ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ગૌતમી, સર્પ, વ્યાધની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગૌતમી, સર્પ, વ્યાધની કથા

ગૌતમી નામની એક શમયુક્ત વૃદ્ધ બ્રાહ્મણીએ પોતાના પુત્રને સર્પદંશથી મરેલો જોયો. ત્યાર પછી અર્જુનક નામના વ્યાધે ક્રોધિત થઈને તે સાપને પકડ્યો અને જાળમાં બાંધીને તે ગૌતમી પાસે લાવ્યો, અને બોલ્યો, ‘આ અધમ સાપે તમારા પુત્રને મારી નાખ્યો છે, તો એનો વધ કેવી રીતે કરું તે ત્વરાથી કહો, તેને આગમાં નાખું કે તેના ટુકડા કરી નાખું? આ બાળકનો હત્યારો, પાપી બહુ સમય જીવતો રહેવો ન જોઈએ.’

ગૌતમીએ કહ્યું, ‘હે અર્જુનક, તું એને છોડી દે, તારામાં બુદ્ધિ નથી, તેનો વધ ન કર. જે પ્રારબ્ધ છે તેને કોઈ ટાળી નહીં શકે, એની ઉપેક્ષા કરીને કોણ પોતાના પર પાપનો ભાર લાદશે? જેઓ ધર્મને અનુસરે છે તેઓ જ હલકા બની નૌકાની જેમ સમુદ્ર પાર કરે છે, જેઓ પાપથી ભારે થાય છે તે પાણીમાં પડેલા શસ્ત્રની જેમ ડૂબી જાય છે. એને મારવાથી મારો પુત્ર જીવતો થવાનો નથી, સાપ જીવતો રહેશે તો તારું શું અહિત થવાનું છે? આ પ્રાણવાળા જીવને મારી ક્યો માનવી યમરાજના અનંત લોકમાં જશે?’

વ્યાધે કહ્યું, ‘હું જાણું છું. ગુણ અવગુણ જાણનારા બધાના દુઃખે દુઃખી થતા નથી. પરંતુ આ ઉપદેશ સ્વસ્થ લોકો માટે છે, દુઃખી માટે નથી. એટલે આ ક્ષુદ્ર સાપને હું મારી નાખીશ. શમયુક્ત માનવી કાલયોગે આનો નાશ થયો છે એમ માની શોક કરતા નથી અને પ્રતિકાર કરનારા પુરુષ આ સમયે શત્રુને મારીને શોક ત્યજે છે, બીજા લોક કલ્યાણનો નાશ થતાં સદા તેને માટે શોક કર્યા કરે છે, એટલે મારે હાથે એનો વધ થવાથી તમે શોક ન કરતા.’

ગૌતમીએ કહ્યું, ‘સમાન લોકોને હાનિથી પીડા થતી નથી, કારણ કે સજ્જનો સદા ધર્મપરાયણ રહી આનંદ પામે છે. આ બાળકનું આ જ સમયે મૃત્યુ નિશ્ચિત હતું. એટલે આ સાપનો નાશ કરવામાં અસમર્થ છું કારણ કે આ ધર્મ નથી. બ્રાહ્મણોએ કોપ ન કરવો જોઈએ, કોપ કરીને બીજાઓને દુઃખ કેવી રીતે આપશે? હે સાધુ, તું પણ કોમળ બનીને ક્ષમા કર અને આ સાપને છોડી મૂક.’

વ્યાધે કહ્યું, ‘આને મારવાથી અક્ષય લાભ છે. બળવાનોએ શીઘ્ર લાભ ઉઠાવવો પ્રશંસાપાત્ર છે. કાલથી આજે જે લાભ થશે તે આ કુત્સિતને મારવાથી શ્રેયસ્કર હશે.’

ગૌતમીએ કહ્યું, ‘શત્રુને પરાજિત કરી તેને મારવાથી ક્યો અર્થ લાભ? શત્રુને પોતાના વશમાં કરી એને ન છોડવાથી કેવી શાંતિ? હે સૌમ્ય, શા માટે આ સાપના અપરાધને ક્ષમા ન કરું? ક્યા કારણે આને છોડાવવા માટે યત્ન ન કરું?’

વ્યાધે કહ્યું, ‘હે ગૌતમી! એક સાપથી અનેક જીવની રક્ષા કરવી યોગ્ય છે, અનેકને ત્યાગીને એકની રક્ષા કરવી યોગ્ય નથી. ધર્મજ્ઞ મનુષ્ય અપરાધીને ત્યજી દે છે, એટલે તમે આ પાપી સાપનો વધ કરો.’

ગોતમીએ કહ્યું, ‘હે વ્યાધ, આ સાપને મારવાથી મારો પુત્ર જીવતો થશે નહીં; એનો વધ કરવાથી મને કોઈ પુણ્ય મળવાનું નથી. એટલે એને છોડી મૂક.’

વ્યાધે કહ્યું, ‘દેવરાજે વૃત્રાસુરને મારીને શ્રેષ્ઠ પદ મેળવ્યું, મહાદેવે દક્ષયજ્ઞનો વિધ્વંસ કરી યજ્ઞભાગ મેળવ્યો, એટલે તમારે દેવતાઓનું અનુસરણ કરવું જોઈએ. આ સાપને હમણાં જ મારી નાખો, એમાં વિચાર ન કરો.’

વ્યાધે ગૌતમીને વારંવાર સાપનો વધ કરવા ઉશ્કેરી પણ મહાભાગા એ પાપમાં ન પડી. ત્યાર પછી પાશથી પીડાતો સાપ કષ્ટપૂર્વક મનુષ્યની વાણીમાં બોલ્યો, ‘બાલિશ અર્જુનક, આમાં મારો ક્યો વાંક? હું પરાધીન અને પરવશ છું. મૃત્યુએ જ મને આને માટે પ્રેરણા આપી. તેના વચનથી મેં એને દંશ દીધો છે, કોઈ કોપ કે કશી ઇચ્છાથી નહીં. આમાં જો પાપ હોય, જેણે મને પ્રેરણા આપી છે તેને એ પાપ લાગે.’

વ્યાધે કહ્યું, ‘હે ભુજંગ, પન્નગ (સાપ), જો તેં બીજાને વશ થઈ આ કાર્ય કર્યું છે તો પણ આ ઘટનાનું કારણ તું જ છે, એટલે તું પણ પાપમાં ભાગીદાર. હે પન્નગ, જેવી રીતે માટીનું વાસણ બનાવવામાં દંડ, ચક્ર વગેરે કારણ હોય છે તેવી રીતે તું પણ આ બાળકના મૃત્યુમાં કારણ છે. જે પાપ કરે છે તેનો હું વધ કરવાનો, તું પાપી છે અને આ વિષયમાં તું પોતાને કારણ કહે છે.’

સાપે કહ્યું, ‘જેવી રીતે ચક્ર, દંડ બધા જ પરાધીન છે તેવી રીતે હું પણ મૃત્યુને વશ છું. એટલે મારા આ દોષ ન કહેવાય. અથવા તમે જો આ જ રીતે સમ્મત થતા હો તો દંડચક્ર પરસ્પરના પ્રયોજક થઈ શકે. પરસ્પરની પ્રેરણાથી થતા કાર્યકારણ ભાવમાં શંકા ઊપજે છે. જો એમ માનીએ તોય મારો દોષ નથી. હું વધ થવાને પાત્ર નથી, પાપી નથી. જો તમે આમાં કોઈનું પાપ સમજતા હો તો તે બધાં કારણોના સમુદાય પર પાપ લાગી શકે.’

વ્યાધે કહ્યું, ‘જો તું વિનાશ કાર્યમાં પોતાને કારણ રૂપ કે કર્તા નથી માનતો તો પણ આ વિનાશમાં સાક્ષાત્ સંબંધથી તું જ કારણ છે એટલે મારી દૃષ્ટિએ તું વધયોગ્ય છે. હે પન્નગ, પાપકાર્ય કરીને પણ જો કર્તા પોતાને જવાબદાર ન સમજે તો આ વિષયમાં કોઈ પણ કારણ ન થઈ શકે. એટલે આ ઘટનામાં તો તું જ કર્તા છે, એટલે તું વધયોગ્ય છે, શું કામ મોટી મોટી વાતો કરે છે?’

સાપે કહ્યું, ‘કર્તા કારણ રહે, ન રહે, કર્તા વિના કાર્યની ઉત્પત્તિ ન થઈ શકે, એટલે આ તુલ્ય હેતુના સ્થળે મૃત્યુનું જ કારણ વિશેષ રીતે વિચારવું જોઈએ, એ જ દોષી છે. હે વ્યાધ, જો હું કારણ હોઉં, અને તમારી દૃષ્ટિએ આ ઘટનાનો કર્તા હોઉં તો મારો પ્રયોજક કર્તા કોઈ બીજો છે, આ જીવનો હત્યારો એ જ છે, એ જ પાપી.’

વ્યાધે કહ્યું, ‘હે દુર્બુદ્ધિ સાપ, તું જાણીજોઈને આ બાળકના મૃત્યુનું કારણ બન્યો છે, મારા હાથે તારો વધ થશે, વધ્ય હોવા છતાં વારે વારે શી વાતો કર્યા કરે છે?’

સાપે કહ્યું, ‘હે વ્યાધ, જેવી રીતે ઋત્વિજો યજ્ઞમાં ઘીની આહુતિ આપીને આ લોકમાં કે પરલોકમાં તેના ફળમાં ભાગીદાર નથી થતા તેવી રીતે આ વિષયમાં ફળ સંબંધી મારી પણ એવી જ સ્થિતિ છે.’

મૃત્યુ પ્રેરિત સાપ વારંવાર આમ કહેતો રહ્યો એટલે મૃત્યુ ત્યાં ઉપસ્થિત થયું અને સાપને કહેવા લાગ્યું,

‘હે પન્નગ, મેં કાળ દ્વારા પ્રેરિત થઈ તને પ્રેરણા કરી. એટલે આ બાળકના વિનાશમાં તું જવાબદાર નથી, હું પણ આમાં જવાબદાર નથી. જેવી રીતે વાયુ વાદળોને આમ તેમ વિખેરી નાખે છે એવી રીતે હું કાળના વશમાં છું. જે કંઈ સાત્ત્વિક, રાજસિક, તામસિક ભાવ છે તે બધા કાલાત્મક હોઈ પ્રાણીમાત્રમાં વસે છે. હે સર્પ, દ્યુલોકમાં કે ભૂલોકમાં જેટલા સ્થાવરજંગમ પદાર્થો છે તે બધા કાલાત્મક છે, એટલે આ જગત કાલાત્મક કહેવાય છે. આ લોકમાં પ્રવૃત્તિનિવૃત્તિ જે કંઈ તેમની વિકૃતિઓ છે તે બધી કાલાત્મક સ્વરૂપની છે. હે પન્નગ, આદિત્ય (સૂર્ય), ચંદ્રમા, વિષ્ણુ, જળ, વાયુ, શતક્રતુ (ઇન્દ્ર), અગ્નિ, આકાશ, પૃથ્વી, મિત્ર, ઔષધિ, વસુ, સરિતા, સાગર, ભાવઅભાવ આ બધા જ કાળ વડે વારે વારે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. હે સર્પ, આ બધું જાણ્યા પછી પણ તું મને દોષી સમજે છે. જો આમાં હું દોષી તો તું પણ દોષી.’

સાપે કહ્યું, ‘હે મૃત્યુ, હું તમને નિર્દોષસદોષ કહેતો નથી, હું માત્ર એટલું જ કહું છું કે તમારા વડે પ્રેરિત થયો છું. જો કાળને દોષ લાગતો હોય, અથવા એને દોષ ન આપી શકાય, તો એ દોષની પરીક્ષા કરવાનું કામ મારું નથી, આ વિષયમાં હું અધિકારી નથી. મારા ઉપર લગાડાયેલા દોષનું નિવારણ જે તે રીતે કરવું મારું કર્તવ્ય છે. એ જ રીતે આ ઘટનામાં મૃત્યુ દોષિત નથી એ જોવું તે પણ મારું પ્રયોજન છે.’

પછી સાપે અર્જુનકને કહ્યું, ‘તમે મૃત્યુની વાત સાંભળી. હવે હું નિરપરાધી છું, મને બાંધી રાખીને દુઃખી કરવો તમને શોભતું નથી.’

વ્યાધે કહ્યું, ‘મેં તારી અને મૃત્યુની વાત સાંભળી, પણ એનાથી તારી નિર્દોષતા સાબીત થતી નથી. મૃત્યુ અને તું આ જીવના વિનાશમાં કારણ છો, તમને બંનેને હું કારણ માનું છું. જે કારણ નથી તેને કારણ કહેતો નથી. સાધુઓને દુઃખી કરનાર દુરાત્મા મૃત્યુને ધિક્કાર છે, તું આ પાપનું કારણ છે, એટલે કે તારો તો વધ કરીશ જ.’

મૃત્યુએ કહ્યું, ‘અમે કાળથી પરવશ છીએ અમે તેની આજ્ઞાનું પાલન કરીએ છીએ. એટલે જો તમે સરખી રીતે વિચારો તો અમને દોષિત કહી નહીં શકો.’

વ્યાધે કહ્યું, ‘હે મૃત્યુ, હે પન્નગ, જો તમે બંને કાળવશ છો તો મને હર્ષ અને ક્રોધ કેમ થાય છે તે વાત સ્પષ્ટ કહો, મારે જાણવું છે.’

મૃત્યુએ કહ્યું, ‘આ જગતમાં બીજાં પ્રાણીઓમાં જે કાર્યો થાય છે તેના પ્રયોજક કાળ છે. હે વ્યાધ, કાળની પ્રેરણાથી જ બધું થાય છે. આ વાત મેં પહેલાં પણ તને કહી છે. અમે બંને કાળના વશ થઈને તેના આદેશનું પાલન કરીએ છીએ. એટલે તું આ બાબતમાં અમને દોષિત ઠરાવી નહીં શકે.’

ત્યાર પછી તો આ ધર્માર્થના વિષયમાં કાળ સ્વયં ત્યાં આવ્યા અને વ્યાધને, સાપને અને મૃત્યુને કહેવા લાગ્યા,

‘હે વ્યાધ, હું, આ મૃત્યુ, આ સાપ — અમે ત્રણે આ જીવના મૃત્યુની ઘટનામાં અપરાધી નથી. કોઈના મૃત્યુના પ્રયોજન નથી. આ બાળકે જેવું કર્મ કર્યું હતું તે કર્મ જ એના મૃત્યુનું પ્રેરક છે. એના વિનાશનું કારણ કોઈ બીજું નથી, આ જીવ પોતાના કર્મથી મૃત્યુ પામે છે. આ બાળકે જેવું કાર્ય કર્યું હતું તે પ્રમાણે જ એને મૃત્યુ પ્રાપ્ત થયું છે. એટલે તેનું કાર્ય જ તેના વિનાશનું કારણ છે. આપણે બધા કર્મના વશીભૂત છીએ. જગતમાં કર્મ જ પુત્રની જેમ લોકોનું અનુગમન કરે છે. કર્મ જ સુખદુઃખ, પાપપુણ્ય, સંબંધનું દ્યોતક છે. જેવી રીતે આ લોકમાં બધાં કર્મ પરસ્પરના પ્રયોજક હોય છે તેવી રીતે અમે બધા કર્મથી પ્રેરિત છીએ. જેવી રીતે કુંભાર માટીમાંથી ઈચ્છા પ્રમાણે ઘાટ બનાવે છે, મનુષ્ય પણ પોતે કરેલાં કર્મ પ્રમાણે ફળ મેળવે છે.’

કાળે આમ કહ્યું એટલે ગૌતમીએ નિશ્ચય કર્યો કે બધા લોકો પોતાના કર્મનું ફળ જ ભોગવે છે, અને તે અર્જુનકને કહેવા લાગી, ‘કાળ, સર્પ અને મૃત્યુ — આમાંથી કોઈ આ ઘટનાનું કારણ નથી. આ બાળક પોતાનાં કર્મોથી કાળ દ્વારા મૃત્યુ પામ્યો છે. મેં પણ પૃત્રશોકપ્રદ કર્મ કર્યું જેનાથી મારો પુત્ર પંચત્વ પામ્યો છે. એટલે અત્યારે કાળ, મૃત્યુ તેમના સ્થાને જાય. હે અર્જુનક, તું પણ આ સાપને છોડી દે.’

ત્યાર પછી કાળ, મૃત્યુ, સાપ જેવા આવ્યા હતા તેવા ગયા. અર્જુનક અને ગૌતમી શોકરહિત થયાં.

(અનુશાસન પર્વ, ૧)