ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ગીધ અને શિયાળની કથા
વંશના સર્વસ્વ એવા અને કાચી વયે મૃત્યુ પામેલા બાળકને લઈને કેટલાક બાંધવો દુઃખી અને શોકાર્ત થઈને રુદન કરતા હતા. તે મૃત બાળકને લઈને તેમણે સ્મશાનની દિશામાં પ્રયાણ કર્યું. ત્યાં જઈને ઊભા રહી ગયા અને અત્યંત દુઃખી થઈને રડવા લાગ્યા. તે સમયે તેમના રુદનનો અવાજ સાંભળીને કોઈ ગીધ ત્યાં આવીને બોલ્યું, ‘તમે લોકો આ એક માત્ર પુત્રને આ સ્થળે ફેંકીને જતા રહો, વિલંબ ન કરો. આ સ્થળે કાળને કારણે હજારો સ્ત્રી-પુરુષો આવે છે, બાંધવજનો યોગ્ય સમયે તેમનો ત્યાગ કરે છે. જુઓ આ જગત સુખ-દુઃખથી ભરેલું છે, ક્રમાનુસાર સંતાનોનો સંયોગ-વિયોગ થયા કરે છે. જે લોકો મૃત સંબંધીઓને લઈને સ્મશાનમાં આવે છે કે તેમની પાછળ તેઓ જાય છે તેઓ પોતાના આયુ પ્રમાણે યમલોકમાં જાય છે. એટલે ગીધ અને શિયાળોથી, અનેક પ્રેતોથી ઘેરાયેલા, બધાં પ્રાણીઓના ભયંકર ઘોર સ્મશાનમાં રહેવાની જરૂર નથી. પ્રિય હોય કે અપ્રિય કોઈ વ્યક્તિ કાળધર્મ પામ્યા પછી ફરી જીવિત થઈ શકતી નથી. બધાં પ્રાણીઓની આ જ ગતિ છે. મૃત્યુલોકમાં જેમણે જન્મ લીધો છે તેણે મૃત્યુ તો પામવું જ પડે. આવો કાળનો નિયમ હોય તો કોણ મૃત વ્યક્તિને ફરી જીવતી કરી શકે? કાર્ય સમાપ્ત થયા પછી બધા લોકો કામમાંથી પરવારે ત્યારે સૂર્ય અસ્ત પામે છે. એટલે તમે પુત્રસ્નેહ ત્યજીને પોતપોતાને ઘેર જાઓ.’
એટલે મોટે મોટેથી રડતા બાંધવજનો ગીધનું વચન સાંભળીને પુત્રને ત્યાં મૂકીને ઘેર જવા તૈયાર થયા. તેમણે ચોક્કસ માની લીધું કે હવે તે જીવી શકવાનો નથી, તો એના જીવનથી નિરાશ થઈને બધા બાળકને ત્યજીને જવાના માર્ગની વચ્ચે ઊભા રહ્યા. તે જ વેળા કાગડાના જેવા રંગવાળું એક શિયાળ ઘેર જઈ રહેલા માણસોને કહેવા લાગ્યું, ‘હે માનવીઓ, તમે નિર્દય છો. હે મૂઢ લાકો, જુઓ, જુઓ, હજુ તો સૂર્ય આથમ્યો નથી. એટલે તમે બાળકને પ્રેમ કરો, ભય ન પામો. મુહૂર્તનો ચમત્કાર થાય છે, કદાચ એનાથી બાળક જીવી પણ જાય. તમે લોકો બાળક માટેના સ્નેહ વગરના છો, જમીન પર તેને ત્યજીને શા માટે જાઓ છો? જેનો શબ્દ સાંભળીને તમે પ્રસન્ન થતા હતા, તે મધુર વાણી બોલનારા બાળક માટે શું તમને પ્રેમ નથી? પશુપક્ષી સંતાનોને ઉછેરીને કશું ફળ પામતા નથી, તો પણ બાળકો માટે તેમને કેટલો બધો પ્રેમ છે તે શું તમે જોતા નથી? કર્મસંન્યાસી મુનિઓના યજ્ઞની જેમ પશુપક્ષી કીટ વગેરે સ્નેહબદ્ધ પ્રાણીઓને સંતાનોના પાલનપોષણથી પરલોકમાં ફળની આશા નથી. તે પશુઓને આ લોકમાં કે પરલોકમાં પુત્રોમાં સ્નેહ ધરાવીને કોઈ લાભ થતો નથી, તો પણ તેઓ પ્રયત્નપૂર્વક પોતાનાં સંતાનોની રક્ષા કરે છે. પશુપક્ષીઓ મોટા થયા પછી ક્યારેય પોતાના માતાપિતાનું ભરણપોષણ કરતાં નથી તો પણ માબાપ સંતાનોને ન જુએ ત્યારે તેમના મનમાં શોક જન્મે છે. મનુષ્યોમાં એવો પ્રેમ ક્યાં છે? પોતાનાં સંતાનો માટે શોક ક્યાંથી? તમે તમારા વંશની વૃદ્ધિ કરનારા પુત્રને ત્યજીને ક્યાં જશો? તમે બહુ સમય સુધી આંસુ વહેવડાવતાં સ્નેહયુક્ત આંખે તેને જુઓ; આવાં પ્રિયજનોનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે. દુર્બળ, સ્મશાનમાં સ્થિત પુરુષોની પાસે તેમના બંધુજનો જ ઊભા હોય છે, બીજું કોઈ ત્યાં નથી હોતું. બધાને પોતાનો જીવ વહાલો હોય છે, બધા બીજાઓને સ્નેહ કરે છે, પશુપંખીઓનો સંતાનપ્રેમ જુઓ. નવા વિવાહ પ્રસંગે પુષ્પમાલાથી સુશોભિત વ્યક્તિની જેમ આ કમલનેત્રવાળા બાળકને ત્યજીને તમે શા માટે જાઓ છો?’
તે સમયે દીનતાપૂર્વક વિલાપ કરતા બાંધવો શિયાળનું વચન સાંભળીને બાળકના શરીરની રક્ષા કરવા પાછા ફર્યા.
ગીધે કહ્યું, ‘અરે આશ્ચર્ય છે! હે સત્ત્વહીન મનુષ્યો, તમે આ અલ્પબુદ્ધિ, ક્રૂર અને ક્ષુદ્ર શિયાળની વાત સાંભળીને કેમ નિવૃત્ત થાઓ છો? પંચભૂતમુક્ત, કાષ્ઠ બનેલા, શૂન્ય, જડ શબ માટે શા માટે શોક કરો છો? તમે તમારા માટે શોક કેમ નથી કરતા? તપ કરો, તેનાથી પાપ ભસ્મ થઈ જશે. તપ વડે બધું પામી શકશો. વિલાપ કરવાથી શું? અનિષ્ટ અને ભાગ્ય શરીરની સાથે જ જન્મે છે, એ જ અદૃષ્ટનો અનુગામી થઈને આ બાળક તમને અનન્ત શોકમાં નાખીને જાય છે. ધન, ગાય, સુવર્ણ, મણિરત્ન અને પુત્ર આ બધાંનું મૂળ કારણ તપ છે, અને તપ કરવાથી આ બધું પ્રાપ્ત થાય છે. જે પ્રાણી જેવું કર્મ કરે છે તેવું જ સુખદુઃખ પામે છે. જીવ સુખદુઃખ સાથે જન્મ લે છે. પિતાના કર્મથી પુત્રને અને પુત્રના કર્મથી પિતાને કોઈ સંબંધ નથી. પોતપોતાનાં સત્કૃત્ય કે દુષ્કૃત્યને ત્યજીને બધા ભિન્ન ભિન્ન માર્ગે જાય છે. તમે યત્નપૂર્વક ધર્માચરણ કરો અને અધર્મમાંથી નિવૃત્ત થાઓ; દેવતાઓ અને બ્રાહ્મણોની સેવા કરો. શોક અને દીનતા ત્યજી દો, પુત્રસ્નેહથી નિવૃત્ત થાઓ, આ સ્થળ ત્યજીને ત્વરાથી ઘેર જાઓ. જે જીવ શુભ કે અશુભ કર્મ કરે છે તે એના ફળ ભોગ તે જ પામે છે, અને બંધુજનો સાથે શો સંબંધ? બાંધવજનો પ્રિય પુત્રને ત્યજીને આ સ્થળે નિવાસ કરતા નથી. તેઓ સ્નેહ ત્યજીને અશ્રુપૂર્ણ આંખે ઘેર જતા રહે છે.
પંડિત હોય કે મૂર્ખ હોય, ધનવાન હોય કે નિર્ધન, બધાંએ શુભાશુભ કર્મથી યુક્ત થઈને કાળને વશ થવું પડે છે. શોક કરવાથી શું? ધર્માનુસાર સમદર્શી કાળ જ બધાનો નિયંતા છે. યુવાન, બાળ, વૃદ્ધ, ગર્ભસ્થ — બધા જ મૃત્યુને વશ થાય છે, જગતની ગતિ જ આવી છે.’
શિયાળે કહ્યું, ‘કેવું આશ્ચર્ય, હે મનુષ્યો, બાળક માટેના સ્નેહને કારણે ખૂબ જ શોક કરો છો, અલ્પબુદ્ધિ ગીધ તમારા સ્નેહબંધનને ઢીલું કરે છે. તેના સમભાવથી ભરેલાં વચન દ્વારા તમે દુસ્તર સ્નેહ ત્યજીને પોતાને સ્થાને જાઓ છો. વાછરડા વગરની ગાયોની જેમ પુત્રવિયોગથી સ્મશાનમાં શબની સેવા કરતા રુદન કરતાં કરતાં તમને બહુ દુઃખ થાય છે. પૃથ્વી પર મનુષ્યોને જે શોક થાય છે તે મેં આજે જાણ્યો. તમારા સ્નેહથી અને કરુણ વિલાપથી મારી આંખોમાંથી પણ આંસુ વહી રહ્યાં છે. સદા ઇચ્છિતની પ્રાપ્તિ માટે યત્ન કરવાથી દૈવ દ્વારા આ સિદ્ધ થાય છે, દૈવ અને પુરુષનો સંબંધ સમય પ્રમાણે સિદ્ધ થાય છે. સદા દુઃખ ન કરવું એ યોગ્ય છે કારણ કે શોકથી સુખ નથી મળતું, યત્ન કરવાથી પ્રયોજનસિદ્ધિ થાય છે, એટલે તમે નિર્દય થઈને શા માટે જાઓ છો? તમારા જ રક્તમાંસમાંથી ઉત્પન્ન થયેલા આ શરીર અને પિતૃઓના વંશવૃદ્ધિ કરનાર સંતાનને વનમાં ત્યજીને શા માટે જાઓ છો? સૂર્ય અસ્ત થાય, સંધ્યાકાળ થાય ત્યારે તમે આ બાળકને ઘેર લઈ જજો. અથવા એની સાથે અહીં જ રહેજો.’
ગીધે કહ્યું, ‘હે માનવીઓ, અત્યારે મારું આયુષ્ય હજાર વર્ષથી પણ વધારે હશે. પરંતુ પુરુષ, સ્ત્રી કે નપુંસક — કોઈ કરતાં કોઈ મર્યા પછી જીવતું થયું હોય એ મેં જોયું નથી. કેટલાંક શિશુ તો મૃત જ જન્મે છે, કેટલાંક જન્મીને મૃત્યુ પામે છે, કેટલાંક ચાલતાં શીખે ત્યારે તો કેટલાંક યુવાવસ્થામાં મૃત્યુ પામે છે. આ લોકમાં પશુ, પક્ષી આદિ જંગમનાં ભાગ્યફળ અનિત્ય છે, સ્થાવર-જંગમ બધા જ પરમ આયુને અધીન છે. પ્રિય સ્ત્રીના વિરહ ભોગવતા કે પુત્રશોકથી સંતપ્ત થયેલા લોકો દરરોજ આ સ્થળેથી ઘેર જતા રહે છે. બાંધવજનો આ લોકમાં હજારો અપ્રિય અને હજારો સેંકડો પ્રિય વ્યક્તિઓને ત્યજીને ખૂબ જ ભારે હૈયે ઘેર જાય છે. એટલે તમે આ શોચનીય અવસ્થાવાળા, જીવનહીન-તેજહીન બાળકનો ત્યાગ કરો, આનો જીવ બીજા શરીરમાં પ્રવેશ્યો છે, એટલે જ તેનું શરીર કાષ્ઠ જેવું થઈ ગયું છે. આ મૃત શરીરને ત્યજીને તમે જતા રહેવામાં કેમ આળસ કરો છો? અત્યારે આ બાળક માટેનો પ્રેમ નિરર્થક છે, એને ઘેરીને ઊભા રહેવાથી શું? અત્યારે આ બાળક આંખોથી જોતું નથી, કાનથી સાંભળતું નથી, તેને તમે ત્યજીને જલદી ઘરભેગા થઈ જાઓ. મારી આ વાત નિષ્ઠુર નથી, તે યુક્તિપૂર્વક છે, મોક્ષ ધર્મવાળી છે, એટલે કહું છું, તમે વિના વિલંબે તમારા સ્થાને જાઓ.’ બુદ્ધિ અને વિજ્ઞાનવાળી ગીધની ચૈતન્યપ્રદ વાણી સાંભળીને માનવીઓ નિવૃત્ત થયા.
શિયાળે કહ્યું, ‘હે મનુષ્યો, તમે ગીધની વાત સાંભળીને આ કાંચનવરણા, અલંકારવાળા તથા પિતૃઓનું પિંડદાન કરનાર પુત્રનો ત્યાગ શા માટે કરો છો? આ પુત્રનો ત્યાગ કરવાથી તમારાં સ્નેહ, વિલાપ, રુદનનો અંત નહીં આવે, ઊલટ તમારો સંતાપ વધી જશે. મેં સાંભળ્યું છે કે સત્ય પરાક્રમી રામચંદ્રે શંબુકનો વધ કર્યો પછી તે ધર્મબળ વડે કોઈ બ્રાહ્મણનો પુત્ર સજીવન થયો હતો. રાજર્ષિ શ્વેતનો પુત્ર પણ મૃત્યુ પામ્યો હતો પણ ધર્મનિષ્ઠ શ્વેતે તે પુત્રને સજીવન કર્યો હતો એવી જ રીતે કોઈ સિદ્ધ મુનિ કે દેવતા તમારું કરુણ રુદન સાંભળીને દયા દાખવી શકે છે.’
શિયાળની વાત સાંભળીને શોકાર્ત, પુત્રવત્સલ બાંધવજનોએ ઘેર જવાનો વિચાર માંડી વાળ્યો. બાળકનું મસ્તક ખોળામાં લઈને ખૂબ જ વિલાપ કરવા લાગ્યા.
ગીધે કહ્યું, ‘તમારાં આંસુથી આ બાળક ભીંજાયું છે, તમારા હાથ વડે એ દબાય છે. તે ધર્મરાજની યોજનાથી દીર્ઘનિદ્રા પામ્યું છે. તપસ્વીઓ પણ કાળને પીડિત કરી શકતા નથી, બધા સ્નેહબંધનનો નાશ અહીં થાય છે, આ પ્રેતોનું નગર છે. બાંધવજનો અહીં સેંકડો બાળકો તથા વૃદ્ધોનો ત્યાગ કરીને રાતદિવસ દુઃખી થઈને વસે છે. એટલે શોકભાર નિવારણથી કશું ફળ નહીં મળે. અત્યારે આ ફરી પુનર્જીવિત થાય એ વાતનો વિશ્વાસ ન કરો. આ બાળક શિયાળના વચનથી જીવતું નહીં થાય. જે મનુષ્ય કાળને વશ થઈ શરીર ત્યજે છે તે ફરી જીવિત ન થઈ શકે. શિયાળ જો પોતાના જેવાં સેંકડો શરીર આપે તો પણ સેંકડો વર્ષોમાંય આ બાળક જીવતું નહીં થાય. જો રુદ્ર, કાર્તિક, બ્રહ્મા, વિષ્ણુ તેને વરદાન આપે તો આ બાળક જીવતું થઈ શકે. તમારા અશ્રુપાતથી, આશ્વાસનયુક્ત સાંત્વનથી કે ઘણા સમય સુધી રુદન કરવાથી આ બાળક જીવતું નહીં થાય. હું, આ શિયાળ અને તમે બાંધવો. બધા ધર્મ-અધર્મ ગ્રહણ કરીને આ માર્ગે જઈ રહ્યા છીએ. એટલે બુદ્ધિમાન પુરુષે અપ્રિય વર્તાવ, કઠોર વચન, પરદ્રોહ, પરનારી પાસે પ્રેમની અભિલાષા, અધર્મ અને મિથ્યા વ્યવહારને ત્યજી દેવા જોઈએ. તમે લોકો સત્ય, ધર્મ, શુભ, ન્યાય, જીવદયા, શઠતાત્યાગ અને સરળતાનું અનુસરણ કરો. જેઓ માતાપિતા, બાંધવો, સુહૃદોને જીવતા નથી જોતા, તેમને માન નથી આપતા તેમના ધર્મને નુકસાન થાય જે નેત્રથી જોઈ શકતા નથી, જેમનાં અંગ કામ કરતાં નથી, તેમના શરીરનો અંત આવે ત્યારે તમે રડીને શું કરશો?’
બાળક પ્રત્યેના સ્નેહબંધનને કારણે આ શોકાર્ત બાંધવો ગીધની વાત સાંભળીને પુત્રને ભૂમિ પર સૂવડાવીને ઘેર જવા માંડ્યા. શિયાળે કહ્યું, ‘પ્રાણીઓના વિનાશનું આ સ્થાન મર્ત્યલોકનું દારુણ સ્થળ છે. અહીં પ્રિયજનોનો વિયોગ થાય છે. અહીંનું જીવન અત્યંત અલ્પ છે. આ જગતમાં અનેક પ્રકારના કુટિલ, અસત્ય વ્યવહાર, પ્રતિપાદ, અપ્રિય વચન વગેરે દુઃખ-શોકની વૃદ્ધિ કરનારા છે. આ જોઈને ઘડીભર માટે પણ મૃત્યુલોકમાં નિવાસ કરવાનું મને મન નથી. અહો, ધિક્કાર છે, તમે ગીધની વાત સાંભળીને જતા રહેવા માગો છો? તમે પુત્રશોકથી સંતપ્ત છો, બુદ્ધિહીન લોકોની જેમ, પ્રેમપૂર્ણ હોવા છતાં આ પાપી, ચંચલ બુદ્ધિવાળા ગીધની વાત સાંભળીને બાળક માટેનો પ્રેમ ત્યજીને અત્યારે કેવી રીતે ઘેર જવા માટે તૈયાર થાઓ છો? આ સુખદુઃખથી ભરેલા લોકની વચ્ચે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે, આ સિવાય કશું નથી. હે મૂઢ મનુષ્યો, વંશના શોકને જન્માવનારા આ રૂપવાન શિશુને ભૂમિ પર ત્યજીને તમે ક્યાં જશો? આ ઉત્તમ રૂપ અને યૌવનસભર તથા પોતાની કાંતિથી શોભાયમાન બાળકને હું મનોમન જીવિત જોઉં છું એમાં શંકા નથી. હે મનુષ્યો, આનું મૃત્યુ જ અનુચિત છે, તમે તેને અનાયાસ જ પામશો, જો તમે એને ત્યજીને જતા રહેશો તો પુત્રશોકથી ત્રસ્ત થઈને આજે જ તમે મૃત જેવા થશો. રાત્રે અહીં નિવાસ કરવાથી આ બાળકના સુખની સંભાવના જાણીને, પોતે સુખમાં રહેવાની ઇચ્છાથી અલ્પબુદ્ધિ લોકોની જેમ આને ત્યજીને ક્યાં જશો?’
નિત્ય સ્મશાનવાસી શિયાળ સ્વાર્થસિદ્ધિ માટે રાત્રિકાળની પ્રતીક્ષા કરતો હતો. અમૃતસમાન ધર્મવિરોધી પ્રિય વચનો દ્વારા એ બધા બાંધવોના ગમનને અટકાવીને તેમને મધ્યસ્થ કરી દીધા.
ગીધે કહ્યું, ‘આ અતિ ભયંકર વન્યપ્રદેશ પ્રેતોવાળો, રાક્ષસોવાળો, ઘુવડના ચિત્કારોવાળો છે. તે ઘોર, ભયાનક અને કાળા વાદળ સમાન અંધકારમય છે. તમે આ વનમાં શબનો ત્યાગ કરીને સમગ્ર પ્રેતકર્મ સમાપ્ત કરો. જ્યાં સુધી સૂર્યાસ્ત ન થાય અને જ્યાં સુધી દિશાઓ વિમળ છે ત્યાં સુધી તેને ત્યજીને તમે તેની ઉત્તરક્રિયા કરો. બાજ કર્કશ બોલે છે, શિયાળોની લાળી સંભળાય છે, સિંહ ગર્જી રહ્યા છે, સૂર્ય અસ્તાચળે જઈ રહ્યો છે. સ્મશાનનાં વૃક્ષ ચિતાના કાળા ધુમાડાથી રંગાયાં છે, સ્મશાનમાં દેહધારીઓ નિરાહાર રહેવાથી ગર્જી રહ્યા છે. આ સ્મશાનની અંદર રહેનારાં પ્રાણીઓ અત્યંત પરાક્રમી અને ભયંકર છે, તે માંસાહારી છે, વિકૃત શરીરવાળાં છે. તેઓ તમને વશ કરી લેશે. દૂરથી પણ વનનો આ ભાગ ભયાનક છે, આજે તમને નિશ્ચિત અહીં ભય લાગશે. એટલે આ કાષ્ઠ સમાન શરીર ત્યજી દો, શિયાળની વાત માનતા નહીં. તમે જો જ્ઞાનવિમુખ થઈને શિયાળનાં નિષ્ફળ અને મિથ્યા વચન સાંભળશો તો બધા નાશ પામશો.’
શિયાળે કહ્યું, ‘હે મનુષ્યો, જ્યાં સુધી સૂર્ય અસ્તાચળે નથી જતો ત્યાં સુધી તમે બાળકના સ્નેહબંધનનું દુઃખ ન કરીને અહીં રહો. ભય ન રાખતા. તમે વિશ્વાસ રાખી રુદન કરતા બહુ સમય સુધી સંતાન સામે સ્નેહથી જુઓ, જ્યાં સુધી આદિત્ય (સૂર્ય) પ્રકાશિત છે ત્યાં સુધી અહીં રહો; આ માંસભક્ષી પક્ષીના કહેવાથી શું? તમે જો મોહવશ થઈને આ ગીધના નિષ્ઠુર અને દુઃખદ વચનને સાંભળશો તો તમારો આ પુત્ર ફરી જીવિત નહીં થાય.’
ગીધે કહ્યું, ‘સૂર્ય અસ્ત નથી થયો.’
શિયાળે કહ્યું, ‘સૂર્ય અસ્ત થયો.’
આમ ભૂખે પીડાતા બંને મરનારના બાંધવો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. ગીધ અને શિયાળ પોતપોતાનું કાર્ય સિદ્ધ કરવા તૈયાર હતા, બંને ભૂખતરસથી પીડાઈને શાસ્ત્રનો આધાર લઈ વાતો કરતા હતા. આ લોકો વિજ્ઞાનવિદ ગીધ અને શિયાળનાં અમૃત જેવાં વચનોથી ક્યારેક પ્રભાવિત થઈ ઊભા રહી જતા તો ક્યારેક ઘેર જવા તૈયાર થતા. છેવટે તેઓ શોક અને દીનતાથી રડતાકકળતા કાર્યદક્ષ ગીધ અને શિયાળનાં વચનોની નિપુણતાથી ભ્રમિત થવા છતાં ત્યાં નિવાસ કરવા તત્પર થયા.
આ પ્રકારે વિવાદ કરતા વિજ્ઞાનવિદ ગીધ, શિયાળ અને ત્યાં રોકાયેલા બંધુજનો સમક્ષ ભગવાન શંકર પ્રગટ્યા, તેમણે બાંધવોને કહ્યું, ‘હું શૂળધારી વરદાતા શંકર છું.’
ત્યારે તે દુઃખી બાંધવોએ ઊભા થઈ પ્રણામ કર્યાં અને કહ્યું, ‘હે ભગવન્, અમારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો છે, તમે કૃપા કરીને અમારા આ પુત્રને જીવતદાન આપો, અમે જીવનાર્થીઓને પણ જીવનદાન આપો.’
ભગવાન શંકરે આ વાત સાંભળી હાથમાં જળ લઈને બાળકને જીવતો કર્યો અને સો વર્ષનું આયુષ્ય આપ્યું. બધાં પ્રાણીઓના હિતેચ્છુ ભગવાન પિનાકપાણિએ ગીધ અને શિયાળની ભૂખ પણ શમાવી. ત્યાર પછી તે બધા હર્ષયુક્ત, કૃતકૃત્ય થઈને, અત્યંત આનંદિત થઈને ભગવાનને પ્રણામ કરીને ત્યાંથી નીકળ્યા. ઉત્સાહ, દીર્ઘ પ્રયત્ન અને દૃઢ નિશ્ચયથી સત્વરે ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. દેવનો સંયોગ અને બંધુજનોનો દૃઢ નિશ્ચય જુઓ. તેઓ દુઃખી થઈને આંસુ સારી રહ્યા હતા અને ભગવાને તેમનાં આંસુ લૂછ્યાં. થોડા જ સમયમાં નિશ્ચયપૂર્વક કરેલી શોધને કારણે ભગવાન મહાદેવની કૃપાથી દુઃખી મનુષ્યો સુખી થયા. ભગવાન શંકરની કૃપાથી પુત્ર જીવતો થયો એટલે વિસ્મિત થયા, આનંદિત થયા. ત્યાર પછી તેમણે શિશુ અંગેનો શોક ત્યજીને સત્વરે નગરમાં આનંદપૂર્વક પ્રવેશ કર્યો.
(શાંતિપર્વ, ૧૪૯) (શાંતિપર્વ, ૧૪૯)