ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/દ્રોણાચાર્યના જન્મની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દ્રોણાચાર્યના જન્મની કથા

એક કાળે અગ્નિહોત્ર કરવાની ઇચ્છાથી ભરદ્વાજ મુનિને સ્નાન કરતી ઘૃતાચી નામની અપ્સરાને જોઈ, વાયુને કારણે તેનું વસ્ત્ર સરી ગયું. તેનાથી ઋષિનું વીર્યસ્ખલન થયું. તેમણે તે વીર્ય દ્રોણ — યજ્ઞપાત્રમાં રાખ્યું. તે કળશમાં રહેલા વીર્યથી દ્રોણનો જન્મ થયો. તેમણે વેદ-વેદાંગનું અધ્યયન કર્યું. ધર્મધારી પ્રતાપી ભરદ્વાજે અગ્નિવેશ્ય નામના મહાભાગ ઋષિને અગ્ન્યસ્ત્ર આપ્યાં હતાં. અગ્નિમાંથી જન્મેલા તે ઋષિ અગ્નિવેશ્યે ભારદ્વાજ(દ્રોણ)ને અગ્ન્યસ્ત્ર આપ્યાં. પુષત્ નામના રાજા ભરદ્વાજના મિત્ર હતા, તેમને દ્રુપદ નામનો પુત્ર હતો. ક્ષત્રિયશ્રેષ્ઠ તે દ્રુપદ નિત્ય આશ્રમમાં આવીને દ્રોણની સાથે રમતા હતા અને સાથે સાથે ભણતા પણ હતા. પુષત્ રાજાના અવસાન પછી મહાભુજ દ્રુપદ પાંચાલ દેશના રાજા બન્યા. તે સમયે ઋષિ ભરદ્વાજ પણ સ્વર્ગવાસી થયા, તે મહાયશસ્વી દ્રોણે પુત્રકામનાથી પિતાએ કહી રાખ્યું હતું એટલે શારદ્વાતની કન્યા કૃપી સાથે લગ્ન કર્યુ. અગ્નિહોમ કરતી, ઇન્દ્રિયોનું દમન કરતી અને ધર્મમાં રત રહેતી તે ગૌતમપુત્રીએ અશ્વત્થામા નામના પુત્રને જન્મ આપ્યો. જન્મતાવેંત તે પુત્રે ઉચ્ચૈ:શ્રવા અશ્વની જેમ અવાજ કર્યો ત્યારે આકાશમાં રહેલા કોઈ અદૃશ્ય પ્રાણીએ કહ્યું, અશ્વની જેમ અવાજ કરનાર આ બાળકનો શબ્દ (સ્થામ) વિવિધ દિશાઓમાં પહોંચ્યો છે એટલે આ બાળક અશ્વત્થામા નામથી પ્રસિદ્ધ થશે. ભરદ્વાજપુત્ર (દ્રોણ) તે પુત્રથી પ્રસન્ન થયા અને ત્યાં જ રહીને ધનુર્વેદમાં લીન રહ્યા. તેમણે પરંતપ (શત્રુઓને પીડનાર) મહાન જમદગ્નિના પુત્ર પરશુરામ વિશે સાંભળ્યું. તેઓ બ્રાહ્મણોને પુષ્કળ ધન આપતા હતા.

વનમાં જવા તત્પર પરશુરામને દ્રોણે કહ્યું, ‘હું ધનની ઇચ્છાથી આવેલો દ્વિજશ્રેષ્ઠ દ્રોણ છું.’

પરશુરામે કહ્યું, ‘મારી પાસે જે ધન, સુવર્ણ હતાં તે બધું જ બ્રાહ્મણોને આપી દીધું છે. હવે મારી પાસે કશું નથી. તેવી જ રીતે ગ્રામ અને નગરોથી શોભતી, સાગર સુધીની આ ધરા પણ કશ્યપને આપી દીધી. હવે મારી પાસે માત્ર શરીર જ છે, અને મોેટાં મોટાં અસ્ત્રશસ્ત્ર છે, હે દ્રોણ, બોલ આ બેમાંથી શું જોઈએ છે? તે તને આપું.’

દ્રોણે કહ્યું, ‘હે ભાર્ગવ, પ્રયોગ, સંહાર અને રહસ્યોની સાથે આ સમગ્ર શસ્ત્રો મને આપો.’

‘તથાસ્તુ’ કહીને તેમને સંપૂર્ણ અસ્ત્ર, રહસ્યો અને ધનુર્વેદ આપ્યાં. દ્વિજશ્રેષ્ઠ દ્રોણ આ બધાં જ અસ્ત્રો લઈને પ્રસન્ન ચિત્તે પ્રિય સખા દ્રુપદ પાસે ગયા, અને તે પ્રતાપી ભારદ્વાજે (ભરદ્વાજપુત્ર દ્રોણ) પૃષત્પુત્ર દ્રુપદને કહ્યું, ‘હે રાજન્, મને તમારો મિત્ર માનો.’

દ્રુપદે ઉત્તર આપ્યો, ‘હે દ્વિજ, તારી બુદ્ધિ પક્વ નથી થઈ, કારણ કે તેં એકાએક કહી દીધું, ‘હું તારો મિત્ર છું.’ હે મંદબુદ્ધિ, શ્રીમંત રાજાઓ લક્ષ્મીહીન નિર્ધનો સાથે મૈત્રી કરતા નથી. કાળ બધું જ નષ્ટ કરી દે છે, સૌહાર્દ (મૈત્રી) પણ નાશ પામે છે; અગાઉ સમાન સામર્થ્યને કારણે મૈત્રી થઈ હતી. આ લોકમાં મૈત્રી કદી, ક્યાંય ચિરંજીવ નથી થતી, કામથી તે દૂર થાય છે અથવા ક્રોધ તેને નાશ કરે છે. એટલે તું જીર્ણ મૈત્રીની ઉપાસના ના કર, નવી મૈત્રી કર. તારી — મારી મૈત્રી અર્થને કારણે હતી, દરિદ્ર ધનવાનનો મિત્ર ન થાય, અવિદ્વાન વિદ્વાનનો મિત્ર ન થાય, નપુસંક કદી શૂરવીરનો મિત્ર ન થાય, તો પછી તું પૂર્વકાળની મૈત્રી શા માટે ઇચ્છે છે? જેઓ ધનમાં, કુળમાં સમાન છે તેઓ જ મિત્ર બની શકે, તેમની વચ્ચે જ લગ્નસંબંધ થાય, પુષ્ટ અને અપુષ્ટમાં મૈત્રી ન થાય. જે શ્રોત્રિય નથી તે શ્રોત્રિયનો મિત્ર ન થાય, રથવાળો રથરહિતનો મિત્ર ન થાય, રાજા ન હોય તે રાજાનો મિત્ર ન થઈ શકે, તો તું પહેલાની મૈત્રી શા માટે ઇચ્છે છે?’

દ્રુપદે આમ કહ્યું એટલે પ્રતાપી ભારદ્વાજે ક્રોધે ભરાઈને થોડી વાર વિચાર કર્યો. તે બુદ્ધિમાન મનમાં ને મનમાં પાંચાલ રાજાને કેવી રીતે હરાવવો તેનો વિચાર કરી કુરુઓના નગરમાં ગયા.

(આદિ પર્વ, ૧૨૧-૧૨૨)