ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ચ્યવન ઋષિ અને કુશિકની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચ્યવન ઋષિ અને કુશિકની કથા

તપોનિધિ ચ્યવન ઋષિને એક વેળા મનોમન સમગ્ર ગુણ, દોષ અને બલાબલનો નિશ્ચય કરીને સમગ્ર કુશિકવંશને ભસ્મ કરી નાખવાની ઇચ્છા થઈ. તેઓ કુશિક પાસે જઈને બોલ્યા, ‘હે નિષ્પાપ, તમારી સાથે રહેવાનું મને મન થયું છે.’

કુશિકે કહ્યું, ‘હે ભગવન્, અતિથિસેવાનો ધર્મ પંડિત લોકો ધારણ કરે છે અને બુદ્ધિમાન વિદ્વાનો કન્યાદાનના સમયે આ ધર્મની વાત કરે છે. હે તપોધન, એ ધર્મમાર્ગનું પાલન અત્યાર સુધી થઈ ન શક્યું, એને હવે કર્તવ્ય સમજીને કરીશ, એટલે હવે મને આજ્ઞા કરો.’

કુશિક રાજાએ મહામુનિ ચ્યવનને બેસવા આસન આપ્યું અને મુનિ જ્યાં બેઠા હતા ત્યાં ભાર્યા સાથે તેઓ જઈ પહોંચ્યા. રાજાએ જલપાત્ર ગ્રહણ કરીને મુનિના પગ ધોવા પાણી આપ્યું અને તે મહાત્માના અર્ઘ્ય વગેરે કાર્યો સંપન્ન કર્યાં. ત્યાર પછી મહાનુભાવ, નિયતવ્રતી રાજાએ અવ્યગ્રપણે ચ્યવન ઋષિને યથાવિધિ મધુપર્ક આપ્યો. આમ વિપ્રવર્યનો સત્કાર કરી તેમણે પૂછ્યું, ‘હે ભગવન્, અમે બંને તમારી સેવામાં છીએ, કહો અમે શું કરીએ? હે મુનિ, જો રાજ્ય, ધન, ગાય, યજ્ઞ, દાનનું પ્રયોજન હોય તો મને આજ્ઞા કરો, હું તમને બધું દાન કરી શકું છું. આ ગુહ, રાજ્ય, ધર્માસન બધું જ તમારું છે, તમે જ રાજા છો, હું તમને અધીન સેવક છું.’

કુશિકે આમ કહ્યું એટલે ભાર્ગવ ચ્યવન પરમ હર્ષ પામીને તેમને કહેવા લાગ્યા, ‘હે રાજન, રાજ્ય, ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર, ગાય, દેશ, યજ્ઞ — આ કશાની મને ઇચ્છા નથી. મને જે ઇચ્છા છે તે સાંભળ. જો તારી ઇચ્છા હશે તો હું કોઈ નિયમ લઈશ. તમે બંને પતિપત્ની નિ:શંક હૃદયે મારી સેવા કરજો.’

આમ સાંભળીને દંપતીએ અત્યંત હર્ષ પામીને ઋષિને કહ્યું, ‘ભલે.’

રાજા કુશિક પ્રસન્ન થઈ તેમને મહેલમાં લઈ ગયા અને બધી દર્શનીય વસ્તુઓ દેખાડી. પછી તેમને કહ્યું, ‘હે તપોધન, આ શય્યા છે. તમે ઇચ્છાનુસાર અહીં નિવાસ કરો. અમે તમારી પ્રીતિ પૂરી કરવા પ્રયત્ન કરીશું.’

તેમનો વાર્તાલાપ ચાલતો હતો ત્યાં સૂર્ય આથમ્યો, ચ્યવન મુનિએ અન્ન અને જળ લાવવા કહ્યું, રાજા કુશિકે પ્રણામ કરી કહ્યું, ‘હે ભગવન, તમને કેવું અન્ન ગમશે? કેવા ભોજનની સામગ્રી મંગાવું?’

ચ્યવન ઋષિએ હર્ષ પામીને રાજાને ઉત્તર આપ્યો, ‘યુક્તિસંગત અન્ન લાવો.’ તે વચનનો આદર કરીને રાજા બોલ્યા, ‘એમ જ થશે.’ રાજાએ તેમને યુક્તિસંગત અન્ન આપ્યું. ધર્મજ્ઞ ચ્યવને ભોજન પછી દંપતીને કહ્યું, ‘હે રાજન્, હવે મને નિદ્રા આવે છે, એટલે સૂઈ જવા માગું છું.’

પછી ચ્યવન મુનિ શય્યાગૃહમાં જઈને સૂઈ ગયા. રાજા પત્ની સાથે ત્યાં તેમની સેવામાં રહ્યા. ભાર્ગવે કહ્યું, ‘હું સૂઈ જઉં તો મને ઉઠાડતા નહીં. તમે મારી ચરણસેવા કરતા કરતા રાત્રે જાગતા રહેજો.’ ધર્મજ્ઞ રાજાએ નિ:શંકપણે કહ્યું, ‘એમ જ થશે.’ રાત્રિ વીતી ગયા પછી પણ ન જગાડ્યા. તે દંપતી મહર્ષિની આજ્ઞા પ્રમાણે પ્રયત્ન કરીને તેમની સેવા કરવા લાગ્યા. ત્યારે ભગવાને રાજાને એકવીસ દિવસ સુધી નિદ્રાવસ્થામાં સમય વીતાવ્યો. રાજા કુશિક પત્ની સાથે નિરાહાર રહીને ચ્યવનની આજ્ઞા પ્રમાણે તેમની સેવામાં પ્રસન્ન રહી ઉપાસના કરવા લાગ્યા. પછી તપોધન ભાર્ગવ જાતે જ ઊઠ્યા અને કશું કહ્યા વગર બહાર નીકળ્યા. રાજા રાણી ભૂખથી પીડાતાં હતાં, શ્રમથી દુર્બળ હતાં, તો પણ તેમની પાછળ પાછળ ચાલ્યાં. મુનિએ તેમની સામે પણ જોયું નહીં. પત્ની સાથે રાજા કુશિક જોતા રહ્યા અને ભાર્ગવ ચ્યવન અદૃશ્ય થઈ ગયા, તે સાથે જ રાજા પૃથ્વી પર પડી ગયા. મુહૂર્ત વીત્યા પછી ધીરજપૂર્વક મહા તેજસ્વી રાજા ભાર્યા સાથે તેમને શોધવા લાગ્યા. ઋષિને ન જોયા પછી રાજા ભાર્યા સાથે પાછા આવ્યા, તે વખતે તેમની ચેતના જતી રહી હતી અને તેઓ લજ્જિત થયા હતા. દીન વદને તેઓ નગરમાં પ્રવેશી કોઈની સાથે બોલ્યા નહીં,

ચ્યવન મુનિના કાર્યની જ ચિંતા કરવા લાગ્યા. ત્યાર પછી શૂન્ય ચિત્તે પોતાના ભવનમાં પ્રવેશ કર્યો ત્યારે ભૃગુનંદનને તે જ શય્યા પર સૂતેલા જોયા. બંને જણ ઋષિને જોઈને અચરજ પામ્યા, આશ્ચર્યકારક ઘટના જોઈને વિચારવા લાગ્યા. મુનિના દર્શનથી એમનો થાક ઊતરી ગયો. યથાસ્થાને સ્થિર થઈ ફરી ઋષિની ચરણસેવા કરવા લાગ્યા. હવે મુનિ બીજા પડખે સૂઈને આરામ કરવા લાગ્યા.

ચ્યવન ઋષિ જેટલા દિવસ એક પડખે હતા એટલા દિવસ બીજે પડખે નિદ્રાધીન થયા. પતિપત્નીએ ભયથી શંકિત થઈને કોઈ રીતે પોતાના મનમાં વિકાર ન આવવા દીધો. જાગીને મુનિએ કહ્યું, ‘હવે મારા આખા શરીરે તેલ ચોળો, હું નાહીશ.’ બંને પતિપત્ની ભૂખ્યાં હતાં તો પણ એમનું વચન સ્વીકારી કિંમતી શતપાક તેલ લઈ આવ્યા અને સેવા કરવા લાગ્યા. મહાતપસ્વી ભાર્ગવે આ પર્યાપ્ત છે એવું કશું કહ્યું નહીં. જ્યારે ભાર્ગવે રાજારાણીને નિર્વિકાર જોયા ત્યારે સહસા ઊઠીને સ્નાનશાળામાં ગયા, ત્યાં રાજાને છાજે તેવી બધી જ વસ્તુ — સ્નાનજળ — તૈયાર હતી. રાજાના દેખતાં જ એ બધાનો અનાદર કરી મુનિ ત્યાંથી જ અંતર્ધાન થયા. દંપતીએ આ વિશે કશી અસૂયા ન કરી. પછી ભૃગુનંદને સ્નાન કરીને સિંહાસન પર બેસીને પતિપત્નીને દર્શન આપ્યાં. પત્નીની સાથે રાજા પ્રસન્ન ચિત્તે અને નિર્વિકાર રહીને નમ્રતાથી કહ્યું, ‘ભોજન તૈયાર છે.’ મુનિએ રાજાને ભોજન લાવવા કહ્યું. રાજા પત્ની સાથે બધું અન્ન લઈને મુનિ પાસે આવ્યા. અનેક પ્રકારનાં માંસ, વિવિધ શાક, વિવિધ પીણાં, રસાળ પિષ્ટક, મોદક, રસાળ અપૂપ(પૂરી), અનેક રસ, મુનિભોજન યોગ્ય વનફળ, વિચિત્ર ફળ, રાજ્યભોગ, બોર, ઈંગુદ, કાશ્મર્ય, ભલ્લાતક, ગૃહસ્થ અને વનવાસીને ખાવા યોગ્ય બધી સામગ્રી રાજાએ શાપના ભયથી મંગાવી હતી. ચ્યવન ઋષિ સામે આ બધી સામગ્રી ધરી. ચ્યવન મુનિએ બધી ભોજનસામગ્રીને, શય્યા — આસનને સફેદ સુંદર વસ્ત્રોમાં ઢાંકી ભોજનને, વસ્ત્રોને સળગાવી દીધાં. મહાવ્રતી દંપતીને ક્રોધ ન થયો. તેમના દેખતાં મુનિ પાછા અંતર્ધાન થઈ ગયા. શ્રીમાન રાજર્ષિ ભાર્યા સાથે મૌનવ્રત ધારણ કરી તે રાતે ઊભા રહ્યા, તે વખતે પણ તે ક્રોધે ન ભરાયા. રાજભવનમાં નિત્ય વિવિધ અન્ન અને ઉત્તમ શય્યા, ઘણા સ્નાનપાત્રો તૈયાર રખાતાં હતાં, અનેક પ્રકારનાં વસ્ત્ર તેમની સેવામાં રહેતાં હતાં, ચ્યવન ઋષિએ કોઈ ખામી જોઈ નહી; વિપ્રર્ષિએ ફરી રાજાને કહ્યું, ‘હું જ્યાં કહું ત્યાં મને તમે ભાર્યા સાથે રથમાં લઈ જાઓ.’

રાજાએ નિ:શંક થઈને મહર્ષિને કહ્યું, ‘એમ જ થશે. હે ભગવન્, અમે તમને ક્રીડારથમાં લઈ જઈએ કે યુદ્ધરથમાં લઈ જઈએ?’

રાજાએ જ્યારે પ્રસન્ન ચિત્તે મુનિને આમ કહ્યું ત્યારે ચ્યવન મુનિએ હર્ષપૂર્વક શત્રુના નગર પર વિજય પામનારા રાજાને કહ્યું, ‘તમારા યુદ્ધરથને જલદીથી સજ્જ કરો. તે રથમાં અસ્ત્ર-શસ્ત્ર, પતાકા, શક્તિ, કણયષ્ટિ મુકાવો.’ રથ સો કિંકિણી શબ્દથી સંપન્ન, તોમરોથી શોભતો, તલવારો અને સેંકડો ઉત્તમ બાણોથી ભરેલો હતો.

‘ભલે, એમ જ થશે.’ રાજાએ કહ્યું ને તે મહારથને સજ્જ કરીને આણ્યો. રથની ડાબી બાજુએ પત્નીને અને જમણી બાજુએ રાજાએ પોતાને રથ સાથે જોડ્યા. ત્રિદંષ્ટ્ર અને સોયની અણી જેવો એક ચાબુક પણ રથમાં મૂક્યો. આ બધું રથમાં ગોઠવીને રાજાએ કહ્યું, ‘હે ભૃગુનંદન, તમે કહો — હું રથને ક્યાં લઈ જઉં? હે વિપ્રર્ષિ, તમે જ્યાં કહેશો ત્યાં હુ રથને લઈ જઈશ.’

આ સાંભળીને ભગવંતે કહ્યું, ‘અહીંથી ધીરે ધીરે એક એક ડગલું ભરીશું. જેથી મને શ્રમ ન પડે, એ રીતે મારી ઇચ્છા પ્રમાણે તમે બંને ચાલો. તમે મને સુખ મળે એ રીતે રથને લઈ જાઓ અને બધાં લોકો એ જુએ. રસ્તામાંથી કોઈ પથિકને ખસેડતા નહીં. મારે એમને દાન આપવંુ છે. બ્રાહ્મણો મારી પાસે જે માગશે તે હું તેમને આપીશ, આ બધું તમે જોજો, એમાં બીજો કશો વિચાર ન કરતા.’

એ સાંભળીને રાજાએ સેવકોને કહ્યું, ‘મુનિ જે જે વસ્તુ માગે તે બધું નિ:શંક થઈને આપજો.’

ત્યાર પછી વિવિધ પ્રકારનાં રત્ન, સ્ત્રીવૃંદ, ઘેટાંબકરાં, સુવર્ણાલંકારો, પર્વત સમાન હાથીઓ સમેત રાજાના બધા મંત્રીઓ તે ઋષિની પાછળ પાછળ ચાલવા લાગ્યા. નગરવાસીઓ આર્ત થઈને હાહાકાર કરવા લાગ્યા. રાજા અને રાણી બંને તીક્ષ્ણ ચાબૂક દ્વારા માર ખાતા, આગલા કપાળ, પીઠ અને કમર પર ઘા થયા હોવા છતાં તેઓ નિર્વિકાર ભાવે રથ ખેંચતા હતા. તે બંને પચાસ રાત્રિ સુધી ઉપવાસ કરવાથી દૂબળા પડી ગયા હતા, તેમનાં શરીર કાંપી રહ્યાં હતાં, તો પણ તેઓ તે ઉત્તમ રથને ખેંચતા રહ્યા. તેઓ પુષ્કળ ઘવાયાં હતાં, તેમના ઘામાંથી લોહી નીકળતું હતું. એને કારણે તેઓ કેસૂડાનાં વૃક્ષ જેવા લાગતાં હતાં. નગરવાસીઓ તેમને જોઈને શોકપરાયણ થઈ ગયાં હતાં. અને મુનિના શાપના ભયને કારણે કશું કહી શકતાં ન હતાં. બબ્બે માણસો અંદરોઅંદર કહેવા લાગ્યા કે, ‘આ તપસ્યાનું ફળ જુઓ, આપણને ક્રોધ થયો હોવા છતાં કશું કહી શકતા નથી. આ મહર્ષિનું બળ જુઓ, પત્ની સમેત રાજાની અદ્ભુત ધીરજ જુઓ. આ બંને થાકી ગયા હોવા છતાં ખૂબ જ કષ્ટથી રથ ખેંચે છે, ભૃગુનંદને તેમનામાં વિકાર જરાય જોયો નથી. ત્યાર પછી ભૃગુનંદન ઋષિ તેમને નિર્વિકાર જોઈને કુબેરની જેમ તેમનું બહુ ધન દાનમાં આપવા લાગ્યા. તો પણ રાજા પ્રસન્ન ચિત્તે તેમને સૂચવેલાં કાર્ય કરવામાં અચકાયા નહીં, એટલે મુનિશ્રેષ્ઠ ભગવાન તેમના પર પ્રસન્ન થયા.

તે શ્રેષ્ઠ રથમાંથી ઊતરીને તે દંપતીને મુક્ત કર્યું. રથમાંથી મુક્ત કરીને વિધિવત્ તેમણે કહ્યું, ભાર્ગવ તે સમયે પ્રસન્ન ચિત્તે સ્નિગ્ધ, ગંભીર વચન બોલ્યા, ‘હું તમને શ્રેષ્ઠ વરદાન આપીશ, જે ઇચ્છા હોય તે કહો.’

તે વિદ્વાન મુનિશ્રેષ્ઠે સ્નેહપૂર્વક અમૃતમય હાથ વડે દંપતીનો સ્પર્શ કર્યો. રાજાએ કહ્યું, ’હે ભાર્ગવ, તમારી કૃપાથી અમને શ્રમ લાગ્યો નથી. અત્યારે તમારા પ્રભાવથી અને ધ્યાનથી શ્રમવિહીન થયા છીએ.’

ભગવાન ચ્યવને ત્યારે કહ્યું, ‘મેં પહેલાં જે કહ્યું છે તે વૃથા નહીં થાય. તે થશે જ. હે રાજા, પવિત્ર ગંગાતટ અત્યંત રમણીય છે, હું થોડો સમય વ્રતધારી થઈને અહીં રહીશ. હે પુત્ર, તમે નગરમાં જાઓ, વિશ્રામ કરીને ફરી અહીં આવજો, કાલે પત્ની સહિત તમે મને અહીં જ જોશો. તમે ક્રોધ ન કરતા, તમારા શ્રેયનો સમય આવી પહોંચ્યો છે, તમારા હૃદયની આકાંક્ષા પાર પડશે જ.’

આવું સાંભળીને કુશિક રાજા પ્રસન્ન ચિત્તે અર્થસભર બોલ્યા, ‘હે મહાભાગ, અમને ક્રોધ નથી. તમારી કૃપાથી પવિત્ર થયા છીએ. આ તેજ અને બળથી યુવાન થયા છીએ. મારા અને મારી પત્નીના શરીરમાં ચાબુક વડે જે ઘા તમે કર્યા હતા તે હવે અમારાં ગાત્રોમાં જોતો નથી. અત્યારે હું પત્ની સહિત સ્વસ્થ છું. હે મુનિ, આ દેવીને મેં પહેલાં જેવી જોઈ હતી તેનાથીય વિશેષ શ્રીથી સંપન્ન અને દિવ્ય અપ્સરા જેવી મનોહર જોઉં છું. હે મહામુનિ, તમારી કૃપાથી જ આ બધું બન્યું છે. હે સત્ય પરાક્રમી ભગવન્, તમારા જેવા મુનિઓ માટે કશું જ આશ્ચર્ય નથી.’

આ સાંભળીને ચ્યવન મુનિએ કુશિકને કહ્યું, ‘હે નરાધિપ, તમે કાલે પત્નીને લઈને અહીં આવજો.’

રાજા આ પ્રકારે સાંભળીને ઋષિને પ્રણામ કરીને તેમની આજ્ઞા પ્રમાણે દેવરાજ જેવી કાંતિવાળા શરીરે નગરમાં પ્રવેશ્યા. ત્યાર પછી પુરોહિતની સાથે અમાત્યો, સેનાપતિ, ગણિકાઓ સમેત બધા લોકો તેમની પાછળ પાછળ ચાલ્યા. પરમ શ્રીથી શોભતા રાજા પ્રજાથી ઘેરાઈને અત્યંત પ્રસન્નતાથી નગરમાં પ્રવેશ્યા, બંદીજનો તેમની સ્તુતિ કરતા હતા. નગરમાં પ્રવેશીને રાજાએ પહેલાંની જેમ ક્રિયાઓ કરી, પત્ની સાથે ભોજન કરીને રાત્રિ વીતાવી. તે સમયે તેઓ જરારહિત થયા, પરસ્પરનું દેવસદૃશ યૌવન તે દ્વિજશ્રેષ્ઠે આપેલા શ્રીસંપન્ન નવું શરીર ધારણ કરીને શયન કરી આનંદ પામ્યા.

ભૃગુકુળની કીર્તિ વધારનારા તપોધન ચ્યવને પોતાના સંકલ્પથી બહુવિધ રત્નોવાળું, અત્યંત રમણીય તપોવન ઊભું કર્યું અને શતક્રતુ(ઇન્દ્ર)ની અમરાવતીમાં પણ એ બધું દુર્લભ હતું.

રાત્રિ પૂરી થઈ એટલે મહામના રાજા જાગ્રત થયા અને નિત્ય કર્મો સમાપ્ત કરીને, પત્ની સાથે તપોવનમાં ગયા. ત્યાં પહોંચીને નૃપતિએ ગંધર્વનગર જેવો મણિઓથી જડેલા સહ સ્તંભોવાળો એક કાંચનમહેલ જોયો. રાજા ત્યાં તે બધા દિવ્ય પદાર્થો જોવા લાગ્યા. રમ્ય શિખરો, અલંકૃત પર્વત, કમલ પુષ્પવાળા નલિનીદલ, અનેક પ્રકારની ચિત્રશાળાઓ, વિવિધ તોરણો ત્યાં રાજાએ જોયાં. સુવર્ણપ્રસાદની ભૂમિ સોને મઢેલી હતી અને ક્યાંક લીલું ઘાસ હતું. ત્યાં આંબા, પ્રફુલ્લ કેતકી, ઉદ્રાલક, ધવ, અશોક, મુચકુંદ, પુષ્પિત અતિમુક્ત, ચંપો, તિલક, પનસ, વંજુલ, પુષ્પિત કર્ણિકાર(ગરમાળો)નાં વૃક્ષો ત્યાં હતાં. આ બધું તેમણે જોયું શ્યામ, વારણપુષ્પ, અષ્ટાપદિકા લતાઓને ચારે બાજુ વીંટળાયેલી રાજાએ જોઈ. ક્યાંક બધી ઋતુનાં પદ્મ, ઉત્પલ, અન્ય વૃક્ષોનાં ફૂલ; વિમાન જેવા, કમળ જેવા ઊંચા પ્રાસાદ જોયા, ક્યાંક ઉત્તમ શીતળ જળ, ક્યાંક ઉષ્ણ જલ, ક્યાંક વિચિત્ર આસનો અને ક્યાંક ઉત્તમ શય્યાઓ હતાં. બહુ મૂલ્ય આવરણોવાળા સુવર્ણપલંગો, અનેકવિધ ભોજનપદાર્થ ખૂબ જ સુંદર રીતે સજાવેલા હતા. વાણીકુશળ, શુક, સારિકા, ભૃંગરાજ, કોયલ, શતપત્ર, કોયષ્ટિક, કૂકડા, મયૂર, પુત્રક, જીવજીવક, ચકોર, વાનર, હંસ, સારસ, ચક્રવાક વગેરે અત્યંત મનોહર પક્ષીઓ ચારે બાજુ જોયાં. ક્યાંક ક્યાંક અપ્સરાઓ અને ગધર્વો, વિહાર કરતા હતા. ક્યાંક આલિંગનબદ્ધ સ્ત્રીપુરુષો જોયાં, ક્યારેક રાજા તેમને જોતા હતા, તે દેખાતા ન હતા.

રાજાએ ત્યાં ઉત્તમ મધુર ગીતધ્વનિ, વેદાધ્યયનના ધ્વનિ, હંસોની મધુર વાણી સાંભળી. રાજાએ તે અતિ અદ્ભુત દૃશ્ય જોઈને મનોમન વિચાર્યું કે આ સ્વપ્ન છે, ચિત્તભ્રમ છે કે બધું સત્ય છે? આશ્ચર્ય છે કે હું શરીર સાથે જ પરમ ગતિને પામ્યો છું, આ પવિત્ર ઉત્તમ કુરુદેશ છે કે અમરાવતી છે? અરે, હું જે અદ્ભુત જોઈ રહ્યો છું તે શું છે? આમ વિચારવા લાગ્યા. અને ત્યાં મુનિપુંગવને જોયા. મણિયુક્ત સ્તંભોવાળા સુવર્ણ — વિમાનમાં દિવ્ય શય્યા પર તે સૂતા હતા. તેમને જોઈને અતિ આનંદપૂર્વક રાજા પત્ની સાથે તેમની પાસે ગયા અને શય્યા સમેત ઋષિ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી રાજાએ તેમને બીજા વનપ્રદેશમાં, કુશના આસન પર તે મહાવ્રતધારી મુનિને જોયા. આમ તેમણે પોતાના યોગબળથી રાજાને મોહિત કરી દીધા. ત્યાર પછી તે વન, અપ્સરાગણ, ગંધર્વ, વૃક્ષો અદૃશ્ય થયાં. ગંગાકિનારો પાછો નિ:શબ્દ થયો. ત્યાં પહેલાંની જેમ કુશ અને વલ્મીક એવા ને એવા રહ્યા. પછી રાજા પત્ની સાથે ઋષિનું આવું પરમ અદ્ભુત કાર્ય જોઈને અત્યંત વિસ્મિત થયા. પછી હર્ષયુક્ત થઈને કુશિકે પત્નીને કહ્યું, ‘હે ભદ્રા, ઋષિની કૃપાથી અત્યંત દુર્લભ વિચિત્ર ઘટનાઓ જોઈએ છીએ. ભૃગુકુલશ્રેષ્ઠ મુનિના તપોબળ સિવાય આનું શું કારણ હોઈ શકે? જે મનોરથથી પ્રાપ્ત નથી થતું તે તપસ્યાથી પ્રાપ્ત થાય છે. ત્રિલોકના રાજ્યથી પણ તપસ્યા ચઢી જાય છે, ઉત્તમ તપસ્યા વડે જ એ તપોબળથી ઋષિ આ બધી માયા સર્જી શકે છે. મહાત્મા બ્રહ્મર્ષિ ચ્યવનનો પ્રભાવ કેવો છે? તેઓ તપોબળને કારણે ઇચ્છા કરવાથી બીજા લોક સર્જી શકે છે. બ્રાહ્મણો જ પુષ્ણવાક્ ઉત્તમ બુદ્ધિવાળા, પુણ્યકર્મી થઈને જન્મે છે, આ લોકમાં ચ્યવન મુનિ સિવાય આવું કાર્ય કરવા કોણ ઉત્સાહી થઈ શકે છે? આ લોકમાં મનુષ્યો માટે બ્રાહ્મણત્વ દુર્લભ છે. રાજ્ય સુલભ છે, બ્રાહ્મણત્વના પ્રભાવથી જ આપણે રથે જોડાયા હતા.’

રાજા આમ વિચાર કરતા હતા ત્યાં ચ્યવન મુનિને એમના આગમનની જાણ થઈ. રાજાને જોઈને તેમણે કહ્યું, ‘ત્વરાથી આવો.’

આ સાંભળીને રાજા પત્ની સાથે મહામુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને વંદનીય મુનિને મસ્તક નમાવી પ્રણામ કર્યાં. તે ધીમાન્ મુનિએ રાજાને આશિષ આપી, તેમને ધીરજ બંધાવીને બેસવા કહ્યું. ત્યાર પછી શાંત ચિત્તે ભાર્ગવ મુનિએ રાજાને તૃપ્ત કરતી વાણીંમાં કહ્યું, ‘હે રાજન્, તમે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને છઠ્ઠા મનને સંપૂર્ણ રીતે જીતી લીધાં છે, એટલે જ કલેશમુક્ત છો, તમે મારી પૂરેપૂરી પૂજા કરી છે, તમારામાં જરા જેટલુંય પાપ નથી. હવે મને મારા સ્થાને જવાની અનુમતિ આપો. જેવો આવ્યો હતો તેવો જઈશ. હું તમારા પર પ્રસન્ન છું, તમે વર માગો.’

કુશિકે કહ્યું, ‘હે ભૃગુશ્રેષ્ઠ, હું તમારી સામે અગ્નિમાં પડેલા પુરુષની જેમ રહીને ભસ્મ નથી થયો એ જ મારે માટે ઘણું છે. હે નિષ્પાપ ભૃગુનંદન, તમે મારા પર પ્રસન્ન થયા અને ઉત્તમ વ્યવહારથી મારું કુળ પવિત્ર થઈ ગયું એ જ મારું તો વરદાન છે. તમે મારા ઉપર કૃપા કરી, મારા જીવનનું પ્રયોજન સફળ થયું, આ જ મારા રાજ્ય અને તપસ્યાનું પરમ ફળ છે. હે ભૃગુનંદન, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મને જ્યાં સંશય છે તેનો મને ઉકેલ આપો.’

ચ્યવને કહ્યું, ‘હે નરશ્રેષ્ઠ, મારી પાસેથી વરદાન પણ પામો અને તમારા મનમાં જે શંકા છે તે પણ કહો, હું તમારી બધી કામનાઓ પૂરી કરીશ.’

કુશિકે કહ્યું, ‘હે ભગવન્ ભાર્ગવ, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મારા ઘરમાં તમે શા માટે નિવાસ કર્યો હતો. તે કહો, હું એ જાણવા માગું છું. હે મુનિપુંગવ, એકવીસ દિવસ એક જ પડખે સૂતા, કશું કહ્યા વિના જતા રહ્યા, અકસ્માત્ અંતર્ધાન થયા, ફરી પાછા દર્શન આપ્યાં. ફરી એકવીસ દિવસ બીજા પડખે સૂતા રહ્યા, તેલ ચોળાવીને જતા રહ્યા. મારા ઘરમાં વિવિધ ભોજનની સામગ્રી મંગાવી અગ્નિ વડે બાળી નાખી, સહસા રથમાં બેસીને ફર્યા, ધનનું દાન કર્યું, દિવ્ય વનનું પ્રદર્શન કર્યું, અનેક પ્રકારના સુવર્ણમય પ્રાસાદ પ્રગટાવ્યા. મણિ અને વિદ્રુમના પાયાવાળા પલંગો પ્રદર્શિત કર્યા, પછી એ બધું અદૃશ્ય કર્યું. હે મહામુનિ, આ બધાંનું કારણ જાણવાની મને ઇચ્છા છે. આ બધાં વિશે રાતદિવસ વિચાર કરતા અત્યંત મુગ્ધ થઈ ગયો છું. આ બધા વિશે વિચાર કરીને પણ હું કોઈ નિશ્ચય પર આવી શક્યો નથી, એટલે આ બધા વિશે સત્ય અને યથાર્થ રીતે જાણવા માગું છું.’

ચ્યવન ઋષિએ કહ્યું, ‘હે પાર્થિવ, આ બધી ઘટનાઓ જે કારણે થઈ છે તે તમે પૂર્ણ રૂપે સાંભળો. તમે આ પૂછ્યું એટલે હું કહ્યા વિના રહી શકતો નથી. ભૂતકાળમાં દેવતાઓ સમક્ષ બ્રહ્માએ જે કહ્યું હતું તે મેં સાંભળ્યું હતું. હું એ બધી વાત કરું છું. બ્રહ્માએ કહ્યું કે બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચે વિરોધને કારણે બંને કુળમાં સંકર થશે. તેજ અને પરાક્રમયુક્ત તમારો એક પૌત્ર જન્મશે. હું મારા વંશની રક્ષા કરવા માટે તમારી પાસે આવ્યો હતો. કુશિક વંશનો નાશ કરવાની કામના કરી તમારા કુટુંબને ભસ્મ કરવું હતું. મેં તમારા ઘરમાં રહીને તમારામાં કોઈ દોષ ન જોયો. એટલે જ હે રાજર્ષિ, તમે જીવો છો, નહીંતર મૃત્યુ પામત. આમ વિચારીને હું એકવીસ દિવસ એક પડખે સૂતો હતો, કે કોઈ મને વચ્ચે જગાડે, પરંતુ હે રાજવીશ્રેષ્ઠ, હું સૂઈ ગયો ત્યારે તમે તમારી પત્ની સાથે મારી સેવા કરતા રહ્યા.

મારો નિદ્રાભંગ ન કર્યો એટલે હું મનોમન પ્રસન્ન થયો, હે મહારાજ, હું ઊઠીને બહાર નીકળ્યો તે સમયે જો તમે મને પૂછ્યું હોત કે ક્યાં જાઓ છો તો હું તમને શાપ આપત. ફરી હું અંતર્ધાન થયો, પાછો હું તમારા ઘરે આવી યોગના આધારે એકવીસ દિવસ સૂઈગયો. તમે ભૂખે રિબાઈને કે શ્રમથી થાકીને મારી અસૂયા કરશો એવું વિચારીને જ મેં તમને ક્ષુધાથી પીડા પહોંચાડી હતી. હે રાજા, આટલું થયું છતાં તમારા અને તમારી પત્નીના મનમાં જરા જેટલોય ક્રોધ ન થયો, એટલે જ હું તમારા પર પ્રસન્ન થયો. ભોજનની બધી સામગ્રી મંગાવીને મેં બાળી નાખી, એનો ભાવાર્થ આવો હતો. જો તમે મત્સર બનીને મારા વિશે ક્રોધ કરશો તો હું તમને શાપ આપત, પણ તમે તે વખતે મને કશું કહ્યું નહીં. ત્યાર પછી રથ પર ચઢીને મેં કહ્યું કે તમે તમારી પત્ની સાથે રથ સાથે જોતરાઓ. તમે એ પણ કર્યું. તમે જરાય શંકા વિના રથ હાક્યો, હું તમારા પર પ્રસન્ન થયો. તમારું ધન જ્યારે લોકોને દાન કરતો હતો ત્યારે પણ તમે ક્રોધ ન કર્યો. એટલા જ માટે હું તમારા પર, તમારી પત્ની પર પ્રસન્ન થયો. ફરી મેં વન સર્જ્યું તમારી પ્રસન્નતા માટે, મેં તમને સ્વર્ગ દેખાડ્યું. એ વનની વચ્ચે તમે દિવ્ય દર્શન કર્યું. તે સ્વર્ગની એક ઝાંખી હતી. આ જ શરીર વડે તમે બંનેએ ઘડીભર સ્વર્ગસુખનો અનુભવ કર્યો. તપસ્યા અને ધર્મનો પ્રભાવ બતાવવા માટે મેં આમ કર્યું હતું. તે સમયે આ બધું જોઈને તમારા મનમાં જે ઇચ્છા થઈ તેની પણ મને જાણ થઈ. તમે નરેન્દ્રત્વ કે, દેવેન્દ્રપદને બાજુ પર મૂકીને બ્રાહ્મણત્વની અને તપસ્વીની આકાંક્ષા કરી છે. તમે બ્રાહ્મણત્વને દુર્લભ કહ્યું તે સાચું છે. બ્રાહ્મણત્વ મળ્યા પછી ઋષિત્વ દુર્લભ છે, ઋષિત્વ મળ્યા પછી તપસ્વિતા વિશેષ દુર્લભ છે. તમારી આ કામના પૂરી થશે. કુશિક વડે કૌશિક દ્વિજ જન્મશે, તમારી ત્રીજી પેઢીએ બ્રાહ્મણત્વ પ્રગટશે. ભૃગવંશીઓના તેજથી તમારો વંશ બ્રાહ્મણત્વ પામશે.

તમારો પૌત્ર તપસ્વી થશે, અગ્નિસદૃશ તેજસ્વી બ્રાહ્મણ થશે. તે દેવવૃંદ, મનુષ્ય અને ત્રણે લોકમાં ભય પ્રગટાવશે. હું તમને આ સત્ય કહું છું. હે રાજર્ષિ, ‘તમને જે અભિલાષા મનમાં હોય તે માગો. હું તીર્થાટન કરવા જઉં છું. સમય વીતી રહ્યો છે.’

કુશિકે કહ્યું, ‘હે મહામુનિ, તમે મારા પર પ્રસન્ન થયા છો એ જ મારા માટે વરદાન છે. હે નિષ્પાપ, તમે જે કહો છો તે સત્ય થાઓ. મારો પૌત્ર તપસ્વી બ્રાહ્મણ જ થાય. મારું કુળ બ્રાહ્મણનું થાય એ જ મારે માટે વરદાન છે. ભગવન્, મારી ઇચ્છા છે કે આ વાત તમે વિસ્તારથી કહો, હું સાંભળવા માગું છું. હે ભૃગુનંદન, કેવી રીતે મારા કુળમાં બ્રાહ્મણત્વ આવશે? મારો સમ્માનિત બાંધવ કોણ હશે?’

ચ્યવને કહ્યું, ‘હે રાજન, જે નિમિત્તે હું તમારો વિનાશ કરવા આવ્યો હતો તે મારે તમને કહેવું જોઈએ. હું રાજન, ક્ષત્રિયો ભૃગુવંશીઓના પહેલેથી યજમાન છે. દૈવવશ એમાં વિભિન્નતા છે. બધા ક્ષત્રિયો દૈવદંડથી પીડાઈને ભૃગુવંશીઓની હત્યા કરશે અને તેમના ગર્ભોનોય નાશ કરશે. ત્યાર પછી અમારા કુળમાં ભાર્ગવ ગોત્રની વૃદ્ધિ કરનાર અગ્નિદેવ તથા સૂર્ય સમાન તેજસ્વી ઔર્વ નામનો મહાતેજસ્વી પુરુષ થશે. તે ત્રણે લોકનો નાશ કરવા કોપાગ્નિ પ્રગટાવશે. તે અગ્નિ પર્વતો અને વનો સમેત પૃથ્વીમંડળને ભસ્મ કરશે. થોડા સમય પછી તે મુનિશ્રેષ્ઠ સમુદ્રમાં વડવાનલના મોઢામાં તે અગ્નિને નાખીને શાંત કરશે. હે નિષ્પાપ, તેમનો પુત્ર ભૃગુનંદન ઋચીક પાસે સમસ્ત ધનુર્વેદ લઈ ઉપસ્થિત થશે. દૈવ કારણથી ક્ષત્રિયોનો નાશ કરવા તે ધનુર્વેદ ધારણ કરી પોતાના પુત્રને તેની શિક્ષા આપશે. તે તપસ્યા વડે શુદ્ધ ચિત્તવાળા મહાભાગ જમદગ્નિ થશે, ભૃગુશ્રેષ્ઠ જમદગ્નિ એ ધનુર્વેદ ઝીલશે. હે નૃપશ્રેષ્ઠ, તે ઋચીક તમારા કુળની ઉન્નતિ માટે તમારા વંશની કન્યા સાથે પરણશે. મહાતપસ્વી ઋચીક તમારી પૌત્રી અને ગાધિની પુત્રીને પામીને તેના ગર્ભથી ક્ષત્રિયધર્મી બ્રાહ્મણ પુત્ર રામને જન્મ આપશે.

હે મહાતેજસ્વી રાજન, તમારા વંશમાં ગાધિ દ્વારા મહાતેજસ્વી, તેજમાં બૃહસ્પતિ જેવો, અત્યંત ધાર્મિક, મહા તપસ્વી, વિપ્રકર્મ કરનાર વિશ્વામિત્ર નામના ક્ષત્રિયપુત્રને જન્મ આપશે. પિતામહની આજ્ઞાથી તે પરિવર્તનના વિષયમાં ગાધિની પત્ની અને પુત્રી — નિમિત બનશે. આ અન્યથા નહીં, તમારી ત્રીજી પેઢી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરશે. તમે ભાર્ગવોના સંબંધી થશો.’

તે સમયે ધર્માત્મા રાજા કુશિકે ચ્યવન મુનિનું આ વચન સાંભળીને આનંદ પામીને કહ્યું, ‘ભલે એમ થાઓ.’

મહાતેજસ્વી ચ્યવને ફરી રાજાને પાસે વરદાન માગવા કહ્યું, ત્યારે રાજાએ કહ્યું,

‘હે મહામુનિ, તમારી પાસે હું વરદાન માગું છું. મારો વંશ બ્રાહ્મણકુળમાં વિકસે અને વંશ ધર્મમાં આસ્થા રાખે.’

રાજાની વાત સાંભળી ચ્યવન મુનિએ કહ્યું, ‘ભલે એમ થશે.’ ત્યાર પછી રાજાની અનુમતિ લઈ ઋષિ તીર્થાટન કરવા નીકળ્યા.

(અનુશાસન, ૫૨થી ૫૬)