ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ચન્દ્ર અને રોહિણીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચન્દ્ર અને રોહિણીની કથા

દક્ષ પ્રજાપતિએ પોતાની અનેક કન્યાઓમાંથી સત્તાવીસ કન્યાઓનો વિવાહ ચન્દ્ર સાથે કર્યો. તે બધી કન્યાઓ વિશાળ નેત્રોવાળી અને ખૂબ જ સુંદર હતી. પણ એ બધામાં સૌથી વધુ સુંદર રોહિણી હતી. એટલે ચન્દ્ર તેને સૌથી વધારે ચાહતા હતા. રોહિણી તેમની હૃદયસ્વામિની થઈ, તે હમેશા તેની જ સાથે સમય ગાળતા હતા. એટલે તેમની પત્નીઓ રિસાઈ ગઈ. તેઓ પિતા પાસે જઈને ફરિયાદ કરવા લાગી, ‘ચન્દ્રમા અમારી પાસે તો આવતા જ નથી, તે હમેશા રોહિણી સાથે જ રહે છે. એટલે હવે તમે તમારી પાસે રહીને તપ કરીશું.’

આ સાંભળી દક્ષે ચન્દ્રને કહ્યું, ‘તમે બધી પત્નીઓને સમાન ભાવે પ્રેમ કરો. તમને એનાથી બહુ મોટું પાપ નહીં લાગે.’

પછી દક્ષે પોતાની પુત્રીઓને કહ્યું, ‘તમે તમારે ઘેર જાઓ. મેં કહ્યું છે એટલે ચન્દ્ર તમને બધીને સારી રીતે રાખશે.’

દક્ષે તેમને વિદાય આપી એટલે તેઓ ચન્દ્રને ત્યાં ગઈ, પણ ચન્દ્ર તો ત્યાર પછી પણ રોહિણીને જ વધારે પ્રેમ કરતા રહ્યા. ફરી બધી કન્યાઓ પિતાને ત્યાં ગઈ અને કહ્યું, ‘ચન્દ્રમા અમારી સાથે તો રહેતા જ નથી. એટલે અમે બધી અહીં રહીને તત્પરતાથી તમારી સેવા કરીશું. તેમણે તમારી આજ્ઞા ન માની.’ ‘ચન્દ્ર, તમે બધી પત્નીઓને સમાન ભાવે ચાહો, નહીંતર હું તમને શાપ આપીશ.’

આમ કહીને બધીને વિદાય કરી, પણ ચન્દ્રે દક્ષની કોઈ વાત કાને ધરી નહીં, એ તો રોહિણી સાથે જ રહેતા હતા. ફરી બધી કન્યાઓ દક્ષ પાસે ગઈ અને બોલી, ‘ચન્દ્રે તમારી વાત માની જ નહીં, તે અમને પ્રેમ કરતા જ નથી, અમારી સાથે રહેતા જ નથી, રક્ષા કરો, ચન્દ્ર અમને પણ ચાહે એવો કોઈ ઉપાય કરો.’

કન્યાઓની વાત સાંભળીને દક્ષ બહુ ક્રોધે ભરાયા. ક્ષય રોગ પેદા કર્યો અને તે ચન્દ્રના શરીરમાં પેઠો. અને એને કારણે ચન્દ્ર દિવસે દિવસે ક્ષીણ થવા માંડ્યા. આ રોગમાંથી મુક્ત થવાના બહુ પ્રયત્ન કર્યા, યજ્ઞયાગાદિ કર્યા તો પણ શાપમુક્ત ન થઈ શક્યા. તેમના ક્ષીણ થવાને કારણે ઔષધિઓ ઉત્પન્ન થતી બંધ થઈ, જે ઉત્પન્ન થઈ તે પણ રસ, સત્ત્વ, સ્વાદ વિનાની થઈ. ઔષધિઓના નાશને કારણે બધાં પ્રાણીઓનો નાશ થવા માંડ્યો, ચન્દ્રના ક્ષયને કારણે બધી પ્રજા દુર્બળ અને ઝાંખી થઈ ગઈ. બધા દેવતા ચન્દ્ર પાસે જઈને કહેવા લાગ્યા, ‘તમારું રૂપ કેવી રીતે બદલાઈ ગયું? પહેલાંના જેવું તેજ કેમ નથી? તમે આનું કારણ કહો, આ ભય તમને કેવી રીતે ઘેરી વળ્યો? તમારી પાસેથી જાણીને અમે એનો કોઈ ઉપાય કરીશું.’

દેવતાઓની વાત સાંભળીને ચન્દ્રે દક્ષ પ્રજાપતિના શાપની વાત કરી. ચન્દ્રની વાત સાંભળીને બધા દેવ દક્ષ પ્રજાપતિ પાસે ગયા, ‘ભગવન્, હવે ચન્દ્ર ઉપર કૃપા કરીને તમે આ શાપ પાછો ખેંચી લો. ચન્દ્ર તો સાવ ખવાઈ ગયા છે, બહુ થોડો અંશ બાકી રહ્યો છે. તેમની આવી હાલતને કારણે બધા લોકો પણ ક્ષીણ થઈ ગયા છે. તમે કૃપા કરો. લતા, ઔષધિ, વિવિધ બીજ નહીં રહે, ઔષધિ નહીં હોય તો અમે ક્યાંથી ટકીશું? આ બધો વિચાર કરીને ચન્દ્ર પર કૃપા કરો.’

દેવતાઓની વાત સાંભળીને દક્ષે કહ્યું, ‘મારો શાપ મિથ્યા તો નહીં થાય પણ થોડો દૂર થશે. જો ચન્દ્ર પોતાની બધી પત્નીઓને સમાન ભાવે પ્રેમ કરે તો આ શાપ દૂર થઈ શકે. ચન્દ્રે સરસ્વતીના શ્રેષ્ઠ તીર્થમાં સ્નાન કરવાનું, તો તેમનું તેજ ફરી એવું જ થઈ જશે. મારી વાણી સત્ય છે. પણ થોડો શાપ તો રહેશે જ. અડધો મહિનો ચન્દ્ર ક્ષીણ થતા જશે અને અડધો મહિનો તેમની વૃદ્ધિ થતી રહેશે.’

દક્ષની આજ્ઞા સાંભળીને ચન્દ્ર સરસ્વતીના શ્રેષ્ઠ તીર્થ પ્રભાસમાં ગયા. ઋષિઓની આજ્ઞાથી અમાવાસ્યાને દિવસે સરસ્વતી તીર્થમાં સ્નાન કર્યું એટલે તેમનું તેજ વધી ગયું, શીતલ કિરણો મળ્યાં અને જગતને તેઓ પ્રકાશિત કરતા થયા. પછી બધા દેવતાઓએ દક્ષ પાસે જઈને તેમની વંદના કરી. બધા દેવતાઓને વિદાય કરીને ચન્દ્રને પ્રસન્નતાથી દક્ષ કહેવા લાગ્યા, ‘ તમે કદી સ્ત્રીઓનું કે બ્રાહ્મણોનું અપમાન ન કરતા. સાવચેતીપૂર્વક મારી આજ્ઞા પાળજો.’

એમ કહી ચન્દ્રને વિદાય આપી, પછી ચન્દ્ર પોતાને ઘેર ગયા. બધા દેવતા અને લોકો પહેલાંની જેમ જ રાજી થઈને રહેવા લાગ્યા.


(શલ્યપર્વ, ૩૪)