ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વૃષાદર્ભિ અને સપ્તર્ષિઓની કથા
કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, ભરદ્વાજ, ગૌતમ, વિશ્વામિત્ર, અને જમદગ્નિ — આ સપ્તર્ષિઓ હતા. (અન્યત્ર મરીચિ, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠને સપ્તર્ષિ કહ્યા છે.) વળી સાધ્વી અરુંધતી પણ. આ બધાની એક સેવિકા ગંડા હતી, તેનો પતિ પશુસખ નામે શૂદ્ર હતો. તે સૌ સનાતન બ્રહ્મલોક પામવા આ પૃથ્વી પર તપ કરતા કરતા વિહરતા હતા. એક કાળે બહુ સમય સુધી વર્ષા ન થઈ, તે વખતે બધા જ ક્ષુધાતુર થઈને બહુ મુશ્કેલીએ જીવી રહ્યા હતા. ભૂતકાળમાં કોઈ યજ્ઞમાં યજ્ઞકર્તા શિવિરાજના પુત્રે ઋત્વિજોને દક્ષિણા પેટે પોતાનો પુત્ર આપી દીધો હતો. તે અલ્પાયુ હોવાથી મૃત્યુ પામ્યો. ક્ષુધાથી પીડાતા તે ઋષિઓ તે મૃત પુત્રને ચોતરફથી ઘેરીને ઊભા રહ્યા. ક્ષુધાર્ત ઋષિઓ યાજકના પુત્રને મરેલો જોઈ તેને સ્થાલીમાં રાંધ્યો. આ મર્ત્યલોકમાં અન્ન ન હોવાને કારણે તપસ્વીઓએ શરીરરક્ષા કરવા કૃચ્છવૃત્તિ અપનાવી હતી.
મહીપતિ (પૃથ્વીપતિ) શૈવ્ય વૃષાદર્ભિએ માર્ગમાંં ક્લેશયુક્ત ઋષિઓને રાંધતા જોયા. તેમણે કહ્યું, ‘દાન લેવાથી પુરુષ દુર્ભિક્ષ(દુકાળ) અને ભૂખના દુઃખમાંથી મુક્ત થાય છે. હે તપોધનો, પુષ્ટિ માટે તમે પ્રતિગ્રહ સ્વીકારો. મારી પાસે જે ધન છે તે તમે માગો. યાચક બ્રાહ્મણ મને પ્રિય છે. હું તમને પ્રત્યેકને એક હજાર ખચ્ચરી આપું, તમને વૃષભ સાથે શીઘ્રગા સફેદ રૂપોવાળી સારી રીતે પ્રસૂતિ પામેલી ગાયો આપું. એક કુળનો ભાર વહેવામાં સમર્થ એવા દસ હજાર બળદ આપું, પહેલી જ વાર ગાભણી થયેલી યુવાન, શ્રેષ્ઠ પ્રકૃતિવાળી, ઉત્તમ દૂધાળુ ગાયો આપું.
ઉત્તમ ગ્રામ, ડાંગર, જવ, રસ, રત્ન અને એ ઉપરાંત જે બધી દુર્લભ વસ્તુઓ છે તે આપી શકું છું, કહો આમાંથી શું આપું? તમે આ અભક્ષ્ય પદાર્થની ઇચ્છા ન કરો. તમારા લોકોના પોષણ માટે શું આપું?’
ઋષિઓએ કહ્યું, ‘હે રાજન્, રાજાઓનાં દાન ઉપર ઉપરથી મધુર હોય છે. પણ ઊંડેથી વિષ જેવાં હોય છે. તમે એ વાત જાણવા છતાં અમને પ્રલોભન કેમ આપો છો? દેવતાઓને બ્રાહ્મણના શરીરનો આશરો છે, દેવસ્વરૂપ બ્રાહ્મણ તપસ્યા દ્વારા શુદ્ધ થાય છે, પ્રસન્ન થાય છે અને દેવતાઓને પ્રસન્ન કરે છે. એક દિવસમાં બ્રાહ્મણ જે તપસ્યા કરે છે તે કદાચ રાજાનો પ્રતિગ્રહ દાવાનળની જેમ તેનો વિનાશ કરે છે. હે રાજન, દાન સમેત તમે સદા કુશળ રહો. તમે યાચકોને બધાનું દાન કરો.’ એમ કહી ઋષિઓ બીજે માર્ગે ચાલ્યા ગયા. તેઓ જે માંસ રાંધતા હતા તે અપક્વ જ રહી ગયું. તે બધા ઋષિઓ એ ત્યજીને આહાર માટે વનમાં ગયા. ત્યાર પછી રાજાએ મંત્રીઓને વનમાં મોકલીને તેમની પાસે ઉમરાનાં ફળ તોડાવી ઋષિઓને તેનું દાન કરવાનો પ્રયાસ કર્યો. મંત્રીઓએ ઉમરાનાં અને બીજાં વૃક્ષોનાં ફળમાં સુવર્ણમુદ્રાઓ ભરી, એ સુવર્ણભરેલાં ફળ ઋષિઓને આપવા દોડી ગયા. તે બધા વજનદાર ફળને ઋષિઓ ઓળખી ગયાં, તેમને અગ્રાહ્ય સમજીને અત્રિ બોલ્યા, ‘અમે મૂઢ કે મંદબુદ્ધિ નથી. અમને જાણ છે કે આ ફળ સુવર્ણથી ભરેલાં છે, એટલે સાવધ રહીને અમે જાગૃત રહીએ છીએ. આ લોકમાં આને ગ્રહણ કરવાથી પરલોકમાં અમારે ભારે કિંમત ચૂકવવી પડશે. આ લોકમાં અને પરલોકમાં જે સુખ પામવા માગે છે તેને માટે આ અગ્રાહ્ય છે.’
અને એ રીતે બધા ઋષિઓએ આવા દાનની નિંદા કરી.
અરુંધતીએ કહ્યું, ‘આ લોકમાં ધર્મ માટે દ્રવ્યસંચયની ભલામણ કેટલાક કરે છે પણ આ લોકમાં દ્રવ્યસંચય કરતાં તપસ્યાસંચય વધુ ઇષ્ટ છે.’
ગંડાએ કહ્યું, ‘મારા સ્વામી અત્યંત બળવાન હોવા છતાં આ પ્રતિગ્રહના પ્રચંડ ભયથી ડરી રહ્યા છે ત્યારે મને નિર્બળને વધુ ભય લાગે છે.’
પશુસખે કહ્યું, ‘લોભ વગેરે દોષથી ધર્મભ્રષ્ટ થવાથી શ્રેષ્ઠ સ્થાન મળતું નથી. બ્રાહ્મણો આ સ્થાનને જ ધન માને છે. એટલે હું ઉત્તમ શિક્ષા માટે આ વિદ્વાનોની ઉપાસના કરું છું.’
ઋષિઓએ કહ્યું, ‘જેની પ્રજા ભ્રામક ફળદાન કરવા આપે છે અને જે ફળ રૂપે સુવર્ણનું દાન કરે છે તે રાજા દાનસમેત કુશળ રહે.’ આમ કહીને તે વ્રતધારી ઋષિઓ ફળો ત્યજીને બીજે ચાલી ગયા.
રાજા વૃષાદર્ભિ સેવકોની વાત સાંભળીને કોપાયમાન થયા અને એના પ્રતિકારનો નિશ્ચય કરીને ઘેર જતા રહ્યા. તેમણે આહવનીય અગ્નિ પાસે જઈ આકરા નિયમો પાળીને પવિત્ર સંસ્કૃત મંત્રો દ્વારા એક એક આહુતિ આપવાની શરૂઆત કરી. તે અગ્નિમાંથી લોકભયંકરી એક કૃત્યા નીકળી, રાજાએ તેનું નામ યાતુધાની રાખ્યું. કાલરાત્રિના જેવી તે કૃત્યા હાથ જોડીને વૃષાદભિ પાસે ઊભી રહી અને બોલી, ‘હું શું કરું?’
રાજાએ કહ્યું, ‘સપ્તર્ષિઓ અને અરુંધતી પાસે જા, તે બધાના તથા દાસીના અને તેના પતિના નામના અર્થ મનોમન પામી લે. અને તે બધાનાં નામ જાણીને બધાંનો નાશ કર, તેમના વિનાશ પછી જ્યાં જવું હોય ત્યાં જજે.’
યાતુધાની સ્વરૂપિણી ‘એમ જ કરીશ’ કહીને જે વનમાં મહર્ષિઓ વિહરતા હતા ત્યાં ગઈ.
અત્રિ અને બીજા ઋષિઓ તે વનમાં ફળમૂળ ખાઈને ફરતા હતા. તે સમયે તેમણે મોટા, સુંદર ખભાવાળા, હાથપગમુખ પેટ ધરાવતા એક સ્થૂળ શરીરવાળા પરિવ્રાજકને કૂતરા સાથે જોયો. અરુંધતી તે સર્વાંગે સુંદર પરિવ્રાજકને જોઈ ઋષિઓને કહેવાં લાગ્યાં, ‘શું તમે આવા નહીં થાઓ?’
વસિષ્ઠે કહ્યું, ‘આપણી જેમ તેને આજે અગ્નિહોત્ર થયો કે નહીં, સવાર સાંજ હોમ કરવો જોઈએ તેની ચિંતા નથી. એટલે કૂતરા સમેત તે મોટો થયો છે.’
અત્રિએ કહ્યું, ‘ભૂખને કારણે આપણી શક્તિ ઓછી થઈ છે. અને મહામહેનતે શીખેલી વેદવિદ્યા નષ્ટ થઈ છે તેવી રીતે આની નથી થઈ, એટલે જ તે કૂતરાની સાથે પુષ્ટ થયો છે.’
વિશ્વામિત્રે કહ્યું, ‘ભૂખને કારણે આપણો શાસ્ત્રોક્ત પ્રતિપાદિત ધર્મ જેવી રીતે જીર્ણ થયો છે તેવી રીતે આનો નથી થયો, આ આળસુ છે, માત્ર ભૂખ સંતોષવા જ તે પુરુષાર્થ કરે છે, એટલે જ તે કૂતરા સાથે પુષ્ટ થયો છે.’
જમદગ્નિએ કહ્યું, ‘આપણે જેવી રીતે વરસ ભરના અન્ન અને કાષ્ઠની ચિંતા કરીએ છીએ તેવી રીતે તેને કશી ચિંતા કરવી પડતી નથી, એટલે તે કૂતરા સમેત પુષ્ટ છે.’
કશ્યપે કહ્યું, ‘જેવી રીતે આપણા ચાર ભાઈઓ ‘અન્ન આપો, અન્ન આપો,’ કહીને ભોજન માગે છે તેવી રીતે તેને કશી ચિંતા નથી, એટલે તે કૂતરા સમેત પુષ્ટ છે.’
ભરદ્વાજે કહ્યું, ‘આપણને જેવી રીતે પત્નીના કલંકિતપણાનો શોક છે તેવો કોઈ શોક આ વિચારશૂન્ય બ્રાહ્મણને થયો નથી. તેથી આ પુરુષ કૂતરાની સાથે પુષ્ટ છે.’
ગૌતમે કહ્યું, ‘આપણી જેમ કુશથી ગૂંથેલી મેખલા અને મૃગચર્મ આ પુરુષને ત્રણ વર્ષ સુધી ધારણ કરવી પડી નથી. એટલે આ પુરુષ કૂતરાની સાથે સાથે પુષ્ટ થયો છે.’
ત્યાર પછી કૂતરાને લઈને આવેલા તે સંન્યાસીએ મહર્ષિઓને જોઈને તેમની પાસે જઈ, યથાન્યાય તેમનો સ્પર્શ કર્યો.
તેમણે પરસ્પર કુશળ સમાચાર કહ્યા અને પછી કહ્યું, ‘અમે ક્ષુધાતૃપ્તિ માટે આ વનમાં ભ્રમણ કરી રહ્યા છીએ.’ પછી તેઓ ભેગા મળીને રહેવા લાગ્યા.
તે બધાનો એક નિશ્ચય હતો, બધાનું કાર્ય એક જ હતું. વનમાં ફળમૂળનો સંગ્રહ કરીને વિહરવા લાગ્યા. એક વેળા તેમણે ભમતાં ભમતાં ઉત્તમ વિરલ વૃક્ષોથી ઘેરાયેલું, સ્વચ્છ — પવિત્ર જલવાળું એક સુંદર સરોવર જોયું. તે પ્રાત:કાળના સૂર્ય જેવું રાતા કમળથી શોભતું હતું, વૈડૂર્ય મણિના વર્ણ જેવા પદ્મપત્રોથી પૂર્ણ હતું. ત્યાં જળચર પક્ષીઓ હતાં. તેમાં પ્રવેશ માટે એક દ્વાર હતું, કોઈ કમળ કે પાણી લઈ શકે એમ ન હતું. ત્યાં ઊતરવા માટે પગથિયાં હતાં. કાદવ ન હતો.
વૃષાદર્ભિ રાજાએ મોકલેલી વિકૃત દેખાવની કૃત્યા અર્થાત્ યાતુધાની તે સરોવરરક્ષક હતી. શુનસખ સમેત બધા મહર્ષિઓ મૃણાલ(કમળ) માટે તે કૃત્યારક્ષિત સરોવર પર ગયા. મહર્ષિઓએ સરોવરના કિનારે અત્યંત વિકરાળ યાતુધાનીને જોઈ. તેમણે પૂછ્યું, ‘તું એકલી અહીં કોના માટે રહે છે? સરોવરના કિનારાનો આશ્રય લઈ રહેવાનો હેતુ કયો? તું શું કરવા માગે છે તે કહે.’
યાતુધાનીએ કહ્યું, ‘હું ગમે તે હોઉં, તમારે મને કશું પૂછવું ન જોઈએ. હે તપોધનો, આ સરોવરની હું રક્ષક છું. એટલું જાણો.’
ઋષિઓએ કહ્યું, ‘અમને ખૂબ તરસ લાગી છે, અમારી પાસે ખાવાનું કશું નથી, તું રજા આપે તો અમે મૃણાલ લઈએ.’
યાતુધાનીએ કહ્યું, ‘તમે એક શરતે કમળ લઈ શકશો. એક એક જઈ પોતાનું નામ અને તેનો અર્થ કહીને મૃણાલ લો, વિલંબ ન કરતા.’
ક્ષુધાથી વ્યાકુળ ચિત્તવાળા અત્રિએ જાણી લીધું કે આ કૃત્યા ઋષિઓને મારી નાખવા માગે છે.
તેમણે કહ્યું, ‘જે આ સમગ્ર સંસારને પાપમાંથી બચાવે છે તેને અત્રિ કહેવામાં આવે છે. જે પાપથી રક્ષે છે તે અત્રિ છે. જે કામ ક્રોધ જેવા શત્રુ જેનો આધાર લે છે તેને અર એટલે કે પાપ કહે છે, જે પાપથી બચાવે છે તે અરાત્રિ છે, એટલે જે અરાત્રિ છે તે જ અત્રિ છે; અદ્નો અર્થ મૃત્યુ છે, એમાંથી જે બચાવે છે તે પણ અત્રિ છે; એટલે ધર્મ પણ અત્રિપદ વાચ્ય છે, અદ્ય અર્થાત્ વર્તમાન કાળમાં જે ત્રણ વખત અધિગત નથી થતો, જે અવસ્થા સર્વપાપવિનાશિની છે તેને અરાત્રિ કહે છે, હે સુંદરી, હું અરાત્રિ છું તો મારું નામ અત્રિ છે.’
યાતુધાની બોલી, ‘હે મહામુનિ, તમે મારી આગળ નામ અને અર્થ કહ્યા તે સમજવા અઘરા છે, એટલે તમે જાઓ, સરોવરમાં ઊતરો.’
વસિષ્ઠે કહ્યું, ‘મારું નામ વસિષ્ઠ, મહાન હોવાને કારણે મને વસિષ્ઠ કહે છે. હું ગૃહસ્થાશ્રમમાં વસું છું. એટલે વસિષ્ઠત્વ છું, વાસ કરવાને કારણે વસિષ્ઠ છું, એમ સમજો.’
યાતુધાનીએ કહ્યું, ‘તમે પોતાના નામનો જે અર્થ કહ્યો તેના તો અક્ષરાર્થ પણ સમજી નથી શકાતા. તમે જાઓ, સરોવરમાં ઊતરો.’
કશ્યપ બોલ્યા, ‘હું દરેક શરીરમાં એક છું, એટલે મારું નામ કશ્ય છે. કશ્યની રક્ષા કરું છું, એટલે કશ્યપ છું. જે પૃથ્વી પર વૃષ્ટિ કરે છે તે કુપપ એટલે સૂર્ય, કુ-પપ એટલે બાર સૂર્ય મારો પુત્ર એટલે હું કુપપ છું; દીપ્તિમાન હોવાથી કશ્ય અને કાશ પુષ્પ જેવા કેશ છે એટલે મારું નામ કાશ્ય. આ નામ ધારણ કરો.’
યાતુધાની બોલી, ‘તમે જે રીતે તમારું નામ કહ્યું તે સમજાતું નથી. જાઓ સરોવરમાં ઊતરો.’
ભરદ્વાજે કહ્યું, ‘જે મારા શિષ્ય નથી, જે પુત્ર નથી તેમનું હું પાલન કરું છું. દેવતા, ભાર્યા, દ્વાજ(વર્ણસંકર)નું પાલન કરું છું એટલે હું ભરદ્વાજ છું.’
યાતુધાની બોલી, ‘તમારા નામનો અર્થ, અક્ષરાર્થ કરવા અત્યંત કષ્ટદાયી છે. જાઓ, સરોવરમાં ઊતરો.’
ગૌતમે કહ્યું, ‘જિતેન્દ્રિય હોવાથી ગોપદ, સ્વર્ગ — પૃથ્વીને વશ કર્યાં છે એટલે ગોદમ. બીજા કોઈ મારું દમન કરી શકતા નથી. એટલે અદમ છું. મારી ગો (કિરણ) વડે તમનો નાશ થયો એટલે મારું નામ ગૌતમ.’
યાતુધાનીએ કહ્યું, ‘મારી આગળ તમે જે નામની વ્યાખ્યા કરી તે સમજવાની મારી શક્તિ નથી. જાઓ, સરોવરમાં ઊતરો.’
વિશ્વામિત્ર બોલ્યા, ‘વિશ્વના દેવો મારા મિત્ર છે, હું ગાયોનો — ઇન્દ્રિયોનો મિત્ર છું, એટલે જગતમાં બધા વિશ્વામિત્ર કહે છે.’
યાતુધાની બોલી, ‘તમારા નામનો અર્થ, અક્ષરાર્ધ બહુ કષ્ટથી બોલાય છે, તે સમજી નહીં શકાય. જાઓ, સરોવરમાં ઊતરો.’
જમદગ્નિ બોલ્યા, ‘યજ્ઞના અગ્નિમાંથી હું જન્મ્યો છું. એટલે મારું નામ જમદગ્નિ છે.’
યાતુધાનીએ કહ્યું, ‘તમે જેવી રીતે મારી આગળ તમારું નામ કહ્યું તે સમજવું કઠણ છે. જાઓ, સરોવરમાં ઊતરો.’
અરુંધતી બોલ્યાં, ‘પર્વત, ધરા અને વસુધા — માં વસું છું. પતિની અનુગામિની છું, પતિના મનનો અનુરોધ કરું છું એટલે હું અરુંધતી છું.’
યાતુધાની બોલી, ‘તમારા નામનો અર્થ, અક્ષરાર્ધ બહુ કષ્ટથી બોલાય છે, તે હું સમજી શકતી નથી. તમે જાઓ, સરોવરમાં ઊતરો.’
ગંડાએ કહ્યું, ‘અગ્નિમાંથી સંભવેલી હે કૃત્યા, મોંના એક ભાગને વિદ્વાનો ગંડ કહે છે, મારો કપોલ ઊંચો છે એટલે હું ગંડા.’
યાતુધાનીએ કહ્યું, ‘તમારા નામનો અર્થ અને અક્ષરાર્થ મુશ્કેલીથી બોલાય છે, તે સમજાતો નથી. તમે જાઓ અને સરોવરમાં ઊતરો.’
પશુસખ બોલ્યા, ‘હે પશુઓને જોતાંવેંત તેમની રક્ષા કરું છું, તેમનું મનોરંજન કરું છું, એટલે મારું નામ પશુસખ.’
ધાતુયાની બોલી, ‘તમારા નામનો અર્થ અને અક્ષરાર્થ મુશ્કેલીથી બોલી શકાય, તે સમજાતો નથી. તમે જાઓ. સરોવરમાં ઊતરો.’
શુનસખે કહ્યું, ‘હે ધાતુયાની, આ ઋષિઓએ જેવી રીતે પોતાનાં નામ કહ્યાં, એવી રીતે કહેવાનો ઉત્સાહ મને નથી. એટલે મને શુન:સખા કે ધર્મસખા કે મુનિસખા સમજ.’
ધાતુયાનીએ કહ્યું, ‘તમે સંદિગ્ધ ભાષામાં પોતાનું નામ સમજાવ્યું છે. એટલે ફરી એક વાર સરખી રીતે કહો.’
શુનસખે કહ્યું, ‘મેં એક વાર કહ્યું તેને જો તું સમજી ન હોય તો આ ત્રિદંડના આઘાતથી તરત જ બળીને ભસ્મ થઈ જા.’
યાતુધાની કૃત્યા તે સમયે બ્રહ્મદંડ સમા ત્રિદંડનો માર ખાતાં વેંત પૃથ્વી પર પડી અને ભસ્મ થઈ ગઈ.
શુનસખા તે મહાબળવાન યાતુધાનીને મારીને ભૂમિ પર ત્રિદંડ મૂકીને ત્યાં જ ઘાસ પર બેસી ગયા.
ત્યાર પછી મુનિવૃંદ સ્વેચ્છાએ કમળપુષ્પ અને મૃણાલ લઈને આનંદપૂર્વક સરોવરમાંથી બહાર નીકળ્યા. તેમણે અત્યંત શ્રમપૂર્વક મૃણાલ એકઠા કરી જુદા જુદા બાંધ્યાં, સરોવરકાંઠે મૂકીને સરોવરજળ વડે તર્પણ કરવા લાગ્યા. તેઓ પાણીમાંથી બહાર નીકળ્યા અને જોયું તો ત્યાં એકઠા કરેલાં મૃણાલ ન હતાં.
ઋષિઓ બોલ્યા, ‘અમે ક્ષુધાતુર થઈને જે મૃણાલ લાવ્યા હતા તેને ન જાણે કયા નૃશંસ મનુષ્યે ચોરી લીધાં છે.’
બધા ઋષિઓ એકબીજા પર શંકા કરતા આમ પૂછવા લાગ્યા. ત્યારે બધાને સોગંદ ખાવા કહ્યું. તે બધા ક્ષુધાર્ત હતા, શ્રમથી થાક્યા હતા, એટલે એમ જ કરીશું એમ શુનસખને કહી બધા સોગંદ ખાવા તૈયાર થયા.
અત્રિએ કહ્યું, ‘જેણે મૃણાલ લીધાં છે તેને ગાયનો પગથી સ્પર્શ કરવાનું, સૂર્ય સામે જોઈને પેશાબ કરવાનું અને અનધ્યાયના સમયે અધ્યયન કરવાનું પાપ લાગે.’
વસિષ્ઠે કહ્યું, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તેને લોકોની વચ્ચે અનધ્યાયના સમયે વેદપાઠ કરવાનું, ક્રીડા કે મૃગયા નિમિત્તે કૂતરાઓને આકર્ષવાનું, સંન્યાસી થઈને સ્વેચ્છાચારી બનવાનું, શરણાગતને મારવાનું, શુલ્ક્ લઈને કન્યાવિક્રય કરવાનું, ખેડૂત પાસે ધનની અભિલાષા કરવાનું પાપ લાગે.’
કશ્યપ બોલ્યા, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તેને દરેક વિષય પર વાત કરવાનું, બીજાઓનું ધન લેવાનું અને ખોટી સાક્ષી આપવાનું અને માંસાહાર કરવાનું, વૃથા દાન કરવાનું, દિવસે સ્ત્રીસમાગમ કરવાનું પાપ લાગે.’
ભરદ્વાજ બોલ્યા, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તેને ધર્મત્યાગી થઈને સ્ત્રીજાતિ, કુટુંબીજનો અને ગાયો સાથે નિષ્ઠુર વ્યવહાર કરવાનું કે બ્રાહ્મણને વાદમાં પરાજિત કરવાનું પાપ લાગે. વળી તેને ગુરુને બાજુએ રાખી ઋગ્વેદ, યજુર્વેદનો પાઠ કરવાનું અને તૃણયુક્ત અગ્નિમાં હોમ કરવાનું પાપ લાગે.’
જમદગ્નિએ કહ્યું, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તેને જળમાં વિષ્ટા કરવાનું, દૂધાળુ ગાયને મારવાનું, ઋતુકાળ સિવાય સ્ત્રીસમાગમ કરવાનું પાપ લાગે. જેણે મૃણાલ ચોર્યાં છે તેને બધા સાથે દ્વેષભાવ રાખવાનું, ભાર્યા દ્વારા કમાણી કરવાનું, બાંધવોથી દૂર રહેવાનું, હંમેશાં બધા સાથે વેર રાખવાનું અને પરસ્પર અતિથિ બનવાનું પાપ લાગે.’
ગૌતમ બોલ્યા, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તેને વેદપાઠ કરી એને ત્યજી દેવાનું, ત્રણ અગ્નિ ત્યજી દેવાનું અને સોમરસનું વેચાણ કરવાનું પાપ લાગે. એક માત્ર કૂવાના પાણીથી જે પ્રદેશમાં જીવાતું હોય ત્યાં બ્રાહ્મણ થઈને પણ પૈસા લઈને જે કામ કરે છે તેવા બ્રાહ્મણના જેવું પાપ લાગે.’
વિશ્વામિત્રે કહ્યું, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તે જીવતો હોવા છતાં બીજાઓ તેના ગુરુજનો અને સેવકોનું પાલન કરે, તેને તથા જેની દુર્ગતિ થઈ હોય, જેને પુત્રો હોય તેને જે પાપ લાગે તે પાપ લાગે. જેણે મૃણાલ ચોર્યાં છે તેને અપવિત્ર રહેવાનું, વેદને મિથ્યા માનવાનું, સંપત્તિનો અહંકાર કરવાનું, બ્રાહ્મણ થઈને ખેતી કરવાનું, મત્સરી હોવાનું પાપ લાગે. જેણે મૃણાલ ચોર્યાં છે તેને વર્ષાકાળે યાત્રા કરવાનું, સેવક થવાનું, રાજાના પુરોહિત તથા યજ્ઞના અનધિકારીઓથી યજ્ઞ કરાવવાનું પાપ લાગે.’
અરુંધતી બોલ્યાં, ‘જે સ્ત્રીએ મૃણાલ લીધાં હોય તેને નિત્ય સાસુની નિંદા કરવાનું, પતિનું મન દૂભવવાનું અને એકલા એકલા સ્વાદિષ્ટ ખાવાનું પાપ લાગે. જેણે મૃણાલ ચોર્યાં છે તેને સ્વજનોનો અનાદર કરી ઘરમાં રહેવાનું, દિવસ પૂરો થયા પછી સાથરો ખાવાનું, અભાગી — અવીરની મા હોવાનું પાપ લાગે.’
ગંડા બોલી, ‘જેણે મૃણાલ ચોર્યાં હોય તેને સર્વદા અસત્ય બોલવાનું, સાધુજનોનો વિરોધ કરવાનું, શુલ્ક લઈને કન્યાદાન કરવાનું, રસોઈ કરીને એકલા ભોજન કરવાનું, દાસ્યકર્મ કરીને જીવવાનું, પાપકર્મ કરી મૃત્યુ વહોરવાનું પાપ લાગે.’
પશુસખે કહ્યું, ‘જેણે મૃણાલ ચોર્યાં હોય તેને બીજા જનમમાં દાસ થઈ જન્મ લેવાનું, સંતાનહીન, નિર્ધન હોવાનું અને દેવતાઓને નમન ન કરવાનું પાપ લાગે.’
શુનસખે કહ્યું, ‘જેણે મૃણાલની ચોરી કરી છે, તે બ્રહ્મચારી, યજુર્વેદ જાણનારા કે સામવેદ જાણનારા બ્રાહ્મણને કન્યાદાન કરે, તે બ્રાહ્મણ અથર્વવેદ ભણીને સ્નાતક બને.’
ઋષિઓએ કહ્યું, ‘હે શુનસખ, તમે જે સોગંદ લીધા તે તો, બ્રાહ્મણોની અભિલાષા જ હોય છે, એટલે તમે જ મૃણાલ ચોર્યાં છે.’
શુનસખે કહ્યું, ‘તમે અત્યારે તમારું ધન ન જોઈને કૃતકર્મા થઈ જે વાત કરી તે સત્ય છે, એમાં કશું મિથ્યા નથી. મેં જ મૃણાલ ચોર્યાં છે. આ બધાં મૃણાલ મેં જ લઈ લીધાં છે. મેં તમારી પરીક્ષા કરવા આમ કર્યું છે, તમારી રક્ષા કરવા હું અહીં આવ્યો હતો. અત્યંત ક્રુદ્ધ યાતુધાની કૃત્યા તમને મારી નાખવા માગતી હતી. હે તપોધનો, રાજા વૃષાદર્ભિએ તેને મોકલી હતી, મેં તેને મારી નાખી છે. એ દુષ્ટ પાપિણી કૃત્યા તમારા માટે અગ્નિથી પ્રગટી હતી. હે વિપ્રો, હું આ જ કારણે અહીં આવ્યો હતો, હું ઇન્દ્ર છું. તમે બધા લોભ ત્યાગીને અક્ષય લોક પામ્યા છે. હે દ્વિજગણ, તમે અહીંથી ચાલો. તમે લોકો બહુ જલદી સમસ્ત લોક પામશો.’
પછી મહર્ષિઓ પ્રસન્ન થઈને પુરુંદરને કહેવા લાગ્યા, ‘ભલે એમ થાય.’ એમ કહી બધા દેવરાજ સાથે સ્વર્ગમાં ગયા.
(અનુશાસન પર્વ, ૯૪-૯૫)