યાણ થશે.’

દેવતાઓએ કહ્યું, ‘હે સુરેશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે અમે ઇન્દ્રાણીને લઈ આવીશું, તમે ક્રોધ ત્યજો અને પ્રસન્ન થાઓ.’

આમ કહીને બધા દેવતાઓ ઋષિઓને લઈને ઇન્દ્રાણીને આ અશુભ વચન કહેવા બૃહસ્પતિ પાસે ગયા, અને બોલ્યા, ‘હે દેવષિર્શ્રેષ્ઠ, અમે જાણ્યું છે કે ઇન્દ્રાણી તમારી શરણે આવી છે અને તમારે જ ત્યાં રહે છે. તમે એમને અભયવચન આપ્યું છે. હે મહાદ્યુતિ, આ દેવતાઓ, ગંધર્વો અને ઋષિઓ તમને વિનંતી કરે છે કે ઇન્દ્રાણીને નહુષને ત્યાં મોકલી આપો. અત્યારે નહુષ દેવતાઓના રાજા છે, એટલે ઇન્દ્ર કરતાં મહાન છે. સુંદર રૂપરંગ ધરાવતી શચી તેમને પતિ તરીકે સ્વીકારે.’

દેવતાઓની આવી વાત સાંભળીને આંસુ સારતી તે દેવીએ દીનભાવે બૃહસ્પતિને કહ્યું, ‘હું મારા પ્ર્રભુ ઇન્દ્રને ત્યજીને નહુષને પતિ બનાવવા માગતી નથી, એટલે હું તમારી શરણે આવી છું. એટલે હે બ્રહ્મન્, તમે મને આ મહાન ભયમાંથી ઉગારો.’

બૃહસ્પતિએ કહ્યું, ‘હું શરણાગતનો ત્યાગ કરી શકતો નથી. આ મારો નિર્ણય છે. હે અનંદિતા, હું ધર્મજ્ઞ છું, સત્યવાન છું એટલે તારો ત્યાગ કરી નહીં શકું. મેં ધર્મવચન સાંભળ્યાં છે, સત્યશીલ છું, શાસ્ત્રોમાં ધર્મનો જે ઉપદેશ છે તે જાણું છું. એટલે આ પાપકર્મ નહીં કરું. હે સુરગણો, તમે પાછા જતા રહો. આ વિશે બ્રહ્માએ જે કહ્યું હતું તે સાંભળો, ‘જે ભયભીત થઈને શરણે આવેલાને શત્રુના હાથમાં સોંપી દે છે તેણે વાવેલું બીજ ઊગી નીકળતું નથી, તેમને ત્યાં સમયસર વરસાદ પડતો નથી, તેમને જ્યારે જરૂર પડે છે ત્યારે કોઈ રક્ષક મળતો નથી. જે ભયભીત થઈને શરણે આવેલાને શત્રુના હાથમાં સોંપી દે છે તે દુર્બલચિત્ત માનવી જ્યારે અન્ન ગ્રહણ કરે છે ત્યારે તે વ્યર્થ થઈ જાય છે. સ્વર્ગલોકમાંથી નીચે પડી જાય છે, દેવતાઓ તેનું હવિષ્ય સ્વીકારતા નથી. તેનાં સંતાનો અકાળે મૃત્યુ પામે છે, તેના પિતૃઓ સદા નરકવાસી રહે છે. જે ભયભીત થઈને શરણે આવેલાને શત્રુના હાથમાં સોંપી દે છે તેના પર ઇન્દ્ર વગેરે દેવતાઓ વજ્રનો પ્રહાર કરે છે. એટલે આવું જાણતો હોઈ હું શચી સોંપીશ નહીં.. લોકમાં શચી ઇન્દ્રની પ્રિય પટરાણી તરીકે વિખ્યાત છે. હે સુરશ્રેષ્ઠો, જે તેમના માટે હિતકર હોય, જેનાથી મારું હિત પણ સધાય એવું કાર્ય કરો, હું કદાપિ શચી નહીં સોંપું.’

ત્યારે દેવતાઓએ અંગિરાઓમાં શ્રેષ્ઠ ગુરુને કહ્યું, ‘હે બૃહસ્પતિ, શુભ પરિણામ આવે એવો ઉપાય બતાવો.’

બૃહસ્પતિએ કહ્યું, ’શુભા દેવી નહુષ પાસે થોડો સમય માગે. એનાથી તેમનું અને મારું હિત થશે. કાળ અનેક પ્રકારનાં વિઘ્ન પેદા કરે છે, અત્યારે નહુષ તમારા વરદાનને કારણે ગવિર્ષ્ઠ બની ગયો છે, એટલે કાળ જ તેને કાળના પાશમાં બાંધી દેશે.’

બૃહસ્પતિની આવી વાત સાંભળીને દેવતાઓ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, ‘હે બ્રહ્મન, તમે સારી વાત કહી છે. એમાં બધા દેવતાઓનું હિત છે. હે દ્વિજશ્રેષ્ઠ, આ માટે દેવીને પ્રસન્ન કરો.’ ત્યાર પછી અગ્નિ સહિત બધા દેવ ઇન્દ્રાણી પાસે જઈને બધા લોકના હિતમાં શાંતિથી બોલ્યા, ‘હે દેવી! આ સ્થાવર જંગમ બધું જગત તમે જ તો ધારણ કર્યું છે. તમે પતિવ્રતા છો, સત્યવાદી છો, એટલે તમે નહુષ પાસે જાઓ. તમારી કામના કરવાથી નહુષ બહુ જલદી નાશ પામશે. ઇન્દ્ર ફરી પોતાનું સૌન્દર્ય પ્રાપ્ત કરશે.’ પોતાની કાર્યસિદ્ધિ માટે આવો નિશ્ચય કરીને ઇન્દ્રાણી ભયંકર દૃષ્ટિવાળા નહુષ પાસે લજ્જાપૂર્વક ગઈ. વય અને રૂપથી સંપન્ન ઇન્દ્રાણીને જોઈને દુષ્ટાત્મા, કામને કારણે ભ્રષ્ટ બુદ્ધિવાળો નહુષ બહુ હર્ષ પામ્યો.

ઇન્દ્રાણીને જોઈને દેવરાજ નહુષે કહ્યું, ‘હે શુચિસ્મિતા, હું ત્રણે લોકનો સ્વામી છું, ઉત્તમ રૂપરંગવાળી સુંદરી, તું મને તારો પતિ બનાવી લે.’

નહુષે આમ કહ્યું એટલે પતિવ્રતા દેવી બહુ પવનમાં હાલતા કદલીથંભની જેમ ભયથી કાંપવા લાગી. તેમણે બ્રહ્માને પ્રણામ કર્યા અને ભયાનક દૃષ્ટિવાળા નહુષને હાથ જોડીને પોતાના માથાને સ્પર્શીને કહ્યું, ‘હે સુરેશ્વર, હું તમારી પાસે થોડો સમય માગું છું. દેવેન્દ્ર કઈ અવસ્થામાં છે, ક્યાં ગયા છે તેની જાણ નથી. હે પ્રભુ, જો ખાસ્સી તપાસ કર્યા પછી કશું નહીં જણાય તો તું તમારી સેવામાં ઉપસ્થિત થઈશ. હું તમને સત્ય કહું છું.’ ઇન્દ્રાણીએ આવું કહ્યું એટલે નહુષને આનંદ થયો. નહુષે કહ્યું, ‘તું જે મને કહે છે તેમ જ થાય. તું બધી તપાસ કરીને મારી પાસે આવજે, આ સત્ય યાદ રાખજે.’

નહુષની વિદાય લઈને તે શુભા તપસ્વિની ત્યાંથી નીકળીને ફરી બૃહસ્પતિના નિવાસે જઈ પહોંચી. તેમની વાત સાંભળીને અગ્નિ સહિત બધા દેવતાઓ એકાગ્ર થઈને ઇન્દ્રની શોધ માટે મંત્રણા કરવા લાગ્યા. પછી વાક્યવિશારદ દેવો દેવાધિદેવ વિષ્ણુ પાસે જઈને ઉદ્વિગ્ન ચિત્તે આમ બોલ્યા, ‘હે દેવેશ્વર, સુરગણેશ્વર(ઇન્દ્ર) બ્રહ્મહત્યાના પાપથી ડરી જઈને ક્યાંક છુપાઈ ગયા છે. હે પ્રભુ, તમે જ અમારા આશ્રય છો, જગતના પૂર્વજ છો, પ્રભુ છો. બધાં પ્રાણીઓની રક્ષા માટે તમે વિષ્ણુરૂપ ધારણ કર્યું છે. વૃત્રાસુર તમારી શક્તિથી જ મૃત્યુ પામ્યો છે છતાં ઇન્દ્રને બ્રહ્મહત્યા વળગી છે, સુરગણશ્રેષ્ઠ છે, હવે તેના મોક્ષનો ઉપાય બતાવો.’

દેવતાઓની વાત સાંભળીને વિષ્ણુએ કહ્યું, ઇન્દ્ર યજ્ઞ દ્વારા મારું પૂજન કરે, હું વજ્રધારીને પવિત્ર કરી દઈશ. પાકશાસન(ઇન્દ્ર) પવિત્ર અશ્વમેધ યજ્ઞ દ્વારા મારી આરાધના કરી અભય થઈને દેવેન્દ્રપદ પ્રાપ્ત કરશે, અને દુર્મતિ નહુષ પોતાના જ કર્મથી નાશ પામશે. દેવતાઓ, તમે આળસ ત્યજીને થોડો સમય આ કષ્ટ સહી લો.’

ભગવાન વિષ્ણુની આ શુભ, સત્ય તથા અમૃત જેવી વાણી સાંભળીને ઉપાધ્યાય, મહર્ષિઓ સહિત દેવતાઓ જ્યાં ભયથી વ્યાકુળ થઈને ઇન્દ્ર સંતાયા હતા ત્યાં ગયા. મહેન્દ્રની શુદ્ધિ માટે બ્રહ્મહત્યાના પાપનિવારણ માટે એક મહાન અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન થયું. ઇન્દ્રે બ્રહ્મહત્યાના પાપને વૃક્ષ, નદી, પર્વત, પૃથ્વી અને સ્ત્રીઓમાં વહેંચી દીધું. આમ બધાં જ ભૂતોમાં બ્રહ્મહત્યાનું વિભાજન કરી સુરેશ્વરે તેને ત્યજી દીધી અને મનને વશમાં રાખી પાપમુક્ત અને નિશ્ચંતિ થઈ ગયા. પરંતુ વલસૂદન ઇન્દ્ર જ્યારે પોતાનું સ્થાન ગ્રહણ કરવા આવ્યા ત્યારે દેવતાઓના વરદાનથી પોતાની દૃષ્ટિમાત્રથી બધાં પ્રાણીઓનું તેજ નષ્ટ કરવામાં સમર્થ, દુ:સહ નહુષને જોઈ તે કંપી ઊઠ્યા. ત્યાર પછી શચીપતિ અદૃશ્ય થઈ ગયા અને અનુકૂળ સમયની પ્રતીક્ષા કરવા બધાં પ્રાણીઓથી અદૃશ્ય રહી વિહરતા રહ્યા. ઇન્દ્ર ફરી અદૃશ્ય થયા એટલે શચી શોકમગ્ન થઈ ગયાં અને દુઃખી થઈને ‘હા, ઇન્દ્ર, હા ઇન્દ્ર’ એમ કહેતાં વિલાપ કરવા લાગ્યાં.

ત્યાર પછી તે બોલ્યાં, ‘જો મેં દાન આપ્યું હોય, હોમહવન કર્યા હોય, ગુરુજનોને સંતુષ્ટ કર્યા હોય, મારામાં સત્ય હોય તો મારું પતિવ્રતાપણું સુરક્ષિત રહે. ઉત્તરાયણના દિવસે આ પુણ્યશાળી અને દિવ્ય રાત્રિ આવી રહી છે, તેની અધિષ્ઠાત્રી દેવીને હું નમસ્કાર કરું છું, મારો મનોરથ સફળ થાઓ.’

એમ કહી શચીએ મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખી રાત્રિ દેવીની ઉપાસના કરી, પતિવ્રતા અને સત્યવાદી હોવાને કારણે ઉપશ્રુતિ નામવાળી રાત્રિદેવીનું આવાહન કર્યું, અને તેમને કહ્યું, ‘દેવી, જ્યાં દેવરાજ ઇન્દ્ર હોય તે સ્થાન મને દેખાડો. સત્યનું દર્શન સત્યથી થાય.’ ત્યાર પછી ઉપશ્રુતિ દેવી મૂતિર્મંત થઈને સાધ્વી શચી પાસે આવ્યાં. ઇન્દ્રાણીએ હર્ષ પામીને તેમનું પૂજન કર્યું, ‘હે સુંદર મુખવાળી, હું તમને ઓળખવા માગું છું, કહો, તમે કોણ છો?’

ઉપશ્રુતિએ કહ્યું, ‘દેવી, હું ઉપશ્રુતિ છું. તારી પાસે આવી છું, ભામિની, તારા સત્યથી પ્રભાવિત થઈને મેં દર્શન આપ્યાં છે. તું પતિવ્રતા છે, તે ઉપરાંત યમ-નિયમથી સંયુકત છે. હું વૃત્રાસુરનો વધ કરનાર ઇન્દ્રનું દર્શન તને કરાવીશ. તારું કલ્યાણ થાઓ. તું મારી પાછળ પાછળ જલદી આવ. તને સુરશ્રેષ્ઠ(ઇન્દ્ર)નાં દર્શન થશે.’

એમ કહીને ઉપશ્રુતિ દેવી ત્યાંથી ચાલી નીકળ્યાં, ઇન્દ્રાણી પણ તેમની પાછળ પાછળ નીકળ્યાં. દેવતાઓનાં અનેક વન, ઘણા પર્વત, હિમાલયને ઓળંગીને ઉત્તર ભાગમાં તે જઈ પહોંચ્યા. ત્યાર પછી અનેક યોજનોમાં વિસ્તરેલા સમુદ્ર પાસે જઈને વિવિધ પ્રકારનાંં વૃક્ષો-લતાઓથી સુશોભિત મહાદ્વીપમાં પ્રવેશ કર્યો. ત્યાં અનેક પ્રકારનાં પક્ષીઓવાળું એક દિવ્ય સરોવર જોયું. તે સરોવર સો યોજન લાંબું અને સો યોજન પહોળું હતું. તેમાં પાંચ રંગનાં હજારો કમળ ખીલેલાં હતાં. તેમના પર ભમરાઓ ગણગણતા હતા. ઉપશ્રુતિ દેવીએ એક કમળનાળ ચીરીને ઇન્દ્રાણી સહિત તેમાં પ્રવેશ કર્યો, ત્યાં એક તંતુમાં ઘૂસીને છુપાયેલા શતક્રતુ(ઇન્દ્ર)ને જોયા. અત્યંત સૂક્ષ્મ રૂપ ધરાવતા ઇન્દ્રને જોઈ ઉપશ્રુતિએ અને ઇન્દ્રાણીએ પણ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. ઇન્દ્રાણીએ ભૂતકાળનાં વિખ્યાત કાર્યોની પ્રશંસા કરી પુરન્દર(ઇન્દ્ર)નું સ્તવન કર્યું. પોતાની સ્તુતિ સાંભળીને ઇન્દ્ર દેવે શચીને પૂછ્યું, ‘તું અહીં શા માટે આવી છે અને મારો પત્તો કેવી રીતે તને મળ્યો?’ ત્યારે ઇન્દ્રાણીએ નહુષની કુચેષ્ટાનું વર્ણન કર્યું, ‘હે શતક્રતુ, ત્રણે લોકનું ઇન્દ્રત્વ પામીને નહુષ બળ, પરાક્રમ અને મદવાળો થઈ ગયો છે. તે દુષ્ટાત્માએ મને કહ્યું કે તું મારી સેવામાં ઉપસ્થિત થા. તે ક્રૂર રાજાએ મને થોડા સમયનો અવધિ આપ્યો છે. હે પ્રભુ, જો તમે મારી રક્ષા નહીં કરો તો તે મને વશમાં કરી લેશે. હે મહાબાહુ, આ કારણે હું સંતપ્ત થઈને તમારી પાસે આવી છું. પાપી નહુષને તમે મારી નાખો. દૈત્યો અને દાનવોનો વધ કરનાર હવે તમે હવે તમારી જાતને પ્રકટ કરો, અને દેવતાઓના પર રાજ્ય કરો.’

શચીએ આવું કહ્યું એટલે ભગવાન ઇન્દ્રે ફરી તેને કહ્યું, ‘આ પરાક્રમનો કરવાનો સમય નથી. અત્યારે નહુષ બહુ બળવાન થઈ ગયો છે. હે ભામિની, ઋષિઓએ હવ્ય અને કવ્ય આપીને તેની શક્તિ બહુ વધારી દીધી છે. હું અહીં નીતિથી કામ લઈશ, દેવી, તું એ નીતિનું પાલન કર. હે શુભા, તારે ગુપ્ત રીતે આ કાર્ય કરવાનું છે. ક્યાંય પ્રકટ ન કરીશ. મધ્યમ બાંધાની સ્ત્રી, તું એકાંતમાં નહુષની પાસે જઈને કહે, હે જગત્પતિ, તમે દિવ્ય ઋષિયાનમાં બેસીને મારી પાસે આવો. એમ થશે એટલે હું પ્રસન્ન થઈ તમારા વશમાં આવીશ.’ આવું નહુષને કહો.’

દેવરાજે આમ કહ્યું એટલે તેમની કમલનયની પત્ની ‘ભલે’ કહીને નહુષ પાસે ગયાં. તેમને જોઈને નહુષે વિસ્મય પામીને કહ્યું, ‘હે સુંદરી, તારું સ્વાગત છે. તારી શી સેવા કરું? હે કલ્યાણી, હું તારો ભક્ત છું. મારો સ્વીકાર કર. મનસ્વિની, તારે શું જોઈએ છે? હે કલ્યાણી, સુમધ્યમા, તારું જે કંઈ કાર્ય હશે તે હું કરીશ. હે સુશ્રોણી, તારે મારાથી લજ્જા પામવાનું નહીં. મારામાં વિશ્વાસ રાખ. દેવી, હું સત્યના સોગંદ ખાઈને કહું છું, તારું વચન પાળીશ.’

ઇન્દ્રાણીએ કહ્યું, ’હે જગત્પતિ, તમારી સાથે જે શરત થઈ હતી તે પૂરી કરવા માગું છું. સુરપતિ, પછી તો તમે મારા પતિ જ થવાના છો. દેવરાજ, મારા હૃદયની એક અભિલાષા છે, સાંભળો. જો તમે મારું આ કાર્ય કરશો, મારી વાત પ્રેમપૂર્વક માનશો તો હું તમારે અધીન થઈશ. સુરેશ્વર, પહેલાં જે ઇન્દ્ર હતા તેમનાં વાહન હાથી, ઘોડા, રથ હતાં, પરંતુ તમારું વાહન વિલક્ષણ હોવું જોઈએ, એવી મારી ઇચ્છા છે. વિષ્ણુ, રુદ્ર, અસુર, રાક્ષસોએ ઉપયોગમાં ન લીધું હોય તેવું વાહન હોવું જોઈએ. હે પ્રભુ, મહારાજ સપ્તષિર્ઓ એકઠા થઈ શિબિકામાં બેસાડી તમને ઊંચકી લાવે. મને આ ગમે છે. તમે તમારા પરાક્રમથી અને દૃષ્ટિ માત્રથી બધાનું તેજ હરી લો. દેવતાઓમાં કે અસુરોમાં તમારા જેવું કોઈ નથી. કોઈ ગમે તેવો બળવાન કેમ ન હોય, તમારી સામે ટકી જ ન શકે.‘

ઇન્દ્રાણીનું આવું વચન સાંભળીને નહુષ ખૂબ જ હર્ષ પામ્યો, તે અનિન્દિતાને તેણે કહ્યું, ‘હે વરવણિર્ની(સુંદરી), તેં અપૂર્વ વાહન બતાવ્યું, દેવી, મને પણ એ વાહન પસંદ છે, હે વરાનના(સુંદર મુખવાળી) હું તારા વશમાં છું. જે ઋષિઓને પણ પોતાનું વાહન બનાવી શકે તે પુરુષમાં કંઈ ઓછી શક્તિ નથી હોતી. હું તપસ્વી, બળવાન, ભૂત-ભવિષ્ય-વર્તમાનનો સ્વામી છું. હું કોપું તો આ સંસાર નહીં રહે, બધું મારા પર જ ટકી રહ્યું છે. હે શુચિસ્મિતા, આ દેવતા, દાનવ, ગંધર્વ, કિન્નર, નાગ, રાક્ષસ-ઉપરાંત બધા લોક પણ મારા ક્રોધ સામે ટકી નહીં શકે. હું જેને મારી આંખે જોઉં છું તેનું તેજ હરી લઉં છું. એટલે દેવી, હું તારું વચન પાળીશ, એમાં કોઈ સંશય નથી, બધા સપ્તષિર્ઓ — બ્રહ્મર્ષિઓ મારી પાલખી ઉપાડશે. હે વરવણિર્ની, મારાં માહાત્મ્ય અને સમૃદ્ધિ તું પ્રત્યક્ષ જો.’

સુંદર દેવીને એમ કહી નહુષે વિદાય આપી અને યમનિયમનું પાલન કરનારા ઋષિઓને પાલખી ઊંચકવા તૈયાર કર્યા. નહુષ પાસેથી વિદાય લઈને ઇન્દ્રાણીએ બૃહસ્પતિ પાસે જઈને કહ્યું, ‘નહુષે મારા માટે જે સમય નિશ્ચિત કર્યો હતો તે હવે બહુ ઓછો રહી ગયો છે. તમે જલદી ઇન્દ્રને શોધી કાઢો અને તમારી આ ભક્ત પર દયા કરો.’

ત્યારે બૃહસ્પતિએ ‘સારું’ કહીને કહ્યું, ‘દેવી, તું દુષ્ટાત્મા નહુષથી ડરીશ નહીં. તે નરાધમ હવે વધુ સમય ટકી નહીં શકે. હવે એ નાશ પામ્યો જ સમજ. તે ધર્મ નથી જાણતો. એટલે જ મહર્ષિઓને વાહન બનાવ્યા, હવે તે મૃત્યુ જ પામશે. વળી આ દુર્મતિના વિનાશ માટે હું એક યજ્ઞ કરીશ. શક્રને પણ શોધી કાઢીશ. તું ભય ન પામીશ. તારું કલ્યાણ થશે.’

ત્યાર પછી મહાતેજસ્વી બૃહસ્પતિએ દેવરાજને શોધી કાઢવા વિધિપૂર્વક અગ્નિ પ્રજ્વલિત કર્યો, અને એમાં ઉત્તમ હવિની આહુતિ આપી. આ હવનકુંડમાંથી ભગવાન અગ્નિદેવ સ્વયં પ્રગટ્યા અને અદ્ભુત સ્ત્રીવેશ ધારણ કરીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. મનની ગતિ ધરાવતા અગ્નિદેવ બધી જ દિશાઓ, વિદિશાઓ, પર્વતો, વનોમાં, પૃથ્વી પર, આકાશમાં ઇન્દ્રની શોધ કરીને નિમિષ માત્રમાં બૃહસ્પતિ પાસે પાછા આવી ગયા. તેમને કહ્યું, ‘હે બૃહસ્પતિ, મેં દેવરાજને ક્યાંય જોયા નહીં. એમની શોધ પાણી સિવાય બધે કરી જોઈ. પરંતુ હું કદી જળમાં પ્રવેશવાનું સાહસ નથી કરી શકતો. ત્યાં મારી ગતિ નથી. આ સિવાય કયું કાર્ય કરું?’ ત્યારે ગુરુએ કહ્યું, ‘હે મહાદ્યુતિ, તમે જળમાં પ્રવેશો.’

અગ્નિએ કહ્યું, ‘હું જળમાં પ્રવેશી નહીં શકું, એનાથી મારો વિનાશ થશે. હે મહાદ્યુતિ, હું તમારા શરણે છું. તમારું કલ્યાણ થાઓ. જળમાંથી અગ્નિ, બ્રાહ્મણમાંથી ક્ષત્રિય અને પથ્થરમાંથી લોખંડની ઉત્પત્તિ થઈ છે. તેમનું તેજ સર્વત્ર છે, પરંતુ જેમાંથી ઉત્પન્ન થયા હો તેમાં પ્રવેશતાં તે શમી જાય છે.’

બૃહસ્પતિએ કહ્યું, ‘અગ્નિદેવ, તમે બધા દેવતાઓના મુખ છો, તમે જ હવિષ્ય પહોંચાડો છો, બધાં પ્રાણીઓના અંતરમાં સાક્ષીવત્ ગૂઢ ભાવથી વિચરો છો, વિદ્વાનો તમને એક કહે છે, છતાં તમને ત્રણ પ્રકારના કહે છે. હે હુતાશન, જો તમે ત્યજી દેશો તો આ જગત તત્કાળ નાશ પામશે. બ્રાહ્મણો તમારી પૂજા કરીને, વંદના કરીને પોતાની પત્નીઓ તથા પુત્રોની સાથે તમારાં કર્મો દ્વારા પ્રાપ્ત થયેલી ચિરસ્થાયી ગતિને પ્રાપ્ત કરે છે. હે અગ્નિ, તમે હવિષ્યનું વહન કરનારા દેવ છે, તમે પોતે જ ઉત્તમ હવિ છો, વિદ્વાન પુરુષો યજ્ઞોમાં સત્રો અને યજ્ઞો દ્વારા તમારી જ આરાધના કરે છે.

હે હવ્યવાહન, સૃષ્ટિના સમયે ત્રણ લોકોને સર્જીને કાળ આવે ત્યારે ફરી પ્રજ્વલિત થઈને બધાનો સંહાર કરો છો. તમે સંપૂર્ણ વિશ્વનું ઉત્પત્તિસ્થાન છો અને તમે જ ફરી વિશ્વના પ્રલયકાળમાં આધાર છો. અગ્નિદેવ, તમને જ મેઘ અને વિદ્યુત કહે છે, તમારામાંથી જ્વાળાઓ નીકળીને બધાં પ્રાણીઓને દગ્ધ કરે છે. હે પાવક! તમારામાં જ બધું જળ સંચિત છે, તમારામાં જ આ સંપૂર્ણ જગત પ્રતિષ્ઠિત છે. ત્રણે લોકમાં તમને જેની જાણ ન હોય એવી એકે વસ્તુ નથી. બધા જ પદાર્થો પોતપોતાનાં પોતમાં પ્રવેશે છે. એટલે તમે નિ:શંક થઈ જળમાં પ્રવેશો, હું સનાતન વેદમંત્રો વડે તમને મોટા બનાવીશ.’

આ પ્રકારે સ્તુતિ થવાથી હવિષ્ય વહન કરનાર શ્રેષ્ઠ જ્ઞાની ભગવાન અગ્નિએ પ્રસન્ન થઈને બૃહસ્પતિને ઉત્તમ વાત કરી, ‘હું તમને ઇન્દ્રનું દર્શન કરાવીશ, હું તમને સત્ય કહું છું.’ ત્યાર પછી અગ્નિદેવ નાના ખાડાથી માંડી મોટા મોટા સમુદ્રોમાં પ્રવેશી જે સરોવરમાં શતક્રતુ છુપાયેલા હતા ત્યાં જઈ ચઢ્યા. એમાં કમળપુષ્પોની અંદર શોધ કરીને જોયું તો કમળનાળમાં સંતાયેલા ઇન્દ્રને જોયા. ત્યાંથી જલદી પાછા આવીને અગ્નિદેવે અણુ જેટલું શરીર ધારણ કરીને બેઠેલા ઇન્દ્રનું ઠેકાણું બતાવ્યું. ત્યારે દેવર્ષિઓ, ગંધર્વો સહિત બૃહસ્પતિએ વલસૂદન(વલરાક્ષસનો વધ કરનાર) ઇન્દ્રના ભૂતકાળનાં કર્મોનું વર્ણન કરતાં કરતાં તેમની સ્તુુતિ કરી. ‘હે ઇન્દ્ર, તમે અત્યંત દારુણ નમુચિ રાક્ષસનો વધ કર્યો હતો. શબર અને વલ જેવા દાનવોનો વધ કર્યો હતો. હે શતક્રતુ, તમે તમારા તેજસ્વી સ્વરૂપને વિસ્તારો, બધા શત્રુઓનો સંહાર કરો, હે વજ્રધારી, ઊઠો અને આવેલા દેવર્ષિઓનું દર્શન કરો. હે વિભુ, તમે કેટલા બધા દાનવોનો વધ કરીને બધા લોકોની રક્ષા કરી છે. વિષ્ણુ ભગવાનના તેજથી અત્યંત શક્તિશાળી બનેલા સમુદ્રના ફીણ વડે વૃત્રાસુરનો તમે વધ કર્યો હતો. તમે બધા જ ભૂતોમાં સ્તવન કરવા યોગ્ય છો, બધાના પૂજ્ય છો, તમારા જેવા આ જગતમાં કોઈ નથી. હે શક્ર, તમે જ બધા ભૂતોને ધારણ કરો છો, તમે જ દેવતાઓનો મહિમા વિસ્તાર્યો છે. હે મહેન્દ્ર, તમે શક્તિ મેળવો અને બધાં લોકની રક્ષા કરો.’ આ પ્રકારે સ્તુતિ કરવાથી દેવરાજ ધીમે ધીમે વૃદ્ધિ પામવા લાગ્યા. પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરીને તેઓ બળવાન થઈ ગયા. ત્યાર પછી ઇન્દ્રે ગુરુ બૃહસ્પતિને કહ્યું, ‘બ્રહ્મન્, ત્વષ્ટાનો પુત્ર મહાકાય વૃત્ર બધા જ લોકનો વિનાશ કરવા માગતો હતો, તેને મેં મારી નાખ્યો, હવે હું તમારું બીજું કયું કાર્ય કરું?’

બૃહસ્પતિએ કહ્યું, ‘માનવનૃપ નહુષે દેવર્ષિઓના પ્રભાવથી દેવરાજ્ય મેળવ્યું છે, તે બધાને બહુ દુઃખ પહોંચાડી રહ્યો છે.’

ઇન્દ્રે પૂછ્યું, ‘હે બૃહસ્પતિ, આ નહુષે કયું તપ કર્યું છે? તેને દેવોના દુર્લભ રાજ્યની પ્રાપ્તિ કેવી રીતે થઈ?’

બૃહસ્પતિએ કહ્યું, ‘જ્યારે તમે મહાન ઇન્દ્રપદનો ત્યાગ કર્યો ત્યારે દેવતાઓ ભયભીત થઇને બીજા ઇન્દ્રની ઇચ્છા કરવા લાગ્યા. દેવતાઓ, પિતૃઓ, ઋષિઓ અને ગંધર્વો ભેગા થઈને નહુષ પાસે ગયા. ત્યાં જઈને બોલ્યા, ‘તમે અમારા રાજા થાઓ, અને સંપૂર્ણ વિશ્વની રક્ષા કરો.’ આ સાંભળીને નહુષે તેમને કહ્યું, ‘મારામાં ઇન્દ્ર બનવાની શક્તિ નથી. એટલે તમે તમારા તપ અને તેજથી મને પુષ્ટ કરો.’ તેમણે આવું કહ્યું એટલે દેવતાઓએ પોતાનાં તપ અને તેજથી તેને સમૃદ્ધ કર્યો. પછી ભયાનક પરાક્રમી રાજા નહુષ સ્વર્ગનો રાજા બની ગયો. તે આમ ત્રણે લોકનું રાજ્ય પામીને દુરાત્મા નહુષ મહર્ષિઓને પોતાનું વાહન બનાવીને ઘૂમે છે. તે દૃષ્ટિપાત વડે બધાનું તેજ હરી લે છે; તેની દૃષ્ટિમાં ઝેર છે, બધા દેવતા અત્યંત ભયભીત થઈને ગૂઢ રૂપે વિચરે છે, પરંતુ નહુષની સામે જોતા નથી.’

અંગીરાના પુત્રોમાં શ્રેષ્ઠ બૃહસ્પતિ આમ કહી રહ્યા હતા ત્યારે લોકપાલ કુબેર, સૂર્યપુત્ર યમ, પુરાતન દેવતા ચંદ્ર અને વરુણ ત્યાં આવી પહોંચ્યા. તે બધા દેવરાજ ઇન્દ્રને કહેવા લાગ્યા, ‘હે શક્ર, તમે ત્વષ્ટાના પુત્ર વૃત્રનો વધ કર્યો. અમે શત્રુનો વધ કર્યા પછી તમને સકુશલ અને અક્ષત જોઈએ છીએ.’

તે લોકપાલો સાથે વાત કરતાં ઇન્દ્રે નહુષમાં બુદ્ધિભેદ ઉત્પન્ન કરવા માટે પ્રેરણા આપીને કહ્યું, ‘આ દેવતાઓનો રાજા નહુષ બહુ ઘોર બની રહ્યો છે. તેને સ્વર્ગમાંથી દૂર કરવામાં તમે મને સહાય કરો.’

આ સાંભળી તેમણે ઉત્તર આપ્યો, ‘નહુષ ઘોર રૂપવાળો છે. તેની દૃષ્ટિમાં વિષ છે, એટલે અમે તેનાથી બીએ છીએ. હે શક્ર, જો તમે રાજા નહુષને પરાજિત કરો તો અમે પણ યજ્ઞમાં ભાગ પામવાના અધિકારી થઈએ.’

ઇન્દ્રે કહ્યું, ‘મહર્ષિ, તમારું સ્વાગત છે. તમારા દર્શનથી મને આનંદ થયો છે. તમારી સેવામાં પાદ્ય, અર્ઘ્ય, આચમન, ગાય સમપિર્ત છે. મેં આપેલું ગ્રહણ કરો.’

મુનિશ્રેષ્ઠ પૂજા સ્વીકારીને આસન પર બેઠા, ‘વરુણદેવ, તમે જળના સ્વામી થાઓ. યમરાજ અને કુબેર પોતપોતાના સ્થાને પદ ગ્રહણ કરો. દેવતાઓ સહિત આપણે બધા ઘોર દૃષ્ટિવાળા શત્રુ નહુષને હરાવીશું.’

ત્યારે અગ્નિએ ઇન્દ્રને કહ્યું, ‘મને પણ ભાગ આપો. હું તમારી સહાય કરીશ.’ ત્યારે ઇન્દ્રે કહ્યું, ‘અગ્નિદેવ, મહાયજ્ઞમાં ઇન્દ્ર અને અગ્નિનો ભેગો હિસ્સો હશે, તેના પર તમારો પણ અધિકાર હશે.’

આ પ્રકારે વિચારીને પાકશાસન (ઇન્દ્ર) ભગવાન મહેન્દ્રે કુબેરને બધા યજ્ઞોના અને ધનના અધિપતિ બનાવ્યા. આ પ્રકારે વરદાયક શક્રે ખૂબ જ સત્કાર કરીને વૈવસ્વત યમને પિતૃઓનું તથા વરુણને જળનું સ્વામીત્વ આપ્યું.

જે સમયે બુુદ્ધિમાન દેવરાજ લોકપાલો સાથે બેસીને નહુષના વધનો ઉપાય વિચારતા હતા તે વખતે તપસ્વી ભગવાન અગત્સ્ય ત્યાં દેખાયા.

દેવેન્દ્રનું પૂજન કરીને અગત્સ્યે કહ્યું, ‘વિશ્વરૂપનો વિનાશ તથા વૃત્રાસુરનો વધ કરીને નિરંતર વૃદ્ધિ પામી રહ્યા છો. હે પુરદંર, એ પણ સારી વાત છે કે આજે નહુષ દેવતાઓના રાજમાંથી ભ્રષ્ટ થયો. હે વલસૂદન, સૌભાગ્યથી હું તમને શત્રુહીન જોઈ રહ્યો છું.’ ઇન્દ્રે ક્હ્યું, ‘મહર્ષિ, તમારું સ્વાગત છે. તમારા દર્શનથી મને આનંદ થયો છે. તમારી સેવામાં પાદ્ય, અર્ઘ્ય, આચમન, ગાય સમપિર્ત છે. મેં આપેલું ગ્રહણ કરો.’

મુનિશ્રેષ્ઠ પૂજા સ્વીકારીને આસન પર બેઠા. તે સમયે ઇન્દ્રે પ્રસન્ન થઈ વિપ્રશિરોમણિને પૂછ્યું, ‘હે ભગવન્, હું તમારા મોઢે સાંભળવા માગું છું કે પાપી વિચારવાળો નહુષ સ્વર્ગમાંથી કેવી રીતે ભ્રષ્ટ થયો?’

અગસ્ત્યે કહ્યું, ‘ઇન્દ્ર, બળને કારણે ઘમંડી થયેલો તે દુરાચારી અને દુરાત્મા રાજા નહુષ જે રીતે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયો તે પ્રિય સમાચાર સાંભળો. હે દેવ, મહાભાગ દેવષિર્ તથા નિર્મળ બ્રહ્મર્ષિઓ પાપાચારી નહુષનો ભાર ઊંચકીને થાકી ગયા હતા. તે સમયે તે મહર્ષિઓએ નહુષને એક શંકા કહી. ‘હે દેવેન્દ્ર, ગાયોના પ્રોક્ષણ વિશે જે મંત્ર વેદમાં કહ્યા છે તેને તમે સાચા માનો છો કે નહીં?’ નહુષની બુદ્ધિ તમોમય થવાથી મૂઢ થઈ ગયો હતો. તેણે કહ્યું, ‘હું માનતો નથી.’

ઋષિઓએ કહ્યું, ‘તું અધર્મમાં પ્રવૃત્ત થઈ રહ્યો છે એટલે ધર્મનું તત્ત્વ સમજ્યો નથી. પૂર્વે મહર્ષિઓએ આ બધા મંત્રોને પ્રમાણ ગણ્યા છે. હે ઇન્દ્ર, ત્યારે નહુષ મુનિઓ સાથે વિવાદ કરવા લાગ્યો અને અધર્મથી પીડાઈને તે પાપીએ મારા મસ્તકને લાત મારી. આને કારણે તેનું બધું તેજ નષ્ટ થઈ ગયું. તે રાજા શ્રીહીન થઈ ગયો. ત્યારે તમોગુણમાં ડૂબેલા ભયથી પીડાતા નહુષને મેં આમ કહ્યું.

‘પહેલાના બ્રહ્મર્ષિઓએ જેનું અનુષ્ઠાન કર્યું છે, જેને પ્રમાણભૂત માન્યું છે તે વેદને તુ સદોષ માને છે, વળી તેં મારા મસ્તકને લાત મારી છે. અરે પાપાત્મા, તું બ્રહ્મા જેવા તેજસ્વી ઋષિઓને વાહન બનાવીને તેમની પાસે પાલખી ઊંચકાવી રહ્યો છે, એટલે તું તેજહીન બન્યો છે. તારું પુણ્ય ક્ષીણ થઈ ગયું છે. એટલે સ્વર્ગથી ભ્રષ્ટ થઈને તું પૃથ્વી પર પડ. ત્યાં દસ હજાર વર્ષ સુધી સર્પના વેશે ભટકજે, જે અવધિ પૂરી થયા પછી ફરી સ્વર્ગ પામીશ.’ આમ દુરાત્મા નહુષ દેવતાઓના રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયો. બ્રાહ્મણોનો કંટક દૂર થયો. હવે આપણી વૃદ્વિ થઈ રહી છે. હે શચીપતિ, હવે તમે ઇન્દ્રિયો પર અને શત્રુઓ પર વિજય મેળવ્યો છે. મહર્ષિઓથી પૂજિત થઈ હવે સ્વર્ગમાં જાઓ અને ત્રણે લોકોની રક્ષા કરો. ત્યાર પછી મહર્ષિઓથી ઘેરાયેલા દેવતાઓ, પિતૃઓ, યક્ષ, નાગ, રાક્ષસ, ગંધર્વ, દેવકન્યાઓ, અપ્સરાઓ પ્રસન્ન થયાં. નદીઓ, સરોવરો, પર્વત અને સમુદ્ર પણ સંતુષ્ટ થયાં. તે બધાં ઇન્દ્ર પાસે આવીને કહેવા લાગ્યા, ‘હે શત્રુહર્તા, તમારો અભ્યુદય થઈ રહ્યો છે તે આનંદની વાત છે. બુદ્ધિમાન અગત્સ્યે પાપી નહુષને મારી નાખ્યો અને તેને સાપ બનાવી દીધો તે પણ અમારા માટે ખૂબ જ આનંદ અને હર્ષની વાત છે.’

ત્યાર પછી ઉત્તમ લક્ષણોવાળા ઐરાવત પર બેસીને ગંધર્વ અને અપ્સરાઓથી સ્તુુુતિ પામીને ઇન્દ્ર ત્યાંથી ચાલ્યા. મહાતેજસ્વી અગ્નિદેવ, મહર્ષિ કુબેર, બધા દેવતાઓ, ગંધર્વો અને અપ્સરાઓથી ઘેરાઈને વૃત્રાસુરના હર્તા ભગવાન ઇન્દ્ર ગંધર્વો અને અપ્સરાઓના મોઢે પોતાની સ્તુતિ સાંભળતા સ્વર્ગલોકે જવા નીકળ્યા. સો યજ્ઞ કરનારા ઇન્દ્ર ઇન્દ્રાણીને મળીને આનંદપૂર્વક સ્વર્ગનું પાલન કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન અંગિરાએ દર્શન આપ્યાં અને અથર્વવેદના મંત્રોથી દેવેન્દ્રનું પૂજન કર્યું, એટલે ભગવાન ઇન્દ્ર તેમના પર પ્રસન્ન થયા, અને તેમણે અથર્વાંગિરસને વરદાન આપ્યું, હે બ્રહ્મન્, તમે આ અથર્વાંગિરસ નામથી વિખ્યાત થશો અને તમને યજ્ઞભાગ મળશે. આ બાબતમાં મારું વચન ઉદાહરણરૂપ બનશે.’

આ પ્રકારે ભગવાન ઇન્દ્રે તે સમયે અથર્વાંગિરસની પૂજા કરીને તેમને વિદાય કર્યા. ત્યાર પછી બધા દેવતાઓ તથા તપોધન મહર્ષિઓની પૂજા કરીને દેવરાજ ઇન્દ્ર પ્રસન્નતાપૂર્વક ધર્માનુસાર પ્રજાનું પાલન કરવા લાગ્યા.

(ઉદ્યોગપર્વ: ૯થી ૧૮)