ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દધીચ અને સરસ્વતી
પ્રાચીન કાળમાં જિતેન્દ્રિય અને બુદ્ધિમાન દધીચ નામના ઋષિ હતા. તેમના ઉગ્ર તપને કારણે ઇન્દ્ર હમેશાં ડરતા હતા. અનેક પ્રકારના લોભ દેખાડ્યા છતાં તેઓ કશાથી મોહ પામતા ન હતા. ઇન્દ્રે અતિ સુંદર અલંબુસા અપ્સરાને તેમના તપોભંગ માટે મોકલી. સરસ્વતી નદીમાં દેવતાઓના તર્પણ કરતા દધીચ ઋષિ પાસે આવીને તે ઊભી રહી ગઈ. તે સુંદર અપ્સરાને જોઈને દધીચ ઋષિનું વીર્ય સરસ્વતી નદીમાં પડ્યું. એ મહા નદીએ પુત્ર માટે તે વીર્યને પોતાના ઉદરમાં સંગ્રહી લીધું અને તે સગર્ભા થઈ, પછી પુત્ર જન્મ્યો, એ પુત્ર લઈને તે દધીચ ઋષિ પાસે ગઈ. બીજા ઋષિઓની વચ્ચે બેઠેલા દધીચ ઋષિને એ પુત્ર આપ્યો, ‘લો, આ તમારો પુત્ર છે. તમારા માટે મને ભક્તિભાવ હોવાથી મેં એ ગર્ભ સાચવ્યો હતો. તમે જ્યારે અલમ્બુસા અપ્સરાને જોઈ ત્યારે તમારું વીર્ય પાણીમાં પડ્યું, તમારા પર ભક્તિભાવ હોવાને કારણે મેં એ વીર્ય ધારણ કર્યું. તમારું તેજ નષ્ટ ન થાય એવો વિચાર મને આવ્યો હતો. તો હવે આ ઉત્તમ પુત્રને લો.’
સરસ્વતીની એ વાત સાંભળીને દધીચ ઋષિએ પ્રસન્ન થઈને પુત્ર સ્વીકાર્યો; પુત્રને ગળે વળગાડ્યો, તેનું મસ્તક સૂંઘ્યું. પછી સરસ્વતીને વરદાન આપ્યું, ‘હે સરસ્વતી, તારા જળમાં તર્પણ કરવાથી વિશ્વદેવ, પિતૃઓ, અપ્સરાઓ, ગંધર્વો તૃપ્ત થશે.’ એમ કહી દધીચ સરસ્વતીની સ્તુતિ કરવા લાગ્યા.
‘તું પહેલાં સરોવરમાંથી પ્રગટી હતી. મહાવ્રતધારી મુનિઓ તને જાણે છે. તેં મારું પ્રિય કાર્ય સદા કર્યું છે. આ તારો મહાન પુત્ર સારસ્વત. એ તારા નામથી સારસ્વત તરીકે વિખ્યાત થશે. બાર વરસનો જ્યારે દુકાળ પડશે ત્યારે શ્રેષ્ઠ બ્રાહ્મણોને તે વેદાભ્યાસ કરાવશે. તું મારી કૃપાથી બધી પવિત્ર નદીઓમાં સર્વશ્રેષ્ઠ થઈશ.’
ઋષિની આ વાણી સાંભળીને, વરદાન પામીને સરસ્વતી તે પુત્રને પ્રસન્ન થઈને ઘેર લઈ ગઈ.
પછી જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે દધીચિ ઋષિનાં હાડકાંમાંથી બનાવેલા વજ્ર વડે ઇન્દ્રે ઘણા બધા રાક્ષસોને મારી નાખ્યા...
પછી બાર વર્ષનો ઘોર દુકાળ પડ્યો. એ દુકાળમાં મોટા મોટા ઋષિઓ ભૂખે વ્યાકુળ થઈને બધી દિશાઓમાં આમ તેમ ભટકવા લાગ્યા. તેમને ભટકતા જોઈ સારસ્વત મુનિને પણ બીજે જવાનું મન થયું. ત્યારે સરસ્વતીએ કહ્યું, ‘પુત્ર, તું અહીંથી ક્યાંય ન જઈશ. હું તને તારા માટે દરરોજ માછલી આપીશ. તું ખાઈને અહીં જ રહેજે.’
સરસ્વતીની વાત સાંભળીને સારસ્વત ત્યાં જ રોકાઈ ગયા અને દેવતા-પિતૃઓનું તર્પણ કરતા રહ્યા. દરરોજ ભોજન કરી પોતાના શરીરની રક્ષા કરતાં કરતાં વેદાભ્યાસ ચાલુ રાખ્યો. બાર વર્ષનો દુકાળ પૂરો થયો. હવે મહર્ષિઓ અધ્યયન માટે એકબીજાને પૂછવા લાગ્યા, ભૂખે વ્યાકુળ થઈને આમતેમ દોડ્યા કરવામાં ઋષિઓ વેદ ભૂલી ગયા હતા, વેદને યાદ રાખનાર કોઈ ન હતું. તેમાંથી કેટલાક ઋષિ સ્વાધ્યાય માટે સારસ્વત પાસે આવ્યા. એક મુનિએ નિર્જન વનમાં બેઠેલા વેદપાઠી મહામુનિ સારસ્વતને દેવતાસમાન તેજસ્વી જોયા; પછી તેમણે બીજા બધા ઋષિઓને કહી દીધું. તેઓ સારસ્વત પાસે આવીને બોલ્યા, ‘તમે અમને વેદ શીખવો.’
‘તમે બધા વિધિપૂર્વક મારા શિષ્ય બની જાઓ.’
‘તમે તો હજુ બાળક છો, અમને શિષ્ય કેવી રીતે બનાવશો?’
‘ધર્મ નષ્ટ થવો ન જોઈએ. જે અધર્મથી વેદોનું પ્રવચન કરે છે અને જે અધર્મથી વેદ સાંભળે છે તે બંનેનો વિનાશ થાય છે, નહીંતર એક બીજાના શત્રુ થઈ જાય છે. બ્રાહ્મણો મોટી ઉમર, વૃદ્ધત્વ, ધન, બંધુઓથી પોતાની જાતને મોટા માનતા ન હતા. ઋષિઓએ તો એમ જ કહ્યું છે કે જે કોઈ વેદોનું પ્રવચન કરી શકે તે જ મોટી વ્યક્તિ.’
સારસ્વતની આ વાત સાંભળી બધા ઋષિઓ વિધિપૂર્વક તેમના શિષ્ય બની ગયા અને તેમની પાસેથી વેદ જાણીને ધર્માચરણ કરવા લાગ્યા. સાઠ હજાર ઋષિઓ સારસ્વતના આસન માટે એક એક મૂઠી કુશ ઘાસ લાવતા હતા. અને તે બાળઋષિની આજ્ઞાનું પાલન કરતા હતા.
(શલ્ય પર્વ, ૫૦)